કોમલ મહેતા : મારે ઘણું લખવું છે ! – મોના કાણકિયા

[ પ્રસ્તુત સત્યઘટના ‘ચિત્રલેખા’ સામાયિક (2 જુલાઈ, 2012)માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવા માટે વિશેષ પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ના તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તેમજ સમગ્ર ચિત્રલેખા ટીમનો ખૂબ ખૂબ આભાર. – તંત્રી.]

[dc]‘મા[/dc]રે હજી મારી જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. જાણીતી લેખિકા બનવું છે. ખૂબ નામ કમાવું છે. ખૂબ બધાં સપનાં છે મારાં !’ – આ શબ્દો છે 27 વર્ષીય કોમલ મહેતાના. આ ઉંમરે જોશ અને હોશને સાથે રાખીને જીવનારી કોમલ આમ જોવા જઈએ તો સામાન્ય તરુણી જેવી જ આકાંક્ષા ધરાવે છે. પણ કોમલમાં એવું કશુંક અસામાન્ય તત્વ છે, જે એને ખરેખર એકસ્ટ્રા ઑર્ડિનરી બનાવી રહ્યું છે.

તાજેતરમાં જ વિખ્યાત પૅંગ્વિન પ્રકાશને કોમલની પહેલી અંગ્રેજી નવલકથા ‘નિક ઑફ ટાઈમ’ પ્રકાશિત કરી છે. બુક લૉન્ચ વખતે ઘણી બધી બોલીવૂડની હસ્તીઓએ પણ હાજરી આપી. જો કે કોમલે આ નવલકથા પચ્ચીસ વર્ષની ઉંમરે જ લખી નાખી હતી. પણ પ્રકાશિત થવામાં થોડો વધુ સમય લાગ્યો. કોમલ કહે છે : ‘મારી નવલકથા આજના યૂથને સંબોધીને લખાયેલી છે. પ્રેમ, અપેક્ષા, મહત્વાકાંક્ષા અને કરિયરનાં કેટલાંય કન્ફયુઝનમાં આજની પેઢી કેવી અટવાયા કરે છે એની અહીં વાત છે. જો કે નવલકથા લખ્યા બાદ મેં કેટલાય પબ્લિશર્સને મોકલી, પણ તેર જેટલા પ્રકાશકોએ રિજેક્ટ કરી- સાભાર પરત કરી. જો કે હું હિંમત ન હારી અને આજે…. હિયર ઈટ કમ્સ-પુસ્તક તમારી સામે છે !’

કોમલની આ નવલકથા પરથી હિંદી ફિલ્મ બનાવવાની પણ વાતો ચાલી રહી છે. કોમલના કહેવા પ્રમાણે બધું જ પ્રોસેસમાં છે અને એ આ ફિલ્મ લખવામાં પણ ઈન્વોલ્વ થવાની છે ! તમને લાગશે કે ઓકે…. ટેલેન્ટ હોય અને યોગ્ય સમયે બધું વ્યવસ્થિત પાર પડે તો બધા સફળ થાય એમાં શું નવાઈ છે ? વેલ, નવાઈ છે અહીં. પચ્ચીસ વર્ષે નવલકથા લખીને કોમલ જ્યારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં પબ્લિશરને શોધવા જાય છે અને એ પછી મુંબઈ પાછી આવે છે ત્યારે માત્ર બે જ દિવસમાં કોમલને ખબર પડે છે કે એની બન્ને કિડની ફેલ થઈ ગઈ છે ! શરીરનું ક્રિયેટિન લેવલ અગિયાર સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય-હેલ્ધી માણસોમાં 0.1 થી 1.1 સુધીનું હોય…. આવું અણધારું નિદાન થયું એ દિવસની વાત કરતાં કોમલ કહે છે : ‘એક-બે મહિનાથી ભૂખ ઓછી લાગવી, એક-બે કિલો વજન ઓછું થઈ જવું જેવાં સિમ્પટમ્સ હતાં. પરંતુ ક્યારેય આવું નિદાન થશે એવું હું જ નહીં, પણ મારું ફૅમિલી, ડૉક્ટર્સ કોઈ જ માનવા તૈયાર નહોતું.

તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે એ માટે કોમલને હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવી. ત્રણેક મહિના એ ડાયાલિસિસ પર રહી. છતાંય રિપોર્ટ સારા ન મળતાં ડૉક્ટરે જાતજાતના અખતરા શરૂ કર્યા. દિવસની 44 પ્રકારની ગોળીઓ, સ્ટેરોઈડના હૅવી ડોઝ અને કોણ જાણે કેટલુંય…. કોમલ વાત આગળ વધારતાં કહે છે : ‘મારી આંખ સામે મારી જિંદગી ભૂંસાતી હું જોઈ રહી હતી. ચાર મહિનામાં મારું બાવીસ કિલો વજન ઊતરી ગયું. હું કૉલેજમાં આવી ત્યારથી ફિટનેસ ફ્રીક રહી છું. નેશનલ લેવલ પર સ્વિમર રહી ચૂકી છું. બહારનું કશું જ ખાતી નથી. છતાંય મને કેમ ? મારી જૉબ પણ આમાં છૂટી ગઈ. ડૉક્ટરોને પણ કેસ પોતાના હાથમાંથી સરી જતો હોય એમ લાગવા માંડ્યું. હું રડતી, કરગરતી મારા ડૉક્ટર અરુણ શાહને કહેતી : ડૉક્ટર, મારે જીવવું છે. મારે મારી બુક પબ્લિશ કરવી છે. અંતે ડૉક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પસંદ કર્યો. કોમલનાં મમ્મી પંચાવન વર્ષનાં આશાબહેનની કિડની મૅચ થઈ ગઈ અને સર્જરી થઈ. આશાબહેન તો અઠવાડિયામાં હરતાં-ફરતાં થઈ ગયાં, પણ કોમલની યાતનાની બીજી સફર ચાલુ થઈ. સર્જરીના બીજા જ દિવસે કોમલને પૅન્ક્રિયાઈટિસ થઈ ગયું. પરિણામે કોમલ કશું જ ન ખાઈ શકતી. આ ઉપરાંત, ફેફસાંમાં પાણી ભરાઈ ગયું. 38 કિલો વજન ધરાવતી કોમલે હવે રીતસરની ભગવાન સાથે જંગ છેડી. એણે જીવવાની જીદ ન છોડી. વીસ દિવસ સુધી આઈસીયુમાં રહેલી કોમલની તબિયતમાં થોડો સુધારો થયો, પણ જનરલ વોર્ડમાં શિફટ કર્યા બાદ ફરી પાછું ઈન્ફેકશન થઈ ગયું કોમલને. લગભગ છ-સાત મહિના કોમલે આ અવસ્થાનો પડકાર ઝીલીને ટક્કર ઝીલી.

કોમલ કહે છે : ‘ઘરે આવ્યા બાદ પણ ત્રણ મહિના હું ઘરની, મારા રૂમની બહાર નીકળી નથી. બધું જ અલાયદું હતું મારી માટે. પરંતુ આ પરિસ્થિતિમાં પણ હું ખૂબ વાંચતી. બુક્સ ન હોત તો હું ખરેખર મરી ગઈ હોત ! ધીરે ધીરે રિકવરી થવા માંડી. હમણાં જ એક વર્ષ થયું મારી મમ્મીએ આપેલી કિડનીને. એટલે જ હું કહું છું કે મારી ઉંમર 27વર્ષની નહીં, પણ એક વર્ષની છે !’ અત્યારે પણ કોમલને ખૂબ ધ્યાન રાખવું પડે છે. ટ્રેન, બસ, રિક્ષામાં એ ફરી નથી શકતી. બહારનું ખાવાનું સદંતર બંધ. ભીડ-ગિરદીવાળી જગ્યાએ એટલે કે મૂવી થિયેટર, મોલ, રેસ્ટોરાંમાં એ નથી જઈ શકતી. ખાવાનું પણ ગરમ જ. ઠંડુ ખાય તો તરત જ ઈન્ફેકશન થઈ શકે છે. આ ઉપરાંત, દર પંદર દિવસે લાંબા-પહોળા ટેસ્ટ કરાવવા પડે છે. દર મહિને ડોક્ટર વિઝિટ ઈઝ મસ્ટ…. અને દિવસની ચારેક ટેબ્લેટ્સ ને સ્ટેરોઈડના ડોઝ તો ખરા જ !

એમ છતાંય કોમલ આજે હસતાં હસતાં નવી જિંદગીને આવકારે છે. છ મહિના પહેલાં જ એણે પોતાની જૂની ઑફિસમાં જૉબ લઈ લીધી છે. મૅનેજમૅન્ટ, મિત્રોના સાથ-સહકારથી એ દિવસના છ-સાત કલાક કામ કરે છે. કોમલ કહે છે, ‘મારા જીવનમાં આટલું બધું બની ગયું. નિરાશ થઈ ગઈ હતી, પણ જે દિવસે હૉસ્પિટલમાંથી ઘરે આવી એ જ દિવસે પૅંગ્વિનમાંથી મારી બુક પબ્લિશ કરવાના ખબર મને મળ્યા. મારો અભિગમ બદલાઈ ગયો. ભગવાન મારી સાથે છે એવો અહેસાસ થયો મને !’ બાય ધ વે, કોમલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયર છે અને ફાઈનાન્સ વિષય સાથે મૅનેજમૅન્ટનું પણ ભણી છે. કૉલેજની દરેક ટેલેન્ટ કૉમ્પિટિશનમાં અવ્વલ રહી ચૂકી છે અને ડીએનએ, બિગ પિક્ચર્સ, યુરો આરએસસીજી, કલ્ચર બ્રાન્ડ્સમાં જૉબ કરી ચૂકી છે. અત્યારે કોમલ સિનિયર માર્કેટિંગ મૅનેજર છે કલ્ચર બ્રાન્ડ્સ કંપનીમાં, જેમાં એ મૂવી માર્કેટિંગ, સ્ટ્રેટેજી, વગેરે સંભાળે છે.

કોમલ કહે છે : ‘મેં મારી જિંદગી ક્યારેય પ્લાન નથી કરી. મને એટલું ખબર છે કે મારે ખૂબ બધું લખવું છે અને એટલે જ ભગવાન મને જિવાડી રહ્યા છે.’

Her Book-Launch Video : http://www.youtube.com/watch?v=wt9MH9HmGCo

Follow komal on twitter : https://twitter.com/justkomal

facebook : http://www.facebook.com/justkomal

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “કોમલ મહેતા : મારે ઘણું લખવું છે ! – મોના કાણકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.