અપેક્ષા – પ્રજ્ઞા કમલ ભટ્ટ

[ અમદાવાદ સ્થિત કવિયત્રી પ્રજ્ઞાબેન ભટ્ટના કેટલાક છાંદસ-અછાંદસ કાવ્યો, ગીતોના સંગ્રહ ‘અપેક્ષા’માંથી આ ત્રણ કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. તેમનાં ઘણાં કાવ્યો સ્ત્રી, સમભાવ, મુંબઈ સમાચાર, સંદેશ, સાધના વગેરે સામાયિકોમાં સ્થાન પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612717 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોને અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] મારી આંખડીના

મારી આંખડીના લજ્જાળુ સ્મિતનો
…………………. પૂછશો ના કોઈ મરમ,
પહેલાં લેવાઈ ગયું એમનું તે નામને
…………………. હવે આવે છે શરમ.

હોઠની કૂણી બે પાંખડીની વચ્ચે,
…………………. રહેતું એ કમલનું ફૂલ
એની સૌરભને વહેતી કરવાની
…………………. અણજાણે થઈ છે ભૂલ !

રોકી રોકાય ના, ઝીલી ઝીલાય ના
…………………. ઊડી વાયરાની સંગે ફોરમ…
ઝાકળ નાહ્યેલાં તાજાં તે ફૂલને
…………………. દઈ દીધું પિયાનું નામ,
આંખોમાં પાંગર્યો એવો ઈલમ કે
…………………. જોતી હું ઠામો તે ઠામ

મનગમતું બાઈ મારી ઘેલછાનું રૂપ
…………………. નથી ભાંગવાનો એનો ભરમ.
…………………. …………………. મારી આંખડીના…
.

[2] શ્યામ

શ્યામ
પુનઃ મારા ભારતને આંગણે
આવને એક વાર
નંદ કે વસુદેવ
યશોદા કે દેવકી
રાધિકા કે ગોપી
આ યુગમાં છે કે કેમ
તેની મને ખબર નથી
કિંતુ
હું એટલું તો અવશ્ય જાણું છું કે
તેં મારેલા કંસના
એકેક રક્તબિંદુથી
જન્મેલા અનેકાનેક કંસ
મારા ભારતને ઘમરોળી રહ્યા છે.
તું ગીતાનું વચન
‘સંભવામિ યુગે યુગે’
પાળવા આવી પહોંચ.
.

[3] નિતાંત ખુશી

નિતાંત ખુશી નર્યા વિસ્મયની પળ હતી
એક જ્યોતિ નજર સામે જ ઝળહળ હતી

મૌનના વિસ્તારમાં શબ્દો અવાચક થઈ ગયા
બંધ તોડી ધસમસતી લાગણીઓ પ્રબળ હતી.

સજળ આંખથી સતત હૈયું નીતરતું રહ્યું
આખ્ખાય અસ્તિત્વમાં નરી ખળભળ હતી.

સમયના સંદર્ભે યુગો ઓગળી ગયા
ને યુગ બની બેઠેલ ક્ષણની સળવળ હતી.

કોણ જાણે કેટલાય ચકરાવા લીધા હશે
મુજ સંગે પ્રવાહિત સૃષ્ટિ સકળ હતી.

[કુલ પાન : 64. કિંમત રૂ. 45. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અપેક્ષા – પ્રજ્ઞા કમલ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.