સાસણગીરમાં સિંહદર્શન – ભાનુપ્રસાદ પુરાણી

[ મનનીય લેખોના સુંદર પુસ્તક ‘સ્મરણવીથિકા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ભૂ[/dc]લતો ન હોઉં તો સને 1993નું એ વર્ષ.
વહેલી પરોઢના છએક વાગ્યા હશે. ઠંડી કહે મારું કામ. શિયાળાના એ દિવસો. સૂરજ હજુ શરમાતો હોય એમ પૂર્વની લાલાશમાંથી ડોકિયું કરવા મથતો હતો. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કાર્યસમીક્ષા બેઠક ત્યારે જૂનાગઢ ખાતે રાખવામાં આવી હતી. બે દિવસની એ બેઠક સંપન્ન થઈ ગઈ. ત્રીજે દિવસે રવિવાર હતો અને એ નિમિત્તે જ સ્વેચ્છાએ સિંહદર્શનનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

અમારા મિત્ર, જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારીએ એ અંગેનું પૂર્વ આયોજન ગોઠવેલું જ હતું. ચારેક જીપો સાથેનો અમારો રસાલો વહેલી પરોઢના એ રીતે સાસણ તરફ ધસી રહ્યો હતો, ઉત્સુકતા સાથે સિંહદર્શન અર્થે. ગિરનાર પર્વતની ફરતે વીંટળાયેલું ગીરનું જંગલ તેની આગવી વન્યસૃષ્ટિ થકી ધબકે છે બારેમાસ. જંગલનાં પશુપંખીઓનો સળવળાટ ત્યાંના વન્યજીવનને જીવંત રાખે છે ને જંગલ આખું ગુંજી ઊઠે છે કલબલાટથી. ત્યાં સાસણ ગામે જંગલખાતાની કચેરી આવેલી છે. અમારે ત્યાં પહોંચવાનું હતું.

અમારી જીપ અમારા કુતૂહલ સાથે આગળ ધપતી હતી. ક્યાંક ડુંગરાઓ ઉપર મોરલા નૃત્ય કરતા નજરે પડતા હતા તો ક્યાંક વીજળીની જેમ દોડી જતાં હરણાં, બાકી વન્યસૃષ્ટિ શાંત હતી. હજુ તો મોંસૂઝણું હતું ત્યાં જ જીપની ડાબી બાજુથી રોડ પર થઈને જમણી બાજુ દીપડો છલાંગ મારીને ઊંચા ડુંગરે ચઢી ગયો. અમે જોતા જ રહી ગયા એ દશ્ય. ભયંકર, હિંસક એવું એ પ્રાણી યંત્ર-જીપ અને માણસથી ડરીને દોડી ગયું શું ? એ જ દીપડો જો એના રક્ષિત જંગલમાં મળી જાય તો ? અમે તો કલ્પના જ કરતા રહ્યા. મનમાં એમ પણ થયું કે કોણ હિંસક ? આ દીપડો કમસે કમ પોતાની જાતિનાને તો મારતો નથી !…. ને આપણે ? જમણી બાજુએ રોડ પરની ધારથી એક મોટોમસ અજગર ડુંગર ચઢવા મથતો હતો. કોઈકે તો મોટેથી બૂમ પણ પાડી, ‘અજગર !’ અને સૌનું ધ્યાન સરકી જતા એ અજગર તરફ દોરાયું. ‘હા, એણે ભક્ષ્ય કર્યું લાગે છે એટલે ઝડપથી ભાગી શકતો નથી.’ જીપના ડ્રાઈવરે એનો અનુભવ કહ્યો. રસ્તો જાણે કે સાવ ટૂંકો થઈ ગયો અને અમે કલાક-દોઢ કલાકમાં તો પહોંચી ગયા સાસણ ફોરેસ્ટ કચેરીએ. ફોરેસ્ટ ઑફિસરશ્રીએ અમારું સ્વાગત કર્યું અને કહ્યું કે પાંચેક વર્ષથી અહીં ફોરેસ્ટ ઑફિસર છું, પણ તમે શિક્ષણખાતાના ઉચ્ચ અધિકારીઓ છો એ જાણીને ખૂબ આનંદ થયો. વન્યસૃષ્ટિને સાચી રીતે સમજનાર અધિકારી મળ્યાનો આનંદ !

પછી તો પ્રશ્નોત્તરી ચાલી. અમારામાંથી એકે પ્રશ્ન કર્યો : સિંહ રોજનો કેટલો ખોરાક લે છે ? ફોરેસ્ટ ઑફિસરે કહ્યું : ‘10 કિલો સામાન્ય પણ ભૂખ્યો હોય તો 30 કિલો પણ ઝાપટી નાખે !’ એમણે કંઈક સાહજિક ગુસ્સો કર્યો. કહ્યં : ‘લોકો સિંહ જોવા આવે છે પણ કોઈ સિંહને ઓળખતા નથી. સિંહને સાચી જ રીતે ઓળખવો જોઈએ. તેના વિશે જાણવું જોઈએ. માત્ર સિંહ જ જોવો હોય તો જાવને સર્કસમાં, સિંહ તો ત્યાંય જોવા મળશે ! ઝૂમાં પણ સિંહ તો જોવા મળશે. અહીં સુધી આટલે દૂર આવીને માત્ર સિંહ જોવાનો ? એ તો બીજેય મળે.’ એમની વાગ્યાત્રા ચાલુ જ હતી, ‘લોકોએ અહીં આવીને સિંહને શા માટે જોવો જોઈએ ? અમે લાયન-શૉ કર્યા, ઘણા કર્યા, તો કહે અરે ! આ સિંહ તો કુત્તા જેવો પાલક છે ! સિંહ-વનરાજનું આવું અપમાન ? એ જો ફાડી ખાય તો જ કહે કે સિંહ તો ભયાનક છે ! સાહેબો, સિંહ તો સામાજિક પ્રાણી છે. Lion is a social animal. લોકોને જાણે કોઈ સમજવું જ નથી, શું કરીએ ? તમે સિંહ જોતાં પહેલાં એના વિષે રસ બતાવી જાણકારી મેળવી તે બદલ આનંદ થયો. પછી કહ્યું : ચાલો ત્યારે, હવે તમે સૌ તમારાં વાહનોમાં ગોઠવાઈ જાઓ, નજીકમાં જ સિંહનાં દર્શન થશે. એની વ્યવસ્થા થઈ જ ગઈ છે.

….ને અમે સૌ પોતપોતાનાં વાહનોમાં ગોઠવાઈ ગયા. વાતાવરણમાં ચુપકીદી હતી. સૌમાં કૌતુક જણાતું હતું. આગળ એસ્કોર્ટ જીપ હતી ફોરેસ્ટ ખાતાની, સાથે એક ફોટોગ્રાફર પણ…. એ જ જીપમાં ચાર જેટલા હાંકો કરનારા અનુભવી નિર્ભય કર્મચારી પણ ખરા. તેમની પાસે માત્ર વાંસની પાકી એવી નાની લાકડી હતી. અમારો રસાલો થોડે જ આગળ વધ્યો હશે અને એસ્કોર્ટ જીપ એકાએક ઊભી રહી ગઈ. સંકેત મુજબ અમારાં વાહનો પણ થંભી ગયાં નરી નીરવતા વચ્ચે. ફોરેસ્ટ ઑફિસર બોલ્યા : ‘જુઓ સાહેબો, સામે જુઓ….’ ને અમારા બધાની નજર એ તરફ સામે…. અને એક વિશાળકાય વનરાજ અમારાથી માંડ 200 મીટર જેટલો દૂર નિરાંતે બેઠો હતો. તેની છાતી ધમણની જેમ હાંફતી હતી અને લાલચોળ લાંબી જીભમાંથી લાળ પડી રહી હતી. ફોરેસ્ટ ઑફિસર નીચે ઊતર્યા, સાથે ચાર હાંકો કરનારા પણ… હવે ફૉરેસ્ટર અમને કહે, ‘શાંતિથી ગભરાયા વિના બધા જ નીચે ઊતરી આવો. કાંઈ ડરવા જેવું નથી. ડરવું હોય તો સિંહથી ના ડરશો, માણસથી ડરજો; એનો વિશ્વાસ ન રાખશો પણ સિંહનો વિશ્વાસ રાખજો !’ અમે સૌ વાહનોમાંથી નીચે ઊતર્યા. સામે સિંહરાજા બેઠા હતા, એમની મસ્તીમાં. એ વનરાજ ખરાને ? પછી તો પ્રશ્નો પર પ્રશ્નોનો મારો ચાલ્યો. ફૉરેસ્ટ ઑફિસર સંતોષકારક જવાબ આપ્યે જતા હતા. સિંહની ખાસિયતો, એનો ખોરાક, એની મારણ કરવાની રીત, સંવનનક્રિયા અને તેનું સ્થાન, જલકેન્દ્રોની સુવિધા, માલધારીઓની માનસિકતા વગેરે પ્રશ્નોમાં ઓછામાં ઓછો અર્ધો કલાક પસાર થઈ ગયો.

અમે એ પણ ભૂલી ગયા કે સામે સિંહ બેઠો છે. જો કે અમારા સૌની નજર તો અવારનવાર સિંહ તરફ જ ફરતી હતી. ફોરેસ્ટ ઑફિસર કહે : ‘સિંહ તો અમારો વિશ્વાસુ દોસ્ત છે; પાછળથી ઘા ન કરે. માણસ માણસને ઘાતકી રીતે મારે છે. સિંહ નાનાં પ્રાણીઓનો શિકાર જરૂર કરે છે કારણ કે એનો ભક્ષ્ય છે. તેમાંયે એ રીતે નાનાં પ્રાણીઓને મારે છે જેમાં ડોકેથી પકડીને તેને મરડી નાખે, તોડી નાખે. પ્રાણી માત્ર બે-ચાર મિનિટમાં તો ખલાસ થઈ જાય. એ Cruel નથી. માણસ માણસને રિબાવી રિબાવીને મારે છે, કારણ ? ઘાતકી. માણસનો વિશ્વાસ ન રખાય.’ સિંહ એની અદામાં બેઠો હતો. એ કદાચ એનાં વખાણ સાંભળી આનંદિત થતો હશે ! એટલામાં જ એક નેસડામાં રહેનાર ઘાસચારાનો મોટો પૂળો માથે મૂકીને અમારી અને સિંહની વચ્ચે થઈને નિર્ભયતાથી પસાર થઈ ગયો. કેટલો વિશ્વાસ એને આ જંગલના રાજા પર ! અમારી આગળ હાંકો પાડનારા નાનકડી એવી લાકડીઓથી અમારું રક્ષણ કરી રહ્યા હતા ! એક હાંકો પાડનાર કહે : ‘આવો, આપણે સામે નજીકમાં જ સિંહ-સિંહણ છે ત્યાં જઈએ.’

વળી પાછા અમે જીપ કારમાં ગોઠવાઈ ગયા. થોડે જ દૂર રોડ પર જ સિંહણ સૂતી હતી અને સિંહ તેને રમાડતો હતો. ગેલ કરતો હતો. ફોરેસ્ટ ઑફિસર કહે : ‘આવો સીન ભાગ્યે જ જોવા મળે ! આ તેઓનો મેટિંગ પિરિયડ છે ! ખેલ પતી ગયો છે. આપણે આટલે જ ઊભા રહીએ.’ સામે રોડ ઉપર પણ અમારા જેવા જિજ્ઞાસુ પર્યટકો ઊભા હતા શાંતિથી, ધીરજથી. આ દશ્ય જોતાં ક્યાંય ડર ન હતો, ભય ન હતો કે ન હતો ગભરાટ. કારણ કે વિશ્વાસ હતો એકમેક પરનો ! આ એક વિરલ દશ્ય હતું ! મેં ફોરેસ્ટ ઑફિસરને પ્રશ્ન કર્યો :
‘ધારો કે સિંહ આપણા પર હુમલો કરવા છલાંગ મારે તો કેટલી છલાંગો થાય ?’
હાંકો કહે : ‘એક જ છલાંગે બોચી પકડી લે સાહેબ !’ બધા હસી પડ્યા.
‘તમે નસીબદાર છો, બાકી આવું દશ્ય ભાગ્યે જ જોવા મળે ! અદ્દભુત, અનેરું ! You are so lucky.’ ફોરેસ્ટ ઑફિસર બોલી ઊઠ્યા. મને થયું : કોણ નિર્ભય હતું અહીં, સિંહ કે અમે માણસો ? હા, બંને વચ્ચે વિશ્વાસ ફરકતો હતો તેથી કોઈને કોઈનો ડર ન હતો. આવો જ વિશ્વાસ માણસ-માણસ વચ્ચે રહેતો હોય તો ? ને છતાંય પ્રાણી છે. સિંહની Psychology કોઈએ પણ જાણવા કોશિશ કરી છે ખરી ? આપણે સામે ઊભા છીએ. સિંહ આપણને જુએ છે. એના માનસમાં શું ચાલી રહ્યું હશે એ આપણે જાણતા નથી. એ ખબર પડી જાય તો !

ત્યાં હાંકો પાડનારે સામે દૂર રોડ ઉપર જ ગાડીઓ ગોઠવી શાંત ઊભા રહેલા માણસોને કહ્યું : ‘તમે હોર્ન વગાડી ધીમે ધીમે ગાડી ચાલુ કરી આવવા દો.’ અમે સૌ ઝડપથી પોતપોતાનાં વાહનોમાં ગોઠવાઈ ગયા. ફોરેસ્ટ ઑફિસર કહે, ડરવાની કંઈ જરૂર નથી. ….ને સિંહ-સિંહણ ધીમેથી ઊભાં થઈ રોડ ઓળંગી ડુંગરા પર ચઢી જંગલના માર્ગે આગળ વધ્યાં, ધીમે ધીમે છટાથી. ગૌરવથી પ્રિયતમાને સાથે રાખીને વનરાજ ચાલ્યો જતો હતો. કેવું મનોરમ્ય દશ્ય હતું એ ! એ દશ્ય અમે મન ભરીને માણ્યું ને નિઃસ્તબ્ધતા. અમે સૌ અમારા આરામના સ્થળે – સાસણના ફોરેસ્ટ બંગલે-પાછા વળ્યા. ત્યાં ભોજન અમારી રાહ જોતું હતું. જંગલના કલરવ વચ્ચે, નદીઓના અસ્ખલિત વહી જતા જળપ્રવાહને ભેદીને ધૂળિયા રસ્તે અમે ફોરેસ્ટ બંગલે આવી પહોંચ્યા. આજેય એ ઘટના યાદ આવે છે ને રોમાંચિત થઈ જવાય છે.

[કુલ પાન : 124. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રગતિની આ દોડ કેટલી લાભદાયી ? – અજ્ઞાત
ફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર Next »   

5 પ્રતિભાવો : સાસણગીરમાં સિંહદર્શન – ભાનુપ્રસાદ પુરાણી

 1. Chintan Oza says:

  સાસણ વિષે વાંચીયે એટલુ ઓછુ લાગે, હરહંમેશ એક રોમાંચ આવી જાય મનમા. સરસ વર્ણન છે. આભાર.

 2. devina says:

  સરસ લેખ

 3. krina says:

  Very lucky to see such scenario… would love to go to Sasan Gir soon..

 4. nitin says:

  ખુબ સરસ ચિત્રાન્કનછે.જાણૅ આપણી હાજરિ પણ ત્યા હોય્.માણસ કરતા પ્રાણી વધુ વફાદાર હોય છે.

 5. Bhavesh dodiya says:

  my passionate about nature safari traveling ,so this topic really i liked so much ……..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.