લીલો રંગ ! – મોના લિયા

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના યુવાસર્જક મોના લિયા ભૂજના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા માણીએ. આપ તેમનો આ નંબર પર +91 8866064960 અથવા આ સરનામે monabhuj@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘મિ[/dc]સિસ સ્મિતા બજાજનું સ્વાગત કરશે કોલેજના આચાર્ય શ્રી વિશાલ ખાંડેકર!’, ટ્રસ્ટીઓ માટે સ્ટેજ પર ગોઠવાયેલી આરામદાયક બેઠક પરથી સ્મિતા ઉભી થઇ. આચાર્યઅએ શાલ ઓઢાળી પુસ્તક અર્પણ કર્યું, અને તાળીઓનાં ગડગડાટથી હોલ ગાજી રહ્યો. સ્વાગત-વિધી આગળ ચાલી. ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટના વિશાળ સંકુલના ભાગરૂપ એક સભાગૃહમાં વાર્ષિક મહોત્સવ જોરશોરથી ઉજવાઈ રહ્યો હતો. આખા ગુજરાતમાં નંબર વન પોઝીશન પર આજે ટ્રસ્ટની નામના હતી. બારમાં ધોરણમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીનું સ્વપ્ન રહેતું ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રવેશ મેળવવો.

ટ્રસ્ટી, મેનેજિંગ ડીરેક્ટર, એજ્યુકેશન એડવાઈઝર, નિમંત્રિત મહેમાનો વગેરે સ્ટેજ પર બિરાજમાન હતા. સામેની બાજુએ પાંચસો સીટો ગોઠવાયલી હતી. કોલેજના બધાં નાનાં- મોટા કાર્યક્રમો આજ હોલમાં યોજાતા રહેતા. પેરન્ટસ મિટિંગ, એજ્યુકેશન સેમિનાર, સત્કાર સમારંભ, વિવિધ વિષયો પર કોન્ફરન્સ, ફેરવેલ પાર્ટી… બધુંજ. વાતાનુકૂલિત હોલમાં સુગંધિત સ્પ્રેની મોહકતા પ્રસરી રહી હતી. છત પર આકર્ષક રીતે લગાવેલી મહાન વ્યક્તિઓની છબીઓ અને મડવર્કથી કરાયેલું સુશોભન, સ્ટેજ અલાઇન્મેન્ટ.. આ બધી ગોઠવણી વચ્ચે સ્ટુડન્ટસ અને ખાસ નિમંત્રિત પેરેન્ટ્સ હાજર હતા.

સ્વાગત વિધિ પૂર્ણ થઇ. સ્ટેજ પર બિરાજમાન વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા પ્રથમ હરોળમાં કરવામાં આવી હતી. ડાન્સ, મોનો એક્ટિંગ, ડ્રામાં, નૃત્ય વગેરે પ્રસ્તુત થઇ રહ્યાં હતાં. શેક્સપિયરનું ‘રોમિયો અને જુલિયટ’ નાટક બી.એ. સેકન્ડ યરના સ્ટુડન્ટસ ભજવી રહ્યાં હતાં.
‘નમ્રતા જુલિયટ હતી!’
પહેલી હરોળમાં બેઠાં બેઠાં સ્મિતાને એક વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ આવી ગયું. આજ સ્ટુડન્ટસ બી.એ. ફસ્ટ યરમાં હતા ત્યારે આ નાટક ક્લાસમાં ભણાવ્યું હતું. નાટક બધાને ખૂબ પસંદ આવ્યું. એ સમયે વર્ગમાં અનૌપચારિક રીતે સંવાદોની પ્રેક્ટીસ પણ કરાવી હતી. નાટ્યને સમજવા માટે એના પાત્રોમાં પ્રવેશીને એમને અનુભવવા, એમને જીવવા, અને એમને ભજવવા જેટલો સહેલો બીજો કયો રસ્તો !
‘પરકાયા પ્રેવેશ !’, સ્મિતા અનાયાસે જ બોલી ઊઠી.
પૂરા ત્રણ વર્ષ આ કોલેજમાં લેકચરર તરીકે ક્લાસમાં ભણાવ્યું, એગઝામ પેપર તૈયાર કર્યા, પેપર ચેકિંગ, અસાઈન્મેન્ટ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કોગ્નીટીવ સાયકોલોજીના અવનવા પ્રયોગો કર્યાં અને વિધાર્થીઓની ગ્રહણશક્તિ પણ વધારી. એણે પોતાની એક અલગ શિક્ષા પદ્ધતિ વિક્સાવી હતી. સ્મિતા મે’મનું લેક્ચર એટલે એજ્યુકેશન, પેરા-એજ્યુકેશન અને ઈતર-પ્રવૃત્તિ… બધું જ. આ બધામાંથી પસાર થતા ઘણું શીખવા-જાણવા મળતું. કોલેજમાં ઇન્સ્પેક્ષન તો આખું વર્ષ ચાલ્યા કરે. ક્લાસ, લેબ વગેરેમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય એ તો ખરું. પણ વર્ગમાં ગમે તે સમયે ટ્રસ્ટી કે ડાયરેક્ટર્સ મુલાકાત અને અવલોકન-નિરીક્ષણ માટે સમયાંતરે આવી જતાં. કદાચ એટલે જ અધ્યાપકોની કાર્યનિષ્ઠા નિરંતર જળવાયેલી રહેતી. નંબર વન કોલેજ કંઈ અમસ્તાં જ તો ના થઇ શકે !
‘રોમિયો, શત્રુપુત્ર ! પણ તેથી શું ? કામદેવતાએ એક જ બાણે બે હૈયાં એકસાથે પરોવી દીધાં. હવે વીંધાયા પછી હાણ શી ?’ નમ્રતા એકંદરે હોશિયાર, ચપળ અને આનંદી છોકરી. તો પણ જુલિયટનો આ સંવાદ બોલતી ત્યારે બધા હસી પડતા અને એ પણ હસવા લાગતી. આખો ક્લાસ શૃંગાર-કરુણના મિશ્ર પ્રવાહમાં તરતાં તરતાં હાસ્યના દરિયામાં ભળી જતો. આવાજ એક સમયે ટ્રસ્ટી મિ. ચિંતન બજાજ વર્ગમાં આવ્યા હતા. સ્મિતાનું ધ્યાન હંમેશા અધ્યાપનમાં જ રહેતું. બીજે કશે ક્યારેય નહિ. બારી બહાર પણ ભાગ્યે જ નજર કરી હશે….

‘મે’મ, ટી પ્લીઝ…’ વ્હાઈટ એન્ડ બલ્યુ યુનિફોર્મમાં સજ્જ કેન્ટીનનો પ્યુન ડીશમાં ચાના કપ લઈને ઉભો હતો. સ્મિતા કંઈ બોલે, ના પડે, એ પહેલા ચિંતને કહી દીધું, ‘મેમ માટે ફ્રુટ જ્યુસ…’ ખરેખર તો સ્મિતાને અત્યારે કંઈ પીવાની ઇરછા ન હતી. બદલાયેલી પરિસ્થિતિની સતત તુલના કરીને એ આનંદ અનુભવી રહી હતી.
‘એમને હવે ખબર પડવી જોઈએ કે તારા માટે દરેક વખતે…’ સામેથી ફ્રુટ જ્યુસ લઈને આવતા વેઈટરને જોઈ ચિંતને એનું વાક્ય અધુરું જ મુકી દીધું. કાચના ગ્લાસમાં રહેલો ઠંડો ઓરેન્જ જ્યુસ હોઠ પર મુકતા એની આંખ સામે કેન્ટીન તરવરી ઊઠી. ગોળાકાર ટેબલ પર ચાર ખુરશી ગોઠવાયેલી હોય. સ્ટુડન્ટસ માટે સેલ્ફ સર્વિસ. અધ્યાપકોને ટેબલ પર સર્વ કરવામાં આવતું. રીસેસમાં ખુબ ભીડ જમા થઇ જાય. કેટલીય વાર પંદર મિનીટ પછી વારો આવે. કોઈ વેઈટર રજા પર હોય તો ચોક્કસ મોડું થાય જ. પણ હવે…
‘મિસ્ટર આર્યન , મીટ માય વાઇફ સ્મિતા’, પછી મિસ્ટર દેસાઈ, મીસ તારિણી, મીસીસ અગ્રવાલ, મિસ્ટર નિકુંજ વગેર બધા સાથે પરિચય… હળવું સ્મિત આપી એ જરા પાછળ ફરી ત્યાં…
‘હેલ્લો… સ્મિતા મેડમ….’નું ટોળું ઘેરી વળ્યું.
‘હાવ આર યુ મેમ ?’, નમ્રતા જુલિયેટનો વેશ ઉતાર્યા વગર જ દોડી આવી હતી. રોહન, જીગર, ગુરપ્રિત, સમીર…. સ્મિતા હજી પણ બધાને નામથી ઓળખતી હતી.
‘ઓહ… હાય…. આઈ એમ ફાઈન. એન્ડ હાવ આર ઓલ ઓફ યુ ?’, એની પાસેલા ભણેલા વિદ્યાર્થીઓ માટે એ પ્રેરણામૂર્તિ હતી. આ એના સ્ટુડન્ટ નહીં, ફેન હતા. આમ તો સ્માર્ટ, ઇન્ટલીજન્ટ અને વળી કાર્યદક્ષ અને ક્રિએટીવ એવી સ્મિતાને ફેન્સની ક્યાં કમી હતી ?

૨૩ ઓગસ્ટનીએ સાંજ……
દરવાજો ખોલતાં જ સામે ઊભેલા ચિંતન અને એના મમ્મી-પપ્પાને જોઇને સ્મિતાના અચરજનો પાર નહોતો રહ્યો. મનમાં પ્રશ્નોની શૃંખલા રચાઈ ગઈ હતી. પપ્પા ડ્રોઈંગ રૂમમાં છાપું વાચતા હતા. મમ્મી બાજુમાં બેઠા શાક સમારી રહ્યાં હતાં.
‘પપ્પા- મમ્મી, આ અમારી કોલેજના ટ્રસ્ટી મિ.ચિંતન બજાજ અને એમના પપ્પા-મમ્મી…’, એ એકધારું જ બોલી ગઈ. મહેમાનોને મમ્મી-પપ્પા પાસે બેસાડી એ રસોડામાં આવી ગઈ. પણ ચા નાસ્તાની તૈયારી કરતાં જીવ તો બહાર ડ્રોઈંગરૂમમાં જ હતો. શું હશે ? ક્યાં કામથી આવ્યાં હશે ? એમને વળી મારું શું કામ હોય ! તો પછી અમસ્તાં તો ના જ આવ્યા હોય….
‘અહીયાંથી પસાર થતાં હતાં તો થયું તમને મળતા જઈએ ! સ્મિતા ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ યુથફુલ પર્સન.’
‘હા… હા… હા…..’, અસમંજસમાં પણ હસી પડાયું. ઉકળતી ચાને ગળણીથી ગાળી રકાબીમાં નાખી. ટેસ્ટ કરી ત્યારે ખ્યાલ આવ્યો ભૂકી વધારે નખાઈ ગઈ છે અને ખાંડ સમૂળગી ભૂલાઈ જ ગઈ છે !
‘ચિંતન ઘણી વખત સ્મિતા વિશે વાતો કરતો હોય છે. બહુ ડાહી અને હોંશિયાર દીકરી છે !’ અચાનક કંઇક ગંભીર વાત થઇ રહી હોય એમ લાગ્યું. એણે પ્લેટ સરખી કરતાં કરતાં કાન સરવા કર્યા તો એના હાથ જ થંભી ગયા.
‘ઓહ.. તો આ વાત છે !’, જાણે કંઇ થયુંજ નથી એમ એ વર્તી રહી. આંગણે આવેલા અતિથીને એમ કંઇ થોડા ભગાડી મુકાય ! આમ જોઈએ તો એમણે કોઈ દુરવ્યવહાર પણ નહોતો કર્યો. છતાં મિ.ચિંતન પાસે આવી અપેક્ષા તો ક્યાંથી હોય ! એમના ગયા પછી મમ્મીએ પૂછ્યું. ‘સ્મિતા, તારી શું ઇચ્છા છે ?’

બીજા દિવસે કોલેજમાંથી ફુરસદ મળતા એ ચિંતન બજાજની કેબિનમાં પહોંચી ગઈ,
‘તમારી એમ્પ્લોઇના ઘરે આવીને તમે મેરેજનો પ્રસ્તાવ મુકો છો ! હાઉ કેન યુ …’
‘રીલેક્સ સ્મિતા. એન્ડ પ્લીસ સીટ હિયર !’
‘મેં તમારા વિશે ક્યારેય પણ….’
‘યા.. યા, આઈ નો અબાઉટ ધીસ !’, વચ્ચેથી વાત કાપી ચિંતન બજાજે આગળ ચલાવ્યું.
‘સ્મિતા, મને તમારી સાથે મારી લાઈફ માણવી ગમશે, અને એટલે જ તમારા ઘરે આવીને તમારા મમ્મી-પપ્પાની પાસે વાત મુકી છે. તમે હા અને ના કંઈ પણ ઉત્તર આપવા સ્વતંત્ર છો. નો બ્લડી ડોગફાઇટ્સ ! પણ મારી એક જ સલાહ છે. આપના નિર્ણય ઉપર તમારી કે મારી નહીં, બે પરિવારોની જિંદગીનો આધાર છે.’

સ્મિતાનો ગુસ્સો ધીમે ધીમે પીગળવા લાગ્યો. ચિંતન બજાજે કોઈ ખરાબ વર્તન તો નહોતું જ કર્યું. પોતાને ગમતી વ્યક્તિ માટે માતા-પિતાની આજ્ઞાથી, એમના દ્વારા લગ્ન-પ્રસ્તાવ મુકવો એમાં ખોટું શું છે ! એમણે પોતાની વાત ખુબ સારી રીતે મૂકી હતી.
‘બીજી એક વાત. તમારી હા આપણને પતિ-પત્ની બનાવશે. પરંતુ તમારી ના આજે છે એ સબંધને તો અકબંધ રાખશે જ !’ ચિંતનના શબ્દો સીધા હૃદયમાં ઉતરી ગયા. સ્મિતાએ કોઈ ઉતર ના આપ્યો. થોડી ક્ષણો મૌનમાં પસાર થઇ ગઈ. બન્ને તરફ સંવાદની રાહ જોવાઈ. અને સ્મિતા ચેર પરથી ઉભી થઇ. એણે દરવાજો ખોલવા હેન્ડલ પર હાથ મુક્યો.
‘સ્મિતા !’
‘હંઅ….’, એ પાછળ ફરી. ચિંતન ચેર પરથી ઉભો થઈ સ્મિતા પાસે આવ્યો. તેના બંને હાથ પોતાના હાથમાં લીધા, ‘તારા ચહેરાનું સ્મિત ક્યારેય ફીકું નહી પડવા દઉં.. થોડો ભરોસો તો રાખી જો !’ એની હુંફાળી પકડમાંથી પોતાના હાથને સેરવીને કેબીન બહાર જતી સ્મિતાનેએ અનિમેષ નજરે જોઇ રહ્યો…
‘હા, પોતે બોલેલા દરેક શબ્દને ચિંતન નિભાવી રહ્યો છે, આજપર્યંત !’, સ્મિતાના ચહેરા ઉપર એક સ્મિત ખીલી ઉઠ્યું.
‘સ્મિતા, કમ ફોર ડીનર….’, ચિંતને બોલાવી ન હોત તો વાતો ઘણી લાંબી ચાલત.
‘યા શ્યોર ચિંતન !’
‘બાય એવરીબડી’, સૌની તરફ હાથ ફરકાવી એ ટ્રસ્ટી અને ડાયરેક્ટર વગેરેમાં ભળી ગઈ.
‘બાય મેમ!’,નો નાદ તેના કર્ણપટલ પર ઝીલાયો ત્યારે ચિંતન કોઈ નવી વ્યકિત સાથે એને મેળવી રહ્યો હતો.

ગુજરાતી, પંજાબી, મદ્રાસી, ચાઇનીઝ વાનગીઓના કાઉન્ટર હોલમાં ચારેબાજુ ગોઠવેલા હતા. એકબીજા સાથે વાતોમાં મશગૂલ લોકોમાંથી કોઈનું ધ્યાન લો વોલ્યુમમાં વાગી રહેલું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાંભળવામાં ન હતું. સ્ટુડન્ટસ પોતાના પેરન્ટસને લેક્ચરર્સ અને પ્રોફેસરો સાથે મેળવી રહ્યાં હતાં. ટ્રસ્ટી મંડળ અને ડાયરેક્ટર્સ કોલેજની પ્રગતિમાં રહેલા પોતાના યશની ચર્ચામાં ગૂંથાયેલા હતા.
‘સ્મિતા, લેટ્સ સ્ટાર્ટ વીથ ધીસ !’, ચિંતન એક પેપર-બાઉલમાં અવનવા ટોપિંગ્સવાળી દહીંપુરી લઇ આવ્યો હતો. ગયા વર્ષે વૈશાલી, અજય, તેજસ, નિશા સાથે પાણીપુરી ખાવામાં થયેલી અફરાતફરી.. શરત લાગેલી કે પાંચેય જણામાં સૌથી વધુ કોણ ખાઈ શકે ? અજય વિનર થયો હતો. એકસો બે પાણીપુરી ખાધી હતી એણે. મજાક મસ્તી અને વાતોમાં એક મસલાપુરી નજીકથી પસાર થઇ રહેલા મિસીસ ચાવલાની સાડી પર પડી. ક્રીમ કલરની સાડી પર લાલ – લીલી ચટણીના ડાઘા જાણે છપાઈ ગયા.
‘સ…સોરી મિસીસ ચાવલા!’
પણ સ્મિતા આગળ કંઈ બોલે એ પહેલાંતો એ મગજ ગુમાવવી બેઠા. મનમાં આવે એ વાક્યો ફેંકવા શરુ કરી દીધાં. આજુબાજુ ઉભેલા બધાની દ્રષ્ટિ સ્મિતા પર કેન્દ્રિત થઈ ગઈ હતી. વાતાવરણ તંગ બની ગયું. શું કોઈ મોટો ગુનો થઈ ગયો હતો ! બહુ અપમાન જેવું લાગ્યું… બે દિવસ કોલેજ જવાની ઇરછા ન થઇ… ના ગઈ. પણ પછી શું ? થઇ ગયું એઝ યુઝુઅલ….. હવે આ વાતો ઘણી જૂની થઇ ગઈ હતી. એને સંભારવી જરૂરી પણ નહોતી. આ શાનદાર પાર્ટીની મજા માણવાના બદલે પોતે કેમ એ બધું યાદ કરતી હતી એ એને પોતાને જ ના સમજાયું. આઈસ્ક્રીમ, બ્રાઉની ખાઈ લીધા. ‘બાય…. બાય….’ ના સૂર સાંભળવા લાગ્યા. સામે પ્રતિઉત્તરમાં પણ એ જ શબ્દો. સ્મિતા અને ચિંતન કારમાં ગોઠવાયા. ચિંતને પાવર-વિન્ડોઝ ઓન કરી અને ધીરે-ધીરે ફંક્શનના ઘોંઘાટની જગ્યા આતિફ અસ્લમના ગીતોએ લઈ લીધી.

નદીના પટ જેવી સડક પર કાર એકધારી ગતિએ પસાર થઇ રહી હતી.
‘ચિંતન, બધું કેટલું બદલાઈ ગયું છે નહી !’
‘હું સમજ્યો નહી, તું શું કહેવા માંગે છે ?’
‘મિન્સ… હું મારી વાત કરું છું.. કોલેજમાં થોડા સમય પહેલા હું.. ને આજે… એટલે કે… આઇ મીન ટુ સે…’ સ્મિતાને પોતાને જ ના સમજાયું કે એ શું કહેવા માંગતી હતી.
‘ઇટ વોઝ ટૂ હેપનીંગ, રાઇટ ?’, ચિંતન એક પછી એક ફ્લાય-ઓવર્સ વટાવી રહ્યો હતો.
‘સ્ટુડન્ટ્સ કેટલાં રાજી થઈ ગયાં હતાં મને જોઇને !’
‘હમ્મ…’
‘અને જુલિયટ…. યુ નો… એ નાટક.’
‘હા, અદ્દ્ભૂત હતું. એના માટે સીટીના બેસ્ટ ડ્રામા-ડીરેક્ટરને રોક્યા હતાં.’
‘અને ચિંતન… પાણી-પુરી ! યુ નો લાસ્ટ યર હું અને મારા સ્ટુડન્ટ્સ…’
‘યુ ડોન્ટ નો સ્મિતા, ઇટ્સ ટૂ ડીફીકલ્ટ ચુઝીંગ અ કેટરર. ધેટ્સ વ્હોટ એટ્રેક્ટ ધ ફોલ્ક્સ. લોકોને શું જોઇએ ? સીટીનો બેસ્ટ ડીરેક્ટર, બેસ્ટ કેટરર… વર્લ્ડ-ક્લાસ કેમ્પસ, બેસ્ટ ફેકલ્ટીઝ….’
‘ચિંતન, મારા સ્ટુડન્ટ્ઝ…’
‘ઓ હા, તું એ સ્ટુડન્ટ્સના ટોળામાં શું કરતી હતી ? મિ.જોનિસ અને એમના વાઈફ, હી ઈઝ ટૂ ગુડ અ ફેલો. એ આપણા ટ્રસ્ટ સાથે કોલાબોરેટ કરવા માંગે છે.’
‘ચિંતન… બધાં કેટલું માન આપે છે મને !!’
‘સ્વીટ્ઝ, તું મિસ્ટર ચિંતન બજાજની વાઈફ છો….’ એ હસતાં હસતાં બોલી ગયો. ચિંતનનું એ હાસ્ય…. પહેલાં ક્યારે જોયું ન હતું. આ માન, આ ઈજ્જત બધું એકધારું મળી ગયું, કારણકે એ ચિંતન બજાજની પત્નિ છે…… અચાનક…. બ્રેક…કાર કિકિયારી સાથે ઉભી રહી ગઈ. કેટલાંક કોલેજીયનો એમની જ મસ્તીમાં સડક વચ્ચે દોડી આવ્યા હતા.
‘ઇડીયટ્સ !’, જરાકમાં જ અકસ્માત થતો રહી ગયો. સ્મિતાના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું. છેક ઘર સુધી કંઈક બેચેની લાગ્યા કરી.

ચિંતન તો ટેબ્લેટ્સ લઈને ઘસઘસાટ ઊંઘી ગયો હતો. પણ સ્મિતા પડખાં ઘસી રહી હતી. કેમ પણ કરીને હવે મન નહોતું લાગતું. સ્મિતા બારી પાસે આવી ઊભી રહી. બહાર કમ્પાઉન્ડમાં ઉગેલાં નાળયેરીના પાનમાં કાળાશ વર્તાતી હતી. ચાંદનીના પ્રકાશમાં એ શ્યામવર્ણ વધુ ને વધુ આકર્ષક બની રહ્યો હતો. પણ નાળયેરીના પાનની મૂળ પ્રકૃતિ હતી લીલો રંગ….

સવારે ચિંતને આખો ઉઘાડી ત્યારે સ્મિતા બેગમાં કૈક વસ્તુઓ પેક કરી રહી હતી.
‘અરે, ક્યાં જવાની તૈયારી છે ? એ પણ આટલા વહેલા !’ પથારીમાં સૂતાં સૂતાં જ બાજુમાં રહેલા તકિયાને માથા નીચે મુકતા ચિંતને કહ્યું.
‘કોલેજ !’ સ્મિત આપી એ ફરી એનું કામ કરવા લાગી.
‘આઈ થિન્ક, આજે તો કોઈ મીટીંગ નથી.’
‘હું ટ્રસ્ટીપદમાંથી રીઝાઇન કરવા માંગું છું….’
‘વ્હોટ ??!!!’
‘ચિંતન, આઈ એમ ગોઇંગ ટુ કોલેજ ફોર જોઈનીંગ એઝ અ પ્રોફેસર.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “લીલો રંગ ! – મોના લિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.