ફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ સામાયિક, ઓગસ્ટ-2012માંથી સાભાર.]

[dc]‘સી[/dc]સ્ટર, જરા તમારી પેન આપશો ? થોડીવારમાં પાછી….’ પણ દિલીપ એનું વાક્ય પૂરું ન કરી શક્યો. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. એણે પેશન્ટની ‘કેસ હિસ્ટરી’ લખવા માટે પાસે ઊભેલી સ્ટુડન્ટ નર્સ પાસે પેન માગી હતી. સફેદ યુનિફોર્મના આભાસમાં એનો ચહેરો તો હજુ દિલીપે જોયો જ નહોતો. બોલતાં બોલતાં એણે ઊંચું જોયું તો બસ, જોતો જ રહી ગયો. એ કોઈ છોકરી નહોતી, નર્સ નહોતી, પણ અપ્સરા હતી. સંગેમરમરનું શિલ્પ હતું જે અચાનક જીવંત બની ગયું હતું, શિરાઝની અંગૂર જામમાં કેદ થઈને તેની સામે પેશ થઈ હતી. દિલીપ એક ક્ષણ તો શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો. જિંદગીમાં આજ સુધી એણે ક્યારેય નશો કર્યો ન હતો અને આને જોયા પછી હવે ક્યારેય કોઈ બીજા નશાની જરૂર પડવાની નહોતી. આસમાનમાંથી પૂનમનો ચાંદ ધરતી પર ઊતરી આવ્યો હતો, એને હાથપગ ઊગી નીકળ્યાં હતાં, મોગરાની કળીઓએ પોતાના રંગ અને સુગંધ વાપરીને એનાં વસ્ત્રો બનાવી આપ્યા હતાં. ખળખળ વહેતું ઝરણું એના ગળામાં આવીને બેસી ગયું હતું.

એણે ક્યારે દિલીપને પેન આપી, ક્યારે દર્દીઓ તપાસાઈ રહ્યાં અને ક્યારે દિલીપે એને પેન પરત કરી એની કંઈ જ સૂધ દિલીપને રહી નહોતી. ક્યાંથી હિંમત આવી એય રામ જાણે, પણ એનાથી બોલાઈ તો જવાયું જ, ‘આ પેન તો પાછી આપું છું પણ….’
‘શું પણ ?’ વહેતાં ઝરણાંનો કલકલ ધ્વનિ ગૂંજી ઊઠ્યો.
‘એકવાર દિલ આપશો તો પાછું નહીં આપું.’ દિલીપ પાગલની જેમ બોલી ગયો. ઝરણું શરમાઈ પણ શકતું હશે એની એને અત્યારે ખબર પડી.

હું દિલીપને જાણતો હતો. બહુ રૂઢિચુસ્ત કુટુંબનો એકમાત્ર દીકરો હતો. એના પિતા બહુ જૂનવાણી વિચારો ધરાવતાં હતાં. દિલીપ ભણવામાં હોંશિયાર હતો. એમ.બી.બી.એસ. થઈને એમ.ડી.ના અભ્યાસમાં જોડાયો હતો. ક્યારેય કોઈ છોકરીની સામે બૂરી નજરે જોયું ન હતું. પ્રેમ શબ્દ એના શબ્દકોષમાં આજ સુધી જોવામાં આવ્યો નહોતો. ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં ડીસેકશન રૂમમાં જ એણે મડદાં ચીરતી વખતે માનવ દેહનું નગ્ન, વાસ્તવિક સ્વરૂપ જોઈ લીધું હતું. અલગ અલગ ચમક અને રંગ રૂપ ધરાવતાં બધાં જ દેહોની ત્વચા ઉતરડો એટલે એક જ પ્રકારના માંસ, હાડકાં અને લોહીની નસો ઊભરી આવે છે. ભલભલી સુંદરીને જોતાંવેંત એને શબઘરમાંથી ઊઠતી ફોર્મેલીનની દુર્ગંધ આવવા માંડતી. અને આજે અચાનક આવું કેમ બની ગયું ? આ રોમન શિલ્પમાંથી ઊઠતી દુનિયાના શ્રેષ્ઠ અત્તરની સુગંધ કઈ ક્ષણે એની ઘ્રાણેન્દ્રિયમાં પ્રવેશી ગઈ ?

‘બસ, દોસ્ત ! હું મરી જઈશ એના વગર !’ એ સાંજે દિલીપે મને કહ્યું.
‘મરી જ જવું પડશે, છુટકો નથી.’ મેં જવાબ આપ્યો.
‘કેમ ? એક દોસ્ત થઈને આવું બોલે છે ?’
‘દોસ્ત છું એટલે જ આમ બોલું છું.’
‘મારી ઈર્ષા આવતી હશે, નહીં ?’
‘જો તું એને પામી શકવાનો હોત તો કદાચ ઈર્ષા પણ આવત, આજે તો દયા આવે છે.’ મેં એને ધીમેથી મૂળ વાત તરફ દોર્યો !
‘કેમ, તને શંકા છે કે એના મા-બાપ પાસે જઈને હું એનો હાથ માંગીશ તો એ લોકો ઈન્કાર કરશે ?’
‘શંકા નહીં, ખાતરી છે…..’
‘કારણ ?’
‘કારણ કે એના મા-બાપ એ મા-બાપ નથી, અમ્મીજાન અને અબ્બાજાન છે.’ મેં ધડાકો કર્યો. એ ચોંકી ગયો.
‘શં ?’
‘હા, એ મુસ્લિમ યુવતી છે. નર્સના યુનિફોર્મ પર ધર્મ, જાતિ કે નામ લખેલાં નથી હોતાં, પણ નર્સ જ્યારે ડ્યૂટી પરથી ઊતરીને સમાજમાં ભળે છે ત્યારે આ ત્રણેય લેબલ એના પેકિંગ પર લાગી જાય છે. આ છોકરીનું નામ સાયરા છે.’

દિલીપ મૂંગો થઈ ગયો. એ રાત્રે રૂમમાં જ પુરાઈ રહ્યો. જમવા માટે મેસમાં પણ ન આવ્યો. બીજે દિવસે સાયરા ડ્યૂટી પર આવી, ત્યારે ખબર પડી કે એ પણ કાલે રાત્રે જમી નહોતી. મેં જોયું કે બંને જણાં ઘાયલ હતાં. પ્રેમની બેધારી છરીએ બંને બાજુ ઘસરકા પાડ્યા હતાં. બંને લોહીઝાણ હતાં. પણ હતાં બંને જણા સિન્સીયર ! નીચું જોઈને ફરજ બજાવી રહ્યાં હતાં. ઉજાગરા અને ભૂખને કારણે ચહેરા ફિક્કા પડી ગયા હતા, પણ આંખમાં આતિશ હતો. બપોરે બે વાગ્યે ડ્યૂટી પૂરી થઈ, ત્યાં સુધીમાં બેય જણાંએ એકબીજાં સામે ધાર પણ મારી નહોતી. અઢી વાગ્યે મેં દિલીપને બૂમ મારી, ‘ચાલ, જમવા.’ મારું કામ પતાવીને હું હાથ ધોઈ રહ્યો હતો. એણે નિશ્ચલતાથી કહ્યું :
‘નથી જમવું.’
‘કેમ, આમરણાંત ઉપવાસનો ઈરાદો છે ?’
‘હા, હવે તો જમાડનારી ન આવે ત્યાં સુધી ઉપવાસ એ જ ભોજન.’ એના અવાજમાં હળવાશ હતી, પણ ચહેરા પર દઢતા હતી. આ માણસને મનાવવો શી રીતે ?
‘જમાડનારી તને ગમે છે એ લાવવી હશે, તો શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળશે એ ખબર છે ને ?’ મેં સહેજ ગુસ્સાથી કહ્યું.
‘પણ તો શું કરું, મારા દોસ્ત ! શું કરું ? તું જ રસ્તો કાઢ આમાંથી…..’ દિલીપ રડી પડવા જેવા અવાજે બોલ્યો. હું કંઈ બોલું એ પહેલાં જ ક્યાંકથી કલકલ નિનાદ કરતું ઝરણું નજીક આવતું હોય એવું લાગ્યું. અવાજની મીઠાશ સાથે જળની શીતળતા પણ અનુભવી શકાઈ. દિલીપની સાવ નજીક આવીને એ સૌંદર્યને વાચા ફૂટી, ‘જમી લો, દિલીપ, હું સાયરા તમને કહું છું.’ પછી મારી સામે જોઈને ઉમેર્યું, ‘અમદાવાદમાં ઢંઢેરો પીટાવી દેજો કે જેને કોમી હુલ્લડ શરૂ કરવું હોય એ કરી દે. આજે દિલીપ અને સાયરા એકબીજાના થવાના સોગંદ લે છે.’

પણ હું ઢંઢેરો પીટું એ પહેલાં જ તોફાન શરૂ થઈ ચૂક્યું હતું. આખા શહેરમાં તો નહીં, પણ બે કુટુંબમાં તો ખરું જ ! જેટલાં મક્કમ દિલીપ-સાયરા હતાં, એનાથી અનેકગણાં મક્કમ એમના ઘરવાળાં હતાં. દિલીપના પિતા અચાનક બાપ મટીને બાલ ઠાકરે બની ગયા હતા, ‘જો એ છોકરી આપણા ઘરમાં વહુ બનીને આવી છે, તો….!’ આ તો પછીનાં વાક્યમાં માત્ર ધમકી ન હતી, ભયંકર ભાવિ પણ હતું. દિલીપ ડઘાઈ ગયો. માંડ માંડ એટલું બોલી શક્યો, ‘જો આ ઘરમાં સાયરા નહીં આવી શકે, તો બીજી કોઈ છોકરી વહુ બનીને નહીં આવી શકે. હું જિંદગીભર કુંવારો રહીશ.’
‘ભલે’ બાપે ટૂંકું કર્યું, ‘આબરૂ જાય એના કરતાં વંશ જાય એ મને કબૂલ છે.’

સામે પક્ષે સાયરાની સ્થિતિ વધારે કફોડી હતી. એના પર શું ગુજર્યું હશે એની કોઈને ખબર નથી, પણ સાંભળ્યંં છે કે કયામત ઊતરી આવી હતી. સિતમના સિલસિલા સામે એક અબળા કેટલી ઝીંક ઝીલી શકે ? બિચારી તૂટી ગઈ, ઝૂકી ગઈ. અચાનક ભણવાનું અધૂરું મૂકીને એને અદશ્ય કરી દેવામાં આવી. અમારામાંથી કોઈએ ત્યાર પછી ફરીવાર એને જોઈ નથી. આજે એ વાતને પંદરથીયે વધારે વર્ષો થઈ ગયાં છે. દિલીપ અત્યારે લગ્નની વયની સીમાની બહાર જઈ રહ્યો છે. તેની તબીબ તરીકેની ફરજ ઉત્તમ રીતે બજાવી રહ્યો છે. દર્દીઓમાં ઓતપ્રોત થઈ ગયો છે, પણ પોતાની અંગત જિંદગી શુષ્ક, વેરાન ઉજ્જડ બનાવી મૂકી છે. કોઈએ એને બીજી સ્ત્રી જોડે સંડોવાતા જોયો નથી, સાંભળ્યો નથી. ક્યારેક કોઈ એને માહિતી આપે છે, ‘મેં આજે સાયરાને જોઈ હતી, એના ખાવિંદ જોડે રિક્ષામાં જતી હતી, ગોદમાં એક બાળક હતું…..’ દિલીપ શૂન્યભાવે સાંભળી રહે છે, ‘એ સાયરા નહીં હોય. બીજી કોઈ સ્ત્રી હશે. મારી સાયરા મરી જાય, પણ બીજી શાદી કદીયે ન કરે.’

એકવાર મેં એને ખોટે ખોટું કહ્યું હતું, ‘કેમ બીજી શાદી ન કરે ? તું મૂર્ખ છે, પણ એ થોડી પાગલ છે ? એણે તો મઝાની એની દુનિયા વસાવી લીધી છે. તું ખાલી માની લીધેલા પ્યારની ખાતર જિંદગી બરબાદ કરી રહ્યો છે.’ એણે શાંતિથી જવાબ આપ્યો :
‘હશે, સાયરાની કોઈ મજબૂરી હશે ! સ્ત્રી હતીને, ઝૂકી ગઈ હશે. કોમળ ડાળી પાસેથી અડગતાની આશા કેટલી હદે રાખી શકાય ? પણ હું તો મર્દ છું. મારો નિર્ણય દઢ છે. એ કદીયે નહીં ડગે ! હું મારી પ્રેમિકાને ભલે જાળવી ન શક્યો, પણ મારો પ્રેમ તો જિંદગીભર જાળવીશ જ !’

દિલીપના પિતા પારાવાર પસ્તાઈ રહ્યા છે. પોતાના પુત્રના પોતને પારખવામાં એમણે થાપ ખાધી હતી. એ તો ધાર્યું હતું ચીંથરું પણ નીકળ્યું છે પટોળું ! ફાટે પણ ફીટે નહીં એવી પટોળાની ભાત આજે પણ બરકરાર છે.

Leave a Reply to hitesh hindu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “ફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.