વાર્તા-સ્પર્ધા 2012 : નિર્ણાયકોનું મંતવ્ય – સંકલિત

[dc]રી[/dc]ડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012 અંગે નિર્ણાયકોએ પત્ર દ્વારા પાઠવેલા તેમના મંતવ્યો અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે તમામ સ્પર્ધકોને ખૂબ ઉપયોગી અને માર્ગદર્શનરૂપ થઈ શકે તેમ છે. આ મંતવ્યોને બરાબર સમજીને જો યોગ્ય રીતે પોતાની મૌલિક લેખનશૈલી વિકસાવવામાં આવે તો ગુજરાતી સાહિત્યને ઉત્તમોત્તમ નવસર્જકો મળી શકે તેમ છે. સૌને શુભેચ્છાઓ. – તંત્રી.

[1] નવી ક્ષિતિજોની શોધ – માવજી મહેશ્વરી

રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની વાર્તાઓ તપાસી દેવાની ‘હા’ કહ્યા પછી મને તાલાવેલી એ જાણવાની હતી કે નવી પેઢી સમાજને, દુનિયાને કઈ રીતે જોઈ રહી છે. આ વાર્તાઓ વાંચ્યા પછી કંઈક અંશે એ બાબતનો સંતોષ જરૂર થયો છે.

મને ‘નવોદિત’ શબ્દ જરા વિચિત્ર લાગે છે. નવોદિત એટલે શીખાઉ ? આમ તો કોઈને નવોદિત કહેવું એ અવમૂલ્યન કરવા જેવું છે. જોકે પ્રસ્થાપિત સર્જકો એ વિશેષણથી બાકાત રહ્યા હોતા નથી. હું એ બાબત વિશે સભાન જ હતો કે જે વાર્તાઓ મારી પાસે આવશે એમાંથી શું-શું અને કેવું-કેવું નીકળશે. કારણ કે વાર્તા-સ્પર્ધાની વાર્તાઓ તપાસી દેવાના અનુભવોમાંથી પસાર થઈ ચૂક્યો છું. તેમ છતાં સધિયારો એ વાતનો હતો કે આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાની હતી. એટલે ભલે નવોદિત કહેવાતા હોય તેમ છતાં વાર્તાતત્વ અને વાર્તાકલા ધરાવતી વાર્તાઓ લખનારા જરૂર હશે. અને એવું બન્યું છે એનો એક અંગત આનંદ પણ છે. આ સ્પર્ધા માટે આવેલી વાર્તાઓમાં કેટલાક ઝબકારા દેખાયા છે. એટલે રીડગુજરાતી અને મૃગેશભાઈની મહેનત લેખે લાગશે જ. હા, જે ચેતનવંતી કલમો છે તે ચાલતી રહી તો જ.

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં કુલ 70 વાર્તાઓ આવી. આ તમામ વાર્તાઓમાંથી પસાર થયા પછી એવું લાગ્યું છે કે બદલાતી ટેકનોલોજીને પરિણામે જીવનમુલ્યોનો સંઘર્ષ ચાલે છે તે શબ્દસ્થ કરનારાની ફોજ આવી રહી છે. સામાન્ય રીતે ગુજરાતી વાર્તાની છાપ એવી છે કે તે સ્ત્રી-પુરુષના સંબંધોની આસપાસ જ ગરબે ઘુમતી રહે છે. પણ આ સ્પર્ધાની સીત્તેર વાર્તાઓનું કથાવસ્તુ જોતાં એવું લાગ્યું છે કે નવી પેઢીની દષ્ટિ હવે વિવિધ ક્ષેત્રો પર મંડાઈ છે. સામાજિક, પારીવારિક સંબંધોની સંકુલતા ઉપરાંત નારીચેતના, બાળમાનસની સમસ્યાઓ, આતંકવાદ અને રોજગારીના પ્રશ્નો ઉપરાંત સાંપ્રદાયિક પ્રશ્નો જેવા વિષયો પર વર્તમાન યુવાપેઢી વિચારી રહી છે. એમના ચિત્તમાં વર્તમાન ઘુમરાઈ રહ્યું છે. કોરો અને ઉદાસ અતિતરાગ નથી. જો ગુજરાતી સાહિત્યમાં આવું વિષય વૈવિધ્ય છલકાતું રહેશે તો સાહિત્યથી વિમુખ થતો સામાન્યજન સાહિત્ય તરફ મોં ફેરવશે.

આંકડાની રીતે જોઈએ તો કુલ સીત્તેર વાર્તાઓ પૈકી 46 પુરુષ લેખકોની છે અને 24 સ્ત્રી લેખકોની છે. 24 સ્ત્રી લેખકોનો આંક આશા જગાવે છે. અને સીત્તેરમાંથી 61 લેખકો ભારતમાં રહે છે જ્યારે 9 વિદેશમાં રહે છે. આવેલી વાર્તાઓના પરિવેશની વાત કરું તો 60 વાર્તાઓ શહેરી પરિવેશની છે, 7 વાર્તાઓ ગ્રામ્ય પરિવેશની છે અને 3 વાર્તાઓ વિદેશી પરિવેશમાં લખાઈ છે. આ રીતે તમામ વાર્તાઓના કથાવસ્તુનું વિભાજન કરીએ તો પારીવારિક પ્રશ્નો અને ગૂંચવણો ધરાવતી 24 વાર્તાઓ છે. 13 વાર્તાઓ પ્રણય અથવા તો સ્ત્રી-પુરુષના સંબંધોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. 12 વાર્તાઓનું કથાવસ્તુ નારી ચેતનાનું છે. રાજકીય અને આતંકવાદ જેવા વિષયો પર 4 વાર્તાઓ મળી છે. તો બે વાર્તાઓના કેન્દ્રમાં બાળમાનસના પ્રશ્નો છે. બે વાર્તાઓ અસાધ્ય રોગોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. બે વાર્તાઓમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યાને કેન્દ્રમાં રખાઈ છે અને અન્ય વિષયો પર બીજી 11 વાર્તાઓ છે. આમ આ સ્પર્ધાની વાર્તાઓનું વિષય વૈવિધ્ય નોખું છે. જે જુદા સંકેત આપે છે. નવીપેઢીનું Vision દર્શાવે છે. સામાન્ય રીતે નવોદિત વાર્તાઓમાં પ્રણયતત્વનો ઊભરો જોવા મળતો હોય છે તે અહીં નથી. આ એક આ સ્પર્ધાનું જમા પાસું છે.

મૃગેશભાઈએ નિર્ણાયકો માટેના એમના પત્રમાં જે સ્પષ્ટતાઓ કરી છે તેના વિશે હું અવગત હતો જ. તેમ છતાં જ્યારે બે કે વધુ સર્જનની સરખામણી કરવી હોય ત્યારે એ કાર્ય અઘરું કહેવા કરતાં અવઢવવાળું બની રહે છે. કારણ કે કોઈ એક વાર્તામાં એક તત્વ સબળ હોય તો બીજીમાં બીજું પાસું અગત્યનું હોય. પાછાં બેયના વિષયો જુદાં હોય. આવા સમયે માત્ર ને માત્ર નિર્ણાયકનું વિષય પરત્વેનું ઊંડાણ, તટસ્થતા અને સજાગતા જ ખપ લાગે. એટલે પહેલા તબક્કે હું બધી જ વાર્તાઓ વાંચી ગયો. જે કંઈ નવું અને સત્વશીલ લાગ્યું તે નોંધ્યું. એમ કરતાં વીસેક જેટલી વાર્તાઓ ફેરવાચન સક્ષમ બની. ફેરવાચનમાં એ વીસેક વાર્તાઓનું કથાવસ્તુ, ભાષા, વાર્તાની કહેણી, ઉપરાંત સંવાદોની ધાર, કથનકેન્દ્ર – જેવા વાર્તાના મૂળ તત્વોથી ચકાસી જોઈ. અને એ રીતે ગુણાંકન કરેલું છે. અને એ બાબતમાં હું તટસ્થ રહ્યો છું.

અહીં મારો નિર્ણય આખરી નથી. અન્ય બે નિર્ણાયકોએ આપેલા ગુણાંકના સરવાળા પછી કોઈ વાર્તા વિજેતા થશે. એટલે હું કોઈ વાર્તાને પ્રથમ કે દ્વિતિય ક્રમ આપી ન જ શકું. હા, એટલું લખવાની લાલચ જતી કરી શકતો નથી કે આ સીત્તેર લેખકો પૈકી કેટલીક કલમો મને પ્રાણવાન લાગી છે અને જો એ સતત મહાવરો કરશે તો જરૂર આગળ આવશે. મને જે આશા બંધાઈ છે તે છે મોના લિયા, ભૂષણ પંકજ ઠાકર, નીતા જોષી, નયના પટેલ, રમેશ રોશિયા, સુનિલ મેવાડા, ડૉ. હિતા મહેતા અને વર્ષા બારોટ. આ લેખકોની વાર્તાઓમાં ભાષાકર્મ અને વાર્તાકલા દેખાઈ છે. આનો અર્થ એવો થતો નથી કે અન્ય લેખકોમાં સત્વ નહીં હોય. પણ મને જે વાર્તાઓ મળી તેના આધારે જ કહી શક્યો છું.

વાર્તાક્ષેત્રે આગળ આવી રહેલા, આવવા ઈચ્છતા મિત્રોને એટલું લખવાની ઈચ્છા થાય છે કે મિત્રો, input જેટલું high હશે, output તો જ high બનશે. એટલે વાચન અતિઆવશ્યક છે. ઉપરાંત, લખનારે પોતાને તપાસવો જોઈએ કે તે વાર્તા માટે સર્જાયો છે ખરો ? અને એનો જવાબ પણ જાત પાસેથી જ મેળવવો જોઈએ. કથાવસ્તુ કે ઘરના ગમે તેટલા સબળ હોય, એમાંથી વાર્તા બને જ એવું નથી. વાર્તાના નિર્માણ માટે ઘણા બધા કૌશલ્યોની જરૂર પડતી હોય છે. વાર્તા એ કોઈ અહેવાલ નથી. આ સ્પર્ધામાં આવેલી ચારેક વાર્તાઓ એટલી બધી લાંબી છે કે સરવાળે કશું નીપજતું જ નથી. ટૂંકી વાર્તામાં એક શબ્દ ઓછો ન ચાલે, તેમ એક શબ્દ વધારાનો પણ ન ચાલે. તેમજ ભાષા પાસેથી તમે કેવું અને કેટલું કામ લો છો તેના પર પણ વાર્તાની જીવંતતાનો આધાર છે. એટલે સપાટ ભાષા વાર્તાને અહેવાલ બનાવીને રાખી દેતી હોય છે.

અહીં રીડગુજરાતીને એક નમ્ર સૂચન કરવાનું મન થાય છે. જો સ્પર્ધા યોજવી હોય અને ખરેખરની સ્પર્ધા થવા દેવી હોય તો કોઈ એક વિષય પર જ વાર્તા-સ્પર્ધા યોજવી જોઈએ. જેથી ક્યા લેખકે વિષયને કેટલો ન્યાય આપ્યો છે તે ચકાસી શકાય. અન્યથા વાનગી સ્પર્ધા જેવું થાય. રીંગણાના શાક અને બટાકાના શાક વચ્ચે સ્પર્ધા કેવી રીતે થાય ? બેય ચીજો જ અલગ છે. જો કે મારો કોઈ એવો આગ્રહ નથી. છતાં મારો વિચાર સાવ ખોટો નથી એવું તો જરૂર કહી શકું છું.

આખરે આપણા ગુજરાતની અસ્મિતા એવી ગુજરાતી ભાષાને જીવંત અને ધબકતી રાખવાના પ્રયાસો બદલ રીડગુજરાતી.કોમ અને મૃગેશભાઈ શાહને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સ્પર્ધાઓ યોજીને ગુજરાતના જ નહીં, વિશ્વના ખૂણે બેઠેલા ગુજરાતીને લખવા માટે જે મંચ આપ્યો છે તે ધન્યવાદને પાત્ર છે. આ સ્પર્ધામાં વાર્તા મોકલનારા તમામ લેખકોને ભવિષ્યની ખૂબ શુભકામનાઓ અને – વિજેતા જાહેર થનારા ત્રણ લેખકોને હૂંફ રસ્યા અભિનંદન !!

લિ.
માવજી મહેશ્વરી
અંજાર-કચ્છ.
.

[2] ભાવવિશ્વના સમસંવેદનો – ભારતી રાણે

આપણી વહાલી ગુજરાતી ભાષાની આવતીકાલની આ સુખદાયક ઝલક. નવોદિત મિત્રોની સિત્તેર વાર્તાઓ મૃગેશભાઈએ મોકલી, ત્યારે મનમાં વિસ્મયભાવ હતો, અને એ તમામમાંથી નિરાંતે અને વિગતે પસાર થયા પછી અનેરો આનંદ અનુભવી રહી છું. સ્પર્ધકો દરેક વયજૂથનાં હતાં, પણ એ તમામમાં છલોછલ વરતાયો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને શબ્દ પ્રત્યેનો સ્નેહ. મારે મન કલમ ઉઠાવનાર એ તમામ વિજેતાઓ છે, કારણ કે, ગુજરાતી ભાષા ગણ્યાંગાંઠ્યાં વિજેતાઓ થકી નહીં, એને ચાહનારાં અનેક ચાહકો થકી રળિયાત છે, અને રહેશે.

નવોદિતોએ સર્જી હોવા છતાં વાર્તાઓનું સ્તર એકંદરે સરસ રહ્યું. વિષય વૈવિધ્ય પણ નોંધપાત્ર હતું. ખાસ ગમી જાય તેવી વાત એ હતી કે, લગભગ દરેક વાર્તામાં સર્જકે કાંઈક કહેવું હતું, અને તે પણ કાંઈક સત્વશીલ કહેવું હતું. કોઈએ પ્રેમના ઊંડાણની વાત કરી, તો કોઈએ માનવતાની. કોઈએ માનવીય સંબંધોમાં અને મનુષ્યના અંતરમાં ડૂબકી મરાવી, તો કોઈએ સાંપ્રત સમયની વિડંબણાઓને જીવંત કરી. કેટલીક કૃતિઓ લાગણીના તાર ઝણઝણાવી મૂકે તેવી પણ હતી. સરવાળે કૃતિઓમાં વ્યક્ત થતો દેખાયો જીવાતી જિંદગી તરફનો તથા આવનારા સમય પ્રત્યેનો હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ. લગભગ દરેક વયજૂથના સર્જકો વચ્ચે મોટા ભાગના સર્જકો યુવાન વયના હતા. કેટલાકે તો વળી પહેલી વાર જ કલમ ઉઠાવી હશે. એમના ભાવવિશ્વમાં ડોકિયું કરવાની તક મળી તથા આપણી વહાલી ભાષાની આવતી કાલની પરિકલ્પના પ્રાપ્ત થઈ, એ મારા માટે સાચવી રાખવા જેવી અનુભૂતિ છે; જે માટે હું મૃગેશભાઈની આભારી છું. કૃતિઓમાંથી પસાર થતાં લાગ્યું કે, આવનારા સમયમાં આમાંથી અનેક સશક્ત કલમો મળશે જ.

નવોદિતોની સ્પર્ધામાં સંઘાડાઉતાર રચનાઓની અપેક્ષા ન જ હોય, છતાં કેટલીક એવી રચનાઓ પણ મળી છે, જેનો વિશેષ આનંદ છે. સૌથી વધુ સંતોષકારક વાત એ છે કે, આવનારી પેઢી પાસે ઋજુ સંવેદના અને નક્કર આદર્શો છે. એમની પાસે કહેવા લાયક વાતો છે, જે ભાવક માટે આસ્વાદનીય સાથે ચિંતનીય બની રહે તેમ છે. બસ, જરૂર છે, માત્ર એને જરાક મઠારીને રૂપાળો ઘાટ આપવાની. યુવામિત્રો, જે પણ સાહિત્યપ્રકારમાં કામ કરીએ, તે સાહિત્યસ્વરૂપનું શાસ્ત્રીયરૂપ સમજવું આવશ્યક હોય છે. સંગીતમાં જેમ રિયાઝનું મહત્વ હોય છે, તેમ સાહિત્યમાં નિયમિત લેખન અને દેશ-વિદેશની શ્રેષ્ઠ કૃતિઓનું વાંચન અગત્યનું છે. ભાષાશુદ્ધિ તથા વ્યાકરણની સમજ ગુરુજનો તરફથી મળી શકે. બસ, જરૂર હોય છે આપણી આસપાસમાંથી કોઈ વિદ્વાન વ્યક્તિને શોધી એમની પાસેથી નમ્રભાવે માર્ગદર્શન મેળવવાની. ટૂંકી વાર્તાની લાંબી શાસ્ત્રીય ચર્ચા તો અહીં શક્ય નથી, પરંતુ કેટલીક પાયાની બાબતોનો ઉલ્લેખ પ્રાસંગિક લાગે છે :

(1) વાર્તાનો ઊઘાડ અગત્યનો હોય છે, જે ભાવકને પ્રવાહમાં અંદર ખેંચી જાય.

(2) વાર્તાનો વિષય, સ્થળ, કાળ, કોઈ પણ હોઈ શકે. વાર્તા કોઈ કાલ્પનિક કે અવાસ્તવિક લાગતી પરિસ્થિતિની પણ હોઈ શકે, શરત માત્ર એટલી કે, વાર્તામાં સર્જક જે કહેવા માગે છે, તે ભાવકને સમજાય તે રીતે કલાત્મક સ્વરૂપે પહોંચવું જોઈએ.

(3) સત્યઘટનાત્મક વાર્તામાં અનુભવની સચ્ચાઈ અગત્યની નથી. ઉત્સાહમાં વધુ પડતું લખવાની પણ જરૂર હોતી નથી. એક કલાકૃતિ બનાવવા માટે કામ લાગે, તેટલી જ સામગ્રી સર્જકે વાપરવાની હોય છે. વળી એ વાત કોઈ અહેવાલ માત્ર ન બની જતાં રસપ્રદ વાર્તા બની રહે, તે જોવાનું રહે.

(4) વાર્તામાં લાઘવનું મહત્વ હોય છે. માહિતીનો અતિરેક ટાળવો જોઈએ. વળી, કોઈ વિષયની આપણી વિષદ જાણકારીને વ્યક્ત કરવાનો મોહ પણ ટાળવો જોઈએ. જ્યારે સામી બાજુએ વાર્તા એટલી ટૂંકી પણ ન હોવી જોઈએ કે જેમાં પાત્રોને વ્યક્ત થવાની તથા વિકસવાની તક ન મળે. પાત્ર જીવંત થવું જોઈએ. એ સ્વ વિકાસ સાધે તે પણ જરૂરી છે. પાત્ર જીવતું થાય, એટલી મોકળાશ (સ્પેસ) પણ આપવી જરૂરી છે.

(5) ભાષા ઘડાયેલી તથા ક્રિએટીવ હોવી જોઈએ. વર્ણનો વાતાવરણ અને અસર ઊભી કરે છે, પણ એનો અતિરેક ટાળો. સંવાદ વાર્તાને ગતિ આપે છે. વાર્તામાં એનું ખૂબ મહત્વ છે. સરવાળે વાર્તાકારે એક વર્તુળ દોરવાનું હોય છે, જેના કેન્દ્રથી દૂર ચાલ્યો જાય, તો વાર્તાની પકડ શિથિલ થવાની જ.

(6) વાર્તા-નિબંધ તથા અહેવાલને અલગ તારવતી સૌથી અગત્યની શરત એ છે કે, વાર્તામાં વળાંક હોવો જરૂરી છે. કોઈક અનપેક્ષિત વળાંક, કોઈ એવી ચોટ કે ચમત્કૃતિ જે વાર્તાને વાર્તા બનાવે છે, તે ટૂંકી વાર્તાનું અનિવાર્ય ઘટક છે. એ હોય તો જ વાર્તા બને છે, એમ કહી શકાય. નવોદિતોએ વાર્તાકાર તરીકે માન્યતા પ્રાપ્ત કરવા આ શરતની સમજપૂર્વકની સાધના કરવી રહે.

મિત્રો, લાંબી વાત કરી. થોડાક દિવસોનો આપણો સંગાથ આજે પૂરો થાય છે. પણ આજે જેમની સાથે ઓળખાણ થઈ, તે કલમોને સફળતાનાં શિખરો સર કરતી જોવાની મને પ્રતીક્ષા રહેશે. ફરી મળીશું કોઈ નવા મુકામે !

લિ.
ભારતી રાણે.
બારડોલી.
.

[3] પ્રતિભાવ – નૂતન જાની

મૃગેશભાઈ,

‘રીડગુજરાતી.કોમ’ દ્વારા તમે અનેક લોકોને લખતા કર્યા છે. સહુ પ્રથમ તમને અભિનંદન ! આ વાર્તા-સ્પર્ધા માટે તમને મળેલો પ્રતિસાદ ગુજરાતી ભાષા-સાહિત્યની આવતીકાલ માટે આશા જગવે છે. મોટાભાગની વાર્તાઓ વાર્તા બનતી નથી. ઘટના કે પ્રસંગનું વર્ણન એટલે વાર્તા એવું જરાય નહીં. આમાંની મોટાભાગની વાર્તાઓ ઘટના વર્ણનથી આગળ વધતી નથી. વાર્તાલેખન એ માત્ર ને માત્ર સ્પર્ધા માટેની જ પ્રતિક્રિયા હોય તેવું જણાય છે. જો કે પાંચ-છ વાર્તાઓ પ્રમાણમાં ઠીકઠાક છે. એકાદ-બે કદાચ (મારી સ્મૃતિના આધારે) પહેલાં છપાઈ હોય તેવું લાગ્યું. તપાસ કરશો. તેવું ન હોય તો તે (બે વાર્તાઓ) નક્કી જ સરસ છે.

મૃગેશભાઈ, તમે લોકોને લખતા કર્યા તે મજાની વાત છે. રીડગુજરાતી.કોમમાં અઠવાડિયે-પખવાડિયે કે મહિને એકાદ લેખ સાહિત્ય પદાર્થ વિશેનો હોય તો આ વાચકોની રસરુચિને કલાની દિશા તરફ દોરી શકાય. કવિતા, વાર્તા, નાટક, વિવેચન વગેરે વિશેની વિભાવના-સંકલ્પના રજૂ થતાં હોય તેવા લેખો પણ સમાવો તો તમારા વાચકોમાંથી ભવિષ્યમાં ચોક્કસ જ ઉત્તમ કવિ, વાર્તાસર્જક, નવલકથાસર્જક, નાટ્યલેખક કે વિવેચક પ્રાપ્ત થશે જ.

હવે થોડીક વાત વાર્તાસ્વરૂપ વિશેની.
વાર્તા વિશે આપણે ત્યાં અનેક વિભાવનાઓ મળે છે. પરંતુ વાર્તા ઘટનામાં, પ્રસંગમાં કે પાત્રોમાં નથી હોતી – એ બધાની ગોઠવણીમાં હોય છે. સામગ્રીનું કલામાં transformation કરવાની કલા જ વાસ્તવમાં સાહિત્યસર્જન માટે કારણભૂત છે. આપણી ભાષાના સંન્નિષ્ઠ વાર્તાવિવેચક સુરેશ જોશીના પુસ્તક ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવનામાં વાર્તાલેખન માટેની ટેકનિકની વિગતે ચર્ચા મળે છે. ધૂમકેતુ અર્વાચીન ગુજરાતી ટૂંકી વાર્તાના અગ્રણી. તેમણે કહ્યું છે, ‘જે વીજળીના ચમકારાની પેઠે એક દષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી, વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા…. ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ- તણખો જ મૂકે છે.’ પ્રસંગ, પાત્ર, વાતાવરણ, સંવાદ, શૈલી – વાર્તાલેખન માટે આવશ્યક અંગો છે.

લિ.
નૂતન જાની.
મુંબઈ.

Leave a Reply to brij pathak Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “વાર્તા-સ્પર્ધા 2012 : નિર્ણાયકોનું મંતવ્ય – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.