નવા અર્થઘટનો – ચંદ્રકાન્ત બક્ષી

[ ‘ગુજરાતી જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી’ અંતર્ગત ઈ.સ. 1989માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘આનંદરમૂજ’ ભાગ-1માંથી સાભાર.]

[dc]દ[/dc]રેક શબ્દનો એક અર્થ હોય છે. પણ એ અર્થ હંમેશાં સ્થિર હોતો નથી. સમય-અસમય એ અર્થ બદલાઈ જાય છે અથવા એનું અર્થઘટન બદલાઈ જાય છે. અહીં થોડા શબ્દોના નવા અર્થઘટનની કોશિશ કરવામાં આવી છે :

કવિ : વસંતઋતુની ગાર્ડન પાર્ટીમાં સામે બેઠેલી સ્ત્રીને ન જુએ પણ રાતના આકાશના અડધા ચાંદને તાક્યા કરે એ.

પ્રામાણિકતા : સફેદ દાઢીમાંથી કાળા વાળ તોડવાની અદમ્ય વૃત્તિ.

પ્યાજ : પ્રભુની એવી કરામત કે એને છિલતા જાઓ ત્યારે એકીસાથે હસી અને રડી શકાય.

ટુરિસ્ટ : રસ્તા પર ટ્રાફિક ન હોય પણ લાલ લાઈટ જુએ તો એ જોઈને રસ્તો ક્રોસ ન કરે એવો માણસ.

હાર્ટ-એટેક : શરીરની મન સાથેની ‘દિલ્લગી’.

વાનપ્રસ્થાશ્રમ : જીવનનો એ કાળ જ્યારે દરેક આવતી કાલનો દિવસ રવિવારનો દિવસ અને દરેક આવતી કાલની રાત શનિવારની રાત હોય છે.

માલિશ : કોઈ આપણને કસરત કરી આપે એવી વ્યવસ્થા.

આંખ : શરીરનો સૌથી નગ્ન ભાગ.

બાળક : જેનું આગમન ઘરની વસ્તુઓમાં અસંતુલન અને વ્યક્તિઓમાં સંતુલન લાવે છે.

લગ્ન : બે વ્યક્તિઓ કે પક્ષો વચ્ચેનો એવો કરાર કે જેમાં છેલ્લી તારીખ નથી હોતી.

સાચો ગાંધીવાદી : જે ગાંધીજી કરતાં પણ વધારે ગાંધીજીના ત્રણ વાંદરાઓનું અનુકરણ કરે છે.

બૂઢાપો : હુકમના પાનાં, જે રમવાની મજા આવે છે, પણ હાથમાંની બાજીમાં એ છેલ્લાં હોય છે.

ફરજ : બીજાઓની આપણા તરફની જન્મસિદ્ધ જવાબદારી.

મેક-અપ : જે પુરુષ નાહ્યા પહેલાં અને સ્ત્રી નાહ્યા પછી કરે છે.

ગરીબી-રેખા : ફેક્ટરીઓમાં અપાતા મેનેજરના કંપની લંચ અને ઓફિસરના કંપની લંચની વચ્ચેથી પસાર થતી રેખા.

અર્થશાસ્ત્રી : જેને દેશની જરૂરના દસ લાખ ક્વિન્ટલ ઘઉંની આયાતના કેટલા લાખ ડોલર ચૂકવાયા એ ખબર છે પણ પત્ની મોદીને ત્યાંથી 5 કિલો ઘઉં લાવી છે એના કેટલા રૂપિયા થયા છે એ ખબર નથી એવું પ્રાણી.

આશાસ્પદ લેખક : માત્ર વિવેચકો જ અડધા વાંચી શકતા હોય એ પ્રકારના લેખક.

ગરીબ : જેને એક જ પડછાયો હોય.

પૈસાદાર : જેને એકથી વધારે પડછાયા હોય કારણ કે એને ત્યાં વધારે લાઈટો હોય છે.

કોમ્પ્યુટર : એવું યંત્ર કે જેને પોતે શું કરી શકતું નથી એની બરાબર ખબર નથી. એ હસી શકતું નથી, પોતાની ભૂલ એ પકડી શકતું નથી, ભૂલી શકતું નથી.

ભદ્ર પુરુષ : વેશ્યાની કુંડળીમાં મંગળ છે કે નહીં એ નક્કી કરીને જ આગળ વધનારો પુરુષ.

એમેટર : જે શરાબ પીતાં પીતાં ફક્ત શરાબ વિષે જ વાતો કરે છે.

ભૂલ : પહેલી વાર કરતાં જ થોડી તકલીફ પડે છે, પછી તો આપોઆપ થતી રહે છે.

મોઢું : પુરુષ માટે કહેવાનું અને સ્ત્રી માટે વાત સંતાડવાનું દ્વાર.

બેરિસ્ટર : મહારાષ્ટ્રના રાજકારણમાં બદનામ થતા દરેક રાજકારણી માટે વપરાતો ઉપસર્ગ. દષ્ટાંત : બેરિસ્ટર અંતુલે, બેરિસ્ટર ભોંસલે, બેરિસ્ટર આદિક વગેરે.

પાડોશી : જેની સાથે કંઈ જ ન થયું હોય અને અબોલા થઈ જાય એ.

પ્રાર્થના : પોતાને સંભળાવવાનું ગીત, જેમાં બીજાની જરૂર રહેતી નથી.

અરીસો : એક બેવફા ઉપકરણ જે આપણો હોવા છતાં દર વખતે આપણો જ ચહેરો બતાવતો નથી.

લેખક : એવી વ્યક્તિ જે પોતાને ગમે છે એ શોખથી લખે છે.

વિવેચક : એવી વ્યક્તિ જે જિંદગીભર પોતાને ગમતું નથી એ જ ચિડાઈ ચિડાઈને લખ્યા કરે છે.

બુદ્ધિજીવી : ફિલસૂફ આલ્ડસ હકસલીના મત પ્રમાણે એવો માણસ જેને સેક્સ સિવાય બીજી બાબતોમાં પણ રસ છે.

ગુજરાતી બુદ્ધિજીવી : જેણે ગાવસ્કર અને અમિતાભ સિવાય બીજાં નામો પણ સાંભળ્યાં છે.

સુપર : અંગ્રેજીમાંથી આવેલો ગુજરાતી શબ્દ જેનો ગુજરાતી અર્થ થાય છે ‘સામાન્ય’.

વિદ્વત્તા : પિસ્તાલીસ મિનિટના પ્રવચન પછી જે આ પ્રમાણે સારભૂત નિષ્કર્ષ કાઢી શકે છે : ‘મચ્છરને શોધનાર એક માણસ હતો જેને મચ્છરે શોધી કાઢ્યો હતો.’ એની ક્વેશ્ચન્સ ?

પેન્શન : એનો નવો ગુજરાતી પર્યાય છે ‘સેવાકર’.

પ્રસન્ન દામ્પત્ય : પતિ-પત્નીમાં ઝઘડા ચાલ્યા કરે પણ વિષય ન બદલાય એ આદર્શ સ્થિતિ.

આવતી કાલ : બાકીની જિંદગીનો પહેલો દિવસ.

ડીસ્કો : કબજિયાતને ત્રીજે દિવસે આખા શરીરમાંથી ફૂટી નીકળતું ભાવ-પ્રદર્શન.

પ્રેમ : મન, વચન અને કાયાથી પ્રભુતા બતાવવાનો ઉદ્યમ…. પ્રભુતામાં પગલાં પડી ગયાં પછી એમાં પ્રમાણભાન આવે છે અને એ ઉદ્યમ ઉદ્યોગરૂપે વિકાસ પામે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “નવા અર્થઘટનો – ચંદ્રકાન્ત બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.