કૈસે કૈસે લોગ ! – મૃગેશ શાહ

[dc]ઘ[/dc]ણીવાર અખબારોના ચવાઈ ગયેલા ટૂચકાઓમાંથી રમૂજ ન મળે એટલી રમૂજ આપણને આપણી આસપાસના લોકો પાસેથી મળતી હોય છે. ક્યારેક નવરાશની પળોમાં હિંચકે ઝૂલતાં-ઝૂલતાં આ વિચારવા જેવું છે. પરંતુ સાવચેતી માત્ર એટલી રાખવાની કે કોઈ તમને એકલાં હસતાં જોઈ ના જાય ! કારણ કે જેમ જેમ તમે એ લોકો વિશે વિચારતા જશો તેમ તેમ તમને તેમની બોલવાની અને વિચારવાની ક્રિયા વચ્ચે આસમાન-જમીનનું અંતર દેખાશે. આવું બને જ છે. માત્ર ચોરી કરનાર જ ‘મેં ચોરી નથી કરી’ કે પછી પાગલ માણસ ‘હું પાગલ નથી’ એમ કહે છે – એવું નથી. સામાન્ય માણસ પણ પોતાના શબ્દોથી સાવ જુદી રીતે જીવતો દેખાય છે. માણસની વાત કરવાની રીત, એની સ્ટાઈલ, એનો લહેકો – એ બધું માણવા જેવું હોય છે. આ બધામાંથી ઉત્પન્ન થતો હાસ્યરસ આપણને થોડાં હળવા રાખે છે, એવો મારો અનુભવ છે.

હું તમને મારી આસપાસના લોકોની થોડી વાત કરું છું, જે વાંચીને તમે ચોક્કસ કહેશો કે.. હા, અમારી આસપાસ પણ આવા જ લોકો છે. અમારી સોસાયટીમાં એક નિઃસંતાન વડીલ દંપતિ છે, જેમની પાસે પુષ્ક્ળ નવરાશ છે. વર્ષો અગાઉ પરદેશ કડિયાકામ-મજૂરી કરવા ગયેલા અને હવે ત્રણ માળનું મોટું મકાન બનાવીને પાછલી ઉંમર નિરાંતે વિતાવે છે. પરંતુ તમને લાગે છે કે માણસ સુખેથી બેસી રહે ? ન જ બેસે. અટકચાળું મન કંઈ સીધું રહે ખરું ? એ તો પાણીમાંથી પોરાં ઊભા કરે ! આ કાકા સ્વભાવે દુર્વાસાનો અવતાર છે એથી શાકવાળાથી માંડીને સોસાયટીના દરેક સભ્યોને એમણે પોતાના ક્રોધાગ્નિનો પરિચય કરાવ્યો છે. માત્ર અમારી જ નહીં, આસપાસની કોઈ પણ સોસાયટીમાં ગમે ત્યાં ખાડો ખોદાય એટલે તેઓ બે હાથ કમ્મર પર મૂકીને આખો દિવસ ત્યાં મફત સેવા આપે ! સુથારનું મન બાવળિયે ! મૂળ સ્વભાવ કંઈ થોડો બદલાય ?…. કોન્ટ્રાક્ટરોને વણમાગી સલાહ એવી રીતે આપે જાણે કે આપણને એમ લાગે કે ટ્વિન ટાવર, બુર્જ ખલિફા… વગેરે આ કાકાએ એકલા હાથે બાંધ્યા હશે ! એમની સામાન્ય મુખમુદ્રા ફાસ્ટ બોલર જેવી ઝનૂની છે. આજે એમના હાથમાં કોણ આવે છે એ જોવાનું રહે ! પોતાના ઘરમાં તેઓ ટાંકણીથી લઈને કલરકામ સુધીના બધા સાધનો રાખે છે. જેમ લોકોને સ્ટેમ્પ સંગ્રહ કરવાનો શોખ હોય છે તેમ એમને કદાચ નવાં નવાં પાના-પક્કડ સંગ્રહવાનો શોખ હશે. એમનું ચાલે તો JCB મશીન પણ ઘરમાં રાખે ! તેઓ હંમેશાં સેકન્ડહેન્ડ કાર ખરીદવાનો જ આગ્રહ રાખે છે. વૈષ્ણવો જેમ નિત્યનિયમના પાઠ કરે એમ તેઓ રોજ સવારે કારનું બૉનેટ ખોલીને કંઈક ને કંઈક કરતા હોય છે. ટૂંક સમયમાં તેઓ ભારતને કારની નવી બ્રાન્ડ આપે તો નવાઈ નહીં !

હંમેશા સપ્તમ સૂરમાં વાત કરતાં આ કાકા પોતાના ક્ષેત્ર સુધી મર્યાદિત રહે તો તો વાંધો નહિ પરંતુ હવે એમણે અધ્યાત્મક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. ખરેખરી રમૂજ તો હવે શરૂ થઈ છે ! શાંતિ, શ્રદ્ધા, સૌમ્યતા, દયા આદિ ગુણો વિશે તેઓ આક્રમકતાથી સૌને સમજાવે છે ! તમે જ કહો, આમાં હસવું ના આવે તો શું આવે ? પોતે જેને અનુસરે છે એ વિચારધારામાં યોજાતા સત્સંગના કાર્યક્રમોને લગતાં કેટલાક લેખોની જોડણી તપાસવા તેઓ મારી ઘરે આવે છે. એકવાર વાતમાંથી વાત નીકળતાં મેં એમને આત્મતત્વને લગતા ઉપનિષદના કોઈક શ્લોક વિશે વાત કરી ત્યાં તો એ રાતાપીળા થઈ ગયાં ! ઉગ્ર સ્વરમાં મને કહે, ‘એ બધી ખોટી વાતો છે. અમારે ત્યાં અમે જે આત્માની વાત કરીએ છીએ એ સાવ જુદી છે. આ બધું જગતને સમજાતું નથી. આત્મા એ આત્મા છે. એ બધું અગમ ને ગહન છે. એમાં બધી આવી ખોટી વાતો નહીં કરવાની….’ મને થયું કે એમની સાથે વધારે દલીલ કરીશ તો કદાચ એ અહીં જ મને આત્મસાક્ષાત્કાર કરાવી દેશે !

ખેર, બીજા એક કુટુંબની વાત કરું. અમારી નજીકમાં રહેતું એ સંયુક્ત કુટુંબ છે. ત્રણ પેઢી સાથે રહે છે. દીકરો કશું ઉકાળી શકે એમ ન હોવાથી વડીલને પાછલી ઉંમરમાંય શાંતિ નથી. આ કુટુંબનું રમૂજીપાત્ર છે એમનો આ દીકરો. વાતોના વડાં કરવામાં એને કોઈ ન પહોંચે. પોતાને કેટલી મોટી ઓળખાણો છે એવું જગતને બતાવવાનો એને શોખ છે. એ શોખ પ્રદર્શિત કરવા તે સદા તત્પર રહે છે. આખા ગુજરાતનું રાજકીય ક્ષેત્ર એમના ઈશારે ચાલે છે એમ તેમનું માનવું છે. ‘હું એક જ ફોન કરું તો રાતોરાત આખી સોસાયટીનો રોડ બની જાય’ એમ માનીને જુસ્સાથી જ્યારે તેઓ ફોન જોડે છે ત્યારે ઘાસના તણખલાં ઉપાડવાય કોઈ ફરકતું નથી ! છતાં તેઓ પોતાના સ્ટેટ્સમાંથી નીચે ઊતરતાં નથી. આખા જગતનું શુભ કરવાના ઉદ્દેશથી જ તેઓ એંઠવાડ સામેના ઘર પાસે જઈને ‘કોઈ જોતું નથી ને ?’ એમ વિચારી ધીમે રહીને નાંખી આવે છે. પોતે કેટલા બધા સેવાકાર્યો કર્યાં છે એમ જ્યારે એ આપણને કહે ત્યારે આપણે એમ સમજવાનું કે આટલી આટલી જગ્યાએ પૈસા ખવાયા છે ! કલાકો સુધી મોં-માથાં વિનાની વાતો કરવામાં તો એમની માસ્ટરી છે.

આ ભાઈનું જીવનધ્યેય છે પુણ્ય ભેગું કરવાનું. એ માટે તેઓ સતત ચિંતિત રહે છે. શક્ય એટલા તમામ બાવાઓના પગ પકડીને પુણ્ય કમાવવાના એ ભરચક પ્રયત્નો કર્યા જ કરે છે. ભાત-ભાતની વિધિઓમાં એમને ખૂબ રસ છે. એક સાથે એકવીસ અગરબત્તી સળગાવીને અડધી રાતે કોઈ એમને સોસાયટીની પ્રદક્ષિણા કરવાનું કહે તોય તેઓ અચકાય એવાં નથી. તમને જાણીને નવાઈ લાગશે કે પોતાના ઘરને કોઈની નજર ન લાગી જાય એ માટે અગાશીની દિવાલે જહાજની જેમ એમણે ટેમ્પાનાં મોટાં મોટાં કાળાં ટાયરો બાંધી રાખ્યા છે. અમારી ઘરે આવનાર લોકો આ જોઈને આશ્ચર્યથી મારી સામું જોઈ રહે છે ત્યારે મારે એમને કહેવું પડે છે કે, ‘આ તો પૂરમાં મકાન ડૂબી ન જાય એની માટે બાંધ્યા છે !’ રોજેરોજ એમના ઘરમાં કોઈને કોઈ વિધિ ચાલતી જ રહે છે. બહારગામ જવાનું થાય તો આ મહાશય ગમે ત્યાંથી શુકન માટે ગાય પકડી લાવે છે. સારું છે કે તેઓ ભારતમાં રહે છે ! પરદેશમાં રહે તો તો કદાચ ઘરની બહાર જ ન નીકળી શકે ! આટલું તો ઠીક, પરંતુ બહાર નીકળ્યા પછી પણ જો શુકન સારા ન થાય તો ઘરે પરત આવે છે. ટ્રેનનો સમય સવારે પાંચ વાગ્યાનો હોય પરંતુ ચલ-લાભ-શુભ ચોઘડિયું રાત્રે બાર વાગે હોય તો બાર વાગ્યે ઘરેથી નીકળીને સ્ટેશન જઈ બેસી રહે ! તાંત્રિકો સાથે તો એમની નિત્ય બેઠક છે. પોતાની કારનો નંબર લેવાથી માંડીને ઘરનું બારણું ઉત્તરમાં કે દક્ષિણમાં રાખવું ? – એવા તમામ નિર્ણયો એ તાંત્રિકોને પૂછીને કરે છે. આવા સુજ્ઞ મહાનુભાવો (!) આપણી સાથે જ્યારે નીતિમત્તાની, દાનની, સદાચારની અને સદભાવનાની વાતો કરે ત્યારે આપણે હસવું કેમ કરીને રોકવું ?

વિચારો અને આચરણમાં ભિન્નતા દેખાય એવા લોકોમાં શિક્ષિત અને ઉચ્ચશિક્ષિત સજ્જનો પણ બાકાત નથી. નજીક રહેતા એક પરિવારમાં બધા જ શિક્ષિત વ્યક્તિઓ છે. પતિ-પત્ની બંને ભણેલાં-ગણેલાં છે. સમાજમાં મોર્ડન કહી શકાય એવી તેમની છાપ છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ એમનો બંગલો છે. પરંતુ જ્યારે બંને વચ્ચે ચડભડ થાય ત્યારે પતિ પત્નીને સટાક દઈને બે થપ્પડ મારી દેતાં અચકાતો નથી. પત્ની પણ એવા સમયે પતિની દુઃખતી નસ બરાબર દબાવવાની કોશિશ કરે છે અને શક્ય એટલા ફાયદા ઉઠાવી લે છે. સરવાળે ઝૂંપડપટ્ટીના તમામ દશ્યો એક શિક્ષિત ઘરમાં ભજવાય છે. ઉપરાંત, દારૂનું વ્યસન અને પાર્ટી કલ્ચર તો ખરું જ. હવે રમૂજની વાત એ છે કે આ દંપતિ ઘરના મોટા સભ્ય તરીકે સૌ સગાંવહાલાંના સંતાનો માટે પાત્રો શોધે છે, મેળવે છે અને કૌટુંબિક જીવન કેવી રીતે જીવવું એની સૌને સલાહો આપે છે ! ભાઈ વાહ, છે ને જોરદાર ! પરિણામ એ આવે છે કે તેમની વાત માનીને ખોટી રીતે દોરવાઈ જતાં કુટુંબમાં અનેકનાં ઘર તૂટ્યાં છે. આવી વિચિત્ર પ્રકૃતિના માણસોને જોઈને આપણને ટીકુ તલસાણિયાનો પેલો પ્રસિદ્ધ ડાયલોગ યાદ આવ્યા વગર રહે ખરો કે : ‘યૈ સબ ક્યા હો રહા હૈ…. !’

મેં એ પણ ધ્યાનથી જોયું છે કે આત્મા-પરમાત્મા કે ધર્મ-અધ્યાત્મની વાત કરનારને ફોન પર સામેના વ્યક્તિ જોડે વાત કેવી રીતે કરવી એ પણ આવડતું હોતું નથી. અનેક મહાનુભાવોના જીવનચરિત્રો વાંચનારા લોકો પણ લાઈટબીલ ભરવાની લાઈનમાં સરખી રીતે ઊભા રહી શકતાં નથી. ઘણા લોકો પોતાની પાસે મીઠાશરૂપી ખંજર રાખતા હોય છે. ક્યારે-કોને-કેવી રીતે પોતાની મીઠી વાતોથી અને અહોભાવથી પાણી-પાણી કરી દેવાના છે એ તેમના હિટ-લિસ્ટમાં હોય છે. અમુક લોકો એટલી બધી ગણતરીપૂર્વકના સંબંધો રાખતા હોય છે કે એમની ગણતરીના રહસ્યો ઉકેલવા માટે આપણે ગણિતમાં પી.એચ.ડી કરવું પડે ! કેટલાક લોકો વ્યવહારકુશળ હોય છે. બિલિયર્ડની રમતની જેમ તેઓ પોતાનું કામ કઢાવવા માટે ક્યાંથી ક્યાં સ્ટ્રૉક મારતાં હોય છે ! વ્યવહારકુશળ માણસો પાસે બીજા પણ બે શસ્ત્રો હોય છે અને એ છે ‘સ્માઈલ’ અને ‘એક કપ ચા.’ તેઓ એમ માને છે કે એક કપ ચા પીવડાવીને તેઓ મજૂરથી માંડીને રાષ્ટ્રપ્રમુખ સુધીના પાસે પોતાનું કામ કઢાવી શકે છે ! દાન-ધરમ-ચારધામની જાત્રા-મૌન-સુક્ષ્મ અહિંસામાં માનનારા લોકોને જ્યારે એક-બે રૂપિયા માટે રીક્ષાવાળા સાથે ઝઘડતા જોઈએ કે મફતમાં ધાણા-મરચાં-આદુ જબરજસ્તી પડાવતાં જોઈએ ત્યારે હસ્યા વિના રહી શકાય ખરું ? વળી, ખરી રમૂજની વાત એ છે કે આ બધા જ લોકો એમ માને છે આ જગત મૂઢ અને મંદબુદ્ધિનું છે. આખા જગતમાં એમની પાસે જે ચાલાકી અને ચતુરાઈ છે એ કોઈ પાસે નથી ! માત્ર એટલું જ નહિ, તેઓ એમ પણ માને છે કે આપણે આ જે ચતુરાઈ કરીએ છીએ એની સામેવાળાને ખબર સુદ્ધાં પડતી નથી.

ખેર, આપણે કંઈ કોઈના મનનું સીટી-સ્કેન નથી કરવું. ભેંસના શિંગડા ભેંસને ભારી ! પરંતુ નવરાશની પળોમાં હિંચકે બેઠાં બેઠાં સહજ દૂધનું દૂધ અને પાણીનું પાણી થતું રહે છે. આમ થાય ત્યારે થોડી રમૂજ પણ થાય છે અને પરસ્પર વિરોધી જીવન જીવતાં લોકોને જોઈને મનમાં એમ પણ થાય છે કે કૈસે કૈસે લોગ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “કૈસે કૈસે લોગ ! – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.