જીવન રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ

[ મોરારિબાપુની 300 ઉપરાંત રામકથાઓ તેમજ પ્રવચનોમાંથી પ્રેરણાત્મક વિચારોના સંચયનાં પાંચ પુસ્તકોની શ્રેણી પૈકીના એક ‘જીવન રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાંથી અહીં કેટલાક અંશો સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી યોગેશભાઈ ચોલેરાએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘વન્ડરલેન્ડ પબ્લિકેશન’ (રાજકોટ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તૈતરિયારણ્યકમાં એક કથા છે. એક માણસ ધરતી પર હતો. તેણે આકાશમાં જોયું તો ઘણાં બધા તારા ઝગમગતા હતા. તેણે વિચાર્યું કે ધરતી પર તો કશું છે નહીં. ઉપર ખૂબ છે. ઉપરથી પ્રકાશ આવે છે. ત્યાં જ પહોંચી જાઉં. કહે છે કે તે માણસ પહાડ પર ચડી ગયો અને તારા તો એટલા જ ઊંચા રહ્યા. એક પણ હાથમાં ન આવ્યો. તે થાકી ગયો અને પછી તેણે નીચે જોયું તો તેને સમુદ્ર દેખાયો. નીચે તો સમુદ્ર રત્નાકર છે. ત્યાં તો ખૂબ રત્નો મળશે તેથી તે નીચે આવી ગયો.

તો કહે છે કે તે ફરી નીચે ઊતર્યો અને સમુદ્ર પાસે ગયો. સમુદ્રમાં રત્ન તો મળ્યાં, પણ પાણી મીઠું ન મળ્યું. થાકી ગયો તે. ફરી તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું ? છેવટે તે ધરતી પર આવ્યો. ધરતી પર ચાલતાં ચાલતાં કેરીનું વૃક્ષ આવ્યું. ત્યાં કૂવો હતો. તેણે જળ પીધું તો કૂવાએ મીઠું જળ આપ્યું. કેરી ખાધી તો ફળ પણ મીઠાં હતાં. પછી તેણે વૃક્ષની છાયામાં આરામ કર્યો. છેવટે તેણે નિર્ણય લીધો કે ઉપર ન જુઓ. નીચેનું ન વિચારો. જ્યાં છો, ત્યાં જ સુખનાં ફળ ખાઈ લો.

[2] એક ચિત્રકારને શ્રદ્ધાનું ચિત્ર દોરવું હતું. તેને થયું કે શ્રદ્ધાનું ચિત્ર બનાવીએ. ચિત્રકાર બહુ ફર્યો દુનિયામાં શ્રદ્ધાને શોધવા પણ, શ્રદ્ધા એ કોઈ ઘનપદાર્થ તો નથી કે તમે એને ચિત્રિત કરી શકો ! એ તો ભાવજગતનું તત્વ છે. એને કેમ ચિત્રિત કરો ? એને પછી એમ થયું કે છોડો આ તો નહીં થાય. એણે વિષય બદલ્યો બદલ્યોકે શ્રદ્ધાનું નહીં હવે સેવાનું ચિત્ર દોરીએ પરંતુ સેવા પણ એક વૃત્તિ છે. મૂળમાં તો સેવાભાવ. ઘણા માણસો ભલે હાથથી સેવા ન કરી શકતા હોય પણ એનામાં સેવાની વૃત્તિ હોય. એ વળી પાછો એક વરસ સેવાને શોધવા ફર્યો, પણ સેવા કોઈ વ્યક્તિ તો નથી. કંઈ મેળ ન પડ્યો એટલે સેવાનું ચિત્ર બનાવવાનું પણ માંડી વાળ્યું. ફરી એને એમ થયું કે વાત્સલ્યનું ચિત્ર બનાવીએ. વાત્સલ્ય પણ એક ભાવ છે ! એ ચિત્ર પણ ન બની શક્યું. પછી કંટાળીને તે પોતાના ઘર તરફ પાછો ફરે છે. ઘરે પહોંચ્યો ત્યાં છોકરાઓ દોડ્યા. એમની આંખમાં પિતા તરફથી એને શ્રદ્ધા જોવા મળી. પત્ની દોડી આવી…. જેમાં પુરુષે સેવા જોઈ ! અને માએ હાથ ઊંચો કર્યો અને પૂછ્યું કે આવી ગયો ? એમાં એણે વાત્સલ્ય જોયું ! પછી ચિત્રકારે નક્કી કર્યું કે, જુદાં જુદાં ચિત્ર કરવા કરતાં નાનકડું એક ઘર ચીતરું તો એમાં બધું જ આવી જાય.

[3] એક નાટક કંપની હતી. તેમાં એક અભિનેતા સંન્યાસી બન્યો હતો. અદ્દભુત સંન્યાસી, દંડી સ્વામી બન્યો ! અને તે દિવસે ખુદ સમ્રાટ નાટક જોવા આવ્યો. નાટક કંપની મશહુર હતી. આ અભિનેતાએ સંન્યાસીના પાત્રમાં પોતાની અદાથી, દેખાવથી, બધી રીતે સંન્યાસીનો અભિનય ઉત્તમ કર્યો. અભિનય જોઈ સમ્રાટ એટલો પ્રસન્ન થઈ ગયો કે પોતાનાં ઘરેણાં લઈ સ્ટેજ પર ચઢી ગયો. આ જોઈ નાટક અટકી ગયું. સમ્રાટે કહ્યું : ‘સ્વામીજી, આપનો દેખાવ, આપનું રૂપ જોઈ હું ખૂબ ખુશ થઈ ગયો છું. લ્યો, આ સોનું લ્યો.’ સંન્યાસીનું પાત્ર ભજવનાર પાંચસો રૂપિયાનો પગારદાર અદાકાર હતો. પણ તેણે કહ્યું :
‘ના, હું આ ન લઈ શકું, કારણ કે હું સંન્યાસી છું. આમ ભલે હું રંગભૂમિનો છું, પણ છું સંન્યાસી. એટલે હું ન લઈ શકું. હું સ્વામી છું અને તું સમ્રાટ છો.’
સમ્રાટે કહ્યું : ‘અરે, હું તો અહોભાવથી આપું છું.’

પછીની વાર્તા છે કે રંગભૂમિ પર જે સંન્યાસી હતો તેણે સમ્રાટ પાસેથી સોનું લેવાની ના પાડી દીધી. સમ્રાટ પણ તેની વાત સમજી ગયો અને તેણે તે અદાકારની ખૂબ પ્રશંસા કરી. નાટક કંપનીના મૅનેજરે તેમને બીજા દિવસે નાટક જોવા આવવાનું નિમંત્રણ આપ્યું કે અમે કાલે પણ સુંદર નાટક પ્રસ્તુત કરવાના છીએ. કૃપા કરી આપ આવજો. સમ્રાટે આમંત્રણનો સ્વીકાર કર્યો. બીજા દિવસે પણ સુંદર નાટક રજૂ થતું હતું. સમ્રાટ ત્યાં હાજર હતા. નાટક ચાલુ હતું. કાલના નાટકમાં જે સંન્યાસી બન્યો હતો, તે આજે ભિક્ષુક હતો. નાટકમાં ભીખ માગતો હતો. ખૂબ સુંદર રીતે નાટક ચાલતું હતું. પણ આજે સમ્રાટને ઊભા થવું ન પડ્યું. આજ તે ભિખારી પાત્ર જ રંગમંચ પરથી નીચે ઊતરી આવ્યો અને સમ્રાટ પાસે ભીખ માગવા લાગ્યો.
સમ્રાટે તેને જોઈને જ કહ્યું, ‘તું ?’
તે બોલ્યો : ‘હા, કાલ સંન્યાસી હતો એટલે સોનું લઈને મારા પાત્રને બદનામ કરી નહોતો શકતો. આજ હું ભિખારી છું, તેથી આજ ભીખ લેવાથી મારું પાત્ર બદનામ નહીં થાય. ઊલટું આપ પાસેથી ભીખ મળવાથી મારા પાત્રનો મહિમા વધશે.’

મારાં ભાઈ-બહેનો, આ રીતે સંસારની રંગભૂમિમાં કોઈ ક્રોધનું પાત્ર નિભાવી લે છે. કોઈ જીદનું પાત્ર ભજવે છે. ત્યારે તમે થોડો સમય ધૈર્ય ધારણ કરી લો, કારણકે તે તીવ્રતમ વૃત્તિઓ છે.

[4] એક બહુ મોટો મેળો ભરાયો હતો. એક નાનકડું બાળક એની મા સાથે મેળામાં ગયું. બાળક વારંવાર એની માતાને રમકડાં લઈ આપવા જીદ કરતું હતું. મા ગરીબ હતી, તે બાળકને કંઈ પણ ખરીદી દઈ શકે તેમ નહોતી, એટલે બહાના બતાવતી હતી કે આ વસ્તુ તો ખોટી હોય, આમાં બધું ખોટું દેખાતું હોય. એની પાસે પૈસા નહોતા. હૃદયમાં ઘણી ઈચ્છા હતી કે બાળકને હું રમકડું ખરીદી આપું, પણ સામર્થ્ય નહોતું. એ મા અને બાળકની પાછળ એક શ્રીમંત મેળો જોવા આવેલો. એ સતત જુએ છે કે આ બાળકને કંઈ ખરીદવું છે. શ્રીમંતને બાળક નહોતું, કોઈ સંતાન નહોતું એટલે એને બાળક તરફ ખૂબ લાગણી થઈ કે આ બાળકને હું કંઈ લઈ આપું. પણ એને થયું કે આ સ્ત્રી યુવાન છે, એકલી છે, હું એના બાળક તરફ આ લાગણી બતાવું તો કદાચ થશે કે મારા બાળક ઉપર આટલી બધી લાગણી શાની ? કોઈ ખોટો ઈરાદો છે એવો અર્થ કદાચ કરે, એટલે પુરુષ બિચારો મનમાં ને મનમાં ભાવને રોકી રહ્યો છે. અચાનક મેળામાં કંઈ ધક્કામુક્કી થઈ અને બાળક છુટ્ટું પડી ગયું. એની માતા છૂટી પડી ગઈ.

બાળક રડવા લાગ્યું. સંતાનવિહોણા શ્રીમંત પુરુષને બાળકને રમાડવાનો, એને પ્રેમ કરવાનો યોગ મળી ગયો. એણે બાળકનો હાથ પકડીને કહ્યું, ‘બેટા, તારે આ રમકડાં જોઈએ છે ? લાવ, હું તને બધું ખરીદી આપું. તું રમકડાં માટે રડતો હતો, તો ચાલ હવે તું કહે એટલાં રમકડાં લઈ આપું.’ બાળકે રડતાં રડતાં જ જવાબ આપ્યો, ‘હવે મારે રમકડાં નથી જોઈતાં, હવે મારે મારી મા જોઈએ છે.’ મેળાનાં રમકડાં ત્યાં સુધી જ સારાં લાગે, જ્યાં સુધી માનું અનુસંધાન રહે. જ્યારે માનો હાથ છૂટે ત્યારે આખો મેળો બગડી જાય છે. સંસારના ભોગો તો જ સુખદ રહેશે જો મા એટલે કે પરમાત્માનું અનુસંધાન રહેશે. કામ તો જ ફળદાયી બનશે જો રામનું અનુસંધાન રહેશે.

[5] બુદ્ધ કાળમાં આશ્રમમાં ત્રણ શિષ્યો છે – નંદ, સુનંદ અને સમ્યક નામના. બાર વર્ષ પછી તેમનું શિક્ષણ પૂરું થયું. દીક્ષાંત સમારોહ થયો. શિષ્યોએ કહ્યું, ‘બાબા, આપને લાગે કે અમારી શિક્ષા પૂર્ણ થઈ છે તો અમે સંસારમાં પાછા ફરીએ. ગુરુએ કહ્યું, ‘હા બેટાઓ, જાવ. હું તમારા વિકાસથી ખુશ છું.’ રાતે બધાએ સામાન બાંધી લીધો.

ગુરુથી વિયોગ થવાનો છે. ગુરુએ ત્રણેના જવાના માર્ગ પર કાંટા પાથરી દીધા. એક પગ રાખવાની પણ જગ્યા ન રાખી. નંદે ચાલવાની શરૂઆત કરી તો તેણે કાંટા જોયા, પણ તેને આમ તેમ કરી ચાલ્યો ગયો. બીજો સુનંદ તેને કૂદી ગયો. ત્રીજો જે સમ્યક હતો, તેણે પોતાનો સામાન રાખી દીધો અને વિચાર્યું કે હું તો કૂદી જઈશ, પણ બીજા આવનારાઓને આ કાંટા જખમી કરશે. એટલે તેણે કાંટા ઉપાડીને રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો. ભલે થોડો મોડો ઘેર પહોંચું. ગુરુ આ બધું જોતા હતા. તેમણે નંદ અને સુનંદને બૂમ મારી કે તમે બન્ને પાછા વળી આવો. ગુરુએ તેમને કહ્યું કે, તમને ઘેર જવામાં હજી એક વર્ષ લાગશે. આ મારી આખરી પરીક્ષા હતી. સારું લાગ્યું કે તું સાવધાનીથી ગયો અને સુનંદ કૂદીને ગયો. પણ જો, સમ્યક શું કરે છે ? તેને ઘેર જવાની જરા પણ ઉતાવળ નથી. તે બીજાઓ માટે રસ્તો સાફ કરે છે. નંદ અને સુનંદની આંખોમાં પાણી આવી ગયાં. બાબા, અમે ચૂકી ગયા. ગુરુ સમ્યકને ગળે લગાવે છે અને કહે છે, જા, અમારી ત્રણેની તને શુભેચ્છા છે. સેવા એ ધર્મ છે જે કોઈના માર્ગમાં બાધા ન બને. કોઈથી સંઘર્ષ ન કરે. કોઈને જખમી ન કરે.

[6] એક વાર ભગવાન મહાવીર એક વનમાં વિહાર કરતા હતા. એક માણસ ખેતરમાં હળ ચલાવી કશુંક કામ કરતો હતો. તેના સાથે ભિક્ષાની વાત થઈ તો ખેડૂતે ટોણો માર્યો કે, કંઈ કામધંધો કરતા નથી અને ભિખારી જેમ માગો છો. સમાજ માટે બોજ બનો છો. થોડું કામ કરો. ખેતી વગેરે કરો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, તું એકલો જ ખેતી કરે છે એવું નથી. હું પણ ખેતી કરું છું. ખેડૂતે કહ્યું, તમે ખેતી કરો છો ? ક્યાં છે તમારા હળ કે બળદ ? ક્યાં છે તમારી જમીન ? ક્યાં બી વાવો છો ? ક્યાં પાણીથી સીંચાઈ કરો છો ? કઈ ફસલ પાકે છે ? પછી એ ફસલનું શું કરો છો ? મહાવીરે જવાબ આપ્યો, હું અંતઃકરણરૂપી ખેતરને સંભાળું છું. મારા અંતઃકરણમાં રોજ હળ ચલાવું છું. ખેડૂતે કહ્યું, ચાલો માની લીધું કે અંતઃકરણ ખેતર છે. તેને તમે સંભાળો છો. તો હળ શું છે ? મહાવીરે ખૂબ જ સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું વિવેક મારું હળ છે. વિવેકથી જ હું મારા અંતઃકરણરૂપી ખેતી કરું છું. સંસારમાં, બાહ્ય જગતમાં પણ વિવેકની ખૂબ જરૂર છે. ભીતર જવા માટે તો વિવેક વિના ચાલે જ નહીં. અને તે મળે છે – બિનુ સત્સંગ વિવેક ન હોઈ. એટલે સત્સંગ તો જોઈએ જ.

ભગવાન મહાવીરે કહ્યું કે હું અંતઃકરણરૂપી ખેતરમાં વિવેકનું હળ ચલાવું છું. સંયમ અને વૈરાગ્ય મારા બે બળદ છે. ખેડૂતે પૂછ્યું, બીજ કયા વાવો છો ? મહાવીરે કહ્યું, પ્રેમ, કરુણા અને અહિંસાનાં બીજ વાવું છું. સિંચાઈમાં કયા પાણીનો ઉપયોગ કરો છો ? તે ખેતરમાં વરસાદ થાય છે ? તેમણે જવાબ આપ્યો, ક્યારેક આપણા જીવનમાં ભૂલ થઈ ગઈ હોય કે કોઈ સાથે દ્રોહ થઈ ગયો હોય, તે બધાને યાદ કરી પ્રાયશ્ચિતનાં જે આંસુ પડે છે, તે જળથી હું ખેતી કરું છું. પસ્તાવાનું જે પાણી પડે છે તેનો હું સ્વીકાર કરું છું. ખેડૂતે આગળ પૂછ્યું, ફસલ કઈ પાકે છે ? મહાવીરે જવાબ આપ્યો, શાંતિ, વિશ્રામ, આનંદ – આ બધાં તેની ફસલ છે.

[કુલ પાન : 190. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : Wonderland Publications, 401/બી, સર્વોત્તમ કૉમ્પ્લેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-360001. ફોન. +91 98980 32623. ઈ-મેઈલ : info@wonderlandbooks.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “જીવન રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.