ગરમાળો – રમેશ રોશિયા

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા-2012’ માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર યુવાસર્જક શ્રી રમેશભાઈ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે. તેઓ માંડવી તાલુકાના દેવપુર ગામના નિવાસી છે. તેમની પ્રસ્તુત વાર્તા અનેક સંકેતો રૂપે અપરણિત દીકરીના પિતાની વ્યથા વ્યક્ત કરે છે તો સામે છેડે દીકરીની પિતાનો આધાર બનવાની મહત્વાકાંક્ષા રજુ કરે છે. શ્રી રમેશભાઈને તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9429297143 અથવા આ સરનામે rameshroshiya@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]શા[/dc]મજીભાઈ હિંચકાને પગની ઠેસથી ધીમે ધીમે ઝુલાવે છે. હિંચકાને બીજે છેડે શામજીભાઈની પત્ની લીલાવતી બેઠી છે. એના ખોળામાં થાળી છે. થાળીમાં કપાસ છે. એ હંમેશની જેમ દિવેટ બનાવે છે. એ પલાંઠી વાળીને બેઠી છે. જેમ વર્ષોથી બેસે છે. હા, પૂજા પાઠ તો એનો સ્વભાવ છે, પણ હમણાં જરા બે દીવા વધારે કરે છે. એને જાડા ચશ્મા છે. ચશ્માના કાચમાંથી એની મોટી આંખો વધુ મોટી દેખાય છે. એ કંઈ બોલતી નથી. કદાચ શામજીભાઈના બોલવાની વાટ જુએ છે. શામજીભાઈને બોલવું છે પણ શબ્દો ગળા સુધી આવીને અટકી જાય છે. પત્નીના ચહેરા પર નજર માંડે છે અને હટાવી લે છે. એ હિંચકાને ઝુલાવે છે, પણ હિંચકો લયમાં ઝુલતો નથી. શામજીભાઈ પત્નીના મોં સામે જોઈ પછી રસ્તા પરની અવરજવરને તાકી રહે છે.

આમ તો હિંચકો શામજીભાઈની પ્રિય જગ્યા છે, પણ હમણાં હમણાં હિંચકો થાક ઉતારવાને બદલે ગુંચવણની બેઠક બની ગયો છે. હિંચકાના કડાં જૂનાં થઈ ગયાં છે, ઘસાય છે ત્યારે અવાજ કરે છે. આમ તો કડાં પણ કેટલાય વર્ષોથી અવાજ કરતા રહ્યા છે. પણ હવે એ અવાજ શામજીભાઈના કાનમાં કોલાહલ ભરી દે છે.
જેઠ મહીનાનો ઉકળતો દિવસ ઠર્યો છે. હવાની લહેરખીઓ ચાલે છે. પશ્ચિમ દિશાનું આકાશ નારંગી રંગથી રંગાઈ ગયું છે. દિવસની ગરમીથી અકળાઈ ગયેલા લોકો ફરવા નીકળ્યા છે. રસ્તા પર ખાસ્સી અવરજવર છે. સાધન સંપન્ન સુખી લોકોની વસ્તીવાળી સોસાયટીમાં શામજીભાઈનું ઘર છે. ઘરની બાઉન્ડ્રીને અડીને બહાર એમણે ગરમાળો વાવ્યો છે. જતન કરીને ઉછેર્યો છે. અત્યારે ગરમાળો ફૂલોથી લચી પડ્યો છે.

ગરમાળાને પહેલી વાર ફૂલ આવેલાં ત્યારે શામજીભાઈ હરખના માર્યા પત્નીનો હાથ ઝાલી બતાવતાં કહેલું; ‘જોજે બધાં પાદડાં ખરી પડશે, રહેશે કેવળ ફૂલોની સેરો….’ એમની પત્ની લીલાવતી થોડીવાર ગરમાળાના કળીઓને જોઈ રહેતાં કહેલું; – ‘ઉનાળામાં છાંયડો આપે એવું ઝાડ જોઈએ. બરાબર તડકો આવે ત્યારે પાંદડાં ખરી પડે એવાં ઝાડનું શું કરવું ?’ હવે શામજીભાઈને ક્યારેક લાગે છે કે લીલાવતી સાચી હતી. આ ઝાડ ખરા ટાણે જ છાંયડો દેતું નથી. પછી રહી રહીને એ વિચારે છે – આવડા મોટા ઝાડને કપાય તો નહીં જ ! અને હવે બીજું ઝાડ વાવીએ તો થાય પણ ક્યારે ?

હિંચકાની આસપાસ ગરમાળાની પીળીપત્તીઓ વેરાયેલી પડી છે. બપોર પછી આંગણું વળાયું નથી. ત્રણ રૂમ કિચનવાળા શામજીભાઈના ઘરની અંદરથી મોટરવાળા સિલાઈ મશીનનો અવાજ આવે છે. એમનું ધ્યાન વારંવાર એ અવાજ તરફ જાય છે. જાણે એ અવાજ વિશે એમને કંઈક કહેવું છે, પણ કહેતાં અચકાય છે. સામેના મકાનની હારમાં રહેતા વ્યાસભાઈનો ગેઇટ ખુલે છે. વ્યાસભાઈની દીકરી-જમાઈ ફરવા નીકળ્યા છે. વ્યાસભાઈની દીકરીનું સગપણ હમણા જ થયું છે. શહેરમાં સારું ઘર મળી ગયું છે. વ્યાસભાઈનો જમાઈ સરકારી નોકરી કરે છે. અઠવાડિયામાં એક દિવસ તે પોતાની વાગ્દત્તાને મળવા આવે છે. અને સાંજે બેય જણ અચુક ફરવા જાય છે. મોટાભાગે ત્યારે શામજીભાઈ હિંચકે બેઠા હોય છે. શામજીભાઈ સોહામણી જોડીને જોઈ રહે છે. ત્યારે હિંચકાના ઘસાતા કડાં અને ઘરમાંથી આવતો સિલાઈ મશીનનો અવાજ એમને અકળાવી મૂકે છે. પછી શામજીભાઈ હિંચકા પરથી ઉઠવાનું જાણે ભૂલી જાય છે. ઉતાવળે ઉતાવળે હિંચકાને ઠેસ મારે છે. હિંચકો ડગમગે છે.

બરાબર હંમેશ જેવું થયું.
વ્યાસભાઈની દીકરી-જમાઈ પસાર થયા અને શામજીભાઈથી હિંચકાને જોરથી ઠેસ મરાઈ ગઈ. હિંચકો હલબલ્યો. એમની પત્નીએ ખોળામાં રાખેલી થાળી પડતા પડતાં બચી. એમની પત્નીએ જરા ચીડથી કહ્યું: ‘આ શું માંડ્યું છે ? હું હમણાં જ પડી જાત.’ હેં હેં.. કરતા તળે ઉપર થઈ ગયેલા શામજીભાઈ જમીન પર બેય પગ ટેકવી હિંચકો સ્થિર કરે છે. એ જ વખતે અંદરથી આવતો અવાજ બંધ થાય છે. શામજીભાઈ કહે છે: ભેંણ્યાં ચાતરી જવાયું……
આમ તો શામજીભાઈ ક્યારેય કોઈ ચીજમાં ચાતર્યા નથી.
શામજીભાઈ મૂળે કડિયા. ઝાઝું ભણેલા નહીં, પણ એમને કડિયાકામની ખાસી જાણકારી હતી. એ ગામડેથી શહેરમાં આવ્યા ત્યારે ભાડાના મકાનમાં રહેતા હતા. ધીમે ધીમે એમણે પોતાના કસબને વેપારમાં બદલાવ્યો. એમણે નાના મોટા કોન્ટ્રાક્ટ લેવાનું શરુ કર્યું. નસીબ શામજીભાઈની પહેલની જાણે વાટ જોતું હતું. પાંચેક વર્ષમાં જ શામજીભાઈનું નામ મોટા કોન્ટ્રાક્ટરોમાં લેવાતું થયું. શહેરના કડિયા, સુથાર, પ્લમ્બર, મજુર, વેપારીઓ સરકારી સાહેબો શામજીભાઈને ઓળખતા થયાં. લક્ષ્મી શામજીભાઈને સુખે બેસવા દેતી ન હતી. સવાર પડે અને શામજીભાઈ પોતાની એમ.એમ.ફાઈવફોર્ટી જીપ લઈને નીકળી પડે. સાંજે ઘેર આવે ત્યારે અંધારું થઈ ગયું હોય. ઘરના બધા વ્યવહાર એમની પત્ની લીલાવતી સંભાળે. લીલાવતી એકદમ વ્યવહારુ અને સંતોષી સ્ત્રી. છતાંય એને એક અસંતોષ કાયમનો રહી ગયો. જેનો હવે કોઈ ઉપાય ન હતો. જ્યારે સમય હતો ત્યારે લીલાવતીએ શામજીભાઈને કહેલુંય ખરું. પણ, તે વખતે શામજીભાઈને માથું ખંજવાળવાનોય સમય ન હતો. લીલાવતીએ જ્યારે જ્યારે વાત કાઢેલી ત્યારે શામજીભાઈ એ કહી દીધેલું – ‘તું તો સાવ વેવલી છો. હું બેઠો છું પછી તને શી ચિંતા છે ?’

‘પપ્પા, ખીચડી અને દૂધ ચાલશે ને ?’
શામજીભાઈ સામે ઉભેલી બીનાને જોઈ રહે છે. બીના એમની ત્રીજી અને સૌથી નાની દીકરી છે. એ રૂપાળી, ગોરી, પણ જરા કૃશકાય અને જીદ્દી છે.
‘હા બેટા.’
શામજીભાઈ કશું બીજું બોલે તે પહેલા બીના ચાલી જાય છે. શામજીભાઈ માથા પર હાથ ફેરવે છે. એમના વાળ સાવ ધોળા થઈ ગયા છે. શામજીભાઈ ફળફળતો નિશ્વાસ નાખે છે, અને મનોમન બોલે છે. હાંઉ ? પંચાવન વર્ષે જ બધું પૂરું ? ક્યાં ગયો ધંધાનો એ ધમધમાટ સમય ? ક્યારેય ઉની આંચેય ન્હોતી આવી અને હવે આ ડાયાબીટીસ, નસોનું જામ થઈ જવું, આ બધું ક્યાંથી ફૂટી નીકળ્યું ? શરીરમાં ક્યારે પેસી ગયું ? કોઈ વ્યસનેય નથી છતાં આ બધું કેમ થયું ? તેમાંય ડૉક્ટર ચૌધરી ! જુનો ભાઈબંધ એટલે વઢી પણ લે. થોડાં વર્ષો પહેલાં રીતસર વઢ્યો હતો. તેણે ચશ્માંમાંથી ડોળા કાઢતાં કહેલું:
‘શામજી પૈસા જ ભેગા કરવા છે કે જીવવું પણ છે ?’
ત્યારે તો ડૉક્ટર ચૌધરીની વાતને હળવાસથી લેતા કહ્યું હતું :
‘યાર, ચૌધરી હજી બે જોગમાયા બેઠી છે, એની તો તને ખબર છે ને ? એનું ગોઠવાઈ જાય પછી ધંધો બંધ. ત્યાં સુધી તો કરવું પડશે ભાઈ.’
ડોક્ટર ચૌધરીએ હસતાં હસતાં કહેલું : ‘તે જીવતો હોઈશ તો બધું કરીશ ને ! મરી જઈશ તો દેજે ઉપરથી જ આશીર્વાદ તારી દીકરીઓને !’ અને ડૉક્ટર ચૌધરીએ પછી લાલબતી બતાવી દીધી.

તે પછી સાજા થવાની લ્હાયમાં મોટા ભાગનું બધું તણાઈ ગયું. એમા વળી વચલીનાં લગ્ન આવ્યા. હાથ પર લીધેલા કામો ખોટ ખાઈને જેમ તેમ પૂરા કર્યાં. ત્યારે બીના ઓગણીસ વર્ષની હતી. જાણે રીતસરની ઓટ આવી હોય તેમ બધું તણાતું ગયું. માણસોને પણ ધીમે ધીમે ખબર પડવા માંડી કે શામજીથી હવે ધંધો થાય તેમ નથી. કોઈકે તો વળી હવા ફેલાવી કે શામજીને કેન્સર છે. બસ, આઠેક વર્ષમાં સાવ વીંટો વળી ગયો. ધંધાનો સંકેલો જ થઈ ગયો. મકાનને પડખે ખુલી જગ્યામાં પડેલાં પાટિયાં અને સાધનોને જોઈ શામજીભાઈને લીલાવતીનો અસંતોષ યાદ આવી જતો. એમને થતું કે લીલા સાચી હતી. તેમાંય આ બીના શી ખબર કેવા નસીબ લઈને આવી છે.

‘પછી પેલી વાતનું શું થયું ? આજે ત્યાં જવાના હતા ને….’ લીલાવતીએ અચાનક પૂછ્યું.
શામજીભાઈ ચોંકી જાય છે. ઘડીભર કાંઈ સમજાયું ન હોય તેમ લીલાવતી સામું જોઈ રહે છે. પછી ખમીસ ઊંચું કરી ગંજીના ખીસ્સાંમાં રાખેલો એક કાગળ કાઢે છે. એ કાગળ જોઈને એમને કેટલુંય યાદ આવી જાય છે. એ કાગળ એમણે કેટલીય જગ્યાએ ફેરવ્યો છે. જાણે એ કાગળ જ અપશુકનિયાળ હોય તેમ દરેક જગ્યાએથી પાછો ફર્યો છે. શામજીભાઈ કારણ વગર ચોવડી ગડી વાળેલો એ કાગળ ખોલે છે. એ કાગળ પર દોરેલી આડી ઊભી ત્રાંસી લીટીઓમાં એક ગેબી વિશ્વ છુપાયેલું છે. ચોકઠામાં લખેલા અક્ષરો શામજીભાઈને ડરાવે છે. એ લીલાવતીને ડરતાં ડરતાં કહે છે :
‘એ લોકોએ કહ્યું, તમારી છોકરી સારી છે પણ, કુંડલી મળતી નથી…’ એ જ વખતે બીના બહાર આવે છે. તેણે ન્હાઈને પેન્ટ-શર્ટ પહેર્યાં છે. પેન્ટ-શર્ટમાં અદ્દલ છોકરા જેવી લાગતી બીનાને શામજીભાઈને જોવી ગમે છે. અચાનક બીના શામજીભાઈના હાથમાં રહેલો કાગળ ઝુંટવી લેતા કઢંગુ હસે છે. થોડીવાર હસતી રહે છે. પછી કહે છે :
‘પપ્પા ક્યાં સુધી તમે બહાર મારા સ્વમાનનું લીલામ કરતા રહેશો ? શું જરુર છે મારે અહીંથી જવાની ? તમે શું એમ સમજો છો કે મા-બાપને સાચવવાની ફરજ ફક્ત દીકરાઓની જ હોય છે ? લ્યો તમને આજથી આ પીડામાંથી મુકત કરું છું. તમે હવેથી ક્યાંય નહીં જાઓ. હું પણ ક્યાંય નહીં જાઉ.’ એમ કહીને તેણે હાથમાં રહેલો કાગળ ફાડીને ઝીણાં ટુકડા હવામાં ઉડાડી દીધા.
લીલાવતીએ ધીમેથી કહ્યું : ‘બીના આ શું કર્યું. જન્માક્ષર ફાડી નાખવા અપશુકન કહેવાય બેટા.’
બીનાએ બેય હાથ ઉપર કરતાં આળસ મરડી. પછી તેણે કહ્યું :
‘પપ્પા આ કડાં બહુ અવાજ કરે છે નહી ? ઊભા રહો હમણા જ અવાજ બંધ કરી દઉં.’ તે દોડીને કોપરેલ તેલની બોટલ લઈ આવી અને હિંચકા પર ચડી બેય કડાંમાં તેલ ઊંજી નાખ્યું. કડાંનો કર્કશ અવાજ બંધ થઈ ગયો. શામજીભાઈ થોડીવાર બીનાને જોઈ રહે છે. પછી અચાનક ઊભા થઈ બેય હાથ બીનાના ખભા પર મૂકે છે. ત્યારે જ ગરમાળો પીળી પત્તીઓ ખેરવે છે.

Leave a Reply to Bhushan Thaker રણમાં લીલોછમ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “ગરમાળો – રમેશ રોશિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.