બુફે ભોજન પ્રથા દ્વારા થતો બગાડ અટકાવી શકાય ? – સંકલિત

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2012માંથી ટૂંકાવીને…]

[1] પીરસણીયા પ્રથા જ શ્રેષ્ઠ – અમૃત મોરારજી

જમણમાં ખોરાકના વધ-ઘટ બગાડનો આધાર ખાસ તો પીરસનારાંઓ પર રહે છે. પીસરસનારાંઓ જમણમાં જમનારાંઓને જરૂરત પ્રમાણે વધુ-ઓછું આપવામાં જેટલાં કાબેલ તેટલો બગાડ ઓછો થાય અને જમનારાંઓને પણ સંતોષ. બુફે ભોજનમાં એવું છે કે જમનાર જરૂરત પ્રમાણે વધુ-ઓછી વાનગી અને જે જરૂર હોય તે જ વાનગીની માંગ કરે છે. માટે ખોરાક બગડવાની શક્યતા ઓછી રહે છે પરંતુ બુફેમાં સારી-સ્વાદિષ્ટ વાનગીની માંગ વધુ રહે છે. માટે પીરસનારાંઓએ આવી વાનગી પર ખાસ ધ્યાન આપવું પડે છે. મીઠાઈ, ગુલાબજાંબુ જેવી વાનગીઓ પર લોકો તૂટી પડે છે.

પંગતમાં બેસી જમનારાં પીરસનારાં તેમની પાસે જાય એટલે કોઈ પણ વાનગી થોડી ઘણી મુકાવી દેવા માટે લલચાય છે અને પીરસનારાં પણ પોતાના પડોશીઓ, કુટુંબીઓ, મિત્રોને વાનગી વધારે આપી દે છે. વણી ન માંગનારને પણ આગ્રહ કરી વાનગી પીરસે છે. જે પછી જમનારાં બગાડે છે. વળી, બાળકો-યુવાનો-વૃદ્ધોને તેમની વય અને પાચનક્રિયાને ધ્યાનમાં રાખી વાનગી વધુ-ઓછા પ્રમાણમાં પીરસવાની કાળજી રાખવી જોઈએ. દેખાદેખીમાં વધુ પડતી વાનગીઓ બનાવવાથી પણ રસોઈનો બગાડ થાય કે જે બગાડ જરૂરત મુજબની વાનગીઓ બનાવી જરૂર અટકાવી શકાય.
.

[2] ભોજન કે બગાડ ?

યુરોપ, અમેરિકા કે પશ્ચિમના દેશોમાંથી ઘણી અનાવશ્યક પ્રથાઓ, આપણાં દેશમાં, પાછલે બારણે થઈને, દાખલ થતી જોઈ શકાઈ છે. તેમાં આ એક ‘બુફે-ડિનર-પ્રથા’ પણ છે. પોલીથીનની આછા લીલા રંગની ડીશ, બે વાટકી અને ચમચી સાથે પેપર નેપકીન લેવા લાઈન બંધ ઊભાં રહેવું, ક્રમસર આગળ વધવું, કાઉન્ટર ઉપરથી જોઈતી વાનગી જરૂરિયાત પૂરતી લેવી, અને ઉભાં-ઉભાં, વાતો કરતાં-કરતાં ખાવું અને તેને આધુનિકતામાં ખપાવવું એ આરોગ્યની દષ્ટિએ બિલકુલ હાનિકારક છે. ભજનની જેમ જ ભોજનમાં પણ ધ્યાન એકાગ્રતા મહત્વની બાબત ગણાય, આપણે તેમાં સામાજિક અવસરને શી રીતે રોપી કે વાવી શકીએ ? વિચારવા જેવું છે.

મારા જેવા કેટલાક વયોવૃદ્ધ આવે પ્રસંગે બેસવાની ખુરસી શોધતા રહે છે, જે તેને ભાગ્યે જ મળે છે. વહેલો તે પહેલોના ધોરણે રોકાઈ ગઈ હોય છે. ત્યારે નીચે ભોંય પર બેસીને, શાંતિથી નિરાંતે ચાવીને જમવું પડે છે. જે ઉપસ્થિત કેટલાકને અજુગતું લાગે છે. પણ બીજું થાય શું ? અગાઉ હારબંધ પલાંઠીવાળીને બેસવાની જે પ્રથા હતી તે શું ખોટી હતી ? વિચાર આવે છે. પીરસણિયા આવીને પીરસે, જમનાર જોઈએ તેટલી પોતાની રુચિ અનુસારની વાનગી લે અને સંતોષપૂર્વક શાંતિથી જમે તે જ શોભે. તેમાં રાંધેલા અનાજનો બગાડ ઓછો થાય, જ્યારે ‘બુફે’માં હાથમાં ડીસ લઈને ખૂટતી વાનગી ફરીથી લેવા નીકળવું પડે ! ક્યારેક ગીર્દીનો સામનો કરવો પડે ! તો ક્યારેક અમુક ભાવતી વાનગી જતી પણ કરવી પડે ! લગ્ન જેવા સમારંભોમાં લખલૂંટ નાણાં ખર્ચવામાં આવતાં હોય છે. ત્યારે મંડપની બહાર માંગણો, નાગાં-પૂંગા બાળકો સમારંભની પૂર્ણાહુતિની વાટ જોતાં ભૂખે ટળવળતાં પણ જોવા મળે છે. ખાનારા ખાઈને મૂંગે મોઢે ચાલતી પકડતા હોય છે અને યજમાનવર્ગ ગર્વમાં ફૂલાતો નજરે પડે છે. ત્યારે વિચાર આવે છે કે આ બધું ક્યાં જઈને અટકશે ? ભૂખ્યાંના પેટની આગ ક્યારે ઠરશે ?
.

[3] થોડીક કાળજી રાખીએ તો બગાડ અટકાવી શકાય – શ્રેણીક એમ. વિહાણી

પરંપરાગત પંગતમાં અથવા ટેબલ ખુરશી પર પરંતુ બેસાડીને જમાડવાની પ્રથા જ ઉત્તમ છે આમ છતાં જ્યાં બુફે ભોજન કરાવવું જ અનિવાર્ય હોય ત્યાં કેટલીક કાળજી લેવામાં આવે તો ખાદ્ય પદાર્થોનો થતો બગાડ અટકાવી શકાય છે.

આમંત્રણ પત્રિકાની સાથે અથવા ભોજન સ્થળે મેનુ પ્રદર્શિત કરવું જોઈએ જેથી જમનાર વ્યક્તિ તે વાંચીને પોતાને મનગમતી અનુકૂળ વાનગીઓ લેવાનું આયોજન કરી શકે. અત્યારે તો મોટાભાગે બધી જ વાનગીઓ લેવાનું વલણ હોય છે અને પછી ન ભાવે કે ન ફાવે તે ડસ્ટબીનમાં જાય છે. યજમાને વધુ વાનગીઓ રાખવાથી યશ મળશે અને બધા વખાણ કરશે તે મોહમાંથી બહાર આવીને મર્યાદિત વાનગીઓ બનાવવી જોઈએ. વધુ વાનગીઓમાં ખર્ચ ન કરતા તે બચાવીને સારી વ્યવસ્થામાં ખર્ચ કરવો જોઈએ એટલે કે ભીડ ન થાય અને જેટલી વાર જોઈએ એટલીવાર સુલભતાથી મળી રહે તે પ્રમાણે ભોજન વ્યવસ્થા ગોઠવવાથી એકી સાથે બધુ થાળીમાં લઈ લેવાની વૃત્તિમાંથી લોકો બહાર આવશે અને બગાડ અટકશે.

મોટા ભોજન સમારંભોમાં જમવામાં ભીડ ન થાય તે રીતે આમંત્રિતો માટે જમવાના સમયનું વિભાગીકરણ કરી શકાય. દા.ત. 12 થી 12:30, 12:30 થી 1, 1 થી 1:30 વગેરે. જ્યાં ભીડ થાય છે ત્યાં એક સાથે બધું જ વધારે માત્રામાં થાળીમાં લેવાની વૃત્તિ જન્મે છે. અલગ અલગ વાનગીઓ માટે અલગ અલગ ડીસ્પોઝેબલ ડીસો રાખવાનું બંધ કરવું જોઈએ. એક વાનગી પરથી બીજી વાનગી પર જતાં અગાઉની પ્લેટ ડસ્ટબીનમાં જાય છે. જો એક જ પ્લેટમાં લેવાનું હોય તો વધુ પડતું લેતા શરમનો અનુભવ થશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પાઠશાળા – આશિષ ભગત
એક પત્રકાર, સરકારી ઑફિસમાં – પ્રવીણ શાહ Next »   

4 પ્રતિભાવો : બુફે ભોજન પ્રથા દ્વારા થતો બગાડ અટકાવી શકાય ? – સંકલિત

 1. Chintan Oza says:

  સમયની જરૂરિયાત મુજબ બુફે ભોજનપ્રથા એ સમાજનું એક અનિવાર્ય અંગ બની ગયુ છે. પણ દરેક નાગરીક જો એક વાતનું ધ્યાન રાખે કે, “મારી પ્લેટમાં મારે જરૂર હશે એટલુજ લઈશ અને અન્નનો એક દાણો પણ હું નહી વેડફું” તો આપમેળે સધળુ સુંદર રીતે થઈ જશે. અને હા, આ વ્યવસ્થામાં આપણે વડીલજનોને બેસવાની વાત ભુલ્યા વગર અમલમાં મુકવા જેવી છે.

 2. જ્યોતીન્દ્ર નિર્મળ says:

  બુફે પ્રથામાં સામાન્ય રીતે ઓછું ખવાય છે એટલે થાળી દીઠ ખર્ચ ઓછો આવે છે.

 3. sandeep says:

  ખવાનુ અને ભોજન બન્ને અલગ . ખાવુ હોય તો બુફે ચાલે પન ભોજન તો શન્તિ થિ બેસિ નેજ થાય્.

 4. દિપક ચોટાઈ says:

  ભોજનનો બગાડ થતો જોઈને થાય છે કે આ આપણા સંસ્કાર છે?

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.