પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી

[ કવિ-ગઝલકાર શ્રી જાતુષભાઈ જોશીની અત્યંત સુંદર ગઝલોના પુસ્તક ‘પશ્યંતીની પેલે પાર…’ માંથી કેટલીક કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ જાતુષભાઈનો (વઢવાણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824551651 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલના અંતે આપવામાં આવી છે.]

[1]
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફક્ત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

[2]

તું નર્યા આનંદની કરજે સખાવત,
એક પળમાં થઈ જશે એની ઈબાદત.

આ તરફ, પેલી તરફ ખેંચી રહ્યાં છે,
બે ધ્રુવોની અધવચાળે હું યથાવત.

તેજ છોડીને પ્રવેશું હું તમસમાં,
ઝરમરે ત્યાં એ જ, કોઈ ક્યાં તફાવત ?
આ સમયની સાદડી સંકેલ, સાધુ;
શેષ ના રે’શે કશું આગત-અનાગત.

આ જગત પણ ગીત જેવું થઈ જવાનું,
છોડ સઘળાં સાજ ને સાંભળ અનાહત.

[3]

જે હતા તે ફક્ત પરપોટા હતા,
ટૂંકમાં, આંસુ બધા ખોટા હતા.

કાં હવા મારા તરફ આવી નહીં ?
હાથમાં મારાય ગલગોટા હતા.

સાવ કંટાળી પ્રભુ પથ્થર થયો,
દુઃખ એનાં કેટલાં મોટાં હતાં.

સુખ અને દુઃખને તપાસ્યાં તો થયું,
એક મનના બે અલગ ફોટા હતા.

માપવા બેઠો અને માપી લીધા,
જે બધાના નામ મસમોટાં હતાં.

[ કુલ પાન : 102. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પ્રકાશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કોથળો છે હાડચામનો – ભાણ સાહેબ
અધ્યાત્મવિદ્યામાં સંશોધન અને વિકાસ – ભાણદેવ Next »   

8 પ્રતિભાવો : પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી

 1. Sandhya Bhatt says:

  મોટા ભાગની ગઝલો માણવા-પરમાણવા લાયક છે,તે આ સંગ્રહને વિશેષ બનાવે છે.

 2. rachana vyas says:

  ખુબ સરસ કાવ્યો માણ્યા.બસ આ જ રેીતે લખતા રહો.તે શુભકામના

 3. dikpalsinh jadeja says:

  આ કવિનેી કવિતા ગુજરાતેીને અભરે ભરશે…

 4. અર્થસભર શીર્ષક અને એવી જ પ્રગલ્ભ,વિચારતા કરે મૂકે એવી ગઝલો,તાજગીસભર રજૂઆત.કવિ જાતુષ જોશીની કવિતા ખરેખર ગુજરાતીને અભરે ભરશે.અભિનંદન જાતુષ

 5. krishna bhatt says:

  જતુસ ભાઇ. મે ન દિ ને જિવવા નિ રિત પુચ્હિ હતિ

 6. Kalidas V. Patel { Vagosana } says:

  જાતુશભાઈ,
  સચોટ ગઝલો આપી. ત્રીજી વિશેષ ગમી.આપણાં દુઃખો આટલાં મોટાં હોય તો આપણા સૌના પિતા એવા પ્રભુનાં દુઃખો તો અધધધ જ હોય ને ? પછી એ પથ્થર ન બને તો જ નવાઈ ને ? ખરેખર તો સુખ અને દુઃખને નિર્લેપ ભાવથી જોવાની જરુર છે.ખરુને?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 7. jigna trivedi says:

  ગઝલ માણવાનેી મજા આવેી.

  • bhargav j. trivedi says:

   ગુજરાતિ ભાષા
   ની સેવા માટે અભિનન્દન્.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.