ઝલક-અધ્યાય – સુરેશ દલાલ

[ ‘ઝલક-અધ્યાય’ પુસ્તકમાંથી બે વિચારપ્રેરક લેખો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ

[dc]જે [/dc]લોકો પુસ્તકોની દુનિયા સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ‘સેલ્ફ હેલ્પ’નાં પુસ્તકોની ગાજવીજ છે. આપણું જીવન કોઈ જીવી નહીં શકે. આપણા ગુરુ આપણે જ થવાનું છે. આપણે જ આપણી દીવાદાંડી. આપણે જ આપણા માર્ગદર્શક. આપણે ભીરુ નથી થવાનું પણ આપણે જ આપણા ભેરુ થવાનું છે. કોઈ બહારનો માણસ તમને તારી નહીં શકે. અનુભવથી જ આપણે શીખવાનું છે. આપણે જ આપણી યોગશાળા – પ્રયોગશાળા. છેલ્લા કેટલાયે વખતથી એક પુસ્તકની ચિક્કાર બોલબાલા છે. The Power of Now. અત્યારે અને અબઘડીની શક્તિ. એના લેખક ઍકહર્ટ ટોલી. ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલર પુસ્તક. અનેક ભાષામાં આ પુસ્તકના અનુવાદ થયા. દુનિયાભરમાં એની યશોગાથા ચાલે છે.

કાલથી વિમુક્ત થવાની અને આ ક્ષણ સાથે યુક્ત થવાની વાત છે. વાત નવી નથી. બુદ્ધથી માંડીને જે.કૃષ્ણમૂર્તિએ પણ આ જ વાતને કહી છે. દરેકની કહેવાની રીત જુદી હોય છે. પણ નીંદમાં રહીને જીવવાને બદલે જાગૃતિથી જીવવાની વાત છે. આપણે જ આપણને પીડીએ છીએ. મળ્યું છે એને માણતા નથી અને નથી મળ્યું એનો વજનદાર વસવસો જીવનને નઠોર અને કઠોર કરી મૂકે છે. માત્ર સતત ચિંતા કરીએ છીએ. નથી નથીની વાતો કરીએ છીએ. કૈંક પાસે હોય તો એ છીનવાઈ જશે તો શું એની પણ ચિંતા. ચિંતા ચિત્તને કોરી ખાય છે. ભૂતકાળ અને ભવિષ્યને હડસેલી દઈને મનને એક જ વાત કહેવાની છે કે જે કૈં બનશે તે અત્યારે, અબઘડીએ જ બનશે. પોતાના મનની માંદગીનો પોતે જ ઈલાજ કરવાનો છે. માનસશાસ્ત્રીઓ અમુક હદ સુધી તમને મદદ કરી શકે. આપણે આપણી જાતને હડધૂત કરીએ છીએ. બીજા સાથે સરખાવીએ છીએ. આપણે જ આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ. આપણને આપણા પોતામાં જ ભરોસો નથી. દરેક વ્યક્તિમાં કૈંક ને કૈંક તો હોય જ છે. વૃક્ષોને જો અનુકૂળ જમીન અને હવા-પાણી મળે તો અંકુરિત થઈ શકે એમ છે. પણ આપણે જ બીજને દાઝેલી ભૂમિમાં વાવીએ છીએ અને પછી બીજમાંથી વૃક્ષ નથી થતું એની રાવ-ફરિયાદ કરીએ છીએ.

આપણી અંદર વિચારોનો ટ્રાફિક જામ છે. આપણે આપણી ભીતર અવકાશ નથી ઊભા કરતા. આપણો જામ ખાલી હોય તો એમાં કશુક ભરાય. આપણા જ જામમાં ગટરનું પાણી હોય અને એ ખાલી ન થાય તો પછી ગંગાજળથી પાત્રને ભરવા માટેની આપણી પાત્રતા ગુમાવી બેસીએ. કોલાહલોથી ઘેરાયેલા આપણે નર્યા આનંદનું સંગીત સાંભળી ન શકીએ. દિવસના ઘોંઘાટની આદત છે, પણ રાતની નીરવ શાંતિનો પરિચય નથી. યાતનાનો અંત આવે ત્યાંથી જ આનંદનો પ્રારંભ થાય છે. એક દષ્ટાંત આપે છે. રસ્તાની ધાર પર એક ભિખારી બેઠો હતો. ત્રીસ વર્ષથી આમ એક જ ઠેકાણે બેઠો બેઠો ભીખ માગે અને બોલે કે વધ્યુંઘટ્યું પરચૂરણ હોય તો ભિક્ષાપાત્રમાં નાખતા જજો. એક અજાણ્યો માણસ પસાર થયો અને એણે ભિખારીને કહ્યું કે મારી પાસે તને આપવા જેવું કશું નથી. તું જેના પર બેઠો છે એ બૉક્સને ખોલીને તેં કદી જોયું છે ? અજાણ્યા માણસે ભિખારીને પૂછ્યું. ભિખારીએ કહ્યું કે ના, કદી નહીં, બૉક્સ તો મારી બેઠકનું સાધન છે. અજાણ્યા માણસે કહ્યું કે તું જેના પર બેઠો છે એને અંદર ખોલીને જો. અજાણ્યા માણસે ભિખારીને આગ્રહ કર્યો. ભિખારીએ ખોલીને જોયું તો અંદર સોનામહોરો હતી.

આપણે બધા એક યા બીજી રીતે ભિખારી જેવા છીએ. જે લોકો પોતાનું ઐશ્વર્ય પોતે ઓળખી શકતા નથી એ કાયમના ભિખારી છે. એને બહારનો માણસ કૈં નહીં આપી શકે. આપણી સમૃદ્ધિના કોલંબસ આપણે જ થવાનું છે. આપણો રસ્તો આપણે જ કાપવાનો છે. આપણી નદી આપણે જ તરવાની છે અને આપણે જ આપણો કિનારો શોધીને સ્વસ્થ, તટસ્થ થઈને આનંદને મનભરીને માણવાનો છે. આપણો આનંદ જેટલો શબ્દોમાં સમાતો નથી એટલો મૌનમાં સમાયેલો હોય છે. રાજેન્દ્ર શાહ એટલે જ કહે છે : ‘આપણા આનંદને અંતરમાં રાખીએ, ન એનો કૈં કીજિયે લવારો.’ કવિ વાણીનો સ્વામી છે છતાંયે આનંદની ક્ષણને મૌનમાં મઢે છે.
.

[2] કઠિયારાની કોઠાસૂઝ

[dc]મા[/dc]રા મિત્ર ડૉ. દિનેશ ટોપરાણીએ કિશોરલાલ મશરૂવાળાના કોઈ પુસ્તકમાં દષ્ટાંત વાંચ્યું હતું એ એમણે મને કહ્યું અને થયું કે લાવ તમને પણ આ વાત કહું.

એક કઠિયારો હતો. રોજ રોજ એનું એકનું એક જ કામ અને તે લાકડાં કાપવાનું. રોજિંદુ જીવન તો દરેકનું હોય જ છે. પ્યુનથી માંડીને પ્રાઈમ મિનિસ્ટર સુધીનું. પોશાક બદલાય છે, પણ શરીર બદલાતું નથી. કોઈ કે કહ્યું’તું એમ રેસ્ટોરાં બદલાય છે, પણ જીભ બદલાતી નથી. જે માણસ રોજિંદા જીવનમાંથી એકધારો આનંદ મેળવે તે જીવન જીવી જાણે છે. નિત્યકર્મ એ નિત્ય સાધના છે. જે કરવાનું છે તે તો કરવાનું જ છે. પણ બબડી બબડીને કામ કરીએ તો પછી કામનો આનંદ ન રહે – પણ વૈતરું કે વેઠ થઈ જાય. માથા પરનો બોજો થઈ જાય છે. રોજનું કામ આનંદથી કરીએ તો માથા પર ભાર ન લાગે પણ ‘મોરપીંછનો ભારો’ લાગે. મોરપીંછની હળવાશથી કામ કરીએ તો એની મજા જુદી છે.

એ કઠિયારાના જીવનનો આનંદી અભિગમ જોઈને ઈશ્વર તો ખુશ ખુશ થઈ ગયા. એ અદશ્યરૂપે કઠિયારાની પાછળ પાછળ ગયા. ત્યાં ઈશ્વરે એક સોનાનું લાકડું મૂકી દીધું. આ સોનાના લાકડા પર કઠિયારાની નજર પડી. એને ઊંચક્યું અને મૂકી દીધું. ઈશ્વર પ્રકટ થયા અને એમણે કઠિયારાને કહ્યું કે, ‘આટલું બધું સોનું તને મળે છે તો તું શું કામ જતું કરે છે ? તું આ ઘરે લઈ જશે તો તારી સાત પેઢી તરી જશે. રોજ તારે લાકડાં કાપવાં આવવું નહીં પડે. રોજ વહેલાં ઊઠવું નહીં, કોઈ વેઠ નહીં, શેઠની જેમ રહી શકશે. આરામથી ઊંઘી શકશે. છપ્પનભોગ માણી શકશે. કઠિયારાએ શાંતિથી કહ્યું કે આ સોનાનું લાકડું બીજા કોઈને કામ આવશે, મને એની જરૂર નથી. જો હું રોજ લાકડાં કાપવા નહીં આવું તો મારા હાથમાંથી હુન્નર ચાલી જશે. કામ વિનાનો હું સાવ નકામો થઈ જઈશ. મને તો કામમાં જેટલો આનંદ મળે છે એટલો આનંદ ક્યાંય મળતો નથી. આ કામના લીધે મને ભૂખ લાગે છે, તરસ લાગે છે. મારા કુટુંબીઓ માટે કૈંક કરી શકું છું એનો મને સંતોષ છે અને આ સંતોષને કારણે જીવન સરસ લાગે છે. કામ ન કરું તો હું એદી થઈ જઈશ, આળસુ થઈ જઈશ. મારી તબિયત બગડશે, શરીર સુંવાળું થઈ જશે. જીવન સુખાળવું થઈ જશે. તન સારું રહે અને મન કશાકમાં પરોવાયેલું રહે એના જેવું કોઈ જીવન નહીં.

કઠિયારો ભણેલો નહોતો અને છતાં પણ એનામાં કોઠાસૂઝ હતી. દરેકની સુખની ભાવના અને વિભાવના જુદી હોય છે. જો કોઈ લોભી અને લાલચુ માણસ હોત તો સોનાની મોટી લગડી જેવું વજનદાર લાકડું લઈ લેત. પણ કઠિયારાએ એને આપસૂઝથી જતું કર્યું. કોઈનું લઈને ઓશિયાળાપણે જીવવું એના કરતાં જાતે રળીને જીવવાનો આનંદ જુદો જ હોય છે. સુખ અને દુઃખ તો આપણે જ ઊભી કરેલી માયાજાળ છે. શાણો માણસ સુખ અને દુઃખને હાંસિયામાં ધકેલી દે છે. પછી કોઈ રાવ-ફરિયાદ કરતો નથી. એ પોતામાં જ અલમસ્ત હોય છે. વેણીભાઈનું કાવ્ય યાદ આવે છે :

સુખનાં સુખડ જલે રે મારા મનવા !
દુઃખના બાવળ બળે –
બળે રે જી…. દુઃખનાં બાવળ બળે.
સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે –
મારા મનવા ! તરસ્યા ટોળે વળે.
વળે રે જી…… દુઃખના બાવળ બળે.
કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે :
કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે :
રે મનવા ! કોઈ મગન સંન્યાસે :
સુખનાં સાધન ને આરાધન લખ ચકરાવે ચડે…..
ચડે રે જી….. તરસ્યા ટોળે વળે.

[કુલ પાન : 105. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.