પ્રગતિની આ દોડ કેટલી લાભદાયી ? – અજ્ઞાત

[ ‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-2012માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. લેખના સર્જકનો કોઈ ઉલ્લેખ ન થયો હોવાથી સર્જકનું નામ પ્રાપ્ત થઈ શક્યું નથી.]

[dc]આ[/dc]જના સમયમાં દુનિયામાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. દુનિયા તેજ ગતિથી દોડતી જઈ રહી છે. તેની ચાહત આ ગતિમાં કોઈ પણ પ્રકારની કમી કરવા માગતી નથી, એટલે બધા લોકો આ દોરમાં સામેલ થતા જઈ રહ્યા છે. આગળ વધવાની હોડ, વધારે પૈસા કમાવવાની હોડ, બહુ જલદી બધું મેળવી લેવાની તીવ્ર ઈચ્છા અને ખૂબ ઝડપથી બધાં કામ કરવાની ચાહતે આજે વ્યક્તિની જીવન શૈલીમાં બહુ જ વ્યસ્તતા લાવી દીધી છે. આજે દુનિયામાં એ વસ્તુઓની માગ વધતી જઈ રહી છે, જેનાથી ઓછી મહેનતમાં ખૂબ ઝડપથી કામ કરી શકાય અને એ વસ્તુઓની કોઈ કિંમત રહી ગઈ નથી, જેનાથી કામ કરવામાં બહુ વધારે મહેનત અને સમય લાગે છે. અત્યારે જૂની ટેકનોલૉજીના સ્થાને નવી ટેકનોલૉજી ઝડપથી પોતાનું સ્થાન બનાવી રહી છે.

દેશમાં જ્યારે તેર વર્ષ પહેલાં વિદેશ સંચાર નિગમ લિમિટેડ ઈન્ટરનેટની શરૂઆત કરી તો મોટી-મોટી જાહેરાતો આપવામાં આવી કે 10 એમબીપીએસ (મેગા બાઈટ પર સેકન્ડ)ની ઝડપથી સર્ફિંગ કરો, પરંતુ આજની પરિસ્થિતિમાં કોઈ પણ કંપની આમ કહેવાનો ઈન્કાર કરશે. અત્યારે તો 1000 એમબીપીએસની ઝડપથી ઈન્ટરનેટ સર્ફિંગની સુવિધા સામાન્ય રીતે ઉપલબ્ધ છે. કંઈક એવો જ ઝડપનો ખેલ સુપર કમ્પ્યૂટરો સાથે પણ છે. આજથી દસ વર્ષ પહેલાં લોકો કમ્પ્યૂટરની જે ઝડપથી આશ્ચર્યચકિત થતા હતા, તે આજે સામાન્ય વાત લાગે છે; કારણ કે આજે માણસ પાસે દસ વર્ષ પહેલાંની સરખામણીમાં 100 ગણી તેજ ઝડપવાળાં કમ્પ્યૂટર છે. આનાથી એ અનુમાન લગાવી શકાય છે કે ઝડપની આ દુનિયામાં કેટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે તથા એ પણ સાચું છે કે ઝડપનું આ આકર્ષણ ક્યારેય ખતમ થશે નહિ અને આનાથી વધારે તેજ ઝડપની ચાહત ખતમ થશે નહિ. વાસ્તવમાં ઝડપથી આગળ વધવાની ચાહતે માણસને હંમેશાં રોમાંચિત કર્યો છે. આ રોમાંચના ગર્ભમાંથી માણસને ઊડવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને રાઈટ બંધુઓનું હવાઈ જહાજ નીકળ્યું અને પછીથી ઝડપની ચાહતે સુપર સોનિક જેવાં તેજ ઝડપનો રોમાંચક પર્યાય મનાતાં વિમાન આપ્યાં.

મનુષ્ય જીવનમાં છવાઈ રહેતી આ ઝડપ ફક્ત ઊડવા, દોડવા એટલે કે યાતાયાત અને પરિવહન સુધી જ સીમિત નથી, પરંતુ સાચું તો એ છે કે ઝડપ આપણી પ્રત્યેક ગતિવિધિનો હિસ્સો છે. ઈતિહાસનું અવલોકન કરવાથી પણ એ જાણવા મળે છે કે એ ઝડપમાં સતત તેજી જ આવી છે અને એમાં કમી તો રતીભરની પણ નથી થઈ, પછી તેની ગતિવિધિ ચાહે ગમે તે કેમ ન હોય. એટલે સુધી કે 1000 વર્ષ પહેલાં માણસ જેટલી તેજ ગતિથી દોડતો હતો, આજે એની ઝડપ એ સમયની સરખામણીમાં 100 ટકાથી પણ વધારે વધી ગઈ છે. તેજ ગતિથી દોડવાની આ ચાહત ઑલિમ્પિક રમતોમાં નજરે પડે છે; કારણ કે આજથી અડધી શતાબ્દી પહેલાંના લોકો 100 મીટરનું અંતર 10 સેકન્ડથી ઓછા સમયમાં પૂરું કરવાની વાત વિચારી પણ શકતા ન હતા અને આજે આ અંતર એનાથી પણ ઓછા સમયમાં પૂરું કરવામાં આવી રહ્યું છે. અને માનવામાં આવી રહ્યું છે કે ઉસેન વૉલ્ટ જેવો માણસ રૂપી ચિત્તો પણ ભવિષ્યમાં મામૂલી બનીને રહી જશે; કારણ કે હજી માણસની ઝડપથી દોડવાની રફતારમાં 70-80 ટકાનો વધુ વધારો થશે. આપણા વાહન-વ્યવહારનાં સાધનોની આજે જે ઝડપ છે, તેની કલ્પના 200 વર્ષ પહેલાંના લોકો કરી પણ શકતા ન હતા. પહેલાં ક્યારેક 1 કલાકમાં 10 માઈલથી પણ ઓછું ચાલતી ટ્રેન આજે 1 કલાકમાં 300 માઈલથી પણ વધારે સફર પૂરી કરી રહી છે. પહેલાં પાણીના જહાજ (સ્ટીમર) દ્વારા હિંદુસ્તાનથી યૂરોપ જવામાં 6 મહિના લાગતા હતા, ત્યાં આજે એક વ્યક્તિ 18 કલાકમાં અમેરિકા પહોંચીને પાછો મુંબઈમાં નાસ્તો કરીને કન્યાકુમારીમાં લંચ કરી શકે છે અને બીજિંગમાં રાતનું ભોજન કરીને કુઆલાલમ્પુરમાં મીઠી નિંદર માણી શકે છે.

ફક્ત વાહન-વ્યવહારનાં સાધન જ નહિ, જો વ્યક્તિ પોતાના કામ-કાજના સ્થળ તરફ નજર દોડાવે છે તો જ્યાં પહેલાં ક્યારેક હાથથી કામ કરવામાં આવતું હતું ત્યાં પછી ટાઈપ મશીનની શોધ થવાથી બ્રિટનના પ્રશાસને એમ વિચાર્યું કે અમારા કામકાજની ઝડપમાં 100 ટકા વધારો થઈ ગયો છે, પરંતુ આજે ઉપયોગમાં લેવાતાં હાઈસ્પીડ કમ્પ્યૂટરોથી આપણી કામ કરવાની ગતિ કેટલી છે એ વાત કોઈનાથી છાની નથી. પહેલાં મહિનાઓ અગાઉ નિમંત્રણપત્ર મોકલવામાં આવતા હતા, તો પણ એવો ડર રહેતો હતો કે સમયસર નિમંત્રણપત્ર મળશે કે નહિ, પરંતુ આજે દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પાંપણ પલકાવવા જેટલા સમયમાં જ ઈ-મેઈલ મોકલી શકાય છે.

એક સમયમાં લોકો જ્યારે તીર્થયાત્રા માટે નીકળતા હતા તો મહિનાઓની સફર રહેતી હતી, વર્ષો પહેલાંથી કાર્યક્રમ બનાવવામાં આવતા હતા અને જવા માટે તૈયારીઓ શરૂ થઈ જતી હતી. જ્યારે તે લોકો પાછા આવતા હતા, તો મહિનાઓ સુધી તેમની યાત્રાના કિસ્સા સાંભળવામાં આવતા હતા. પરંતુ જ્યારે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટી ડેઝ’નો ફિનોમિના લઈને ફિલિયસ પાગ સામે આવ્યા અને તેમણે ફક્ત 80 દિવસોમાં આખી દુનિયાનું ચકકર લગાવ્યું તો હરવા-ફરવાના શોખીન લોકો માટે આ રોમાંચ કંઈ કમ ન હતો, પણ આજે ફક્ત 90 મિનિટમાં વ્યક્તિની હરવા-ફરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે અને તે કોઈ પણ જગ્યાએ જઈને પાછા ફરવાની નહિ, પરંતુ આખી દુનિયામાં ફરવાની. આ લાઈટક્રાફટ કૉન્સેપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે અમેરિકન એરફોર્સ અને બ્રાઝિલે. આ તકનીકમાં લેસરનાં એપ્સપલ્સન દ્વારા યાત્રીને આકાશમાં મોકલવામાં આવશે. આમાં ખાસ વાત એ છે કે એ પ્લેન રેગ્યુલર પ્લેનની જેમ જ લેન્ડ કરશે. અમેરિકા અને બ્રિટનમાં જહાજો પર આ પ્રકારના સારા એવા પ્રયોગ થયા છે અને આગામી કેટલાંક વર્ષોમાં એવી પૂર્ણ આશા છે કે વ્યક્તિને આખી દુનિયાનું ચક્કર લગાવવામાં ફક્ત એક કલાકનો સમય લાગશે.

આજે દુનિયામાં કોઈ એવું ક્ષેત્ર નથી, જેમાં પાછલી બે શતાબ્દીઓમાં ઝડપ ન આવી હોય. એક સમય હતો જ્યારે રસોડામાં રસોઈ બનાવવામાં સારો એવો સમય લાગતો હતો અને આંખોમાં ધુમાડો પણ જતો હતો, પરંતુ 20મી શતાબ્દીની શરૂઆતમાં કુકરે રસોઈ પકાવવાના સમયમાં સારો એવો ઘટાડો કર્યો તો 20મી શતાબ્દીના મધ્યમાં લોકપ્રિય બનેલ માઈક્રોવેવે રસોઈ બનાવવામાં લાગતા સમયને ચમત્કૃત રીતે ઓછો કરી નાખ્યો છે. આજે 19મી અને 18મી શતાબ્દીની સરખામણીમાં ઓછામાં ઓછી 100થી વધારે વાનગીઓ એવી છે, જેને બનાવવામાં ફક્ત થોડીક મિનિટોનો જ સમય લાગે છે. આજના સમયમાં ફળ જલદી પાકી રહ્યાં છે અને શાકભાજી ઋતુઓની રાહ જોતી નથી. રસ્તા પર ચાલતાં વાહનોની ઝડપ તેજ થઈ ગઈ છે. રેલગાડીઓ અને હવાઈજહાજે તો સમય અને અંતરનાં સંબંધને જ ઊલટ-પુલટ કરી નાખ્યો છે. આજે કમ્પ્યૂટર અને ઈન્ટરનેટે કેટલીક એવી પરિસ્થિતિઓ બનાવી દીધી છે કે કદાચ હવે તેજ ગતિ વિના જીવી શકાય નહિ. ક્યારેય આ તેજ ગતિ આપણી મરજી કે આપણી ઈચ્છા રહી હશે, પણ આજે એ મજબૂરી થતી જઈ રહી છે; કારણ કે વ્યક્તિએ આજે તેજ એટલા માટે નથી ચાલવાનું કે ઝડપથી ચાલવાનાં સાધન તેની પાસે ઉપલબ્ધ છે, પણ તેજ એટલા માટે ચાલવાનું છે કે એની પાસે સમય નથી. આખી દુનિયામાં વધતા આ શહેરીકરણને કારણે કામ માટે દરરોજ ઘરમાંથી નીકળતી વખતે લોકો પર હંમેશાં આ તેજ ગતિથી ચાલવાનું દબાણ હાવી થઈ રહે છે.

મુંબઈ પનવેલ કામ કરવા માટે જતો કર્મચારી હંમેશાં એ તનાવમાં રહે છે ક્યાંક તે લેટ ન થઈ જાય. રાજધાની દિલ્હીમાં જો સવાર-સવારમાં ડીટીસી બસોનું દશ્ય જોવામાં આવે તો આ બસોમાં પણ ભીડ રહે છે. એક સમય એવો હતો જ્યારે દિલ્હીમાં સવાર-સાંજ બસમાં મુસાફરી કરનારા કેટલાય લોકો બસના પગથિયા પર હવામાં લટકતા રહેતા હતા. પૂરેપૂરી ભીડમાં 2-4 વ્યક્તિ એવી હોઈ શકે છે જેમને હવામાં લટકવાનું ગમતું હોય, નહિતર મોટાભાગના લોકો હવામાં એટલા માટે લટકેલા હોય છે કે તેમણે વહેલામાં વહેલું ઘરે કે કામકાજના સ્થળે પહોંચવાનું હોય છે. પણ આજે દિલ્હી કે મુંબઈમાં જ નહિ, દેશનાં લગભગ તમામ મહાનગરો અને તેની આસપાસનાં શહેરોમાં આવાં જ દશ્ય જોવા મળે છે.

માનવ જીવનમાં આવતી આ ઝડપ ખરાબ નથી. આ ઝડપ અનેક પ્રકારની ઉપલબ્ધિઓનું પ્રતીક છે. ઝડપનો મતલબ જ છે – વિકાસ, આગળ વધવું. આનો મતલબ છે કે હરીફાઈ, સક્રિયતા અને ઉજ્જ્વળ ભવિષ્ય. એ દષ્ટિએ આ ઝડપ આગળ વધવાનું અને વધુ સારું પ્રદર્શન કરવાનું માધ્યમ છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિ તેજ ગતિથી ચાલવાનું પસંદ કરે છે અને તેજ ગતિથી ચાલનારાં સાધનોને અપનાવે છે. આજે કોઈ પણ ઢીલું-ઢાલું અથવા ઓછી ગતિવાળું બનવા માગતું નથી. આજના સમયમાં લોકોની મહત્વાકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે અવ્વ્લ રહેતા લોકો તો બીમાર પડવા જ નથી માગતા અને જો બીમાર પડી જાય છે તો પલકારો મારતાં જ ઈલાજ કરાવીને જૂની સુખદ-સ્વસ્થ સ્થિતિમાં આવવા માગે છે. એ વાત અલગ છે કે ક્યારેક ક્યારેક ઉતાવળને કારણે તેમને લેવાના દેવા થઈ જાય છે. તેજ રફતારથી સતત કામ કરતા રહેવાને કારણે વ્યક્તિ જો થોડીક પણ ભૂલ કરે છે તો એની જરાક અસાવધાનીમાં તે ઘણું બધું ગુમાવી દે છે.

તેજ ગતિથી દોડતી આ દુનિયામાં રહેતા લોકોએ જ્યાં આધુનિક ટેકનોલોજીને કારણે પ્રત્યેક ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે, ત્યાં પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ ગુમાવ્યું છે. પહેલાંના લોકો આજના મનુષ્યોની સરખામણીમાં શારીરિક અને માનસિક દષ્ટિએ વધારે સ્વસ્થ હતા. તેમની સ્મરણશક્તિ, એકાગ્રતા, સુખ, શાંતિ, પ્રસન્નતા આજના મનુષ્યોની સરખામણીમાં વધારે હતી. ઝડપથી ભાગતી આ દુનિયાને જોતાં ક્યારેક ક્યારેક એક અજીબ-શી બેચેની થાય છે કે આ દુનિયા કઈ દિશા તરફ જઈ રહી છે ? દુનિયાના લોકો શું મેળવવા માગે છે; કારણ કે તેઓ ખુદથી દૂર થતા જઈ રહ્યા છે, પોતાના સ્વજનોથી દૂર થતા જઈ રહ્યા છે. આજની દુનિયામાં હૃદયના સંબંધ સાચા દેખાતા લાગતા નથી હોતા, દરેક જગ્યાએ ધોખો-છળ મળે છે. ક્યાંક કોઈના પર ભરોસો કરવામાં સંદેહ થાય છે. બીજા પર અવિશ્વાસ વધતો જઈ રહ્યો છે. આવા સમયમાં વ્યક્તિએ જો કંઈ શોધવું જોઈએ તો તે ખુદને જાણવા જોઈએ, સમજવા જોઈએ. વ્યક્તિ જો ખુદને સમજી શકશે, પોતાની આંતરિક શક્તિઓને જાણી શકશે, તેનો સદુપયોગ કરી શકશે અને પોતાના જીવનનો આધ્યાત્મિક વિકાસ કરી શકશે તો એટલું બધું હાંસલ કરી શકશે, જેની સામે વર્તમાન કે ભવિષ્યમાં થનારી પ્રગતિ પણ તેને મહત્વહીન લાગશે અને તે જીવનની સાચી સુખ-શાંતિ, સમૃદ્ધિ, પ્રસન્નતાની હકદાર થઈ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “પ્રગતિની આ દોડ કેટલી લાભદાયી ? – અજ્ઞાત”

Copy Protected by Chetan's WP-Copyprotect.