પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી

[ કવિ-ગઝલકાર શ્રી જાતુષભાઈ જોશીની અત્યંત સુંદર ગઝલોના પુસ્તક ‘પશ્યંતીની પેલે પાર…’ માંથી કેટલીક કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ જાતુષભાઈનો (વઢવાણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824551651 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલના અંતે આપવામાં આવી છે.]

[1]
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફક્ત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

[2]

તું નર્યા આનંદની કરજે સખાવત,
એક પળમાં થઈ જશે એની ઈબાદત.

આ તરફ, પેલી તરફ ખેંચી રહ્યાં છે,
બે ધ્રુવોની અધવચાળે હું યથાવત.

તેજ છોડીને પ્રવેશું હું તમસમાં,
ઝરમરે ત્યાં એ જ, કોઈ ક્યાં તફાવત ?
આ સમયની સાદડી સંકેલ, સાધુ;
શેષ ના રે’શે કશું આગત-અનાગત.

આ જગત પણ ગીત જેવું થઈ જવાનું,
છોડ સઘળાં સાજ ને સાંભળ અનાહત.

[3]

જે હતા તે ફક્ત પરપોટા હતા,
ટૂંકમાં, આંસુ બધા ખોટા હતા.

કાં હવા મારા તરફ આવી નહીં ?
હાથમાં મારાય ગલગોટા હતા.

સાવ કંટાળી પ્રભુ પથ્થર થયો,
દુઃખ એનાં કેટલાં મોટાં હતાં.

સુખ અને દુઃખને તપાસ્યાં તો થયું,
એક મનના બે અલગ ફોટા હતા.

માપવા બેઠો અને માપી લીધા,
જે બધાના નામ મસમોટાં હતાં.

[ કુલ પાન : 102. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પ્રકાશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “પશ્યંતીની પેલે પાર…. – જાતુષ જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.