વાચનત્રયી – સંકલિત

[1] પ્રેમનું ઈન્સ્ટૉલેશન – અજ્ઞાત

સોફટવેર ગ્રાહક-સેવામાંથી ફોન આવ્યો.
‘તમે ‘પ્રેમ’ ઈન્સ્ટોલ કરી શકશો ?’
ગ્રાહક : ‘હા, કરી શકું. પણ હું કમ્પ્યુટરનો ટેકનિકલ માણસ નથી, પણ તમે શીખવશો તો કરી શકીશ. બોલો, કઈ રીતે કરવાનો છે ?’
ગ્રા.સેવા : ‘અચ્છા, સૌથી પહેલા તમારું હૃદય ખોલો. એ બંધ છે ને ?’
ગ્રા. : ‘હા, બંધ છે. અત્યારે એમાં થોડા બીજા પ્રોગ્રામો ચાલે છે, તો ‘પ્રેમ’ ઈન્સ્ટૉલ થઈ શકશે ?’
ગ્રા.સેવા : ‘હં…. ક્યા પ્રોગ્રામો ચાલે છે ?’
ગ્રા : ‘એક મિનિટ…. જોઈને કહું… હં…. આમાં ‘દુઃખદ યાદો’, ‘લઘુતાગ્રંથિ’, ‘દ્વેષભાવ’ તથા ‘રોષ’ના પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે.
ગ્રા. સે : ‘કંઈ વાંધો નહીં. ‘પ્રેમ’ તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી ‘દુઃખદ યાદો’ની ફાઈલને આપોઆપ ભૂંસી નાખશે. એ જો કે તમારી કાયમી સ્મૃતિમાં રહેશે, પણ તેનાથી બીજા પ્રોગ્રામોને તકલીફ નહીં થાય. ‘પ્રેમ’ પ્રોગ્રામ છેવટે ‘લઘુતાગ્રંથિ’ પર પોતાનો જ એક પ્રોગ્રામ ‘ઉચ્ચ આત્મ-સન્માન’ ગોઠવી દેશે. જો કે તમારે ‘દ્વેષભાવ’ તથા ‘રોષ’ એ બંને પ્રોગ્રામને સંપૂર્ણપણે કાઢી નાખવા પડશે. એ હશે તો ‘પ્રેમ’નો પ્રોગ્રામ ઈન્સ્ટૉલ નહીં થઈ શકે, ઓ કે ! ચાલો, તો શરૂ કરો. તમે એ બંનેને તમારા કમ્પ્યુટરમાંથી દૂર કર્યા ?

ગ્રા. : ‘હં…. મને એ શીખવશો ?’
ગ્રા.સેવા : ‘ચોક્કસ, ચાલો. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. હવે ‘ક્ષમા’ ફાઈલને મદદ માટે બોલાવો તથા તેને ‘દ્વેષભાવ’ અને ‘રોષ’ની ફાઈલને ભૂંસી નાખવાનું કહો. જ્યાં સુધી ફાઈલો ભૂંસાઈ ન જાય ત્યાં સુધી વારંવાર તેમ કરો.’
ગ્રા. : ‘અચ્છા, મેં તેમ કર્યું અને એ બે ફાઈલો ભૂંસાઈ ગઈ છે અને હવે ‘પ્રેમ’ એની જાતે જ ઈન્સ્ટૉલ થઈ રહ્યો છે તે બરાબર છે ને !’
ગ્રા.સેવા : ‘હા, બરાબર જ છે. હવે એક મેસેજ આવશે : તમારા હૃદયને મજબૂત કરવા માટે તે ફરી વાર ઈન્સ્ટૉલ થશે. આવ્યો એ મેસેજ ?’
ગ્રા. : ‘હા આવ્યો. તો હવે ‘પ્રેમ’ ઈન્સ્ટૉલ થઈ ગયો ?’
ગ્રા. સેવા : ‘હા, પણ એટલું યાદ રાખવાનું કે તમે જે કર્યું તે ‘પ્રેમ’ના આધારરૂપ પ્રોગ્રામ ઈન્સ્ટૉલ કર્યો. હવે તમારે બીજાના હૃદય સાથે જોડાઈને તેને સતત અદ્યતન રાખવો પડશે.
ગ્રા. : ‘અરે ! “એરર નંબર 412 – અંદરના ભાગોમાં ‘પ્રેમ’નો પ્રોગ્રામ ચાલતો નથી” – એવો મેસેજ આવ્યો. એટલે શું ?’
ગ્રા. સે : ‘અરે, કંઈ વાંધો નહીં. ચિંતા ન કરો. આ તો સામાન્ય સમસ્યા છે. આનો અર્થ એ છે કે ‘પ્રેમ’નો પ્રોગ્રામ બાહ્ય હૃદયમાં આવી ગયો, પણ હૃદય અંદર હજુ શરૂ થયો નથી, તો તમારે સૌપ્રથમ તમને પોતાને પ્રેમ કરવો પડશે, તો જ તેમાં ‘પ્રેમ’નો પ્રોગ્રામ ઈન્સ્ટૉલ થઈ શકશે.’ (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)
.
[2] શબ્દની સાખે : ‘પતિ-પત્ની’ – માવજી કે. સાવલા

આજથી ત્રણેક દાયકા પહેલાં મારા પંડિત મિત્ર સ્વ. જેઠમલ હરિરામ ઠક્કરે લખી આપેલ એક શબ્દચર્ચાની ચબરખી સાવ અણધારી જ મારા હાથમાં થોડાક દિવસ ઉપર આવી પડી છે. એમાં અંગ્રેજી શબ્દ ‘હસબંડ’ની રસપ્રદ ચર્ચા છે ! એમણે નોંધ્યા મુજબ હસબંડ શબ્દ એ બે શબ્દોનું જોડકું છે. ‘હસ’ એ હાઉસનું ટૂંકાવેલ રૂપ છે. બંડ એ અંગ્રેજી શબ્દ બૉન્ડ (બંધન)નો જ પર્યાય છે. અર્થાત ‘ઘર’ સાથે એક બંધનથી જોડાયેલ રહે એ હસબંડ એટલે પતિ. ભલે ભાષાશાસ્ત્રીઓ આવી ચર્ચાને સ-આધાર રદબાતલ કરે ! પણ આપણા સૌના હૈયામાં સચવાઈ રહેલ, એક આખેઆખી માનવસંસ્કૃતિના પાયા સમાન લગ્નસંસ્થાના સંદર્ભે પતિ-પત્ની શબ્દોનો આજે અહીં ભલે થોડોક સ્વૈરવિહાર થઈ જાય.

થોડાક શબ્દકોશો ઉથલાવતો રહ્યો છું, પણ મને કશુંક નક્કર અને સંતોષકારક નથી જ જડ્યું. ઊલટાનું સ્વ. જેઠમલ ઠક્કરની એ ચબરખીમાંની ચર્ચા મને વજનદાર લાગી છે. માંડ 3-4 ધોરણ ગામડાની શાળામાં ભણેલ જેઠમલભાઈ, કિશોરાવસ્થામાં ગામડામાં રહીને જ, ઠેઠ કાશીથી સંસ્કૃતના અભ્યાસ માટે ગ્રંથો મંગાવતા રહ્યા. રાત્રે ઓશીકા આગળ રાખેલ એ ગ્રંથોનો મર્મ આત્મસાત કરતા રહ્યા. થોડીક ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી અને જાપાનીસ ભાષાઓમાં પણ એમની ચાંચ બરાબર ડૂબે. સાર્થકોશમાં ‘પતિ’નો અર્થ સ્ત્રીનો ધણી-કંથ-સ્વામી-માલિક વગેરે જોવા મળે. મૂળ એ સંસ્કૃત શબ્દ હોવાનું પણ એમાં નોંધાયું છે. ગોપાળદાસ જીવાભાઈ પટેલ સંપાદિત વિનીતકોશમાં ‘પતિ’ શબ્દના ધણી-ભર્તા-માલિક વગેરે અર્થ જોવા મળ્યા. ભર્તા શબ્દ મને કંઈક વજૂદવાળો લાગ્યો છે. ભરણ પોષણ કરનાર એવું એમાં અભિપ્રેત થાય છે. પત્ની માટે ભર્તારનું સ્ત્રીલિંગ ભાર્યા થયું. ‘પત્ની’ એ પતિ શબ્દનું સ્ત્રીલિંગ રૂપ છે. માલિક-ધણી જેવા ‘પતિ’ ના અર્થ તો ઠેઠ ગઈકાલ સુધી ચાલી આવેલ પુરુષપ્રધાન સમાજ અને ધર્મના સંદર્ભે જ દઢ થતા ગયા. કૃષિ સંસ્કૃતિમાં પત્ની, પતિ માટે ખેતરે ભોજન લઈ જાય એ ટીફીન (!) માટે તો ‘ભાથું’ના અર્થમાં ‘ભતાર’ શબ્દ કચ્છમાં તો સદીઓથી જ પરિચિત છે.

જયંત કોઠારી સંપાદિત મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશમાં ‘પતિ’ કે ‘પત્ની’ શબ્દ આપણા પરિચિત અર્થમાં જોવા જ મળ્યા નથી ! ‘પતિ’ શબ્દનો માત્ર એક જ અર્થ ‘પ્રતિ’ એમાં અપાયો છે. હા, ‘ભારજિયા’ શબ્દનો અર્થ ભાર્યા, પતિ યોગ્ય રીતે જ દર્શાવ્યો છે. ‘ભર્તા’, ભર્તું એ પર્યાયોનું બોલચાલની ભાષામાં ‘ભરથાર’ થયું. મરાઠી ભાષામાં પતિ માટે ‘નવરા’ શબ્દ (સંસ્કૃત : નવવરા) આજે પણ પ્રચલિત છે. એનું સ્ત્રીલિંગ ‘નવરી’નો અર્થ ‘વધૂ’ બરાબર અપાયો છે. ઉર્દૂમાં ‘ખાવિંદ’નો અર્થ સ્વામી-માલિક-પતિ આપણને ઝાઝો અપરિચિત નથી જ. ઉર્દૂ કોશમાં ‘ઔરત’ના અર્થ નારી, મહિલા, સ્ત્રી, પત્ની વગેરે આપવામાં આવ્યા છે. ઉર્દૂમાં ‘ખાસી’ શબ્દના અર્થોમાં બીબી, પત્ની, વહુ, ઘરવાળી એમ જોવા મળે છે. ગુજરાતીમાં ઘરવાળી, ઘરવાળો શબ્દો અંગ્રેજી ‘હસબંડ’ની જ યાદ અપાવે છે ! અંગ્રેજી શિષ્ટાચારમાં ‘પત્ની’નો ઉલ્લેખ ‘લૅડી ઓફ ધી હાઉસ’ થતો મેં સાંભળ્યો છે. ‘ગૃહિણી’ શબ્દમાં ‘લૅડી ઓફ ધી હાઉસ’ની સંસ્કારિતા ધ્વનિત થાય છે. બંગાળમાં પ્રચલિત ‘ગૃહસ્વામિની’માં એમ જ અભિપ્રેત છે. ઉર્દૂમાં ‘બીબી’ અને ‘બીવી’ એ બન્ને શબ્દોના અર્થ તદ્દન જુદા જ હોવાનું આજથી પંદરેક વર્ષ પહેલાં એક મુસ્લિમ મિત્રે મને કહેલું.

પતિ-પત્ની શબ્દોમાં ‘પત’ શબ્દ મહત્વનો સંકેત આપે છે. ‘પત’ એટલે ઈજ્જત-આબરૂ. ઘરની સંસ્કારિતા અને શાન વધારે એ જ ગૃહસ્થ (અં. જેન્ટલમેન) ! ઘર સાથે વણલખ્યા કરારથી બંધાયેલ પતિ-પત્નીની સ્પષ્ટ રીતે સહિયારી યાત્રા છે. રાજસ્થાની વેપારી વર્ગમાં વેપારમાં ભાગીદાર-હિસ્સેદારી માટેનો શબ્દ છે – પાતિ ! આ જ અર્થમાં પતિ-પત્નીનો સંબંધ વણલખી ભાગીદારીનો છે. કચ્છી અને સિંધી ભાષામાં સંયુક્ત કુટુંબમાં ભાઈઓની-સંતાનોની મિલકતની વહેંચણી કરીને જુદા થાય એમાં હિસ્સા-ભાગ માટેનો શબ્દ છે ‘પતી’. સિંધીમાં ‘સ્ત્રી-પુરુષ’ના વ્યાપક અર્થમાં છતાં પતિ-પત્ની માટે વપરાતો શબ્દ છે ‘જાલ-મુણ્સ’. પત્નીના ઉલ્લેખ માટે સિંધી ભાષામાં વપરાતો શબ્દ ‘બાઁ’ ખરે જ માર્મિક છે. ‘પતિના જમણા હાથ સમાન’ એવો અર્થ એમાં અભિપ્રેત હોવાનું લાગે. પત્ની માટે ‘અર્ધાંગી’નો અંગ્રેજી પર્યાય ‘બેટર હાફ’માં જોઈ શકાય. બંગાળીમાં પત્ની માટે સ્ત્રી-પત્ની-ગૃહિણી-પરિણીતા એવા સર્વસામાન્ય શબ્દો જ છે, અને પતિ માટે સ્વામી-પતિ. બંગાળીને સમૃદ્ધ ભાષા ગણનારા એવા મને, આથી સહેજ આશ્ચર્ય અને આઘાતની લાગણી થાય છે. (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
.
[3] બે શબ્દો ! – ઈર્શાદ સીદીકી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યુવાસર્જક ઈર્શાદભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9737477811 અથવા આ સરનામે irshadsiddiqi@ymail.com સંપર્ક કરી શકો છો.]

આપણે ત્યાં અવારનવાર રાજકીય, સામાજિક, જાહેરસભા, સરકારી કાર્યક્રમો તેમજ પ્રસંગોચિત કાર્યક્રમો યોજાતા હોય છે અને તેમાં પ્રવચનો, ઉદ્દબોધનો પણ થતાં હોય છે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત વક્તાઓ, રાજકીય આગેવાનો વગેરે પોતાના પ્રસંગોચિત પ્રવચનો રજૂ કરતાં હોય છે અને હવે તો આપણા ગુજરાતમાં ચૂંટણી નજીક હોવાથી સભાઓ પણ યોજાશે. આવા સમયે આ પ્રકારના યોજાતા કાર્યક્રમોમાં સમયનો અભાવ હોવાથી વક્તાઓને ‘બે શબ્દો’ રજૂ કરવાનું કહેવાતું હોય છે. વક્તા પોતાની શૈલીમાં પ્રવચન શરૂ કરે છે ત્યારે ‘બે શબ્દો’ કહેવા ઊભા થયેલા વક્તાએ પોતાના પ્રસંગોચિત કહેવાના ‘બે શબ્દો’ બોલતા પહેલા એટલા બધા શબ્દો બોલવા પડે છે કે ઘણીવાર એમ થાય છે કે ‘બે શબ્દો’ કહેવા ઊભો થયેલ વક્તા ખરેખર ક્યા ‘બે શબ્દો’ બોલવા ઊભો થયો હશે ? આપણને તેની ખબર જ નથી પડતી. હકીકતમાં કદાચ એવું પણ બને કે તેણે ખરેખર બોલવાના ‘બે શબ્દો’ બોલતા પહેલાં એ એટલા બધા શબ્દો બોલે છે કે એ દરમિયાનમાં એ પોતે ભૂલી જાય છે કે તે પોતે ક્યા ‘બે શબ્દો’ બોલવા માટે ઊભો થયો હતો !

આમાં મૂળ તકલીફ એ છે કે વક્તા સૌ પ્રથમ તો એ વાત જ ભૂલી જાય છે કે તેણે ‘બે શબ્દો’ જ બોલવાના છે ! આપણી સામાજિક પ્રથા જ એવી છે કે સમારંભમાં ‘બે શબ્દો’ બોલવા ઊભા થયેલા વક્તાએ પણ તેના વક્તવ્યની શરૂઆત કરતાં પહેલાં લાંબુ સંબોધન કરવાનું હોય છે. હવે જો વક્તા માત્ર સાદી સીધી રીતે એવું સંબોધન કરે કે : ‘આજના આપણા સમારંભના માનનીય પ્રમુખ શ્રી ભુલાભાઈ તથા આજના આપણા અતિથિવિશેષ મુરબ્બીશ્રી બુધાલાલ તથા આજના આપણા સમારંભના ઉદ્દઘાટક માનનીય શ્રી વીરાભાઈ તથા મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો અને આજના વક્તાઓ શ્રી પાટડિયાભાઈ, શ્રી વીરાણીભાઈ તથા શ્રી વાંકાણીભાઈ અને આપણી સંસ્થાના ચેરમેન ગુલાબભાઈ તથા ખજાનચીશ્રી સુંદરભાઈ તથા સભામાં બિરાજેલા અન્ય મહાનુભાવો તથા ઉત્સાહપૂર્વક આ સમારંભમાં હાજરી આપીને આજના પ્રસંગની શોભા વધારનાર ભાઈઓ તથા બહેનો…. !’ – આટલું વાંચતાં જ થાકી જવાય છે તો આપણે આવું સાંભળી શી રીતે શકતા હોઈશું !? ટૂંકમાં, આટલું સાદું સીધું સંબોધન જ એટલું લાંબુ હોય છે કે ‘બે શબ્દો’ કહેવા ઊભા થયેલા વક્તાને બાવન શબ્દો બોલવા પડે છે !

હજુ આટલેથી અટકતું હોય તોય સમજ્યા. પરંતુ અમુક વક્તાઓ આવા લાંબાલચક સંબોધનની શરૂઆત જ કેવી રીતે કરે કે : ‘માનનીય શ્રી ભૂલાભાઈ, જે મારા માત્ર વડીલ જ નથી પરંતુ જેમના માર્ગદર્શન અને સલાહ-સૂચનોને કારણે આગળ વધીને આજે હું આ મંચ ઉપર આપ સમક્ષ બોલવા માટે ઊભો થઈ શકું તેટલો સક્ષમ બનો છું તેવા (ફરીવાર) માનનીય ભૂલાભાઈ….! જે આજના સમારંભના પ્રમુખ છે તથા ગુજરાતભરના તમામ ગુજરાતીઓ, પછી તે નાના હોય કે મોટા, યુવાન હોય કે વૃદ્ધ – તે સૌને જેના માટે અત્યંત માન છે, જેનું નામ આજે હરકોઈની જુબાન પર છે તેવા સાહસિક અને સફળ ઉદ્યોગપતિ શ્રી બુધાલાલ આજે આપણા આજના સમારંભના અતિથિ વિશેષ છે…. તથા મારા પ્રેરણાસ્ત્રોત કે જેઓ આપણી સૌ વચ્ચે અહીં ઉપસ્થિત છે તે આપણા સમારંભના ઉદ્દઘાટક માનનીય શ્રી વીરાભાઈ અને આ શાળા પ્રવેશોત્સવ સમારંભમાં અહીંના માનનીય નેતાશ્રી પાટડિયાભાઈ ઉપસ્થિત થયા છે જેઓ આપણા સમારંભના મુખ્ય વક્તા છે…. મારે તો અહીં આપને ફક્ત ‘બે શબ્દો’ જ કહેવાના છે… હા, તો હું એમ કહેતો હતો કે…. આજે આપણા શહેરે જેટગતિએ વિકાસ કર્યો છે. આટલો વિકાસ ક્યારેય કોઈ શાસનમાં થયો નથી… જેના ઉદાહરણો આપની સમક્ષ જ છે. આપણા શહેરનું ચોપાટી પરનું દરિયાઈ બીચ કે જેને લાખોના ખર્ચે બનાવીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે (પછી ભલેને ઉજ્જડ બીચ થઈ ગયો હોય) તથા ગલીએ ગલીએ સિમેન્ટ રોડ સહિત નાગરિકોને અનેક પાયાની સુવિધાઓ આપી છે. અહીંયા એક વાત યાદ અપાવી દઉં કે માત્ર આપણું શહેર જ નહીં, આખા રાજ્યએ તમામ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કર્યા છે. કૃષિક્ષેત્ર હોય કે ઉદ્યોગક્ષેત્ર – તમામમાં સરકારે પ્રગતિ સાધી છે !’

આ રીતે લાંબુ લચક ભાષણ સાંભળીને ઉપસ્થિત સૌને ઊંઘ આવવા લાગે છે. ઘણા કાર્યક્રમોમાં સમયનો અભાવ હોય અને ‘બે શબ્દો’ બોલવા કહેવાયું હોય છતાં માઈક હાથમાં આવ્યા પછી વક્તા કેટલા શબ્દો બોલે છે એ ક્યારેક ગણી જોજો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “વાચનત્રયી – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.