જમણા હાથની પેલ્લી આંગળી – નીતા જોષી

[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012’માં દ્વિતિય ક્રમ મેળવનાર વાર્તાના સર્જક શ્રીમતી નીતાબેન જોષી વડોદરા નિવાસી છે. અભ્યાસે એમ.એ./એમ. ફીલ.ની પદવી મેળવ્યા બાદ તેમણે તેર વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેમની અમુક કૃતિઓ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘નવનીત સમર્પણ’ જેવા સામાયિકોમાં સ્થાન પામી છે. નાટ્યસ્પર્ધા ‘બુડ્રેટી’, અમદાવાદ દ્વારા આયોજિત થઈ હતી જેમાં તેમના નાટક ‘અમે તો વહુના વહુ’ને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. ચાલુ વર્ષની આ વાર્તા-સ્પર્ધામાં દ્વિતિય ક્રમાંક મેળવવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9427239198 અથવા આ સરનામે neeta.singer@gmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

[dc]ફ[/dc]ળિયામાં ઘેઘૂર લીમડા નીચે પાટી ભરેલા ખાટલા ઉપર મુસ્તાક લાંબો થઈ, આકાશ માપવા લાગ્યો. પોચા રૂ જેવા સરકતાં વાદળનાં ચોસલાઓ ઉપર વિસ્તરેલો અફાટ નીલો અવકાશ પોપચામાં ઉતરી આંખોને ઘેરવા લાગ્યો. સૂર્યાસ્ત થવાને થોડી જ વાર હતી. એ પ્રયત્નપૂર્વક જાગતો રહ્યો. વાળુ કર્યા વગર ઊંઘી જાય તો નૂરી શાંતિથી જંપવા ન દે. એમાં આજે પટેલને ત્યાં રજાઈમાં દોરાની ભાત ઉપસાવતી વખતે સોય રજાઈમાં જવાનાં બદલે સીધી જમણા હાથની પેલ્લી આંગળીમાં પેસી ગઈ. થોડું લોહી નીકળ્યું છતાં એ ગણકાર્યા વગર પાટો બાંધી કામ કરતો રહેલો. થોડું-થોડું દર્દ હજુ પણ થતું હતું. એણે એ આંગળીને બીજી આંગળીઓથી રમાડી. વળી, નૂરીની માથાકૂટો યાદ આવી. આ આંગળીમાં શું થયું ? ક્યારે થયું ? કેમ કરતાં ?…. એણે બાંધેલી પટ્ટી છોડી નાંખી, જાણે કાંઈ જ ન થયું હોય એમ ઉજાશને અંધારામાં સમેટાતો જોતો રહ્યો.

સૂતાં-સૂતાં રસોડામાં નજર નાંખી. આછાં અંધારામાં સોનેરી તાપ ચળકતો હતો. નૂરી બન્ને હાથમાં બાજરીનાં રોટલાનો લૂઓ રમાડતી હતી. ટપ-ટપાક રોટલો ગોળ-ગોળ એની હથેળીમાં રમવા લાગ્યો. સોનેરી તાપના ઊડતા તણખામાં નૂરીનો ગોરો ચહેરો વધારે લાલઘૂમ દેખાતો હતો. મુસ્તાક દૂરથી જોઈ રહ્યો એનાં લીસ્સા ચળકતાં ગાલને. મનોમન મલકાયો. સંતોષથી ફરી આકાશમાં જોઈ એણે અલ્લાહનો આભાર માન્યો. એટલામાં દૂરથી મેપા ભરવાડનો છોકરો આલો આવતો દેખાયો. ઘેટાનાં બચ્ચાને ગળામાં લટકાવી આલો નજીકથી પસાર થયો : ‘કેમ છો ? મુસ્તાકભાઈ !’

‘લાવ તો તારાં ગાડરાંને,’ કહેતા મુસ્તાકે ઘેટાનું બચ્ચું ખોળામાં લીધું. કૂણું, હુંફાળું ઊન અડતાં જ મુસ્તાકની ઊંઘરેટી આંખો પૂરેપૂરી ખૂલી ગઈ. રૂ નાં ધંધામાં પડ્યા પછી એ હૃદયથી વધારે ઋજુ બની ગયેલો. અણીદાર સોય સાથે પનારો હોવા છતાંયે રૂ નો મખમલી સ્પર્શ એને વધારે સુંવાળો બનાવતો. રજાઈઓમાં કુશળતાપૂર્વક દોરાઓ વડે ભાત ઉપસાવતો. રંગોનાં સમીકરણ રચવામાં મુસ્તાકની માસ્ટરી હતી. એનાં ધંધાનો પડાવ પણ નદીકાંઠાની બજારમાં વચ્ચોવચ્ચ હતો. નદીનાં સૂક્કા પટનાં બન્ને કાંઠે નાની-મોટી દુકાનો, લારીઓ, શાકમાર્કેટ અને સંઘેડાબજાર હતી. દુકાનોની એક હાર પૂરી થયા પછી આગળનાં શહેર તરફ જતો પાક્કો રસ્તો અને રસ્તાની ડાબી બાજુ જૂનાં કપડાનાં ઢગલાઓ લઈ બેઠેલા ફેરિયા, શેરડીનાં રસની લારીઓ, બરફનાં ગોળાવાળા, જ્યૂસ સેન્ટર, ચપ્પૂ-છરીની ધાર કાઢવાવાળા તેમજ લાકડાની પેટી લઈને બેઠેલા છૂટા-છવાયાં બે-ત્રણ મોચીઓ અને બરાબર વચ્ચે પડતાં ચોકમાં બે ઘેઘૂર લીમડા નીચે મુસ્તાકનો ગાદલા-રજાઈ બનાવવાનો નાનકડો વ્યવસાય. જૂની બાપદાદાએ શોધેલી જગ્યા એટલે ગ્રાહકો આસપાસનાં જૂનાં અને જાણીતાં જ હતા. એ પછી બીજા બે-ત્રણ જણાએ રૂ નાં વ્યવસાયની બે દુકાનો નાખેલી. છતાં, મુસ્તાક એનાં કામથી વધારે જાણીતો બનેલો. એને ધંધાકીય હરીફાઈની પરવા નહોતી. છઠ્ઠું ધોરણ પાસ કર્યું પછી અબ્બાએ સોય-દોરો અને સૂયો પકડાવી દીધેલાં. શરૂ-શરૂમાં તકલીફ પડતી પછી આંગળી કેળવાતી ગઈ એમ સરકતા સાપની જેમ રજાઈ ઉપર ફરી વળતી. બાવીસ વર્ષનો કુશળ પીંજારો સાબિત થઈ ગયા પછી અબ્બા ત્યાં બેસીને સમય પસાર કરતા અને જૂના ગ્રાહકો સાથે સત્સંગ કરતા એટલું જ.

મુસ્તાક સ્વભાવે શરમાળ હતો. સ્ત્રીઓ સાથે ભાવ તાલની રકઝક કરવાનો એ કાયર હતો. છતાં, જરૂર હોય ત્યારે કહેવામાં સંકોચાતો નહીં – ‘મારી પાસે સમય નથી. તમે બીજી દુકાને જાઓ ત્યાં કદાચ તમને સસ્તામાં કરી દેશે, મારો તો વર્ષો જૂનો એક જ ભાવ છે.’ એ ક્યારેય ધંધાકીય ગરજ બતાવતો નહીં. બે પૈસા વધારે રળી લેવા ધંધાકીય વાણી વિલાસ કરતો નહીં. મુસ્તાકનાં સ્વભાવની એ ખાસિયત હતી. કોઈ એક રજાઈ જોવા માંગે તો જુદી-જુદી દસ રજાઈ બતાવતો. બધાનાં રંગો, કાપડ અને ઉપસાવેલી ભાતની સુંદરતાના વખાણ કરતો કહેતો જાય ‘જો આ રંગમાં આવી દોરાની ભાત તમને આખાં શહેરમાં ક્યાંય જોવા મળે તો કહેજો ! તમે પહેલા બધી જગ્યાએ ફરી અને જોઈ લ્યો, પછી મન માને તો આવજો, હું તો અહીં જ છું.’ મુસ્તાકને મિત્રો નહિવત હતા. બે લંગોટિયા દોસ્ત ગુલુ અને વનરાજ. નવરાશની પળોમાં ભેગા થાય ત્યારે ગપસપ, મજાક મસ્તી, ગામ, નગર, શહેરની ચર્ચાઓ ચાલે. કોમવાદી હુલ્લડ વખતે કોની પાસેથી કેવાં શસ્ત્રો મળ્યાં એ વાત જ્યારે બીજા પાસેથી જાણતો ત્યારે હબક ખાઈ જતો. સોય અને સૂયાની દુનિયાથી આગળ વધી છરી-ચપ્પૂને નજીકથી ઓળખતો એટલું જ.

સવારે આઠ થી સાંજે સાત સુધી રજાઈઓમાં દોરાઓને સુંદર ઘાટ આપી ઘરે પહોંચે, આછી દાઢીમાં ચોંટેલું રૂ, ક્યાંક દોરાનાં તાર, વાળમાં ઉડેલી પીંજેલા રૂ ની છીંટો સાફ કરી સાફ-સૂથરો થઈ અરીસામાં નમણાં માસૂમ ચહેરા ઉપર પોતે જ મુસ્તાક થઈ જતો. વાળુ-પાણી પતાવ્યા પછી ગુલુ અને વનરાજ સાથે ગોઠડી ચાલે. દિવસ આખાનાં અહેવાલોની આપ-લે થયાં બાદ ઘસઘસાટ ઊંઘી જતો. વરસાદ સિવાય એ લીમડા નીચે પાટીનાં ખાટલા ઉપર જ સૂતો. આ જીવનક્રમ નૂરી સાથેનો ઘરસંસાર શરૂ થયા પછી પણ મોટા ભાગનો જળવાયેલો. નૂરી સાથે લડવા-ઝઘડવાનો સમય જ નહોતો. ઊલટાનો દિવસે-દિવસે હૃદયથી વધુ ઋજુ અને મુલાયમ થતો જતો હતો. નૂરી એના જીવનમાં ઊઘડતી સવાર જેવી પ્રવેશી હતી. નૂરીની યુવાની જ્યારે પૂરબહાર ખીલેલી હતી એ સમય યાદ કરતા મુસ્તાક આંખ બંધ કરી ગયો. નૂરી સાથેની પ્રથમ મુલાકાત યાદ આવતાં એના ચહેરા ઉપર આછું સ્મિત ફેલાઈ ગયું. થોડીવાર પહેલાનું આંગળીનું દર્દ જાણે સાવ ભૂલી ગયો.

ગનીચાચાની નસીમનાં નિકાહની તૈયારીઓ ચાલતી હતી. ગનીચાચાએ ઘરે જ ગાદલાં-રજાઈ-તકિયાં-ઓશીકાં બનાવવા એને બોલાવેલો. ત્યારે અબ્બા પણ સાથે જ હતા. અબ્બા ગનીચાચા સાથે વાતોએ વળગેલાં. એ રજાઈમાં દોરાઓથી કસબ કાઢતો હતો, ‘સલામ વાલેકુમ ચાચા’ મીઠો રણકાર ડેલીમાંથી તરતો તરતો આવ્યો એ સાથે ડોક મરડીને જોવાની ઈચ્છા થઈ પણ અબ્બા અને ચાચાની શરમથી નીચું મોં રાખી કામ કરતો રહ્યો. એ અંદરની રૂમમાં થતી ગૂસપૂસ તરફ કાન સતેજ કરી ક્યાંય સુધી વાતો સાંભળતો રહ્યો. નૂરી બારીમાંથી રજાઈ વણાતી જોઈ નસીમને ચીડવતી હતી, ‘જોને કેવી રેશમી મુલાયમ ભાતવાળી રજાઈ છે, આમાં તો ખરબચડો ખાવિંદ પણ લીસ્સો સાપ થઈ જાય.’ જવાબમાં નસીમે પણ ચીડવેલી, ‘આટલી બધી રજાઈ માણવાનો શોખ હોય તો ખાલી રજાઈ શું કામ ? રજાઈ બનાવવાવાળો જ શોધી લે ને, જો ને કેવો છે રજાઈ જેવો જ નરમ…. કૂણો…. મુલાયમ !’ આટલું સાંભળતા કાન લાલ લાલ થઈ ગયેલા. એણે ત્રાંસી નજરે બારીમાં જોયું તો નૂરીની ફક્ત પીઠ જોવા મળી. એણે પીઠ ઉપર ફેલાયેલાં કાળા ચળકતાં વાળ જોયા ત્યારે મુસ્તાકનાં જીવનની એ પહેલી રાત હતી જે સૌથી ઓછી ઊંઘવાળી હતી. એ રાતે જ એણે સપનાની રજાઈ ગૂંથી નાંખેલી. પછી તો રોજ રાતે નૂરી પરીની જેમ રજાઈ ઉપર પથરાઈ જતી. વાદળ ઉપર ધીરે-ધીરે સરકતી રજાઈ, રજાઈમાં લપેટાયેલો ગોરો સુપુષ્ટ દેહ. બસ એકવાર નૂરી મળી જાય તો દિલ દઈને નકશીદાર રજાઈ બનાવું. એવું વિચારતાં પોતે પણ લપેટાઈ જતો. નૂરીને જોવા માટે જ ગનીચાચાને ત્યાં ત્રણ દિવસનાં કામનાં એણે પાંચ દિવસ કરેલાં. ગુલુ અને વનરાજને નૂરી વિશે કહેવું કે કેમ ? નૂરીનું મન જાણ્યા પછી જ કહેવું એમ મનમાં મક્કમ થયેલો. ગુલુ પાસેથી નૂરીનાં ઘરનું ઠેકાણું તો જાણી લીધું. આલા ભરવાડનાં ઘરની પાસે જ છે. એ જાણી બીજા દિવસે સાંજે પહોંચી ગયો આલાને ત્યાં, ‘આલા, તે દિવસે તું ગાડરાં માટે ગોદડીનું પૂછતો હતો, શું થયું ? લાવ આજે નવરાશ છે એટલે થયું જરાં પૂછતો આવું.’
‘અરે મુસ્તાકભાઈ, તમે ધક્કો ખાધો ? હું નીકળું જ છું ને ત્યાંથી રોજેય…..’
‘આ તો થયું ચાલ આજે…..’ કહેતાં મુસ્તાક આલાનાં ખાટલા ઉપર બેસી નાના ગાડરાંને રમાડવા લાગ્યો. નૂરીની બંધ ડેલી તરફ નિસાસો નાંખ્યો. એટલામાં ડેલી ખૂલી. પરદો ખૂલ્યા પછીનાં દશ્ય જેવી નૂરીને જોઈને મુસ્તાકનાં શરીરમાં તાજુ લોહી ધસી આવ્યું. એ ટટ્ટાર થઈ ગયો. નૂરીને પહેલીવાર આંખ માંડીને જોઈ. નૂરી આલાને ત્યાં દૂધ લેવા આવેલી. નૂરીએ મુસ્તાકને જોયો. ‘છે ને રજાઈ જેવો જ નરમ…. મુલાયમ….’ નૂરીને નસીમની મશ્કરી યાદ આવી. ધીરે-ધીરે મુસ્તાક આલાને ત્યાં વધારે આવતો જતો થઈ ગયો. બકરીનું દૂધ લેવાને બહાને, ક્યારેક માવો લેવા. એક દિવસ મુસ્તાક દૂધ લેવા આવ્યો. બરાબર એ સમયે નૂરી પણ આવી. શું બોલવું એની સમજ ન પડી. નૂરીએ સીધાં રૂ નાં દામ પૂછ્યા. મુસ્તાકે તક ઝડપી અને કહ્યું, ‘આવજોને લીમડા નીચે, બતાવીશ જાતજાતનાં અને ભાતભાતનાં રૂ નાં પોલ, પછી દામ નક્કી કરીશું.’
‘એમ નહીં, આ તો અમ્મી એ પૂછાવ્યું છે.’
એ દિવસે મુસ્તાક બેચેન થઈ ગયેલો.

મુસ્તાકની આંગળીમાં સણકો ઉઠ્યો. એની અંદર ચાલતી મનપસંદ ફિલ્મનું દ્રશ્ય અધૂરું કાપી એણે આંગળીને ધ્યાનથી જોઈ, સહેજ સૂજીને કડક થઈ ગયેલી. ત્યાં જ ધમધમાટ કરતી નૂરી આવી. ‘વાળુ તૈયાર છે’ કહી મુસ્તાકને ઊભો કરવા આંગળામાં આંગળા પરોવ્યા. એ સાથે એક સીસકારો નીકળી ગયો.
‘શું થયું ?’
‘કાંઈ નહીં. બસ જરાક આ આંગળી…..’
‘અરે ! આ તો પાકવાની હોય એમ સૂજી ગઈ છે.’ નૂરીથી આંગળી છૂપાવવી અઘરી હતી. નૂરી નાના બાળકને લઈને બેસે એમ આંગળી પકડીને ક્યાંય સુધી બેસી રહી. આંગળીનું દર્દ ધીરે-ધીરે જોર પકડતું હતું.
‘અરે ! આટલાં નાના એવાં દર્દમાં આવી ઢીલી શું થઈ જાય છે ? થોડા દિવસમાં આંગળી સારી થઈ જશે. હજુ તો તારા માટે રજાઈ બનાવવાની પણ બાકી છે. કાપડ વેતરીને તૈયાર કરી નાંખ્યું છે. બસ આ…..’
‘તાવ-માથું હોય તો ચિંતા ન થાય. આ તો જમણા હાથની પેલ્લી આંગળી છે એટલે……’ કહેતા નૂરીનું ગળું ભરાઈ આવ્યું. એ ઊભી થઈ. વધેલું બાકીનું કામ આટોપ્યું અને મુસ્તાક પાસે બેસી ગઈ.
‘જો નૂરી તું પણ ધાર્યા કરતાં કેટલી સરળ રીતે મળી ગઈ. જ્યારે આ તો આંગળી છે.’ મુસ્તાકે વાત બદલવાનો પ્રયત્ન કર્યો, ‘બાકી એ દિવસે જ્યારે તેં રૂનાં દામ પૂછેલાં, મારું તો ખાવાનું જ સૂકાઈ ગયેલું. શુક્રગુજાર ગુલુ જેવા દોસ્તનો કે સમયસર અબ્બાને વાત કરી. નહીંતર તું તો સરકીને અત્યારે ખબર નહીં ક્યાં હોત !’ નૂરીએ હોઠ ઉપર આંગળી મૂકી એને ઊંઘી જવા કહ્યું. નૂરી જમીન ઉપર શેતરંજી પાથરી પાસે જ સૂતી.

નૂરીની રજાઈ બનાવવામાં બહુ વાર લગાડી…. મુસ્તાક મનોમન વિચારવા લાગ્યો. બસ, હવે થોડા જ દિવસોમાં સીવવાનું શરૂ કરી દઈશ. એનું ચાલે તો એણે રજાઈ નૂરીનાં આવતા પહેલા બનાવી નાખી હોત પણ…. અબ્બાજાન અને અમ્મી ક્યારેય રજાઈ પાથરી સૂતા નહીં. અબ્બાને મક્કા હજ કરવા જવાની મન્નત ‘જ્યાં સુધી હજ ન કરું ત્યાં સુધી સાદી શેતરંજી ઉપર જમીન ઉપર જ સૂઈશ.’ અને અમ્મી બિચારી અબ્બા ન સૂએ તો એ ક્યાંથી રજાઈ ઉપર સૂએ ? આમ મુસ્તાક નૂરી માટે રજાઈ બનાવવામાં થોડો સંકોચાયેલો, શરમાયેલો પણ ખરો. નૂરીને એણે કોમળ હથેળીમાં સંભાળી લીધી હતી. મુસ્તાકને એ વાતનો સંતોષ હતો કે એણે બેવડી મહેનત કરીને અબ્બાની મન્નત પૂરી કરાવેલી. કાળક્રમે અબ્બા, અમ્મી તો અલ્લાહને પ્યારા થઈ ગયા. રહી ગયા એ અને નૂરી. રજાઈની જેમ નૂરી એનાં જીવનમાં સીવાઈ ગયેલી. ધીરે-ધીરે મુસ્તાકનાં વ્યવસાયમાં એ પણ હાથ કેળવતી.

સવાર થતાં સુધીમાં મુસ્તાકની આંગળીનું દર્દ વધી ગયું. શરીરમાં ઝીણો તાવ ભરાઈ ગયો હતો. નૂરીનાં કપાળ ઉપર ચિંતાના સળ ઉપસ્યા. નૂરીએ સૂજી ગયેલી આંગળી તરફ ચિંતાથી જોયું. એ સારી રીતે જાણતી હતી મુસ્તાકની પેલ્લી આંગળીની કિંમત. એણે તરત જ ગુલુ અને વનરાજને બોલાવ્યા; જેટલું જઈ શકાય એટલું જલ્દી ડૉક્ટર પાસે જવું એવું નક્કી કર્યું. મુસ્તાકનાં કપાળ ઉપર પણ પહેલીવાર કરચલી પડી. એણે હજુ ગઈકાલે જ મોરપીંછ રંગનું કાપડ રૂ પાથરીને તૈયાર કરી દીધું હતું. એમાં આછાં ગુલાબી રંગની કિનારીઓ અને વચ્ચે ફૂલોની ભાત. એનાં મનમાં રજાઈનો આખો નકશો તૈયાર હતો. ખબર નહીં વચ્ચે આ આંગળીનું દર્દ અચાનક ક્યાંથી ટપક્યું ! એ જાણતો હતો આ આંગળી એની આજીવિકા હતી. આંગળીનો દુખાવો લબકારામાં પલટાયો. શરીર તાવથી વધુ શેકાવા લાગ્યું. નૂરીનાં બધાં પ્રયત્ન નિષ્ફળ જતાં હતાં. બીજે દિવસે બાજુનાં શહેરની ઓર્થોપેડીક હોસ્પિટલમાં જવું એવું નક્કી કર્યું. નૂરીએ સાથે જવા જિદ્દ કરી. પણ, મુસ્તાકે એને સમજાવી, ‘હજુ તો કેટકેટલાંના ગાદલાં-ગોદડાં-તકીયા-ઓશીકાં-રજાઈ-ધડકલીનાં હિસાબ પતાવવાનાં છે, કેટલાકનાં કામ અધૂરાં છે. એ બધાનું શું ?’ અંતે મુસ્તાકની વાત માની નૂરી ઘરે રહી. મુસ્તાક, ગુલુ અને વનરાજ શહેરમાં જવા નીકળ્યા, નૂરી એકલી પડતાં જ ઉદાસ થઈ. મુસ્તાકની આંગળીથી ખાલી રેશમી રજાઈઓ જ નહોતી બની, એનાં લોહીમાં પણ રેશમી તાર વણાયા હતાં. મુસ્તાકની પેલ્લી આંગળી એનાં જીવનનો આધાર હતી. જે પકડીને એ આ ઘરમાં પ્રવેશી હતી. બીજા દિવસે એ ચિંતા અને બેચેની સાથે લીમડા નીચેની દુકાને પહોંચી. નૂરીએ ઝીણવટપૂર્વક બધું તપાસ્યું. એની આંખો ભીની થઈ. સજળ આંખોથી જ દુકાનની અંદર પડેલો માલ-સામાન તપાસ્યો. એક ખૂણામાં મોરપીંછ રંગના રેશમી કાપડમાં રૂ પથરાયેલું જોયું એ સમજી ગઈ. આ જ હતી એનાં સપનાની રજાઈ.

એને થોડા દિવસ પહેલાની એ સાંજ યાદ આવી. મુસ્તાક બાજુનાં ગામમાં પટેલને ત્યાં ઓર્ડર લેતા પહેલાં રૂ જોવા અને ભાવ-તાલ કરવા ગયેલો. સાંજે ઘરે આવી અને કહેતો હતો, ‘નૂરી, આજે તો મેં રૂ જોયું છે કાંઈ ચોખ્ખું, સફેદ વાદળનાં ગોટા જેવું, સસલાની રૂંવાટી જેવું સુંવાળું, દૂરથી તો જાણે બરફીનાં ચોસલાં ગોઠવેલા હોય એવું. નૂરી આજે ખાવાનું મન નથી. બસ, એ રૂ ની રજાઈ બનાવવી છે તારા માટે.’ મોરપીંછ રંગમાં આછા ગુલાબી રંગની કિનારીઓ અને વચ્ચે ફૂલોની ભાત યાદ આવતાં જ નૂરીની આંખ ફરી ભરાઈ આવી. એને રજાઈ ઉપર સરકતી મુસ્તાકની આંગળી યાદ આવી. એને થયું આ આંગળીથી બનેલી રજાઈઓમાં કેટલાંયે હૃદય આળોટ્યાં હશે ! હે પરવરદિગાર…. મારા મુસ્તાકની આંગળી બચાવી લેજે…. વિચારતાની સાથે નૂરી એ સોયમાં દોરો પરોવ્યો.

સાંજ પડતા મુસ્તાકનાં સમાચારની રાહ જોતી સમય કાપતી હતી. સાંજે વનરાજ આવ્યો. ‘મુસ્તાકની આંગળીમાં ગેંગ્રીન છે. હજુ બે દિવસ એને હોસ્પિટલમાં રહેવું પડશે…’ એ સમાચાર મળતાં નૂરી ડૂસકું ગળી ગઈ. એ રાત નૂરીની જિંદગીની સૌથી લાંબી વેદનાભરી રાત હતી. સવારે ઊભી થઈ, કાંઈક મક્કમતા સાથે. મુસ્તાકનાં ગજવામાંથી મોટો રૂમાલ કાઢી લીમડા નીચે પહોંચી ગઈ. નાકે-મોં એ રૂમાલ વીંટાળ્યો. પીંજાતા રૂની કરચો એના લાંબા વાળમાં છંટાઈ. સોયમાં દોરો પરોવી એ મચી પડી.

આજે તો મુસ્તાક આવી જવાનો હતો.
સાંજે વહેલી ઘરે પહોંચી. નાહી-ધોઈ ચૂલો સળગાવ્યો. થોડીવારમાં ગુલુ અને મુસ્તાક આવ્યા. નૂરીએ ગુલુની હાજરીમાં જાતને સંભાળી. મુસ્તાકનો હાથ પકડ્યો પછી ચૂમ્યો. ગુલુ સમય પામીને સરકી ગયો. નૂરીની હથેળીમાં મુસ્તાકનો એક આંગળી વગરનો જમણો હાથ આવતાં જ તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મુસ્તાકને બાઝીને એ ખૂબ રડી. મુસ્તાક નૂરી સામે જોઈ બોલ્યો :
‘નૂરી, એક આંગળી ઓછી થઈ છે, જીવન નહીં. આંગળીથી પણ વિશેષ તારાં માટે રજાઈ બનાવી ન શક્યો, એનો અફસોસ રહી જશે.’
‘એવું ન બોલ મુસ્તાક’ કહેતાં નૂરી તરવરાટ સાથે અંદરથી રજાઈ લઈ આવી. ખીલેલી ચાંદનીમાં ઢાળેલાં ખાટલા ઉપર રેશમી રજાઈ પાથરી. મુસ્તાકને થયું હમણાં જાણે એ રૂ નો ઢગલો થઈ જશે ! એ જોઈ રહ્યો એની સપનાની વણાયેલી રજાઈ. એણે રજાઈ ઉપર હાથ ફેરવ્યો, દોરાનાં એકસરખા માપથી ઉપસાવેલી ફૂલોની ભાત ઝીણવટથી જોઈ. નૂરીનો ચહેરો બે હથેળીમાં લઈ ચૂમ્યો. સંતોષ સાથે ફરી એકવાર અલ્લાહનો આભાર માન્યો.

નૂરીનાં હાથમાં મુસ્તાકનો એક આંગળી વગરનો જમણો હાથ હતો.
એને મનમાં થયું એક આંગળી વગરનો મુસ્તાક તો સોય વગરનાં દોરા જેવો અધૂરો છે. મુસ્તાક નૂરીની આંખોને વાંચી ગયો હોય એમ હળવેથી રજાઈ ઉપર સૂવરાવતાં બોલ્યો, ‘તું છે ને મારાં જમણા હાથની પેલ્લી આંગળી.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

69 thoughts on “જમણા હાથની પેલ્લી આંગળી – નીતા જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.