બીજી સ્ત્રી – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ સપ્ટેમ્બર-2012માંથી સાભાર.]

[dc]બા[/dc]રીમાં ત્રણ કબૂતર જાળીના એક પછી એક સળિયામાં ગોઠવાઈને બેઠાં હતાં. ક્ષણેકવાર શૈલા એમની સામે જોઈ રહી. જાણે ફોટો પડાવવા પોઝ આપીને ન બેઠાં હોય ? પછી ખિજાઈને હાથ ઊંચો કરીને બારી પાસે ધસી આવી.
‘જાઓ હાળાઓ નથી આવવાનું ઘરમાં માળો કરવા….’
પછી જુસ્સાથી બારી બંધ કરીને કંઈક યાદ આવતાં કિચનમાં ગઈ. પેલો શંકરિયો પીવાનું પાણી ભરવાની ડોલ લઈને ગયો છે કે પછી કચરા-પોતાં કરીને ભાગી છૂટ્યો ? એને બસ કહીએ તો જ કરે નહીંતર…. ના, ના ડોલ લઈને ગયો છે. એમ તો પાછો ડાહ્યો છે….કરતી મશીનમાંથી કાઢેલાં કપડાંની ડોલ લઈને બાલ્કનીમાં ગઈ.

સફેદ કપડાં પ્લાસ્ટિકની દોરી પર રંગીન લોખંડના તાર પર નહીં તો સફેદ કપડાં પર પાછા કાટના ડાઘા… કપડાંની નવી ક્લિપ, બોર્નવિટા બધું લાવવાનું થયું છે. માટલુંય આજે સવારમાં ધડાધડમાં ફૂટી ગયું. અને એક આ વાસણ ને કપડાંના ઢગલાનો તો જાણે કોઈ અંત જ નથી આવતો. કપડાં ધુઓ, સૂકવો, સંકેલો, ગોઠવો, પહેરો ને પાછાં ધુઓ. આ વખતે તો કેવલને વેકેશન પડે એટલે ક્યાંક ચાર દિવસ ભાગી છૂટવું છે…. બબડતાં સામેની બાલ્કનીમાં કપડાં સૂકવતાં ગીતાભાભી દેખાયાં. હું એકલી બબડું છું એવી એમને ખબર તો… ‘કેમ છો’ કરીને પહોળું સ્માઈલ આપી દીધું એટલે વાત પતી.

દોઢ વાગ્યો. રોટલીનો લોટ કેળવીને લુઆ બનાવી દઉં. વિક્રમ લંચ માટે આવતો જ હશે. પોણાબેએ કેવલ આવશે. ડોરબેલ. થોડા સમય માટે શૈલાની કપડાં, ક્લિપ, બોર્નવિટાની ગરગડી અટકી.
‘આવી ગયો ?’
‘હમ અઅઅ…’ કહેતો વિક્રમ પ્રવેશ્યો. ચાવી ટેબલ પર મૂકી. હાથ ધોઈને નેપકિનથી લૂછીને એના હોલ્ડરમાં મૂકવાને બદલે એ….. સીધો સોફા પર નાખ્યો હશે. કિચનમાં રોટલી કરતી શૈલા વિચારી રહી. વિક્રમ ખીસામાંથી મોબાઈલ કાઢીને એસએમએસ મેઈલ ચેક કરવામાં લાગી ગયો. ટીવી ઓન કરીને મેચનો સ્કોર જોયો.
‘આ જમવાનું ઠરી જાય છે અત્યારે પાછું ટીવી….’ શૈલા ડાઈનિંગ ટેબલ પર થાળીમાં રોટલી મૂકતાં બોલી.
‘એક મિનિટ ખાલી સ્કોર…’ બોલતો વિક્રમ ટેબલ પર ગોઠવાયો.
‘કેવલને આ વખતે મેથ્સમાં ઓછા આવ્યા છે. એના ફ્રેન્ડ મલયની મમ્મી કહેતી હતી કે આ ટ્યુશન કલાસીસમાં બરાબર ભણાવતા નથી. એ લોકો કલાસીસ ચેઈન્જ…..’ શૈલા બોલતાં અટકી ગઈ. વિક્રમ ટીવીની સ્ક્રીન પરના ક્રિકેટમેચના ગ્રાઉન્ડ પર સદેહે પહોંચી ગયો હતો.
‘બહું થયું હવે. પંદર મિનિટ ઘરે જમવા આવે એમાંય ટીવી એમ નહીં કે બે ઘડી વાત કરીએ…’ શૈલાએ ટીવીની સ્વિચ બંધ કરતાં એટલો મોટો અવાજ થયો કે વિક્રમ હલી ગયો.
‘અરે પણ ધીમે…. શું વાત હું વાત કરું જ છું ને…’
‘ના. નહોતો કરતો. સાંભળતો પણ ન’તો. આખો ટીવીમાં ઊતરી ગયો હતો…’ શૈલા થાળીમાં રોટલી મૂકતાં બોલી.
‘હા કેવલને બાયોલોજીમાં….’
‘બાયોલોજી નહીં મેથ્સમાં…’
‘હા હા મેથ્સમાં, ભૂલથી…’ કોળિયો ચાવતાં દાંત વચ્ચે જીભ કચરાઈ ગઈ. એક ગ્લાસ પાણી ગટગટાવી ગયો.
‘કેમ પાણી એક રોટલી…’
‘ના બસ થોડો ભાત, પેટ ભરાઈ ગયું. તું જઈને કલાસીસની તપાસ કરી આવજેને…’ ફરી ટીવી ઓન થયું.
‘પાછું ટીવી ? હું એકલી શું કામ આપણે સાથે જઈશું. છોકરો બારમામાં છે ને બધી ચિંતા મારે એકલીને….’ વિક્રમ ટીવી બંધ કરી શૈલા સામે નજર ઠેરવીને કહે :
‘હા, આપણે આ સેટરડે સાથે જઈશું. બસ ? ખુશ ?’

શૈલા જોઈ રહી. આટલું જલદી ટીવી બંધ ? આ કંઈક નવું હતું.
‘ને હવે આ લાલ કુરતી બીજી વાર ન પહેરીશ. લીરેલીરા થવા આવી છે. શંકરને ગાડી સાફ કરવા આપી દેજે…’ એ સહેજ હસીને જોઈ રહ્યો. શૈલા ફરી જોઈ રહી. આ તો વળી પાછું કંઈક વધારે પડતું જ અણધાર્યું. હશે હવે. વિક્રમે જવા માટે પીઠ ફેરવી. શૈલાની ગરગડી ફરી શરૂ થઈ. ચણાની દાળમાં જીવાત, કેવલના યુનિફોર્મના શર્ટ પરના ડાઘા, રોટલીના ઓરસિયાનો હચમચેલો પાયો ને… હવે પાછાં ઊડીને બેડરૂમની બારી પર આવીને બેઠેલાં બે કબૂતર….
****

આ શહેર સાથે મૃણાલ બીજી વાર પ્રેમમાં પડી રહી હતી. ચહેરાવિહીન ટોળાની વચ્ચે એક આકાર ઊપસ્યો હતો. એક પરિચિત અને હૂંફાળો ચહેરો. બે સ્વચ્છ આંખો. પંદર, સોળ વર્ષ પહેલાં ગ્રેજ્યુએશન પૂરું કરીને મમ્મી-પપ્પાનું નાનું ગામ છોડીને એ અહીં વસી ગઈ હતી. બાવીસ વર્ષ પૂરાં થાય એટલે પરણી જવું એવો ઘરમાં વણલખ્યો નિયમ હતો. એટલે માસ્ટર ડિગ્રી માટે એડમિશન લીધા પછી જ ઘરમાં જાણ કરી. પપ્પા પહેલી વાર કોલેજમાં હોસ્ટેલમાં મૂકવા આવ્યા હતા. બસ-સ્ટેશને ઊતરી ત્યારે શ્વાસમાં બસની મુસાફરી વખતે હંમેશાં અનુભવાતી ઊબકાની ગૂંગળામણ હતી. પણ નીચે ઊતરી એટલે…. હાશ. આ શહેરની ગરમ હવામાં કંઈક સ્વાદ હતો જે નાક વાટે થઈ જીભને સ્પર્શી ગળામાં ઊતરતો ને ઉદર સુધી પહોંચીને સંતોષનો ઓડકાર લાવતો. એ દિવસે પણ હાથમાં બેગ સાથે ઊતરીને એણે ઊંડો શ્વાસ લીધો હતો. પેલા સ્વાદને ફરી એક વાર મમળાવવા. આમ તો મમ્મી, પપ્પા, બહેન સાથે ઘણી વાર અહીં આવવાનું થતું. પણ આજે છેલ્લી વાર, હંમેશ માટે, એ પહેલો પ્રેમ આ શહેર સાથે.

પછી બસ-સ્ટેન્ડ પર, બસમાં, હોસ્ટેલથી લાઈબ્રેરી અને કોલેજના આવાગમનમાં, પહેલી નોકરીના પરસેવાથી પલળેલા પેમેન્ટમાં અને હોસ્ટેલથી પેઈંગગેસ્ટના અને હવે ભાડાના ફલેટમાં વર્ષો પસાર થઈ ગયાં. પોતાના શિક્ષણનો બધો ખર્ચ જાણે ઉઠાવવો એવી નેમ હતી. એટલે ગભરાતી, સંકોચાતી, અજાણી જગ્યાઓમાં પાર્ટટાઈમ જોબ લેતી, છોડતી. પ્રાઈવેટ સ્ટુડિયોમાં મિડિયા હાઉસ, ટીવી ચેનલ અને એડ. એજન્સીમાં થાકી જતી. રાત્રે સૂતાં પછી થોડી જ વારમાં આંખ ઊઘડી જતી. ઉત્તેજનાથી પોતાના જ થાકેલા શ્વાસના અવાજથી. ઊઠીને લિસ્ટ ચેક કરતી. કાલે લાઈબ્રેરી જવાનું, માર્કેટમાંથી એક-બે વસ્તુ લાવવાની, ચેનલવાળા પાસેથી એન્કરિંગનું પેમેન્ટ લેવા જવાનું…. પછી પાછી સૂઈ જતી. ડબલ ગ્રેજ્યુએશન અને થિસિસ સંપૂર્ણ કર્યા પછી પણ રાત્રે સ્વપ્નમાં આવતું કે આખું પેપર કોરું રહી ગયું છે ને પરીક્ષા સમય પૂરો થયાનો બેલ વાગી રહ્યો છે…. સ્વપ્નાંનોય રંગ હોય છે. અધૂરાં સ્વપ્નાં આછા કલરમાં દેખાય ને પૂરાં થઈ ગયેલાં ઘાટા ઘેરા રંગોમાં….. અત્યાર સુધી આ શહેરે એને લગ્ન પાછું ઠેલવાનું કારણ પૂરું પાડ્યું હતું. બસ આ વર્ષે ભણવાનું પૂરું થાય એટલે બસ. આટલી ટ્રેઈનિંગ પૂરી થાય એટલે બસ. આ નવી જોબ મળી જાય એટલે પછી છોકરો, મેરેજ બધું…. એ દરેક ફોનમાં મમ્મી, પપ્પાને કહેતી. હવે તો એ લોકો પણ સમજી ગયાં હતાં કે મૃણાલ એની સ્વપ્નનગરીમાં વસી ગઈ હતી. એક ભાડાનો ફલેટ અને એક નાની સરખી સેકન્ડહેન્ડ ગાડી સાથે. દિગ્વિજયનો વાવટો ફરકાવવાને હવે થોડીક જ વાર હતી. બસ એકાદ વર્ષમાં બે બેડરૂમના ફલેટની લોન અને ફલેટ…. પણ સફળતાની આ મજલમાં ખાડા ને ગાબડાંયે હતાં. નાની-મોટી વિશ્વાસઘાતની તિરાડો તનતોડ મહેનત પછી ન ચૂકવાયેલા પૈસા, ક્યાંક અપમાનની કરચલીઓ ને નર્વસ આત્મવિશ્વાસથી ધ્રૂજતો મૃણાલનો નીચલો હોઠ….

અને હા. પેલો આકાર તો ખરો જ. જાણે અગમ વિશ્વમાંથી નીકળીને આવ્યો હતો. વિક્રમનો આકાર. ઓફિસમાં અને ઓફિસ બહાર મૃણાલની છત્રીસ વર્ષની કુંવારપને કુતૂહલથી લળીલળીને ચીકાશથી માપીને આકારણી કરતી આંખોની વચ્ચે સ્થિત બે ધીરગંભીર ડિસન્ટ આંખો. ચોખ્ખી આંખો. મૃણાલની કંપની વિક્રમની કલાયન્ટ કંપની હતી. પહેલી વાર એ પ્રેઝન્ટેશન માટે આવ્યો ત્યારથી બસ એ બે આંખો. પછી ફોન, મેઈલ, એસએમએસ ને એવું બધું. પણ બિઝનેસને લગતું જ. એથી વિશેષ કશું નહીં. પણ મૃણાલને એ બધામાં કશું વિશેષ દેખાવા લાગ્યું હતું. ન દેખાય તો એ એવી વિશેષતા કલ્પતી. કલ્પતી કેમ વળી હમણાંથી તો ચોખ્ખું દેખાતું. મેઈલમાં રિગાર્ડ્ઝને બદલે ઓકે, બાય લખાઈને આવતું. શરદી થાય તો ખબર પુછાતી. હાઉસ હન્ટિંગ કેટલે પહોંચ્યું, લોનનું શું થયું, મારી જાણમાં એક બિલ્ડર છે એવું બધું. મૃણાલ એકલી રહે એટલે ટેક કેર, તમારો એરિયા રાત્રે જરા રિસ્કી છે એવી વણમાગી સલાહ અપાતી. પણ એવું ગંદું કશું નહીં. બધું ચોખ્ખું. ને મૃણાલને ચોખ્ખાઈ ગમતી એટલે પાછી વધારે ખેંચાતી. આ શહેર સાથે બીજી વાર પ્રેમમાં પડવાનું કારણ પણ આ જ હતું કે હતો.

ઘણી વાર એવું થતું કે આટલાં વર્ષો કોલેજમાં પાર્ટટાઈમ નોકરીઓમાં આવું બધું બનતું તો હિંમતથી ખાળી રાખતી… પેલો નવોસવો નાટ્યકાર વિજય, બંદિશ સ્ટુડિયોવાળો અભિનવ અને અત્યારે એની પોતાની ઓફિસમાં એનો જુનિયર સમીર તો હમણાંથી લગભગ રોજ એની પ્રતીક્ષામાં અડધો કલાક વહેલો આવીને કોરિડોરમાં ઊભો રહેતો…. તો પછી હવે રહી રહીને અને પડી પડીને આમ પરણેલામાં…. ક્યારેક આ આખી વિક્રમવાળી વાત અતાર્કિક વાહિયાત ફીલ થતી. પણ પછી વળીવળીને મન પાછળ જોતું. ક્યારેક આખો દિવસ ટાઈમ ન મળે તો અચાનક મોબાઈલ પર ઝબકી જતા વિક્રમના ટચૂકડા ‘હાય’ના એસએમએસમાં પેલી બે ચોખ્ખી આંખો ચમકી જતી. બાકી તો હમણાંથી ફોન પર રોજ વાતો થતી. વિક્રમ મળી ગયેલા કોન્ટ્રાક્ટના સક્સેસની ધોધમાર વાત કહેતો. તો ક્યારેક નિષ્ફળ પ્રોજેક્ટની નિરાશા ઠાલવતો. મૃણાલ એનાં પેલાં આછાં ઘાટાં સ્વપ્નાંની વાતો કરતી. બસ બંને તરફથી ઠલવાતું જતું હતું. બંનેની ઉંમર અધવચની હતી. જ્યાં પાછળ ફરીને જોવા માટે અનુભવોની ઈમારતો હતી. અને આગળ નજર પહોંચે ત્યાં સુધી મહત્વાકાંક્ષાઓના મિનારા હતા. બંને પક્ષે લાગણી અને બુદ્ધિના ધસમસતા પ્રવાહો હતા. બેશુમાર વાતો હતી અને એ વાતો સાંભળવા આતુર કાન હતા. એનાથી આગળ આમ તો ઘણું હતું. પણ એની આડે પાછું ઘણું બધું હતું. એટલે વાત બસ વાતો પૂરતી જ હતી. એ ઘણી વાર કહેતી :
‘તમારી આંખો…. એકદમ સફેદ ચોખ્ખી નાના બાળક જેવી….. ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ….’

પણ કોફી શોપના ગણ્યાગાંઠ્યા અપવાદો સિવાય મોટે ભાગે ફોનમાં જ વાતો થતી એટલે એ આંખો માત્ર સાંભળવા જ મળતી…. હા, એને વારનારા પણ હતા. જેમ કે કૉલેજકાળથી એની મિત્ર નીના. પહેલી વાર મૃણાલે રેસ્ટોરાંમાં એને વિક્રમ વિશે કહ્યું ત્યારે એ સેન્ડવિચ ચાવતાં અટકી ગઈ.
‘મૃણાલ, યાર તું આટલી બધી ઠરેલી બુદ્ધિશાળી થઈને…. ડોન્ટ… પ્લીઝ કમ આઉટ ઓફ ઈટ…’
‘આઈ નો આઈ શુડ…. બટ….’
‘અંકલ-આન્ટીએ બતાવેલા છોકરા સાથે પરણી જા એ જ એક સોલ્યુશન છે.’
‘આઈ ડોન્ટ થિંક સો. અને પરણવાનો તો પ્રશ્ન જ….’
‘તું જે કરી રહી છે એમાં તો ઘણા પ્રશ્નો છે અને ઊભા થશે….’
‘હું કશું કરી નથી રહી. આઈ જસ્ટ કાન્ટ હેલ્પ ઈટ. હજી સુધી આટલી મેચ્યોરિટી, આટલી ડિસન્સી નજરમાં આવી જ નથી…’
‘આવશે. રાહ જો….’
‘સવાલ રાહ જોવાનો છે જ નહીં. જે આવીને પડ્યું છે એનું શું ? અમે બસ ફ્રેન્ડઝ… ન રહી શકીએ…. હંમેશ માટે ?’
‘બુલ શીટ. હી ઈઝ મેરિડ….’
‘બટ આઈ એમ નોટ….’
‘યુ આર આઉટ ઓફ યોર માઈન્ડ. એને પત્ની છે. પરિવાર છે. અંતે ઘવવાનું તારે જ આવશે. પાછી વળી જા.’
****

પાછા તો વિક્રમને પણ વળવું હતું. પણ કેવી રીતે ? સમજણની નક્કરતા પેલા અદમ્ય ખેંચાણ આગળ વિવશ પ્રવાહી બની ગઈ હતી. પરિપક્વતાના ઊભરા આવતા ને આવીને ઠરી જતા. આજે ફોન પર કહી દઈશ. બસ, અટકી જઈએ. અથવા એસએમએસ કરી દઈશ. લેટ્સ એન્ડ ઈટ હીઅર. આમ તો હતું શું ને ગયું શું ? છેલ્લા વરસેકથી ઓળખાણ. પછી થોડી મિત્રતા. પછી થોડી નિકટતા. બસ. શૈલાને ખબર પડે તો ? અને કેવલને…? શૈલાને બિચારીને તો કલ્પનામાંય… પેલા દિવસે એસએમએસ ટોન વાગ્યો ત્યારે એણે કુતૂહલથી વાંચ્યો હતો : ‘સોરી કુડ નોટ પિક અપ યોર કોલ. વિલ કોલ ટુ મોરો..’ પછી કહે, ‘આ વળી કોણ મૃણાલ વ્યાસ ?’ એ વખતે તો કહી દીધું કે કલાયન્ટ છે. જૂઠું તો ન’તું જ વળી. પણ તોય કહેતી વખતે અને પછી ક્યાંય સુધી જે હથેળીમાં પરસેવો…… હોય છે લોકોને આવું બધું પણ સાલું આપણને ન ફાવે. એટલીસ્ટ શૈલાને એક વાર કહેવું તો… પણ રોજ સાંજે ઓફિસેથી છૂટવાના સમયે ફોન રણકે એટલે નિશ્ચયની પકડ ઢીલી થઈ જતી. ફરી આખા દિવસની ઝીણી ઝીણી વાતો, સફળતાઓનો રુઆબ, નિષ્ફળતાઓનો ચિતાર, ચિંતાઓનો કાટમાળ ને પેલાં આછાં ઘાટાં સ્વપ્નાં… બીજે ક્યાં ઠાલવવું ? ઘરે શૈલા પાસે શક્ય નહોતું. એ કેવી ઘરમય ? પેલા દિવસે એને કહેવા ગયો કે ઓફિસમાં એક જણને કેમ છૂટો કર્યો. પહેલાં ‘હં હા’ કર્યું. થોડું સાંભળ્યું ને પછી અચાનક ઝાડુ લઈ આવી. વિક્રમે મૂંઝાઈને વાત ચાલુ રાખી ને આજુબાજુ જોયું. ત્યાં તો સોફા પર ચડીને. ‘આ જાળું જો ને કેટલા દિવસથી શંકરિયાને કીધું તોય ભૂલી જાય છે.’ પછી તો થોડી વાર એ પોતે જ જાળું બની ગઈ. પછી ઝાડુ હાથમાં પકડી નીચે ઊતરી સોફા ઝાટકીને ઝાડુ અંદર પાછું મૂકવા ગઈ તે ગઈ.

પહેલાં સાવ આવી ન હતી. એ ઘણી વાર એને કહેતો :
‘થોડી ઘરની માયા છોડ. બહાર નીકળ. કંઈક ગમતી પ્રવૃત્તિ કર. તું ભણેલી છે…’
‘હા. કંઈક કરવું તો છે.’ એવું કહેતી ને પછી દીવાલના જાળામાં, શંકરને ધમકાવવામાં, શાકભાજીના ભાવતાલમાં, એ ને દિવસો બેઉ વહી જતા. અને મૃણાલ ? એ ફોન પર વિક્રમે બોલેલો એક એક શબ્દ ઘૂંટડે ઘૂંટડે પીતી. વાત સાંભળવાની, સમજવાની એની તરસ, એનું હાસ્ય, બે ભ્રમરો વચ્ચેની ગંભીરતા, બધું ફોન પર દેખાતું, સંભળાતું, ફીલ થતું. ઘણી વાર એને પોતાને નવાઈ લાગતી. આવું શાથી….. આમ તો સ્વભાવે એ કેટલો શરમાળ ? વાત ન પૂછો. કામ સંદર્ભે કેટલાયના સંપર્કમાં આવવાનું બન્યું હતું પણ આવું…. ક્યારેક બધું એવું જટિલ લાગતું તો ક્યારેક જાણે એકદમ સ્વાભાવિક.

એક વાર એનો નાનકડો સામાન્ય એસએમએસ વાંચતાં એ અભાનપણે હસી રહ્યો હતો. ભૂલી ગયો હતો કે શૈલા સામે વટાણા ફોલતી ટીવી જોઈ રહી હતી.
‘કોઈ ફની એસએમએસ છે ? કેમ એકલો હસે છે ?’ જવાબની રાહ જોયા વિના શૈલા તો ઘડીભરમાં પાછી ટીવીમાં, વટાણામાં સમાઈ ગઈ. પણ એ….. વળી એક વાર તો શૈલાએ સામેથી જ પૂછેલું, ‘શું મૃણાલનો એસએમએસ છે ?’ અને એ ક્યાંય લગી હથેળીના પરસેવામાં ભીનો ગિલ્ટ… ઘણી વાર થતું શું માત્ર વાતો, માત્ર મિત્રતા જ ? મૃણાલને બદલે પુરુષ હોત તો ? તો પણ શું આવું જ….? પણ તો પછી આ હથેળીમાં પરસેવો…. ગિલ્ટની ભીંસ વધતી જતી હતી. હવે નહીં રહેવાય.
‘શૈલા, એક વાત ઘણા સમયથી કહેવી છે એક બીજી સ્ત્રી છે મૃણાલ….’
વિરામચિહ્નો વિના બોલાયેલા વિક્રમના શબ્દો પછીની નીરવતાએ બેડરૂમની ઘડિયાળનો ટકટક અવાજ વધારે તીવ્ર બનાવી દીધો. હાથમાં ઈસ્ત્રી કરેલાં કપડાંની થપ્પી લઈને વિક્રમનો કબાટ ખોલવા જતી શૈલા અટકીને વિક્રમની આંખો સામે જોઈ રહી. સારું છે હથેળીની ભીનાશને તો મુઠ્ઠીવાળીને છુપાવી શકાય છે.
‘એટલે આમ તો આ નામ તને…. આમ તો છોકરી જ…. અને એવું કશું નહીં એટલે નથી….’
શૈલા ઊંધી ફરીને કબાટમાં કપડાં મૂકી રહી.
‘વરસેકથી પ્રોફેશનલ પરિચય અને ફોન પર વાતો…. વાતો જ બીજું કંઈ….’
શૈલા બેડની ચાદર ખેંચીને કિનાર ખોસવા લાગી.
‘ઘણી વાર એટલી બધી વાતો કરવી હોય, કરવાની હોય…..’ ચાદર ખોસતાં વિક્રમ પાસે આવતાં એણે એને હળવેથી બાજુમાં હડસેલ્યો. એ ખસ્યો એટલે એ નીચી નમીને એ તરફની ચાદરની કિનાર ખોસી રહી. સફેદ ચાદરની બોર્ડરનાં લાલ-કાળાં ટપકાં ગાદલાંના તળિયે સંતાઈ રહ્યાં.

‘આમ તો તારી સાથે જ વાત કરવી હોય, કરવાની હોય….’
શૈલાએ બેડની નીચે પાથરેલી કારપેટ પર પગ લૂછીને ઉપર લીધા. પછી બેડ પર આડી પડતાં કહે : ‘કાલે- સેટરડે કેવલના ટ્યુશન કલાસની તપાસ માટે જવાનું છે….’
‘ક્યારેક એવું થાય કે સોલમેટ યુ નો યુ અન્ડરસ્ટેન્ડ….’
‘નાઈટલેમ્પ બંધ કરી દે….’ કહેતી એ પડખું ફરી ત્યાં સુધી એ ઊભો જ હતો. નાઈટલેમ્પ બંધ કરીને બેડ પર બેઠો. સહેજ વારે આડો પડ્યો.
‘આમ તો બધું તું જ…. બધું જ…. પણ તું ઘરમાં એકલી….’
‘કબૂતર બહુ આવે છે બારીમાંથી- હમણાંથી મચ્છર પણ. પેલી ઝીણી જાળી નખાવી દેવી પડશે.’

થોડી વારે હથેળીનો પરસેવો સુકાયો એટલામાં એને શૈલાનો બંગડીવાળો હાથ પોતાની ઉપર અનુભવાયો. એણે ચમકીને શૈલા સામે જોયું. પછી આછા પ્રકાશમાં ક્યાંય સુધી નિદ્રાધીન પત્નીની બંધ આંખો સામે જોઈ રહ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “બીજી સ્ત્રી – પૂજા તત્સત્”

Copy Protected by Chetan's WP-Copyprotect.