- ReadGujarati.com - http://www.readgujarati.com -

વિન્સેન્ટ – ડૉ. સુધીર શાહ

[ વ્યવસાયે એડવોકેટ અને પરદેશના વીઝા માટે માર્ગદર્શન આપનાર ‘જન્મભૂમિ પ્રવાસી’ના કટાર લેખક ડૉ. સુધીરભાઈનો (મુંબઈ) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9820419469 અથવા આ સરનામે sudhirshah1940@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]અ[/dc]મેરિકન આર્ટ કલેક્ટર હેન્રી, ચિત્રકાર વિન્સેન્ટનું સનફલાવર ધારીધારીને જોતો હતો. વસંતઋતુની શરૂઆત થતાં જ એમસ્ટરડેમના બગીચાઓ રંગબેરંગી ફૂલોથી છવાઈ જાય છે. જાણે કે કુદરતે રંગીન ગાલીચો પાથર્યો હોય એવો ભાસ થાય છે. મનમોહક ટ્યુલિપ્સની સાથે જે સનફલાવરના ફૂલો ખીલે છે એના પીળા રંગ તો સ્ત્રીઓને સોનાનો ચળકાટ ભૂલાવી દે છે. ચિત્રકારો ટ્યુલિપ્સના ચિત્રો ભલે અસંખ્ય દોરે પણ સનફલાવરનું એકાદ ચિત્ર દોરવાની લાલચને તેઓ રોકી નથી શકતા.

વિન્સેન્ટના ફૂલોના ચિત્રોના રંગો એવા આબેહૂબ હોય છે કે એ જોતાં એમ જ લાગે કે હમણાં જ કોઈ મધમાખી કે પતંગિયું એની ઉપર આવીને બેસશે. વિન્સેન્ટ પ્રવાસીઓને એના ચિત્રો વેચવાની વર્ષોથી કોશિશ કરે છે પણ ડિજિટલ કૅમેરાના સમયમાં પ્રવાસીઓ કેનવાસને બદલે ફૂલોને કૅમેરામાં કંડારી લેવાનું ઉચિત સમજે છે. વિન્સેન્ટના ચિત્રો કોઈ ખરીદતું નથી. વિન્સેન્ટે હેન્રીને કહ્યું :
‘તમે કળાના કદરદાન લાગો છો. પેન્ટિંગ્સની ઓળખ પણ ધરાવતા હો એવું જણાય છે.’
‘હા, હું એક આર્ટ કલેક્ટર છું.’
‘ઓહ, તો તો મારું આ ચિત્ર તમને જરૂર ગમ્યું હશે. હું ફક્ત સો યુરોમાં એ તમને આપવા તૈયાર છું.’

કોઈ નવોસવો ચિત્રકાર પણ આજના જમાનામાં સો યુરોમાં જગપ્રસિદ્ધ ચિત્રકાર વાન ગોહના સનફલાવરની નકલ ન વેચે. પણ જીવનકાળ દરમ્યાન જેનું એક પણ ચિત્ર વેચાયું નહોતું અને મૃત્યુબાદ જેને અપ્રતિમ ખ્યાતી મળી હતી અને જેના ચિત્રો કરોડોમાં વેચાયા હતા એવા વાન ગોહની જેમ આજ સુધીમાં વિન્સેન્ટનું પણ એક પણ ચિત્ર વેચાયું ન હોવાના કારણે વિન્સેન્ટ એનું ચિત્ર પાણીના ભાવે પણ વેચવા તૈયાર થયો હતો. એના માટે તો ફક્ત એનું ચિત્ર વેચાય, એના ચિત્રને કોઈ ખરીદે, એ જ બહુ મોટી વાત હતી. પૈસાની એને પરવા નહોતી. વાન ગોહની જેમ એ નિર્ધન નહોતો.
‘સૉરી, હું આર્ટ કલેક્ટર છું પણ ઓરિજિનલ પેન્ટિંગ્સ જ ખરીદું છું. તમારું ચિત્ર તો વાન ગોહની નકલ છે.’
વિન્સેન્ટ જાણતો હતો કે એણે દોરેલું ચિત્ર આબેહૂબ વાન ગોહના સનફલાવર જેવું જ છે. કુદરતી રીતે જ એની આંખો વાન ગોહે વાપરેલા રંગો ઉપર જ ઠરતી હતી અને પીંછી આપોઆપ જ વાન ગોહની જેમ સરકતી હતી.
‘અચ્છા તો ફક્ત પચાસ યુરોમાં વાન ગોહની નકલ ખરીદી લો.’
‘સૉરી, મેં આપને કહ્યું ને કે હું ઓરિજિનલ પેન્ટિંગ્સ જ ખરીદું છું.’
‘ઓકે. તો આ પેન્ટિંગ્સ ભેટ તરીકે તો સ્વીકારશોને ?’
‘થેન્કસ, પણ મને એની ખરેખર જરૂર નથી, પણ હા, આર્ટના જાણકાર તરીકે મારે તમને જણાવવું જોઈએ કે તમારું પેન્ટિંગ આબેહૂબ વાન ગોહના સનફલાવરની નકલ છે. તમે એને સહેલાઈથી વાન ગોહમાં ખપાવી શકો છો અને એવું ખોટું ન કરો તોય આબેહૂબ નકલ તરીકે એને સારી કિંમતમાં વેચી શકો છો.’
‘ખરેખર ? તમે આ પેન્ટિંગને વેચી શકશો ?’ વિન્સેન્ટની આંખો ચમકી ઊઠી.
‘આવતા અઠવાડિયે લંડનમાં સોથબીએ વાન ગોહે દોરેલા ચિત્રોની નકલોનું લિલામ યોજ્યું છે. જો તમે ઈચ્છો તો હું તમારું આ પેન્ટિંગ ત્યાં વેચવાની કોશિશ કરીશ.’

એ રાત્રે વિન્સેન્ટને ઊંઘ ન આવી. આખી રાત લંડનના વિખ્યાત ઑકશન હાઉસમાં એનું ચિત્ર ખરીદવા માટે બોલી લગાવનારાઓની પડાપડીના દશ્યો જ એણે જોયા. બીજો આખો દિવસ પણ એને એનું ચિત્ર ઊંચા દામે વેચાયું એવા દિવાસ્વપ્નો વારંવાર દેખાયા. એ દિવસે એણે આખી જિંદગીમાં ન પીધો હોય એટલો વાઈન પીધો અને સાંજે એમસ્ટરડેમના જે વિસ્તારની નજીક પણ એ ફરક્યો નહોતો એવા રેડ લાઈટ એરિયા ભણી એના પગ એને ખેંચી ગયા. ત્યાં બારીઓમાં બેઠેલી વેશ્યાઓમાંથી એકનું આમંત્રણ સ્વીકારીને એણે જીવનમાં પ્રથમ વાર વેશ્યાગમન કર્યું. બ્રોથેલમાંથી બહાર નીકળતાં જે સ્ત્રીએ આખી રાત કાન કરડી કરડીને એને ઉત્તેજિત કર્યો હતો એનું સહાજિક રીતે જ નામ પૂછતાં એને જાણ થઈ કે જેની સાથે એણે રાત્રી વીતાવી હતી એ સ્ત્રીનું નામ રોશેલ હતું. વાન ગોહની માનીતી વેશ્યાનું નામ પણ રોશેલ જ હતું. વિન્સેન્ટને વિધિની વિચિત્રતા ઉપર હસવું આવ્યું.

લંડનના સોથબી ઑક્શન હાઉસમાં આટલી ધમાલ ક્યારેય થઈ નહોતી. વિન્સેન્ટનું પેન્ટિંગ જ્યારે લિલામ માટે ખરીદારોને દર્શાવવામાં આવ્યું ત્યારે એમાંના કોઈ પણ એ માનવા જ તૈયાર નહોતા કે પેન્ટિંગ વાન ગોહે દોરેલું ઓરિજિનલ સનફલાવર નથી. વાન ગોહ પણ એના પેન્ટિંગ્સ ઉપર વિન્સેન્ટ નામ જ લખતો હતો. ઑક્શન હાઉસને શંકા ગઈ કે કદાચ લંડનની નૅશનલ ગૅલેરી ઑફ આર્ટ્સમાંથી ચોરાયેલું વાન ગોહનું સનફલાવર આ જ પેન્ટિંગ હોઈ શકે. હેન્રી ઉપર એ બાબતનું આળ મૂકવામાં આવ્યું અને ઑકશન હાઉસે પેન્ટિંગના પારખનારાઓને બોલાવ્યા. તેઓ બધા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમના મત પ્રમાણે એ પેન્ટિંગ હતું તો વાન ગોહે દોરેલું સનફલાવર જ, પણ એમને સમજ નહોતી પડતી કે એના રંગો શા માટે તાજા દેખાતા હતા અને શા માટે વાન ગોહનું આ પેન્ટિંગ હેન્રી, વાન ગોહની નકલ છે એમ ખપાવીને નજીવા દામે વેચવા માગતો હતો. પેન્ટિંગની લિલામી બંધ રાખવામાં આવી. હેન્રીને અટકમાં લેવામાં આવ્યો. નૅશનલ ગૅલેરી ઑફ આર્ટવાળાઓએ આ બાબતમાં વધુ જાણકારી મેળવવાની ઈચ્છા દર્શાવી. વિન્સેન્ટને આ વાતની જાણ થતાં એ ખૂબ જ નિરાશ થઈ ગયો. માંડ માંડ એનું એક પેન્ટિંગ વેચાવાની અણી પર હતું એ લિલામ પણ અટકી ગયું.

એ રાત્રે એ ફરી પાછો રોશેલ પાસે ગયો. અંગત કારણસર રોશેલે એને એ રાત્રે સ્વીકારવાની ના પાડી. વિન્સેન્ટ આથી બેબાકળો થઈ ગયો. એને પોતાની જાત ઉપર, પેલી વેશ્યા ઉપર અને આખી દુનિયા ઉપર ગુસ્સો આવ્યો. ગુસ્સાના આવેશમાં એણે રોશેલે જેની સાથે ખૂબ રમત કરી હતી એ ડાબો કાન કાપી નાખ્યો અને રૂમાલમાં વીંટાળીને એને વિન્ડો બ્રોથેલમાં ફેંક્યો. આમ છતાં એના મનમાં ઉપન્ન થયેલા ઉદ્વેગે એને જંપવા ન દીધો. એ ટ્યુલિપ્સના બાગોમાં પહોંચી ગયો અને પીંછી લઈને કેનવાસ પર ચિત્ર દોરવાનો એણે નિષ્ફળ પ્રયત્ન આદર્યો, ‘હું વાન ગોહ જેટલો જ સારો ચિત્રકાર છું, એના જેવા જ ચિત્રો દોરું છું, તે છતાં મારા ચિત્રો કેમ કોઈ ખરીદતું નથી ?’ કળાની કદર ન થાય તો એનું જીવન એળે ગયું છે એવું એને લાગે છે. વિન્સેન્ટના મગજમાં ઘમસાણ મચી ગયું. એના મનમાં વારંવાર સવાલ ઉઠતા હતા કે : શા માટે સમાજ હંમેશા ચિત્રકારની કદર એના મૃત્યુ બાદ જ કરે છે ? શું એના ચિત્રોની કદર પણ વાન ગોહની જેમ એના મૃત્યુ બાદ જ થશે ?’ આવો વિચાર આવતાં જ એના મગજમાં એક ઝબકારો થયો, ‘જો હું આજે મૃત્યુ પામું તો મારું લિલામમાં મૂકાયેલું પેન્ટિંગ જરૂરથી વેચાશે.’ આ વિચાર આવતાંની સાથે જ પાસે પડેલી છરી એણે પોતાની છાતીમાં હુલાવી દીધી.

એ જ દિવસે લંડનની નૅશનલ ગૅલેરી ઑફ આર્ટના માંધાતાઓએ એમની વિન્સેન્ટના સનફલાવરની ચકાસણી પૂરી કરી અને જાહેર કર્યું કે એ પેન્ટિંગ વાન ગોહનું ચોરાયેલું સનફલાવર નહોતું પણ વિન્સેન્ટે જાતે દોરેલું આબેહૂબ વાન ગોહના સનફલાવર જેવું જ ચિત્ર હતું. વધુમાં એમણે એ પણ જાહેર કર્યું કે ગુણવત્તાની દષ્ટિએ વિન્સેન્ટનું એ ચિત્ર વાન ગોહના સનફલાવર કરતાં અનેકગણું ચડિયાતું હતું. હેન્રીને મુક્ત કરવામાં આવ્યો. વિન્સેન્ટના ચિત્રની લિલામી ફરી શરૂ કરવામાં આવી, પણ એ પહેલાં ટીવી અને અખબારોએ વિન્સેન્ટે એની છાતીમાં પોતે જ છરી હુલાવી દીધી હતી એ તેમજ વિન્સેન્ટનું એ ચિત્ર ગુણવત્તાની દષ્ટિએ વાન ગોહ કરતાં પણ ઉત્તમ હતું – એ વાતોની જાહેરાત કરી દીધી હતી.

વિન્સેન્ટનું સનફલાવર, જેણે ભેટ તરીકે પણ સ્વીકારવાની ના પાડી હતી એ જ હેન્રીએ લિલામમાં, વાન ગોહનું સનફલાવર જે કિંમતમાં વેચાયું હતું એનાથી પણ વધુ કિંમતે ખરીદી લીધું. ઓરિજિનલ પેન્ટિંગનો સંગ્રહકાર હેન્રી આ ખુશખબર આપવા અને વિન્સેન્ટના આજ સુધીના દોરેલા બધા જ પેન્ટિંગ્સો ખરીદવા જાતે જ વિન્સેન્ટ જ્યાં સારવાર લઈ રહ્યો હતો એ હૉસ્પિટલમાં ગયો. ઘા રૂઝાઈ જવાના કારણે વિન્સેન્ટને એ સવારે જ ડિસ્ચાર્જ મળ્યો હતો. આનંદિત વિન્સેન્ટ અને ઉત્સાહી હેન્રી, બેઉ સાથે જ વિન્સેન્ટના ઘરે ગયા. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને વર્ષોથી અંદર સંઘરાઈને પડેલા બધા જ પેન્ટિંગ્સો કોઈ ઉઠાવી ગયું હતું !