વિનોબાની આંતરયાત્રા – કાન્તિ શાહ

[ જૂન-2008માં બ્રહ્મવિદ્યામંદિર, પવનાર ખાતે અપાયેલું પ્રાતઃપ્રવચન ‘ભૂમિપુત્ર’ સામાયિક સપ્ટેમ્બર-2012માંથી અહીં સાભાર લેવામાં આવ્યું છે, જેનો અનુવાદ પદ્માબેન ભાવસારે કર્યો છે.]

[dc]વિ[/dc]નોબાની આંતર-વિભૂતિનું સમગ્ર આકલન કરવું ઘણું મુશ્કેલ છે. તેથી હું માત્ર બે-ત્રણ વાતો તરફ તમારું ધ્યાન દોરીશ. આધ્યાત્મિક સાધનાના સંદર્ભમાં વિનોબા એક વ્યક્તિ નહીં, એક ઘટના છે, એક માઈલસ્ટોન છે. એમણે બાપુને વિષે જે કહ્યું હતું તે એમને પોતાને પણ લાગુ પડે છે. આપણને વિનોબામાં આજ સુધી ખાસ કરીને આપણા દેશની આધ્યાત્મિક સાધનાનો નિચોડ મળે છે અને ભવિષ્યની સાધનાનું બીજ મળે છે.

આપણે ત્યાં અધ્યાત્મમાં મુખ્યતઃ વૈરાગ્યની બોલબાલા છે. આધ્યાત્મિક સાધનામાં શરીરને બાધારૂપ માનવામાં આવે છે. શરીરની ઘણી નિંદા કરવામાં આવી. શરીર પર ઘણા જુલમ કરવામાં આવ્યા. ઊર્ધ્વ ગતિમાં શરીર નડતરરૂપ માનવામાં આવ્યું. શરૂઆતમાં વિનોબા પણ એમ જ માનતા હતા. શરીરની નિંદા તો એમણે નથી કરી પણ શરીર તરફ એમનું દુર્લક્ષ રહ્યું. શરીરની ઉપેક્ષા કરી. ચંપલ ન પહેરવાં, ખાવાપીવા તરફ ધ્યાન ન આપવું, દાળ-શાકમાં મીઠું નાખવાનું ભૂલી જવાયું હોય તો એની દરકાર ન કરવી વગેરે. એમની આ યાત્રા ક્યાં સુધી ચાલી ! ચંપલની બાબતમાં તો એમણે કહી દીધું કે એ વૈજ્ઞાનિક નહોતું અને ખાવાપીવાને વિશે પણ એમણે કહ્યું કે સુસ્વાદુ ભોજન બનાવો, અસ્વાદ વૃત્તિથી ખાવ. એક વખત મેં એમને ધ્યાનયોગ વિષે પૂછ્યું. એમણે કહ્યું, ‘જે કામ હાથમાં લો, એમાં પૂરેપૂરા એકાગ્ર થઈ જાવ, તન-મન સાથે એમાં ડૂબી જાવ. એ જ તો ધ્યાન યોગ છે !’ એમને માટે આ જ ધ્યાન યોગ. આ જ ભક્તિયોગ હતો. અને વૈરાગ્ય વિષે એમણે શું કહ્યું ? એમણે તો એટલે સુધી કહ્યું કે આપણાં ભજનોમાં શરીરની નિંદા કરતાં અને વૈરાગ્યને અયોગ્ય રીતે મહત્વ આપતાં ભજનો છે. એ બધાં રદ કરવાં જોઈએ. આપણે ચાળીસ-પચાસ માણસો પ્રાર્થના કરવા બેસીએ છીએ. અને ભજન ગવાય છે – ‘इस जगमें कोई नहीं अपना’ – અરે ભાઈ, તો અહીં સાથે બેઠાં છો શા માટે ? આધ્યાત્મિક સાધનામાં વિનોબાની અંતર્યાત્રા એટલે સુધી પહોંચી કે એમાં શરીર ધર્મ માટેનું સાધન માનવા લાગ્યું. શરીર સાથેના વ્યવહારમાં વિજ્ઞાનના પૂરેપૂરા ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. વિનોબા શંકરાચાર્યના એક વચનનો વારંવાર ઉલ્લેખ કરતા હતા કે જે માણસ પોતાના શરીરને નથી જાણતો તે આત્માને કેવી રીતે જાણશે ? વિનોબાએ તો જગતને મિથ્યા માનવાની પણ ના પાડી દીધી હતી અને કહ્યું કે जगत स्फ़ूर्तिः ।

આધ્યાત્મિક સાધનાની પરંપરામાં આ એક સીમાચિહ્ન છે. આ હતી શરીર સાથેની એમની અંતર્યાત્રા. શરીરની ઉપેક્ષા કરવાનો કે એની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર કોઈને નથી. દેહને કષ્ટ આપવાનું નથી. દેહ આપણો મિત્ર છે, ધર્મ-સાધન છે. હા, યમ-નિયમ પોતાને સ્થાને છે જ પણ શરીરને કષ્ટ નથી આપવાનું. એમણે એ પણ કહ્યું કે કદીક દેહશુદ્ધિ માટે કે ચિત્તશુદ્ધિ માટે ઉપવાસ કરી લો, પણ દેહ દમન માટે ઉપવાસ નહીં. સારાંશ, સાધના પણ પ્રેમમય, આનંદમય હોવી જોઈએ અને શરીરની માંગ વિવેકપૂર્વક પૂરી થવી જોઈએ.

હવે જોઈએ માણસ સાથેના સંબંધની એમની અંતર્યાત્રા. એમાં આરંભ થાય છે શુષ્કતાથી. આ વ્યક્તિ પોતાનામાં જ મગ્ન રહેતી હતી, પોતાની સાધનામાં જ ડૂબેલી રહેતી હતી. માનવ સાથેના સંપર્કમાં એમને ઓછી રુચિ હતી. પણ એ પણ એટલું જ સાચું છે કે વિદ્યાર્થીકાળમાં એમની અંતરંગ મૈત્રી કેટલાક યુવાનો સાથે એવી હતી કે જીવનના અંત સુધી તેઓ એમના નિકટના સાથી રહ્યા. વડોદરાના આ મિત્રો સિવાય બીજાઓ સાથેનો એમનો વ્યવહાર રુક્ષ હતો. રવિશંકર મહારાજ કહેતા હતા કે કેરી જ્યાં સુધી કાચી હોય ત્યાં સુધી ખાટી હોય છે અને એના ઉપર ‘ચીક’ લાગેલી હોય છે. પણ જ્યારે એ કેરી પાકે છે ત્યારે એ ‘ચીક’ બિલકુલ રહેતી નથી. એ મીઠી અને રસમય બની જાય છે. અમને અને તમને – બ્રહ્મવિદ્યામંદિરની બહેનોને તો પૂરેપૂરી પાકેલી કેરી જ ચાખવા મળી છે. ઉત્તરાવસ્થામાં બહેનો માટે એમનો કંઈક વિશેષ ભાવ હતો. મને લાગે છે કે એક અર્થમાં એ એક પ્રાયશ્ચિત્ત પણ હતું – સામાજિક પ્રાયશ્ચિત્ત. પોતાની બહેનને જે અન્યાય થયો હતો – તે બ્રહ્મચારિણી ન રહી શકી – એનું આ સામાજિક પ્રાયશ્ચિત્ત હતું. અધ્યાત્મનિષ્ઠ વૈરાગી બહેનોને સાધના માટે મોકો જરૂર મળવો જોઈએ. એને માટે આ બ્રહ્મવિદ્યામંદિર. અને એક આકાંક્ષા પણ હતી કે બહેનોમાંથી કોઈક શંકરાચાર્યા નીકળશે. એમણે સ્ત્રીશક્તિ અને માતૃશક્તિનું બહુ ગૌરવ કર્યું છે. આ પણ શુષ્ક-રુક્ષ વિનોબાની અંતર્યાત્રા છે. પોતે કહ્યું છે કે ‘ભૂદાને મને બદલી નાખ્યો. ભૂદાનયાત્રાનું કોઈ બીજું પરિણામ હોય કે ન હોય, આ યાત્રામાં મારું દિલ પવિત્ર થતું ગયું. ભૂદાનયાત્રામાં મેં જેટલી શુદ્ધિનો અનુભવ કર્યો એટલો એકાંત સાધનામાં પણ નથી કર્યો. જાણે કે પરમેશ્વર જ પોતાના અનંત હાથોથી મારા દિલને ધોઈ રહ્યો હતો. ભૂદાને મને નખશિખ બદલી નાખ્યો. મને નમ્ર બનાવી દીધો. મારે માટે આ એક પવિત્ર અનુભવ છે.’

ભૂદાનના આ કામને વિનોબાએ ઈશ્વરની ઉપાસના જ માની, લોકાત્માની આરાધના માની. એમણે ત્રણ પ્રકારના સાક્ષાત્કાર ગણાવ્યા છે. એક તો લોકોની વચ્ચે થતો સાક્ષાત્કાર. લોકોથી દૂર ભાગતો માણસ કહે છે : आंख न मूंदो, कान न रुंधो, खुले नैन पहचानों, हंसि हंसि सुंदर रूप निहारों – એની સાથે આપણી ઝાંખી કરી લઈએ અનારંભી વિનોબાની. પોતે થઈને આરંભ ન કરનારા વિનોબાની. તેઓ કહેતા હતા કે મેં કોઈ પણ સાર્વજનિક કામ ઈશ્વરના ઈશારા વગર હાથમાં લીધું નથી. આ વસ્તુને પૂરા ઊંડાણથી અને સૂક્ષ્મતાથી સમજી લેવી જોઈએ. ત્યારે જ ખ્યાલ આવશે કે વિનોબાએ આધ્યાત્મિક સાધનામાં કેટલો ઊંચો એવરેસ્ટ જીતી લીધો હતો. વિનોબાની ભૂમિકા કર્મ-સંન્યાસની કે કર્મ-શૂન્યતાની નહીં પણ સંન્યાસવૃત્તિવાળા કર્મયોગીની છે, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. તેઓ કર્મયોગમાં લીન રહેતા છતાં પણ કર્મનો (સામાજિક કામનો) આરંભ ઈશ્વરના ઈશારા વગર નહોતા કરતા. આ એક વિશિષ્ટ અને પૂર્ણસમર્પિત ભક્તની ભૂમિકા છે. કદાચ આધ્યામિક સાધનામાં આ એક નવો આયામ છે. હવે આધ્યાત્મિક સાધના એકાંતમાં નહિ, લોકોની વચ્ચે થશે. છતાંય તે પોતાનું એકાંત અક્ષુણ્ણ રાખશે. લોકોની વચ્ચે રહીને, કર્મની પ્રેરણા તો એકાંતમાંથી જ એટલે કે એકાંતમાં પરમેશ્વર સાથેના સંબંધમાંથી જ મળશે. આ અત્યંત ઉચ્ચ કોટિની ભૂમિકા છે.

હવે બીજી વાત. આ પ્રેરણા મળશે, ઈશ્વરનો ઈશારો મળશે એ કાંઈ પલાંઠી મારીને બેઠાં બેઠાં નહીં મળે. આ ઉદાસીનતા અને અકર્મણ્યતા નથી. આ તો પૂર્ણ સમર્પણથી, ઈશ્વરના હાથનું હથિયાર બનવાની એક પવિત્ર ઝંખના છે. તેઓ અનાસક્ત તો છે જ, છતાંય ઈશ્વરી પ્રેરણાની આસક્તિ તો અવશ્ય રહે છે. હવે ઈશ્વરના હાથનું ઓજાર બનવું હોય તો એને માટે પૂરેપૂરી તૈયારી જોઈએ. સૌથી પહેલાં તો નમ્રતા જોઈએ, અહંકાર ઓગળી જવો જોઈએ, એની સાથે તત્પરતા જોઈએ. બારણે ટકોરા પડે ત્યારે તે સાંભળવા માટેની જાગૃતિ જોઈએ. પ્રભુના પગરવને સાંભળવાની સભાનતા જોઈએ. વિનોબામાં આ બધું આપણે પૂરેપૂરું જોઈ શકીએ છીએ. જુઓ, એમની નમ્રતા કેવી હતી ! 1935માં તેઓ 40 વર્ષના થયા ત્યારે તીવ્ર આત્મમંથન ચાલ્યું. એમણે વિચાર્યું, ‘20 વર્ષ ઘરમાં ગયાં અને બીજાં 20 વર્ષ બહાર ગયાં. હવે હું ઈચ્છું છું કે આસપાસના લોકોની સેવામાં આ દેહનાં ચીંથરાં ઊડી જાય.’ અને આગળ કહે છે, ‘ચીંથરાં’ના બે અર્થ થાય. એક તો સ્પષ્ટ છે. બીજો અર્થ છે ‘ચીંથરા’નો કોઈને ભય હોતો નથી. જ્યારે ધાર્યું ત્યારે ઉપયોગ કરી લીધો, નહીં તો ખૂણમાં મૂકી દીધાં. આજે લોકોને મારી બીક લાગે છે. ખાસ તો વ્રતો અને સિદ્ધાંતોને કારણે મારી એક ધાક છે. હવે તે મારે દૂર કરવી છે.’ એમના મનમાં આકાંક્ષા હતી કે તેઓ હવે બધી રીતે પરાધીન બનીને રહે. તેથી જમનાલાલજી પાસે કલાર્કની નોકરી પણ માગી ! એમણે પૂરી ગંભીરતાથી એ કહ્યું હતું પણ એની પાછળની ભાવના કોઈ સમજ્યું નહીં. વિનોબાજી કહેતા હતા કે ત્યારે મારા મનમાં તીવ્ર મંથન ચાલી રહ્યું હતું. અડધી અડધી રાત મારી આ ચિંતનમાં જતી હતી કે હું ધૂળ છું, ધૂળ છું. 1916માં ઘર છોડ્યું ત્યારે મારા મનમાં ‘अहं ब्रह्मास्मि’ ચાલતું હતું. બની શકે કે બંને એક જ હોય ! વિનોબાજી કહે છે કે મને જન્માષ્ટમીએ નાગ-દમનની યાદ આવી. મારા મસ્તક પર નાચીને ભગવાન મારા અહંકારનું મર્દન ક્યારે કરશે ? બસ, મનમાં આ જ ચાલતું હતું. વિનોબાજી કહે છે, મારાં 20 વર્ષ જ્ઞાનસંગ્રહમાં ગયાં. હવે એ જ ચાલે છે કે મનમાં પ્રેમસંગ્રહ હોય, ભરપૂર પ્રેમ હોય. આપણે ઘણું ખરું ભરપૂર પ્રેમવાળા વિનોબાને જોયા છે.

વિનોબાની એ ચાહ કે, ‘હું સર્વથા પરાધીન બનીને રહું’ – એ પૂરી થઈ 1951માં, જ્યારે એમને ભૂદાન આંદોલન માટે ઈશ્વરી પ્રેરણા મળી. પરંતુ તે પહેલાં એમણે પૂરી સજ્જતા પ્રાપ્ત કરી હતી અને તત્પરતાનો સંકેત પણ આપ્યો હતો. 1935 થી 1948 સુધીમાં નમ્રતાપર્વ પૂર્ણ થઈ ચૂક્યું હતું. 1948માં બાપુની હત્યા થઈ. વિનોબાનાં ત્રણ વર્ષ ખોજ, શોધન, સંક્રમણ-કાળમાં વીત્યાં. તે દરમ્યાન એમણે દેશમાં ભ્રમણ કર્યું, કાંચનમુક્તિ અને ઋષિ ખેતી વગેરેના પ્રયોગો કર્યા. ત્યારે પણ એક વિલક્ષણ વાત જોવા મળે છે. ત્યારે ઘણા દિવસો સુધી તેઓ ઊભા ઊભા પ્રાર્થના કરતા હતા. કોઈકે પૂછ્યું, આમ કેમ ? એમણે કહ્યું, ‘હું જાહેર કરવા માગું છું કે હું તૈયાર છું, હું તૈયાર છું, હું તૈયાર છું.’ એમની અંતર્યાત્રાની કંઈક ઝલક આમાંથી મળે છે. 1951માં 300 માઈલ પગે ચાલીને વિનોબાએ શિવરામપલ્લીના સંમેલનમાં હાજરી આપી અને પાછા ફરતા તેલંગણા પ્રદેશમાં ચાલતા નીકળ્યા. વચમાં હૈદરાબાદ શહેર આવ્યું. 15 એપ્રિલ રામનવમીના દિવસે મોટી સભા થઈ. ભાષણ ખૂબ મહત્વનું હતું. ઈશ્વરનો ઈશારો પામવા માટે ભૂમિકા હોવી જોઈએ અને સજ્જતા પણ જોઈએ. વિનોબાએ અથાક પરિશ્રમથી આ સજ્જતા પ્રાપ્ત કરી લીધી હતી. એ ભાષણમાં એમણે કહ્યું, ‘જે કામમાં આપણો અહંકાર ન હોય, આપણો કોઈ અભિક્રમ ન હોય, આપણી કોઈ કામના ન હોય, આપણે પોતે જ ન હોઈએ તો એ કામમાં અને એ ક્ષણે પરમાત્માનો જન્મ થયો એમ સમજવું. આમ આપણા હૃદયમાં પરમાત્મા સદા સર્વદા જન્મ્યા કરે એવી પરિસ્થિતિ આપણી રોજેરોજ હોય… ઈશ્વરના હાથનું ઓજાર બનવા માટે શૂન્ય થવું પડે છે…. બસ, હું રામના હાથનું બાણ બનું.’ આ એક પરમભક્તની પરમપવિત્ર અંતર્યાત્રા. ભૂદાન એમાંથી જન્મ્યું. અનારંભી વિનોબાએ કહ્યું – મને ઈશ્વરનો ઈશારો મળ્યો. અને તેર વર્ષ અખંડ પદયાત્રા ચાલી. એમાં પણ અનારંભની મર્યાદાનું પૂરેપૂરું પાલન કર્યું. પોતે થઈને ક્યાંય આમતેમ ન ગયા, પોતે ક્યાંય નવો કાર્યક્રમ ન સૂઝાડ્યો. ઈશ્વરની પ્રેરણાથી ભૂદાનના વિચારને સુંદર રીતે ગ્રામદાન સુધી લઈ આવ્યા. કહ્યું, ‘વિચારનો સંદેશ પહોંચાડવામાં આટલો સમય લાગ્યો. હવે વિચાર લોકમાન્ય થઈ ગયો, લોકભોગ્ય બનાવવાનો બાકી છે.’

ઈશ્વરના એક ઈશારાથી આ માણસ 13 વર્ષ, 3 મહિના અને 3 દિવસની પદયાત્રા કરીને બ્રહ્મવિદ્યા મંદિરની સ્થાપના પછી પહેલી વાર 10 એપ્રિલ 1964ને રોજ પવનાર આવ્યો. મનમાં હતું, હવે આગળ બાબા વગર કામ થાય. મરે માટે તો માત્ર અંતઃશોધન અને પરિસ્થિતિ નિરીક્ષણ. પવનારમાં એમને 16-17 મહિનાનો ઈશ્વરદત્ત વિશ્રામ મળ્યો. પણ એનાથી વધારે ઈશ્વરે એમને બેસવા ન દીધા. ફરીથી ઈશ્વરનો ઈશારો મળ્યો અને વિનોબા 23-8-65ના ‘એક જંગ વધારે – અંતિમ અને સર્વોત્તમ’ કહી બિહારની તૂફાનયાત્રા માટે નીકળી પડ્યા. ઉંમરને કારણે (ઉંમર 70 વર્ષ) પદયાત્રા નહીં, વાહનયાત્રા સહી ! તૂફાનયાત્રા વિશે વિનોબા કહે છે – આ વખતનું તૂફાન પહેલાં જેવી જ ઈશ્વરી આજ્ઞા છે, જેવી રીતે 1951માં ભૂદાનને માટે હતી. એ વખતે ‘દાન’નો કાર્યક્રમ હતો. આ વખતે ‘આન’નો. 1951માં કરુણાનું કામ હતું, હાલ ક્રાંતિ ખેંચી રહી છે. જોવું હતું કે ભયની, લોભની, મત્સરની પ્રેરણા બધાને એકદમ થાય છે અને પ્રેમની પ્રેરણા પણ એકસાથે બધાને સ્પર્શી શકે છે ? પ્રેમ અને કરુણાનું તૂફાન શું ખડું થઈ શકે છે ? આમ ક્રાંતિની ‘આન’ માટે તૂફાન આંદોલન ચાલ્યું. તે પછી બધાં ગ્રામદાનોની પુષ્ટિ કરવાની હતી. ગ્રામદાનમાં કરેલા સંકલ્પોનો અમલ કરવાનો હતો – વિકાસ ને નિર્માણનાં કામ ઊભાં કરવાનાં હતાં. તો વિનોબાએ કહ્યું કે હવે આગળનાં કામ તૂફાન બાદ અતિ તૂફાન ગતિથી થાય ! પણ એવી ઘટનાઓ ઘટી કે વિનોબાને બિહાર છોડવું પડ્યું. (જે.પી.ના આગ્રહથી.) બાદશાહખાનને મળવા તેઓ સેવાગ્રામ આવ્યા અને પછી બિહાર ન જઈ શક્યા. એમના અનારંભની છેલ્લી કસોટી અહીં થઈ. એમના મનોમંથનની કેટલીક ઝાંખી : બંગાળમાં નકસલવાદે નવો પડકાર ફેંક્યો છે એનો જવાબ ગ્રામદાનમાં જ છે. માટે બિહારનાં ગ્રામદાનોને વાસ્તવિક બનાવવાં છે…. બિહારમાં જે કામ થયું તે માત્ર કાગળ ઉપર જ રહી જાય તો ખુદા હાફિઝ… માટે ચૂપ નથી બેસવું…. મને વિશ્વાસ છે કે હું જઈશ તો લોકો ગ્રામદાનોની પુષ્ટિ માટે ‘ના’ નહીં પાડે…..

પણ અંદરથી આદેશ ક્ષેત્ર સંન્યાસનો મળ્યો. ભક્તને માટે આ કઠણ કસોટી હતી. બિહારમાં જે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો તે એળે જાય. બધું પડી ભાંગે તો મોટી ફજેતી હતી. ક્રાંતિની ‘આન’ ચોપટ થઈ જવાની સંભાવના હતી. પણ, ભક્તે ભગવાનના આદેશને શિરોધાર્ય કરી લીધો અને પવનારમાં ક્ષેત્ર સંન્યાસ લઈને બેસી ગયા. અનારંભની સૌથી કઠણ પરીક્ષામાં વિનોબા સફળ થઈ ગયા. જેમ ભગવાનના ઈશારાથી આરંભ કરવો અનારંભ છે, એમ એના ઈશારાથી પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ બેસી જવું – અનારંબનું આ સર્વોચ્ચ શિખર છે. આ વસ્તુ ખૂબ સારી રીતે સમજવાની, આત્મસાત કરવાની જરૂર છે. આપણા જેવા નાચીજોને માટે તો ઈશ્વરના ઈશારાની અને એના હાથના હથિયાર બનવાની વાત તો દૂરની છે. પણ જો વિનોબાની ભૂમિકા આપણા દિલમાં, દિમાગમાં આત્મસાત થઈ ગઈ હશે તો આપણી આ નાહક કૂદાકૂદ બંધ થશે, આપણા અહંકારને ઓગાળવામાં મદદ મળશે. આપણામાં નમ્રતા, સહજતા, તત્પરતા અને અપ્રમાદ આવશે.

એક વાર મેં બાબાને કહ્યું હતું કે તમે તો પલાયનવાદી છો. તેઓ મારી સામું જોઈને હસતા રહ્યા. પછી બોલ્યા, ‘તું સંસ્કૃત જાણે છે ? સંસ્કૃતમાં ‘લ’નો ‘ર’ થાય છે.’ આમ ઈશ્વર પરાયણવાદી વિનોબા બરાબર ઓળખાશે તો આપણને પણ ઈશ્વરપરાયણ બનવામાં કંઈ ને કંઈ મદદ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વિનોબાની આંતરયાત્રા – કાન્તિ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.