- ReadGujarati.com - http://www.readgujarati.com -

વિશ્વાસ – ડો. નવીન વિભાકર

[ ‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

[dc]અ[/dc]ને નીચેથી પ્રાર્થના સંભળાઈ રહી.
‘દર્શન દ્યો ઘનશ્યામ, મોરી અંખિયા પ્યાસી રે….’ લક્ષ્મીબહેનનો મંજુલ સ્વર તેમના હાથમાં વાગતી-રણકતી ઘંટડી જેવો આખા મંદિરને ભરી રહ્યો.
‘નમન ! જલ્દી કરો. બાપુજી હમણાં પૂજામાં બેસવા આવશે. તમારો નિયમ તૂટશે.’
ધોતિયાની પાટલી વાળતાં નમન બોલ્યો, ‘વાસંતી ! તને અચરજ નથી થતું કે તારો આ ભણેલોગણેલો પતિ હજી પણ ધોતિયું પહેરી રોજ સવારે પૂજા કરે છે ?’
‘એમાં અચરજ શું કામ થાય ? એ તો આપણી સંસ્કૃતિ છે. ભણેલાગણેલા હોઈએ તો પણ આપણા સંસ્કાર કેમ ભુલાય ? જેવું સ્થાન, એવી પ્રકૃતિ. રાત્રે ડીસ્કોમાં જાઓ તો હું થોડી કહેવાની છું કે ધોતિયું પહેરો !’ ને વાસંતી ખડખડાટ હસી પડી. તેનું રણકતું હાસ્ય છેક નીચે લંબાયું.

‘નમન ! ભાઈ ! હું આવી ગયો છું. જો તારી બા પણ પ્રાર્થનામાં એ જ કહે છે.’
નમન હસતાં હસતાં બોલ્યો : ‘વાસંતી ! બાપુજી કેવી સુંદર મજાક કરી ઘરના વાતાવરણને હંમેશ પ્રસન્ન રાખે છે. બાનું નામ લક્ષ્મી, બાપુજીનું નામ ઘનશ્યામ ને બા એ જ પ્રાર્થના રોજ બોલે.’
‘નમન ! નાનપણથી આપણને શીખવવામાં આવે છે ને કે પતિ તે પરમેશ્વર. પરમેશ્વરના નામે પતિનું નામ બોલાય તો શું ખોટું ?’
‘ભાઈ ! દલીલોમાં તને નહીં પહોંચાય. વકીલ ખરીને ?’
‘જુઓ, પૂજા પછી આપણે ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ છે.’
નમન ગંભીર થઈ ગયો, ‘વાસંતી ! જરૂર છે જવાની ? ક્યાંક એવો રિપોર્ટ આવતાં આપણાં જીવન છિન્નભિન્ન નહીં થઈ જાય ને ?’
‘નમન ! પાછો નેગેટિવ એટિટ્યૂડ ! આપણને આપણામાં વિશ્વાસ, શ્રદ્ધા હોય તો મનની મુરાદ પૂરી ન થાય ? અને જો આપણે એકબીજાને વચન આપ્યું છે. એકને કશું થાય તો બીજાએ સહારો-ટેકો બની રહેવાનું.’

પ્રેમાળ સ્મિત કરી નમન આગળ વધ્યો. વાંસતીએ સાડી સરખી કરી. બંને નીચે ઊતર્યાં. ઘનશ્યામભાઈ પોતાના છ ફૂટ ઊંચા ગોરા પુત્રને જોઈ રહ્યા. ખાલી ધોતિયામાં માંસલ છાતી ને લાંબા બાહુઓ જાણે કૃષ્ણનો અવતાર લાગતો હતો. પાછળ વસંતમાં ખીલી ઊઠે તેવી જુઈની વેલ જેવી નમણી વાસંતી આવી રહી હતી. આવો પુત્ર ને પુત્રવધૂ મળવા બદલ તેઓ પ્રભુની મૂર્તિને નમન કરી રહ્યા. પૂજા પૂરી થતાં નમન પ્રસન્નચિત્તે બોલ્યો, ‘બા ! તમારા જમાનમાં પતિનું નામ પત્ની લેતી ?’
‘ના, ભાઈ ! અમે હજી એટલા નથી સુધર્યા. અમારી પરંપરામાં અમને આનંદ છે.’
‘તો રોજ સવારે તો તમે બાપુજીનું નામ લ્યો છો.’
‘હટ ! એ તો ભગવાનની પ્રાર્થના છે.’ આ ઉંમરે પણ તેમનું લજાવું નમન ને વાસંતીને ગમ્યું ને બંનેએ મીઠાશથી એકબીજા સામે જોયું. ત્યાં બાપુજી-ઘનશ્યામભાઈ બોલ્યાં :
‘નમન ! વાસંતી ! આજે તમારે ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ છે ને ? જે રિપોર્ટ આવે તે જણાવજો. ને જુઓ, રોજ પૂજા કરો છો ને ? પ્રભુ પ્રત્યેની આસ્થા, વિશ્વાસ ડગમગવા ન દેશો. હું ને તારી બા તમારી પડખે છીએ. સમજ્યા ?’

કાર ડૉક્ટરનાં ક્લિનિક તરફ લેતાં નમન બોલ્યો,
‘વાસંતી, તારા જીવનમાં વસંતની બહાર લાવવા હું કેમ નાકામિયાબ રહ્યો હોઈશ ?’
‘એ જ વસ્તુ મને ન લાગુ પડે ?’
‘પણ આપણા સમાજમાં સ્ત્રીને જ કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે ?’
‘પુરાણી રીત છે. પુરુષોને અહમ હોય. સ્ત્રીને હોય પણ પુરાણા નિયમો પ્રમાણે તેમને કચડી દેવામાં આવે.’
‘પણ હવે તો જમાનો ને વિજ્ઞાન કેટલાં આગળ વધી ગયાં છે.’
‘છતાં પુરાણા રીતરિવાજ જતાં હજી સમય લાગશે. અત્યારે જ ઘણાને, નવી પેઢીને આ ભગવાન, પૂજા, કથા-કીર્તન બધું વેવલાઈ જેવું નથી લાગતું ?’
‘તને શું લાગે છે ? રિપોર્ટમાં શું હશે ?’
‘જે હોય તે. ગભરાવાની જરૂર નથી. શરીર છે. તેનો ઈલાજ પણ હોય છે.’
‘પણ વાસંતી ! મનના ઘાવ ભરાય ?’
‘હા. એકબીજામાં વિશ્વાસ હોય તો જરૂર ભરાય.’
‘વાસંતી ! ક્યાંક મારામાં…..’ ને કાર ડૉક્ટરના ક્લિનિક પાસે આવી અટકી.

‘કમ ઈન ! મિ. ને મીસીસ શાસ્ત્રી. હેવ અ સીટ !’ કહી ડૉ. અગ્નિહોત્રીએ કૅબિનમાંથી ફાઈલ કાઢી. રિપોર્ટ કાઢ્યો ને વાંચ્યો.
‘કોન્ગ્રેચ્યુલેશન્સ ! મીસીસ શાસ્ત્રી, તમારો રિપોર્ટ નૉર્મલ છે. મિ. શાસ્ત્રી તમારો રિપોર્ટ કાલે આવશે.’
‘થૅંક યુ, ડૉક્ટર.’ કહી બંને ક્લિનિકની બહાર નીકળ્યા. નમન ગંભીર બની ગયો. કાર ચલાવતાં વાસંતી બોલી,
‘નમન ! શું થયું ? કેમ ગંભીર બની ગયો ?’
‘વાસંતી ! ક્યાંક મારામાં ખોડ હશે તો ?’
‘તો શું થયું ? ઈલાજ તો હોય ને ? અને હું તારી સાથે જ છું ને ? કદાચ એવું બન્યું હોત ને મારામાં ખોડ હોત તો ?’

બંને ઘરે આવ્યા. માતાપિતા ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. દીવાનખંડમાં ચારે જણા બેઠાં.
‘બેટા નમન, કહે, શું ખબર છે ?’ નમને વાસંતી તરફ જોયું ને બોલ્યો, ‘બધું બરાબર છે.’ વાસંતીએ આ તબક્કે કશું ન જણાવવાનું નમનને કહેલું.
‘બસ ! આનંદ થયો. જુઓ વાસંતી, આ ‘હરિવંશપુરાણ’ લઈ આવ્યો છું. રોજ રાતે તેનું પઠન કરવું પડશે. શંકરભગવાનની પૂજા કરવી પડશે. થશે ને ? શંકરભગવાન સર્જનહાર છે.’
‘હા બાપુજી, જરૂર થશે. તમે કહેશો તેમ અમે બંને કરશું.’ વાસંતીએ નમણું હસી નમન તરફ જોયું. નમનના મોં પર અણગમો હતો. બંને પોતાના રૂમમાં ગયા ને નમન ભભૂકી ઊઠ્યો :
‘વાસંતી ! આ બધું ચલાવી કેમ લે છે ? પ્રામાણિકતાથી આપણે બા-બાપુજીને જણાવી દેવું જોઈએ.’
‘પણ તમે તો જણાવી દીધું કે બધું બરાબર છે.’
‘તો પણ તેઓ કેમ માની લે છે કે તારામાં ખોડ હશે ? પાંચ વરસ થઈ ગયાં આપણાં લગ્નને. બાળક ન થાય એટલે સ્ત્રીને જ દોષ દેવાનો ? મારામાં ખોડ હશે તો ?’
વાસંતી મારકણું હસી, તેની બાંહો નમનના ગળામાં ભરાવી, શરારતથી બોલી, ‘તને એવું લાગે છે ? આપણે બંને પરિતૃપ્ત નથી થતાં ? તો ચિંતા શું કામ કરે છે ?’
‘મને પણ એ જ આશ્ચર્ય થાય છે કે તું નૉર્મલ છે. આપણે બંને આપણા સંબંધથી સંતોષી છીએ તો કેમ….’
તેના મુખ પર હાથ મૂકતાં વાસંતી બોલી, ‘બા-બાપુજીએ આપણને જે સંસ્કાર આપ્યા છે, પ્રભુ પર શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તો એમનો વિશ્વાસ આપણે ટકાવી ન રાખી શકીએ ? અને તારો રિપોર્ટ તો આવવા દે. જવાબ મળી જશે.’
‘પણ વાસંતી ! આ ‘હરિવંશપુરાણ’, આ શંકરભગવાનની પૂજા, એથી આપણી શારીરિક ખોડ કેવી રીતે મટે ?’
‘નમન ! જુઓ, આ વારવરતોલાં પાછળ પ્રભુ પરની શ્રદ્ધા છે. પહેલાં ક્યાં વિજ્ઞાન હતું કે તેની સમજ હતી ? તેથી જ શંકરભગવાનને પ્રજોત્પતિ માટેનું પ્રતીક માનવામાં આવ્યું. એ પ્રતીકની પૂજા થાય છે, જે વડે સર્જન થાય છે.’
‘પણ એ પ્રતીકની પૂજાથી શું વળે ? શારીરિક ખોડ….?’
‘નમન ! તમે ભણેલા ગણેલા છો. એ પ્રતીક શું છે ? તેમાં ઉર્જા છે. શક્તિ છે. સર્જન કરવાનું બળ છે. દઢ મનથી બધી મનોકામના પૂરી થાય છે. તો પ્રભુએ આપેલી શક્તિમાં આપણે વિશ્વાસ કેળવવો જોઈએ ને ?’ તપ્ત મને બંને સૂતા. વધુ તો નમન. પુરુષ હતો. સ્ત્રી જેવી સહનશીલતા ન હોય તેનામાં. તે વૈજ્ઞાનિક ઈલાજમાં માનવાવાળો હતો. વાસંતી મનથી ઠરેલ હતી. તેણે નિશ્ચય કરી લીધો હતો કે જો નમનમાં કંઈ પણ ખોડ હશે તો વૈજ્ઞાનિક ઈલાજ કરી, પ્રભુ શક્તિને આવકારશે.

બીજી પ્રભાતે એ જ સુંદર પ્રાર્થના ગવાઈ અને પૂજા થઈ. વાસંતીને નમન રૂમમાં તૈયાર થવા જવા લાગ્યા. લક્ષ્મીબહેને કહ્યું :
‘નમન ! તું તૈયાર થા. વાસંતી મારી સાથે રસોડામાં આવ તો !’
રસોડામાં જઈ લક્ષ્મીબેને આરતીની થાળી કાઉન્ટર પર મૂકીને તેમાંથી એક બીજ લઈ વાસંતીને આપ્યું :
‘વાસંતી ! આ નાળિયેરનું બીજ છે. તમારા બાપુજી મંદિરેથી લાવ્યા છે. એવી માન્યતા છે કે નાળિયેરનું બીજ ખાવાથી સ્ત્રી સગર્ભા બને છે, ખાઈશને દીકરી ?’
‘હા, બા. જરૂર લાવો.’
ને વાસંતીએ બીજ ખાઈ લીધું. નમન તેમની પાછળ આવ્યો હતો તેણે તે જોયું ને પોતાના રૂમમાં જતો રહ્યો. વાસંતીના આવતાં જ તે બોલ્યો :
‘વાસંતી ! ભણેલીગણેલી થઈ તું આવા ધતિંગોમાં માને છે ?’
‘ના અને હા ! જુઓ જેવી માન્યતા. પણ તેની પાછળની ભાવના સમજ. આપણને બાળક થાય તેની છે ને ? તો વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી કરવાથી વાંધો શું ? માતાપિતાની જૂની માન્યતામાં વિશ્વાસ રાખવાથી તેમના મનને તો આનંદ થશે ને ?’
‘પણ એક જૂઠ્ઠી આશા પણ જાગશે ને ? એ આશા નહીં ફળે ત્યારે ?’
‘કેમ ન ફળે ? વિજ્ઞાનનો સહારો લઈ આપણે આગળ વધી શકીશું ને ? નવી પેઢી વિજ્ઞાનને માન આપે. જૂની પેઢી તેમના રિવાજોને. બંનેમાં વિશ્વાસ ન રાખી શકાય ? સાચા મનથી કરેલું કાર્ય પૂર્ણ તો થાય ને ? હવે ચાલ, ડૉક્ટર રાહ જોતા હશે.’ કારમાં બંને મૂંગા હતા. નમન બંને રીતના લેખાંજોખાં કરતો રહ્યો ને કાર ક્લિનિક પાસે આવી અટકી.

‘કમ ઈન ! યસ ! મિ. શાસ્ત્રી ! મીસીસ શાસ્ત્રી બેસો. તમે બંને સાથે આવ્યાં તે સારું થયું. મિ. શાસ્ત્રી ! રિપોર્ટ વાંચું છું. પણ ગભરાવાની જરૂર નથી. આગળ વધું તે પહેલાં એક અંગત પ્રશ્ન પૂછું. તમારા બંનેના સંબંધોથી તમે ખુશ છો ?’
‘હા. કેમ ?’ નમન બોલી ઊઠ્યો.
‘પરિતૃપ્તિ પૂરી માણી શકો છો ?’
‘હા.’
‘બસ ! મને સંતોષ થયો. હવે ગભરાવાની જરૂર નથી. જુઓ તમારા રિપોર્ટમાં શુક્રાણુઓ ઓછા હોવાથી સર્ગભાવસ્થા થઈ શકતી નથી.’ નમન વિસ્ફારિત નજરોથી ડૉક્ટરને જોઈ રહ્યો.
‘હા ! મિ. શાસ્ત્રી ! જૂની માન્યતા છે કે સ્ત્રીમાં જ ખોડ હોય તેથી પુરુષ કદી ટેસ્ટ કરાવતો નથી. સ્ત્રીને દોષ દઈ જીવનમાં વિસંવાદિતા રચાય છે.’
‘પણ, પણ, ડૉક્ટર ! સંબંધની બાબતમાં અમારે કોઈ તકલીફ નથી.’
‘એથી જ કહું છું. તમારામાં ફક્ત શુક્રાણુઓ જ ઓછા છે.’
‘તો, તો એનો ઈલાજ હોઈ શકે ?’
‘ઘણા પર્યાયો છે.’
‘પણ શુક્રાણુઓ ઓછા હોવાનું કારણ ?’ નમનથી પુછાઈ ગયું.
‘જુઓ, ચોક્કસપણે તેનું નિદાન નથી. પણ ખૂબ તણાવભરી-સ્ટ્રેસફુલ જિંદગી મોટામાં મોટું કારણ હોઈ શકે. તમારા ઘરનું વાતાવરણ ?’
‘એકદમ પ્રફુલ્લ હોય છે.’
‘બિઝનેસ ?’
‘હા, તેમાં ખૂબ સ્ટ્રેસ છે.’
‘વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી. તમારો ઈલાજ થઈ શકે તેમ છે.’ નમન અને વાસંતીના મોં પર ખુશી દેખાઈ.

‘જુઓ, તમારા શુક્રાણુને આમના ઓવરીના અંડની બહાર ફર્ટીલાઈઝ કરી તેમના ગર્ભમાં પ્રદાન કરતાં નવાણું ટકા સગર્ભાવસ્થાની ખાતરી ખરી.’
‘એટલે ટેસ્ટ્યૂબ બેબી !’
‘સાવ એવું નહીં. મીસીસ શાસ્ત્રીના ગર્ભમાં જ બાળક મોટું થાય. દરેક સ્ત્રીની જેમ જ દરદ જાગે. વૈજ્ઞાનિક દષ્ટિ ને સામાજિક દષ્ટિએ ખૂબ જ સાવધાન માર્ગ છે. તમે કહો ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય.’ સંમતિ આપી, એપોઈન્ટમેન્ટ લઈ બંને બહાર આવ્યા. કારમાં નમન ખૂબ જ ગંભીર થઈ ગયો હતો. છેવટે બોલ્યો :
‘વાસંતી ! મારી ખોડના કારણે સમાજમાં પણ તારે કેવા મેણાં ટોણાં ખાવા પડ્યા.’ નમન કોઈનો ખોળો ભરવાના પ્રસંગે ગયેલી વાસંતીને એ વખતે સાંભળવું પડ્યું હતું તે સંદર્ભમાં બોલ્યો.
‘નમન ! સમાજની ચિંતા ન કર. આપણા જીવનમાં-બા-બાપુજીના જીવનમાં આશાનું કિરણ ચમક્યું છે. મારો વિશ્વાસ ફળ્યો ને ?’
‘પણ કદાચ ટ્રીટમેન્ટ ફેઈલ જશે તો ? તો, વાસંતી ! મારી ખોડના પરિણામે તને સહન નહીં કરવા દઉં. તને હું આઝાદ કરી દઈશ. તને તારું જીવન જીવવાનો અધિકાર છે.’
‘નમન ! કાર રોક તો !’ સ્વસ્થ અવાજે વાસંતી બોલી. બંને કારની બહાર નીકળ્યાં ને પાર્કમાં એક બેન્ચ પર બેઠાં. નમનનો હાથ હાથમાં લઈ વાસંતી બોલી, ‘બસ ! મારા પ્રેમમાં આટલો જ વિશ્વાસ, નમન ?’
‘વાસંતી ! આમાં પ્રેમની વાત ક્યાં આવી ? ફક્ત પ્રેમથી જ જીવન નથી જીવી શકાતું.’
‘નમન ! આપણ બંનેને બાળકની ઈચ્છા છે ને ? આપણે શું નક્કી કરેલું કે એકબીજાને આપણે ટેકો આપીશું બરાબરને ? ને જો આ ઈલાજ મળ્યો છે એમાં પણ પ્રભુની જ મરજી નહીં હોય ?’
‘વાસંતી ! વિજ્ઞાન ને પ્રભુ…’
‘જો, નમન ! સાંભળ ! તું ડેસ્ટીની – ભાગ્યમાં માને છે ?’
‘હા.’
‘તો એ ભાગ્ય લખ્યું કોણે ?’
‘વિધાતાએ.’
‘વિધાતાને પ્રેરણા કોણે આપી ? પ્રભુએ. સર્જનહારના પ્લાન વગર કોઈ કશું કરી શકતું નથી. માનવી સર્જનહારનું સર્જન છે. તેનામાં વૈજ્ઞાનિક શક્તિઓ પણ પ્રભુએ જ મૂકી છે. શંકરભગવાનને સર્જનહાર માનતો હોય તો આ તેમની દેન છે. તેમાં વિશ્વાસ રાખ.’

બંને ઘેર આવ્યા. પુત્રને તો આમ ચોખ્ખું ન પુછાય. તેથી એક સ્ત્રી બીજી સ્ત્રીને પૂછે તેમ લક્ષ્મીબેને પૂછ્યું :
‘વાસંતી, ડૉક્ટરે શું કહ્યું ?’
‘બા ! થોડી મુશ્કેલી છે. નાનો એવો ઈલાજ કરવો પડશે. થોડા મહિના ટ્રીટમેન્ટ ચાલશે.’
‘હાશ ! જો હું નો’તી કહેતી કે પ્રભુ સૌ સારાવાનાં કરશે.’ અને લક્ષ્મીબહેને ઘનશ્યામભાઈને વાત કરી.
‘લક્ષ્મી ! અત્યારે એ બંનેને આપણી ખૂબ જરૂર છે. બોલવામાં ખૂબ ધ્યાન રાખજો. વાસંતીને ઓછું ન આવી જાય. ઘરના બીજાં સભ્યોને પણ કહી દેજો.’ કહી નમન સાથે ઑફિસે જવા નીકળ્યા.
‘બેટા, નમન ! તારી બાએ આજે કહ્યું કે વાસંતીને ટ્રીટમેન્ટની જરૂર છે. બેટા ! જરા પણ ગભરાતો નહીં. વાસંતીની પડખે ઊભો રહેજે.’ નમન પહેલાં ચમક્યો ને પછી નિખાલસતાથી એક પુરુષમિત્ર બીજા પુરુષમિત્રને કહે તેમ બોલ્યો :
‘બાપુજી ! કેમ માની લીધું કે વાસંતીમાં જ ખોડ હશે ?’
ઘનશ્યામભાઈ સ્તબ્ધ બની તેના મજબૂત હટ્ટાકટ્ટા દીકરા સામે જોઈ રહ્યા ને બોલી પડ્યા, ‘તું શું કહે છે ?’
‘હા, બાપુજી ! મારામાં ખોડ છે. મારા શુક્રાણુઓ ઓછા પડે છે.’
‘પણ, પણ એ બને જ કેમ ? આપણા પરિવારમાં હજી સુધી એવું બન્યું જ નથી.’ જાણે નમને વિસ્ફોટક વાત કરી ન હોય !
‘બાપુજી ! ડૉક્ટરે ઈલાજ બતાવ્યો છે. પણ ગૅરંટી નથી. મારા મનમાં ગડમથલ ચાલી રહી છે કે વાસંતીને આઝાદ કરી દઉં.’
‘ના, ના !’ ઘનશ્યામભાઈનો અવાજ ફાટી ગયો, ‘નમન ! બેટા, એ મારી વહુ નહીં, દીકરી છે. તારી બાની તો લાડકી છે. આવો વિચાર તને આવ્યો જ કેમ ? તું ચિંતા ન કર. અમે બંને તમારી પડખે છીએ. અને ઈલાજ કદાચ ફેઈલ ગયો તો શું થયું ? દુનિયામાં ઘણા માનવીઓ બાળક વગર જીવે છે. ખબરદાર ! ફરી આમ બોલ્યો તો. જો ડૉક્ટરે કહ્યું છે ને કે કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર ઈલાજ કરાવવાનો છે ? બસ, તું હવે ચિંતારહિત બની જા. દઢ મનથી શંકરભગવાનની આરાધના કરી ઈલાજ કરાવ. પણ તારી પ્રામાણિકતાને દાદ દઉં છું. આજથી તું મારો પરમ મિત્ર !’

એપોઈન્ટમેન્ટ પ્રમાણે વાસંતી અને નમન ડૉક્ટર પાસે ગયા. જે ઈલાજ માટે ક્રિયા-પ્રક્રિયા કરવાની હતી તે ડૉક્ટરે કરી ને કહ્યું : ‘હવે ફર્ટીલાઈઝ થાય ત્યાં સુધી રાહ જોવાની છે. એ પછી આગળ વધીએ.’ ધનશ્યામભાઈ ને લક્ષ્મીબહેન નમન અને વાસંતીને પ્રસન્ન રાખવા અથાગ પ્રયત્નો કરવા લાગ્યા. છતાંય નમનના મન પર ભાર હતો. શું થશે ? સફળ થવાશે ? એવા જ વિચારો આવતા રહ્યા. અને એક દિવસ ડૉક્ટરનો ફોન આવ્યો, ‘મિ. ને મિસીસ શાસ્ત્રી, ક્લિનિકમાં આવી જાઓ.’
ધડકતા દિલે બંને ક્લિનિકમાં પ્રવેશ્યા.
ડોક્ટર થોડા ગંભીર હતા. નમનનું દિલ બેસવા-ડૂબવા લાગ્યું. ડૉક્ટર બંનેને ઈન્ક્યુબેશન રૂમમાં લઈ ગયા. પાંચ ડીશ સામે પથરાયેલી હતી. બોલવા ગયા એટલે નમન બોલ્યો :
‘ડોક્ટર તમારાથી ખૂબ નાનો છું. નમન જ કહો.’
‘નમન ! જો મેં એક જ ડીશ બનાવી હોત તો આજે આપણો પ્રયોગ નિષ્ફળ જાત. પણ મેં પાંચ ડીશ બનાવી. ને જુઓ એકમાં ફર્ટીલાઈઝેશન થયું છે. ગુડ ન્યૂઝ ! મેં કહ્યું તેમ તમે તૈયાર થઈને આવ્યા છો ને ? આજે જ ગર્ભપ્રદાન કરવાનું રહેશે.’
‘ડૉક્ટર ! કેટલા મહિને ખબર પડશે ?’ વાસંતીએ પૂછ્યું.
‘બસ. આવતા મહિને. ગૉડ બ્લેસ યુ !’
‘ડૉક્ટર !’ નમન બોલ્યો, ‘તમે ભગવાનમાં માનો છો ?’
‘એની મરજી વગર ક્યાં કશું થાય છે ? આ ઈલાજની સફળતામાં તેનો જ હાથ છે ને ? હું ડૉક્ટર બની આ બધું શીખ્યો ક્યાંથી ? તેમના પ્લાન મુજબ જ ને !’

આનંદિત હૈયે બંને બહાર આવ્યા.
વાસંતી બોલી, ‘બોલ, નમન ! જોયું વિશ્વાસનું ફળ ? વૈજ્ઞાનિક દષ્ટિએ તારો વિશ્વાસ ફળ્યો, અધ્યાત્મિક દષ્ટિએ મારો. બોલ, બાળકનું નામ શું રાખશું ? વિશ્વાસ ?’ મહિનો આખો નામ શું રાખવું તેની દ્વિધામાં વીતી ગયો. રોજ સવારની પૂજા થતી રહી ને એ દિવસે પૂજામાંથી જ મહિનો પૂરો થઈ ગયો હતો ને વાસંતીને ઉબકો આવતાં, ઊભી થઈ તે બાથરૂમમાં દોડી. લક્ષ્મીબહેનની ઘંટડી વગાડતો હાથ થંભી ગયો. પ્રાર્થના પૂરી થઈ ન શકી. ઘનશ્યામભાઈ વાસંતીની તબિયતે ચિંતિત થઈ ગયા. નમન ગભરાઈ ગયો. બાપ-દીકરો બંને ઊભા થઈ ગયા.
‘અરે ! નમન બેટા ! જલદી ડૉક્ટરને બોલાવો.’ ઘનશ્યામભાઈનો સ્વર ધ્રુજી ઊઠ્યો. લક્ષ્મીબહેન મરક મરક હસી રહ્યાં ને પછી બોલ્યાં :
‘બેસી જાઓ, બંને બુદ્ધુ જ રહ્યા. પૂજા પૂરી કરો. આપણે ઘેર લાલો આવવાનો છે.’
ઘનશ્યામભાઈ ફક્ત ‘હેં !’ કહી બેસી પડ્યા.
નમન હર્ષઘેલો થઈ બાથરૂમ તરફ દોડી ગયો.