જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી…. – હરનિશ જાની
[ ‘નવનીત સમર્પણ’ માં તાજેતરમાં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી હરનિશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 609-585-0861 અથવા આ સરનામે harnish5@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]
[dc]અ[/dc]મદાવાદથી એક મિત્રે મને ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે મારા હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું ‘શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ મળ્યું છે. મને આનંદ થયો કે ચાલો છેવટે કોઈકે તો પુસ્તક વાંચ્યું ! બાકી આજકાલ ગુજરાતી ઓછું વંચાય છે. અને ‘ગુજરાતી વાંચો’ની ઝુંબેશ પણ ‘ઈંગ્લિશ’માં કરવી પડે છે કે ‘રીડ મોર ગુજરાતી.’
તે સાંજે જ એક મુરબ્બીનો ફોન આવ્યો.
‘અભિનંદન. તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું એ બદલ.’ મેં તેમનો વિવેકપૂર્વક આભાર માન્યો. તેમણે આગળ ચલાવ્યું :
‘અમે નાના હતા ત્યારે જ્યોતીન્દ્ર દવેને બહુ વાંચ્યા છે.’
‘હા, આપણી ઉંમરના લોકોએ તો તેમને વાંચ્યા જ હોય ને !’ મેં કહ્યું.
‘અમે તેમની ‘ભદ્રંભદ્ર’ પણ ભણ્યા છીએ. તેમાં બહુ હસવાનું આવતું.’ તેમણે આગળ ચલાવ્યું. હવે ભદ્રંભદ્રનું નામ જ્યોતીન્દ્ર દવેના નામ સાથે સાંભળતાં જ હું ચમક્યો ! મારે એમને સુધારીને એમના ઉત્સાહમાં ભંગ નહોતો પાડવો. તેમનો ઉત્સાહ મારા લાભમાં હતો. એમણે આગળ ચલાવ્યું, ‘તે જમાનમાં તે માણસ ઘણું સરસ લખી ગયો છે. હવે એવું લખાતું નથી.’ અને એમણે ફરીથી અભિનંદન આપીને વાત બંધ કરી.
બીજે દિવસે સવારમાં જ એમનો ફોન પાછો આવ્યો.
‘હરનિશભાઈ, જ્યોતીન્દ્ર દવેને તમે વાંચ્યા છે ખરા ?’
‘હા, જરૂરથી વાંચ્યા જ છે; પરંતુ તમે કેમ એમ પૂછો છો ?’
એ મુરબ્બીએ આગળ ચલાવ્યું : ‘તો તો તમને ખબર હોવી જ જોઈએ કે ‘ભદ્રંભદ્ર’ તેમણે નથી લખ્યું.
મેં બહુ નમ્રતાથી કહ્યું : ‘મને ખબર છે કે તે પુસ્તક જ્યોતીન્દ્ર દવેએ નથી લખ્યું.’
‘ના, એની ગઈ કાલ સુધી તો તમને ખબર નહોતી જ. તો બોલો, કોણે લખ્યું છે તે ?’
‘રમણલાલ નીલકંઠે’ મેં જવાબ આપ્યો.
‘તો પછી ગઈ કાલે તમે મને એમ કેમ કહ્યું કે ‘ભદ્રંભદ્ર’ જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે ?’
મારો બચાવ કરતાં કહ્યું કે, ‘હું પોતે તો એ વિશે કંઈ બોલ્યો જ નથી; પરંતુ તમે એવું કંઈક બોલ્યા હતા ખરા.’
‘હું તો એ જાણવા માગતો હતો કે તમને ખબર છે કે નહીં, એટલે એવું બોલ્યો; પણ તમે જો જાણતા જ હતા તો ત્યારે મને કહી દેવું જોઈએને ! મને લાગે છે કે તમને એ વાતની ખબર જ નહોતી.’ એ વાત શી હતી કે કોણે, કોને કહી હતી તે પુરવાર કરવાનો આ વખત નહોતો. કદાચ હું સાચો પુરવાર થાઉં અને એમને ખોટા સાબિત કરું તો એ પણ મારા માટે તો હાર જ હતી. મારા માંડ બે-ચાર પ્રશંસકોમાંથી પચીસ ટકા જેટલા પ્રશંસક ઘટી જાય. એટલે મેં કહ્યું :
‘મેં તમને સાચી વાત કહી હોત પણ; હું મારી પ્રશંસા સાંભળવામાં મસ્ત હતો. અને બીજું કે તમને આવી નાની વાતમાં સુધારવા જાઉં તો તે સારું પણ નહીંને ! કદાચ તમને ખોટું લાગી જાય.’
‘ના, ના, મને એમ કાંઈ ખોટું ન લાગે. હું તો તમને ચકાસતો હતો; પરંતુ તમે એમાં નપાસ થયા. આ ગુજરાત યુનિવર્સિટીવાળા કેવા કેવાઓને ઈનામ આપી દે છે !’ તેમનું સ્ટેટમેન્ટ સુધારવાની ઈચ્છા તો થઈ કે ‘ગુજરાત યુનિવર્સિટી’ એ પારિતોષિક નથી આપ્યું; પણ ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ આપ્યું છે પણ પછી વિચાર્યું, એમનો મૂડ ખરાબ નથી કરવો. છોને તેઓ ગુજરાત યુનિવર્સિટીને જશ આપે !
બીજા એક મિત્રનો ફોન આવ્યો.
‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું તે જાણ્યું, તે હેં ! તે હજુ જીવે છે ? મને તો એમ હતું કે હવે નથી રહ્યા.’
મેં આભાર માની કહ્યું કે : ‘જ્યોતીન્દ્ર દવે તો વરસો પહેલાં ગુજરી ગયા છે.’
‘તો પછી ઈનામ કોના હાથે મળવાનું છે ?’ મારે તેમને સમજાવવા પડ્યા કે આવાં પારિતોષિકોને મોટા સાહિત્યકારોનાં નામ આપવામાં આવે છે. જુઓને, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક વગેરે વગેરે…
‘તો એમ કહોને ભાઈ કે જ્યોતીન્દ્ર દવે સુવર્ણચંદ્રક તમને મળશે. પણ જુઓ, ભાભી ગમે તેટલું કહે તો પણ ચંદ્રક તોડાવીને દાગીનો ન બનાવતા.’
‘જુઓ, આમાં તો એવું છે કે જ્યોતીન્દ્ર દવે જાતના બ્રાહ્મણ. તેમના માનમાં સોનું દીપે પણ નહીં. એટલે મા સરસ્વતીના માનમાં એક કાગળ પર પારિતોષિક લખી આપશે.’
‘તો પછી યાર, આટલા બધા ખુશ કેમ થાઓ છો ? આ જમાનામાં એવાં કાગળિયાં તો કેટલાંય ઊડે છે. સોનું લાવો સોનું ! સાંભળ્યું છે કે થોડાં વરસોમાં દુનિયામાં જેની પાસે વધુ સોનું હશે તે ફાવશે, કાગળિયાં બધાં નકામાં થઈ જશે.’ આ પારિતોષિકની કાંઈક તો કિંમત છે જ એ તેમને સમજાવવા મેં ફોગટ પ્રયત્ન કર્યો. પછી વિચાર્યું કે જ્યોતીન્દ્ર દવેની એમને ખબર નથી; પણ હરનિશ જાનીની તો ખબર છે ને ! એમ માનીને મન મનાવ્યું.
મારાં પત્નીનાં એક બહેનપણીનો ફોન આવ્યો.
‘હંસાબહેન કહેતાં હતાં કે તમને કોમેડીનું કાંઈક ઈનામ મળ્યું. તે શેની કોમેડી કરી ?’
આ સવાલનો જવાબ કેવી રીતે આપવો એ ન સમજાયું. આ અમેરિકા છે. જો ગુજરાતમાં સામાન્યજન પાસે સાહિત્યની અથવા સાહિત્યનાં મેગેઝિનોની વાતો કરવી વ્યર્થ છે; તો અમેરિકામાં તો આવું અજ્ઞાન સાહજિક ગણાય. અમેરિકામાં જન્માક્ષર બનાવડાવવા માટે ઘણા લોકો હજી ઉમાશંકર જોશીને શોધતા હોય છે. મેં તે બહેનને સમજાવ્યું કે મને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. તો તેમણે સવાલ પૂછ્યો :
‘તે હેં ! જ્યોતીન્દ્ર દવે કોમેડિયન છે ? આપણે તો કદી ટીવી પર જોયા નથી !’ મેં કહ્યું કે તેઓ હાસ્યલેખક હતા. તો એમણે જણાવ્યું :
‘ઓહ, તો મારા હસબન્ડ કહેતા હતા કે તેમણે એક વખત તેમનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો, ત્યારે મારા હસબન્ડને તેમણે બહુ હસાવ્યા હતા. એટલે મને થયું કે જ્યોતીન્દ્ર દવે કોમેડિયન હશે. લેખકો થોડું હસાવે ?’ હું તેમની વાતમાં સંમત ન થયો. ઘણા લેખકો હસાવતા નથી; પણ હાસ્યાસ્પદ લખે છે. ત્યારે વાંચતાં હસવું આવે છે. પછી એમને સમજાવ્યાં કે હું હાસ્યભરી વાતો કરું છું; પણ કોમેડિયન નહોતા અને કમનસીબે આજે એ હયાત નથી. જે હોય તે, એ બહેને મને અભિનંદન આપવાની તેમની સામાજિક ફરજ બજાવી દીધી.
બે દિવસ પછી એક મિત્રે ફોન કર્યો,
‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે ઈનામ મળ્યું તે જાણ્યું.’ મેં તેમનો આભાર માન્યો.
તેમણે ચલાવ્યું : ‘આજે જ ઈન્ટરનેટ ઉપર એક સરસ જોક વાંચ્યો. મને બહુ હસવું આવ્યું. મને થયું કે તમને કહું. તમને કામ લાગશે.’
‘ભાઈ, હું જોક કહેતો નથી. હું તો લેખક છું.’
‘લો, તમને હાસ્યનું ઈનામ મળ્યું છે તે અમસ્તું મળ્યું હશે ? લોકોને હસાવતા તો હશો જ ને !’
મેં કહ્યું : ‘સારું ત્યારે, જોક કહો..’ અને એમણે ચલાવ્યું : ‘એક હતા સરદારજી….’ અને તેમણે મારા માથે એક ચવાઈ ગયેલો જોક માર્યો. એ એકલા એવા નથી; બીજા કેટલાય એવા છે જેઓ ફોન કરીને કહે કે, ‘આજે જે બન્યું તે બહુ ફની છે. તમને કહેવા માટે ફોન કરું છું. તમે એ તમારા નવા લેખમાં વાપરજો.’
બે દિવસ પહેલાં ટ્રેનમાં ન્યુ યોર્ક જતો હતો. ત્યાં એડિસનથી એક મિત્ર ચઢ્યા. બાજુમાં આવીને બેઠા. તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે. હવામાનની વાતો કરી. અમેરિકામાં વાત કરવા માટે બીજું કંઈ નહીં; પણ હવામાન અને ટ્રાફિક બે એવા વિષયો છે કે તે વિશે દરેક વ્યક્તિ પાસે પોતાનો ઓપિનિયન હોય છે. જ્યારે આપણે ત્યાં પોલિટિક્સ અને ક્રિકેટ પર ભારતનો એક એક નાગરિક પોતાનું જ્ઞાન દર્શાવશે. એ તો દરેકનો જન્મસિદ્ધ હક્ક છે. પછી તે મિત્ર કહે, ‘હરનિશભાઈ, એક જોક કહો.’
મેં પૂછ્યું : ‘કેમ, જોક કહું ?’
‘યાર, તમને હાસ્યનું તો સરકારે ઈનામ આપ્યું છે. એટલે જોક તો આવડતા હશેને !’
મેં કહ્યું : ‘હું તો હાસ્યલેખક છું.’
‘તો એ તમારો ધંધો જ થયો ને !’
‘તમારો ધંધો શો છે ?’
‘હું આર્કિટેક્ટ છું.’
‘તમે એક કામ કરો. અમારે નવું કિચન બનાવવું છે. તેની ડિઝાઈન દોરી આપો. લો, આ કાગળ. હું તમને એક નહીં; બે જોક કહીશ.’
ન્યુ જર્સીના વુડબ્રિજના સિનિયર સેન્ટરના પ્રમુખે મને કહ્યું કે અમારે તમારું બહુમાન કરવું છે, આ પારિતોષિક મળ્યું છે એ બદલ. આમ પણ મારે કંઈ કામ નહોતું. એટલે જવા રાજી થઈ ગયો. પછી એ પ્રમુખે મને તે પ્રોગ્રામની જાહેરાતનું પેમ્ફલેટ મોકલ્યું. તેમાં લખ્યું હતું : ‘આવતા રવિવારે વુડબ્રિજ સેન્ટરમાં મિમિક્રી આર્ટિસ્ટ હરનિશ જાનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.’ હું ધૂંઆપૂંઆ થઈ ગયો. મેં પ્રમુખને ફોન કર્યો :
‘મિમિક્રી ! હું મિમિક્રી કરું છું ? હું હાસ્યલેખક છું..હાસ્યલેખક…..’
પ્રમુખે મને શાંતિથી કહ્યું : ‘સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં ‘લેખક’ લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ મિમિક્રી લખીશું તો ઘણા બધા આવશે. હું તો તમને ખરું કહું કે તમે મિમિક્રી શીખી જાઓ તો બે પૈસા કમાશો પણ ખરા. બાકી હાસ્યલેખકની તો આજે વેલ્યુ જ શું છે ?’



અમારા તરફથી તો ખરેખરાં અભિનંદન. આ લેખ વાંચીને પણ હાસ્યલેખકોનો ભેદ લોકો સમજે તો સારું.
“સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં ‘લેખક’ લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ મિમિક્રી લખીશું તો ઘણા બધા આવશે.”
-હાસ્ય લેખકની તુલના “કોમેડીયન” કે “મિમિક્રી આર્ટીસ્ટ” સાથે કરવામાં આવે છે, તે દુર્ભાગ્યની વાત છે.
હાસ્ય લેખો સમજીને હસવા જેટલી ધીરજ અને સમય આજના ઝડપી યુગમા બહુ ઓછા લોકો પાસે હોય છે.
Very Nice…Hasvu nahotu rokatu..
Nice Harnishbhai..many people are thinking like you given many examples…..
ખુબ ખુબ હસાવવા બદલ આભર… મજા આવી ગઈ.
મારા તરફથી તો ખુબ ખુબ અભિનંદન. આ લેખ વાંચીને પણ મિમિક્રી અને હાસ્યલેખકોનો ભેદ લોકો સમજે તો સારું.
બે-ચાર ને આ લેખની લિન્ક e-mail કરી છે જોઇએ હવે હસી શકે છે કે મને હરનિશભાઈ જેવા સવલો પૂછી મારા હાસ્યરસ પર પાણી ફેરવે છે!!!!!!!!
આ પુસ્તક “સુશીલા” કયા મલશે? તેની વિગત આપશો?
Congratulations Harnishbhai.
આપ સૌએ ટાઈમ કાઢીને મારી હૈયા વરાળ વાંચી બદલ આભાર. મૃગેશભાઈએ પોતાના નંબર વન બ્લોગમાં આ લેખ લીધો તો તેમનો પણ આભાર.જ્યોતીજી,આ પુસ્તક ભારતમાં હર્ષ પ્રકાશન અમદાવાદ પાસેથી મળી શકશે. પરંતુ બધાં પુસ્તકો વેચાઈ ગયા છે.બીજી આવૃત્તિ બહાર પડવાની છે. અમેરિકા –યુ.કે માટે મને ઈ મેઈલ કરી શકો છો. harnish5@yahoo.com મારી પાસે પીડીએફમાં સુશીલાના લેખો છે .જે આપને મોકલી શકું.એક મઝાની વાત– સુશીલા મારા માતાનું નામ હતું.
ફરીથી ,આ લેખ વાંચવા બદલ આપનો આભાર.
harnishbhai very entertain lekh maja avi gai if you have more lekhs pls send me on pranav.p.1@gmail.com
Bhavnagari ne hasava aghru kam chhe, Aape kari batavyu. Khas pratibhav etla mate ke me atyare woodbridge ma mitra na ghare aapno lekh vanchyo. I am sorry I don’t have software for Guj fonts.
હરનિશભાઈ, સિક્સરો પર સિક્સરો મારી છે…. તમોને તો યાદ નહિ હોય પણ New Jerseyના એક પ્રોગ્રામમા બાથરુમની લાઈનમા તમારા એક એકથી ચઢે તેવા જોક્સ આજે પણ યાદ છે…
Ashish Dave
According to my own exploration, billions of persons on our planet receive the home loans at different creditors. Thence, there is a good possibility to find a auto loan in all countries.
ખૂબ મઝા આવી ગઈ….
આભાર…
અમોલ
ખરેખર લોકોના ફેંકાફેંકમાંથી જ હાસ્ય મળતુ હોય છે જો હરનીશભાઈ જેવા લેખકો આપણી સામે મૂકેતો.
બહુજ સરસ્… ધ્ન્યવદ્ હરુભૈ
શું વાત છે? હજી આવું લખાય છે ખરું?
મને તો એમ કે વિનોદ ભટ્ટ પછી કોણ બાકી રહેશે?
બહુરત્ના ગુજ-વસુંધરા
દવે સાહેબ,
સાહિત્યસર્જન પછી તે હાસ્યરસનું,વીરરસનું,કારુણ્યનું,આધ્યાત્મિક,ગઝલ,કવિતા … વગેરે બધા જ પ્રકારનું સર્જન ઉત્તરોત્તર પ્રગતિને પંથે છે અને સર્જન પણ વિપુલ પ્રમાણમાં થાય છે … જે આનંદની વાત છે. આપની જાણ ખાતર જણાવવાનું કે … આજની તારીખે ૨૨૦૦ કરતાં પણ વધુ સામયિકો ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થાય છે. ચોપડીઓ પણ દર વર્ષે વધુને વધુ બહાર પડે છે. … અને, ” વાંચે ગુજરાત ” ના નારા નીચે તો ઢગલાબંધ ઉત્તમ પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે. — એકજબરદસ્ત સમાચારઃ રાજકોટના શ્રી.ગિજુભાઈ ભરાડ નામના સાહિત્યપ્રેમીએ પોતાના ગુરુની પુસ્તકતુલા કરીને ૪૧૦ પુસ્તકોની ૫૦૦૦-૫૦૦૦ કોપીઓ છપાવીને આંતરિયાળ ગામડાઓમાં પુતકાલયો ઊભાં કરીને દરેક ગામને ભેટ આપેલ છે. વળી, આ પુસ્તકોમાં કોઈ પણ પુસ્તકમાં અંધ્ધશ્રધ્ધા, ભુત, વહેમ,ખોટી માહિતી કે ભ્રમણા ફેલાવવી … જેવૂં કોઈ અનિષ્ઠ ના હોય તેવાં જ નવીન તરાહનાં આદર્શ પુસ્તકોને જ સ્થાન આપેલ છે.
ટૂંકમાં, “બહુ રત્ના વસુંધરા ”
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Very Nice. Light comedy. Long back there was movie director & producer Hrishikesh Mukharji. Making humarous comedy moveis. This article is of that category.
Good one. Enjoyed.
બહુ સુંદર લેખ છે, વાંચવાની બહુ મજા આવી.
Khubsundar article.Abhinandan.