કોરી સ્વતંત્રતા – મૃગેશ શાહ

[dc]કૉ[/dc]લેજના છેલ્લા વર્ષમાં ભણતી મારી કઝીને એક દિવસ મને કહ્યું :
‘ભાઈ, ગ્રેજ્યુએશન તો પૂરું થવા આવ્યું પરંતુ હવે એમ થાય છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ખર્ચનો ભાર હું પપ્પા પર નહીં નાખું. એ માટે હું મારી આવક ઊભી કરીશ….’ વિચાર આવકારદાયક છે. યુવાપેઢી પોતાની જવાબદારી સ્વીકારે અને સ્વર્નિભર બને એનાથી વધારે રૂડું શું ? આ સમજને વંદન. પરિવારને મદદરૂપ થવાની અને પોતાના ખર્ચનો ભાર અન્યને ન વેઠવો પડે તે માટે ઘરને આર્થિક ટેકો આપવાની ભાવના હોય તો એ પ્રશંસનીય છે.

વાત તો ગમી. પરંતુ ખબર નહીં કેમ અંદરખાને મને એમ લાગ્યું કે આમાં કંઈક બરાબર નથી. ખાસ કરીને એમાં ખર્ચ કરતાં ‘મારી આવક’ શબ્દ પર મુકાયેલો ભાર કંઈક જુદું વિચારવા માટે પ્રેરતો હતો. મને રામાયણના ઉત્તરકાંડનો એ પ્રસંગ યાદ આવ્યો જ્યારે ભગવાન રામ બધા જ વાનરોને અયોધ્યાથી વિદાય આપી રહ્યા હતા. બધાને એમ કહેતા હતા કે અયોધ્યા આવતા-જતા રહેજો. સૌ ભીની આંખે જુદા પડી રહ્યા હતાં. એકમાત્ર હનુમાનજીને ભગવાને પોતાની સમીપ રાખ્યા અને કહ્યું કે હું તમારા ઋણમાંથી કદાપી મુક્ત થઈ શકું એમ નથી અને મારે તમારા ઋણમાંથી મુક્ત થવું પણ નથી. તમે મારા એટલા બધા કામ પાર પાડ્યા છે કે એનો બદલો હું કોઈ રીતે ચુકવી શકું એમ નથી. હનુમાનજી ભગવાનની વાણી સાંભળીને ગદગદીત થયાં.

આ વાત છે ઋણમાં રહેવાની અને અહોભાવ અનુભવવાની. પોતાની ક્ષમતા હોવા છતાં એ કામ પ્રેમને ખાતર બીજા પાસે કરાવીને અન્યને મહાનતા આપવાની આ વાત છે. ઘણા બધા એવા કામ છે જે અમુક ઉંમર પછી આપણે જાતે કરી શકીએ છીએ પરંતુ એ કામ આપણા સ્વજનો આપણને કરી આપે તો એમાં આપણે પરતંત્ર નથી થઈ જતાં, ઉલ્ટાનો પ્રેમભાવ વધે છે. માથામાં તેલ આપણે જાતે પણ નાખી શકીએ છીએ પરંતુ એ મા પાસે બેસીને નખાવીએ તો એમાં આપણે લઘુતા નથી અનુભવતાં. એ પરતંત્રતા પ્રેમને પ્રગટાવે છે. આપણે બધું કરી શકીએ તેમ છીએ પરંતુ કોઈકે પતંગ ચગાવીને આપણને હાથમાં પકડવા આપ્યો હોય ત્યારે કંઈક જુદી જ ઘટના બને છે. આ પરસ્પર ઋણમાં રહેવાની વાત છે. બધાએ બધું જ જો પોતપોતાની મેળે કરી લેવાનું હોત તો પછી ધર્મશાળામાં જ રહેવું શું ખોટું ? આ ઘર છે, ધર્મશાળા નથી. અહીં બધા પરસ્પર જોડાયેલા છે. અહીં સૌ પોતાને માટે નહીં, બીજાને માટે કંઈક કરે છે. એકબીજાનું કદી ન ફેડી શકાય એવું ઋણ રાખવાનું છે. એટલે જ તો આપણે ‘ઋણાનુબંધ’ એવો શબ્દ આપણા સ્વજનો માટે વાપરીએ છીએ. અહીં હિસાબો ચુકતે નથી કરવાના. મારો પગાર-તારો પગાર…. આ વળી શું ?

સ્વતંત્રતાની વ્યાખ્યા આજે જુદી રીતે કરવામાં આવે છે. ચાર જણ બેઠા હોય ત્યારે સંતાન એમ કહે કે હું મારી આવકમાંથી મારો ખર્ચ કાઢી લઈશ…એટલે લોકોમાં વાહ-વાહ થઈ જાય છે ! આ વિચારધારા કુટુંબના ઐક્યને તોડે છે. કોઈકે મારા માટે કંઈક કર્યું છે એવો અહોભાવ પછી એને રહેતો નથી. મેં તો બધું મારી કમાણીમાંથી જ વસાવ્યું છે ને ? મેં ક્યાં કોઈ પાસેથી રૂપિયો લીધો છે ? – એવો એક સુક્ષ્મ અહંકાર આ વિચારધારામાંથી પ્રગટ થાય છે. આવક મેળવવાની ક્ષમતા અને સમજ વહેલી પ્રાપ્ત થાય એ સારી વાત છે પરંતુ સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે એ આપણામાં રહેલા ‘મારાપણા’ને તો તે નથી વિસ્તારતી ને ? સૌને નાની ઉંમરથી આ સ્વતંત્રતા આપી દેવામાં આવશે તો વિકાસ ચોક્કસ થશે પરંતુ પારિવારીક વિશ્વાસના પાયામાં ગાબડું ચોક્કસ પડી જશે. બાપ-દીકરા વચ્ચેના મતભેદમાં ક્યારેક દીકરો બોલી ઊઠશે કે ‘તમે મારા માટે કર્યું શું ? આ બધું તો મેં મારી આવકમાંથી વસાવ્યું છે…. કૉલેજથી જ હું મારી રીતે કમાઈ લેતો હતો…. કદી તમારી સામે હાથ લાંબો કર્યો છે ?’ કદાચ દીકરી પણ એમ કહી શકે કે ‘મારા લગ્નમાં હું ગમે તે ખર્ચ કરું… એ તમારે નહીં જોવાનું. મારી આવકમાંથી હું પરણું છું ને ! એમાં તમારે શું છે ?’

આ સંવાદો કદાચ તમને વધારે પડતાં લાગશે પરંતુ વાસ્તવમાં હવે આ બની રહ્યું છે. પૈસો પાવર લઈને આવે છે. કમાનાર વ્યક્તિનો ઘરમાં અવાજ ઊંચો થતાં વાર નથી લાગતી. મારા-તારાનો આ ભેદ પરિવારની ભાવનાને ખતમ કરી નાંખે છે. ઘર તો ઋણની ભાવનાથી ઊભું થાય છે. અહીં તો પરસ્પર દેવાદાર રહેવાનું છે. એ દેવું કદી ચૂકતે ન થઈ શકે એવું છે. કોઈકે મારા માટે આટલું બધું કર્યું છે એનું સ્મરણ મનમાં સાચવી રાખવાનું છે. પરસ્પર સોદા કરવાના હોય તો ઘરના અને પારકા વચ્ચે અંતર શું રહ્યું ? એકબીજા પ્રત્યેના ઋણભાવ વગર સ્નેહની ગાંઠ ક્યાંથી મજબૂત થશે ? આજે કુટુંબના સભ્યો વચ્ચે હુંફાળો સંવાદ નથી એનું કારણ નાનપણથી આવી પડેલી આ વધારે પડતી સ્વતંત્રતા છે. બધાને બસ જલદી પગભર થઈ જવું છે જેથી પોતાના ખર્ચ પોતાની રીતે કરી શકે અને એમાં પરિવારજનો માથું ન મારે ! હું ફિલ્મ જોવા જઉં છું તો મારા પૈસાથી કારણ કે મારા પૈસા છે એટલે હું ગમે તે કરી શકું ! વાહ ભાઈ વાહ ! પોતાની આવી વંઠી ગયેલી પ્રજાને માતાપિતા કશું કહેતા નથી… એના કરેલા એ ભોગવશે… આપણે શું ? એની કમાણી છે તો એ ભલે ને ઉડાવે !… આમ વિચારી મા-બાપ ચૂપ બેસી રહે છે. આમાં આપણે કયો વિકાસ કરી લીધો, ભાઈ ?

જે જેવું જીવન જીવે છે એવી જ રીતે પોતાના સંતાનોને પણ કેળવે છે. આર્થિક સ્વતંત્રતા ભોગવી ચૂકેલો માણસ પોતાના સંતાનો માટે શું કરશે ? શેનો ભોગ આપશે ? એ તો સંતાનોને એમ જ કહેશે કે ‘હું તો મારી રીતે પગભર થયો છું, મારા ઘરના લોકો પાસે એક પૈસો માંગ્યો નથી…. એટલે તમે પણ તમારી રીતે પગભર થઈને તમારો ખર્ચ કાઢી લો….’ સૌએ પોતપોતાનું કરીને પોતપોતાના રસ્તે ચાલ્યા જવાનું હોય તો પછી ઘર શું કામ માંડવાનું ? વેપારમાં ગણતરીઓ હોય એ તો સમજાય પરંતુ ઘરના વ્યવહારોમાં પણ ગણતરી ? આ કંઈ બરાબર ગળે ઊતરતું નથી. યોગ્ય સમયે માણસ યોગ્ય રીતે પગભર થઈને પરિવારને આર્થિક ટેકો આપે એમાં કશું જ ખોટું નથી. પરંતુ એ યોગ્ય સમય પહેલાં ‘પૈસાનું મહત્વ સમજે’ એમ બહાનું બનાવીને સંતાનોને ઝડપથી પગભર કરી દેવાની ઉતાવળ ક્યારેક કુટુંબની વ્યાખ્યા જ સાવ બદલી નાખે છે. આપણે એમ નથી ઈચ્છવું કે ઘરનો તમામ આર્થિક બોજો એક જ વ્યક્તિ પર પડે. સંતાનો પણ ચોક્કસ કમાય. પરંતુ આ બધું પારિવારીક ભાવનાને સાચવીને થવું જોઈએ. આપણા માટે કોઈક થોડું કરે છે તો એને કરવા દેવું જોઈએ અને એનાથી પ્રેમની ગાંઠને મજબૂત બનાવવી જોઈએ. સાક્ષાત બ્રહ્મ ભગવાન રામ પોતે બધા જ રાક્ષસોનો સંહાર કરવા શું સક્ષમ નહોતાં ? તે છતાં એ આ ઋણ ભાવનાનો સ્વીકાર કરતાં એમ કહે છે કે આ બધા રાક્ષસોનો સંહાર તો આ વાનરોના સહકારથી થયો. બાકી હું એકલો ક્યાંથી કરી શકવાનો હતો ? – આ મહાનતા છે. નટખટ કનૈયો દોરડાથી બંધાઈ જાય છે. આ પ્રેમ છે. આ પરિવારને જોડવાની ભાવના છે. બધું ‘હું જ કરી લઉં’ અને ‘ક્યારે શું કરવું એની બધી જ સમજ મને છે’ – એવા અજ્ઞાનમાંથી મુક્ત થઈને થોડા વિનમ્ર બનીને પરિવારના ઋણને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. એમાં કશું ખોટું નથી. ઘણીવાર તો સ્વતંત્રતાના નામે આપણે આપણા અહંકારને પુષ્ટ કરતાં હોઈએ છીએ.

વાત ઘણી ગહન છે. આજના જેટયુગમાં રહેતા લોકોને કદાચ ન સમજાય એવી છે. પરંતુ જેઓ પકડદાવ રમતાં રમતાં પોતાના સંતાનો સામે હારી ગયા હશે એ લોકો સમજી જશે કે પોતાની ક્ષમતા છોડી દેવાનો અને નાના બની જવાનો પણ કેવો આનંદ હોય છે. જેમને સાઈકલ આવડતી હોવા છતાં પપ્પાને પાછળથી પકડી રાખવાનું કહ્યું હશે તેઓ આ સમજી જશે. બ્યુટીપાર્લર ખોલવાની ક્ષમતા હોવા છતાં નવરાશના સમયે મમ્મીના હાથે તેલ નંખાવવા માટે એના ખોળામાં બેસી જતી મોટી દીકરી સમજી જશે કે આ પરતંત્રતાની પણ કેવી મીઠાશ છે. કોઈના બનીને રહેવાનો આનંદ શું હોય છે એ તો એક શિષ્ય સિવાય બીજું કોણ સમજી શકે ? સ્વજનોનું મીઠું ઋણ અનુભવવા માટે પણ નસીબ જોઈએ. કોરી સ્વતંત્રતા અને વહેલી પગભર થવાની ઉતાવળ ક્યારેક પરસ્પરના ભાવને સાવ સૂકવી નાંખે છે. એનાથી બચીને રહેવું સારું. મરીઝ કહે છે :

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “કોરી સ્વતંત્રતા – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.