ઉનાળો એટલે રંગોથી છલકાતી મૌસમ – કામિની સંઘવી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કામિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaminiparikh25@yahoo.co.in સંપર્ક કરી શકો છો. આજે એક જ કૃતિ પ્રકાશિત કરવામાં આવી છે, જે આપની જાણ માટે. – તંત્રી.]

[dc]કો[/dc]ઈને પૂછીએ કે તમારી પ્રિય ઋતુ કઈ, ત્યારે ફટ્ટ દઈને જવાબ મળે ‘શિયાળો, શિયાળો અને શિયાળો…’ અને આપણે પણ તરત કહેવું પડે કે શિયાળો તો અમને પણ બહુ ગમે. એય…. મજાની આહલાદક ઠંડક અને લીલાછમ શાકભાજીની મૌસમ. રંગબેરંગી સ્વેટર પહેરીને ફેશનની સાથે શરીરને લાડ લડાવવાની પણ આજ મૌસમ. કામના અને નકામા સ્કીન ક્રીમ અને વેસેલિનનાં ડબ્બા પણ ખાલી કરવાની મજ્જા તો શિયાળામાં જ ને ! બોડી મેઈન્ટેઈન કરવાના બહાને દોડવા-ચાલવાના અખતરા-ખતરા કરવાની મજ્જા પણ ભાઈ શિયાળામાં જ આવે હોં ! – એવું કોઈ કસરત હોંશિલા કહે. તો બીજી બાજુ, સ્વાદના શોખીનો માટે શિયાળો એટલે જાત જાતનાં પાક અને વસાણાં ખાઈને જલસા કરવાની ઋતુ અને મારા તમારા જેવા નિંદ્રાપ્રેમીઓ સુંવાળી રેશમી રજાઈ ઓઢીને ચોવીસ કલાકમાં થી બાર કલાક સીસમના ઢોલિયા પર સૂઈ રહેવાની મજ્જા એટલે શિયાળો, એવો શિયાળાનો અર્થ કરતા હોય છે.

આપણે આપણી ગમતી ઋતુની વાત કરીએ એટલે કેટલાક લોકો કહેવા લાગે કે અમને તો ભઈ ચોમાસા જેવી કોઈ ઋતુ સોહામણી લાગતી જ નથી. અને કેમ નો’ લાગે ? માનવમાત્ર વર્ષાનાં બે બૂંદ પડતા જ હરખાવા માંડે. કારણ કે બેસુમાર તાપથી સજીવ માત્ર ત્રાહિમામ પોકારી ગયું હોય. વળી આપણા કવિ-લેખકો પણ વર્ષારાણી પર ઓળઘોળ ! ચોમાસાને લાડ લડાવી તેનું બહુમાન કરતા હોય એમ તેને વર્ષારાણીનો ઈલ્કાબ આપે અને માત્ર કવિ-લેખકો જ શું કામ ? પશુ, પક્ષીઓ જ નહીં, સજીવ માત્ર વરસાદના પહેલાં છાંટાથી નદીનાળાની સાથે છલોછલ થાય. પરંતુ મારા-તમારા જેવા ઘણા નહીં. પરિણામે લગભગ બધા લોકોનું ઉનાળા પ્રત્યે ઓરમાયું વર્તન. આપણે ભરઉનાળામાં ફૂલ સ્પીડે ચાલતા પંખા કે એરકન્ડિશનમાં બેસીને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ કે આઈસ ગોલો ખાતા ખાતા ફરિયાદ કરીએ, ‘ઓહો, બહુ ગરમી પડે છે….!’

પણ જરા વિચાર કરો. આટલી ગરમી પડે છે તો મેહ વરસે છે. જો ગરમી ન પડતી હોત તો ? શિયાળા પછી સીધું ચોમાસું હોત તો કોણ ચોમાસાને વખાણત ? ઠંડી પછી તરત ઠંડી કેમ સહન થાય ? પહેલાના માણસો કહેતાં કે જેટલા દનૈયા તપે તેટલો વરસાદ વધુ પડે. જો વર્ષારાણી ગમતા હોય તો ‘મારી વેણીના ફૂલ કરમાય, સૂરજ તમે ધીમા તપો’ કહેવાને બદલે આપણે કહીશું કે ‘સૂરજ જોરશોરથી તપો, ભલે મારી વેણીના ફૂલ કરમાય !’ ખેર, આ તો બે ઘડી ગમ્મત થઈ પણ જરા એક સેકન્ડ થોભીને વિચારો તો આપણે માનીએ છીએ તેટલો ઉનાળો ખરેખર આકરો છે ખરો ? શું ઉનાળો કોઈ તપ કરતા તપસ્વી જેવો શુષ્ક અને રંગહીન છે ? જો મારું ચાલે તો ઉનાળાને તો હું રંગબેરંગી રંગોની છલકાતી મૌસમનો ઈલ્કાબ આપું. જુઓને, બહારથી ઘેરા લીલા રંગના તરબૂચ પણ અંદરથી એટલા જ અમૃતરૂપી રસથી લાલમલાલ. મીઠી મધુરી કાળી અને વળી લીલીદ્રાક્ષ તો કાળા અને જાંબલી રંગના મિશ્રણ જેવા નાના નાના લંબગોળ જાંબુ અને સફેદ રંગના મુંબઈના જાંબુ. ઉપરથી સુકા નાળિયેળ જેવા રંગના અને સફેદ ગરવાળા રસઝરતા પોચા પોચા તાડગોળા ને સુરતી ભાષામાં કહેવું હોય તો ગલેલી. સ્વાદે મીઠી ચીકણી તેવી રાયણનો પીળો પદરક રંગ, બહારથી ગુલાબી ઝાંય ધરાવતી બરછટ છાલવાળી પણ અંદરથી નાજુક અને કોમળ મોગરાના રંગ જેવી લીચી. કેસરીરંગની ચીકાશવાળી કટ્ટ ગુંદી, જાંબુડિયા કે શ્યામ ગુલાબી ફાલસા, પોપટી રંગના ખટ્ટઆમળા, બદામી રંગની અને સહેજ લીલી છાંય ધરાવતી સક્કરટેટી, કથ્થઈ-ઝેરી લીલો રંગ ધરાવતી ખાટી આમલી, ગોરસ જેવી મીઠી અને ગુલાબી લીલી ગોરસ આમલી પણ ગ્રીષ્મની જ દેન ! ઉનાળુ ચીકુ રંગના મીઠાં ચીકુ ! હવે ચીકુના રંગને તો ચીકુ સિવાય બીજો ક્યો રંગ કહેવો ? તથા ફળોના રાજા કેરીને કેમ ભુલાય ? નાના મરવાનો આછેરો લીલો રંગ, દેશી કેરીનો ઘાટો રંગ અને પાકી કેરીનો કેસરી-પીળો રંગ. એ બધામાં શિરમોર તેની સુગંધ. વળી, ઘાસ કે શણના કોથળામાં પકવવા મૂકેલી કેરીની મઘમઘ તો અલગ જ.. આહ ! વાહ !…

આ તો થઈ ફક્ત ફળોની વાત. પરંતુ ફૂલોની વાત પણ નિરાળી છે. ગામની સીમમાં કે જંગલમાં કેસૂડાનો ઊડીને આંખે વળગે તેવો કેસરિયો રંગ જાણે કોઈ નવી નવેલી દુલ્હનના શ્રુંગારનો લાલ ચટ્ટક રંગ ! પેલા ગુલમહોર પરના ઝીણા ઝીણા પર્ણ વધારે છે કે કેસરી રંગના કુસુમ એ નક્કી કરવું અઘરું થઈ પડે અને ગરમાળાની તો વાત જ શું કરવી ? પાંદડાં વગરના કથ્થઈ થડ પર ડાળીએ ડાળીએ પીળાં ફૂલોની લૂમો લટકતી જોવા મળે. જાણે સુરજના કેસરી રંગ સાથે ચાંદના પીળા રંગની હરિફાઈ ! સફેદ રંગના વિવિધ શેડ તમને ફકત ઉનાળામાં જ જોવા મળે. જરા જુઓ તો ખોબલે ને ખોબલે વીણાય એવા મોગરા ! દિવસભરની ગરમીને ભુલાવી દે તેવી રાતે મહેકતી રાતરાણી અને ટગરના પાંચ પાંખડીવાળા ફૂલો. મધુકામિનીના હાથ અડતા જ ખરી પડે તેવા નાજુક કુસુમ પોપટી રંગની ડાળી પર જરાક ઉપર-નીચે ખીલતા શ્વેત રજનીગંધના ફૂલો, સરગવાના ઝાડ પરના ઝીણા ઝીણા ફૂલ, સફેદ લીલી અને પોયણા, એકથી જ ખોબો ભરાય તેવા મોટા ફૂલ કેનાના, ચૈતરમાં મોહરેલો ચંપો હજુ પણ પર્ણહીન પરંતુ ફૂલથી છલોછલ મહેકતો હોય. નાનકડા જૂઈના મૃદુ પુષ્પો તથા જાસુદના પણ શ્વેત પુષ્પો. હવે આમાં કોને ધવલ કહેવું અને કોને શ્વેત કહેવું અને કોને શુભ્ર ! મીઠી મૂંઝવણ તો થાય ને ! તથા ગુલાબી, પીળી, લાલ, સફેદ તેમજ રંગ રંગની લીલી પોયણી (પોયણા નહીં) ! એ પછી રંગરંગના ઑફિસફૂલ અને બારમાસીના રંગોની બહાર બારેમાસ પણ તેની કિંમત તો થાય ઉનાળામાં. બીજા કોમળ છોડ સૂરજના તાપથી કરમાય પણ આ તો જાણે અઠંગ જોગી. એને તાપ-તડકાની અસર પણ નહીં ! હંમેશની જેમ જ તાજા ને તાજા જ. યસ… અને કેક્ટ્સને તો શે વાતે ભુલાય ? તેના પર આ જ ગ્રીષ્મમાં સરસ મજાના પાન બેસે અને પછી લાલ, પીળા અને નાના નાના ફૂલો ! ઉનાળાની સવાર એટલે આ ફૂલોની જાણે રંગની બોછાર !

ગ્રીષ્મની સવારનો રંગ એકદમ ચોખ્ખા ચણાક આંગળા જેવો. નહીં શિયાળાની જેવી ધ્રૂમિલ સવાર કે નહીં ચોમાસાની જેવું ગોરંભાયેલું આકાશ ! ક્યાંય કોઈ વાદળી નહીં અને સૂરજ ઉગતાની સાથે જ પોતાની હાજરી પુરાવા લાગે, તેવું જ બપોરનું પણ. ગ્રીષ્મની બપોરનો રંગ કોઈ તપસ્વી જેવો કેસરિયો. તેના તપનો માર ખમવા માનવ યથાશક્તિ પ્રયત્ન કરે. એ પ્રયત્ન એટલે જાત જાતનાં દેશી રંગીન શરબતો ! ખસ, વાળો, વરિયાળીનું સુગંધી લીલું શરબત, કાચી કેરીનું ગોળ કે ખાંડ નાંખી બનાવેલું પન્નુ, ફાલસા કે કોકમ કે ગુલાબનું લાલ રંગી પેય, મોગરા-બીલાના ઠંડા શરબત અને વધારામાં આ બધામાં સાકર નાંખી પલાળેલા તકમરિયાનો માર. આ બધા રંગીન શરબતોની મહેફિલની મજ્જા તો ભાઈ ઉનાળાની બપોરે જ. કટુ સ્વાદના શોખીનો તો કડવા લીમડાનો રસ પીવે અને ઘણા તો કેરી ઘોળીને ખાતા હોય તેમ પાકી નાની નાની લીંબોળી ઘોળીને તેનો રસ મજેથી ચૂસે. જાણે અમૃત પીતા હોય ! હવે આપણે કડવા રસનો આનંદ માણીએ તો ઠાકોરજી કેમ બાકી રહી જાય ? એટલે ચૈત્રમાં હવેલીમાં ઠાકોરજીને ખડી સાકર સાથે કડવા લીમડાનો મૉર ધરાવાય અને પરાણે બાળકોને ઠાકોરજીનો પ્રસાદ ખવડાવાય. આનાકાની કરતા બાળકોને મોટેરા ઠપકો પણ આપે, ‘તારાથી નાનો છે, તે છતાં કાનુડો ખાય છે ને ? ખા નહીં તો કાલથી કાનાને ધરાવેલી માખણ મિસરીનો પ્રસાદ પણ નહીં મળે.’ આ ધમકી અસરકારક રહે. વધારામાં વેકેશનનો સમય એટલે બપોર પસાર કરવા ક્યારેક પત્તાની કે કેરમ કે ચોપાટની બેઠક મંડાય અને સાવ એકલા હોઈએ તો વિડિયો ગેમ અને સાથે રંગબેરંગી બરફના ગોલાની ચૂસકી ! ક્યારેક મોટેરાં કે દોસ્તો સાથે સ્વિમિંગ પૂલ કે નદી-તળાવમાં છબછબિયાં અને ધુબાકા તો ખરા જ !

ગ્રીષ્મની સાંજનો રંગ સૌથી વધારે આહલાદક લાગે. જાણે નિરાંત અને હાશનો રંગ ! ધીમો પણ શીતલ વાયરો શરૂ થયો હોય એટલે પછી બગીચા અને ઉપવનની મુલાકાતે ઉપડવાની કે એમ જ લટાર મારવાની મજા પડે. સાંજે બહાર ફળિયામાં કે બગીચામાં નાસ્તા કે વાળુની મજા. અંતકડીની રમત માણવાની અને એમ જ દોસ્તો સાથે ગપ્પાં મારવાના. જાત જાતની ફલેવર અને કલરના આઈસ્ક્રીમની જ્યાફત ઉડાવવાની મજ્જા તો ગ્રીષ્મરાણીની જ દેણ. ઉનાળુ વેકેશનનો સમય એટલે ઘરે મહેમાનોની આવન-જાવન. ક્યારેક આપણે કોઈને ત્યાં મહેમાન બનીએ. મહેમાનગતિ કરવાની અને માણવાની મૌસમ તો આ ઉનાળો જ ! સામસામે આમ્રરસના વાટકા ખાલી કરવાની મિજબાની પણ થાય. અને વળી ઘણીવાર મહેમાનોને પાનો ચઢાવવા કહીએ પણ ખરાં કે ઓહોહો… તમે તો ત્રણમાં જ થાકી ગયા ? ગતવર્ષે તો આપણે પાંચ-પાંચ વાટકા રસ ખાધો હતો. પછી તો મહેમાન પણ શરમ-સંકોચ મૂકીને મેદાનમાં આવે અને બીજા બે-ત્રણ વાટકા રસના ઠઠાડાય.

ઉનાળાનું એક બીજું રૂપ તે ઘરમાં ઠલવાતા જાત જાતના મસાલાની ગંધ. રાઈની તીખી, મેથીની કડવી, દળાતા હળદર-મરચાં અને ધાણાજીરુની સુવાસ નાકને જ નહીં, જીભને પણ તરબતર કરે. કાચી કેરી-ગુંદાનું અથાણું અને તેમાંના તાજા સંભારની સુગંધ કોઈપણ માંદા માણસને પણ લલચાવે તેવી હોય છે. તો ગરમર, ડાળા, કેરડા, કરમદાંના કેરીના ખાટા પાણીમાં બોળેલા અથાણાનો સ્વાદ ચટાકો સહુને ગમે. બપોરે જરા વડીલો આડા પડખે થાય કે તરત બાળકો તો ખાટા પાણીમાંથી કાઢીને સુકવવા મૂકેલી કેરીનો આનંદ ચોરીછૂપીથી લેવાનું ભૂલે નહીં. ક્યારેક મોટા પણ તે ખાટો ખારો ચટકો કરવા લલચાય.

રાતે આંબા, લીમડો કે વડના વિશાળ ઝાડ તળે ખાટલા પર કે ખુરશીમાં બેસીને દક્ષિણના ઠંડા વાયરાની મજ્જા માણવાની અને અગાસીમાં કાળા ભમ્મર આકાશમાં ઝબકતા રૂપેરી તારાનું દર્શન કરવાનું. કવચિત મોકો મળે ત્યારે બાળકો પાસે ડહાપણ ડોળવાનો આનંદ પણ ખરો કે આ જો પેલો શુક્ર અને આ સપ્તર્ષિ અને તેની નીચે પેલો ધ્રુવ, પેલો વીછુંડો અને પેલી શર્મિષ્ઠા. મનભરીને માણી શકાય તેવો રાતનો મનોહર રંગ માણતાં માણતાં ઊંઘી જવાનું અને સૂરજ ઉગતાની સાથે જ પોતાનું પોત પ્રકાશવા લાગે તો પણ માથે ચાદર ખેંચીને વહી જતી ઠંડકને પકડી રાખવાની મહેનત કરવાની. પણ છેવટે જીત તો શક્તિશાળીની જ થાય ને ! સૂર્ય સામે દીવાનું કેટલું જોર ચાલે ? આખરે સવારનો તડકો દઝાડવા લાગે અને પરાણે ઉઠવું પડે અને રાતે કેવી ઠંડક હતી, અરે રજાઈ ઓઢવી પડી – તેવી વાત અગાસીમાં રાતે સૂવાથી કતરાતા લોકો આગળ કરીને મજ્જા લેવાની. તેઓ પણ પંખાના ગરમ પવનથી દાઝેલા હોય તે આપણી અગાસીની રાતની ઠંડકની વાત સાંભળી ઈર્ષા અને અફસોસથી આપણી સામે તાકી રહે, તેથી આપણે કાંઈ મીર માર્યો હોય તેમ ગર્વથી ડોક ઊંચી કરી તેમની સામે જોવાનું. આહ ! તેમની નજરમાંથી વ્યક્ત થતી ઈર્ષા અને અફસોસ આપણને ચાર શેર લોહી ચઢાવે !

બાળપણના ગ્રીષ્મ રંગ અનોખા તેમ યુવાની અને વૃદ્ધાવસ્થાના પણ અલગ. ક્યાંક નાનપણનો તોફાની રંગ તો ક્યારેક જુવાનીનો જોશીલો રંગ અને કદીક ધીમા પગલે નજીક આવતી પ્રૌઢાવસ્થાનો ઝાંખો રંગ. આમ્રરસ એટલા જ જોશ અને હોંશથી ખવાય પણ માત્રા ઘટી જાય. તેવું પણ જીવનનું ને ! પરંતુ ગ્રીષ્મ એટલે ગ્રીષ્મ… હર રંગ સદાબહાર. તેથી જ તો મને ગ્રીષ્મ હંમેશાં આટલી રળિયામણી લાગી છે. કહો જોઈએ, તમને ઉનાળો ગમે ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જમણા હાથની પેલ્લી આંગળી – નીતા જોષી
આવને – ચિનુ મોદી Next »   

10 પ્રતિભાવો : ઉનાળો એટલે રંગોથી છલકાતી મૌસમ – કામિની સંઘવી

 1. durgesh oza says:

  mu.shri kaminiben, khub j sachi vaat ne saras lekh. abhinandan. me ABHISHEK magazinema agau unala upar ‘ZALHALTO UNALO’ titlethi lekh lakhelo jema lakhelu k ‘ UNALO ETLE CHOMASANI SIDI’ ઉનાળો એટલે ચોમાસાની સીડી…unalo chhe to chomasu ne varsad chhe. te nathi balbalto, te tp chhe ZALHALTO….tame mara manni vaaat kahi didhi.. vah sundar rajuaat ..unalo ghanu tapo ghanu jivo tu jivish to j manasjaat jivse—unalo chomasama varsadrupe navo janm le chhe. shri Mrugeshbhai..aapne pan abhinandan.

 2. Chintan Oza says:

  વાહ..ખુબ મસ્ત લેખ છે..સ્કૂલમા હતો ત્યારે “ગ્રીષ્મનો મધ્યાહન” નિબંધ લખતો હતો તે યાદ આવી ગયું. ઉનાળાની શરૂઆતમાં આવતી રંગબેરંગી હોળીને કેમ કરીને ભુલાય..!!

 3. nitin says:

  ખુબ સરસ વર્ણન કર્યુ છૅ.ઊના ળા નિ મજા નોખિ છૅ.સુર્યનારાયણ નિ સતત હાજરિ,
  સાથે જણાવ્યા પ્રમાણૅ ફળૉ,વાનગિ અને રાત્રે છાપરા પર સુઇ જવાનિ મજા કૈ જુદિ છે.

 4. devina says:

  હવે તો ઉનાળો જરુર થી ગમશે, સરસ લેખ

 5. Harnish Jani says:

  બહુ સરસ લેખ બન્યો છે. વરસોથી ગજરાતનો શિયાળો જોયો નથી અને ઉનાળાથી ગભરાઉં છું મઝા કરાવી દીધી.ધન્યવાદ.

 6. MANOJ GAMARA says:

  ખુબ સરસ વાત કહી તમે

 7. Sanjay Thanki says:

  પરફેક્ટ!!!! આ લેખ વાંચીને જેમને ઉનાળો પસંદ નહીં હોય તેમને પણ ગમવા માંડશે. અભિનંદન….

 8. praful patel says:

  ઘણો સરસ લેખ વાચવામા મજા આવેી ગઈ

 9. PATEL KRINAL says:

  VERY NICE THINKING …..TOO GOOD

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.