કલ….ઈક….લઈ – કિશોર પારેખ

[ થોડા વર્ષો અગાઉના આપણા નાના વેપારીઓ જેમ કે પ્રાઈમસ રીપેર કરનાર, કલાઈ કરનાર, ગ્રામોફોન રીપેર કરનાર વગેરેના જીવન વિશેની સુંદર વાતો ‘કહાં ગયે વો લોગ’ નામના પુસ્તકમાં વણી લેવામાં આવી છે. આજે તેમાંથી ‘કલાઈ કરનાર’ કારીગર વિશેની આ વાત અહીં સાભાર લેવામાં આવી છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]પં[/dc]ચોતેર વર્ષ પહેલાનો મુંબઈનો નકશો જુદો હતો. તેના રહેવાસી જુદા હતા અને તેમની રહેણીકરણી પણ અલગ હતી. દેશમાંથી હજુ તેઓ તાજાં તાજાં કુટુંબ સાથે આવી રહ્યા હતા. તેમના રહેણાંકના મુખ્ય સ્થળ કાલબાદેવી અને ગિરગામની આસપાસનો પરિસર હતો. જેમ મહમદઅલી રોડથી ભીંડીબજારની આસપાસનો પ્રદેશ આપણા મુસલમાન ભાઈઓ, વોરા, ખોજા, મેમણ ઈ. નો હતો. તેમ પારસી જેવી પ્રમાણમાં સુધરેલી કોમ ધોબીતળાવની ઉપર કોટ વિસ્તારમાં પથરાયેલી હતી.

દેશમાંથી આવી ઘોડાગાડીમાં સામાન ભરી સહકુટુંબ બે, ત્રણ કે ચાર માળની ચાલમાં નક્કી કરેલી જગ્યામાં સૌ ગોઠવાઈ જતાં. આ ચાલની પદ્ધતિના કેટલાક લક્ષણો છે. વચ્ચેના કોમન પેસેજની બંને બાજુ ઓરડાની લાઈન હોય. જરૂરત અને શક્તિ પ્રમાણે એક કે વધુ રૂમ લઈને રહે. આખા મજલાના બાથરૂમ અને સંડાસ કોમન હોય, ઘરની બહાર કોલસાનું ટીપડું, પાણીનું ટીપડું અને ગાદલાં રાખ્યા હોય. ઉપર દોરી બાંધી દરરોજ કપડાં સૂકવાય અને પેસેજમાં જ વધારાની ઘરવખરી પડી રહે. ત્યારે ચોરી નહોતી થતી અને રામરાજ્ય હતું એવું નથી. ચોરીઓ પણ થતી પણ પ્રમાણમાં જાગતું પડ હતું. દરેક ભાડૂતના કુટુંબના સભ્યો જ એટલા રહેતા કે ચોરને એકાંત ઓછું મળે. એટલે ચોરી જાણભેદુ જ કરી શકે અને તેમાં એક સભ્ય ઉપર હંમેશાં શંકાની નજર જતી. તે છૂટા કામ કરતો ઘાટી કે રામો. આ રામો જ્યારે ભાઉચા ધક્કા ઉપર જઈ રત્નાગીરી જવાની સ્ટીમર પકડે તે પહેલા તેના સામાનને લોકો શંકાથી જોતા. ‘પણ ગરીબ માણસ ઉપર શંકા ન કરવી.’ અને ‘આવો સારો ઘાટી જશે પછી બીજો ક્યાં શોધવા જશું. અને મળશે તોપણ આગલો થોડો રહેવા દેશે ?’ જેવા તત્વજ્ઞાનથી આજ સુધી ગામ જતાં ઘાટીનો સામાન તપાસવાની હિંમત કોઈએ કરી નથી અને તેથી જ કદાચ નિર્દોષ ઘાટી વિશે શંકા મનમાં રાખી આજ સુધી સૌ જીવે છે.

ઘાટી ઉપરનું શંકાનું કારણ એ પણ ખરું કે આખી ચાલીનું છૂટક કામ કરતા ઘાટીને હાથે ક્યારેક તપેલી તો ક્યારેક વાટકો ખોવાઈ જાય. ગૃહિણી ફરિયાદ કરે એટલે બીજા ઘરમાંથી તે શોધીને લઈ આવે. તેવું જ કપડાનું થતું. આ વાસણ ચાલી સિસ્ટમનું આગવું અંગ હતું. તમે કોઈપણ ઘરમાં પ્રવેશો એટલે સામેની ત્રણેય દીવાલો પરની અભરાઈ ઉપર વ્યવસ્થિત ગોઠવેલા વાસણો દેખાય. નાના મોટા તપેલાનો ચળકતો સેટ હોય, રસોઈની ચોકડી ઉપરની અભરાઈ ઉપર થાળીનો સેટ, વાડકાં અને નાનામોટા ચમચા, સાણસી દેખાય. પાછળના પાણીઆરે પિત્તળનો મોટો હાંડો હોય તેના ઉપર કાંસાનો ઘડો હોય. બાજુમાં પીવાના પાણીનું માટીનું માટલું હોય. તેને પિત્તળના બુજારાથી ઢાંક્યું હોય, બાજુમાં પાણી પીવાના પ્યાલા પડ્યા હોય. ઘણાં ઘરોમાં પીધેલો પ્યાલો એઠો ગણી તે પાછો માટલામાં બોળવામાં ન આવે તેથી માટલામાંથી પાણી કાઢવા પિત્તળનો ડોયો રાખ્યો હોય. ઘરનાં વાસણોમાં પિત્તળનું પ્રમાણ પ્રચૂર રહેતું. હિન્દુ કુટુંબ એલ્યુમિનિયમ ન વાપરતાં અને કાચના નાનામોટા વાસણો પણ વર્જ્ય હતા. ચા પણ ધાતુના કપરકાબીમાં કે થાળી કે વાટકામાંથી પીવાતી. કાચના વાસણો પોતાથી ઉતરતી કોમ કે પરધર્મીઓ માટે રાખવામાં આવતા. ત્યારે જેની સાથે આવો પંક્તિભેદ કરવામાં આવતો તેમની લાગણીનો વિચાર કરવામાં ન આવતો અને તેઓ પણ તેનાથી ટેવાઈ ગયા હતા. શાળાના જીવનમાં જ્યારે એક બ્રાહ્મણ દોસ્તને ત્યાં મારા જેવા વાણીયા સાથે પંક્તિભેદ થયો ત્યારે મને ખૂબ લાગી આવ્યું હતું તે યાદ રહ્યું છે. તે રીતે જ પૂજાપાઠ કરતા દાદીમા કે વૃદ્ધાઓ ખાસ અબોટિયા કે અન્ય વિશેષ વસ્ત્રો પહેરી પૂજા કે સેવા કરે અને આભડછેટ રાખે ત્યારે હંમેશાં ચીડ ચડી છે. વૈષ્ણવોમાં આવી શુદ્ધિના આગ્રહીઓને ‘મરજાદી’ કહેવામાં આવે છે અને હમણાં આવા મરજાદી વૃદ્ધનો પરિચય થયો ત્યારે ચીડ અને દયાની લાગણી વચ્ચે તેમનાથી છૂટો પડ્યો હતો.

શુદ્ધિ માટે આ બધા વાસણો ઘાટી માંજી લાવે ત્યારે ફરી એકવાર પાણીથી ઉટકી નાખવામાં આવે. એથી એક લાભ એ થાય કે વાસણ સાફ અને ચળકતા રહે. આ પિત્તળના વાસણોમાં જેમાં રાંધવામાં આવે અને ખટાશવાળી વસ્તુ રંધાય તેમાં ઝેરનું નિર્માણ થાય. તે રોકવા તેના ઉપર કલાઈનું પડ ચડાવવું પડે. વાસણ બહારથી પીળા અને અંદરથી ચાંદી જેવા રૂપેરી ચળકતા હોય. વપરાશથી ધીરે ધીરે આ કલાઈ ઘસાઈને નીકળી જાય. થોડા દિવસ તો ગૃહિણી તે ચલાવે પછી જ્યારે વાસણ વાપરવા જેવા ન રહે ત્યારે કલાઈવાળાને યાદ કરે. આ કલાઈવાળો પણ એક વિશિષ્ટ પાત્ર છે. મુંબઈમાં આ કામ મહારાષ્ટ્રના ગામડાઓમાંથી આવેલા લોકો કરતાં. ગરીબ મજૂરનો પોશાક, ગોઠણ સુધીનું અડધું પોતિયું, ખમીસ ને માથે ફાળિયું બાંધ્યું હોય અને પોતાની કામની જગ્યાની આસપાસના મકાનો નીચેથી કલાઈ….કલા….ઈની બૂમ પાડતો નીકળે. જેને વાસણોને કલાઈ કરાવવી હોય તે તેને બોલાવે. ધીરે ધીરે દાદર ચડી ઘરાકના ઘર પાસે જાય. તે દરમિયાન ગૃહિણીએ વાસણ કાઢી રાખ્યા હોય અને એકાદ ફરિયાદ પણ તૈયાર રાખી હોય.
‘તું હમણાં કલાઈ બરાબર લગાડતો નથી. જો ને કેટલી જલદી ઊતરી ગઈ.’
એટલે કલાઈવાળો કહે, ‘બાઈ કલાઈ તો જેટલી લગાડાય તેટલી જ લગાડી છે પણ તમે ઘસી ઘસીને કાઢી નાખો છો.’
‘ઠીક….ઠીક હવે આ વખતે બરાબર કરજે.’

વાસણ ગણીને અપાય. નાના વાસણના ચાર કે છ આના અને મોટાના બાર આના સુધીનો ભાવ હોય. વાસણ લઈને જતો હોય ત્યારે ગૃહિણી લટકામાં કહે, ‘જલદી આપી જજે. પાછી રસોઈ ચઢાવવી છે.’ અમે આ કલાઈવાળાને કલાઈ ચડાવતા જોવા ખાસ જઈએ. ત્યારે મુંબઈના મુખ્ય રસ્તા ડામરના પાકા થયા હતા પણ નાના રસ્તાઓ, ગલીઓ અર્ધ પાકી હતી. ભાંગવાડીના દેશી નાટક સમાજ તરફ જવાના કોલભાટ લેનના નાના કાચા રસ્તામાં જમીનમાં ખાડો કરી તેમાં ચામડાની વચ્ચેથી કાપેલી મસક જેવી ધમણની થેલી દાટી હોય. એ ધમણના બંને ખુલ્લા છેડા ઉપર લાકડાની પટ્ટીઓ જડી હોય, સામે ખાડાને બીજે છેડે જમીનમાં કોલસાની નાની ભઠ્ઠી રાખી હોય અને નરસિંહ મહેતા ભજન કરતા બન્ને કરતાલને સાથે અથડાવતા તેમ કલાઈવાળો આ લાકડાની પટ્ટીઓને જોરજોરથી ઝડપથી ભેગી કરે. આ રીતે એકઠી થયેલી હવા જમીન નીચેથી સામે છેડે સગડીમાં જાય અને કોલસા સળગે. હવે વાસણને પકડી સગડી ઉપર ઊંધું મૂકી ગરમ કરે અને બરાબર ગરમ થઈ જાય એટલે એક નાની ખુલ્લી શીશીમાંના નવસાગરને કપડાના ટુકડા ઉપર લઈ કલાઈ કરવાના ગરમ ભાગ પર ચોપડે. તરત જ સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળે. આ ધુમાડાની એક વિશિષ્ટ ગંધ હોય જેને ગમે તેને માટે સુગંધ, ન ગમે તેને દુર્ગંધ. પછી કલાઈની લાકડી લઈ આ નવસાગરવાળા વાસણમાં લગાડી ફરી ગરમ કરે અને જોઈતું ગરમ થઈ જાય ત્યારે પેલા કપડાંથી ચોપડી દે. આખું વાસણ ધૂંધળું ચળકતું તૈયાર. પાસે રાખેલી પાણીની કુંડીમાં વાસણને નાખી દે. ફરી છમકારા સાથે ધુમાડો નીકળે અને નવું નક્કોર વાસણ તૈયાર.

આ તો આપણા ઘરોના વાસણની કલાઈની વાત. નાતવરાના અને લોજ-વીશી હોટલના મોટા વાસણોની કલાઈ માટે ખાસ સગવડ કરવી પડે. આ કલાઈનું કામ જોરદાર ચાલ્યું અને અડધી સદી પહેલા દરેક વિસ્તારમાં કલાઈવાળા હતા. અપવાદ સિવાય કોઈ કલાઈવાળો કોઈના વાસણ લઈને ચાલ્યો ગયો હોય તેમ બન્યું નથી. હા, કલાઈવાળાના સ્વાંગમાં કોઈ ઠગ હાથ સાફ કરી ગયો હોય તે વાત જુદી છે. ગણીને આપેલા વાસણ પાછા ગણીને લેવાય અને પૈસાની ચુકવણી થાય. ત્યારપછી 1950 પછી આપણા વાસણની ધાતું બદલાવા લાગી. ‘મુંબઈ સમાચાર’ની ભજનવાણીની લોકપ્રિય કટારના લેખક ગંગાદાસ પ્રાગજી મહેતાએ સ્વતંત્ર ભારતની નવી આયાતનીતિ પ્રમાણે 1948માં ટીન પ્લેટ અને સ્ટેઈનલેસ સ્ટીલને આયાત કર્યું. તેમાં 320 ક્વોલિટીનું સ્ટેઈનલેસ સ્ટીલમાં લોખંડનું પ્રમાણ વધું હતું પણ 304-312 ક્વોલિટીમાં નિકલનું પ્રમાણ વધારે હતું. તે ઘરગથ્થું ઉપયોગમાં લેવાવા માંડ્યું. તે વખતે રાલિસ ઈન્ડિયા સિવાય બીજા આયાતકાર પણ નહિ અને જાપાને અમેરિકા અને ઈંગ્લેન્ડને હરીફાઈમાં પાછળ પાડી દઈને સસ્તુ સ્ટેઈનલેસ સ્ટીલ નિકાસ કરવા માંડ્યું. આ સાથે જ મુંબઈની ચાલોમાંથી પિત્તળ અદશ્ય થવા માંડ્યું. તેમાં વળી પિત્તળ દિવસો દિવસ મોંઘું થતું જતું હતું. તેમાં વાસણોને કલાઈ કરાવવાની કડાકૂટ પણ ખરી એટલે ચાંદીની રૂપેરી ચમક ધરાવતા સ્ટેઈનલેસ સ્ટીલ ઘરોમાં પ્રવેશી ચૂક્યું. એટલું ખરું કે કાચના કપરકાબી કે જૂજ માત્રામાં એલ્યુમિનિયમ કે એનેમલના (જેને અમે કોડીના વાસણ કહેતા) અમારા ઘરમાં આવ્યા તે પણ મોડાં મોડાં.

સોના ચાંદીના વાસણ તો પૈસાદારો કે ઠાકોરજીને માટે. પૂજા માટેના વાસણો કાંસાના પણ ઘરવપરાશના વાસણ તો પિત્તળના જ. આજે હવે પિત્તળના વાસણો નામશેષ થઈ રહ્યા છે. તે સાથે કલાઈનું કામ કરનાર કલાઈવાળો પણ ભુલાતો જાય છે. મોંઘવારીના જમાનામાં બધી વસ્તુની જેમ કલાઈ પણ મોંઘી થઈ ગઈ છે. એટલે જે કામ બાળપણમાં આઠ આના કે બાર આનામાં થતું તે હવે પચાસ-સાઠ રૂપિયે થાય છે. તમને એ તો ખબર હશે કે કલાઈ સૂક્ષ્મ માત્રામાં શરીરમાં જાય તો કીડનીને ફાયદો કરે છે એટલે જ કદાચ ગયા જમાનામાં કીડની ફેલ્યોરના કેસ નહોતા થતા !

આજે હું રહું છું તે માટુંગામાં બબન મહાદેવ કુમકર નામનો કલાઈવાળો આવે છે. પાંસઠ વર્ષની વયે પહોંચેલા બબનનું મૂળ વતન છે પુણે જિલ્લાના જુન્નર તાલુકડનું મઠ ગામ. ત્યાં એની ખેતી પણ છે જે એના બે પુત્રો સંભાળે છે. હવે વરસાદ આવશે એટલે એ મુંબઈનો ધંધો સંકેલી દેશ ભેગો થઈ જશે. ફક્ત પંદર વરસની ઉંમરે આ કામ શરૂ કરી છેલ્લાં ચાલીસ વર્ષથી તે કલાઈકામ કરે છે. આ કારીગરોમાં જો સૌથી મોટો સદગુણ હોય તો તે છે ખુમારી. સમય બદલાયો છે. સ્ટીલ આવ્યું છે. એટલે લોકો પિત્તળ નથી વાપરતા. તે વાતનો કોઈ જ વસવસો કે ફરિયાદ તેની વાતમાં નથી આવતો. જે છે તેનો સહજ સ્વીકાર અને બદલાયેલા સંજોગો પ્રમાણે જીવનને બદલવાની તૈયારી, તેવું સાલસપણું એ આપણા નાના મોટા કારીગરોની વિશિષ્ટતા છે. તેની સરખામણીમાં મોટા મોટા ધંધા લઈને બેઠેલા વેપારી છાશવારે સરકાર, ઘરાક અને સંજોગો સામે ફરિયાદ કર્યા કરે છે અને આર્થિક રીતે કોઈ જ તકલીફ વેઠ્યા વગર જીવે છે તે જોઈ તેમની દયા આવે છે.

[કુલ પાન : 480. કિંમત રૂ. 280. પ્રાપ્તિસ્થાન : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. 164, શામળદાસ ગાંધી માર્ગ. મુંબઈ-400002.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “કલ….ઈક….લઈ – કિશોર પારેખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.