ઉત્સવ-પર્વ – કમલેશ ચાવડા

[ ગુજરાતનાં ઉત્સવો, પર્વો અને મેળાઓની સુંદર માહિતી આપતા પુસ્તક ‘ઉત્સવ-પર્વ’માંથી કેટલાંક ઉત્સવ અને પર્વો વિશેની વિગતો અહીં સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તાનારીરી મહોત્સવ

પ્રાચીન વડનગરની સાંસ્કૃતિક વિરાસત બેમિસાલ હતી. તાનસેનને દીપક રાગ ગાવાથી થયેલ દાહ મલ્હાર રાગ ગાઈને મટાડનાર તાના અને રીરી આ બન્ને સંગીતજ્ઞ બહેનો વડનગરની વતની હતી. એમની સ્મૃતિમાં આ ‘તાના-રીરી’ના નામથી શાસ્ત્રીય સંગીતનો આ મહોત્સવ ઊજવવામાં આવે છે. અગાઉના જમાનામાં ‘આનર્તપુર’ નામે ઓળખાતું આજનું વડનગર ક્યારેક જૂના ગુજરાતની રાજધાનીનું શહેર હતું. ડૉ. દ્વારકદાસ જોષી જેવા સર્વોદય અગ્રણી અને લોકસંત ડૉ. વસંત પરીખની એ કર્મભૂમિ રહ્યું છે.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે છેલ્લાં કેટલાંક વરસથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં ‘તાનારીરી મહોત્સવ’ ઊજવવામાં આવે છે. પ્રસિદ્ધ કલાકારો તેમજ ઘરાના પરંપરાના કલાકારો દ્વારા આ મહોત્સવ દરમિયાન રાગ મેઘમલ્હાર, રાગ-દીપક, અને મલ્હાર જેવા વિવિધ રાગ છેડવામાં આવે છે. વાંસળીવાદક પોતાની બાંસુરી પર રાગ હંસધ્વનિ તેમજ રાગ જનસંમોહિની પ્રસ્તુત કરે છે. આ કાર્યક્રમો ‘તાનારીરી મહોત્સવ’માં વડનગર ખાતેના તાનારીરી સ્મૃતિ-સ્થાન ખાતે નૈસર્ગિક વાતાવરણમાં ભાંગતી રાતે યોજાય છે. ‘તાનારીરી મહોત્સવ’ પ્રસંગે આખુંયે વડનગર નવોઢાની માફક શણગારીને સુશોભિત કરાય છે. ‘તાનારીરી મહોત્સવ’ના ભાગરૂપે વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ શિવાલયથી તાનારીરી ગાર્ડન સુધીની હેરીટેજ વૉકના માધ્યમ થકી આ મહોત્સવ માણવા આવેલા મહેમાનોને નગરના ઐતિહાસિક વારસાનો પરિચય આપવામાં આવે છે.

[2] રણોત્સવ : કચ્છ કાર્નિવલ

કચ્છી સંસ્કૃતિ અને રણના સૌંદર્યને વિશ્વ સમક્ષ મૂકવાના શુભ આશયથી પ્રતિવર્ષે રણોત્સવ નિમિત્તે કચ્છ કાર્નિવલનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. શ્વેતરણમાં રજતચંદ્રની ચાંદનીનો રણોત્સવ અને કચ્છની સાંસ્કૃતિક વિરાસત સાથેની રણભૂમિમાં વિશ્વને અચંબો પમાડે તેવું સામર્થ્ય અને ગુજરાતની પ્રવાસન શક્તિની આ ઓળખ વિશ્વ સમક્ષ મૂકવા ‘રણોત્સવ’ અને કચ્છ કાર્નિવલની શરૂઆત ગુજરાત સરકારે કરી છે. કચ્છના સફેદ રણનું સૌંદર્ય વિશ્વભરના પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેવી રીતે તાજમહાલને ચાંદની રાતમાં જોવાનો પણ એક લ્હાવો છે તેવી જ રીતે ચાંદની રાતમાં કચ્છના સફેદ રણને માણવાનો પણ એક લ્હાવો છે.

કચ્છ કાર્નિવલના કાર્યક્રમમાં કચ્છ તેમજ ગુજરાતભરનાં કલામંડળોનાં કલાકાર વૃંદો દ્વારા લોકસંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો રજૂ થાય છે. વિવિધ લોકવાદ્યો, પરંપરાગત વેશભૂષા, ગાડા-બળદગાડા સાથે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી રંગસભર કલાકૃતિ આ કાર્નિવલના શુભારંભ સમયે જોવા મળે છે. આ કાર્નિવલને માણવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત રહે છે. કચ્છની સંસ્કૃતિમાં ધબકતું લોકજીવન, એનાં ગીતો-કાવ્યો-સંગીત-ઉત્સવ-રીત-રિવાજમાં મરુભૂમિની મહેક આવે છે. અહીંનો માણસ ઉત્સવપ્રેમી છે. અહીં સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ, ખુમારી, સાહસ અને માનવતાની જ્યોતનાં અજવાળાં છે. શૂરાનું શૌર્ય અને સંતોની સાધનાથી ધબકતી રહેતી કચ્છની આવી ભૂમિ પર ઉત્સવોની વધુ એક રંગ રણોત્સવ ઉમેરાયો છે, તે ઐતિહાસિક અને અવિસ્મરણીય બની જાય છે.

[3] વૌઠાનો લોકોત્સવ

ગુજરાતમાં ભરાતા ઘણાબધા મેળાઓમાં આ મેળો અન્ય કરતાં કંઈક વિશેષ છે, કેમ કે આ માનવમેળાની સાથે પશુમેળો પણ છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ‘વૌઠા’ નામના નાનકડા ગામના પાદરમાં ગધેડાંઓનો મેળો ભરાય છે. કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન યોજાતા વૌઠાનાઅ મેળાનું મહત્વ બે રીતે છે. એક અહીં મેળારૂપે ભરાતું ગધેડા-ઊંટનું બજાર અને બીજું સાત નદીના સંગમ તટે પવિત્ર સ્નાનનું મહત્વ.

વૌઠાના મેળામાં પહોંચો ત્યારે જ્યાં નજર દોડાવો ત્યાં હજારોની સંખ્યામાં રંગબેરંગી ગધેડાં જોવા મળે ને વચ્ચે વચ્ચે ગધેડાના માલિકો અને ખરીદનારનો અવાજ સાંભળવા મળે. ગુજરાત અને બીજાં રાજ્યમાંથી વેચાવા માટે આવેલા ગધેડાંઓને ખરીદવા ગુજરાત તેમજ રાજસ્થાન, યુપી…. વગેરે રાજ્યના લોકો ઊમટી પડે છે. લોકો ત્રણ કામ માટે ગધેડાં ખરીદે છે. એક સવારી કરવા, બીજું ઘોડાગાડીની જેમ ગાડી ચલાવવા અને ત્રીજું મજૂરી કરાવવા માટે. મેળામાં આવતાં ગધેડાંઓ દીઠ પાંચ રૂપિયા વેરો લેવામાં આવે છે. ગધેડાંઓની ઓળખાણ માટે રંગબેરંગી લીટા-ટપકા કરે, વળી ગધેડું રંગેલું હોય તો સારું લાગે ને તેની કિંમત પણ વધારે આવે. ગધેડાંઓના રંગોમાં કાળો-ભૂરો-બદામી-સફેદ રંગ હોય છે. આ મેળામાં વણઝારા-કાંગસીવાળા, કુંભાર, રાણા, ઓડ, રાવળ, સલાટ જેવી જ્ઞાતિના લોકો ગધેડાંની લે-વેચ કરવા માટે આવે છે. ગધેડાંની જાતિઓમાં ખચ્ચર હાલારી દેશી જાતો જોવા મળે છે.

આ મેળામાં અગિયારસથી તેરસ સુધી ગધેડાંઓનો મેળો ચાલે છે ને પછી ચૌદશ-પૂનમ બે દિવસ માનવીઓનો મેળો હોય છે. પૌરાણિક કથા મુજબ મહાભારતના સમયે પાંડવોએ વનવાસમાં એક વર્ષનો ગુપ્તવાસ વિરાટનગરી (ધોળકા)માં વિતાવ્યો હતો ત્યારે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી સાત નદીના સંગમ વૌઠામાં પાંચ પાંડવો પણ આવ્યા હતા. તેઓએ હસ્તિનાપુરનું રાજ્ય મેળવવા વિચારણા કરી હતી. પાંચ પાંડવોમાં ત્રિકાળજ્ઞાની એવા સહદેવે સલાહ આપી કે કારતક સુદ પૂનમના દિવસે શુભ મુહૂર્ત છે. તે જ દિવસે યુધિષ્ઠિરનું રાજતિલક કરવામાં આવે તો હસ્તિનાપુરની ગાદી મળે. આ શુભ મુહૂર્તને સાચવી લેવા આજ સ્થાને રેતીનું સિંહાસન બનાવી મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી. બાદ આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્યજીએ અત્રે પધારીને આ મઠની સ્થાપના કરી હતી. આ સ્થાન પાંડવોની ગાદી તરીકે પ્રસિદ્ધ છે. પુરાણોએ આ સંગમ સ્થાનને ‘સપ્તધારાતીર્થ’ કહ્યું છે. અહીં સાબરમતી-ખારી-હાથમતી-વાત્રક-મેશ્વો-શેઢી અને માઝમ જેવી સાત નદીનો વિરલ સંગમ થતો હોવાથી ત્યાં સ્નાન કરીને તર્પણ વિધિ કરવા માટે હજારો લોકો ઊમટી પડે છે. મેળો મહાલવા આવેલા લોકો નદીના પટમાં તંબૂ નાખીને રહે છે. અહીં લોકવર્ણાં ‘સંજાડાં’ નામનાં શૃંગારી લોકગીતો ખાસ ગવાય છે. મેળામાં મનોરંજનના કાર્યક્રમો યોજાય છે. વૌઠા સુધી આવવા માટે એસ.ટી. દ્વારા પૂરતી સુવિધા રાખવામાં આવે છે. આ લોકમેળામાં માનવ સાથે પશુ-સંસ્કૃતિનાં તાદર્શ દર્શન થાય છે.

[કુલ પાન : 168. (પાકું પૂઠું). કિંમત રૂ : 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ઉત્સવ-પર્વ – કમલેશ ચાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.