સોનેરી સવાર – નિરાલી પરીખ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી કૃતિઓ પૈકી આ વાર્તા 208 ગુણ સાથે ત્રણ વિજેતા વાર્તાઓ બાદ ચોથું સ્થાન મેળવે છે. વાર્તાના સર્જક નિરાલીબેનની આ પ્રથમ કૃતિ છે. તેઓ દુબઈ નિવાસી છે. આપ તેમનો આ નંબર પર +971 50 8786543 અથવા આ સરનામે nirali_desai_2000@yahoo.co.uk સંપર્ક કરી શકો છો.]

[dc]ઘ[/dc]રે આવતાંની સાથે જ દેવિકાબેન બોલવા માંડ્યા :
‘આ ફૂલવાળાઓનેય હવે તો મોંઘવારી નડતી થઈ ગઈ છે. પહેલા તો ગજરામાં કેટલા મોગરા નાખતા ને હવે કહે છે કે ભાવ ન વધારીએ તો પછી ફૂલ તો ઓછા કરવા જ પડેને ! હવે કાલે સવારેય આ પાતળી ગજરી નાખવી પડશે.’ ને પછી દેવિકાબેન લાવેલો ગજરો ફ્રિજમાં મૂકવા જતાં રહ્યાં. હિંચકે ઝૂલતા નવનીતલાલ ગજરાનું ‘ગજરી’ સાંભળીને જરા મલકાયા. જો કે સમજી તો ગયા જ હતા કે ગજરા નાખવાના શોખીન દેવિકાબેનનો આ બળાપો ફકત ગજરા સુધી સીમિત નથી.

32 વર્ષના લગ્નજીવન પછીય પોતાની પત્નીને ન ઓળખે એટલા બુદ્ધુ તો ન જ હતા. દેવિકાબેનનો પ્રેમાળ સ્વભાવ અને ઠરેલ વ્યવહાર જ તો એમના સુખી લગ્નજીવનની ચાવી હતો. 32 વર્ષથી પોતાનું અને ત્યાર પછી દીકરા પ્રયાગ અને હવે તો વહુ નમ્રતાનું પણ કેટલું ધ્યાન રાખતા દેવિકાબેન. નક્કી આજે મહિલા મંડળની મિટિંગમાં કંઈક થયું હશે ને એનો ગુસ્સો આ ફૂલવાળાની વાત કરીને ઉતાર્યો. આટલું વિચાર્યું એટલામાં તો દેવિકાબેન રસોડામાંથી ચાના બે કપ લઈને આવી પણ ગયા.
‘હવે કહે દેવિકા, મૂળ વાત શું છે ? ગજરા માટે આટલો જીવ બાળે એવી તો તું નથી જ.’ ચાનો ઘૂંટડો ભરતા નવનીતલાલ હસ્યા.
‘વાત શું હોય ? ગયા અઠવાડિયાની સાસુવહુની કિટ્ટીમાં આપણી નમ્રતા પેલા ગાર્ગીબેનની વહુ જીગીષાની સામે ગેમ જીતી ગઈ તેનો ખટકો હજુ આજેય ગાર્ગીબેનને હતો. વાતવાતમાં જીગીષા પ્રેગ્નન્ટ છે એ જણાવીને પછી નમ્રતાને ક્યારે ગુડન્યુઝ આવવાના છે એવો પ્રશ્ન પૂછી જ લીધો. પ્રશ્ન શું… એમ કહોને કે મને ટોણો મારી દીધો. એમ તો એય જાણે જ છે ને કે આપણા પ્રયાગના લગ્નને છ વર્ષ થઈ ગયા છે. આ મહિલામંડળવાળા મોટાભાગના બૈરાંઓને એકબીજાની કુથલી કરવાની આદત થઈ ગઈ છે જાણે.’

આમ તો સ્વભાવે દેવિકાબેન ખૂબ જ હસમુખા અને રસિક. મહિલામંડળની પ્રવૃત્તિ હોય કે પછી કોલોનીમાં કોઈ તહેવારની ઉજવણી. તેઓ હંમેશા સસ્મિત ભાગ લેતાં અને જ્યારથી નમ્રતા પરણીને આ ઘરે આવી ત્યારથી તો જાણે એમનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. પોતાની સાથે નમ્રતાને પણ તેઓ ઘણીખરી પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવતા. હા, નોકરી કરતી હોવાને લીધે બધે નમ્રતા હાજરી ન આપી શકતી પણ સમય મળ્યે દેવિકાબેન સાથે કિટ્ટી તેમજ અન્ય ઉજવણીઓમાં ભાગ લેવામાં તેને મજા આવતી અને સાસુ વહુની આ જોડી દર વખતે કોઈને કોઈ કમાલ કરી જ બતાવતી. મહેંદી હરિફાઈ હોય કે વાનગી સ્પર્ધા કે પછી કોઈ ગરબા, ભજન વગેરે ગાવાની સ્પર્ધા…..નમ્રતા હંમેશા અવ્વલ રહેતી. ઘરકામમાં કુશળ અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી નમ્રતા દેવિકાબેનને ખૂબ જ વ્હાલી હતી. આજ્ઞાંકિત દીકરો અને ગુણવાન વહુ મળવા બદલ તેઓ રોજ ઈશ્વરનો પાડ માનતા. બસ એક ઈચ્છા અધૂરી હતી અને તે હતી પૌત્ર પૌત્રીઓને રમાડવાની અને એમાંય જ્યારે ગાર્ગીબેન જેવા કોઈ તેમની દુઃખતી નસ પર હાથ રાખી દેતા ત્યારે દેવિકાબેનની એ ઈચ્છા વધુ ઊંડી થઈ જતી. નવનીતલાલ ને આવી કોઈ ઈચ્છા ન હતી એમ નહોતું. તેઓ પણ મનથી ચાહતા હતા કે કોઈ નાનું બાળક તેમના ખોળામાં બેસીને રમે, તેમની છાતી પર લાતો મારે… પરંતુ પુરુષ સહજ સ્વભાવને કારણે તેઓ લાગણીઓને વ્યક્ત કરવામાં કરકસર કરી નાખતાં.

‘અરે બેટા, તમે બેઉ આવી ગયા ?’ દરવાજે પ્રયાગ અને નમ્રતાને ઊભેલા જોઈને નવનીતલાલ બોલ્યા.
‘શું કહ્યું ડોક્ટરે ?’
‘મમ્મી, દર વખતે એકનો એક જ જવાબ આવે છે કે કોઈ આશા નથી. શહેરના લગભગ બધા જ ડોક્ટરોને આપણે બતાવી ચૂક્યા છીએ. હવે તો આ જવાબનીયે અમને આદત થઈ ગઈ છે.’ ઉદાસ ચહેરે પ્રયાગ બોલ્યો.
‘હશે ત્યારે… ભગવાનની મરજી સામે કોનું ચાલ્યું છે ? તમે બેઉ નાહક જીવ ન બાળો.’ દેવિકાબેન વાત બદલતાં બોલ્યાં, ‘આજે તો મંજુલાએ રસોઈમાં ઢોકળા ને કેરીનો રસ બનાવ્યો છે. તને બહુ ભાવે છે ને નમ્રતા ? આ કેરીની સીઝન જતી રહે એ પહેલા જેટલો રસ ખવાય એટલો ખાઈ લે, પછી તો આવતા વર્ષે વારો આવશે.’
‘હા મમ્મી…’ કહીને નમ્રતાએ સહેજ હસવાનો પ્રયત્ન કર્યો. હા પ્રયત્ન જ તો વળી. છ વર્ષ થઈ ગયા લગ્ન કરીને આ ઘરે આવ્યે. મા બનવાના જેટલા અરમાન પોતાને છે એટલા જ… અરે એનાથીય વધારે દેવિકાબેનને દાદી બનવાના ઓરતા છે. આ વાત તે સારી રીતે જાણતી હતી. પણ દેવિકાબેને ક્યારેય નમ્રતાને કે પ્રયાગને આ વાતનું ઓછું આવવા દીધું નહોતું. નમ્રતાને તો હાથમાં ને હાથમાં રાખતા. અને એટલે જ તો નમ્રતાને આજે વધારે દુઃખ થઈ રહ્યું હતું કે પ્રયાગ, મમ્મી અને પપ્પાના આટલા પ્રેમનો બદલો તે ક્યારેય ચૂકવી નહિ શકે. કમસે કમ એક પૌત્ર કે પુત્રી આપી શકી હોત તો….
‘ચાલો હવે બધા… આ ઢોકળા ઠંડા થઈ જશે…’ દેવિકાબેનનો અવાજ સાંભળીને એણે આંખો લૂછી નાંખી.

‘મમ્મી, પપ્પા…. આવતી કાલે હું ને નમ્રતા એક અનાથાશ્રમ જવાના છીએ. મને લાગે છે કે કદાચ આપણા દુઃખને દૂર કરવાનો આ જ એક ઉપાય છે.’ પ્રયાગે જમતાં જમતાં વાત શરૂ કરી.
‘એટલે હવે તમે એક અનાથને આ ઘરમાં લાવવા માંગો છો ? કોણ જાણે કોનુંય છોકરું હોય ને કેવુંય લોહી હોય… બેટા, મારી વાત માને તો રહેવા દે…. આપણે એવું અનાથાશ્રમનું બાળક ઘરે નથી લાવવું.’ દેવિકાબેનને પ્રયાગની વાત ગમી નહિ.
તેમણે આગળ ચલાવ્યું : ‘જો બેટા, તમે બંને હજુ વિચાર કરી જુઓ. એક પારકું બાળક છેવટે તો પારકું જ કહેવાય. તમે ગમે તેટલો પ્રેમ એને આપો પણ એના તરફથી તો છેલ્લે તમને નિરાશા જ મળશે. આજે તું કે નમ્રતા અમારું જેટલું ધ્યાન રાખો છો કે નમ્રતા એના મમ્મી-પપ્પાનું જેટલું ધ્યાન રાખે છે એટલું અનાથાશ્રમનંપ બાળક તમારા બેઉનું ધ્યાન નહીં રાખે. અરે ગયે વર્ષે મને અકસ્માત થયેલો ત્યારે આ નમ્રતાએ મને પોતાનું લોહી સુદ્ધાં આપ્યું હતું. એનો મારા પ્રત્યેનો પ્રેમ એ એના માતા પિતાના સંસ્કાર છે જે પોતાના લોહીમાં આપોઆપ જ આવે. પારકું લોહી એ છેવટે તો પારકું લોહી.’ પોતાની વાત પૂરી કરીને દેવિકાબેન થાળી મૂકવા રસોડામાં જતાં રહ્યાં. પ્રયાગ અને નવનીતલાલ આ બાબતે વધુ ચર્ચા કરવાનું ટાળીને ટીવી પર સમાચાર જોવા બેઠા. બસ એક નમ્રતા વિચારોના વમળમાં અટવાઈ ગઈ. દેવિકાબેનના સ્વભાવની આ બાજુથી એ ખરેખર અપરિચિત હતી. અનાથ બાળકો પ્રત્યેના તેમના અભિપ્રાયે નમ્રતાને તીવ્ર આંચકો આપ્યો હતો. કેટલીય વાર સુધી એ ડાઈનિંગ ટેબલ આગળ જ બેસી રહી. અંતે એક નિર્ણય એના મનમાં લેવાઈ ગયો અને પછી જ એ ઊભી થઈ.

‘આજકાલ આ સમાચારોમાં કંઈ જ નવું નથી હોતું. રોજ એનું એ જ. પેટ્રોલના ભાવ, દૂધના ભાવ ને એ પતે એટલે કોઈને કોઈ રાજકારણીઓના કૌભાંડ. હવે તો સમાચારથી કંટાળો આવે છે. આના કરતા તો ટીવી પર કોઈ સિરિયલ અથવા ફિલ્મ જોવી સારી કે જ્યાં તમારે પોતાની બુદ્ધિ વાપરવાની જ નહીં.’ કહેતા પ્રયાગે ચેનલ બદલી. રસોડું પરવારીને નમ્રતા ને દેવિકાબેન પણ સોફામાં ગોઠવાયા. રોજ સાંજે સાથે જમવાનો અને રાત્રે દીવાનખંડમાં કોઈને કોઈ વિષય પર સાથે ચર્ચા કરવાનો એમનો નિયમ હતો.
‘કેવો હતો આજે ઑફિસનો દિવસ નમ્રતા ? ને તારા પ્રોજેક્ટનું કામ કેવું ચાલે છે ? મારા પેલા મિત્ર દિનેશભાઈ કહેતા હતા કે આ સોફટવેરની કંપનીઓને હવે વિદેશી કંપનીઓ પાસેથી પણ બહુ જ કામ મળે છે. એમનો પુત્ર અમેરિકામાં કોઈ કોમ્પ્યુટરની કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે અને એની કંપની પણ હવે તો સોફટવેરનું કામ ઈન્ડિયા જ મોકલે છે.’ નવનીતલાલ નમ્રતાને પૂછવા લાગ્યા.
‘હા પપ્પા, અમારી કંપની પણ હવે વિદેશી કંપનીના કામ સ્વીકારી રહી છે એટલે અમને સારું એવું કામ મળે છે અને મુખ્ય વાત તો એ છે કે આ કામથી મને ખૂબ જ સંતોષ છે. જ્યારે પોતાના કામથી સંતોષ મળેને પપ્પા ત્યારે કામ કરવાનો આનંદ કંઈ વધારે જ આવે છે.’ નમ્રતાએ હસીને જવાબ આપ્યો.

થોડું અટકીને તે ગંભીર થઈને બોલી :
‘મમ્મી-પપ્પા, મારે તમને બંનેને કંઈક કહેવું છે. અત્યારે આપણે બધા જ અહીં છીએ ત્યારે આ વાત કરવાનો યોગ્ય સમય છે.’
દેવિકાબેનના ચહેરા પર ચિંતાના ભાવ વર્તાયા, ‘એવી તે શી વાત છે નમ્રતા ? જલ્દી બોલ.’
‘મમ્મી મેં અને પ્રયાગે તમારાથી એક વાત છૂપાવી છે.’
અત્યાર સુધી ચૂપ રહેલા પ્રયાગને હવે સમજાયું. તેણે નમ્રતા સામે સૂચક નજરે જોયું.
‘પ્રયાગ પ્લીઝ, આજે તો મને કહી જ દેવા દે. નહિ તો આ બોજ હવે મારા માટે જીરવવો મુશ્કેલ થઈ જશે.’ પ્રયાગ જાણી ગયો કે નમ્રતા આજે ખૂબ મક્કમ નિર્ધાર કરી ચૂકી છે.
‘મમ્મી-પપ્પા, હું એટલે કે નમ્રતા મારા માતા-પિતાનું પોતાનું સંતાન નથી. એમણે મને એક અનાથાશ્રમમાંથી દત્તક લીધેલી છે. લગ્નના વર્ષો સુધી સંતાન ન થતાં મારા મમ્મી-પપ્પાએ મને દત્તક લેવાનો નિર્ણય લીધેલો. એ વખતે દાદાજીએ ખૂબ વિરોધ કરેલો છતાં મારા પપ્પા એમના નિર્ણય પર અડગ હતા અને તેઓ મને ઘરે લઈ આવ્યા. જો કે મારા ઘરે આવ્યા પછી દાદાજીએ ક્યારેય આ વાતનો વસવસો નહોતો કર્યો. ઉલ્ટાનું મારા પ્રત્યે એમને ઊંડી લાગણી થઈ ગઈ અને એ લાગણી એમણે આજીવન જીવીત રાખી. હું તો ખૂબ નાની ઉંમરે મારા મમ્મી-પપ્પાના ઘરે આવી ગઈ હતી એટલે મને અનાથાશ્રમના દિવસો ખાસ યાદ નથી પણ મમ્મી કહેતી કે હું એમને એક નજરે જ ગમી ગઈ ગયેલી. મમ્મી અને પપ્પાના પ્રેમ અને દાદાજીની લાગણીના સાગરમાં હું તરવા લાગી અને જોતજોતામાં તો હું ભણીગણીને મોટી ય થઈ ગઈ અને મારા લગ્નની વાતો ઘરમાં થવા લાગી. અત્યાર સુધી મારા અનાથ હોવાથી ચર્ચા ઘરમાં ભાગ્યે જ થતી પણ હવે મારે બીજા ઘરે એટલે કે સાસરે જવાની વાત હતી એટલે મમ્મી-પપ્પા કોઈ વાત છુપાવીને કોઈ પણ છોકરા કે તેના પરિવારજનોને અંધારામાં રાખવા માંગતા નહોતા.

અને એટલે જ જ્યારે પ્રયાગે મને પસંદ કરી હતી ત્યારે જ મેં એને મારા અનાથ હોવા અને દત્તક પુત્રી હોવા બાબતે બધું જ જણાવ્યું હતું. મારા મમ્મી-પપ્પાએ તમને બેઉને આ વાત જણાવી દેવા માટે ઘરે મળવા આવવાની વાત પ્રયાગને કરી ત્યારે એણે કહ્યું કે આ બાબતે કોઈને કંઈ કહેવાની જરૂર નથી કારણ કે તે પોતાના મમ્મી-પપ્પાને સારી રીતે જાણે છે અને એમને નમ્રતાના દત્તક પુત્રી હોવા બાબતે કોઈ વાંધો નહીં જ હોય. અને વાત પર ત્યાં જ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. સમય જતાં તમારા બેઉનો અને પ્રયાગનો અઢળક પ્રેમ પામીને હું પોતે પણ ભૂલી ગઈ કે મેં તમારાથી કોઈ વાત છુપાવી છે. આજે જ્યારે મારા પોતાના બાળક દત્તક લેવા બાબતે મમ્મીનો અભિપ્રાય સાંભળ્યો ત્યારે મને લાગ્યું કે આ વાત છુપાવીને મેં ભૂલ કરી છે. મમ્મી-પપ્પા, મારી આ ભૂલ બદલ તમે મને કોઈ સજા પણ આપશો ને તો મને મંજૂર છે. પણ એક વાત ચોક્કસ છે કે આજે હું જે કંઈ પણ છું તે મારા પાલક માતાપિતા ને જ આભારી છે. બાળકને જન્મ આપવા કરતા વધારે અઘરું એને સારા સંસ્કાર અને ઘડતર આપવાનું કામ હોય છે જે મારા મમ્મી-પપ્પાએ કર્યું છે. અને મારું પણ એમ જ માનવું છે કે આપણા ઘરમાં અનાથાશ્રમનું બાળક આવશે તો આપણા ઘરના વાતાવરણ અને સંસ્કારો એનામાં પણ એ જ રીતે સિંચાઈ જશે જેમ કે મારામાં મારા મમ્મી-પપ્પાના સંસ્કારો આવ્યા છે. હવે આ બાબતે વધુ કંઈ કહેવાનો અંતિમ નિર્ણય હું તમારા પર છોડું છું. અને હા મમ્મી, તમારો જે પણ નિર્ણય હશે તે હું હસતાં હસતાં સ્વીકારીશ કારણ કે તમારી અને પપ્પાની ખુશીથી વધારે મારા માટે બીજું કંઈ જ નથી.’ આટલું બોલ્યા પછી નમ્રતાને લાગ્યું કે જાણે એના મન પરથી કોઈ મોટો બોજ ઊતરી ગયો છે. એણે જોયું કે દેવિકાબેનની આંખો ભીની બની હતી અને નવનીતલાલ પણ ભાવુક લાગતાં હતાં. આજે વાતાવરણ જરા ગંભીર બની ગયું હતું. પ્રયાગને લાગ્યું કે ખરેખર નમ્રતાની વાત સાચી જ હતી. આ વાત છુપાવીને પોતે પણ મમ્મી પપ્પાનો ગુનેગાર બન્યો હોય એવું તેને લાગવા લાગ્યું. ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા ત્યારે સૌના વિચારોની તંદ્રા તૂટી. વધુ ચર્ચા કરવાનું ટાળીને સૌ પોતપોતાના રૂમમાં જતાં રહ્યાં.

‘કહું છું…. આજે નમ્રતાની વાત સાંભળ્યા પછી મને ખ્યાલ આવે છે કે અનાથાશ્રમની વાતે મેં જે અભિપ્રાય આપ્યો એ ખૂબ જ ઉતાવળિયો નિર્ણય હોય એમ લાગી રહ્યું છે.’ કહેતાં દેવિકાબેને જોયું કે નવનીતલાલ પણ પડખાં ઘસી રહ્યાં હતાં.
‘હા દેવિકા, આજ સુધી મને આ ઘર કે ઘરના સભ્યો માટે તેં લીધેલા નિર્ણયો પર હંમેશા માન રહ્યું છે. પરંતુ આજે પહેલીવાર મને લાગ્યું કે તેં વગર વિચાર્યે આ નિર્ણય તો નથી લીધો ને ? સાચી વાત કહું દેવિકા….? બાળક તો બાળક હોય છે. એ તો કોઈ પણ નાત, જાત, ધર્મથી પર હોય છે. એ તો આપણા વડીલો પર આધાર રાખે છે કે આપણે બાળકને શું શીખવવા માંગીએ છીએ. જો સારી શિક્ષા, સંસ્કાર અને પ્રેમ મળે તો પારકું બાળક પણ આપણને જ એના પોતાના માનવા લાગે છે અને એ જ તો આપણે એ બાળક પાસેથી જોઈતું હોય છે. કુંભાર જ્યારે માટીમાંથી ઘડો બનાવે છે ત્યારે માટી કયા ગામની છે કે પછી કોણ લાવ્યું છે એ બાબતે વધારે વિચારવા કરતાં સુંદર અને ટકાઉ ઘડો બનાવવામાં જ વધારે મહેનત કરે છે અને એની એ મહેનત રંગ પણ લાવે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ નમ્રતા તો આપણી સામે જ છે. એના સંસ્કાર અને ઘડતરના તો તારા મોઢે વખાણ થાય છે. એથી જ કહું છું દેવિકા, પ્રયાગ અને નમ્રતાની ખુશી માટે અને ખરેખર તો આપણા બધાની ખુશી માટે એક વાર જઈને જોઈએ તો ખરા… ક્યાંક આપણે જેને શોધી રહ્યાં છીએ એ ખુશીઓ પણ આપણને શોધી જ રહી હશે….’
‘હા પ્રયાગના પપ્પા, તમે સાચું જ કહો છો. મારા માટે મારી નમ્રતા એક આદર્શ દીકરી અને વહુ છે. એના એક અનાથ કે પછી દત્તક પુત્રી હોવાથી મારા એના પ્રત્યેના પ્રેમમાં તો કોઈ જ ફરક પડતો નથી તો પછી એક અનાથ બાળકને અપનાવવામાં હું કેમ પાછળ રહી જાઉં ?’

હવે ખરેખર દેવિકાબેનને પોતાનું મન હળવું ફૂલ જેવું લાગવા લાગ્યું ને સવાર પડવાની રાહમાં ક્યારે સૂઈ ગયાં એ જ ખબર ન પડી. ખરેખર આવતી કાલની સવાર સૌ માટે સોનેરી સવાર બનવાની હતી.

Leave a Reply to Ashish Dave, Sunnyvale California Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “સોનેરી સવાર – નિરાલી પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.