પરિપૂર્ણ – રેણુકા પટેલ
[ લેખિકાના તાજેતરમાં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘વૅન્ટિલેટર’માંથી વધુ એક વાર્તા આજે માણીએ. આપ રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો.]
[dc]સાં[/dc]જ ઢળી ગઈ તોય નંદિતા બાલ્કનીમાં ખુરશી ઢાળીને બેસી રહી. નીચે રસ્તા પરની અવરજવર પણ હવે વધવા લાગી છે. આમ તો નંદિતાના ફલૅટનું બિલ્ડિંગ મુખ્ય રસ્તાની અંદર ફંટાતી ગલીમાં છે એટલે મોટાં વાહનોની તો ખાસ અવરજવર નહીં પણ નાનાં વાહનોના કર્કશ ધ્વનિના લીધેય વાતાવરણમાં ઘોંઘાટ લાગી રહ્યો છે. રોજ તો નંદિતા આ સમયે ઑફિસમાં જ હોય પણ આજે તો પપ્પા જવાના હતા એટલે એ કામ પર ગઈ જ નથી. ઍરપોર્ટથી પપ્પાને મૂકીને એ આવી અને આવી ત્યારની બાલ્કનીમાં બેઠી છે. અંદર જવાનું મન થતું નથી. ઘરમાં ધીમેધીમે છવાઈ રહેલો અંધકાર જાણે નંદિતાના હૃદયનેય ભરડો લઈ રહ્યો છે. આટલા અવાજની વચ્ચેય શૂન્યતા છવાઈ ગઈ છે. પપ્પાના જવાથી જો આટલી એકલતા લાગશે એમ ખબર હોત તો એમને જવા જ ન દીધા હોત. જોકે એણે પ્રયત્ન તો કર્યો જ હતો.
‘ન જશો… રહી જાઓ….’ કાલે રાત્રે જ એણે પપ્પાને કહ્યું હતું.
‘અને મારી ફલાઈટની ટિકિટ ?’
‘એ તો કૅન્સલ પણ કરાવી શકાય….’
‘પછી ?’
‘પછી શું ? પછી તમારે અહીં રહેવાનું…. મારી સાથે….’
કામવાળી કાલે સાંજે આવી ન હતી. પપ્પા એ વખતે રસોડાની સીકમાં વાસણ સાફ કરી રહ્યા હતા. નંદિતા બાજુમાં ઊભીઊભી વાસણો વીછળી રહી હતી. પપ્પાના હાથ એકદમ રોકાઈ ગયા. તે બાજુમાં ફરી ગયા નંદિતાની બરાબર સામે…
‘કેમ ? બીક લાગે છે ?’
નંદિતા કાંઈ બોલી નહીં. નીચું જોઈને વાસણ વીછળતી રહી. પપ્પાએ પોતાના બન્ને હાથ ધોઈ નાખ્યા અને સીકનો નળ બંધ કર્યો અને નંદિતાના ભીના હાથ પોતાના હાથમાં લીધા.
‘જો બેટા, દરેક માણસ ગમે તેટલી ભીડમાં રહેતો હોય, મેળામાં જીવતો હોય, કે લોકો વચ્ચે ઘેરાઈને રહેતો હોય મનના ક્યાંક કોઈ ખૂણે તો એકલો જ જીવે છે.’
‘પણ તમારે ત્યાં દિલ્હીમાં કામ શું છે ? અહીં જ રહો ને… મારી સાથે….’
‘ત્યાં મારું કામ છે નંદિ…. હું એ છોડીને કેટલા દિવસ અહીં રહું ?’
‘પછી ભલે હું અહીં એકલી-એકલી ડુંગર નીચે દબાઈ મરું…..’
‘નહીં મરે તું… ચિંતા ન કર…. હા, તું થોડી ઢીલી ચોક્કસ થઈ ગઈ હતી અને એટલે જ હું તરત અહીં આવી ગયો. પણ હવે મને ખબર છે તું બહાર નીકળી ગઈ છે. બી બ્રેવ બેટા, બધું ઓ.કે. છે.’ અને તે ફરીથી વાસણ સાફ કરવા લાગ્યા.
કદાચ પપ્પા સાચા છે અથવા તો નથી પણ નંદિતાને એ બરાબર ઓળખે છે. ખરાબ સમયને પાછળ છોડીને આગળ નીકળી જવાની નંદિતાની ક્ષમતાની એમને જાણ છે પણ નંદિતા તોય આશ્વસ્ત નથી. રાહુલ સાથેના સમયને ખરાબ સમજીને સાવ જ ભૂલી જવો એ કદાચ એના માટે શક્ય નથી. પપ્પા સાથે હોય તો કદાચ એ શક્ય બને. પણ પપ્પાની વાત થોડી ન્યારી છે. દિલ્હીમાં કોઈ પગ માથા વિનાની ફાલતું એન.જી.ઓ.માં એ ડાયરેક્ટર છે. આમ તો આવા સ્થાને કોઈ સ્ત્રી હોય પણ લોકોએ હોંશે હોંશે આ પદ તેમને સોંપ્યું છે અને પપ્પાય આખાય એન.જી.ઓ.નો ભાર પોતાના માથે લઈને ફરે છે. પોતાના એવા કામને એ અનહદ પ્રેમ પણ કરે છે. નંદિતાની સાથે એટલે તો એ રહેતા નથી. હા, જ્યારે-જ્યારે નંદિતાને જરૂર હોય ત્યારે-ત્યારે નંદિતાની પાસે આવી જાય પણ પછી તરત જ દિલ્હી પાછા જવા તૈયાર. નિર્ણય લેવાની અને તેને વળગી રહેવાની દઢતા પપ્પા પાસેથી નંદિતાને વારસામાં મળી છે. પપ્પાએ પણ હંમેશાં નંદિતાના દરેક નિર્ણયને માન આપ્યું છે. પછી એ નંદિતાનો પૉલિટિકલ સાયન્સ છોડીને સૉફ્ટવેર શીખવાનો નિર્ણય હોય કે પછી દિલ્હી છોડીને મુંબઈ જોબ લેવાનો નિર્ણય હોય કે પછી રોહિતની સાથે રહેવાનો નિર્ણય હોય….. કાંઈ પણ હોય, પપ્પાએ ક્યારેય નંદિતાનો સાથ છોડ્યો નથી.
નંદિતા બાલ્કનીમાંથી ઊભી થઈને અંદર બેડરૂમમાં આવી અને હાથ લાંબો કરીને સ્વિચ ઓન કરી. સામે લાકડાની પાટ પર જ પપ્પાનો હાઉસકોટ પડ્યો હતો. હમણાં જતી વખતે એમણે કપડાં બદલ્યાં ત્યારે ઉતારીને ત્યાં મૂક્યો હશે. કદાચ એ ભૂલી ગયા હતા. પાટ ઉપર બેસીને નંદિતાએ કોટ હાથમાં લીધો. પપ્પાના પ્રિય પર્ફ્યુમની આછી સુગંધ તેની આસપાસ ફરી વળી. થોડી મિનિટો સુધી તે હાઉસકોટના રેશમી પોત પર હાથ ફેરવી રહી. આ વખતે પપ્પા સાથે બહુ વાતો થઈ હતી. એ આ વખતે તો આરામથી રોકાયા પણ ઘણું…. જાણે કે પાછા જવાની ઉતાવળ જ ન હોય. નંદિતા ઑફિસથી આવે એટલે બંને જમીને મોડે સુધી સાથે બેસી રહેતાં. ક્યારેક કેટલીય વાતો કરતાં રહેતાં તો ક્યારેક ચૂપચાપ….. પપ્પાથી તો આમેય કશું છૂપું ન હતું પણ તોય નંદિતા તો જાણે હૈયું ખાલી કરવા જ બેઠી હોય એમ કલાકો સુધી બોલ્યા કરતી…. ક્યારેક ક્યારેક તો આખી રાત… પપ્પા ધીરજપૂર્વક સાંભળતા, સાંભળ્યા કરતા…. નંદિતાનો હાથ હાથમાં લઈને….. અથવા તો પ્રેમથી તેના માથે હાથ ફેરવતાં….. રોહિતના ચાલ્યા જવાથી નંદિતાના જીવનમાં જે ખાલી ખૂણો સર્જાયો હતો તેને પૂરવા એ ભરચક પ્રયત્ન કરી રહ્યા હતા.
‘ભૂલી જા એને…. ક્યાં સુધી એની પાછળ ગાંડાં કાઢીશ ?’
એ દિવસે રવિવાર હતો. નંદિતાને ઑફિસમાં રજા એટલે સવારથી જ રોહિતપુરાણ લઈને પપ્પાની પાછળ-પાછળ ફરી રહેલી. એમાંય બપોરે જમીને પપ્પા સહેજ આડે પડખે થયા ત્યાં નંદિતાએ તેમને ડિજિટલ કૅમેરામાં રોહિતની તસ્વીરો બતાવવાનું ચાલુ કર્યું. પપ્પા થોડા અકળાઈ ગયા :
‘ભૂલી જા એને…. ક્યાં સુધી એની પાછળ ગાંડાં કાઢીશ ?’
‘ના…. હું એને કદી માફ નહીં કરું…..’
‘તેથી શું ? તું એને માફ કરે ન કરે એને કોઈ ફેર પડતો નથી. તને પડે છે. પછી એને હૃદય પર વેંઢારીને કેમ ફરે છે ? એ તારા દિલ પરનો ભાર છે. ફેંક એને…..’
‘ના પપ્પા, હું એને પ્રેમ કરતી હતી…. દિલથી…. અને…..’
‘અને હજીય કરે છે…. જો નંદિતા, જૂની કહેવત છે માટીના દેવને કોડીની જ આંખ હોય. એ તારે લાયક હતો જ નહીં….’
‘એ તમે હવે મને કહો છો ? તમે છેલ્લી વાર આવ્યા ત્યારે મળ્યા હતા ને એને ? ત્યારે તો તમે કાંઈ બોલ્યા નહીં….’
‘જો હું કહેત તો તું માનત ? બેટા, ભૂલો કરવાની દરેકને સ્વતંત્રતા હોય છે. પણ ભૂલ કરીને તેમાંથી કંઈક શીખીને આગળ વધ દીકરી…. રોહિત તારા જીવનનું પૂર્ણવિરામ તો નથી…..’
નંદિતા પપ્પા સામે જોઈ રહેલી. ઘણી વખત એ એકદમ પ્રેક્ટિકલ વાતો કરે છે. દુનિયામાં બધુંય પ્રેક્ટિકલ છે. જીવનની અસંખ્ય થપાટો સહન કરીને અડગ ઊભેલા પપ્પા જેટલી પ્રેક્ટિકલ વાતો કરે છે એટલી જ પ્રેક્ટિકલ વાતો રોહિત કરે છે. બસ માત્ર નંદિતાને સમજાતું નથી. જીવનના પૂર્ણવિરામ, અલ્પવિરામ વગેરે વિશે નંદિતા ખાસ નથી જાણતી પણ સાથે જીવેલી ક્ષણો, એકમેકને આપેલા સાચાં-ખોટાં વચનો, હાથમાં હાથ લઈને કરેલી પ્રેમની ખાટી મીઠી વાતો વગેરેનું કોઈ તો મૂલ્ય હશે ? કે સઘળુંય સાવ જ કોડીનું ? નંદિતાના માના અવસાન પછી પપ્પાનેય એકલતા સાલી હશે. આખીય દુનિયામાં એ એકલા અને ઉપરથી નંદિતાની જવાબદારી….. માત્ર આ પ્રેક્ટિકલ હોવાના કારણે જ એ ટકી ગયા હશે. માની વિદાયને જીવનનું અલ્પવિરામ બનાવી એ આગળ નીકળી ગયા હશે અને બધુંય પ્રયત્નપૂર્વક ધીમેધીમે ભૂલી ગયા હશે. પણ નંદિતા ભૂલતી નથી. ભૂલી શકતી નથી. જેમ પપ્પા આજે હાઉસકોટ ભૂલી ગયા છે તેમ રોહિત પણ ભૂલી ગયો હતો, ઘણુંબધું….. એનું mp3 પ્લેયર, એનું બ્રાઉન બ્લેઝર, એનું શેવિંગ ફોમ, એની બાથરૂમ સ્લીપર અને બીજું કેટલુંય…. બધું કેટલાય દિવસ સુધી અટવાતું રહેલું….. ઘરમાં અને નંદિતાની નજરોમાં પણ… અને પછી પપ્પા આવ્યા.. તેમણે એ બધુંય એક કાળી બૅગમાં ભરીને ખૂણામાં મૂકી દીધું, પણ રોહિત ? એ તો તોય અટવાતો જ રહ્યો…. આખા ઘરમાં ગમે ત્યારે. ગમે ત્યાં… પપ્પા તો જોકે પહેલેથી જ આખી વાતની વિરુદ્ધ હતા.
‘તમે લોકો લગ્ન કર્યા વિના સાથે રહેશો ?’
‘હા પપ્પા… એવું જ….’
‘તને નથી લાગતું કે આ ખોટું છે ?’
‘ખોટું ? કેમ…?’
‘બેટા, દરેક સંબંધ, દરેક લાગણી પોતાની સાથે જવાબદારી લઈને આવે છે…. આવા છેડાછૂટા જેવા સાવ જ રિસ્પોન્સિબિલિટી વિનાના સંબંધોમાં હું તો નથી માનતો.’
‘પણ પપ્પા, હું પ્રેમ કરું છું એને….’
‘તો પરણી જા….’
‘પણ એ ના પાડે છે…. એને થોડો સમય જોઈએ છે.’
‘સમય ? શેના માટે ?’
‘અમે બન્ને એકબીજાને થોડું સમજી લઈએ….’
‘સમજવા માટે શરતો ન હોય નંદિતા, જે સંબંધમાં સમર્પણ પાયાની બાબત છે, તે સંબંધની શરૂઆત જ ખોટી રીતે થઈ રહી છે. માટે હું માનું છું કે આ બરાબર નથી, પછી તો તારી મરજી….’
આજે લાગી રહ્યું હતું કે પપ્પા સાચા હતા. એક જ છત નીચે પોતપોતાના કિલ્લામાં સુરક્ષિત બનીને ક્યાં સુધી રહી શકાય ? નંદિતાએ હાઉસકોટ વાળીને બાજુમાં મૂક્યો અને ઘડિયાળ સામે જોયું. સાડા આઠ થવા આવ્યા હતા. તે ઊભી થઈ અને ફલૅટનું બારણું બંધ કરીને દાદરા ઊતરી ગઈ. જ્યારે રોહિત હતો ત્યારે તો બંને સાંજે ઑફિસથી આવીને સાથે મળીને કંઈક રસોઈ કરતાં. સાથે જમતાં અને પછી લટાર મારવા નીકળતાં. સાંજે ફરવા જવું રોહિતને બહુ ગમતું. રસ્તાને અડીને બનેલી ઈંટોથી ફૂટપાથ પર હાથમાં હાથ નાંખીને ચાલવું, થોડાથોડા અંતરે ફૂટપાથ પર લારીવાળાઓ ઊભા રહેતા. એમની પાસેથી ક્યારેક હાજમાહજમનું પાણી પીવું, ક્યારેક ફળોનો તાજો રસ પીવો. ક્યારેક પાણીપૂરી ખાવી તો ક્યારેક નજીકના પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાવો. પણ આજે રોહિત નથી. પપ્પા પણ નથી. નંદિતા એકલી-એકલી ફૂટપાથ પર ચાલતી રહી. બધાં લારીવાળાને એક પછી એક પાર કરતી એ ફૂટપાથના છેવાડે આવેલી નાનકડી રેસ્ટોરાંની અંદર ઘૂસી. રોહિતનું આ ફેવરીટ રેસ્ટોરાં હતું. આમ તો એ હતું નાનું પણ મેક્સીકન ફૂડમાં એની માસ્ટરી હતી. નંદિતા અંદર જઈને ખૂણાના ટેબલ પર બેસી ગઈ. લાગવી તો ન જ જોઈએ પણ ખબર નહીં કેમ ભૂખ લાગી રહી હતી. પપ્પા ફરી યાદ આવી ગયા.
‘મન કેમ ભટકે છે તારું ?’ એ દિવસે પપ્પા અહીં સામે જ બેઠા હતા. નંદિતા પરાણે એમને અહીં ઢસડી લાવેલી.
‘મારું મન ? કેમ ?’
‘કેમ શું ? હું જાણતો નથી ? જે રસ્તે તમે બન્ને રોજ સાથે ફરવા જતાં, જે રેસ્ટોરાંમાં જમવા જતાં, જે થિયેટરમાં પિક્ચર જોવા જતાં, જે સુપરમાર્કેટમાં ખરીદી કરવા જતાં…. છેલ્લાં અઠવાડિયાથી તારી સાથેસાથે તું બધે મને ફેરવી રહી છે… થાકી ગયો છું હવે હું… અહીં બધે ફરવાથી તને શું મળશે ? તારા મનને સ્થિર કર બેટા….’
નંદિતાએ ડોકી હલાવી હતી. બોલવું સહેલું છે. પણ મન એમ કંઈ સ્થિર થતું નથી, હાલ્યા જ કરે છે…. જળમાંના પ્રતિબિંબની જેમ….
વેઈટરે આવીને પાણીનો ગ્લાસ મૂક્યો, સાથે સાથે મેનૂકાર્ડ પણ મૂક્યું.
‘નાચોઝ વિથ રેડ સાલ્સા….’ નંદિતાએ મેનૂમાં જોયા વિના જ ઑર્ડર આપી દીધો.
રોહિતની પ્રિય વાનગી…. વેઈટર ગયો. મગજ જાણે વિચારશૂન્ય થઈ ગયું.
‘મારે તને કંઈક કહેવું છે……’ રોહિતે કહ્યું હતું જ્યારે બન્ને છેલ્લી વાર અહીં આવ્યાં ત્યારે. પેલી બાજુ એકદમ વચ્ચેના ટેબલ પર બન્ને બેઠેલાં. રોહિતે નંદિતાએ એની છેલ્લી વર્ષગાંઠ પર આપેલું આછા વાદળી રંગનું શર્ટ પહેરેલું. રોહિતે આ જ મંગાવેલું. નાચોઝ વિથ રેડ સાલ્સા….
નંદિતા રેસ્ટોરાંની બહાર કાચમાંથી એક નાનકડી બાળકી તેની મમ્મીનો હાથ ખેંચીને કંઈક બતાવી રહી હતી તે જોઈ રહી હતી. તેનું ધ્યાન રોહિત તરફ ન હતું.
‘તને કહું છું નંદિતા…. ધ્યાન ક્યાં છે તારું ?’
નંદિતાએ આંગળી કરીને રોહિતને એ દશ્ય બતાવ્યું. રોહિતે એ તરફ જોયું પણ એને એમાં કાંઈ ખાસ લાગ્યું નહીં. એણે તરત જ મોં ફેરવી લીધું.
‘એમાં શું જોવાનું છે ? તું પણ નંદિતા…. પ્લીઝ મારી વાત સાંભળ…’
‘હા, બોલ…. બાય ધ વે તું આજે હેન્ડસમ લાગે છે…. આ બ્લૂ કલર….’
‘નંદિતા પ્લીઝ….’
‘ઓકે. ઓકે. બોલ….’ નંદિતાએ રોહિતની સામે સીધી નજર માંડી. રોહિતે સામે પડેલા ગ્લાસમાંથી સહેજ પાણી પીધું. ગળું ખંખાર્યું અને કહી નાંખ્યું : ‘આપણે છૂટા પડીએ છીએ નંદિતા…. હું કાલે ફલૅટ છોડીને જઈ રહ્યો છું.’ એક ક્ષણ તો નંદિતાને સમજાયું નહીં પણ પછી ધીમેધીમે તેને કળ વળી.
‘જઈ રહ્યો છું એટલે ? ક્યાં જઈ રહ્યો છું ? મને છોડીને ? કેમ પણ ?’ નંદિતાના ગળામાંથી જાણે કે ચીસ જ નીકળી હતી.
એ દિવસે પ્રશ્નો ઘણા હતા… રેસ્ટોરાંથી પાછા આવતા રસ્તામાં, ઘેર આવીને અને રાત્રે મોડા સુધી જ્યાં સુધી રોહિતને ઊંઘ ન આવી ત્યાં સુધી નંદિતા એને પ્રશ્નો પૂછતી રહી અને એ બોલતો રહ્યો. એની પાસે દરેક પ્રશ્નના જવાબ હતા. એના નિર્ણય બાબતે એ તદ્દન સ્પષ્ટ હતો. હવે એ અને નંદિતા એક છત નીચે રહી શકે એમ ન હતાં. એ નંદિતાને છોડીને જઈ રહ્યો હતો. નંદિતાનાં આંસુ, તેની ધમકીઓ અને એની આજીજી કંઈ પણ રોહિતને રોકી શકે એમ ન હતાં. એ દિવસે નંદિતા આખી રાત જાગતી રહેલી…. માંડ દસ ઈંચ દૂર સૂતા રોહિતને જોઈ રહેલી. બીજે દિવસે સવારે રવિવાર હતો…. રોહિત એ દિવસે વહેલો ઊઠી ગયેલો, જલદીથી તૈયાર થઈને પોતાની બૅગ લઈને જતો રહેલો. એકદમ સરળતાથી… જાણે નંદિતા સાથે કોઈ બંધન હતું જ નહીં. અને વાત સાચી જ ને ? કોઈ બંધન હતું જ ક્યાં ? પપ્પા સાચું કહેતા હતા, છેડાછૂટા જેવા સંબંધો…
જમીને નંદિતા એકલી ચાલતી-ચાલતી ઘેર પાછી આવી. ઈંટવાળી એ જ ફૂટપાથ પર થઈને…. રસ્તામાં એક પછી એક બધી જ લારીઓ પસાર કરીને…. ફલૅટનું બારણું ખોલતાં જ અંદર ઘુમરાઈ રહેલો સૂનકાર જાણે કે તેને આવીને વળગ્યો. ગભરાઈને તેણે લાઈટ ચાલુ કરી. સામે પપ્પા સાથેનો તેનો મોટા કદનો ફોટો હસી રહેલો.
‘આજે તારી મૉમ હોત તો ?’ પપ્પાએ પૂછ્યું હતું. નંદિતા અને પપ્પા સાથે બેસીને કાલે મોડી રાત્રે ટીવી જોઈ રહ્યાં હતાં. પપ્પા સોફા પર અને નંદિતા તેમના ખોળામાં માથું નાંખીને ભોંય પર બેઠેલી. પપ્પાનો સવાલ સાંભળીને તે એકદમ ઊભી થઈ ગઈ. પપ્પા ભાગ્યે જ મૉમને યાદ કરે છે. જાણે કે પોતાના હૃદયના એ ખૂણામાં બીજા કોઈનો પ્રવેશનિષેધ હોય. પણ આજે અચાનક જ મૉમનો ઉલ્લેખ સાંભળીને નંદિતા એકદમ બેઠી થઈ ગઈ.
‘મૉમ હોત તો બેટા ?’ પપ્પાએ ફરી પૂછ્યું.
‘તો ?’
‘તો કદાચ તારા જીવનમાં આ સમય આવ્યો ન હોત.’
‘કેમ ?’
‘કારણ કે પોતાના અને પોતાની સાથે સંકળાયેલા બધાંના જીવન વિશે એ સભાન હતી. આટલી સહજ રીતે તને એ તારી લાગણીઓ, તારી સંવેદનાઓ સાથે રમત રમવા ન દેત. તારું જીવન કેટલું અમૂલ્ય છે એ તને સમજાવત. એ અમારા માટે કેટલું અમૂલ્ય છે એ પણ તને સમજાવત. તું કદાચ મારી સાથે છે એના કરતાં એની સાથે વધુ સહજ બની શકત.’
‘એવું નથી પપ્પા…’
‘એવું જ છે બેટા… ગમે તેમ તોય હું પુરુષ…. સ્ત્રીની સંવેદનાઓની મને શી સમજ ? અત્યારે મને એમ લાગે છે કે તારા ઉછેરમાં મેં ક્યાંક કોઈક ભૂલ તો નથી કરીને ? ક્યાંક કોઈ ક્ષતિ તો નથી રહી ગઈ ને ? કદાચ રહી જ ગઈ હશે નહીં તો તું એક મૂર્ખની જેમ કોઈ વ્યક્તિના પ્રેમમાં પડીને આમ ડિપ્રેશનની કક્ષાએ કેમની પહોંચી જાય ? શું સંજોગો સામે લડવાની તારી શક્તિ ક્ષીણ હશે ? તારી મૉમ ગઈ ત્યારે તો તું સાવ નાની….. બાળઉછેર વિશેનું મારું જ્ઞાન પણ સાવ શૂન્ય. પણ તે છતાંય મેં તો જાણે તને એકલા હાથે મોટી કરવાનું બીડું જ ઝડપેલું. મારી યુવાનીનું ઝનૂન જ હશે અથવા તો હશે કોઈ અકળ ક્ષણે તારી મૉમને મારા મનમાં જ આપેલું વચન….. જે હોય તે….. તને એકલે હાથે હું મોટી તો કરી શક્યો પણ તને સમજી ન શક્યો…. તારા પર મેં મારી ઈચ્છાઓ લાદી નથી પણ તારી ઈચ્છાઓ મૂલવી પણ ન શક્યો. કદાચ ક્યાંક કોઈ ઠેકાણે મારું પિતૃત્વ નિષ્ફળ ગયું છે. હવે અત્યારે આ ક્ષણે તેની છણાવટ કરવી નકામી છે. પણ એક વાત કહું ? જીવન વિશેની એક સાદી સમજ મેં કેળવી છે અને હું માનું છું કે આપણું જીવન ઈશ્વરે આપણને આપેલું વરદાન છે. તારું જીવન એ માત્ર તારું નથી. એની ઉપર તારા જન્મદાતા તરીકે થોડોય પણ મારો હક ખરો. તું તારી ઈચ્છા પ્રમાણે તારું જીવન જીવી શકે પણ તારી ઈચ્છા પ્રમાણે એને વેડફી ન શકે. રોહિત જો તને, તારા પ્રેમને છોડીને એક નવા જીવનમાં ગોઠવાઈ શકે તો તું કેમ નહીં ? સમય સાથે સંકળાયેલી એક ઘટના જે આપણને દુઃખી કરે, આપણી પ્રગતિમાં અંતરાયરૂપ બને તે ઘટનાને સમયના એ જ કાળની પાસે છોડીને આગળ નીકળી જવું એ જ જીવન…. મારી વાત સમજે છે તું ?’ પપ્પાના અવાજના પડઘા ચારે તરફ જાણે નંદિતાને સંભળાઈ રહ્યા, ‘મારી વાત સમજે છે તું ?’ સામે જ તસ્વીરમાં હસી રહેલા પપ્પાની સામે જોઈને નંદિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
સવારે એલાર્મ વાગ્યું એના પહેલાં જ નંદિતા ઊઠી ગઈ. બે દિવસ પછી ઑફિસમાં પ્રેઝન્ટેશન હતું. તેના માટે જરૂરી તૈયારી કરવાની હતી. બ્રશ કરીને માઈક્રોવેવમાં દૂધ ગરમ કરવા મૂક્યું ત્યાં જ બેલ વાગી. તેણે દોડીને બારણું ખોલ્યું.
‘ગાર્બેજ….’ ફલૅટનો જમાદાર હતો. રોજ સવારે દરેક ઘરમાંથી કચરો એકઠો કરીને રોડની સામેની બાજુ ઊભી રહેતી સુધરાઈની ગાડીમાં ઠાલવી દેતો.
‘એક મિનિટ….’ નંદિતાએ કહ્યું. તેણે ખૂણામાં પડેલી પેલી કાળી બૅગ ઉપાડી કે જેમાં રોહિતની ચીજો ભરેલી હતી. બૅગની ચેઈન ખોલીને પોતાના જમણા હાથમાં પહેરેલું બ્રેસલેટ કાઢીને એમાં નાખી દીધું. બારણા પાસે આવીને તેણે જમાદારની સામે મીઠું સ્મિત કર્યું. જમાદારના હાથમાં કાળી બૅગ આપી દીધી અને પછી હળવેથી ફલૅટનું બારણું બંધ કર્યું.



આપની વાર્તા ગમી.ફલો સરસ છે. ભાષા સુંદર અને સરળ છે. ગુડ લક.
હુ પણ હરનિશભાઈ સાથે સહમત છું ખરેખર ખુબજ સુંદર વાર્તા છે.. સુંદર લેખનશૈલી… આખો વાર્તા સંગ્રહ વાંચવો ગમશે…
તારું જીવન એ માત્ર તારું નથી. એની ઉપર તારા જન્મદાતા તરીકે થોડોય પણ મારો હક ખરો. તું તારી ઈચ્છા પ્રમાણે તારું જીવન જીવી શકે પણ તારી ઈચ્છા પ્રમાણે એને વેડફી ન શકે.
સમય સાથે સંકળાયેલી એક ઘટના જે આપણને દુઃખી કરે, આપણી પ્રગતિમાં અંતરાયરૂપ બને તે ઘટનાને સમયના એ જ કાળની પાસે છોડીને આગળ નીકળી જવું એ જ જીવન….
very nice!
Good story……..
રાહુલ સાથેના સમયને ખરાબ સમજીને સાવ જ ભૂલી જવો એ……..
રોહિતના ચાલ્યા જવાથી નંદિતાના જીવનમાં જે ખાલી ખૂણો સર્જાયો હતો તેને પૂરવા એ ભરચક પ્રયત્ન કરી રહ્યા હતા………
After all really good story and flow is excellent with current situation in metro city………
માટીના દેવને કોડીની જ આંખ હોય
સમજવા માટે શરતો ન હોય નંદિતા, જે સંબંધમાં સમર્પણ પાયાની બાબત છે, તે સંબંધની શરૂઆત જ ખોટી રીતે થઈ રહી છે. માટે હું માનું છું કે આ બરાબર નથી,
ક્રીટીક્સ ની દ્રશ્ટી થી આ વાર્તા સારી છે, ઘણા સારા રુઢી પ્રયોગો વાપર્યા છે. પણ અન્ત હજિ વધુ રસ્પ્રદ બની શક્યો હોત.
સુંદર વાર્તા.
સુંદર વાર્તા છે.
Really nice story
તારું જીવન એ માત્ર તારું નથી. એની ઉપર તારા જન્મદાતા તરીકે થોડોય પણ મારો હક ખરો. તું તારી ઈચ્છા પ્રમાણે તારું જીવન જીવી શકે પણ તારી ઈચ્છા પ્રમાણે એને વેડફી ન શકે.
it is hard to forget someone,but time is the only medicine
ખુબ જ સરસ અને લાગણી સભર વાર્તા….
ખૂબ સરસ વાર્તા….એક વાર શરુ કરીએ એટલે પૂરી થાય ત્યારે જ અટ્કીએ અને પછી મનમા શરુ થાય….વાહ્…રેણુકાબહેન…
Very nice story.
ખુબ સરસ રિતે લખાયેલ ક્રુતિ.સરલ પ્રવાહ અભિનન્દન્
Simply brilliant story…
renukaben such wonderful story! hart touch. lagnioni gunthani khub j mavajatathi thai chhe.samvado chotadar che!
સરસ વર્તા છે.
લેખિકા બહેન ને અભિનંદન, સુંદર શૈલી માં સરળ રીતે વહી જતી આ વાર્તા લખવા માટે….
હુ બહુ ખુશ થઇ ગયો.આ વેબ પેજ પર આવી ને.
Mara papa yad aavi gaya. Bhagwan emni atma ne santi aape
Good story for forgate past.and start new life in future.
Kharekhar sundar varta chhe, enu ek dum saral varnan and varta nu vahen khub j saras rite kandarvama aavya chhe.
Je bodh male chhe eni mara jeva yuva o ne khaas jarur chhe.
Tmari Varta khub gami, Renuka Ben.
Ene bdha sathe Share karva maate ReadGujarati and Renuka Ben no khub khub aabhar.