દિશારાણી અને તેની દીકરીઓ – અરુણિકા દરૂ

[‘ગૂર્જર બાળવાર્તાવૈભવ’ શ્રેણી અંતર્ગત પ્રકાશિત થયેલ પુસ્તક ‘અરુણિકા દરૂ’ની શ્રેષ્ઠ બાળવાર્તાઓમાંથી પ્રસ્તુત બાળવાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

[dc]ઘ[/dc]ણા પ્રાચીન સમયની વાત છે. પૃથ્વીના વિશાળ પટ પર ત્યારે ખાસ વસતી ન હતી. ત્યારે એક નાનકડા સુંદર ઘરમાં કેન્દ્રરાય અને તેની પત્ની દિશારાણી રહેતાં હતાં. બંને ખૂબ સુખશાંતિથી રહેતાં હતાં. તેવામાં તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો. ઘણે વખતે ઘરમાં ઘોડિયું બંધાયું હતું તેથી પતિપત્ની બંને ખુશ હતાં. બાળકીનું નામ તેમણે પ્રાચી પાડ્યું. પ્રાચી ખૂબ લાડકોડમાં ઊછરતી હતી. માબાપ તેની બધી ઈચ્છાઓ પૂરી કરતાં હતાં. રોજ સવારે સૂરજદાદા તેને રમાડીને કામે જતા હતા. જતાંજતાં વહાલથી તેને ગાલે ટપલી મારતા. તંદુરસ્ત પ્રાચીનું મોં હાસ્યની લાલિમાથી ભરાઈ જતું. તેને ખુશખુશાલ છોડી, સૂરજદાદા પોતાના નિયતમાર્ગે આગળ વધતા. ચાંદામામા રાતપાળી કરતા હતા તે પણ, કામે જતાં પહેલાં તેને રમાડતા. આમ માતાપિતા, દાદા, મામા – સહુના લાડકોડ પામતી પ્રાચી મોટી થતી હતી. ક્યારેક-ક્યારેક માબાપ તેને લાડમાં પૂર્વી પણ કહેતાં.

આમ સહુના દિવસો સુખચેનમાં પસાર થતા હતા. તેવામાં પ્રાચીની બહેન પ્રતીચી ઉર્ફે પશ્ચિમીનો જન્મ થયો. માબાપનું સઘળું ધ્યાન હવે પશ્ચિમીના ઉછેરમાં રોકાયેલું રહેતું. મોટી બહેન પૂર્વીને તે ખટકતું. અત્યાર સુધી તે સહુનાં પૂરેપૂરાં લાડ પામી હતી. પશ્ચિમી તેમાં ભાગ પડાવતી હતી, તે પૂર્વીથી કેમે કરીને ખમાતું ન હતું. અધૂરામાં પૂરું સૂરજદાદા અને ચાંદામામા પણ કામે જતાં પહેલાં તેને રમાડતા. વહાલ કરતા, તે પૂર્વીને ન ગમતું. તેણે માતાપિતાને, દાદાને, મામાને – સહુને કહી જોયું કે તમે કેવળ મને જ વહાલ કરો. તમારી ભેટ કેવળ મને જ આપો. નાની બહેન પશ્ચિમીને નહીં. તે મારા પછી જન્મી છે, પહેલી હું જન્મી છું એટલે બધા હકો મને જ મળવા જોઈએ. પણ બધાએ તેની વાતને હસી કાઢી.

થોડા વખત પછી દિશારાણીએ ફરીથી પુત્રીને જન્મ આપ્યો. આ વખતે એકસાથે બે કન્યારત્નને. તેમનાં નામ અનુક્રમે ઉત્તરા અને દક્ષિણા રાખવામાં આવ્યાં. હવે પૂર્વી ઈર્ષ્યાની આગથી સળગવા લાગી. એકલી પશ્ચિમી જ નહીં, ઉત્તરા અને દક્ષિણા પણ તેને દુશ્મન લાગવા લાગી. તેના પિતા કેન્દ્રરાયે તેને ખૂબ સમજાવી, પણ તે કોઈનું સાંભળતી જ નહીં. પોતાના મનમાં આવે તેમ વર્તતી અને વખત આવ્યે પોતાની નાની બહેનોની ભેટસોગાત ઝૂંટવી લેતી અને તેમને મારતી પણ ખરી. કેન્દ્રરાયથી આ બધું સહન થતું ન હતું. દિશારાણી એની લાડલી પૂર્વીને કશું કહેવા તૈયાર ન હતી. આ બધી ચિંતામાં એક દિવસ કેન્દ્રરાયનું મૃત્યુ થયું.

એકવાર સૂરજદાદા સરસ મજાની રૂપકડી ઢીંગલી લાવ્યા. ઢીંગલી એટલી તો સુંદર હતી કે સહુને ખૂબ ગમી ગઈ. ચાવી આપતાં બોલે, ચાલે, હસે અને નૃત્ય પણ કરે. એ ઢીંગલીનું નામ સહુએ ‘ઉષા’ પાડ્યું. પૂર્વીએ તો ‘ઉષા’ પર પોતાનો માલિકી હક જમાવી દીધો. સૂરજદાદા ગયા કે તરત જ તેણે ઢીંગલીને પોતાના કબાટમાં સંતાડી દીધી અને તાળું મારી દીધું. પ્રતીચી, ઉત્તરા અને દક્ષિણાને ખોટું લાગ્યું. તેઓ રડતાં-રડતાં માતા પાસે ગયાં. માતાને વાત કરી. માતા દિશારાણીએ પૂર્વીને ઢીંગલી ‘ઉષા’ સહુને રમવા આપવા સમજાવી, પણ પૂર્વીએ તો ઢીંગલી આપવાની ના જ કહી. માતાએ પૂર્વીને વિશેષ કંઈ ન કહ્યું અને ત્રણે નાની દીકરીઓને સમજાવી શાંત પાડી. ત્રણે બાળકીઓને માતાનું આ વર્તન ન ગમ્યું.

સાંજે ચાંદામામા આવ્યા કે ત્રણે બાળકીઓએ તેમને પૂર્વીની ફરિયાદ કરી. ચાંદામામાએ પણ પૂર્વીને પોતાની રીતે સમજાવી જોઈ. પણ પૂર્વીએ ઢીંગલી આપવાની ના જ પાડી, એટલે ચાંદામામાએ એને છેવટે ધમકી આપી : ‘જો તું કાલે તારી બહેનોને તે ઢીંગલી રમવા નહીં આપે તો, હું એ ત્રણને જે ભેટ આપીશ તે તને નહીં આપું.’ તો પણ પૂર્વીએ પોતાની જીદ ચાલુ જ રાખી. બીજે દિવસે ચાંદામામા તો વચન પ્રમાણે પ્રતીચી, ઉત્તરા અને દક્ષિણા માટે સરસ મઝાનો તારલાઓનો હાર લાવ્યા. ત્રણે બહેનો હાર જોઈને ખુશ થઈ ગઈ. વારાફરતી હાર પહેરીને અરીસામાં પોતાનું મોઢું જોવા લાગી. હાર જેના ગળામાં રહેતો તે, તારલાઓના હીરા જેવા ઝગમગાટથી પરી જેવી સુંદર લાગતી. ત્રણેમાંથી કોઈને હાર છોડવાનું પસંદ ન હતું. એક બહેન પહેરે અને બીજી બહેન માંગે. બીજી બહેન પહેરીને અરીસામાં જુએ, ત્યાં ત્રીજી બહેન માગે. એમ તારકહાર પહેરવાની હોંશાતોંશી જાગી. પૂર્વીને ખબર પડી કે તે ગાલ ફુલાવતી દોડી આવી અને પશ્ચિમીના ગળામાંથી ઝાપટ મારી હાર ખૂંચવવા લાગી. પશ્ચિમીએ પણ જોરથી હાર પકડી રાખ્યો. ખેંચાખેંચીમાં હાર તૂટી ગયો અને હારમાંના બધા તારકો વેરવિખેર થઈ ગયા. પશ્ચિમીને ખૂબ ખોટું લાગ્યું. એ રડતાં-રડતાં ઘર છોડી ચાલી નીકળી. ઉત્તરા અને દક્ષિણા એને શોધવા જુદીજુદી બાજુએ ગઈ. સવાર પડી પણ ત્રણેમાંથી કોઈનો પત્તો લાગ્યો નહીં. રડી-રડીને દિશાની આંખો સૂઝી ગઈ.

સવારે દિશાએ સૂરજદાદા આવ્યા તેને વાત કરી. સૂરજદાદાએ દિશાને ઠપકો આપ્યો કે તેં જ લાડ કરીને પૂર્વીને બગાડી દીધી છે. વધુ પડતાં લાડ લડાવી, તેને જિદ્દી બનાવી મૂકી છે. તારે એને વારવી જોઈતી હતી. દિશારાણીને બહુ ખરાબ લાગ્યું. એક બાજુ ત્રણ બાળકીનો વિયોગ અને તેમાં ઉપરથી વડીલનો ઠપકો સાંભળવો પડ્યો, તેથી તેણે અકળાઈને પોતાની જાતનો અંત આણ્યો. આ બાજુ સૂરજદાદા ઉતાવળે-ઉતાવળે પ્રતીચીને શોધવા નીકળ્યા. ખૂબખૂબ ચાલ્યા ત્યારે પશ્ચિમી ઉર્ફે પ્રતીચીને થાકીને ઢગલો થઈ પડેલી જોઈ. સૂરજદાદાએ તેને પ્રેમથી ઉઠાડી અને ઘરે પાછી ફરવા કહ્યું. પણ તેણે તો પૂર્વી સાથે રહેવાની ના જ પાડી. દાદાએ તેને રહેવા માટે ત્યાં જ સરસ સગવડ કરી આપી અને પૂર્વી પાસે જેમ ઉષા નામે સરસ ઢીંગલી હતી તેવી સુંદર, ચાવીવાળી ઢીંગલી ‘સંધ્યા’ નામે તેને આપી. પછી તો પશ્ચિમી ત્યાં જ રહી અને સંધ્યા સાથે આનંદથી રમીને દિવસ પસાર કરવા લાગી. ખૂબ શોધ કરવા છતાં સૂરજદાદાને ઉત્તરા અને દક્ષિણા મળ્યાં જ નહીં.

આજ પણ સૂરજદાદા સવારે પૂર્વીને અને સાંજે પશ્ચિમીને મળીને તેમના કુશળ સમાચાર પૂછતા રહે છે. ઉત્તરા અને દક્ષિણા એકબીજાથી છૂટી પડી ગઈ તેની આજ સુધી ભાળ મળી નથી. કેન્દ્રરાયના મરણ પછી કેન્દ્રથી વિમુખ થયેલી ચારે બહેનો આમ વિખૂટી પડી ગઈ. દિશારાણીની આત્મહત્યા પછી દિશાની યાદમાં દાદાજી દરેક પૌત્રીની પાછળ દિશાનું નામ બોલી, એ રીતે પોતાની લાડકી દીકરીને સંભારી લે છે. આજે પણ આ ચારે બહેનો જ્યાં જ્યાં ગઈ છે તે-તે બાજુને આપણે પૂર્વી એટલે પ્રાચી દિશા, પશ્ચિમી એટલે પ્રતીચી દિશા, ઉત્તરા દિશા અને દક્ષિણા દિશા – એ નામે ઓળખીએ છીએ. વખત જતાં શબ્દોનાં ટૂંકારૂપ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ એમ થઈ ગયાં છે.

હજુ આજે પણ સૂરજદાદા અને ચાંદામામા કામે જતી વખતે પૂર્વીને અને કામેથી પાછા ફરતાં જ પશ્ચિમીને મળીને, તેમની ખબર રાખ્યા કરે છે. પૂર્વીએ ગુસ્સાથી ઠુકરાવેલો નવલખ તારકનો હાર આજે પણ અવકાશમાં વેરવિખેર રૂપે કોઈની માલિકી વિના પડ્યો છે અને વિખરાયેલા તારકો ચમકીને નિર્દોષ ભૂલકાંઓને આનંદ આપે છે.

[કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “દિશારાણી અને તેની દીકરીઓ – અરુણિકા દરૂ”

Copy Protected by Chetan's WP-Copyprotect.