॥ મા ॥ – સં. સુબોધભાઈ બી. શાહ

[ માતૃપ્રેમ અને માતૃભક્તિ વિશેના કાવ્યો તેમજ સુંદર લેખોનું સંકલન કરીને સૌને પુસ્તકરૂપે વિનામૂલ્યે વહેંચવાનું કામ અમદાવાદના શ્રી સુબોધભાઈ શાહ કરી રહ્યાં છે. તેમના આ પુસ્તકમાં 27 જેટલાં કાવ્યો અને 35 લેખોનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી પરંતુ આ અંગે કોઈ પણ પૂછપરછ કરવા માટે આપ સુબોધભાઈનો આ નંબર પર +91 9374019362 સંપર્ક કરી શકો છો. પુસ્તકની અન્ય વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મારી જન્મદાત્રી, મારી જીવનદાત્રી – દર્શિત વખારિયા

મારા જન્મ પહેલાની વાત છે. મારી મમ્મીનું સ્વાસ્થ્ય અનુકૂળ નહોતું. અવારનવાર ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે. ડૉક્ટરના કહેવાથી સોનોગ્રાફી ટેસ્ટ કરાવ્યો. મમ્મીને જે કાંઈ સમસ્યા હતી તે સગર્ભાવસ્થાને કારણે હતી. ડૉક્ટરે કહ્યું : ‘હજુ સમય જતાં સમસ્યા વધશે અને ડિલિવરી સમયે કદાચ માતા માટે જોખમ પણ ઊભું થઈ શકે. વળી, બાળક શારીરિક ખોડખાંપણવાળું કે વિકલાંગ જન્મે તેવી શક્યતા ઘણી છે. આવનારું બાળક કાયમ માટે તમારી એક જવાબદારી બની રહેશે. હજુ મોડું નથી થયું. ગર્ભપાત દ્વારા આ સમસ્યાનો અંત લાવી શકાશે.’

ગર્ભપાતનું નામ પડતાં જ મારી મમ્મી અવાજને સખત બનાવીને તાડૂકી : ‘એ કોઈ સંજોગોમાં નહિ બની શકે.’ એક અઠવાડિયા સુધી મારી મમ્મીએ ભારે સંઘર્ષ ખેલવો પડ્યો. નિકટના અનેક સ્વજનોએ મમ્મીને ગર્ભપાત માટે ખૂબ સમજાવી. અત્યંત દબાણ કર્યું. થોડો રોષ પણ કર્યો. બધાનું કહેવું હતું, ‘દીપિકા, તારે એક દીકરો અને દીકરી તો ઓલરેડી છે જ અને એના માટે તારા જીવનનું જોખમ કેવી રીતે ખેડાય ?’

ત્યારે મમ્મીએ સાફ સંભળાવી દીધું હતું : ‘કોઈ પણ મમ્મીને વધારે સંતાનો હોઈ શકે, વધારાનું સંતાન ક્યારેય ન હોય. બાળકના જન્મ સામે મારા જાનનું જોખમ એક સંભાવના માત્ર છે. જ્યારે ગર્ભપાત કરાવું તો બાળકના જીવનનો અંત એક નિશ્ચિત બાબત બની જાય. વળી, આવનારું બાળક ખોડખામીવાળું જન્મશે તેવી ડૉક્ટરની આગાહી પણ ખાતરીપૂર્વકની નથી. અને કદાચ તે આગાહી સાચી પડે તોય શું ? બાળક એ તો માતાને કુદરતે આપેલી દૈવી ભેટ છે. તે ભેટ પામીને જ માતા ધન્ય બને છે. બાળક રૂપાળું છે કે બેડોળ, બાળક ગોરું છે કે કાળું, બાળક હોશિયાર છે કે મંદબુદ્ધિ, બાળક પરિપૂર્ણ છે કે વિકલાંગ. બાળકના આવા એનાલિસીસ મા ક્યારેય કરતી નથી. બે સર્વાંગસંપૂર્ણ બાળકો કુદરતે આપ્યાં તે મેં હોંશે હોંશે સ્વીકારી લીધાં અને આ બાળક ખામીવાળું જન્મે તેવી શક્યતા છે તેથી તેને જાકારો આપી દેવાનો ? બાળક એ શું કોમોડિટી છે કે માલ ડિફેક્ટિવ નીકળ્યો એટલે વેપારીને પરત !’ મારી મમ્મીની આ મક્કમતા સામે કોઈનો આગ્રહ ટકી ન શક્યો. હેમખેમ ડિલિવરી થઈ અને કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું સર્વાંગસંપૂર્ણ જે બાળક અવતર્યું તે જ હું. મારું નામ દર્શિત રાખવામાં આવ્યું. અનેક વ્યક્તિઓના પ્રખર વિરોધ વચ્ચે જેને તેની મમ્મીએ દુનિયા દર્શિત કરાવી તે હું – દર્શિત.

કહેવાય છે કે, મમ્મી જન્મ આપી શકે, પરંતુ મૃત્યુના મુખમાંથી બચાવવાની તાકાત આ જગતમાં કોઈની નથી. આ સ્ટેટમેન્ટ સામે મારો વિરોધ નોંધાવી શકું. મારા જન્મ પહેલાનો આ સમગ્ર વૃત્તાન્ત મને મારા પપ્પા પાસેથી જાણવા મળ્યો હતો.
.

[2] હોલિન-ચીનનો માતૃભક્ત – અજ્ઞાત

ચીનમાં એક અજબ માતૃભક્ત થઈ ગયો. એનું નામ હતું હોલિન. શ્રવણ જેવી એની એકનિષ્ઠ ભક્તિ હતી. રાત-દિવસ બસ માની જ સેવા કરવી, એ એનું જીવનવ્રત હતું. એક રાતની વાત છે. તેના ઘરમાં એક ચોર પેઠો. હોલિન અને તેની માતા ઘસઘસાટ ઊંઘતાં હતાં. આવનાર ચોરે વિચાર કર્યો કે – જો આ યુવાન જાગી જશે તો મારી બધી બાજી ધૂળમાં મળી જશે. તેણે એક રસ્તો શોધી કાઢ્યો. ખંજરની અણી બતાવીને તેણે ઊંઘતા હોલિનને સાવધાનીથી જગાડ્યો, ને બાજુમાં પડેલી એક ખુરશી સાથે દોરડા વડે તેને મજબૂત રીતે બાંધ્યો. ત્યારબાદ તેણે પોતાનું કામ શરૂ કર્યું. ઘરની બરાબર વચમાં એક ચાદર પાથરી અને ધીમે ધીમે સારી તેમજ કિંમતી ઘરવખરી પસંદ કરી તેમાં મૂકવા માંડી.

આ બાજુ હોલિન વિવશ બનીને મૂંગે મોઢે બધું જોઈ રહ્યો હતો. મહત્વની ચીજવસ્તુઓ લેવાઈ ગયા પછી ચોરે નાની ચીજો ઉપાડવા માંડી. તેમાં એક કડાઈ પણ હતી. અત્યાર સુધી મૌન રહેલો હોલિન એકદમ બોલી ઊઠ્યો, ‘ભાઈ, તારે બીજું જે કાંઈ લઈ જવું હોય તે લઈ જા, પરંતુ મહેરબાની કરીને આ એક કડાઈ રહેવા દે.’ તેની આ વિનંતી સાંભળીને ચોર નવાઈમાં પડી ગયો. તેણે પૂછ્યું : ‘અરે, મહત્વની કીમતી ચીજો લેવા છતાં તું કંઈ જ બોલ્યો નહિ ને તુચ્છ વસ્તુ માટે કેમ ના પાડે છે !’ હોલિને શાંતિથી જવાબ આપ્યો; તેનું એક જ કારણ છે કે ઘરની બીજી બધી જ વસ્તુઓ વિના હું ચલાવી શકું તેમ છું પરંતુ આ કડાઈ વિના નહિ ચલાવી શકું. કારણ કે રોજ સવારે સૌથી પ્રથમ હું એ કડાઈમાં મારી વહાલી માતા માટે રાબડી બનાવું છું. હવે તું જ કહે, હું સવારના પહોરમાં રાબડી શેમાં બનાવીશ ?’

કઠણ કાળજાનો ચોર પણ હોલિનની આ ભવ્ય માતૃભક્તિ જોઈને છક્ક થઈ ગયો. એના હૈયામાં રહેલો રામ જાગી ઊઠ્યો. તે મનમાં બોલ્યો, ‘આવા માણસની ઘરવખરી ચોરીને હું ક્યે ભવે પાપમાંથી છૂટીશ ?’ તરત જ તેણે હોલિનને બંધનમુક્ત કર્યો અને ગદગદ સ્વરે કહ્યું : ‘ભાઈ ! મને માફ કરજે. તારા જેવા ધર્માત્માનો માલ મને કદીયે ન પચે.’ આટલું કહીને ચોરે જવા માટે પગ ઉપાડ્યો, પરંતુ હોલિને તેને અટકાવીને કહ્યું : ‘ના ભાઈ, બીજું બધું ભલે લઈ જા. મારે તો મારી મા માટે માત્ર આ કડાઈની જરૂર છે. તું ખાલી હાથે જઈશ તો તારી મહેનત અફળ જશે અને તારી માતા નિરાશ થશે. એટલે તારી માતાને ખુશ કરવા પણ તું આ બધું લેતો જા. તારી માતાની પ્રસન્નતાથી મને અને મારી માને જરૂર આનંદ થશે. માત્ર કડાઈ રહેવા દેવાથી મારી મા પ્રસન્ન રહેશે અને બીજું બધું લઈ જવાથી તારી માતા પ્રસન્ન થશે. બંનેની માતાઓ પ્રસન્ન થાય એમાં શું ખોટું !’ આંખમાં આંસુ સાથે ચોર હોલિનને પ્રણામ કરી ત્યાંથી ખાલી હાથે ચાલ્યો ગયો.
.

[3] અનોખો માતૃપ્રેમ – એલેકઝાંડર ડુમા

એલેકઝાંડર ડુમા. ફ્રાંસમાં એના સાહિત્યની ભારે બોલબાલા હતી. એની નવલકથાઓ વાંચતાં લોકો થાકતા નહોતાં. માત્ર ફ્રાંસમાં જ નહિ, ફ્રાંસના સીમાડાઓ વટાવીને એક મહાન સાહિત્યકાર તરીકેની એની કીર્તિ દેશવિદેશમાં પણ ફેલાઈ હતી. અનેક સાહિત્યકારોનો એ એક સામાન્ય ગુરુ હતો. ડુમાનાં કેટલાંક નાટકો પણ રંગભૂમિ પર ભજવાવા લાગ્યાં અને તે નાટકોએ એને ખૂબ કીર્તિની સંપ્રાપ્તિ કરાવી આપી.

એનું પ્રથમ નાટક રંગભૂમિ પર ભજવાઈ રહ્યું હતું. એ નાટક જોવા થિયેટરમાં પ્રેક્ષકોની ભારે ભીડ જામી હતી. ડુમા પણ એ સમયે ત્યાં ઉપસ્થિત હતો. નાટક શરૂ થયું. નાટક જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ લોકોએ તેને અપૂર્વ હર્ષથી વધાવી લઈને તાળીઓ પાડવા માંડી. નાટક પર જાણે પ્રેક્ષકોએ તાલી-પુષ્પોની વર્ષા વરસાવી. પણ પ્રેક્ષકોની આ પ્રશંસાવર્ષાથી ડુમા તદ્દન અલિપ્ત હતો. નાટક જોતાં જોતાં પણ ઘરમાં રહેતી અને લકવાથી પિડાઈ રહેલી પોતાની મા એને પળે પળે યાદ આવી રહી હતી. અને છેવટે એ માની યાદથી એવો તો વ્યગ્ર બની ગયો કે નાટક જોવાનું પડતું મૂકીને પ્રેક્ષકગૃહમાંથી ઊઠીને એ પોતાના ઘર તરફ રવાના થયો અને માના ખાટલા પાસે પહોંચી ગયો. માએ પૂછ્યું :
‘બેટા, નાટક જોવાનું છોડીને શા માટે પાછો ઘેર આવ્યો ?’
માના માથા પર માથું મૂકીને ડુમા બોલ્યો : ‘મા, મારા નાટક કરતાં મારી મા મને વધુ વહાલી છે !’ એટલું બોલીને એ માની સેવા કરવામાં લાગી ગયો. પ્રેક્ષકો ડુમાનું નાટક જોઈને હર્ષની ચિચિયારીઓ કરી રહ્યા હતા ત્યારે એ નાટકનો કર્તા ડુમા પોતાની માંદી માની સેવામાં રત હતો.

[ કુલ પાન : 108. કિંમત રૂ. — પ્રાપ્તિસ્થાન : સુબોધભાઈ બી. શાહ. 301, આંગી ફલેટ, નવા વિકાસગૃહ સામે, પાલડી. અમદાવાદ-7. ફોન : +91 79 26602757.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “॥ મા ॥ – સં. સુબોધભાઈ બી. શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.