આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે,
આંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે !

ભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની;
ઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

હાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે;
યાદ કેરું તાપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

પાંપણે ઝૂલી રહ્યું અક્ષુનું તોરણ મોતીઓ સમ ઝગમગે;
કંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

એ જ છે સૂરજ, અને કૈં એ જ છે વાતાવરણ ચારે તરફ,
તારું-મારું-આપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.

Leave a Reply to પ્રવિણ કે.શ્રીમાળી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.