બ્લુ બેડશીટ – ભુમિકા દેસાઈ શાહ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના યુવાસર્જક ભુમિકા દેસાઈ શાહની આ પ્રથમ વાર્તા છે. તેઓ લેખન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9714833224 અથવા આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘હે,[/dc] જલદી ઊઠ જાડી ! એક કલાક પછી તારું ડિફેન્સ છે, અને તું કેટલી શાંતિથી ઊંઘે છે ! જબ્બર જાડી ચામડીની છે તું તો યાર, મગરમચ્છને કાચબાને પણ કૉમ્પ્લેક્સ થઈ જય તારાથી !’ – સવારની ઊંઘ અને રાતનું વાંચન – મારી અઠંગ આદતો, ભગવાન સાક્ષાત ઉપરથી નીચે આવી જાય તો પણ મારું રૂટિન બ્રેક ના થાય, એવું ગજબનું કમીટમેન્ટ !
‘ઓ હમદમ સુનિયો રે.. ઓ જાનિયા સુનિયો રે.. ઓ જાનિયા…શામ કો ખિડકી સે નંગે પાવ ચાંદ આયેગા…..’ ૪૪૦ વોલ્ટ નો ઝટકો લાગે એમ ઝબકીને હું ઊઠી ગઈ અને…..
‘મલ્લિકા-એ-આળસને એક જ મીનીટમાં ઉઠાડવાનો અકસીર ઇલાજ હતો આ…. પણ કહેવું પડે હો તમારો પ્રેમ….. તારા પતિદેવનો ફોન આવે તો તું ઊંઘ તો શું ચીઝ છે, કોમામાંથી પણ પછી આવી જાય !’ – એક, બે ને ત્રણ….. મારું ત્રણ સખીઓનું તોફાની ત્રિકોણ તૈયાર થઈને પ્રેઝન્ટેશનને ફાઈનલ ટચ આપી રહ્યું હતું..

માસ્ટર્સ ઈન કમ્પ્યુટર ઈન્જીનીયરીંગનું છેલ્લું સેમિસ્ટરને છેલ્લો પ્રોજેક્ટ…. છેલ્લા 5-6 મહિનાથી પ્રોજેક્ટના કામમાં ભૂખ-પ્યાસ-ઘર-બાર બધું જાણે વીસરાઈ ગયું હતું, હાલત હવે એમ હતી કે સપનામાં પણ કોડીંગ, લેપટોપ અને વાઇવા જ આવે ! હાશ….કાલથી આ કિલિંગ સપના ને બાય-બાય…. બુક્સ અને લેપટોપને તો બેગ માં પેક કરીને માળિયા ભેગાં જ કરી દેવા છે ! જોત જોતા માં ૩ વર્ષ થયા લગ્નને પણ ભણતર, જૉબ અને અપ-ડાઉનની રોજંદી ચક્કીમાં – પતિ, પરિવાર, રોમાન્સ અને બાળકો જેવા નૉર્મલ સપનાં જે આ આંખો એ હજુ જોયાં જ નથી એ મન ભરીને જોવા છે અને માણવા છે… મૅરેજ એનીવર્સરી, બર્થડે, પ્રમોશન અને એવા નાના-મોટા ચુકાઈ ગયેલા ઉજવણીના હજાર મૌકા ગણી ગણીને વસૂલ કરવા છે ! આંખો ઉઘાડી તો ગઈ છે, છતાં હું સપના માં જ છું જાણે ! એવું સપનું જે માત્ર ગણતરીના કલાકોમાં જ સાચું થવાનું છે ! આખરે… હવે મારા આ સપના અને મારી વચ્ચે માત્ર……
‘એસ.એમ.એસ….’ એક એસ.એમ.એસ.ની બીપથી વિચારતંદ્રા અને સ્વપ્નયાત્રા થંભી. છતાં આંખોમાં હજુ એ જ નશો છે જે પહેલીવાર પતિદેવ- સહજને જોયા ત્યારે હતો, સ્કૂલી નિર્દોષ લાગણીઓ મઢ્યો નિર્દોષ નશો !….
‘એસ.એમ.એસ….’ – એક બીજી બીપ…. મોબાઈલ ઓશિકા નીચેથી હાથમાં લીધો. સહજ નો જ એસ.એમ.એસ. હશે…. હશે ? એકપળ વિચારીને ખુશી થઈ ના થઈને તરત બીજી પળે દિમાગને દિલને ટકોર્યું – છેલ્લા દસ વર્ષમાં કેટલા એસ.એમ.એસ આવ્યાં પતિદેવના કે આજે આવશે !

બંને એસ.એમ.એસ એક પછી એક વાંચી ગઈ…. કદાચ એક વાર નહિ…. અનેકવાર વાંચી ગઈ… આંખોથી શરૂ કરીને અંતરમન સુધી વાંચી ગઈ અને… શું દિલ અચાનક કોમામાં સારી પડ્યું….. એક સાથે ત્રણેય સખીઓ દરવાજા સાથે બાખડી પડી :
‘હીર, વોટ્સ ગોઈંગ ઓન ? શું થયું ? ઓપન ધ ડોર…ડેમ ઇટ ! લાસ્ટ મુમેન્ટ પર નાટક ના કર ! આપણે ઑલરેડી લેટ છે !’
દરવાજો ખોલું ?
કયો દરવાજો ખોલું ?
કેમ દરવાજો ખોલું ?
દરવાજાની બહાર શું છે ?
દરવાજો નહિ ખોલું તો કોને ફરક પડી જશે ? હવે શું ફરક પડે છે આ દરવાજાથી, અંદર રહેવાથી કે બહાર જવાથી…? દરવાજાના મિત્રોના ધમપછાડા વધ્યા પણ….. સમય કદાચ થંભી ગયો…કાયમ માટે..
હમણાં જ જોયેલા તાજા, મેઘધનુષ જેવા સપનાં એસ.એમ.એસની ‘બીપ’ થી સાઈલેન્ટ થઈ ગયા….
યંત્રવત સામાન પેક કર્યો… કોણે કર્યો ? – શું ખબર…
દરવાજો ખોલ્યો…. કોણે ? – શું ફરક પડે છે…. સીડીઓ ઊતરી રહી એક થીજેલી લાશ, અને પાછળ દોડી રહ્યાં ત્રણ મિત્રો – અવાચ, ગભરાયેલા અને ચિંતિત….

‘હીર, કેન વી ટોક ? શું થયું ? હજુ પ્રોજેક્ટની એક્ઝામમાં એક કલાકની વાર છે, ચાલ ઉપર જઈએ, ફ્રૅશ થઈને નિરાંતે કહે શું થયું ? અમે છીએ ને ? આમ….તું… અમારા ગોત્રો ઢીલાં ના કર ! આમ એક્ઝામ છોડીને ના જવાય ! તે આ દિવસ માટે ગાંડાની જેમ મહેનત કરી છે…’ – મારા હાથમાંની બેગ અને કાઈનેટીકની ચાવી ઝૂંટવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં એક સાથે ત્રણેય જાણે બરાડી ઊઠ્યા !
હું એટલે હીર સહજ પટેલ, ઉર્ફે હીર દેસાઈ.
લગ્ન પછી પોતાના ઘર પરિવારની સાથે પોતાના અસ્તિત્વને, પોતાની ઓળખને પણ પિતાગૃહએ છોડી આવવાની પ્રથા શરૂ કરનારને એક પળ માટે પણ વિચાર નહીં આવ્યો હોય કે એક છોડને પણ મૂળિયાં સાથે ઉખાડી બીજે વાવો ત્યારે પહેલાં જેવું જ વાતાવરણ, ખાતર અને પાણી આપવું પડે છે ! એક એસ.એમ.એસથી ફરી મારું અસ્તિત્વ બદલાઈ જવાનું છે અને કદાચ હવે મારે એક વાર ફરી ઉખાડવાનું છે, ક્યાંય ના રોપાવા માટે….

‘ઓ હમદમ સુનિયો રે…. ઓ જાનિયા સુનિયો રે…. ઓ જાનિયા… શામ કો ખિડકી સે નંગે પાવ ચાંદ આયેગા…’ રીંગ પૂરી થાય એ પહેલાં જ કોલ રિસીવ થઈ ગયો, પણ બોલવા શબ્દો ના મળ્યા..
‘કેમ કોલ રિસીવ નથી કરતી ? હું છેલ્લા એક કલાકથી કોલ કરવાનો ટ્રાય કરું છું ! કેટલું ટૅન્શન હતું મને ! બોલ હવે શું થયું ? કલાકથી તારા ફ્રેન્ડઝ પણ ટેન્શનમાં છે, કેમ આમ પ્રેઝન્ટેશન છોડીને નીકળી ગઈ ? તેં આ લાસ્ટ પ્રોજેક્ટ માટે તો જીવ રેડી દીધો હતો ! અને આજે અચાનક ? એક કોલ કરી ને મને કહેવાય નહીં ? તબિયત નથી સારી ? શું થયું ? તું ક્યાં છે ? કંઈ તો બોલ ?’ – સહજ અધીરવો થઈ ગયો. કદાચ કૈંક ખોટું થયાની આશંકા એને પણ આવી !
‘કોન્ગ્રેચ્યુલેશન !’ વધુ બોલવું કદાચ દિલ અને દિમાગના આપા બહાર હતું.
‘શાના માટે ? કોઈ ગુડ ન્યૂઝ છે ? પણ આપણે તો હમણાં કંઈ પ્લાન નથી કર્યું, પણ વી કેન ટોક અબાઉટ ઈટ….. હું સાંજે ઘેર આવું એટલે વાત કરીએ, હું અત્યારે કેવડીયા કોલોનીની સાઇટ પર છું. તું હમણાં કોઈને કહીશ નહીં.’ લગ્નના બે વર્ષ પછી અને લગભગ સેટલ થઈ ગયા પછી પણ જ્યારે અવારનવાર બાળકના હોવાના ટોણાં સાંભળવા પડતા ત્યારે – ‘હમણાં બાળકની શું ઉતાવળ છે ?’નું સહજનું બહાનું આજે હવે સમજાયું !
‘ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુડ ન્યૂઝ મારા નહીં, તમારા છે ! હમણાં તમારી ભાવિ-પત્નીનો એસ.એમ.એસ હતો, તમારા બીજા લગ્નના ગુડ ન્યૂઝ શેર કરવા. જો કે તમે જાતે જણાવ્યું હોત તો…’ અવગણના, અજંપો, અસલામતી વચ્ચે પણ ખબર નહીં કેમ હજુ ક્યાંક પ્રેમ અને વિશ્વાસ છે જ, એ અહેસાસથી પોતાની જાત પર ગુસ્સો આવ્યો ! અને બીજી જ પળે સમજાયું – મેં ક્યાં કોઈ રમત રમી છે કે વ્યાપાર કર્યો છે કે એ સંબંધ ફોક કરે એટલે મારે પણ ખાતું કોરું કરવાનું ?
‘હે ભગવાન ! તું જેવું સમજે છે એવું કંઈ નથી ! તું ક્યાં છે અત્યારે ? વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. અમે માત્ર સારા મિત્રો છે ! તું પણ જોબ કરે છે….તારે પણ પુરુષ-મિત્રો છે…. મેં ક્યારેય અવિશ્વાસ કર્યો ? હું માત્ર અને માત્ર તને જ પ્રેમ કરુ છું ! મેં ક્યારેય એને એવું લગ્નનું કોઈ કમિટમેન્ટ આપ્યું નથી અને ઇનફૅક્ટ હમણાં એકાદ મહિનાથી અમે બોલતા પણ નથી એટલે કદાચ ગુસ્સામાં આવો એસ.એમ.એસ…. તું સાંભળે છે ને ? હીર, પ્લીઝ મારો વિશ્વાસ કર !’ સહજ એક એક શબ્દ વિચારીને બોલી રહ્યો હતો, રહી સહી બાજી બચાવવા…કદાચ !

‘હાય મિસીસ સહજ પટેલ… લીપી હિઅર…. એક ગુડન્યૂઝ છે… હું અને સહજ લગ્ન કરી રહ્યાં છીએ. સહજે તને આખરે છુટકારો આપવાનું નક્કી કરી દીધું છે, વહેલી તકે !’ આ હતો પહેલો એસ.એમ.એસ…. અને બીજો હતો….. – ‘એક વાત કહેવાની રહી ગઈ, તારી ચોઈસ સારી છે….એ પછી સહજ હોય કે ખંડેલવાલની બ્લુ બેડશીટ ! બંને માટે થેન્ક્સ !’ બંને એસ.એમ.એસ એક પછી એક વાંચી ગઈ. જાણે હવે એ દિલમાં કોતરાઈ ગયા હતા. કદાચ કહેવા-સાંભળવા હવે કંઈ જ બચ્યું ના હતું…. કે પછી હવે શું બોલવું એ પ્લાન કરવાનું બાકી હતું ? એટલે ફોનમાં સામે છેડે શાંતિ છવાઈ ગઈ….
‘હીર, આઈ લવ યુ ! તું સમજે છે એવું કંઈ નથી ! પ્લીઝ, વિશ્વાસ કર મારો ! એ માત્ર એક ફ્રેન્ડ છે. બીજું કંઈ નહીં…. હું એની સાથેના કોઈ રિલેશન માટે સીરીયસ નથી ! ટાઈમ-પાસ રિલેશન…. આઈ મીન… તું સમજે છે ને ? આપણે છેલ્લા એક વર્ષથી આમ, આઈ મીન, તારું સ્ટડીઝ અને આપણું અપ-ડાઉન…. બિઝી લાઇફ….અને એણે સામેથી મને…. તો હું પણ… તું સાંભળે છે ને ?… આપણે સાંજે વાત કરીએ…. બહુ સિરીયસલી ના લઈશ આ વાતને…. અને સ્ટોપ ક્રાઈંગ…. વાંક ખાલી મારો જ નથી… મારે પણ કોઈ નીડ હોય… અને…..’ – પહેલાં જૂઠ, પછી ખુલાસો, પછી પ્રતિ-આરોપ…. સહજ જાણે અચાનક છેલ્લા બે વર્ષનું સરવૈયું કાઢી રહ્યો હતો, જેમાં ઉધાર જાણે મારા જ ખાતે ચાલતું હતું….. કદાચ અત્યાર માટે આટલો આઘાત પૂરતો છે, એ ભગવાનને પણ સમજાઈ ગયું અને… કવરેજ ગયું. હાશ !

‘ટીકીટ….ટીકીટ… મૅડમ કિધર કુ ?’ – કંડક્ટરની કરડાકી ભરી અનુભવી નજરો ચકાસી રહી, ઉપરથી નીચે સુધી સ્કેન કરી રહી જાણે ! આજુબાજુ નજર ફેરવી… ક્યાં જવું છે ? હવે વળી ક્યાં જવાનું હોય ? – જવાબની શોધ માં બસના પાટિયા ને જોઈ રહી અને અનાયાસે બોલાઈ ગયું – ‘લાસ્ટ સ્ટોપ…’
‘લાસ્ટ સ્ટોપ’ દિમાગમાં ઘુમરાઈ રહ્યું…. આ જિંદગીના સફરનું તો લાસ્ટ સ્ટોપ નહિ ને ? હા કદાચ … અને દિલની સાથે દિમાગને પણ નાદારી નોંધાવી…. મોબાઈલ પર ગુગલ ઓપન કરીને સર્ચ કર્યું – આત્મહત્યા કરવાના પીડારહિત ઉપાય….
અને એક સાથે ઢગલો પેજીસ પ્રગટ થયા….
અનાયાસે હસવું આવ્યું પોતાની પરિસ્થિતિ પર…. હજુ કલાક પહેલાં જ્યાં સેકન્ડ હનીમૂન માટે ‘હનીમૂન પેકેજ ટુર્સ’નું સર્ચ કર્યું હતું એ જ ગુગલ અત્યારે, મારી જિંદગીના ફુલ ‘મૂન’ ને હણી લેવાના રસ્તાં બતાવતું હતું અને એ પણ પીડારહિત ! કેટલી સૂક્ષ્મ છતાં કેટલી ગૂઢ વાત છે !…
‘પંચર છે. બધાને નીચે ઉતરવુ પડશે.’ અલગારી મિજાજના કંડક્ટરને જોઈ ઘડીક વિચાર આવ્યો… એને બસમાં પંચર પડ્યાનું સુખ છે કે શોક ? એ પંચરની જેમ જ શું મારા સપાનાંઓમાં પડેલું પંક્ચર પણ ક્ષણિક છે ? એક તૂટેલા પથ્થર પર સંકોચાઈને હું બેઠી. કદાચ રહ્યા સહ્યા અસ્તિત્વને બચાવવા…

‘આંટી બૉલ… આંટી બૉલ…’ અચાનક વિચારયાત્રા ખોરવાઈ અને સામેની માસૂમ નાની પરીને જોઈ જાણે સઘળું વિસરાઈ ગયું. બોલ લઈને આમ-તેમ દોડતીએ ઢીંગલીને અપલક નજરે જોઈ રહી અને અનાયાસે એક ચીસ નીકળી ગઈ…બીકથી…. રોંગ સાઈડથી ઓવરટેક કરી રહેલી એક ટ્રક ધસી આવી મારી તરફ અને બેધ્યાનપણે રમી રહેલી ઢીંગલીને ખેંચીને હું દોડી, જીવ બચાવવા….કદાચ મારો નહિ…. એક અંધકાર, એક નીરવ શાંતિ છવાઈ ગઈ… અચાનક…
‘આપનો ખૂબ ખૂબ આભાર…. આજે તમે સામે આવીને મારી ટીંકુને ના બચાવી હોત તો…. આપ તો અમારા માટે સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ લઈ ને આવ્યા છો !’ હાથ જોડીને નાનકડી ટીંકુના મા-બાપ આભાર વ્યક્ત કરી રહ્યા. નાનકડી ટીંકુની મમ્મી તો હજી જાણે એને કદીય પોતાનાથી અળગી ના થાય એમ છાતી સરસે ચાંપીને બેઠી હતી અને ટીંકુનો જીવ હતો એના બોલ મા… અને પાપા વહાલથી માથા પર હાથ ફેરવી રહ્યા હતા. ટીંકુ કદાચ આટલાં મોટા અકસ્માત પછી પણ એ જ સહજતાથી અને નિર્દોષતાથી એ જ બૉલ સાથે રમી રહી હતી. એ જ બૉલ…જે આજે કદાચ કૈંક અણધાર્યાનો નિમિત્ત બન્યો હતો… તો પણ…એને એટલો જ વહાલો હતો ! આ બૉલ કદાચ ટીંકુને એટલો જ વહાલો રહેશે જ્યાં સુધી ટીંકુ પાસે રહેશે અને જો કાલ ઊઠીને આ બૉલ કોઈ બીજા પાસે હશે ત્યારે પણ કદાચ ટીંકુ આમ જ હસતી રમતી રહેશે…. કેમ કે ટીંકુનું અસ્તિત્વ, લાગણીઓ અને હોવાપણું સ્વતંત્ર છે ! હાશ… દિલ ને જાણે કોઈ જવાબ મળી ગયો…

‘હાય….સહજ, હીર હીયર…. કવરેજ જતું રહ્યું હતું મોબાઈલનું અને કદાચ તારી અને મારી સમજણનું ! આજે તારી કે આપણી વાત કરવાની ટાળીને માત્ર મારી જ વાત કરીશ. મારી લાગણીઓ પ્રેમ, સંબંધ, જરૂરિયાત બધું જ તારા પૂરતું સીમિત છે. તારાથી શરૂ થઈ ને તારા પર જ ખતમ થાય છે પરંતુ મારું અસ્તિત્વ નહીં ! લગ્નસંબંધ મારા કે તારા માટે બંધન બની રહે એ મારી ઇચ્છા નથી અને હવે એ સંબંધમાં પણ ‘સમત્વ’ નથી રહ્યું ત્યારે… આજથી…અત્યારથી એક ઘરમાં, એક છત નીચે માત્ર રૂમ-મેટ કે એથી વધુ માત્ર મિત્રો તરીકે રહેવું અને ફરી પ્રેમ, લાગણીને સમત્વ ઊગે એની રાહ જોવી અને કદાચ ફરી એ પ્રેમને લાગણીઓની કૂંપળ ના પણ ઊગે તો હસતા મોઢે અલવિદા કહી દેવાની તૈયારી હોય… બ્લુ બેડશીટ અને એ સાથે જોડાયેલી બધી ‘શીટ’ તારી બહેનપણીને કુરિયર કરી દેવાની તાકાત અને દિલી ઈચ્છા હોય તો જ સાંજે ડિનર માટે ઘેર પાસ્તા બનશે, નહીં તો ખાઉધરા ગલીમાં તારા નવા સંબંધની ઉજવણી !’ – મસમોટ્ટો એસ.એમ.એસ ટાઈપ કરીને હળવા મિજાજમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જનું ફોર્મ ભરવા બેઠી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “બ્લુ બેડશીટ – ભુમિકા દેસાઈ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.