- ReadGujarati.com - http://www.readgujarati.com -

પ્રકૃતિ ઉપર પ્રભુત્વ એટલે પરાજયનું પોટલું – દિનકર જોષી

[‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-2012માંથી સાભાર. આપ શ્રી દિનકરભાઈનો (મુંબઈ) આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

[dc]ઓ[/dc]છું શિક્ષણ અને નીચલા મધ્યમ વર્ગની આર્થિક અવસ્થા એવા એક પરિવારની આ વાત છે. વૃદ્ધ માતાપિતા, ઘરનો મોભી કહી શકાય એવો કમાતોધમાતો દીકરો, એની પત્ની, બે સંતાનો અને એક અપરિણીત બહેન. આવડા આ સંસારમાં એક કપરી સમસ્યા પેદા થઈ. મોભી કહેવાય એવા આ દીકરાને સંગત ફેર થઈ ગઈ અને કોઈક કાળ ચોઘડિયે એ શરાબના રવાડે ચડી ગયો. પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. આખું ઘર ભારે તંગ મનોદશામાં મૂકાઈ ગયું. આર્થિક પાસું નબળું તો હતું જ, એ બેહાલ થઈ ગયું. ચિક્કાર પીધેલી હાલતમાં આ દીકરાએ વેળા કવેળા બહાર પડી રહેવાનું શરૂ કર્યું. પીધેલી અવસ્થા ન હોય ત્યારે બધા સમજાવે, એ સમજે પણ ખરો, એકેય વાતનો જવાબ ન વાળે અને મૂંગો બેસી રહે પણ સાંજ પડ્યે પાછું બધું એનું એ થઈ જાય.

એના વૃદ્ધ પિતા મારા પરિચિત હતા. એમણે એકવાર આ પુત્રને સમજાવવાનું કામ મને સોંપ્યું. આ શરાબી પુત્ર હવે ક્યારેક રસ્તા ઉપર પણ પડી રહેતો. એકવાર હું એને મારી સાથે લઈ આવ્યો. એનું સ્વાસ્થ્ય સાવ નંખાઈ ગયું હતું. મેં એને ધીરે ધીરે ખૂબ સમજાવ્યો. એ સમજ્યો પણ ખરો-પોતાની તથા પરિવારની અવદશા થઈ રહી હતી એનાથી એ સભાન પણ હતો. મારી બધી વાત સાંભળ્યા પછી એ રડી પડ્યો અને માત્ર આટલું જ બોલ્યો – ‘કાકા, તમે જે કંઈ કહો છો એ બધું મારા હિત માટે અને મારા કુટુંબના ભલા માટે કહો છો એ હું બરાબર સમજું છું. જે થઈ રહ્યું છે એ ભારે ખરાબ છે એની મને પણ ખબર છે પણ શું કરું કાકા ! હવે મારાથી પીધા વિના રહેવાતું નથી અને આ નશો જ મારો જીવ લેશે એ વાત નક્કી છે.’

આ વાતને ઘણાં વરસો વીતી ગયાં છે. હજુ એકાદ મહિના પહેલાં જ એક સુસંપન્ન પરિવારના શિક્ષિત બુદ્ધિશાળી અને પ્રતિષ્ઠિત કહેવાય એવા યુવાને વાત વાતમાં પોતાનું દિલ ખોલી નાખતાં કહ્યું : ‘કાકા, મારો સ્વભાવ બહુ ઉગ્ર છે. મને જ્યારે ક્રોધ ચડે છે ત્યારે કોઈ વાતનું ભાન રહેતું નથી અને ગમે તેવા આદરણીય વડીલને કે પછી નાના બાળકને સુદ્ધાં ગમે તેમ હડધૂત કરું છું, ગાળો બોલું છું અને ક્યારેક તો મારી પણ બેસું છું. આ પછી મારી ભૂલ મને સમજાય છે અને પસ્તાવો પણ થાય છે. મને ખબર છે કે આનું પરિણામ એ આવ્યું છે કે મારી આ પ્રકૃતિને કારણે મારા સ્વજનો સુદ્ધાં મારાથી દૂર રહે છે.’

ઉપરની બંને ઘટનાઓમાં દેખીતી રીતે બે જુદા જુદા માણસો હોવા છતાં વાસ્તવમાં એ એક જ માણસ છે. આ માણસનું નામ દુર્યોધન છે. મહાભારતના કથાનકોમાં એવું કહેવાય છે કે દુર્યોધને એકવાર એવું કહ્યું હતું કે,
जानामि धर्मम न च मे प्रवृति ।
जानाम्यधर्मम न च मे निवृति ॥
ધર્મ શું છે એ હું જાણું છું અને અધર્મ શું છે એ પણ હું જાણું છું. આમ છતાં, હું ધર્મ આચરી શકતો નથી અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી. એક રીતે જોઈએ તો આપણે બધા દુર્યોધનના જ વંશજો છીએ. દુર્યોધને હજારો વરસ પહેલાં પોતાની જે વાત કરી હતી એ વાત વધતા ઓછા અંશે આપણા બધામાં આજેય એવીને એવી જ છે. જીવનમાં ડગલે ને પગલે નાની મોટી એવી અનેક ઘટનાઓમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ કે જેમાં એક બિંદુએથી બે માર્ગો ફંટાતા હોય છે. આ બે માર્ગો પૈકી એક શ્રેયનો માર્ગ હોય છે અને બીજો પ્રેયનો હોય છે. સરેરાશ બુદ્ધિશાળી માણસ આ બંને માર્ગને તરત ઓળખી કાઢે છે પણ પછી પ્રેયના માર્ગે જવાથી થનારા તત્કાલિન લાભ એ છોડી શકતો નથી. આવું બનવાનું કારણ એનો અહંકાર હોય છે. પોતે જો પ્રેયના માર્ગે નહિ જાય તો પૈસા, પ્રતિષ્ઠા કે આવું કંઈક ખોઈ નાખવાની સંભાવના હોય છે. શ્રેયના માર્ગે જે વળતર હોય છે એ લાંબા ગાળાનું હોય છે. માણસ આ કરી શકતો નથી. સમજવા છતાં લાલચ એની ઉપર સવાર થઈ જાય છે, ટૂંકા ગાળાના નજીવા લાભ સામે એ લાંબા ગાળાનો મહત્વનો લાભ નજર અંદાજ કરે છે.

ઉપરના બંને કિસ્સાઓમાં સમજદારી તો છે જ. બંને વ્યક્તિઓ મૂળભૂત રીતે ખરાબ વ્યક્તિઓ નથી. આમ છતાં જે ખરાબી છે એને ત્યજી શકતા નથી. આ માનવજીવનની સહુથી મોટી કરુણાંતિકા છે. આ મુદ્દો થોડુંક વધુ ઊંડા ઉતરીને સમજવા જેવો છે. કેટલીક વાર એવું બને છે કે આપણે કોઈક જગ્યાએ અચાનક જ જઈએ છીએ. આ જગ્યા આમ તો બીજી બધી રીતે સામાન્ય જ હોય છે. એ જગ્યામાં જે ઘર બાંધેલું હોય, ઝાડપાન ઉગેલાં હોય, ખુલ્લું મેદાન હોય કે પછી એક ઓટલો હોય – આમાં કશી નવીનતા નથી. આ જગ્યાએ આપણે અગાઉ કદી આવ્યા પણ હોતા નથી અને આમ છતાં ત્યાં જતાવેંત આપણને કોઈક ભારે શાંતિ કે નિરાંતની લાગણી થાય છે. આવું થવાનું કોઈ દેખીતું કારણ આપણને જડતું નથી. એ ક્ષણે આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે અહીં સારું લાગે છે. આથી ઉલટું, કોઈકવાર એવું પણ બને છે કે આવી જ કોઈક સાવ અજાણી અમુક તમુક જગ્યાએ જવાથી આપણા મનમાં અકારણ જ અવસાદ છવાઈ જાય છે. એ જગ્યા સાથે આપણા મનમાં કોઈ ગમો કે અણગમો આ પૂર્વે મુદ્દલ નહોતો અને આમ છતાં પહેલી જ મુલાકાતે આપણને અહીં નથી ગમતું એવો ભાવ થાય છે. આનું કારણ આવા અનુભવમાંથી પસાર થયેલો દરેક માણસ પોતાની રીતે સમજે છે અથવા સમજાવે છે. આ સમજણ સાવ સાચી નથી હોતી, એ નરી વ્યક્તિગત ધોરણે હોય છે. એક રીતે જોઈએ તો એ માત્ર સમાધાન હોય છે. દરેક ન સમજાતી અગમ્ય વાત પોતે સમજે તો જ સાચી કહેવાય એવું માનવું કે મનાવવું એને બેવકૂફી ન કહીએ તો પણ ભોળપણ તો કહેવાય જ.

સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી, પ્રકાશનાં કિરણો પૃથ્વી ઉપર સતત રેલાતાં જ હોય છે. પ્રકાશને પામવાની પૂર્વશરત એ હોય છે કે આપણે આપણા ઘરનાં બારીબારણાં ખૂલ્લાં રાખવાં જોઈએ. આપણા રક્ષણ માટે આપણે ઘર બનાવીએ છીએ. આ ઘરમાં ચારે બાજુ દીવાલો રચી કાઢીએ છીએ. રચાયેલી આ દીવાલોમાં બારીબારણાં, જાળી, સળિયા આ બધું સજ્જડ કરી દઈએ છીએ અને પછી એની ઉપર સુશોભિત પડદાઓ પણ નાખી દઈએ છીએ. આ બધું જરૂરી નથી એવું કહેવાનો આશય નથી પણ આ બધાનો ઉપયોગ એવો વિવેકપુરઃસર થવો જોઈએ કે સ્વાસ્થ્યવર્ધક પ્રકાશ અવરોધાય નહિ અને પૂરતા પ્રમાણમાં એ આપણને મળી રહે. મોટેભાગે બને છે એવું કે આપણે પ્રકાશ રોકી દઈએ છીએ અને પછી ખંડમાં અંધારું લાગવા માંડે એટલે વીજળીનો દીવો ચાલુ કરીએ છીએ. લાંબા ગાળે આ વીજળીના દીવાના પ્રકાશથી એવા ટેવાઈ જઈએ છીએ કે એને જ સાચો પ્રકાશ માનવા માંડીએ છીએ. ઉપર જે દુર્યોધનનાં બે ઉદાહરણો ટાંક્યાં છે એ દુર્યોધનો પ્રકાશનાં કિરણો નહોતા ઝીલી શકતા એવું નહોતું. બંનેએ જ્યારે પ્રકાશનું કિરણ ઝીલ્યું હશે ત્યારે જ તો પોતે જે કરી રહ્યો છે એ ખોટું છે એ એમને સમજાયું હશે. પણ આ કિરણ એમને એક ઝબકારા સ્વરૂપે પ્રાપ્ત થયું હશે. વીજળીના ઝબકારાની ક્ષણે સોયમાં દોરો પરોવી લેવાની જે વાત ગંગાસતીએ કહી છે એ વાત કંઈ બધાને લાગુ પડતી નથી.

હવે રેડિયાનો જમાનો શહેરી વિસ્તારોમાં તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. મોટાભાગની તરુણ પેઢી કદાચ હવે રેડિયોના તંત્ર વિજ્ઞાનથી ખાસ પરિચિત પણ નહિ હોય. સાઠ સિત્તેર વરસ પહેલાં ઘરમાં રેડિયો હોવો એને પરિવારની શાન માનવામાં આવતી હતી. આ રેડિયોમાં મીડિયમ વેવ, શોર્ટ વેવ 1, શોર્ટ વેવ 2 એમ જુદા જુદા બેન્ડ આવતા. દુનિયાભરના રેડિયો સ્ટેશનો એના ચોક્કસ વિદ્યુત તરંગોથી ચોવીસે કલાક કાર્યક્રમો તો પ્રસારિત કરતા જ રહેતા હોય છે પણ આપણે જે કોઈ ચોક્કસ કાર્યક્રમ સાંભળવો હોય એ માટે આપણે રેડિયો સેટ ગોઠવવો જોઈએ. રેડિયો સેટમાં રહેલો કાંટો અત્યંત સંવેદનશીલ હોય છે એટલે એક દોરવા સુદ્ધાંના ફેરફારથી ધાર્યું સ્ટેશન ખસી જતું હોય છે. પરમાત્મા દ્વારા પ્રકાશનાં કિરણો પૃથ્વી ઉપર સતત ઉતરતાં હોય છે પણ આપણે આપણો રેડિયો સેટ એ કિરણને ઝીલી લેવાય એ રીતે ક્યારેક જ ગોઠવતા હોઈએ છીએ. બને છે એવું કે કાંટાની હેરફેર કરવા જતાં એકાએક જ પરમાત્માનું કિરણ ઝીલાઈ જાય અને ત્યારે આપણામાં વસેલો દુર્યોધન બોલી ઊઠે છે કે,
जानामि धर्मम न च मे प्रवृति ।
जानाम्यधर्मम न च मे निवृति ॥

પણ એ પછી તરત જ આપણે કાંટો ફેરવી નાખીએ છીએ અને પેલું કિરણ અદશ્ય થઈ જાય છે. પશુ પંખીઓ જે ઉચ્ચારો કરે છે એને આપણે સામાન્ય રીતે ભાષા નથી કહેતા. હકીકતે પ્રત્યેક પશુ પક્ષીના ઉચ્ચારોમાં જુદી જુદી અભિવ્યક્તિ હોય છે. આ અભિવ્યક્તિ એનું અર્થઘટન છે. આ અર્થઘટન તેઓ પરસ્પર સમજે છે. કાગડો ભય સૂચક ‘કા કા કા’ કરે છે ત્યારે બીજા કાગડાઓ આ ભયની સૂચના સમજી જાય છે. એ જ રીતે, કોઈક ખાદ્ય પદાર્થનો જથ્થો નજરે પડતાં આ જ કાગડો જે ‘કા કા કા’ કરે છે એનો અવાજ આપણને ભલે એકસરખો લાગતો હોય પણ બીજા કાગડાઓ સમજી જાય છે કે આ જ્યાફતનું નોતરું છે. માણસ સિવાયનાં તમામ પ્રાણીઓને એની અભિવ્યક્તિની આ સહજતા મળેલી છે. માણસનું આવું નથી. માણસના ઉચ્ચારોને આપણે ભાષા કહીએ છીએ. માણસ જ્યારે પોતાની ભાષાનો વિનિયોગ કરે છે ત્યારે એ ભાગ્યે જ સહજ હોય છે. કોઈપણ વાત કરતી વખતે એના મનમાં અનેક ગણતરીઓ ચાલતી હોય છે, કોઈને શું લાગશે કે પોતે કેવો દેખાશે એની ચિંતા માત્ર માણસ જ કરે છે. બીજાં કોઈ પ્રાણીઓ આવું કરતાં નથી.

કોઈ માણસ લોભી પ્રકૃતિનો હોય ત્યારે એ ઊંડે ઊંડે જાણતો પણ હોય છે કે પોતાની પ્રકૃતિની તરાહ લોભી છે પણ લોભી હોવું એ સદગુણ નથી એ સમજણ તો એને હોય જ છે. પોતે લોભી હોવા છતાં લોભી નથી એવું જાહેરમાં દેખાઈ ન આવે એટલે એ પોતાના લોભને કરકસરનું નામ આપીને વગર પૂછ્યે જ જાતનો બચાવ કરવા માંડે છે. લોભ ક્યારે પૂરો થાય અને કરકસર ક્યારે શરૂ થાય એની કોઈ ચોક્કસ માર્ગરેખા હોતી નથી. સ્થળ કાળના સંદર્ભમાં વિવેકબુદ્ધિથી આ બે વચ્ચેનો ભેદ પારખી શકાય છે. એ જ રીતે કોઈ તોછડો કે અવિવેકી માણસ પોતાની તોછડાઈ કે અવિવેકને સમજતો જ હોય છે એટલે એક ધ્રુવ પંક્તિ જેવું વાક્ય એ અકારણ જ વાતવાતમાં બોલી ઊઠતો હોય છે – ‘મારાથી ખોટું સહન થાય જ નહિ. મારાથી ગોળ ગોળ વાત થઈ શકતી જ નથી. જે કંઈ સાચું લાગે એ બોલ્યા વિના મારાથી રહેવાતું જ નથી.’ દેખીતી રીતે જ પોતાની નિર્બળતા છૂપાવવા માટે એ આવાં સુવાક્યોનાં આભૂષણો આગળ ધરીને પોતે અલંકૃત છે એવું દેખાડતો હોય છે. એ જરૂરી નથી કે આ બધું સભાનાવસ્થામાં જ થતું હોય. માણસના અંતર મનમાં આ બધી પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે અને આ પ્રક્રિયાઓના ફળ રૂપે જ એનું વર્તન સહજતાથી બદલાઈ જતું હોય છે.

કાગડો આદિ કાળમાં કાળો હતો અને આજે પણ કાળો છે. હિંદુસ્તાનમાં એ કાળો છે અને અમેરિકામાં પણ એ કાળો જ છે. કોઈ કાળા કાગડાએ ગોરા દેખાવાની કોશિશ કરી હોય એવું આપણે કલ્પી પણ શકતા નથી. પ્રાણી માત્ર માટે આ જ નિયમ શાશ્વતીના ધોરણે પ્રવર્તમાન છે. એકમાત્ર માણસ જ આમાં અપવાદ છે. આંખે ઓછું દેખાતું હોય ત્યારે રોજિંદા સહજ વ્યવહારમાં માણસને મુશ્કેલી પડે. એ મુશ્કેલી નિવારવા માટે એ ચશ્માં પહેરે તો એમાં કશું ખોટું નથી પણ જો કાળક્રમે, પ્રકૃતિના નિયમ અનુસાર એના કાળા વાળ સફેદ થવા માંડે તો એના કારણે માણસે શરમિંદા થવાની કોઈ જરૂર ન હોય. વાળ સફેદ હોવા છતાં બીજાને એ કાળા દેખાય એવા પ્રયત્નો દેખીતી રીતે જ અપ્રાકૃતિક, બાલિશ અને હાસ્યાસ્પદ પણ લાગે છે. આનું કારણ એ છે કે એના વાળ કાળા હોય કે સફેદ એનાથી એના રોજિંદા વ્યવહારમાં કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. ચશ્માં કે શ્રવણ યંત્રના કિસ્સામાં આવું કહી શકાય એમ નથી. આ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો પ્રાદુર્ભાવ એકીસાથે થયો હશે કે પછી જુદા જુદા જંતુઓએ ક્રમિક વિકાસ સાધીને એની આજની અવસ્થા પ્રાપ્ત કરી હશે એ વિશે કશું ખાતરીપૂર્વક જો સ્વીકારીએ તો હજારો વરસ પહેલાંનો વાંદરો આજે માણસ બન્યો છે અને જો આ વાત સાચી હોય તો ઋગ્વેદ કાળનો કૂતરો હજુ કેમ કૂતરો જ રહ્યો છે એવો પ્રશ્ન જરૂર થાય. એટલું જ નહિ, ક્રમિક વિકાસના સિદ્ધાંત પ્રમાણે જ આજનો માણસ થોડીક શતાબ્દીઓ પછી કોઈક બીજું જ પ્રાણી બની જાય એવું માનવું પડે. છેલ્લાં ચાર પાંચ હજાર વરસના માણસના જે અવશેષો મળે છે એ તો નિઃસંદેહ પુરવાર કરે છે કે આ ક્રમિક વિકાસ મુદ્દલ થયો નથી.

આમ છતાં એક વાત નિર્વિવાદ છે કે પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પામવા માટે એકમાત્ર માણસે જ પ્રયાસ કર્યો છે. અન્ય પ્રાણી માત્રે પ્રકૃતિનો યથાતથ સ્વીકાર કર્યો છે. માણસે આવો પ્રયત્ન કરીને કેટલીક સફળતા મેળવી હોવાનો દાવો પણ કર્યો છે. દેખીતી રીતે ક્યાંક આવો દાવો ટકોરાબંધ પણ લાગે છે પણ જરાક ઊંડા ઉતરીએ છીએ ત્યારે પ્રકૃતિનું પરમ સત્ય પ્રગટ થાય છે. આ પરમ સત્ય આપણા કાન પકડીને આપણું ધ્યાન દોરે છે કે આવો દાવો વાસ્તવિકતા નહિ પણ પોકળ હોય છે. આ વાત સમજવા માટે એક ઉદાહરણ લઈએ. પૃથ્વી પર 70% જેટલો ભૂવિસ્તાર જળ વડે ઢંકાયેલો છે. લગભગ 30% જેટલા વિસ્તારની ધરતી જ નક્કર પોપડો છે. આ પોપડા ઉપર વસ્તી પ્રજા સમુદ્રનો જળ રાશિ પૂરીને વધુ જમીન મેળવવા માટે મથામણ કરે છે. આવી મથામણને એ રી-કલેમેશન કહે છે. મુંબઈનો નરીમાન પોઈન્ટ તથા કફ પરેડ જેવો વિસ્તાર રી-કલેમેશન છે. જ્યારે મુંબઈના કાંઠે વસતા લોકો સમુદ્ર પાસેથી એક-બે કિલોમીટર વિસ્તાર આંચકી લે છે ત્યારે એટલો જ જળરાશિ બીજા કોઈક કાંઠે ધસી જઈને ઉજ્જડ ભૂમિને પાણીમાં ડૂબાડી દે છે. આમ 70% જળ વિસ્તાર અને 30% ભૂમિ વિસ્તાર એ પ્રમાણ તો યથાવત જ રહે છે.

થોડાં વરસો પહેલાં ચીનની સામ્યવાદી સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કૃષિ ઉત્પાદન મોટા પ્રમાણમાં હતું પણ સર્પોનો ઉપદ્રવ પણ ભારે હતો ત્યાં સર્પોને મારી નાખવાનું અભિયાન ચલાવ્યું હતું. ખેડૂતો રાતદિવસ પોતાના ખેતરોમાં કામ કરતા હોય ત્યારે એમને મોટા પ્રમાણમાં સર્પ ડંખનો ભય રહેતો. આવા સર્પ ડંખને કારણે કસમયના મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું. સરકારી અભિયાનને કારણે મોટા પ્રમાણમાં સર્પોને મારી નાખવામાં આવ્યા. આ પછી તરત જ કૃષિ ઉત્પાદનના જે આંકડાઓ ઉપલબ્ધ થયા એમાં એવું દેખાઈ આવ્યું કે સર્પનાશ પછીના ત્રણ કે ચાર વરસમાં ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતું. સર્પનાશને અને કૃષિ ઉત્પાદનને કશોક સંબંધ હોવો જોઈએ એવો પ્રશ્ન પેદા થયો એટલે એનાં તમામ પાસાંઓની તપાસ કરવામાં આવી. આ તપાસને અંતે એવું ફલિત થયું કે ખેતરોમાં એક ખાસ પ્રકારનાં જંતુઓની સંખ્યા અનહદ વધી ગઈ હતી. આ જંતુઓ ખેતરોમાં પેદા થતા પાકને ખાઈ જતાં હતાં. જે સર્પો નાશ પામ્યા એ સર્પો માટે આ જંતુઓ એમનો આહાર હતા. સર્પો નાશ પામવાને કારણે આ જંતુઓ સતત વધતાં રહ્યા અને એના કારણે પાક ઘટતો ગયો. કુદરતે જે નિર્માણ કર્યું છે એ બધું જ ભારે પ્રમાણસર છે એનો સ્વીકાર કરીને આ પછી સર્પોને ઉછેરવાનું નવું અભિયાન શરૂ કરી દીધું.

એકાદ સૈકા પહેલાં એક એવો મુદ્દો ચર્ચાની એરણ પર ચડ્યો હતો કે જો ભૂમધ્ય સમુદ્રનો જળરાશિ સહારાના રણમાં ઠાલવી દેવામાં આવે તો સહારા પણ વસવાટ લાયક થાય. અને ભુમધ્યનો સમુદ્ર વિસ્તાર પણ જળમુક્ત થવાને કારણે વસવાટ લાયક થઈ શકે, આ વિચારણા પછી પડતી મૂકવામાં આવી હતી. એનું કારણ એ હતું કે પૃષ્ઠ ઉપર જે વજન પ્રસરેલું છે એ વજનને જો આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી દેવામાં આવે તો પૃથ્વીના પોપડાનું સંતુલન ખોરવાઈ જાય. સંભવ એવો છે કે આ અસંતુલનને કારણે એવા મોટા ભૂકંપો થાય કે જળ હોય ત્યાં સ્થળ થઈ જાય અને સ્થળ હોય ત્યાં જળ થઈ જાય. આનો સારાંશ એ છે કે પ્રકૃતિ હંમેશાં એનું પ્રમાણ બરાબર જાળવી રાખે છે. આ પ્રમાણને માણસ પોતાના તત્કાલિન અને સંકુચિત હિત માટે જ્યારે ખોરવી નાખે છે ત્યારે ભલે દેખીતી રીતે એને તત્પૂરતો લાભ થતો હોય કે પછી પોતે પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પામ્યો છે એવું એને લાગતું હોય પણ ખરેખર એવું હોતું નથી. જે લાગે છે એ છેતરામણું હોય છે. લાંબા ગાળે એનો પ્રભાવ વિપરિત અવસ્થામાં પ્રગટ થયા વિના રહેતો નથી. એવું બને ખરું કે તત્કાલિન લાભ મેળવનાર એક હોય અને વિપરિત અવસ્થામાં પીડા પામનારી બીજી પેઢી હોય. પ્રકૃતિને કોઈ પેઢી નથી હોતી.

માણસ એના આયુ કાળમાં સતત જીતવા માટે સંઘર્ષ કરતો હોય છે. આ જીતવામાં પામવાનો સમાવેશ થઈ જાય છે. અન્ય કોઈ પ્રાણી જીતવા માટે નહિ પણ માત્ર જીવવા માટે સંઘર્ષ કરે છે. જ્યારે તમારા પ્રયત્નો જીતવા માટે હોય છે ત્યારે તમારે હાર ખમવાની તૈયારી પણ રાખવી પડે છે. જીત બધાને નથી મળતી, થોડાકને જ મળે છે. હારનું પ્રમાણ બહુ મોટું હોય છે. માણસે પોતે જ પોતાના હાથે એવો ઈતિહાસ લખ્યો છે કે જેમાં જીત નજીવી અને પરાજયના પોટલાનું પ્રમાણ મસમોટું હોય છે.