કોશા – વર્ષા બારોટ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ વધુ એક વાર્તા ડીસાના યુવાસર્જક વર્ષાબેનની છે. અભ્યાસે એમ.એ (ગુજરાતી) થયેલા વર્ષાબેનની અન્ય કૃતિઓ અગાઉ ‘અખંડ આનંદ’, ‘કુમાર’, ‘નવનીત સમર્પણ’ વગેરેમાં સ્થાન પામી છે. ‘ફીલિંગ્સ’ સામાયિક દ્વારા યોજાયેલી ‘વાર્તા રે વાર્તા’ સ્પર્ધામાં તેમની વાર્તા ‘અનોખું દહેજ’ને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું, જે આપણે અહીં રીડગુજરાતી પર પણ માણી છે. પોતાના વ્યવસાય સાથે વાંચન-લેખનમાં વ્યસ્ત રહેવું એ તેમની ગમતી પ્રવૃત્તિ છે. પ્રસ્તુત વાર્તામાં તેમની પ્રવાહી શૈલી વાચકોને અંત સુધી જકડી રાખે તેવી છે. ‘રીડગુજરાતી’ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે rao_varsha2009@yahoo.com અથવા આ નંબર પર +91 9725013123 સંપર્ક કરી શકો છો.]

[dc]કે[/dc]ટલી તીવ્રતાનો હતો એ ભૂકંપ ?
તીવ્રતા ?
તીવ્રતા તો માપી શકાય એમ જ ક્યાં હતી ? એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. આખું ઘર જાણે ગોળગોળ ભમતું હતું.
આખું ઘર ?
ઘર આખું ક્યાં રહ્યું હતું હવે !
વહેલી પરોઢનું એ દશ્ય વારંવાર ઉપસી આવતું હતું એની નજરમાં. ઘડીભર તો જાણે એના પગ ખોડાઈ ગયા હતા જમીન સાથે. એ સ્તબ્ધ બની ગઈ હતી. એની આંખો ફાટી ગઈ હતી.

હાંફળીફાંફળી થતી એ સડસડાટ અગાશીની સીડી ઉતરી ગઈ ને આવીને સીધી જ રસોડાના પ્લેટફોર્મને અડકીને ઊભી રહી. એ હાંફતી હતી. આંસુઓ પરસેવો બનીને ફૂટી રહ્યા હતા એના શરીરમાંથી. સાડીના પાલવથી એણે કપાળ લૂછ્યું. ગળામાં અટકી ગયેલું ડૂસકું દડી પડે એ પહેલા એણે પાલવનો ડૂચો ધરી દીધો મોઢા પર. એણે જે જોયું હતું એ તેના માન્યામાં નહોતું આવતું પરંતુ સગી આંખે જોયેલું એટલે ખોટું ઠેરવી શકાય એમ નહોતું. એનું મન ચકરાવે ચઢ્યું હતું.

સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઈને આર્યન જોઈ રહ્યો હતો એની મમ્મીને. એને સમજાતું નહોતું કે રોજ સવારે ચા-નાસ્તો બનાવતી મમ્મી આજે અવળી ફરીને ઊભી છે કેમ ? આર્યનની આંખો પ્લેટફોર્મ પર ફરી વળી પણ ગેસની સગડી પર કશું જ નહોતું. ન ચા ઉકળતી હતી કે ન તો દૂધની તપેલી હતી કે ન નાસ્તો હતો. પ્લેટફોર્મ ચોખ્ખુંચણાક હતું. રાત્રે સાફ કરીને મૂક્યું હતું, એવું ને એવું જ !
‘મમ્મી….ઓ…મમ્મી…’ કોશાનો હાથ પકડીને આર્યને એને વિચારોમાંથી બહાર કાઢી.
‘હં…અં….અં…..’ એના અવાજમાં ધ્રુજારી હતી. ઘડીભર એ જોઈ રહી આર્યન સામે ને પછી સહસા જ એને બાથમાં લઈને ચૂમવા લાગી. ઉપરાઉપરી એક પછી એક… ગાલ પર… કપાળ પર ને માથા પર એ ચૂમી વળી. રોજના કરતાં આજે મમ્મીનું બદલાયેલું રૂપ જોઈને આર્યન થોડો ગભરાયો.
‘મમ્મી !…. મમ્મી !… આ….શું….. ?’
આર્યનના ખભાને પકડીને એનાથી બોલી જવાયું, ‘આ…આ… શું થઈ ગયું, બેટા ?’
‘શું થયું છે મમ્મી ? કશું જ થયું નથી. કેમ આમ કરે છે ?’
‘કશું જ નથી થયું ? ધરતીકંપ થયો છે ધરતીકંપ…!! ઘર કાટમાળનો ઢગલો બની ગયું છે જો.’ કોશાની આંખમાંથી આંસુ દડવા લાગ્યા. આર્યન દોડ્યો, એ એના પપ્પા પાસે જતો હતો.

નિશિથ રસોડાના દરવાજા પાસે જ ઊભો હતો. એ ગભરાયેલો હતો. એની આંખોમાં દહેશત હતી. હવે શું થશેનો ડર એના ચહેરા પર ડોકાતો હતો. કોશા તરફ હાથ લાંબો કરી આર્યન બોલ્યો :
‘પપ્પા, મમ્મી કેમ આમ કરે છે ? એ રડે છે જુઓ. શું થયું છે મમ્મીને ?’
નિશિથ જવાબ આપી શકે તેમ નહોતો. ડર સાથે એ કોશા તરફ આગળ વધ્યો.
કોશા સંકોચાતી હતી.
‘સ….સ…સોરી…. કોશા….’
એક જ ઝાટકે નિશિથનો હાથ ઝાટકીને કોશા ઊભી થઈ ગઈ અને જોરદાર તમાચો ચોડી દીધો નિશિથના ગાલ પર. દૂર ઊભેલો આર્યન સ્તબ્ધ થઈ ગયો. એ દોડીને કોશાના ખોળામાં ભરાયો. ગાલ પર હાથ મૂકીને તમાચાને સ્વીકારતો નિશિથ મૌન લાચાર બનીને ઊભો રહ્યો. આર્યનનો હાથ પકડી ઝડપભેર કોશા નીકળી ગઈ ઘરની બહાર. ઝટપટ નીચે આવીને વોશબેઝિનમાં ઝળુંબી ડરના પ્રસ્વેદબિંદુઓને પાણીથી ધોઈ રહેલી નિહારિકાએ આડી નજરે કોશાને ઝડપભેર બહાર જતાં જોઈ.
નિશિથ દોડ્યો, ‘કોશા…. કોશા….’
નિહારિકા પણ દોડીને ઘરની બહાર આવી.
સ્કૂલબસની રાહ જોયા વગર જ કોશા રીક્ષા કરીને સીધી આર્યનની સ્કૂલે પહોંચી. નાઈટડ્રેસ બદલવા નિશિથ ઉપર ગયો. નિહારિકા પણ પાછળ-પાછળ ગઈ. નાહ્યા વગર જ કપડાં બદલીને બાથરૂમમાંથી બહાર આવેલા નિશિથનો હાથ પકડીને નિહારિકા બોલી રહી હતી, ‘નિશિથ, શું થશે હવે ? મને ખૂબ ડર લાગી રહ્યો છે. કોશા બધાને જણાવી દેશે તો ?’ નિશિથ જવાબ આપી શકવાની સ્થિતિમાં નહોતો. એ ગભરાયેલો હતો. અત્યારે તો એને કોશા જ દેખાતી હતી. બાઈકની ચાવી લઈ ફટાફટ એ નીચે ઊતર્યો ને બાઈક ચાલુ કરીને નીકળી પડ્યો કોશાને શોધવા. નિહારિકાના મનમાં ભાવિ આફતના પૂર ઉમટ્યાં હતાં. એક પછી એક આવતા વિચારો એને ડરાવવા લાગ્યા. મમ્મી-પપ્પા પ્રવાસેથી આવશે ને કોશા એમને બધું જ જણાવી દેશે તો ? ઓહ ગોડ ! હું શું મોઢું બતાવીશ બધાને ? બન્ને હાથે પોતાનું માથું પકડીને નિહારિકા બેસી પડી પલંગ પર.

વિચારો કોશાનો પીછો નહોતા છોડતા. વારેઘડીએ એની આંખોમાં ઝળઝળિયાં તગતગી આવતા હતા. આર્યનને કલાસરૂમમાં બેસાડી સ્કૂલ છૂટે એટલે સીધા જ ઘરે આવી જવાનું સમજાવી કોશા નીકળી ગઈ સ્કૂલની બહાર. પાંચમા ધોરણમાં ભણતો નાનકડો આર્યન કશું સમજી નહોતો શક્યો પરંતુ એનો ચહેરો રડમસ હતો. સવારનું દ્રશ્ય એની આંખોમાં ફરતું હતું. ગઈકાલે હતી એવી આજે મમ્મી નહોતી એટલું જ એને સમજાયું હતું. દિશાશૂન્ય બની ગયેલી કોશાને વિચારોનું વંટોળ આગળ ને આગળ ધકેલી રહ્યું હતું પણ એ કઈ તરફ જઈ રહી હતી એની એને જ ખબર નહોતી. સ્કૂલ અને ઘરની વચ્ચે આવતા મંદિર તરફ એ વળી. મંદિરની આગળ બગીચામાં ગોઠવેલ પાણીનો નળ ચાલુ કરી એણે એનો ચહેરો ધોયો. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાના બદલે એ બહાર બાંકડા પર બેઠી. દર્શનાર્થે આવતાં-જતાં લોકો કોશા તરફ નજર નાખી પોતાના રસ્તે આગળ વધતા હતા. મંદિરમાં અજબ શાંતિ હતી. લીલાછમ વૃક્ષોની શીતળ છાયા, રંગબેરંગી ખીલેલા ફૂલો અને અગરબત્તીનો ખુશબુદાર ધુમાડો વાતાવરણને આહલાદક બનાવી રહ્યો હતો ! મંદિરના ખૂણે-ખૂણે શાંતિ વર્તાતી હતી પરંતુ એ શાંતિ જાણે કોશાને સ્પર્શતી નહોતી. ઘંટારવનો મીઠો રણકાર હથોડાની જેમ વાગતો હતો એના માથા પર.

બાઈક ચલાવતાં-ચલાવતાં આજુબાજુ માણસોની ભીડમાં કોશાને શોધતો નિશિથ વિચારી રહ્યો હતો કે એ ક્યાં ગઈ હશે ? ક્યાં શોધું એને ? એક દહેશત એની આંખોમાં અંધારા લાવી રહી હતી. આર્યનની સાથે જ ક્યાંક એણે ટ્રેન નીચે….. ?
આર્યનનું ચિત્ત આજે ભણવામાં ચોંટતું નહોતું. એની આંખો રડી જવાની અણી પર હતી. બ્લેકબોર્ડ પર કંઈક લખી મેડમ વિદ્યાર્થીઓ તરફ ફર્યા. બન્ને હાથને ટેબલ પર ટેકવી એ બોલ્યા, ‘તો બાળકો, ગઈકાલે આપેલું હોમવર્ક કરી લાવ્યા છો ને ?’
‘હા મેમ !’ બધા બાળકો એકસાથે બોલી ઊઠ્યા. પરંતુ આર્યન ચૂપ હતો.
‘તો ચાલો, ફટાફટ એક પછી એક આવીને બતાવી જાવ.’ રોલનંબર પ્રમાણે એક પછી એક નામ ઉચ્ચારીને નોટબુક્સ તપાસતા નિશા મેડમે આર્યનનું નામ ઉચ્ચાર્યું. પરંતુ આર્યન પોતાની જગ્યા પરથી ઊભો ન થયો. નીચું જોઈને એ બેઠો હતો.
‘આર્યન ?’
આર્યન મૌન હતો. નીચું જોઈને પોતાના બન્ને હાથનાં આંગળાઓને એકબીજામાં ભેરવી દબાવી રહ્યો હતો. રડી જવાની અણી પર ઊભેલી આર્યનની આંખો નિશા મેડમને પોતાની પાસે ઊભેલા જોઈને વહી પડી.
‘ઓહ ! આર્યન ? શું થયું બેટા ? કેમ રડે છે ? હોમવર્ક નથી કર્યું ?’
કાંઈ પણ બોલ્યા વગર આર્યન રડી રહ્યો હતો….
પારાવાર અસ્વસ્થતા અનુભવી રહેલી નિહારિકાને કાંઈ સૂઝતું નહોતું. એ અંદર-બહાર આંટા મારી રહી હતી. સ્કૂલે જઈને શાંતિથી ભણી શકે એવી એની આજે હાલત નહોતી….
આ તરફ બાંકડા પર બેઠી-બેઠી નિરાશ વદને ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહેલી કોશા જાણે ભગવાનને પૂછી રહી હતી : કેમ આવું કર્યું એણે મારી સાથે ? મારા ભરોસાનો જરા પણ વિચાર ન કર્યો એણે ? બારતેર વરસના સહવાસને બે-ત્રણ વરસમાં જ ભૂલી ગયો ? શું ખોટ વર્તાઈ મારા પ્રેમમાં કે એક નાનકડી, બારમા ધોરણમાં ભણતી છોકરડીથી દિલ લગાવી બેઠો ?…. કેટલો વિશ્વાસ હતો નિશિથ પર અને પેલી ઉપર પણ. એક સખીની જેમ, એક દીકરીની જેમ સંબંધ રાખ્યો હતો મેં એની સાથે.

કોશાની આંખોમાં બે-ત્રણ વરસનો એ સમયગાળો ઊપસી આવ્યો. કોશાના પ્રેમાળ સ્વભાવના લીધે એ પોતાના મકાન માલિક હરિભાઈના પરિવારથી હળીમળી ગઈ હતી. નિશિથ બેંકમાં મેનેજર હતો. નવીનવી એની બદલી થઈ હતી. કલોલ શહેર તેનાથી અજાણ્યું નહોતું એટલે મકાન શોધતા એને વાર ન લાગી. એક મિત્રના સંબંધી એવા હરિભાઈના મકાનમાં બીજેમાળે નિશિથ અને એનો પરિવાર ગોઠવાયો હતો. બંને પરિવારો વચ્ચે દિવસે-દિવસે સંબંધો ગાઢ થતા જતાં હતાં. નિહારિકા અને કોશા આખો દિવસ સાથે ને સાથે જ રહેતાં. રાગિણીબેન અને હરિભાઈ પણ નવરા પડતાં કે કોશા અને નિશિથ સાથે વાતે વળગતા. દસમા ધોરણમાં ભણતી નિહારિકા પણ સ્કૂલેથી આવીને પુસ્તકો લઈ તરત જ પહોંચી જતી કોશા પાસે. કોશા કામ કરતી અને નિહારિકા વાંચતી. ક્યારેક પુસ્તકો બાજુએ મૂકીને નિહારિકા કોશાને મદદ કરતી. રસોડામાં બન્નેને સાથે જોઈને નિશિથ ઘણીવાર કહેતો, ‘જોજે કોશા… આનું રિઝલ્ટ જો ડાઉન આવશે ને તો એ તારું જ નામ દેશે… એટલે આને તારાથી દૂર જ રાખ…..’ નિશિથના શબ્દો સાંભળી નિહારિકા મીઠું હસી પડતી.

પાંત્રીસ વર્ષનો નિશિથ ફૂટડા યુવાન જેવો લાગતો હતો. દેખાવે સુંદર અને સ્વભાવે પ્રેમાળ એવા નિશિથ સાથે આંખો મીલાવ્યા વગર જ નિહારિકા વાતો કરતી. નિશિથ સાથે વાત કરવી એને ગમતી પણ એ સંકોચાતી. એકની એક દીકરી એવી નિહારિકાને રાગિણીબેન અને હરિભાઈ ખૂબ લાડ લડાવતાં. કોશા પણ એને પ્રેમ આપતી. એને જમાડતી, એના વાળમાં તેલ નાખી આપતી ને એની સાથે વાતો કરતી. ઘરમાં નવી વાનગી બની હોય તો બન્ને પરિવારો વચ્ચે આપ-લે થતી. ગાઢ બનતા જતાં સંબંધોના લીધે પિક્ચર જોવા જવાનું હોય, હોટલમાં જમવા જવાનું હોય કે પછી બહાર ફરવા જવાનું હોય તો બન્ને પરિવારો સાથે જ જતાં. અતિશય નિકટતાના કારણે ધીમે ધીમે નિહારિકા નિશિથ તરફના સંકોચમાંથી મુક્ત થતી જતી હતી. રાગિણીબેન અને નિહારિકાના ભરોસે નિશિથ અને આર્યનને મૂકીને કોશા ઘણી વખત પિયર પણ જતી. એ દરમિયાન નિહારિકા નિશિથનું બધું જ કામ કરી આપતી. નિશિથનું કામ કરી આપવામાં એને આનંદની લાગણી થતી. મનોમન એ કશું મખમલી અનુભવતી. એ પોતાની જાત પ્રત્યે જાણે સભાન બનતી જતી હતી. વધુ ને વધુ સુંદર દેખાવાનો પ્રયત્ન કરી નિશિથનું ધ્યાન ખેંચવાની કોશિશ કરતી. એને સમજાતું નહોતું કે એ શું કરી રહી છે પરંતુ એની અંદર પતંગિયા જેવું કશુંક ઊડતું ને સતત એ નિશિથના વિચારોમાં વિહર્યા કરતી. નિહારિકા સામું જોઈ નિશિથ એના વખાણ કરતો તો મનોમન એ હરખાતી…. એની અંદર કશુંક ફૂટી રહ્યું હતું ! કોઈક ગમતીલી સુગંધ એને ઘેરી રહી હતી અને એ ઘેરાવાની અંદર જાણે એ સ્વયં ખીલી રહી હતી. પુસ્તકના પાનાઓમાં એને નિશિથનો ચહેરો દેખાતો. નિશિથ આગળ મનના ભાવોને વ્યક્ત કરી દેવાનું એને મન થઈ આવતું. એ ખુશ રહેવા લાગી હતી. પતંગિયાની માફક ઘરમાં ઊડાઊડ કરતી.

આજે એ વધુ ખુશ હતી. સાંજની પાર્ટીની તૈયારીમાં લાગી હતી. બજારમાં જઈને કેક, કેન્ડલ, ફુગ્ગા, ચોકલેટ્સ, સ્ટાર્સ, કપડાં ખરીદી લાવી હતી. પોતાના રૂમની સુંદર રીતે સજાવ્યો હતો. એનો આખો દિવસ તૈયારીમાં વીત્યો હતો. આછા ગુલાબી રંગનો સુંદર ડ્રેસ પહેરી એ પોતાને અરીસામાં નિહાળી રહી હતી. જાણે નિશિથ એને નિહાળી રહ્યો હોય અને એ જોઈ પોતે ખુશ થતી હોય એ વિચારે ખુદને જ જોઈ એના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. નિહારિકાના બધા જ ફ્રેન્ડ્ઝ આવી ગયા હતા. સુંદર રીતે સજાવેલા ટેબલ પર કેક અને કેન્ડલ્સ પણ ગોઠવાઈ ગયા હતા. નિહારિકા કોઈકની રાહ જોતી હતી, એની નજર કોઈકને શોધતી હતી. નિહારિકા માટે ગીફટ ખરીદવા ગયેલા કોશા અને નિશિથને આવતા મોડું થઈ ગયું હતું.
‘સોરી… નિહારિકા, થોડું મોડું થઈ ગયું.’ કોશા બોલી.
‘તમારી જ રાહ જોઈ રહી હતી. જુઓ, હજુ મેં કેક પણ નથી કાપી.’ નિશિથ સામે જોતા નિહારિકા બોલી.
‘ઓહ ! એમ વાત છે ? તો ચાલ હવે કોની રાહ જુએ છે ? ફટાફટ કેક કાપ અને અમારું મોઢું મીઠું કરાવ.’ નિશિથ બોલ્યો. સસ્મિત ચહેરે નિહારિકાએ ચપ્પું હાથમાં લીધું, ફૂંક મારીને કેન્ડલ્સ બુઝાવી અને કેક કાપવા લાગી…..
‘હેપ્પી બર્થ ડે ટુ યુ… હેપ્પી બર્થ ડે ડિયર નિહારિકા…..’ નાદથી ઘર ગૂંજી ઊઠ્યું.
સૌપ્રથમ પોતાના મમ્મી-પપ્પાને કેક ખવડાવી નિહારિકાએ નિશિથ તરફ હાથ લંબાવ્યો. સામે નિશિથે પણ કેકનો ટૂકડો ઉઠાવી નિહારિકા ને ખવડાવ્યો. એ દરમિયાન એક અજબ પ્રકારની ઝણઝણાટી અનુભવી એણે. એના ચહેરા પરની રોનક સાથે સાથે એની આંખોમાં મસ્તી, એક તોફાનનો ભાવ નિશિથને દેખાયો. પળમાં જ એ પામી ગયો હતો એના મનને. ને પછી નિશિથ પણ નિહારિકાનું ધ્યાન રાખવા માંડ્યો હતો. એને પણ જાણે બધું ગમવા લાગ્યું હતું. વધુ ને વધુ બન્ને નિકટ રહેવા લાગ્યા હતા. આંખોની ભાષા વાંચતા વાંચતા એક દિવસ એકાંતની ઓથે નિહારિકા નિશિથની બાંહોમાં ગૂંથાઈ ગઈ હતી.

અતિશય વિશ્વાસના લીધે કોશા અને રાગિણીબેનને નિહારિકા અને નિશિથના વર્તન પર શંકા નહોતી ગઈ. ઉનાળના દિવસોમાં તો હવે નિહારિકા પોતાના રૂમમાં સુવાને બદલે નિશિથ અને કોશાની સાથે અગાશી પર જ સૂઈ જતી. મોડી રાત સુધી ત્રણે વચ્ચે વાર્તાલાપ ચાલતો અને વહેલી સવારે જાગીને કોશા આર્યનને લઈ નીચે જતી અને પોતાના કામમાં પરોવાતી. એ દરમિયાન નિશિથ અને નિહારિકા મસ્તીમાં ગુંથાતા, પ્રેમાલાપ કરતાં. રોજેરોજના આ ઘટનાક્રમે આજે બન્નેને ઉઘાડા પાડી દીધા હતા. ક્યારેય નિશિથને જગાડવા ન જતી કોશા કોણ જાણે કેમ આજે ઉપર ગઈ હતી ને નિશિથ અને નિહારિકાને એકબીજામાં ઓતપ્રોત જોઈ સ્તબ્ધ રહી ગઈ. ફાટી આંખે ઘડીભર એ જોઈ રહી બન્નેને. એના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. કોશાને જોઈ નિશિથ અને નિહારિકા પણ ગભરાઈ ગયા હતાં. ત્રણેયના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ધ્રૂજતા શરીરે નીચું જોઈ નિહારિકા ફટાફટ નીચે ચાલી ગઈ. કાંઈ પણ બોલ્યા વગર કોશા પણ સડસડાટ સીડી ઊતરી ગઈ.

કેટલો વિશ્વાસ હતો બન્ને પર. ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે….. વિચારોમાં ગરકાવ થયેલી કોશાનો ચહેરો તંગ થતો જતો હતો. સવારનું દ્રશ્ય એના મનમાંથી ખસતું જ નહોતું. એ દંગ રહી ગઈ હતી. શું કરવું ને શું ન કરવુંની એને સૂઝ નહોતી પડતી. એને કેટલાયે વિચારો આવતા હતા. આજે ને આજે ઘર ખાલી કરી દેવું ? પિયરની વાટ પકડવી કે મરી જવું ? એક જ પળમાં જીવવાના અરમાન મરી પરવાર્યા હતાં. એ તૂટી ગઈ હતી. પોતાના હૃદય પર પોતાના જ માણસે પ્રહારો કર્યા હતા. ટૂકડે-ટૂકડા થઈ ગયેલી જાત સાથે જીવવું એના કરતાં તો મરી જવું બહેતર લાગ્યું એને…. પણ પછી એ જ પળે એને આર્યન દેખાયો.

આર્યનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. નિશા મેડમે ઘણું પૂછ્યું પણ આર્યન કંઈ બોલી નહોતો રહ્યો. એને તો બસ એની મમ્મીનો ચહેરો અને મમ્મીએ પપ્પાને મારેલો તમાચો જ નજર સામે ફરતા હતા….. નિશિથ આખા શહેરમાં ફરી વળ્યો હતો. ટ્રેનના પાટેપાટા એ ખૂંદી વળ્યો. બસ-સ્ટેન્ડમાં ઊભેલી એકેએક બસ અને ખાનગી વાહનો તપાસ કરી જોયા પણ કોશા એને ક્યાંય ન દેખાઈ. નિશિથનો ડર વધુ ને વધુ ઘેરો બની રહ્યો હતો……. ઘર બંધ કરી સ્કૂલે ચાલ્યા જવાનો વિચાર થઈ આવ્યો નિહારિકાને પણ એ પથારીમાંથી ઊભી ન થઈ શકી. જ્યાં સુધી નિશિથ અને કોશા ઘરે પાછા ન આવી જાય ત્યાં સુધી એને ચેન નહોતું પડવાનું. એની એકએક ક્ષણ મુશ્કેલીથી પસાર થઈ રહી હતી……

કોશાનો ચહેરો જોઈ પ્રસાદ આપવા આવેલા પુજારીબાબા જાણે કોશાનું મન કળી ગયા હોય તેમ પ્રસાદ આપતા બોલ્યાં, ‘બેટા ! કુછ ઉલઝન મેં ઉલઝ ગઈ લગતી હો. ચહેરે પર આજ અશાંતિ દેખાઈ પડ રહી હૈ….’ કોશા દયામણી આંખે જોઈ રહી હતી બાબાના ચહેરા તરફ. અજબ પ્રકારની શાંતિ હતી એમના ચહેરા પર. આંખોમાં કરુણા હતી. સ્મિત સાથે બાબાએ કોશાના માથે હાથ મૂક્યો ને કોશાની આંખો વહી નીકળી. બાબાના ચહેરા પર તો સ્મિત જ હતું અને એ જ હસતા ચહેરે બાબા બોલ્યા, ‘બેટા, અગર તુમસે કુછ બુરા હુઆ હૈ તો ઈન આંસુઓસે અપને હૃદયકો ધો દેના. પ્રાયશ્ચિત હર પાપ મીટા દેતા હૈ ઔર અગર તુમ્હારે સાથ કિસીને બુરા કીયા હૈ તો ઉસે માફ કર દેના યહી મનુષ્ય હોને કી પહચાન હૈ બેટા…..’ આટલું કહી બાબા ચાલી નીકળ્યા મંદિર તરફ.

પોતપોતાની જગ્યાએથી ઊઠી બધા જ બાળકો આર્યનને વીંટળાઈ વળ્યા હતા. મેડમની સાથે એ પણ આર્યનને રડવાનું કારણ પૂછી રહ્યા હતા પરંતુ આર્યન કંઈ જ બોલી રહ્યો નહોતો. મેડમને સમજાતું નહોતું કે શું કરવું. એના કપાળ પર, માથા પર, ગળા પર હાથ ફેરવી મેડમ પૂછી રહ્યા હતા, ‘તારી તબિયત તો સારી છે ને ?’ આર્યન મૌન જ હતો.
બાબાની પીઠ તરફ તાકી રહેલી કોશા મનોમન બોલી, કેવી રીતે માફ કરી દઉં એમને ?
મેડમે પૂછ્યું : ‘તારે ઘરે જવું છે બેટા ?’ આર્યને હકારમાં માથું હલાવ્યું.
કોશાને શોધી રહેલ નિશિથને આર્યનનો વિચાર આવ્યો; એ સ્વગત બોલ્યો, કદાચ કોશા સ્કૂલે…. નિશિથનો ફોન રણક્યો. આર્યનની સ્કૂલેથી ફોન હતો.
મરી જવાના વિચારે આર્યનને કોશાની સામે ખડો કરી દીધો હતો. એને આર્યનની ચિંતા થવા લાગી. સવારે જે કંઈ બની ગયું હતું એ જોઈ આર્યન ગભરાઈ ગયો હતો. એનો ચહેરો રડમસ હતો. કોશા ઊભી થઈ અને ચાલવા માંડી સ્કૂલ તરફ.
‘હેલ્લો….’
‘હેલ્લો…! નિશિથભાઈ, હું નિશા મેડમ બોલું છું. આર્યન રડે છે. આવીને લઈ જશો, પ્લીઝ ?’
‘ઓ.કે. હું હમણાં જ આવું છું…..’

સ્કૂલના દરવાજે ભેગા થઈ ગયેલા કોશા અને નિશિથે એકબીજા તરફ જોયું. કોશાની નજરમાં તિરસ્કાર હતો. નિશિથની નજરમાં ડર, કાંઈક ખોટું કર્યાનો ભાવ. પરંતુ કોશાને જોઈ એણે હાશકારો અનુભવ્યો. મનોમન એ બોલ્યો : થેંક ગોડ ! કોશા સલામત છે.
‘કોશા ક્યાં ક્યાં શોધી મેં તને ? તું ક્યાં……?’ નિશિથ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ કાંઈ પણ બોલ્યા વગર કોશા ચાલી નીકળી આર્યનના કલાસરૂમ તરફ. નિશિથ પણ પાછળ પાછળ ગયો. આર્યન દોડીને વળગી પડ્યો કોશાને. આર્યન હજુ રડતો હતો. એને ઊંચકી લેતા કોશા ચૂમી વળી એને. આર્યને કોશાના ખભા પર માથું ઢાળી દીધું.
‘થેંક્સ ફોર કોલિંગ મેમ !’ નિશિથ બોલ્યો.
નિશા મેડમ કંઈ પૂછે એ પહેલા જ એમના મનમાં પ્રશ્નાર્થ મૂકી નિશિશ અને કોશા સ્કૂલની બહાર નીકળી ગયાં. નિશિથે બાઈક સ્ટાર્ટ કરી કોશાને બેસી જવા કહ્યું પણ કોશા પગપાળા જ ચાલવા લાગી. બાઈક ચલાવતાં ચલાવતાં કોશાની સાથે ચાલી રહેલો નિશિથ બોલી રહ્યો હતો :
‘કોશા પ્લીઝ ! આ બધું સારું નથી લાગતું. આપણે રસ્તા પર ચાલી રહ્યા છીએ…’
‘તેં કર્યું એ સારું હતું ? તેં મને રસ્તા પર લાવી દીધી એનું શું ? સારા-ખરાબનો હવે શું કામ વિચાર કરે છે ?’ કોશા ઉતાવળે પગલે ચાલી રહી હતી.
‘કોશા પ્લીઝ ! ઘરે જઈને બધી વાત કરશું. અત્યારે બેસી જા પ્લીઝ. તું કહેશે એમ કરીશ, બસ ?’ નિશિથના શબ્દોમાં આજીજી હતી. રસ્તે આવતાં-જતાં રાહદારીઓ કોશા અને નિશિથ તરફ નજર કરી પોતપોતાના રસ્તે આગળ વધી રહ્યા હતાં.
‘હું કહું એમ જ કરવાનું મેં તને ક્યાં કોઈ દિવસ કીધું છે કે હવે હું તારી પાસે એવી અપેક્ષા રાખું ? બંધનમુક્ત પ્રેમ કરીને હંમેશા મેં તને મોકળાશ આપી હતી. પરંતુ મારા પ્રેમની પરવા કર્યા વગર આટલી હદે તું જશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી.’
નિશિથ આગળ બોલી શકે તેમ નહોતો.
ખાલી આવતી રીક્ષાને ઊભી રાખી કોશા બેસી ગઈ અંદર.
રીક્ષાની પાછળ પાછળ નિશિથ પણ ચાલ્યો ઘર તરફ.

દરવાજો ખુલવાના અવાજે સફાળી બેઠી થઈ ગયેલી નિહારિકાએ બારીમાંથી આંગણામાં જોયું. આર્યનને ઊંચકીને કોશા ફટાફટ સીડી ચઢી રહી હતી. પાછળ નિશિથ પણ હતો. નિહારિકાનું મન કોશા અને નિશિથમાં હતું. એ ઘરમાં જ પુરાઈ રહી. આર્યનને હાથ-પગ ધોવડાવી, પોતાના ચહેરા પર પણ પાણીની છાલકો મારી, આર્યનને ફ્રુટજ્યુસ આપી કોશા રસોડામાં ગઈ. નિશિથ એની આગળ પાછળ ફરતો હતો. એને મનાવવાની કોશિશ કરતો હતો. પરંતુ કોશા માત્ર એટલું જ બોલી હતી,
‘હું આ ઘરમાં રહેવા નથી માંગતી હવે…..’
‘એટલે ? તું મને છોડીને…..?’
‘તેં મને છોડી દીધી છે નિશિથ. બે દિવસમાં બીજે ક્યાંક ઘર શોધી કાઢજે.’
‘પણ કોશા… રાગિણીબેન અને હરિભાઈ શું વિચારશે ? આમ અચાનક ઘર ખાલી….’
વ્યગ્ર મન સાથે ચુપચાપ કોશા કામ કરી રહી હતી.
આર્યન સુઈ ગયો હતો.

કોશા અને નિશિથ વચ્ચે એક અંતર આવી ગયું હતું પરંતુ રાગિણીબેન અને હરિભાઈ પ્રવાસેથી પાછા ન આવી જાય ત્યાં સુધી ઘર ખાલી ન કરવા નિશિથે કોશાને મનાવી લીધી હતી. કોશા માની ગઈ હતી કારણ કે રાગિણીબેન અને હરિભાઈ પોતાની દીકરીને કોશાના ભરોસે મૂકીને ગયા હતા. અને એ બન્નેના ભરોસાને સાચવતી કોશાનો ભરોસો ખુદ એમની દીકરીએ જ તોડ્યો હતો. ઘેરા મૌનની વચ્ચે સમય એની દિશામાં આગળ વધી રહ્યો હતો. કોશા, નિશિથ અને નિહારિકા જાણે એકબીજાથી અજાણ્યા બની ગયા હતા. ઘેરા મૌનની વચ્ચે માત્ર એમની નજર મળતી. કોશાનું મૌન નિશિથને અકળાવતું હતું. નિહારિકા એકલી પડી ગઈ હતી તો નિશિથ કોશાથી દૂર ચાલ્યો ગયો હતો એવો ભાવ સતત કોશા અનુભવતી.

મહિનો થવા આવ્યો હતો. રાગિણીબેન અને હરિભાઈ પણ પ્રવાસેથી આવી ગયા હતા. જે કાંઈ બની ગયું હતું એની જાણ રાગિણીબેન અને હરિભાઈને ન થાય એ માટે કોશા, નિશિથ અને નિહારિકા પરાણે સ્મિતને ચહેરા પર ચોંટાડી રાખવાની મથામણ કરતા હતા. નિહારિકાને સતત એક ડર સતાવતો હતો કે ક્યાંક કોશા મમ્મી-પપ્પાને બધું જણાવી દેશે તો ? પરંતુ નિશિથની ઈજ્જત ખાતર અને રાગિણીબેનના ભરોસા ખાતર એ ચૂપ બની ગઈ હતી.

પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડતી જતી હતી. કોશા અને નિશિથ બધું જ ભૂલીને નવેસરથી જીવવાની મથામણ કરતા હતા. પરંતુ કોશાના હૃદયમાં જે તિરાડ પડી હતી એ પુરાય તેમ નહોતી. ભણવાનું બહાનું કાઢી નિહારિકા આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહેતી. ક્યારેક આર્યન કહેતો, ‘દીદી, હવે મારી સાથે કેમ રમતી નથી ?’ એને સમજાવી નિહારિકા એને ઉપર મોકલી દેતી તો આર્યન એની મમ્મીને પૂછતો, ‘મમ્મી, દીદી મારી સાથે કેમ રમતી નથી ?’ કોશા આર્યનને જવાબ ન આપી શકતી. થાકીને આર્યન એકલો જ રમવા લાગતો. દિવસે-દિવસે નિહારિકાની બેચેની વધતી જતી હતી. બે-અઢી મહિના થવા આવ્યા હતા પરંતુ એને માસિક નહોતું આવ્યું. એ ગભરાઈ ગઈ હતી. મનની વ્યથા ન કોઈને કહી શકે એમ હતી કે ન સહી શકે એમ હતી. મરી જવાના એને વિચાર આવતા. ચહેરા પર સતત ચિંતાના વાદળો ઘેરાયેલા રહેતા. વિચારી વિચારીને એ થાકી ગઈ હતી. આંખોની નીચે કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા. ચહેરા પરની રોનક હણાઈ ગઈ હતી. પોતાની દીકરીની હાલત જોઈ રાગિણીબેન કહેતાં : ‘બેટા, ભણવાની આટલી ચિંતા ન કરવાની હોય. જો ને તારો ચહેરો કેટલો નિસ્તેજ બની ગયો છે. થાક વર્તાય છે તારી આંખોમાં. પરિણામની ચિંતા કર્યા વગર મન દઈને ભણવાનું બેટા.’ નિહારિકા કેમ સમજાવે કે એનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને પરિણામ એના ઉદરમાં આકાર લઈ રહ્યું છે. રાગિણીબહેન બોલે જતા ને નિહારિકા પુસ્તકમાં મોઢું ઘાલીને ચુપચાપ બેસી રહેતી.

દિવસે-દિવસે નિહારિકાની ચિંતા વધવા લાગી હતી. શું કરવું ને શું ન કરવુંની મથામણમાં દિવસ-રાત વીતતા હતા. વિચારોમાં જ આખી રાત જાગેલી નિહારિકા વહેલી સવારે વોશબેઝિનમાં ઝૂકીને ઊલ્ટી કરી રહી હતી. બહાર ગેલેરીમાં ઝાડુ કાઢી રહેલી કોશાની નજર નિહારિકા પર પડી. કોશા પરિસ્થિતિ પામી ગઈ હતી. વોશબેઝિન પર ઝૂકેલી નિહારિકાને ઘડીભર એ જોઈ રહી. રાગિણીબહેન બહાર દોડી આવ્યા. કોશા અંદર ચાલી ગઈ. નિહારિકાના વાંસા પર હાથ ફેરવતા ચિંતત સ્વરે રાગિણીબહેન બોલ્યા, ‘શું થયું બેટા ? તબિયત સારી નથી ? રાત્રે મોડે સુધી વાંચવાની મેં ના પાડી છે છતાંય…..’
થોડાક સમયથી સ્વસ્થતા કેળવી રહેલી કોશાનું મન ફરી ચકરાવે ચઢ્યું.
આખો દિવસ નિહારિકા પથારીમાં પડી રહી. બપોરે પણ એકાદ ઊલ્ટી થઈ હતી એને. કોશાએ જોયું હતું.
દિવસભર વિચારો કોશાને વિંટળાયેલા રહ્યા. નિહારિકા તો નાદાન હતી, ખરાખોટાનો ભેદ પારખી શકે એટલી સમજણ વિસ્તરવાની બાકી હતી એનામાં. પણ નિશિથની બુદ્ધિ કેમ બહેર મારી ગઈ ? જરા પણ વિચાર ન કર્યો એણે ? અમારી બન્ને સાથે રમત રમી આખર શું મેળવ્યું એણે ?

કોશાનું મન પલટાયું હતું. નિહારિકા પ્રત્યેની નફરત ચિંતામાં ફેરવાઈ રહી હતી. એને પૂજારીબાબાના શબ્દો યાદ આવ્યા, ‘કિસીને અગર તુમ્હારે સાથ બુરા કિયા હૈ તો ઉસે માફ કર દેના યહી મનુષ્ય હોને કી પહચાન હૈ….’ નિહારિકાના રોમેરોમમાં વ્યાપેલો ડર, મનની અસ્વસ્થતા અને નિસ્તેજ ચહેરો કોશાને દેખાવા લાગ્યો. આખો દિવસ વિચારોમાં ખોવાયેલી કોશને રાત્રે પણ ઊંઘ ન આવી. પડખા ફેરવતી તે વિચારતી રહી… શું કરશે આ કુમળી કળી જેવી છોકરી ? કોને કરશે પોતાના મનની વાત ? એનું પેટ એની ચાડી ખાશે ને પછી ન કરવાનું કરી બેસશે તો ?…. ના… ના… નહીં થવા દઉં એની સાથે એવું. મારી જાણ બહાર ભલે એણે ભૂલ કરી પણ હવે એને ભટકવા નહીં દઉં. હું રસ્તો બતાવીશ એને. સંબંધોના કાટમાળમાં દટાયેલી એ છોકરીને હું બહાર કાઢીશ. નહીં મરવા દઉં એને…. પોતાની બાજુમાં નિરાંતે નિંદર માણી રહેલા નિશિથ તરફ કોશાએ જોયું. ઘૃણા ઉપજી એને એની પર. એ નિશિથને ઉદ્દેશીને મનોમન બોલી… કોઈકને મુશ્કેલીમાં મૂકીને શું મેળવ્યું આખર તેં નિશિથ ? મને હજુયે સમજાતું નથી કે તને જરા સરખોય વિચાર ન આવ્યો અમારો ?….

વિચારો કરતાં કરતાં જ સૂઈ ગયેલી કોશા વહેલી સવારે ઊઠી ગઈ હતી. નિશિથ અને આર્યન પણ ઊઠી ગયા હતા. બન્નેના હાથમાં ટિફિન આપતાં એ બોલી :
‘નિશિથ, આજે રીનાના ઘરે જવાની ઈચ્છા છે. કાલે આવી જઈશ.’
‘કેમ અચાનક ?’ નિશિથને ચિંતા થઈ.
‘બસ એમ જ. ઘણા સમયથી ગઈ નથી તો….’
‘ઓ.કે.’
‘આર્યનને સાચવજે અને જમવાનું રાગિણીબેનને કહેતી જાઉં છું.’ ઘણા સમય પછી આજે કોશાનો ચહેરો સ્વસ્થ જણાતો હતો. નિશિથનું મન ખુશ થયું.
‘મૂકી જાઉં તને ?’
‘ના….ના… હું ચાલી જઈશ…’
‘તો પછી પાછા ફરતા ફોન કરજે, લેવા આવી જઈશ.’
‘હું આવી જઈશ, નિશિથ. ચિંતા ના કર.’ કોશાના શબ્દોમાં હળવાશ હતી. ફટાફટ એ કામ પતાવવામાં લાગી ગઈ. દશ વાગ્યા સુધીમાં બધું જ કામ પતાવીને તૈયાર થઈ કોશા સીડી ઊતરી રહી હતી. સ્કૂલબેગ ખભે લટકાવી નિહારિકા પણ બહાર આવી હતી. નિહારિકાનો ચહેરો નિસ્તેજ હતો. બન્નેની આંખો મળી. દરવાજા તરફ આગળ વધી રહેલી નિહારિકાને બોલાવતા કોશા બોલી,
‘નિહારિકા, ઊભી રહે…..’
કેટલા દિવસો પછી કોશા આજે બોલી હતી.
નિહારિકાના પગ થંભી ગયા. ધ્રુજારી વ્યાપી ગઈ એના શરીરમાં. કાંઈ જ બોલ્યા વગર નિહારિકાનો હાથ પકડીને કોશા એને રાગિણીબેન પાસે લઈ ગઈ. નિહારિકા ડરી ગઈ. એના મનમાં એકસામટા કેટલાયે સવાલો ઉઠવા લાગ્યા. મમ્મીને જણાવી દેશે ? નિહારિકાને પરસેવો છૂટી ગયો હતો. એની નજર કોશાના હોઠ પર હતી.

રાગિણીબેન સામે જોઈ કોશા બોલી, ‘રાગિણીબેન, બે દિવસ માટે હું દીદીના ઘરે જાઉં છું. નિહરિકાને લઈ જાઉં સાથે ?’ નિહારિકાને આશ્ચર્ય થયું. એણે જે વિચાર્યું હતું એવું કશું જ કોશા બોલી નહોતી. નિહારિકાની આંખોમાં પ્રશ્નાર્થ હતો. શાક સમારતાં-સમારતાં જ રાગિણીબેન બોલ્યા : ‘હા, લઈ જાઓ. આમ પણ હમણાં-હમણાંથી એ ભણી ભણીને ખૂબ થાકી ગઈ છે ને પાછું છેલ્લા કેટલાયે સમયથી ક્યાંય ગઈ પણ નથી તો મન ફ્રેશ થશે. જા, જઈ આવ બેટા.’
કોશાએ નિહારિકા તરફ જોયું. એની આંખોમાં પ્રશ્નાર્થ હતો.
નિહારિકાની મનઃસ્થિતિ કળી ગયેલી કોશા જાણે નિહારિકાને સાંત્વના આપતી હોય તેમ બન્ને આંખો મીંચકારી એ બોલી, ‘જા, નિહારિકા… તૈયાર થઈ જા.’ શું કરવા માંગતી હતી કોશા એની સાથે એ નિહારિકાને સમજાયું નહીં. તૈયાર થઈ એ બહાર આવી. બન્ને વચ્ચે મૌન હતું. અમદાવાદની બસમાં છેલ્લેથી બીજા નંબરની સીટમાં બન્ને બેઠાં હતાં. બારી બહાર જોઈ રહેલી નિહારિકા વિચારી રહી હતી કે કોશા એને સાથે કેમ લઈ જઈ રહી છે ? કંઈક કહેવા માંગતી હશે ? નિહારિકાના હાથ પર પોતાનો હાથ મૂકી કોશા બોલી, ‘હું જાણું છું નિહારિકા, અત્યારે તારા મનમાં જે ચાલી રહ્યું છે એ.’ કાંઈ પણ બોલ્યા વગર નિહારિકા સાંભળી રહી હતી કોશાને. ઘડીક એ કોશા સામુ જોઈ રહેતી તો ઘડીક નજર ઢાળી દેતી. બસનો ડ્રાઈવર હજુ આવ્યો નહોતો. બસમાં બેઠેલા મુસાફરો ગરમીના લીધે અકળાતા હતા. આ વખતે વરસાદ ખેંચાતા ઉકળાટ પણ અસહ્ય હતો. નિહારિકાની અંદર વ્યાપેલો ઉકળાટ પણ એને અકળાવી રહ્યો હતો. કોશાના મોઢામાંથી નિકળતા એકેએક શબ્દને એ ધ્યાનથી સાંભળી રહી હતી.

‘જો નિહારિકા, તેં અને નિશિથે જે કર્યું છે એ માફીને પાત્ર તો નથી જ. પરંતુ હું દોષ તને નહીં આપું. તારી નાદાનિયતનો લાભ નિશિથે ઉઠાવ્યો છે. ઉંમરસહજ આકર્ષણને પ્રેમમાં ખપાવી તારી આંખોમાં સપનાનું વાવેતર કરનાર નિશિથે ભલે મારો વિચાર ન કર્યો પણ એણે તારા જેવી તરુણી પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજે એ પહેલાં જ બધી સીમાઓ વટાવી. એણે તારો પણ વિચાર ન કર્યો નિહારિકા. મારી સાથે-સાથે એણે તને પણ છેતરી છે.’ નીચું જોઈ રહેલી નિહારિકાની આંખોમાંથી આંસુઓ ટપટપ એના ખોળામાં પડી રહ્યા હતા.
ડ્રાઈવર આવી ગયો હતો.
બસ ઉપડતાં જ હવાની લહેરખી શરીરને અડતા બન્નેને શાતા વળી. બસ અમદાવાદ તરફ પુરપાટ દોડી રહી હતી. થોડીવારે બન્ને મૌન બેસી રહ્યાં. નિહારિકા લાચાર હતી. માફી માંગવાને પણ એ લાયક નહોતી એટલે ચૂપચાપ જ બેઠી હતી.
‘નિહારિકા, આજે બે-ત્રણ વખત તને ઉલ્ટી થતાં મેં જોઈ હતી.’ ફરી પાછું પ્રશ્નાર્થ નજરે નિહારિકાએ કોશા તરફ જોયું. કોશા એને મૂંઝવણમાં મૂકી રહી હતી. કેમ પૂછી રહી છે એ બધું ? ક્યાં લઈ જઈ રહી છે મને ? નિહારિકાને કંઈ સમજાતું નહોતું. બસ અમદાવાદ પહોંચી ગઈ હતી. કોશા નિહારિકાને લઈને વચ્ચે આવતા બસ-સ્ટોપ પર જ ઊતરી ગઈ. રીક્ષા કરીને એ સીધી જ ગાયનેક હોસ્પિટલ પર પહોંચી.

ડૉક્ટર સામે ખુરશી પર બેઠેલ નિહારિકા નીચું જોઈ રહી હતી. એના ચહેરા પર ડર હતો, વ્યથા હતી. અન્ય દર્દીને પ્રિસ્ક્રિપ્શન આપીને કોશા તરફ જોઈ ડૉક્ટર બોલ્યા,
‘શું તકલીફ છે ?’
કોશા તરફથી નજર હટાવી ડૉક્ટરે નીચું જોઈ રહેલી નિહારિકા તરફ પણ જોયું. પરિસ્થિતિ પામી જતાં ડૉક્ટરને વાર ન લાગી. સંકોચ રાખ્યા વગર જ સ્વસ્થ મન અને સ્વસ્થ ચહેરે કોશા બોલી :
‘સાહેબ, બેબીને ચેકઅપ કરવાનું છે. બે-અઢી મહિનાથી માસિક નથી આવ્યું.’
‘શું રિલેશન છે આપની વચ્ચે ?’
‘મારી દીકરી છે સાહેબ….’
નિહારિકાએ ફરી કોશા તરફ જોયું. અહોભાવથી એની આંખોના ખૂણામાં આંસુઓ તગતગી રહ્યા હતા. કોશાએ નિહારિકાનો હાથ દબાવી કરુણાસભર આંખે એની તરફ જોયું. સ્ટેથોસ્કોપ લઈ ડૉક્ટર ઊભા થયા અને બન્નેને સોનોગ્રાફી રૂમમાં આવવા જણાવ્યું. સ્ટ્રેચર પર સૂઈ રહેલી નિહારિકાને ચાલુ એ.સી.એ પણ પરસેવો છૂટી રહ્યો હતો. શરીર ધ્રુજતું હતું. ગળું સૂકાતું હતું. પોતાના ચહેરાને જમણા ખભા તરફ નમાવી એ ચૂપચાપ પડી હતી.

એને ગર્ભ રહ્યો હતો.
સોનોગ્રાફી મશીન બંધ કરી ડૉક્ટરે બન્નેને બહાર આવી જવા કહ્યું.
‘બે-અઢી મહિનાનો ગર્ભ છે. બોલો શું કરવું છે ?’
કોશા બોલી, ‘સાહેબ, જે થઈ શકે એ આજે જ….’
‘ઓ.કે.’
જિંદગીમાં પહેલીવાર કોશા ખોટું કરવા જઈ રહી હતી. એના હાથે કોઈકની હત્યા થવાની હતી. ઝીણી કણસ ઊપડી એના હૃદયમાં પરંતુ જીવતેજીવ પળેપળ કોઈ મરે એ કરતાં તો બહેતર છે કે…. કોશાએ મનોમન ઈશ્વરની માફી માંગી. ડૉક્ટરે પોતાનું કામ પૂરું કર્યું હતું. બે-ત્રણ કલાકના આરામ પછી બન્ને હોસ્પિટલની બહાર નીકળ્યાં. નિહારિકાને અશક્તિ વર્તાતી હતી. પરંતુ તન અને મનથી એ ભારમુક્ત બની ગઈ હતી. અજબ શાંતિ વર્તાતી હતી એના મનમાં. રીક્ષા કરી બન્ને રીનાના ઘરે તરફ જવા લાગ્યાં.
નિહારિકા મૌન હતી.
‘નિહારિકા, એક બીજી વાત પણ તને જણાવી દઉં. અમે બીજે મકાન શોધી લીધું છે. ચાર-પાંચ દિવસમાં અમે ત્યાં શિફટ થઈ જઈશું. હું ઈચ્છું છું કે જે કાંઈ બની ગયું છે એ બધું જ ભૂલી જઈને તું તારી જિંદગીની નવી શરૂઆત કરે. જિંદગી ઘણું ઘણું આપવા તને તૈયાર છે. બસ, તારે નક્કી કરવાનું છે કે તારે ક્યા રસ્તે જવું. તારું ભવિષ્ય તારી રાહ જોઈ રહ્યું છે, નિહારિકા. તારી ચિંતાઓનું આજે ઍબોર્શન થઈ ગયું છે. હવે તું મુક્ત છે નિહારિકા.’ કોશાની મહાનતા આગળ નિહારિકા પોતાને વામણી અનુભવી રહી હતી. પોતાની જાત ઉપર એને ઘૃણા ઉપજતી હતી. એના ગળામાં અટકી ગયેલું ડૂસકું દડીને બહાર આવ્યું. એ ઢળી પડી કોશાના ખોળામાં. બેકસાઈડ મિરરમાંથી રીક્ષાચાલકે પાછળ જોયું. રડી રહેલી નિહારિકાને જોઈ પાછળ ડોક ફેરવી માણસાઈના નાતે એણે પૂછ્યું :
‘કોઈ તકલીફ છે બેન ?’
‘ના…ના… આ તો એની તબિયત….’
‘દવાખાને લઈ લઉં બેન ?’
‘ના ભાઈ અમે…..’ કોશા અટકી ગઈ.
‘ભલે…’
નિહારિકાના માથે હાથ પસવારતા કેટલીયે વાર સુધી કોશા મૌન બેસી રહી. રીક્ષા રીનાના ઘર આગળ આવીને ઊભી રહી. બંન્ને અંદર પ્રવેશ્યાં. રીનાએ બન્નેને પાણી આપ્યું. ગ્લાસ ટેબલ પર મૂકી કોશા ઊભી થઈ અને બોલી, ‘રીના, સખત ગરમીના લીધે રસ્તામાં નિહારિકાને ચક્કર આવવા લાગ્યા હતા. લાગે છે કે એને અશક્તિ વર્તાય છે. હું એને સુવડાવી દઉં છું. ભલે આરામ કરતી.’
‘ભલે દીદી…. એને કાંઈ ખાવું છે ? બિસ્કિટ્સ કે ફ્રુટ્સ ?’
નિહારિકાએ ના ભણી. અને આરામ કરવા ગઈ. ઘણા દિવસે જાણે એ વિચારોમાંથી મુક્ત બની હતી. ચિંતામુક્ત થવાને લીધે એ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. રીના અને કોશા રાત્રે મોડે સુધી વાતો કરતી રહી પરંતુ પોતાના જીવનમાં જે કાંઈ બની ગયું હતું એનો અણસાર રીનાને આવવા દીધો ન હતો કોશાએ.

બીજે દિવસે કોશા અને નિહારિકા ઘરે જવા નીકળી ગયાં. ઘરે આવીને રાબેતા મુજબ બન્ને પોતપોતાના કામમાં પરોવાઈ ગયાં. મકાન ખાલી કરવાની વાત કોશાએ રાગિણીબેન પ્રવાસેથી આવ્યા ત્યારે જ કરી હતી. રાગિણીબેને પૂછ્યું હતું, ‘આમ અચાનક ?’ પણ કોશા મક્કમ હતી.

ઘર ખાલી કરવાનો દિવસ આવી પહોંચ્યો હતો. બહાર ઊભેલી ટ્રકમાં નિશિથ અને કોશા સામાન મૂકી રહ્યાં હતાં. રાગિણીબેન અને હરિભાઈ પણ મદદ કરી રહ્યાં હતાં. પોતાના રૂમની બારીના સળિયા પકડીને ઊભેલી નિહારિકા ઉદાસ આંખે જોઈ રહી હતી. આખો જૂન મહિનો અસહ્ય ઉકળાટમાં પસાર થયા બાદ આજે આકાશમાં વાદળો ઘેરાયા હતા. ચારેબાજુથી આકાશ ગોરંભાયું હતું. જાણે હમણાં જ વરસી પડશે. નિહારિકાનું ચિત્તાકાશ પણ ગોરંભાયું હતું. બધા જ બંધ તૂટી જશે ને એ વહી જશે, એવું એ અનુભવી રહી હતી. કોશા, આર્યન અને નિશિથ આજે એનાથી જુદા પડી રહ્યાં હતાં. એક પ્રેમાળ અને વિશાળ હૃદયની નારી આજે એનાથી દૂર જઈ રહી હતી. છેલ્લી ઘડીએ આજે નિહારિકાને થતું હતું કે એ દોડીને કોશાના પગ પકડી લે, એને રોકી રાખે, એના કદમ ચૂમે, એની માફી માંગે….
એક સામટી કંઈ કેટલીયે લાગણીઓ ઊભરાવા લાગી હતી એના મનમાં. પરંતુ મજબૂતાઈથી પકડેલા બારીના સળિયા એનાથી છૂટી શક્યા નહીં. સામાન ટ્રકમાં ગોઠવાઈ ગયો હતો. ડ્રાઈવરે નવા મકાનની દિશામાં ટ્રક હંકારી.

મકાનની ચાવી રાગિણીબેનના હાથમાં સોંપી આભારની લાગણી વ્યક્ત કરતાં એ બાઈક પર બેઠી ને બારીના સળિયા પકડીને ઊભેલી નિહારિકા તરફ જોયું. નિહારિકા જોઈ રહી હતી એને. આર્યન બધાને બાય-બાય કહેતા બોલ્યો, ‘નિહારિકા દીદી ક્યાં છે ?’ નિહારિકાને બૂમ પાડવા રાગિણીબેને પાછળ ડોક ફેરવી ત્યાં જ નિશિથે બાઈક હંકારી માર્યું.
વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો. માટીની ભીની સુગંધ ફરી વળી હતી વાતાવરણમાં.
નિહારિકા દોડીને બહાર આવી. બાઈક પર બેઠેલી કોશાની પીઠને એ જોઈ રહી. કોશાએ પાછળ જોયું. રાગિણીબેન, હરિભાઈ અને નિહારિકા હજુ એમને જોતાં ઊભા હતાં.
વરસાદની ઝડી શરૂ થઈ ગઈ હતી.
નિહારિકા રડવાની અણી પર હતી. દોડીને એ આંગળમાં આવી અને વરસતા વરસાદમાં પોતાના બન્ને હાથને ફેલાવી, આકાશ તરફ પોતાનો ચહેરો રાખી બંધ આંખે એ ગોળગોળ ઘૂમી રહી હતી. એના આંસુઓ વરસાદના પાણીમાં ઓગળી રહ્યા હતા.

[સમાપ્ત]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કોરી સ્વતંત્રતા – મૃગેશ શાહ
જીવન રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ Next »   

71 પ્રતિભાવો : કોશા – વર્ષા બારોટ

 1. Hasmukh Sureja says:

  ખુબ જ સુન્દર વાર્તા અને તેની પ્રવાહિતા.. અભિનંદન વર્ષાબહેનને!

  “જિંદગી ઘણું ઘણું આપવા તને તૈયાર છે. બસ, તારે નક્કી કરવાનું છે કે તારે ક્યા રસ્તે જવું..” નાનો સંવાદ, મોટો અર્થ…..

 2. rutvi says:

  According to me, this was the best one. Amazing storytelling skills.

 3. Amee says:

  Really nice story……too good and excellent description of problems…….each character’s description and everything too good…..

 4. M.D.Gandhi, U.S.A. says:

  અતિ સુંદર વાર્તા. ઈનામને લાયક વાર્તા.

  શાળામાં ભણતી એક માસૂમ છોકરીની જીંદગી બગડતાં અટકાવવી, એ પણ પોતાના હૈયા ઉપર પથ્થર મુકીને, એ સામાન્ય વાત નથી. (જો માનો તો), ખોટું થઈ ગયું, પણ પછી સન્માનપુર્વક જીંદગી જીવવા માટે રસ્તો કાઢવો, ખરેખર, એ આ વાર્તાનો સંદેશ છે. આવો રસ્તો બતાવવા બદલ હું તો વર્ષાબેનને અભિનંદન આપીશ.

 5. jadavji kanji vora says:

  બહુ જ હ્યદયસ્પર્શી વાર્તા.

 6. Heena Parekh says:

  પ્રથમ ક્રમને લાયક કૃતિ. વર્ષાબેનને અભિનંદન.

 7. priyangu says:

  perfact presantetion!! લાગણી ના તંતુઓ હલાવતી વાર્તા.!!
  વર્ષાબહેન ખુબ સુંદર, આભાર મૃગેશભાઇ .

 8. jignesh says:

  ખુબ હ્રદયસ્પર્શી વાર્તા. વર્ષાબેનને ખુબ ખુબ અભિનંદન.

 9. રજનીકાન્ત says:

  શ્રી એમ.ડી.ગાંધીના પ્રતિભાવ સાથે સહમત.

 10. kishor says:

  ખુબજ ………સરસ …અભિનંદન વર્ષાબેન

 11. varsha says:

  ખુબ સરસઆભિનન્દન.

 12. chetna says:

  It is very nice story.

 13. kari chavda says:

  એક્દમ સરસ!ખુબ ખુબ આભાર વર્શાબેન્!

 14. Ravindra Parmar says:

  ખુબ ખુબ અબિનદન ….
  ખુબ સરસ વાર્તા…..

 15. Neha says:

  Very nice Story. Heart touching.

 16. TRUPTI says:

  બહુજ સરસ કથા. અને અહીં આપેલા ઘણા રિડરો જોડે સંમત…..પ્રથમ ઈનામ ને યોગ્ય.
  પોતાના પતીની ભુલો ને ભુલવી લગભગ અશ્ક્ય……પણ કોશા ભુલો ભુલે પણ છે ને નિહારિકા ની બદનામી પણ થત્ત રોકે છે. ભલે ભુલ નિશિથ ની હતિ પણ સમાજ ને માટે આજે પણ પુરુષ એક કોરી સ્લેટ જેવો જ છે.

 17. Ajay Oza says:

  માત્ર વાર્તા નું કથાનક જ નહિ, પણ ઘટનાનુ લેખકે કરાવેલું દર્શન અતિ સુંદર છે. લખાવટ વાતાવરણ ને ભારે અને સુડોળ બનાવે છે, વાર્તા ને સુંદર કલમ સાંપડી છે, પ્રથમ ઈનામ મળ્યુ હોત તો પણ આશ્ચર્ય ન થાત, સુંદર વાર્તા. લેખકશ્રી, નિર્ણાયકશ્રીઓ અને રીડાગુજરાતી પરિવારને ધન્યવાદ.

 18. Dhaval Joshi says:

  Really nice & heart touching story

 19. Megha says:

  Excellent story! Congrats to Varshaben.

  Story is rightly named as “Kosha” as she has handled the whole situation in very matured way. She doesn’t choose to leave Nishit for sake of their son Aryan and she helps Niharika at right time because she knows that her husband is at fault bcoz Niharika is a teenager but Nishit should have not gone that path.

  અગર તુમસે કુછ બુરા હુઆ હૈ તો ઈન આંસુઓસે અપને હૃદયકો ધો દેના. પ્રાયશ્ચિત હર પાપ મીટા દેતા હૈ ઔર અગર તુમ્હારે સાથ કિસીને બુરા કીયા હૈ તો ઉસે માફ કર દેના યહી મનુષ્ય હોને કી પહચાન હૈ

 20. nalin says:

  Age period in which Niharika was passing through is called very critical age and require more attention from parents.

  In this age it is truely difficult to differentiate between attraction and love.

  Varshaben has very nicely depicted this situation.

  I liked the way she has depicted the story explaining different characters in different situations.

 21. Pushpakany Talati says:

  ખરેખર સુંદર અને સરસ અભિવ્યક્તિ વાળી તેમજ દિલનાં તાર ઝણઝણાવી દેતી અને આજનાં સમય તથા સંજોગો ને અનુરુપ એક પાકટ નિર્ણય સભર અને ઘણીજ મેચ્યુરીટી વાળી સશક્ત વાર્તા.

  પહેલા નંબર ને લાયક આ વાર્તા બદલ વર્ષાબેન ને હાર્દિક અભિનંદન.

  આ વાર્તા થી મને બે ચલચીત્રોની યાદ આવી ગઈ
  (૧) હીન્દી ફીલ્મ ‘એક હી ભુલ’ (જેમાં રેખા તથા જીતેન્દ્ર બન્ને મુખ્ય ભુમીકામાં છે)
  (૨ ગુજરાતી ફીલ્મ ‘કાશી નિ દીકરો’ (જેમાં અભિનયનાં ઓજસ પાથર્યા છે અનુભવી અદાકારા રાગીણી તેમજ રીટા ભાદુરી અને રાજીવ)

  સરસ અને સુંદર વાર્તા ની રચના બદલ ફરીથી પુષ્પકાન્ત તલાટી નાં હાર્દિક અભિનંદન તથા આપનાં પ્રયાસ માં હજુ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરો તેવી ઈશ્વરને પ્રાર્થના.

 22. બહુ જ સરસ વાર્તા. પ્રથમ ઈનામ મળ્યુ હોત તો પણ આશ્ચર્ય ન થાત. પણ અંત માં નિશીથ ને થોડી પણ સજા મળવી જોઈતી હતી એવું હું માનું છું. વર્ષા બહેન ને ખુબ ખુબ ખુબ જ અભી નંદન અને એમનો આભાર કે આવી સરસ વાર્તા આપણ ને આપી.

 23. Asha Virendra says:

  Congratulations, Varshaben,very well written story.It’s flow is effortless.Keep writing.

 24. Dr. Rajesh mahant says:

  ખુબ જ સરસ વાર્તા
  વર્શાબેન ને ખુબ ખુબ અભિનન્દન્
  ધરતિકમ્પ ન શબ્દ અને વિચારોથિ શરુ થતિ વાર્તા ક્યા થિ ક્ય લૈ જાય અને એમાયે
  પાચ્હો કોશાનો વિચાર પરિવર્તન
  લાગણીઑણૂ અદભુત ગુન્થન અને એનુ કાગળ પર એવુ જ અવતરણ્
  ખરેખર ચ્હેલે સુધિ જકડી રાખે ચ્હે
  એક વાર ફરિ ખુબ ખુબ અભિનન્દન્ વર્શાબેન્.

 25. વાહ વાહ …વર્ષાબેન… ખરેખર દાદ માંગી લે તેવી વાર્તા છે…પહેલા તો એમ સમજાણુ કે ધરતીકંપ થયો હશે …પરંતુ આ તો કોશાની જીંદગીમાં ધરતીકંપ થયો..અને સરસ ગુંથણી… એક રસ સાથે સતત જકડી રાખતી વાર્તા… ખુબ ખુબ અભિનંદન સમગ્ર શબ્દ સાધના પરિવાર વતી….

  • jignisha patel says:

   હુ પણ તે તેવુ જ સમજી હતી કે ભુકંપ આયો અને કદાચ ઘર ભુકંપ મા ધ્વસ્ત થઈ ગયુ ઍટ્લે કોશા રડતી હશે. ખુબ સરસ વાર્તા છે.

 26. HARESH PUROHIT says:

  KOSHA NU PATRA SARAS CHE.DHARATIKAMP JANE ANUBHVYU TANE VEDANA KOI NA SAMAJI SAKE. A FAKTA ANUBHAV KARNAR SAMAJI SAKE.

 27. Nilesh Shah says:

  Start and End are truely very good. Heart touching

 28. nitin says:

  ખુબ સરસ્ ક્રુતિ છે.ખરેખર તો આ વધુ સરસ લાગિ.અભિનન્દન્

 29. વાર્તા સહેજ લાંબી,પ્રસંગો સાહજીક હોયને અંત સુધી જકડી રાખે તેવી લાગી. ચીલા ચાલુ વિષયથી અલગ તરી આવતી સુંદર ર્વાર્તા.
  કોશાના હૈયાવલોણા અને મનોવ્યથાના અંતે ” સાપ મરે નહી અને લાક્ડી ભાંગે નહી ” જેવો રસ્તો કાઢતા લેખીકાને હાર્દિક ધન્યવાદ સહિત અભિનંદન,આભીનંદન!!!

 30. krina says:

  ખુબ જ સુન્દર વાર્તા અને વર્ણન્. કેમ આને પ્ર્થમ રેન્ક ના આપ્યો. કેટલાય ના જીવનમા આવુ બનાતુ પણ હશે.

 31. સંવેદનાસભર વાર્તા બદલ વાર્તાકાર ને અભિનંદન અને શુભેચ્છાઓ .
  વધુંમાં મને એ વાતનું ગર્વ છે કે આ વાર્તાનો પહેલો વાચક હું બન્યો ,વર્ષાબેને જ્યારે મને કીધું કે રીડ ગુજરાતી ની વાર્તા સ્પર્ધા માટે નવી વાર્તા લખી છે તું જરા વાંચી લે એટલે હું મોકલી દઉં અને મે વાંચી ત્યારે જ આગાહી કરી હતી કે આ વાર્તા ચોક્ક્સ નંબર લાવશે અને એ વાત આજે સાચી પડી અને એક વાંચક અને એક વિવેચક તરીકે મનમાં ગર્વ લઉં છું આ વાર્તા ચોક્કસ પણે પ્રથમ ક્ર્મને લાયક હતી. તેમ છતાં નિર્ણાયકો નો મત સર આંખો પર ,અને બીજા લેખકો ને પણ અભિનંદન અને શુભેચ્છાઓ

 32. raaz says:

  VERY GOOD STORY ,,APNE POTANA SANTAN NI SAMBHAL RAKHAVI JOIE
  ANE LEDIES E TO KHAS DHYAN RAKHVA JOIE ,,,AND ATLEAST USE CONDOM WILE SEX..

 33. vishakha.R.Pota says:

  વાહ વાહ્.ખુબ સરસ વાર્તા કોશા નિ વિશાલતા દિલ્.હલાવિ ગઇ.પહેલા ઇનામ ને લાયક્.

 34. MIHIR DAVE says:

  A truly wonderful eye opener story. The Character of KOSH is excellent. Our society is facing a problem of NISHITH MENTALITY. The conflict and clash between Nishith mentality and KOsha mentality has been going on and on unstoppably. But ultimately Kosha mentality wins because it strongly believes the best -the following words:

  બેટા, અગર તુમસે કુછ બુરા હુઆ હૈ તો ઈન આંસુઓસે અપને હૃદયકો ધો દેના. પ્રાયશ્ચિત હર પાપ મીટા દેતા હૈ ઔર અગર તુમ્હારે સાથ કિસીને બુરા કીયા હૈ તો ઉસે માફ કર દેના યહી મનુષ્ય હોને કી પહચાન હૈ બેટા…..’

 35. Paresh says:

  ખૂબ સરસ વાર્તા. વર્ષાબેનને અભિનંદન.

 36. bharat chaklashiya says:

  વાર્તા ખુબ સરસ. kharekhar ant sudhi zakdi rakhyo. best sarjan. aa varta ne first prize kem na malyu te na samjayu !!

 37. કુલદીપ કારિયા says:

  વ્હાલા વર્ષાબેન, તમે લખેલી કોશા વર્તા વાંચી. શું કહું? જેટલું કહું એટલું ઓછું છે. તમારા લખાણની પાકટતા અને બળકટતા આંખોને આંજી દે એવી છે. વાર્તાનાયીકા કોશા સુઝબુઝ, તેની સમજણ તેના સંસ્કારને ખરેખર સલામ કરવાનું મન થાય છે. તમે જો ધારત તો આ વાર્તા
  માં કોશા પાસે બળવો કરાવી શકત, જે મોટા ભાગના લેખક કે લેખીકાઓની કહાનીના નારીપાત્રો કરતા હોય છે. બળવો કરવો ગમે છે. આકર્ષ છે. એમાં હીરોઇઝમનો અહેસાસ થાય છે, પરંતુ એમાં સમાધાન નથી. શાંતિ નથી. જીવનની લયબદ્ધતા ખોરવાઈ જાય છે. તમારા વાર્તાનાયીકામાં તમે આ સમજનું સિંચન કર્યું છે એ કાબિલેદાદ છે. પ્રેરણાપાત્ર છે. આ ઉપરાંત નિહારીકા અને કોશા વચ્ચે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું એ સંજોગોમાં બન્ને વચ્ચેના સંબંધો વણસી જાય, બન્ને વચ્ચે ગાળાગાળી થાય, અપશબ્દોની આપ-લે થાય, આજીવન અબોલા થાય એ સહજ છે. કોશા આપઘાત પણ કરી લેત અથવા નિહારીકા શરમનીમારી સૂસાઇડ કરી લેત. આવી પણ શક્યતા હતી, પણ એક વર્તાકાર તરીકે તમે કહાનીને સાવ નોખા નિવારણ પર લઈ જઈને કંન્ક્લુઝનને એક અનોખી ઊંચાઈ આપી છે. નિહારીકાએ કોશાના પતિ સાથે સંબંધ બાંધ્યો હોવા છતાં પણ તમે તેની પવિત્રતા અને નાદાનિયતને આકાશગંગા જેટલી જ સ્વચ્છ રાખી છે. એ બાબત તમારી એક માનવ તરીકેની ઉદારતા અને કરુણા છતી કરે છે. રીમા અને અનોખુ દહેજ બાદ કોશા પણ મને ખૂબ જ ગમતી વાર્તાઓમાં સ્થાન પામી છે. હવે તમારા વાર્તાસંગ્રહની રાહ છે. તમે ભવિષ્યમાં ટીવી સિરિયલ અને ફિલ્મો લખો એવી અપેક્ષા સાથે અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. તમારો કુલભાઈ

 38. વાહ વાહ વર્ષાબેન ….ખુબ ખુબ અભિનંદન… આજના આ સમયની દ્રષ્ટી સાધી તમે જે ભાવ મુક્યા છે આ વાર્તામા તે કાબીલે દાદ છે… ખાસ ઉડીને આખે વળગે તેવી વાત કે તમે કોશાના પાત્રમા ભરપુર સમજદારી ભરી છે.. ડોક્ટર પાસે તે નિહારીકાને પોતાની દીકરી બતાવે છે… અને નિહારીકાતો ઉંમરમાં નાની છે.. તેની ભુલ ક્ષમ્ય ગણી તેની જીંદગીનો વિચાર કરી જે ઉડી સુજબુજ કોશાના પાત્રમા બતાવી છે તે લાખો અભિનંદનને પાત્ર …. ભલે નંબર બીજો મળ્યો… તે નિર્ણાયકોનો નિર્ણય શિરોમાન્ય….પણ અમારા દીલી અભિનંદન

 39. jayshree Shah says:

  વર્ષાબેન ….ખુબ ખુબ અભિનંદન…
  ખુબ સરસ વાર્તા
  કોશાની વિશાળતા ખુબ જ ગમી .પહેલા ઇનામ ને લાયક્.

  જ્યશ્રી શાહ્

 40. varsha says:

  સરસ વાર્તા. અભિનન્દન વર્શાબેન્. સરસ રજુઆત.

 41. Hina says:

  Really nice story! When husband develops relation with someone, no matter she is lady or immature girl it is really difficult to accept it.specially when you have nice son. The way she reacts, shows her maturity is good, but how Nishith can go away with this?

 42. Mona says:

  Its really heart touching…..

 43. Mukund P. Bhatt says:

  Thank you very much Shri Mrugeshbhai. One by one each story is number one.

 44. અતિશય સુંદર વાર્તા. આદિ, મધ્ય,અંત બધું જ સરસ. ટૂંકી વાર્તાના બધા જ માપદંડોમાં વાર્તા ખરી ઉતરે છે. નાયિકા કોષાનું પાત્રાલેખન ઉત્તમ પ્રકારે થયું છે. નિહારિકાના પાત્રને પણ સારો ન્યાય મળ્યો છે. સરખામણીએ નિશીથનો મનોવ્યાપાર દેખાવો જોઈએ એટલો નથી દેખાતો. આમ છતાં પહેલા અને બીજા ક્રમાંકે આવેલી વાર્તાઓ કરતાં વધુ સારી લાગી. હકારાત્મક અંત એક વધારાનું ઉજળું પાસું છે. વર્ષાબેનને અભિનંદન.

 45. એક સ્ત્રી જ સ્ત્રી હ્રદયને સમજી શકે એ વાત તમે સાબિત કરી દીધી, વર્ષાબેન. આખી વાર્તા એક જ શ્વાસે વંચાઈ ગઈ.નિશીથઅને નિહારીકાને જોઈને કોશાએ દર્શાવેલી પ્રતિક્રીયા, ત્યાર પછીનો આક્રોશ, મનોમંથન અને છેવટે નિહારીકાને દીકરી તરીકે ઓળખાવી એક ગંભીર સમસ્યામાંથી ઊગારી લેવાની સમજણ. બધું જ એકદમ સ્વાભાવિક રીતે અને સફળતાપૂર્વક રજુ કરી શક્યા છો તમે. ખુબ ખુબ અભિનંદન.શબ્દ સાધના પરિવારના સભ્ય તરીકે તમને નજીકથી ઓળખતા હોવાનો ગર્વ અનુભવું છું.

  રીડ ગુજરાતી અને મ્રુગેશભાઈને પણ આવી સુંદર વાર્તાને પ્રગટ કરવા માટૅ ખુબ ખુબ અભિનંદન્ -મનહર એમ.મોદી (‘મન’ પાલનપુરી)

 46. Jigisha says:

  ખરેખર, આજ ના જમાનાની ક્ડવી પરતું નક્કર વાસ્તવિક્તા રજુ કરી છે….. એક સાથે બન્ને સ્ત્રીઓની જિન્દગીમાં વંટોળ સર્જનાર પુરુષને અંતે તો કોઇ ફરક નથી પડતો….

 47. mukund says:

  ખુબજ સરસ અદભુત રચના બસ લખત રેહ્શો

 48. ek vaachak says:

  good presentation but hardly any matter at the heart of the story. shu kehva maage che aa vaarta, jo vichaariye to koi chokkas jawaab nathi malto. lagnetar sambandho aaje etla saamanya bani gaya che ke, ema kai navi navaai nu kehva jevu nathi rahyu.

  also, je bewafai kare che e maanas ne uni aanch pan nathi aavti, to pachi aakhi vaarta kehvaano sho matlab? kosha nu paatra vadhu jaandaar banaavi sakaayu hot. bas ek roti kakadti gruhini tarike ene rajoo kari che, protagonist of any story should be portrayed as strong, a fighter, je sanjogo saame jajoome, none of these qualities have been shown belonging to this character.

  sorry mane koi sahanubhooti na jaagi kosha na paatra pratye, atle pasand na aavi vaarta. i dont like to sugarcoat my responses, jevu laage evu kahi devu maaro mantra che, atle khotu na lagaadva vinanti. dhanyavaad.

 49. Laxmi Dobariya says:

  ખુબ સરસ વાર્તા…અભિનન્દન…

 50. sanjay udeshi says:

  ખુબજ સરસ !

 51. jagdish joshi mumbai says:

  ખુબ જ સરસ અખ્રે તો સહન સ્ત્રેી જ કરે જમાનો નથિ બદ્લયો અભિનન્દન્

 52. jagdish joshi mumbai says:

  ખુબ જ ગમિ અભિનન્દન અખ્રે તો સ્ત્ર્ર જ સહન કરે ચ્હે

 53. jitendra acharya says:

  મલ્લિકા એ વાર્તા નુરે સાહિત્ય વર્શા કિ સવારિ આ ગયિ હૈ

 54. Rajesh Hingu says:

  વર્ષાબેનની કલમે લખાયેલી ‘કોશા’ હ્રદયને સ્પર્શી ગઈ. એક આદર્શ અને ઉદાર નારિના દર્શન કરવ્યા. ખુબ ખુબ અભિનન્દન.

 55. mukesh says:

  really inspirational story which can guide how to live in adverse condition…….thanks writer..

  mk

 56. Ilias Shaikh San Francisco CA says:

  Congratulations, one of the best short story in line with modern era. I liked this story very much.

 57. Dinesh Chavda says:

  ખુબ સરસ વાર્તા…અભિનન્દન વર્ષાબેન.
  તમારિ મોલિક્તા ને સલામ !

 58. Amit Patel says:

  ખુબ જ સરસ વર્તા.લેખક ને ખુબ ખુબ અભિનન્દન્

 59. REENA THAKKAR says:

  nice one .

 60. રાજેશ ધોકિયા says:

  ખુબજ સરસ લેખ .. !
  આટલિ વિકટ પરેીસ્થિતિ મા પણ કોશા ની નિર્ણય શક્તિ ને દાદ આપવેી પડે..!

 61. asha.popat Rajkot says:

  ખુબ ખુબ આભિનદન કોશા સ્ટોરી માટે ખરેખર ખૂબ ખુબ અભિનદન સ્ત્રી જ સ્ત્રી ને
  સમજી શકે. આપ સતયુગની સીતાથી જરા પણ ઉણા ઉતરતા નથી તમારી સ્ટોરીનું શબ્દમાં વર્ણન કરવું અશક્ય જ છે. તમારું લેખન એ વિચારોનો આરીસો છે. ખૂબ પ્રગતિ માટે શુભકામના.

 62. Amrutlal Hingrajia says:

  એક સુંદર અને સત્વશિલ વર્તા. વાર્તામાં સતત મેચ્યોરિટિ દેખાય છે. સામાજિક જવાબદારી પણ.
  વર્ષાબેન આભાર.

 63. kavitha says:

  Varshaben,

  Very good story but may I know what happened to Kosha and Nishith afterwards? I am going through the same problem. In my story, I am Kosha. In place of Niharika, there was an American women who was not a teenager. How did Kosha heal her relationship and rebuild trust in Nishith?

 64. shraddha raval says:

  sundar varta. pehla number ne layak

  pan….. chhatA KAIK KHUTE CHHE. NISHITH K JENE EK SATE 2 LOKO NI ZINDGI BARABAD KARI ENE ANTE TO KHUSHI J MALI. ENE SHU FARAK PADYO? NA TO ENE KASHU GUMAVYU NATO KOI AFSOS. NIHARIKA SATHE POTE KETLU KHOTU KARYU CHHE TENO AFSOS SUDDHA NATHI. KOSHO E TENE DIKARA KHATAR MAAF KARYO PAN SHU E KHATRI CHHE K TE AAVU FARI THI NAHI KARE ? FARI KOI NIRDOSH NO LABH NAhi uthave? aa to aava hin loko ne protsaahan aapva jevu nathi lagtu? tene patni , balak ,ijjat badhu j bDHU J MALI GAYU IS IT RIGHT? NOT AGREE WITH THIS.

 65. ચિંતન આચાર્ય says:


  ખુબ સુંદર રજૂઆત. સામાન્ય વાત ને હીરા જડેલા હાર ની ચીવટતા થી રજુ કરી છે.
  ખુબત ચુસ્ત લખાણ તથા એક પછી એક દ્રશ્યો નું વર્ણન. નિશીથ ઉપર ધ્રુણા, નિહારિકા ઉપર દયા અને કોશ ઉપર માન થાય તેવી રજૂઆત.

  લેખિકા બેન ને ખુબ અભિનંદન. લખતા રેહજો.લખતા હશોજ. ખુબ શુભકામનાઓ…

 66. આજના આ જમાનાને અનુરૂપ વાર્તાનું હાર્દ. કોષાની સમજ શક્તિ , નિહારિકાની નાદાનીયત,અને નિશીથની માનવ સહજ બેકાબૂ કામેશ્છા અને અંતમાં ઘીના ઠામમાં ઘી. ઝેર પીને પણ તેનો કોઈજ રંજ ન કરવાની કોષાના સંસ્કારોને દાદ. ખુબજ સુંદર અને મૌલિક પ્રસંગને રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.