લેહ-લડાખનો પ્રવાસ – પ્રવીણ શાહ

[ નિત્યપ્રવાસી એવા શ્રી પ્રવીણભાઈએ આપણને તેમના અનેક પ્રવાસવર્ણનો દ્વારા જુદાં-જુદાં સ્થળોનું દર્શન કરાવ્યું છે. તાજેતરમાં તેમણે કરેલા લેહ-લડાખના પ્રવાસનો આ વિસ્તૃત લેખ હિમાલયની રોમાંચક સફર પર લઈ જાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

[dc]લે[/dc]હ-લડાખ વિષે ઘણું વાંચ્યું હતું, સાંભળ્યું હતું એટલે હિમાલયમાં આવેલા આ પ્રદેશનું સૌન્દર્ય જોવા માણવાની મનમાં બહુ જ તાલાવેલી હતી. આથી, અનુકૂળ તક મળતાં જ અમે આ પ્રવાસ ગોઠવી કાઢ્યો. એક ટ્રાવેલ કંપની જોડે બુકીંગ કરાવી લીધુ. અમે કુલ આઠ જણ હતાં. પ્રોગ્રામ શ્રીનગરથી શરૂ થતો હતો. શ્રીનગરથી લેહ જવાનું, ત્યાં આજુબાજુ ફરવાનું અને છેલ્લે લેહ એરપોર્ટ પર તેઓ અમને છોડી દે એવો પ્રોગ્રામ હતો. તેઓએ અમારા માટે દસ સીટની ટ્રાવેલર ટેમ્પો ગાડી ફાળવી હતી. બુકીંગમાં ફરવા ઉપરાંત, હોટેલોમાં રહેવા-જમવાનો પણ સમાવેશ થતો હતો. હિમાલયના ઊંડે ઊંડે આવેલા પહાડોમાં વાંકાચૂકા અને ઊંચાનીચા રસ્તા, ખીણો, ઉછળતી-કૂદતી નદીઓ, ઊંચાઈને લીધે પાતળી હવા, સખત ઠંડી – મન આ બધી બાબતોની કલ્પનાઓમાં રાચતુ હતું. દિલમાં આ બધુ માણવાનો રોમાંચ પ્રગટતો હતો.

અમારે અમૃતસર તથા જમ્મુ-શિવખોડી પણ જોવાં હતાં, એટલે જતાં વડોદરાથી અમૃતસર તથા પાછા વળતાં જમ્મુથી અમદાવાદનું રેલ્વે રીઝર્વેશન કરાવી લીધું. લેહથી જમ્મુની વિમાનટીકીટ કરાવી લીધી અને નિર્ધારિત સમયે અમે નીકળી પડ્યા. ૨૭ કલાકની ટ્રેન મુસાફરી બાદ, સવારે અમૃતસર પહોંચ્યા. રસ્તામાં ચંબલ નદી જોઈ અને ચંબલના ડાકુઓ યાદ આવી ગયા. અમૃતસરમાં જલિયાંવાલા બાગ, સુવર્ણમંદિર, ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી સરહદ વગેરે જોવાનું હતું.

એક હોટલમાં નાહીધોઇ પરવારી, સૌ પ્રથમ ગયા દુર્ગન્યા માતાનું મંદિર જોવા. વચમાં એક જગ્યાએ ચાર રસ્તા પર એક મોટી ટેન્ક જોઈ. પૂછતાં ખબર પડી કે એ ભારત-પાક યુધ્ધ દરમ્યાન, ભારતે પાકિસ્તાન પાસેથી જીતેલી અમેરિકન બનાવટની પેટન ટેન્ક હતી ! ૧૯૬૫ અને ૧૯૭૦માં થયેલાં ભારત-પાક યુધ્ધોની યાદ તાજી થઇ. તે વખતે સૈનિકો, ઓફિસરો અને લશ્કરી શસ્ત્રોની થયેલી ખુવારીથી મન થોડું ખિન્ન થઇ ગયું. એમ થાય કે બે દેશોએ યુધ્ધ શા માટે કરવુ જોઈએ ? યુધ્ધ પાછળ કરોડો, અબજો રૂપિયા બગાડવાને બદલે, દેશની ઉન્નતિ પાછળ જો એ રૂપિયા ખર્ચાય તો દેશ અને પ્રજા કેટલાં સમૃધ્ધ બને !

દુર્ગન્યા મંદિર ઘણું વિશાળ છે. આજુબાજુ નાનું સરોવર છે. સ્થળ નયનરમ્ય છે. સંકુલમાં આવેલાં બધાં મંદિરોમાં દર્શન કરી, અમે ગયા જલિયાંવાલા બાગ તરફ. બાગમાં પ્રવેશતાં જ અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ માનસપટ પર તાદ્રશ થયો. ૧૩મી એપ્રિલ ૧૯૧૯ના એ ગોઝારા દિવસે આ જગ્યાએ બ્રિટીશ રાજ સામે અહિંસક ચળવળ ઉપાડવા માટે હજારો ભારતીયો એકઠા થયા હતાં, ભાષણો ચાલતાં હતાં અને એકાએક જ, વિખેરાઈ જવાની કોઈ સૂચના આપ્યા સિવાય જ, જનરલ ડાયર નામના પોલિસ અફસરે લોકો પર ફાયરીંગ શરુ કરી દીધું. લોકોમાં નાસભાગ મચી ગઈ. જનરલના પોલીસોએ અંધાધૂધ છોડેલી કુલ ૧૬૫૦ ગોળીઓથી આશરે ૩૦૦ લોકો સ્થળ પર જ મરી ગયા. કેટલાયે ઘાયલ થયા. કેટલાક લોકો જીવ બચાવવા બાજુના કૂવામાં કૂદી પડ્યા. આજે અહીં ભીંત પર ગોળીઓનાં નિશાન અને શહીદી કૂવો જોવા મળે છે. એક ખાંભી ઉભી કરી છે તથા અંગ્રેજોની આ નિર્દયતા દર્શાવતુ પ્રદર્શન અને તે ઘટનાનું દસ્તાવેજી ચલચિત્ર જોવા મળે છે. આપણા વીર નાગરિકોએ વહોરેલી શહીદીને યાદ કરતા દુઃખી હૃદયે અમે બહાર આવ્યા.

અહીંથી અમે સુવર્ણમંદિર જોવા ગયાં. શહેરની મધ્યમાં આવેલુ શીખોનું આ મુખ્ય ધાર્મિક સ્થળ છે અને દેશવિદેશમાં જાણીતુ છે. તેને ‘હરમિંદર સાહેબ’ પણ કહે છે. અહીં એક વિશાળ ચોરસ સરોવર છે, અને તેની બરાબર વચમાં આ મંદિર છે. મંદિરનો બહારનો ઘણો ભાગ સોનાથી મઢેલો છે. જાણે કે સોનાનું જ મકાન હોય એવું લાગે ! સરોવરની ચારે બાજુ રસ્તો છે. એમાં એક બાજુના રસ્તાએથી વચ્ચેના મંદિર તરફ જવાય છે. મંદિરમાં શીખોના ધર્મગ્રંથ ‘ગ્રંથસાહેબ’ ની પૂજા કરવામાં આવે છે. ત્રણ કીર્તનકારો સળંગ કીર્તન કર્યા કરે છે. દર્શને આવતાં શીખ લોકો ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી ગ્રંથની પૂજા કરે છે. અમને પણ દર્શન કરવાનો આનંદ આવ્યો. શ્રીમતિ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે ભીંડરાનવાલે નામના આતંકવાદી સામેનું ઓપરેશન આ સુવર્ણમંદિરમાં જ થયું હતું. સરોવરનું પાણી એકદમ ચોખ્ખું છે. ગંદકી ક્યાંય નથી. અહીં સરોવરમાં નહાવાનો મહિમા છે. નજીકમાં જ લંગર છે. અહીં આવતા દરેક દર્શનાર્થીને લંગરમાં મફત જમવાની વ્યવસ્થા છે. અમે પણ જમી લીધું. એક બાબત ખાસ જોઈ કે વૃધ્ધો અને ચાલવાની તકલીફવાળાને સુવર્ણમંદિરથી પાર્કીંગ સુધીનું ૧ કી.મી.નું અંતર જવા-આવવા માટે બેટરીથી ચાલતી ગાડીની વ્યવસ્થા છે, મફત.

બપોરે થોડો આરામ કરી, ભારત-પાકની સરહદ જોવા નીકળ્યાં. આ સરહદ, અમૃતસરથી ૨૮ કી.મી. દૂર છે. છેક સુધી પાકો રોડ છે. આમ તો આ રોડ, પાકિસ્તાનમાં છેક લાહોર સુધી જાય છે. પરંતુ પાક વીઝા વગર સરહદ ઓળંગાય નહિ. સરહદ આગળ ભારત બાજુ અટારી ગામ આવેલું છે અને પાક બાજુ વાઘા ગામ આવેલું છે. એટલે આ સરહદને ‘અટારી’ કે ‘વાઘા બોર્ડર’ કહે છે. સરહદ આગળ રોડ પર જ મોટો મજબૂત ગેટ બનાવેલો છે. ગેટ પર ‘ભારત’ અને ‘પાકિસ્તાન’ લખેલું છે. બંને દેશોના ધ્વજ લહેરાય છે. સાંજે સાડા છ વાગે (સૂર્યાસ્ત વખતે) અહીં ગેટ ખૂલે છે, બંને દેશોના સૈનિકોની પરેડ થાય છે અને પછી ધ્વજ ઉતારી લઇ, ગેટ બંધ કરવામાં આવે છે. આ ઘટના જોવા માટે હજારો લોકો આવે છે. લોકોને બેસવા માટે મોટું સ્ટેડિયમ બનાવેલું છે. પરેડ શરુ થતાં પહેલાં વાગતાં દેશભક્તિનાં ગીતો લોકોને વતન માટે જોશ જગાડી દે છે. અમે આ બધુ જોયું, સાંભળ્યું, ખૂબ જ ગમ્યું. દેશ માટે અહોભાવ ઉત્પન્ન થયો. મનમાં એક એવો વિચાર આવી ગયો કે અંગ્રેજોએ જો ભારતના ભાગલા પાડ્યા ન હોત તો આ સરહદો, લશ્કર, યુધ્ધો કંઇ જ ન થાત અને અખંડ ભારત દેશે કેટલી બધી પ્રગતિ કરી હોત ! અમૃતસરથી લક્ઝરી બસમાં અમે પઠાણકોટ અને જમ્મુ થઈને શ્રીનગર પહોંચ્યા. અમૃતસરથી શ્રીનગરનું અંતર આશરે ૫૦૦ કી.મી. છે. અહીંથી હવે અમારો પેલો બુકીંગવાળો પ્રોગ્રામ શરુ થતો હતો.

શ્રીનગર જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલું છે. અહીં પ્રિપેઇડ મોબાઈલ ચાલતા નથી. BSNLનો પોસ્ટ પેઈડ મોબાઈલ જ ચાલી શકે. સલામતીની દ્રષ્ટિએ આ નિયમ બનાવાયો છે. જો કે STD, ISDનાં બૂથ ઠેકઠેકાણે જોવા મળે છે, એટલે તકલીફ પડતી નથી. શ્રીનગરમાં અમે અમને ફાળવેલી દસ સીટની ગાડીમાં ગોઠવાઈ ગયાં. પ્રથમ તો અહીં ડાલ સરોવર અને શાલીમાર ગાર્ડન જોયા. ડાલ સરોવરની શોભા અનેરી છે. ફુવારા, શિકારા, વૃક્ષો, બગીચાઓ- આ બધું કાશ્મીરને પૃથ્વી પરના સ્વર્ગની કલ્પનાને તાદ્રશ કરે છે. કેટલીયે ફિલ્મોનું શુટીંગ અહીં થયેલું છે. પછી અમે હજરતબાલ જોવા ગયાં. અહીં મહમદ પેગંબર સાહેબની દાઢીનો વાળ એક સુરક્ષિત પેટીમાં સાચવી રાખેલો છે. શ્રીનગરમાં આ ઉપરાંત નિશાંત ગાર્ડન, તુલીપ ગાર્ડન, ગુલમર્ગ વગેરે જોવાલાયક છે. શ્રીનગરથી અમારે લેહ જવાનું હતું. આ અંતર ૪૩૧ કી.મી. છે. આખો રસ્તો હિમાલયના પહાડોમાં થઈને પસાર થાય છે. રસ્તામાં આવતાં સ્થળો જોતાં જોતાં જવાનું હતું.

શ્રીનગરથી ૯૦ કી.મી. કાપીને અમે સોનમર્ગ પહોંચ્યા. આ રસ્તો સિંધ (સિંધુ નહિ) નામની નદીને કિનારે કિનારે પસાર થાય છે. ઉછળતી, કૂદતી અને પાણીનો જોરદાર પ્રવાહ ધરાવતી આ નદી જોવાની મઝા આવી ગઈ. ગગનગેર નામની એક જગાએ ગાડીમાંથી ઉતરી નદીના કિનારે બેસીને નદીના સૌન્દર્યને માણ્યા કર્યું. નદીમાં ઉતરવામાં જોખમ ના હોત તો તેમાં ઉતરીને પલળવાનો લ્હાવો જરૂર લીધો હોત. ચારે બાજુ પહાડો જ હતા. સોનમર્ગ આવતા પહેલાં ‘થાજવાસ’ નામનો ગ્લેશિયર દૂરથી જોયો. પહાડની ટોચ નજીક જામેલી બરફની વિશાળ પાટને ગ્લેશિયર કહે છે. આ બરફ પીગળે તો તેમાંથી નદી નીકળે. સામાન્ય રીતે ગ્લેશિયરનો બરફ પીગળે પછી, નવો બરફ જામતો પણ જાય. આખે રસ્તે સફરજન અને અખરોટનાં ઝાડ હતાં. સોનમર્ગમાં ઊંચાઈ પર આવેલી એક હોટલમાં અમારો રાતવાસો હતો. ખાણીપીણી પણ ત્યાં જ. વાતાવરણમાં ગુલાબી ઠંડક હતી. સવારે સોનમર્ગથી આગળ ચાલ્યા લેહ તરફ. ૧૨ કી.મી. પછી બાલતાલ આવ્યું. અહીંથી અમરનાથ જવાનો રસ્તો પડે છે. અહીંથી અમરનાથ માત્ર ૧૬ કી.મી. દૂર છે. અમરનાથમાં ગુફામાં બરફનું શિવલીંગ બને છે. આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે અમરનાથ યાત્રા યોજાતી હોય છે અને દેશવિદેશના હજારો લોકો અહીં બરફાની બાબાના દર્શને આવતા હોય છે. પણ અફસોસ ! કે અમે અમારું પેકેજ છોડીને અત્યારે અમરનાથ જઈ શકીએ એમ ન હતા. તળાવે ગયા તો પણ તરસ્યા ! હશે, જેવી શિવજીની ઈચ્છા. પેલી સિંધ નદી અમરનાથ બાજુ વળી જતી હતી. અમારી ગાડી આગળ ચાલી. ‘જોજી લા’ પસાર થયો. રસ્તો બહુ જ ખરાબ. રીપેરીંગ ચાલતુ હતુ. સામાન્ય રીતે પહાડોમાં, ખીણમાં વહેતી નદીને કિનારે કિનારે પહાડ કોતરીને રસ્તો બનાવ્યો હોય. પણ અહીં બાલતાલથી આગળ ખીણ હતી નહિ એટલે કોઈ એક પહાડ પર ચડીને બીજી બાજુ ઉતરીને આગળ વધાય એવો રસ્તો બનાવવો પડે. આવું ચડાણ ચડીને ટોપ પર પહોંચીએ, એને ‘લા’ (અથવા ‘પાસ’, pass) કહે છે. ‘જોજી લા’ આવો એક પાસ છે. ‘જોજી લા’ ટોપની ઉંચાઈ ૧૧૫૦૦ ફૂટ છે.

અમે લેહ તરફ જઈ રહ્યાં હતાં. લેહ તરફનો અને લેહની આજુબાજુનો બધો વિસ્તાર લડાખ તરીકે ઓળખાય છે. લડાખ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જ એક ભાગ છે, આપણા ગુજરાતમાં જેમ સૌરાષ્ટ્ર છે એ રીતે. ‘જોજી લા’થી આગળ દ્રાસ થઈને અમે કારગિલ પહોંચ્યા. રાત્રિમુકામ કારગિલમાં. સોનમર્ગથી કારગિલ ૧૨૦ કી.મી. દૂર. કારગિલ મોટું શહેર છે. ભારત-પાક વચ્ચે કારગિલ યુધ્ધ, દ્રાસથી કારગિલના વિસ્તારમાં થયું હતું. સામાન્ય રીતે શિયાળામાં બરફ પડે ત્યારે અહીંની લશ્કરી ચોકીઓમાંથી સૈનિકો ચોકીઓ ખાલી કરીને જતાં રહે છે. આવા ૧૯૯૯ના શિયાળામાં, ઉત્તર તરફની ટેકરીઓને પેલે પારથી પાક લશ્કરે ટેકરીઓ ઓળંગી આ બાજુ આવી, આપણી ચોકીઓ કબજે કરી લીધી. તેમને હટાવવા જે યુધ્ધ થયું તે જ કારગિલ યુધ્ધ. આપણે પાક લશ્કરને હટાવ્યું તો ખરું, પણ ઘણા ઓફિસરો અને જવાનોનો ભોગ લેવાયો. તેમના માનમાં દ્રાસ અને કારગીલ વચ્ચે, એક જગાએ કારગિલ વોર મેમોરીયલ બનાવ્યું છે. અહીંથી યુધ્ધવાળી જગાઓ ટાયગર હીલ, રાઈનો હીલ, તોલોલીંગ – આ બધી ટેકરીઓ નજીકથી દેખાય છે. વોર મેમોરીયલમાં મૂકેલા શસ્ત્રોના નમૂના, શહીદોનાં ચિત્રો, એ બધું જોઈને દેશના વીર જવાનો માટે મસ્તક ઝૂકી ગયું. આપણી જિંદગી સુખચેનમાં વીતે તે માટે આ જવાનો દિવસરાત, ગરમીઠંડી જોયા વગર ખડે પગે સરહદોની રક્ષા કરે છે. કારગિલ વોર મેમોરીયલ આવતાં પહેલાં, બીજું એક ‘પાન્ડરાસ વોર’ મેમોરીયલ પણ છે. ‘જોજી લા’ પછી, અમે ખીણની ધારે ધારે શિંગો નદીના કિનારે હતા. કારગિલ આગળ શિંગોને, સુરુ નામની નદી મળે છે અને પછી તે પાકિસ્તાનમાં ચાલી જાય છે. સુરુમાં પુષ્કળ પાણી હતું. નદીઓ અને સંગમ જોવાની મજા આવી ગઈ. રસ્તામાં નદીઝરણાંને ઓળંગવા નાના નાના પૂલ તો આવ્યા જ કરે. લોખંડના આવા પૂલને ‘બેઈલી બ્રીજ’ કહે છે. અમારો રસ્તો ભારત-પાક સરહદથી બહુ દૂર ન હતો. કારગિલ આગળ તો પાક લશ્કરે ફેંકેલા ગોળા આ રસ્તા પર જ પડતા હતા. એટલે તે વખતે રસ્તાની બાજુમાં લાં…..બી દિવાલ ચણી લીધેલી. કારગીલથી ભારત-પાક સરહદ જોવા જઈ શકાય છે. અહીંથી બતાલિક જવાનો રસ્તો પડે છે. બતાલિકમાં પણ યુધ્ધ થયું હતું.

બીજે દિવસે કારગિલથી પ્રવાસ આગળ ચાલ્યો લેહ તરફ. પર્વતો અને ખીણોમાંથી પસાર થતો સાંકડો રસ્તો, સામું વાહન આવે ત્યારે ખૂબ સાચવવાનું, જો પડ્યા તો ગયા જ સમજો. રસ્તાની બંને બાજુ પહાડો, રંગબેરંગી ખડકો – આ બધું જોઇ હિમાલય કેવો વિશાળ અને ભવ્ય છે એવી કલ્પનાઓ આવી જતી હતી. લડાખ વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે. ઝાડપાન અને વનસ્પતિ ખાસ નથી એટલે આ પહાડો ખુલ્લા દેખાય. માનવવસ્તી પણ ઓછી, એટલે બધું નીરવ અને નિર્જન લાગે. આમ છતાં, આ શાંતિયે ગમી જાય એવી છે. બુધ્ધ ભગવાન અને એમના શિષ્યો આ વિસ્તારમાં ઘણું વિચર્યા હશે, એટલે અહીંના મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અહીં ઘણાં ગામોમાં બુધ્ધ મંદિરો (monastery,મોનાસ્ટ્રી, Gompa, ગોમ્પા) આવેલાં છે. કારગિલથી ૩૮ કી.મી. પછી મલબેક ગામ આવ્યું. અહીં ૯ મીટર ઊંચુ, પથ્થરોમાં કોતરેલું બુધ્ધ ભગવાનનું પૂતળું (statue) જોવા જેવું છે. તે મૈત્રેયાના નામે જાણીતું છે. તે સાતમી સદીમાં બનેલું છે. સ્ટેચ્યુ આગળ મોટું પ્રાર્થનાચક્ર (Prey wheel) છે. તે ફેરવીને ભગવાનનું નામ લેવાનું. દરેક બુધ્ધ મંદિરમાં ‘પ્રે વ્હીલ’ હોય જ છે. મલબેક પછી ‘નમકી લા’ નામનો પાસ આવ્યો. તેની ઉંચાઈ ૧૨૨૦૦ ફૂટ છે. ત્યાર પછી ‘ફોટુ લા’ પાસ આવ્યો. ઊંચાઈ ૧૩૫૦૦ ફૂટ. બંને પાસ આગળ ગાડીમાંથી ઉતરી આજુબાજુ ફર્યા. પવન પુષ્કળ હતો. ‘ફોટુ લા’ શ્રીનગર-લેહ રોડ પરનું ઊંચામાં ઊંચુ પોઈન્ટ છે. રસ્તા પરના આ ઊંચા પોઈન્ટોનો નઝારો જોઇ મનમાં, આટલી બધી ઊંચાઈ પર આવ્યાનો આનંદ થયો. આવી જગાએ પહોંચવાનો રોમાંચ અનુભવ્યો.

‘ફોટુ લા’ પછી લામાયુરુ ગામ આવ્યું. અહીંનું બુધ્ધ મંદિર ઘણું જ ગમ્યું. ત્યાર બાદ ‘ચંદ્રજમીન’ (Moon land, મૂન લેન્ડ) નામની એક જગા આવી. અહીંની જમીન, ચંદ્ર પરની જમીન જેવી છે, એટલે એને ‘મૂન લેન્ડ’ કહે છે. પછીનો રસ્તો પહાડોની બે સીધી કરાડો વચ્ચેથી પસાર થાય છે. બાજુની ખીણમાં નદી તો ખરી જ. આ જોવા જેવો માર્ગ છે. પછી ખલીત્સે ગામ આગળ તિબેટ(ચીનના કબજાવાળું) બાજુથી આવતી ભવ્ય સિંધુ નદીનાં દર્શન થયાં. સિંધુ જોઈને ખૂબ આનંદ થયો. પછી આ નદી પાકિસ્તાનમાં જતી રહે છે. નદીઓને દેશના સીમાડા નથી નડતા. અહીં નજીકમાં આવેલ તમીસગામમાં અમારે તંબૂમાં રાત રહેવાનું હતું. કારગિલથી તમીસગામનું અંતર આશરે ૧૨૫ કી.મી. આજે દિવસ દરમ્યાન રસ્તામાં કેટલું બધું જોયું ! તમીસગામમાં હોટેલના રૂમમાં રહેવાની સગવડ હતી, તો પણ અમે તંબૂમાં રહેવાનું પસંદ કર્યું. બધી જ સગવડ ધરાવતા તંબૂ, બાજુમાં ખળખળ વહેતું ઝરણું, તંબૂઓ આગળ સફરજન, જરદાલુ અને અખરોટનાં ઝાડ, સ્વેટર પહેરવું પડે એવી ઠંડક, આજુબાજુ ગાઢ જંગલ – અમને આઠે જણને અહીં રહેવાની મજા આવી ગઈ. જાણે કે કોઈ સ્વર્ગીય જગાએ આવી ગયા હોઈએ એવું લાગ્યું. ક્યાં અમદાવાદનું ધમાલિયું જીવન અને ક્યાં હિમાલયના તમીસગામનો આ તંબૂ ! વાંચકોને પણ આ વાંચીને, અહીં આવવાનું મન થઇ જશે ! હોટેલમાં લડાખી રસોડું જોયું. ઘણું જ સરસ હતું. તમીસગામમાં ઊંચી ટેકરી પર એક પુરાણો મહેલ પણ છે. બીજે દિવસે તમીસગામથી સિંધુના કિનારે કિનારે લેહ તરફ ચાલ્યા. આજે સાંજે તો લેહ પહોંચી જવાના હતા. તમીસગામથી લેહનું અંતર ૧૦૦ કી.મી. છે. પહેલાં તો આલચી ગામ આવ્યું. ત્યાં પુરાણું બુધ્ધ મંદિર જોવા ગયા. ભારતનું આ બહુ જ જાણીતું મંદિર છે. અહીં બુદ્ધની વિશાળ પ્રતિમા તથા દિવાલો પર બુધ્ધચરિત્રનાં ચિત્રો છે. સેંકડો વર્ષ જૂનાં આ ચિત્રોના રંગ આજે પણ એવા ને એવા જ છે ! આલચીથી આગળ જતાં લકીર ગામમાં ટેકરી પર આવેલા મંદિરની ઉપર બુધ્ધ ભગવાનની બહુ જ મોટી મૂર્તિ છે. સુવર્ણ રંગની આ મૂર્તિ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીંથી આગળ જતાં સિંધુ અને ઝંસ્કાર નદીનો સંગમ જોયો. વિશાળ પટ ધરાવતી સિંધુ નદી આગળ, ઝંસ્કાર નદી, કેડે બાળક તેડ્યું હોય એવી લાગે. અહીં સિંધુનું પાણી માથે ચડાવ્યું, તેમાં પગ બોળીને બેઠા. સિંધુનાં આટલાં સરસ દર્શન બીજે ક્યાં થવાનાં હતાં ?

એ પછી ‘મેગ્નેટિક હીલ’ નામની એક જગા આવી. કહે છે કે અહીં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે. આથી અહીં ચાલતાં, દોડતાં કે ટેકરી ચડતાં થાક લાગતો નથી. અમે એક-બે બાઈકવાળાને ટેકરીનો ઢાળ પણ સડસડાટ ચઢી જતા જોયા. પૃથ્વી પરની આવી અદભૂત જગા જોયાનો રોમાંચ હજુ યે તાજો છે. આપણા ગુજરાતમાં તુલસીશ્યામ પાસે આવી એક જગા છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ પ્રકારનું છે. એટલે કે રોડ પર ઢોળેલુ પાણી ઢાળ પર નીચે જવાને બદલે ઢાળની ઉપર તરફ ચડે ! અહીંથી આગળ, શીખ લોકોનું ‘પથ્થર સાહેબ’ નામનું ગુરુદ્વારા આવ્યું. આશરે ચારસો વર્ષ પહેલાંની વાત છે. ગુરુ નાનક અહીં બેઠા હતાં ત્યારે એક દુષ્ટ માણસે તેમને મારી નાખવા માટે પહાડની ટોચ પરથી એક મોટો પથ્થર ગબડાવ્યો. પથ્થર ગુરુજીને પીઠમાં અથડાતાં જ તે મીણનો બની ગયો. ગુરુજીને વાગ્યું નહિ અને પથ્થરમાં ગુરુજીના શરીરના આકારનો ગોબો પડી ગયો. લોકો આ પથ્થરનાં દર્શન કરવા અહીં આવે છે. ખુલ્લા રણ જેવા વિસ્તારમાં ઊભું કરેલું એકલું અટુલું આ મંદિર રણમાં વિસામા સમાન છે. બુંદીનો પ્રસાદ ખાઈને, બે ઘડી બેસવાનું મન થાય એવી સરસ આ જગ્યા છે.

છેવટે અમે લેહ પહોંચ્યા. સિંધુ નદી અમારી સાથે સાથે હતી. લેહમાં પ્રવેશતાં જ ‘હોલ ઓફ ફેઈમ’ જોયો. અહીં ભારત-પાક અને ચીનના યુધ્ધને લગતી તસ્વીરો અને આપણા જવાનોના પરાક્રમોને લગતું પ્રદર્શન છે. લેહ મોટું શહેર છે. અહીં મોટું લશ્કરી થાણું છે. લેહમાં એરપોર્ટ પણ છે. અમારે હવે લેહમાં મુકામ રાખીને આજુબાજુ ફરવાનું હતું. દરિયાની સપાટીથી લેહની ઊંચાઈ ૧૧૫૦૦ ફૂટ છે. લેહ ઊંચાઈ પર હોવાથી, અહીં ઠંડક રહે છે. હવા પણ પાતળી એટલે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. થોડુંક ચાલવામાં હાંફી જવાય. એટલે અહીંના વાતાવરણથી ટેવાવા માટે લેહમાં એક દિવસ આરામ કરવાનો હોય છે. પછી જ આજુબાજુ ફરવા જવાનું રખાય. વળી, અમે જે નુબ્રા વેલી બાજુ ફરવા જવાના હતા ત્યાં રસ્તામાં ૧૮૩૮૦ ફૂટની ઊંચાઈવાળુ ‘ખારડુંગ લા’ નામનું સ્થળ આવવાનું હતું. એટલે પાતળી હવાથી ટેવાવું જરૂરી હતું. (દુનિયામાં ઊંચામાં ઊંચુ સ્થળ હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ છે, તેની ઊંચાઈ ૨૯૦૦૦ ફૂટ છે.) બીજા દિવસે નીકળ્યા ‘નુબ્રા વેલી’ જવા. નુબ્રા વેલી થઈને હંડર ગામ સુધી જવાનું હતું. લેહથી હંડરનું અંતર ૧૨૮ કી.મી. લેહથી જ ચડાણ શરુ થતું હતું. ‘ખારડુંગ લા’ ઓળંગવાનો હતો. પહાડની ધારે વળાંકો લેતો રસ્તો વધુ ને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરતો જતો હતો. હવે તો અમે આજુબાજુના પહાડોની ટોચ પર દેખાતાં બરફનાં સ્તરોના લેવલે આવી ગયા હતાં. ‘ખારડુંગ લા’ ટોપને ‘કે-ટોપ’ (K-Top)પણ કહે છે. લેહથી ૪૦ કી.મી.નું અંતર કાપીને છેવટે અમે ‘ખારડુંગ લા’ ટોપ પર આવી ગયા ! અહીં હવા ઘણી જ પાતળી હોય એટલે અમે લેહથી ઓક્સિજનના બાટલા સાથે લઈને જ આવ્યા હતા. ઘણા લોકો લેહમાં ડોક્ટર પાસે પોતાના લોહીમાં રહેલા ઓક્સિજન લેવલને પણ ચેક કરાવી લેતા હોય છે. અમને સૂચનો મળ્યાં હતાં કે પાણી વધુ પીતા રહેવું, ગોળચણા ખાતા રહેવું, કે-ટોપ પર ગાડીમાંથી નીચે ના ઉતરવું, કે-ટોપ પર પંદરેક મિનિટથી વધુ ના રોકાવું અને છતાં ય તકલીફ લાગે તો ઓક્સિજનના બાટલાનો ઉપયોગ કરવો અને ઊંચાઈએથી નીચે આવી જવું. અમે પાણી, ગોળચણા તો લીધા જ અને ગરમ કપડાં ચડાવીને કે-ટોપ પર ગાડીમાંથી નીચે ય ઉતર્યા. ૧૮૩૮૦ ફૂટની ઊંચાઈનો ખુલ્લામાં અનુભવ કર્યો. અહીં તો જાણે કે આકાશમાં ઊંચે આવી ગયા હોઈએ એવું લાગતું હતું. કેમ કે આજુબાજુના પહાડોની ટોચના લેવલે અમે હતા. અહીં અમે ઘણા બધા ફોટા પડ્યા. દુનિયામાં ક્યાંય આટલી ઊંચાઈએ મોટર જઈ શકે એવો રોડ નથી. એટલે તો આ રોડને ‘World’s highest motorable road’ કહે છે. અહીં એનું બોર્ડ મારેલું છે. થોડું આજુબાજુ ફર્યા. આટલી ઊંચાઈએ ફરવાનો એક અદ્દભુત આનંદ મનમાં હતો. આ અનુભવ કાયમ માટે યાદ રહેશે. વીસેક મિનિટ અહીંની તાજગીનો અનુભવ કરી પાછા અમારી ગાડીમાં ગોઠવાયા. ઈશ્વરની કૃપાથી અમને કોઈને ય ઓક્સિજનના બાટલાનો ઉપયોગ કરવાની જરૂર ના પડી. બાટલા ગાડીમાં જ પડી રહ્યા. અહીં અમારી જેમ બીજા થોડા ટુરિસ્ટો પણ હતાં.

‘કે-ટોપ’ ઓળંગ્યા પછી તો ઉતરાણ હતું. રોડની બંને બાજુ બરફ જ બરફ જામેલો હતો. ક્યાંક ભેખડો ધસીને રોડને બ્લોક કરી દેતી હતી. પણ બરફ ખસેડવાનાં મશીનો રોડ પર હતાં જ, જે પંદરવીસ મિનિટમાં રસ્તો સાફ કરી દે. આવું બે જગાએ અનુભવ્યું. થોડી વારમાં નોર્થ પુલ્લુ ગામ આવ્યું. અહીંથી નુબ્રા વેલી શરુ થતી હતી. રસ્તાની બાજુમાં વિશાળ પહોળી ખીણ અને તેમાં વહેતું ઝરણું એ જ નુબ્રા વેલી. થોડું ગયા પછી ‘શ્યોક’ નામની નદી, રસ્તાની સમાંતરે આવી ગઈ. આ નદી ઘણી પહોળી હતી, તેમાં પાણી પણ ઘણું હતું. કોઇક કોઇક ગામ પસાર થતાં હતાં. ડિસ્કીટ ગામ પછી તરત જ હંડર ગામ આવ્યું. હંડર નજીક આવતાં જ રેતીના રણ જેવો વિસ્તાર દેખાવા લાગ્યો. હંડરમાં અમારે તંબૂમાં રાત રહેવાનું હતું. તંબૂમાં જરા તાજામાજા થઇ, પેલા રણ વિસ્તારમાં પાછા પહોંચ્યા. અહીં બે ખૂંધવાળાં ઊંટ હોય છે. તેના પર સવારી કરી. પેલી શ્યોક નદીનો એક નાનો ફાંટો આ બાજુ આવે છે, તેમાં વહેતા પાણીમાં ઉભા રહેવાની, ચાલવાની મજા માણી. રેતીના ઢગલા પર બેઠા. રણ અને નદી એક જગાએ સાથે હોય, પર્વતોમાં નિ:શબ્દ શાંતિ હોય – એવી આ જગા ગમી ગઈ. અહીં વસ્તી ખાસ નથી. પ્રવાસીઓ માટે નાની હોટેલો અને તંબૂઓ, બસ એટલું જ. જો કે પ્રવાસીઓ ઘણા આવતા હોય છે. વિદેશીઓ પણ ઘણા. હોટલો સસ્તી નથી. બીજે દિવસે પાછા વળ્યા. ડિસ્કીટમાં બુધ્ધ મોનાસ્ટ્રી જોયું. સામાન્ય રીતે બુધ્ધ મંદિરો ઊંચા ટેકરા પર જ બંધાતાં હોય એવું લાગ્યું. અહીં પણ પેલા લકીરની જેમ બુદ્ધની ખૂબ ખૂબ મોટી મૂર્તિ મંદિર પર બિરાજમાન છે. ૨૦૦ ફૂટની મૂર્તિ આગળ ૬ ફૂટનો મનુષ્ય કેટલો વામણો લાગે ! બુધ્ધ ભગવાનનું આધ્યાત્મિક સ્તર પણ એવું જ ઊંચુ છે. મંદિરની નજીક ટેકરીઓ પર લામાઓ માટે ખાસ પ્રકારનાં રહેઠાણો તો બધે હોય જ. જો કે આ બધુ નિર્જન લાગ્યું. પાછા એ જ રસ્તે, એ જ ‘કે-ટોપ’ પર થઈને લેહ પાછા. આ વખતે પણ ‘કે-ટોપ’ પર ખાસ્સું ફર્યાં.

બીજે દિવસે લેહમાં સાઇટ સીન જોવાનો પ્રોગ્રામ હતો. પ્રથમ ગયા લેહથી ૪૫ કી.મી. દૂર ‘હેમીસ મોનાસ્ટ્રી’ જોવા. આ સિંધુના કિનારાની નજીક પહાડો વચ્ચે તેરમી સદીમાં બનાવાયેલું મંદિર છે. ઘણું સરસ છે. જોવા જેવું છે. જોડે જ મ્યુઝીયમ છે. એ પણ સારું છે. એક ટેકરી પર બુદ્ધનું પૂતળું તો ખરું જ. અહીં પ્રવાસીઓ ઘણા હતાં. રાજકોટ બાજુના થોડા ગુજરાતીઓ પણ મળી ગયાં. લેહમાં બાઈકો તથા નાનીમોટી ટુરિસ્ટ ગાડીઓ ભાડે મળતી હોય છે. ઘણા લોકો સીધા લેહ આવી, ભાડાના બાઈક કે ગાડીમાં આજુબાજુ ફરી લેતા હોય છે. ઘણા તો ખાલી પહાડોમાં ઘુમવા અને બાઈકીંગનો આનંદ માણવા આવતા હોય છે. આવા બાઈકર્સ અમને ઘણી જગાએ મળ્યા. અરે ! સાઈકલ પર પણ પર્વતોના ઢાળ ચડતા સાહસિકો અમે જોયા ! એડવેન્ચર, આજની યુવા પેઢીને આવા સાહસનુ ઘેલું લાગ્યુ છે. પણ એ સારી બાબત છે. ‘હેમીસ મોનાસ્ટ્રી’થી લેહ તરફ પાછા આવતાં રસ્તામાં ‘થીક્સે મોનાસ્ટ્રી’ અને લેહનો ‘શેય પેલેસ’ આવે છે. થીક્સેમાં પણ ઊંચાઈ પર બુધ્ધમંદિર. થાકી જવાય એવું ચડાણ છે. મ્યુઝીયમ પણ છે. ‘શેય પેલેસ’ એ જૂના જમાનાના રાજાનો ભાગ્યોતૂટ્યો પેલેસ છે. બીજો એક સ્ટોક પેલેસ જોવા ગયા. ઠીક છે. લેહનો આ બધો વારસો છે. પાછા લેહમાં પ્રવેશતાં, તૂટેલાં મકાનોવાળો એક વિસ્તાર જોયો. પૂછતાં ખબર પડી કે ૨૦૧૦ માં લેહમાં આભ ફાટ્યું ત્યારે આ મકાનો તૂટી ગયાં હતાં અને કેટલાયે લોકો મરી ગયા હતા. વરસાદનાં પાણી એક માળ સુધી ભરાઈ ગયાં હતાં. હૃદયે ગ્લાનિ અનુભવી કે આભ ફાટે ત્યારે આવું પણ બની શકે છે. પછી લેહમાં આવેલો શાંતિ સ્તૂપ જોવા ગયાં. એ પણ ઊંચાઈ પર જ હતો. સ્તૂપનું બાંધકામ સરસ છે. ત્યાં બુદ્ધનું મંદિર તો હતું જ. બુધ્ધ ભગવાન અહીંથી શાંતિનો સંદેશો દુનિયાને પાઠવે છે. અમે પણ અહીં શાંતિ અનુભવી. છેલ્લે લેહનાં બજારો જોઇ હોટેલ પર વિશ્રામ.

બીજે દિવસે પેન્ગોન્ગ સરોવર જોવા જવાનુ હતુ. લેહથી ૧૫૦ કી.મી. દૂર અને તિબેટમાંની ચીનની સરહદ તરફ. સવારે નીકળી પડ્યા. આજે જન્માષ્ટમી હતી. રાત્રે અમે પેન્ગોન્ગમાં હોવાના. ત્યાં કૃષ્ણમંદિર ક્યાંથી લાવીએ ? એટલે આજે નીકળતાં જ લેહમાં હરેકૃષ્ણ મંદિર શોધી કાઢ્યું. ત્યાં બધાને યાદ કરીને દર્શન કર્યાં અને ચાલ્યા આગળ. પેલી હેમીસ મોનાસ્ટ્રીવાળા રસ્તે જ જવાનું હતું. કુરુ ગામ આગળ રસ્તાના બે ફાંટા પડે છે, એક હેમીસ તરફ અને બીજો પેન્ગોન્ગ તરફ. એટલામાં ખબર પડી કે બુધ્ધ ધર્મના વડા દલાઈ લામા અત્યારે પેન્ગોન્ગથી લેહ આવી રહ્યા છે. લોકો તેમનાં દર્શન કરવા ઠેર ઠેર રસ્તાની બંને બાજુ ગોઠવાઈ ગયાં હતાં. અમે પણ એક જગાએ ગાડી ઊભી રાખી રસ્તાની એક બાજુએ ગોઠવાઈ ગયાં. દલાઈ લામાનાં દર્શનની તક જિંદગીમાં ક્યારે મળવાની હતી ? અહીં તો અનાયાસે જ આ લ્હાવો મળતો હતો. થોડી વારમાં જ પાયલોટ ગાડીઓના રસાલા સાથે દલાઈ લામાની ગાડી પસાર થઇ. દલાઈ લામાને એકદમ નજીકથી જોયા અને અપાર ધન્યતા અનુભવી. આજે જન્માષ્ટમીના દિવસે શ્રી દલાઈ લામાનાં દર્શન ! કેવો યોગાનુયોગ ! તેમનામાં એવું કંઇક તત્વ છે કે તેમના પર નજર પડતાં જ તે આપણને આકર્ષે છે. ફોટો પાડવાનુંય વિસરાઈ ગયું. કદાચ દોડતી ગાડીએ ફોટો પડ્યો પણ ન હોત પણ મગજમાં તેમની સ્પષ્ટ તસ્વીર ઝીલાઈ ગઈ છે. અમે અહીં બધે ફરી રહ્યા છીએ, ત્યાં સર્વત્ર બુધ્ધમય વાતાવરણ જોવા મળ્યું છે. પેલો હેમીસવાળો ફાંટો મનાલી તરફ જાય છે. એટલે કે મનાલીથી પણ લેહ આવવાનો રસ્તો છે.

કુરુ ગામથી આગળ ચાલ્યાં. હવે સિંધુનો સાથ છૂટી ગયો હતો. નુબ્રા વેલીના ‘ખારડુંગ લા’ પાસની જેમ, અહીં પેન્ગોન્ગના રસ્તે ‘ચાંગ લા’ પાસ આવે છે. તેની ઊંચાઈ ૧૭૬૦૦ ફૂટ છે. ‘ખારડુંગ લા’ કરતાં સહેજ જ ઓછી. પણ હવે અમે ઊંચાઈથી ક્યાં ડરીએ એમ હતા ? મોટર જઈ શકે એવો દુનિયાનો આ ત્રીજા નંબરનો પાસ છે. (world’s third highest motorable road) અહીં પણ અમે ઉતરીને પંદરવીસ મિનિટ ફર્યાં. ફરીથી ઊંચાઈનો અનુભવ કર્યો. આગળ ડરબક, તાન્ગત્સે, મુગલેબ જેવાં સાવ ઓછી વસ્તીવાળાં ગામ પસાર થયાં. રસ્તામાં ‘Keep changthang clean’ ‘BRO(Border Road Organisation)’ ‘Himank’ એવાં બોર્ડ આવતાં હતાં. એક જગાએ ખૂબ મોટું બોર્ડ હતું, ‘Think clean’ તેનો સંદેશો મને સ્પર્શી ગયો. એક જગાએ એક મોટા તંબૂ આગળ બે જણ, બે યાક લઈને ઉભા હતા. તેઓ અહીંથી પસાર થતા ટુરિસ્ટોને યાક સવારી કરાવતા હતા, અલબત્ત ૫૦ રૂપિયા લઈને. એકાંત વાતાવરણમાં આવું બધું જુદું જુદું લાગતુ હતું, કેમ કે આપણે બધા તો માણસો વચ્ચે રહેવા ટેવાયેલા છીએ ને ? અહીં હિમાલયમાં ખૂબ ઊંડે ઊંડે પહોંચી ગયાં હોઈએ એવું લાગતું હતું. પહાડોની ટોચે બરફ તો બધે જ દેખાતો હતો. ક્યાંક નદીઓ આવતી, પણ બધી નદીઓનાં નામ તો જાણવા ના મળ્યાં. કુરુથી ૪૩ કી.મી. પછી ‘ચાંગ લા’ અને ત્યાંથી ૭૨ કી.મી. પછી ‘લુકુન્ગ’ આવ્યું. બસ, અહીંથી જ પેન્ગોન્ગ સરોવર શરુ થાય છે. દિલ્હીથી આ જગા ૧૨૦૦ કી.મી. દૂર છે. પેન્ગોન્ગ સરોવર ૧૩૦ કી.મી. લાંબુ છે અને આશરે ચારપાંચ કી.મી. પહોળુ છે. આવી જગાએ આટલુ લાંબુ સરોવર બને એ જ નવાઇ લાગે છે. સરોવરને કિનારે ક્યાંક ક્યાંક છૂટાછવાયા તંબૂ, નાની હોટલો, રેસ્ટોરન્ટ એવું બધું છે. એ સિવાય ભાગ્યે જ કોઈ સ્થાનિક વસ્તી. કિનારે કિનારે પાંચેક કિલોમીટર જેટલુ ગયા પછી અમારી હોટલ અને તંબૂ આવ્યાં. તંબૂનો અનુભવ અગાઉ બે વાર કર્યો હતો. એટલે અહીં અમે રૂમોમાં રહેવાનું પસંદ કર્યું. રૂમમાં થોડા ફ્રેશ થઈને નીકળ્યા સરોવર તરફ.

પેન્ગોન્ગની ઉંચાઈ ૧૪૫૦૦ ફૂટ છે. (માનસરોવર અને કૈલાસ પરિક્રમાના માર્ગની ઉંચાઈ ૧૫૦૦૦ ફૂટ છે, એટલે કે લગભગ પેન્ગોન્ગ જેટલી જ.) ઊંચાઈને લીધે અહીં ઠંડી લાગે છે. સરોવરના કિનારે થોડું ચાલ્યાં. પથ્થરો પર બેસી ફોટા ખેંચ્યા. સરોવરનું પાણી ચોખ્ખું, પારદર્શક નીતર્યા કાચ જેવું છે. પાણીમાં ઊતરી ભગવાનને અર્ધ્ય આપ્યો. સરોવર બહુ જ સુંદર છે. સામે બરફીલા પહાડો, નીરવ શાંતિ, શાંત પાણી – ઋષિમુનિઓને કદાચ આવું એકાંત વધુ પસંદ પડતું હશે. સરોવરની આશરે ૪૦ કી.મી.ની લંબાઈ પછી તિબેટમાં ચીનની સરહદ શરુ થાય છે. એટલે સરોવરનો મોટો ભાગ તો ચીનના કબજામાં છે. સરોવરને કિનારે દસેક કિલોમીટર જેટલું ગયા પછી આગળ જવા દેતા નથી. પછીનો વિસ્તાર તો લશ્કરી તાબામાં છે. ચીને તિબેટ પચાવી પાડ્યું ના હોત તો દલાઈ લામા ત્યાં લ્હાસામાં રહેતા હોત અને ભારતીયો સહેલાઈથી આખા પેન્ગોન્ગ લેકની સહેલગાહે જઈ શકતા હોત ! એ જ તિબેટમાંથી પેલી સિંધુ નદી ભારતમાં આવે છે. આ પેન્ગોન્ગ લેકના કિનારે, અમારા ઉતારાથી થોડે દૂર ‘થ્રી ઇડીયટસ’ ફિલ્મના થોડા ભાગનું શુટીંગ થયું હતું. બીજે દિવસે અમે પેન્ગોન્ગ છોડ્યું. પેલી શુટીંગવાળી જગાએ થઈને પાછા વળ્યા અને ‘ચાંગ લા’ પાસ થઈને મૂળ રસ્તે લેહ પાછા આવ્યા. હવે અમારો લેહનો પ્રોગ્રામ પૂરો થયો હતો. અન્ય એક સોમોરિરિ લેક છે તે જોવા જઈ શકાય. ત્યાંથી કૈલાસ જવાનો રસ્તો પડે છે. અમે લેહનું સૌન્દર્ય મન ભરીને માણ્યુ હતું. એટલે મનમાં સંતોષ ભરીને, બીજે દિવસે વિમાનમાં લેહથી જમ્મુ પહોંચ્યા.

જમ્મુથી કટરા ૪૮ કી.મી. દૂર છે. કટરાનું મહત્વ બે પ્રખ્યાત ધાર્મિક સ્થળોને કારણે છે. એક વૈષ્ણવદેવી અને બીજુ શિવખોડીની ગુફા. અમારા સહપ્રવાસીએ વૈષ્ણવદેવી જવાનું નક્કી કર્યું જયારે અમે શિવખોડી જવાનું પસંદ કર્યું. કેમ કે અમે આ ગુફા જોઈ ન હતી. શિવખોડી કટરાથી ૮૦ કી.મી. દૂર છે. એક બસમાં બુકીંગ કરાવી અમે રાનસૂ ગામ પહોંચ્યા. રસ્તામાં નવદુર્ગા માતાનાં દર્શન કર્યાં. રાનસૂથી ત્રણ કી.મી.નું ચડાણ ચડ્યા પછી શિવખોડીની ગુફા આગળ પહોંચાય છે. અહીં અમે ઘોડા કરી લીધા.

સો-એક પગથિયાં ચડ્યાં પછી પહાડમાં ગુફાના મોં આગળ અવાય છે. ગુફામાં દાખલ થયા પછી અંદર પણ વાંકાચૂકા માર્ગે થોડું ચડવાનું હોય છે. પછી અંદર શિવજીના લીંગનાં દર્શન થાય છે. ગુફામાં પેસવા માટેની લાઈન બહુ લાંબી હતી. લોકો શિવજીનાં દર્શન માટે બહુ વ્યાકુળ હતાં. તેઓ ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ ના નારા લગાવતા હતાં. ગુફામાં દર્શન કરી બીજી બાજુ બહાર નીકળવાના માર્ગેથી પ્રવેશ કરીને પણ અંદર દર્શન માટે જઈ શકાય છે. અહીં લાઈન નથી હોતી. અમે આ માર્ગે સહેલાઈથી અંદર જઈ શક્યા. પહાડની અંદર ગુફામાં બિરાજેલા શિવના લીંગનાં દર્શન કરી ધન્ય ધન્ય થઇ ગયા. હિમાલય એટલે સર્વત્ર શિવનો વાસ. કૈલાસ પર્વત, અમરનાથ, કેદારનાથ અને આ શિવખોડી, બધે જ શિવ બિરાજે છે. શિવજી ભોળા છે, રીઝે તો ન્યાલ કરી દે છે. અમારા પર શિવકૃપા હશે જ, એટલે તો અમે આ કઠિન માર્ગ કાપી અહીં એમના સાનિધ્યમાં આવી શક્યા. અહીં આરામથી બેઠા. ગુફાની છતમાંથી ટપકતુ પાણી શિવલીંગ પર પડે છે. ગુફામાં છત અને આજુબાજુ કુદરતી રીતે જ ઉપસી આવેલાં રામદરબાર, હનુમાન, નાગદેવતા વગેરેનાં સ્વરૂપો જોયાં. પહાડની અંદર કોતરાયેલી આ ગુફા ઘણી ગમી ગઈ. ગુફાની બહારનું સૌન્દર્ય પણ મન મોહી લે એવું છે. લેહની જેમ અહીંના પર્વતો કોરાધાકોર નથી. અહીં લીલીછમ વનરાજી છવાયેલી છે. બાજુની ખીણમાં વહેતા ઝરણાનો ખળખળ નાદ સંગીતમય વાતાવરણ સર્જે છે. આ ઝરણામાં અમે નહાવાનો પણ આનંદ માણ્યો. છેવટે અમે ઘોડા અને બસ દ્વારા કટરા પાછા વળ્યા. કટરા બજારની પણ લટાર મારી. અહીં અખરોટના તો ઢગલેઢગલા જોવા મળે છે.

હવે અમારો ફરવાનો બધો જ પ્રોગ્રામ પૂરો થયો હતો. બીજે દિવસે કટરાથી જમ્મુ પાછા આવ્યા અને ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ. ધરતીનો છેડો ઘર ! લેહ-લડાખનો પ્રવાસ સામાન્ય રીતે મેથી ઓક્ટોબર દરમ્યાન કરવો જોઈએ. આખા પ્રવાસમાં ઘણું ઘણું જોયું. બહુ જ મજા આવી. સાથે આવેલા મિત્રોનો સહકાર ઘણો જ રહ્યો. બલ્કે મિત્રોને લીધે જ આટલું ફરી શક્યાં. અમે બધા એકમેકની વધુ નજીક આવ્યાં. જીવનના પ્રવાસમાં એનો તો આનંદ હોય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિનોબાની આંતરયાત્રા – કાન્તિ શાહ
શિક્ષકની ઈર્ષ્યા – કાકા કાલેલકર Next »   

10 પ્રતિભાવો : લેહ-લડાખનો પ્રવાસ – પ્રવીણ શાહ

 1. jignesh says:

  વાહ, મજા આવી ગઇ. મનાલીના રોહતાંગ પાસથી આગળ લેહ જઇ શકાય છે. ખુબ સુંદર અને માહિતીસભર લેખ. પ્રવીણભાઇ આભાર.

 2. હર્ષ આર જોષી says:

  ખૂબ જ સરસ વર્ણન કર્યું છે. વાંચવામાં તળબોળ થઇ જઈએ તો બેઠા બેઠા જ ત્યાં પહોચી જઈએ અને મજા આવી જાય. રૂબરૂમાં તો જવાય ત્યારે સાચું પણ વાંચીને તો પહોચી ગયા.

 3. Rita Patel says:

  Thank you Pravinbhai for this wonderful detailed article about Leh and Ladakh. The photos are amazing – a must visit place when i am next in India.

  Regards,
  Rita

 4. dadaji says:

  very informative article. Enjoyed……………

 5. Avani says:

  ખુબ સરસ આલેખન્..મન થૈ ગયુ લેહ જવાનુ………

 6. Vipul Gondaliya says:

  ખુબ જ સરસ વરન કર્યુ ચ્હે તમે. અભાર પ્રવેી ભાઈ.

 7. pankita.b says:

  Khub ja mahitisabhar lekh! Vanchavani majaa avi! 🙂

 8. KALPESH BUCH says:

  બિજિ કોઇ વધુ માહિતિ હોય તો મોકલશો.

  આ માહિતિ ઘણી સારિ

 9. ઇટ્સ રિઅલિ વેરિવેરિ ફાઇન

  અભિનન્દન !

 10. Velji Shah says:

  It is wonderful travel experience. it seems we are traveling with them.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.