- ReadGujarati.com - http://www.readgujarati.com -

સાચો સાથીદાર – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓગસ્ટ-2012માંથી સાભાર.]

[dc]‘અ[/dc]હીં ગામમાં એકલા રહીને શરીરની કેવી હાલત કરી નાખી છે બાપુ ? કાલનો આવ્યો છું ને જોઉં છું કે, જરા વાર માટે ય તમારી ઉધરસ અટકતી નથી. નહીં સરખો ખોરાક લેવાનો કે નહીં સરખી દવા. સારું ક્યાંથી થાય ?’ જસવીન્દરે કરતારસિંગને કહ્યું.
‘બેટા, ઉંમર થાય એટલે નાનું-મોટું તો ચાલ્યા કરે. બાકી, હું તાજો-માજો છું. હજી આજે ય સવારે કસરત કરું છું ને સાંજ પડ્યે નદીકિનારે ફરવા જાઉં છું.’
‘તમે ભલે ગમે તે કહો પણ આ વખતે હું તમને મારી સાથે લઈ જ જવાનો છું. શહેરમાં મોટા ડોક્ટરને બતાવીએ. બધા ટેસ્ટ કરાવીએ એટલે શું તકલીફ છે એનું નિદાન થઈ જાય. વળી તમારી વહુના હાથની ગરમા-ગરમ રોટી ખાશો એટલે તબિયત ટનાટન થઈ જશે, જોજોને !’

દીકરાનો ઉત્સાહ અને પ્રેમ જોઈને કરતારસીંગે વધુ આનાકાની ન કરી. આમે ય એમને શું મોટી તૈયારી કરવાની હતી ? આ બે શેરવાની ને બે ઝભ્ભા એક થેલીમાં નાખ્યા ને દવાનો ડબ્બો મૂક્યો એટલે તૈયાર. કરતારસીંગને શહેરમાં આવ્યાને લગભગ અઠવાડિયું થવા આવ્યું હતું. દીકરાના નવા બંગલામાં તેઓ પહેલી વખત જ આવ્યા હતા. સરસ મજાનો બેઠા ઘાટનો બંગલો. ચાર બેડરૂમ, વિશાળ દિવાનખંડ, મોટું બધું રસોડું, નોકરો માટેની અલગ ખોલી – આ બધું તો હતું જ. પણ એમને સૌથી વધારે ગમી ગયું ખુલ્લું મજાનું આગણું અને આંગણાની વચ્ચોવચ્ચ ફાલેલો લીમડો.

‘વહુ દીકરા, મને તો આ લીમડાનો છાંયો બહુ ગમે છે. મારે માટે અહીં એક ખાટલો ઢાળી આપવાનું નોકરને કહી દેજે બેટા !’
દલજીતકૌર જરા અચકાઈ ગઈ, ‘અહીં ? બાપુ, ઘરમાં આટલી બધી જગ્યા છે એ છોડીને અહીં સૂશો-બેસશો ? કોઈ જુએ તોયે કેવું લાગે ?’
‘લે, એમાં લાગવાનું શું વળી ? આપણા ઘરમાં આપણને મોજ પડે ત્યાં સૂઈએ કે બેસીએ એમાં કોઈને શું વાંધો હોય ? ને પુત્તર, તું જોજે તો ખરી, મને અહીં બેઠેલો જોઈને અડોશી-પડોશી પણ ગપ્પાં મારવા આવી પહોંચશે.’ દલજીતને સસરાની વાત બહુ રુચિ તો નહીં પણ તોયે એણે લીમડા નીચે એક ખાટલો મુકાવી આપ્યો. કરતારસિંગને તો મજા પડી ગઈ. સવારે ઊઠતાંની સાથે ખાટલા પર બેઠક જમાવી દે પછી ચા પણ ત્યાં જ પીવાની ને બપોરે લસ્સી પણ ત્યાં જ ગટગટાવવાની.

આજે વળી જસ્સીનો લંગોટિયો યાર દલેર આવી પહોંચ્યો. આવતાંની સાથે ‘પેરી પૌના ચાચાજી’ કરતો પગે લાગ્યો.
‘ચાચાજી, હવે આવ્યા છો તો ગામ જવાની ઉતાવળ ન કરશો. ને જુઓ, તમારે તો જલસા જ છે ને ? આ ભીડભાડવાળા શહેરમાં ય કેવા નિરાંતે ખાટલો ઢાળીને બેઠા છો !’
‘તો યે બેટા, ગમે તે કહો પણ શહેર એ શહેર ને ગામ એ ગામ. શહેરમાં ચારેકોર ખડકાયેલા ઉકરડાની બદબૂમાંથી ગામની તાજી હવાની ખુશ્બૂ થોડી જ આવે ? પણ તું ઊભો છે કેમ ? આવ, બેસ અહીં મારી પાસે.’
‘ચાચાજી, મારે જસ્સીનું ખાસ કામ છે. પહેલાં એને મળી લઉં, પછી તમારી સાથે વાતોના તડાકા મારું.’
દલેરે જસ્સીને કહ્યું : ‘આ તેં બહુ સારુ કર્યું, ચાચાજીને અહીં લઈ આવ્યો તે. ઘરડાં માવતરને આપણે ન જોઈએ તો બીજું કોણ જોવાનું ?’
‘યાર, તારી વાત તો સોળ આના સાચી. હું ય એમ વિચારીને જ બાપુને અહીં લઈ આવ્યો કે, એમને ગામમાં જે નથી મળતી એ બધી સગવડ આપું. ઘરમાં દરેક રૂમમાં એ.સી, ટી.વી. બધી સગવડ છે પણ એ છે કે, સવારમાં ઊઠીને બહાર ખાટલા પર જ બેસી જાય છે.’
‘તારી વાત તો બરાબર છે. કોઈ એમ જ વિચારેને કે, ડોસો વધારાનો લાગતો હશે તે ઘરની બહાર તગેડી મૂકે છે.’
‘કદાચ તારાથી માનતા હોય તો જતાં જતાં જરા સમજાવતો જજે.’ જસવીન્દરે કહ્યું.

દલેર બહાર આવીને ચાચાજી પાસે ખાટલા પર બેઠો. થોડી આડી-અવળી વાતો કર્યા પછી એ મૂળ વાત પર આવ્યો.
‘ચાચાજી, બપોરની ગરમીમાં પણ અહીં સૂઈ રહો એના કરતાં સરસ મજાની એ.સીની ઠંડકમાં સૂતા હો તો !’
‘બેટા, ક્યાં આ લીમડાની ડાળીઓમાંથી ચળાઈને આવતો ઠંડો મજાનો પવન અને ક્યાં એ.સી.ની કૃત્રિમ ઠંડક ! કુદરત આપણને જે આપે એ આ યંત્રો થોડાં જ આપવાનાં ?
‘હા, એ વાત તો સાચી પણ……’
‘હવે તારું પણ ને બણ છોડ ને હું કહું એ સાંભળ. બહાર બેઠો હોઉં ત્યારે આવતા-જતા, ઓળખીતા-પાળખીતા બે ઘડી ઊભા રહે. થોડી મારી વાત સાંભળે, કંઈક પોતાની વાત સંભળાવે. બાકી ઘરમાં શું હોય ? દીવાલો જ દીવાલો.’
‘કેમ, ઘરમાં ટી.વી. નથી ? એ જુઓ તો ટાઈમ પાસ થાય અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ ખબર પણ પડે.’ દલેરને થયું, આવ્યો જ છું તો મિત્ર હોવાની ફરજ પણ નિભાવતો જાઉં.

ચાચાજીનો હાથ પકડીને ફરીથી આગ્રહ કરતાં કહ્યું : ‘ચાચાજી, કાલથી કલાક, બે કલાક જેટલું ગમે એટલું ટી.વી. જોવાનું રાખજો. તમને ગમશે.’
કરતારસિંગ મૂછમાં હસતા બોલ્યાં : ‘ના રે ભાઈ, મારે કંઈ ટી.વી. બી.વી. જોવું નથી ને પુત્તર, આમ જુઓ તો એ પણ દીવાલ જ છે ને !’
‘ટી.વી.ને વળી દીવાલ કેવી રીતે કહેવાય ચાચાજી ? મને કંઈ સમજાયું નહીં.’
‘જો, હું સમજાવું. દીવાલ સાથે આપણે દિલની વાત કરી શકીએ છીએ ? એને આપણી પીડા, દુઃખ, દર્દ કશું બતાવી શકીએ છીએ ? નહીં ને ? એવી જ રીતે આ ટી.વી. સાથે પણ આપણાં સુખ-દુઃખ વહેંચી નથી શકતા. એ આપણી કોઈ લાગણી સમજી નથી શકતું. હા, એવો ભાસ જરૂર થાય છે કે, એ આપણું એકલવાયાપણું દૂર કરે છે પણ હકીકતમાં એના હોવા છતાં ભીતરથી માણસ એકલો ને એકલો જ રહે છે. બરાબરને બેટા ?’ કરતારસિંગે હસીને લીમડા તરફ જોયું અને દલેરને કહ્યું, ‘માણસનો સાચો સાથી તો છે – આ કુદરત.’

(ડૉ. શ્યામ સુંદર દીક્ષિતની હિંદી લઘુકથાને આધારે.)