ખીજડો, મારો ભેરુ ! – માવજી મહેશ્વરી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે માવજીભાઈનો (અંજાર, કચ્છ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8980410305 અથવા આ સરનામે hemmrug@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[dc]સા[/dc]ચું કહું તો મને ક્યારેક ખીજડાનો વિયોગ સાલે છે.
ખીજડો મારી સ્મૃતિમાં અકબંધ છે, એના કરતા એમ કહું કે ખીજડો મારી અંદર ઉતરી ગયો છે. ખીજડા સાથે માત્ર બાળવયનો સંબંધ જ નથી, ખીજડો મારા વિતેલા દિવસોનો એક અભિન્ન હિસ્સો છે. આજે પણ રસ્તે જતાં ખીજડો જોઉં તો એમ લાગે જાણે વિખૂટો પડેલો મારો ભેરુબંધ દેખાયો હોય. ખીજડાને જોતાં જ મને મારું બાળપણ સાંભરે અને મારા ભાઈબંધ જેવા ખીજડા યાદ આવે. એ ખીજડા માત્ર વૃક્ષો જ ન્હોતાં, એ મારા સ્વજનો હતાં. ખીજડા તરફનું ખેંચાંણ મને સમજાતું નથી. કદાચ ખીજડા સાથે કોઈ પૂર્વ જન્મનો સંબંધ રહ્યો છે. એવું હશે તો જરુર મેં ખીજડા હેઠે દેહ છોડ્યો હશે. મને ખીજડા તરફ ભારોભાર પક્ષપાત છે.

મારું ભોજાય ગામ એટલે ખીજડાની ભૂમિ. વૃક્ષો તો બીજા ઘણાય હતાં. મારો એમની સાથેય નાતો હતો. પણ આજે મને ખીજડાની યાદ અકળાવે છે. હું જ્યાં રહું છું એ શહેરમાં પણ અનેક જાતના વૃક્ષો છે. પણ ખીજડો નથી. હા, પહેલીવાર જ્યારે સાંભળ્યું કે મારા શહેરમાં એક ખીજડા ફળિયું છે, ત્યારે રોંમાંચ થયેલો. પણ ત્યાં ગયો ત્યારે જોયું કે હવે એ માત્ર કહેવાનું ખીજડાફળિયું છે. ખીજડો તો ક્યારનોય કપાઈ ગયો છે. શહેરોમાં વૃક્ષો જલ્દી નડવા લાગે છે. તોય ક્યાંક ખીજડો દેખાય ત્યારે જે રોમાંચ થાય છે તેવો રોંમાંચ ફળથી લચી પડેલા વૃક્ષને જોઈને નથી થતો.

હું જ્યાં જનમ્યો એ ઘરના વાડાની વાડ વચ્ચોવચ એક ખીજડો હતો. કદાચ એ ખીજડાને મેં પહેલો સ્પર્શ કર્યો હશે. એ ખીજડો મારો પહેલો મિત્ર હતો. એના છાંયડામાં જે મિત્રો સાથે રમ્યો છું એય હવે ખીજડાની જેમ દૂર દૂર ચાલ્યા ગયા છે. એ ખીજડાની નીચે બેસીને કામે ગયેલા મા બાપની વાટ જોઈ છે. એના બરછટ થડને ભેટીને બાળવયમાં થતા પ્રશ્નોનો ઉકેલ મેળવવા મથ્યો છું. ચકલીના ઈંડાંનો પહેલીવારનો સ્પર્શ એ ખીજડા ઉપર જ થયો હતો. ઈંડામાંથી બચ્ચાં ક્યારે બહાર આવશે તેની તાલાવેલી મને રોજ એ ખીજડાપર ચડાવતી. મારી તાલાવેલીનો સાક્ષી એ ખીજડો ક્યારે કપાઈ ગયો એ મને પણ યાદ નથી. નિશાળને સાવ અડીને આવેલી તળવડીની પાળ પર પાણી પીવા નમેલા ઊંટની જેમ ઉભેલા ખીજડાના પ્રતિબિંબનું ચિત્ર દોરવા હું શનિવારે વહેલી સવારે નિશાળ પહોંચી જતો. મારા ગામના કેટલાક ‘ભેદી’ ખીજડા આજે પણ રુંવાડાં ઉભાં કરી દે છે. તળાવના ઓગન પાસે ઉભેલો ખીજડો મને દિવસે ગમતો અને રાતે ડરાવતો. એ ઘેઘુર ખીજડામાં ચૂડેલ રહે છે એવી વાતો અમને કેટલાક મિત્રોને ચૂડેલ જોવાના સાહસ સુધી લઈ જતી. અંધારાંમાં મિત્રોના ટોળી વચ્ચે દબાતા પગલે ખીજડાની લગોલગ પહોંચવાના નિષ્ફળ પ્રયત્નોમાં કયો આનંદ હતો તે આ ઠરેલ બુધ્ધિને સમજાતું નથી. છતાં પોતાની વિશાળ શાખાઓ પ્રસારી ઉભેલા એ ખીજડાની હાલતી ડાળીઓમાં ચૂડેલ બરાબર જોયાની હાંકેલી બડાશો આજે મીઠી ઉદાસીમાં ફેરવાઈ જાય છે. બાજુના કોટડી ગામે જતી ઊંડી ગાડાંવાટની ભેખડો પર નમીને ઉભેલા ખીજડાઓમાં મોટા ભાગના ખીજડા ‘હોરર’ ગણાતા હતાં. એ ખીજડાના રુપરંગ જે રીતે મેં જોયાં છે, આજે ધારુંતો એમના સ્કેચ બનાવી શકું તેમ છું. હા, છેક હવે સમજાયુ છે કે, મારા ગામમાં ડેણ,ડાકણ, ચૂડેલ ખવીસ, જીન જીનાત શા માટે રહેતા હતા ! શા માટે એ ખીજડામાં જ ભૂતોનો વાસ હતો. જે મોટાભાગે શ્રીમંત ખેડૂતોના શેઢાઓ પર હતા. શા માટે કોઈ કુહાડી એમની ડાળખીઓ સુધી પહોંચી શકતી ન હતી.

વય વધવાની સાથે મને ખીજડો સમજાયો. એ મારામાં રસાયો. અને ઉકેલાયો પણ ખરો. મારા બાપુજી અમારી અને વાણિયાઓની ખાસ્સી જમીન વાવે. એમાનું એવું કોઈ ખેતર ન્હોતું જેના શેઢે ખીજડા ન હોય. એ ખીજડા જ મારા માટે આશ્રય બની રહેતા. ખીજડાની ગંધ મારા રોમેરોમમાં ત્યારની રસાયેલી છે. ખીજડાનું થડએટલે ભાતું ટીંગાળવાની જગ્યા. ખીજડાની છાંય એટલે થાક ઉતારવાની જગ્યા. ખીજડો એટલે ખેતરની ઓળખ. ચોમાસાની વાવણીનો પહેલોચાસ ખીજડાને જોઈને જ નક્કી થતો. ખેતરના શેઢે ઉભેલા ખીજડાનો છાંયડો જેટલામાં પડે એટલામાં મોલની છટા અનેરી હોય. ખીજડો મોલને પોષે છે એ વિજ્ઞાન નાનપણમાં સમજાઈ ગયું હતું.

ખીજડાની કુંપળ એટલે બકરી માટે જાણે ‘વેફર’. બૌંતેરથી પંચોતેર દરમિયાન પડેલા સળંગ દુષ્કાળો વખતે એક મડિયલ માંદી બકરી મારા ભરોસે હતી. સીમમાં લીલપનું નામોનિશાન ન્હોતું રહ્યું ત્યારે કયા ખીજડા પર પાન ફૂટ્યાં છે, તે શોધવા સીમમાં કરેલી રઝળપાટ મારા અનુભવોનો ખજાનો છે. ખીજડાના બદલાતા અનેક રૂપ મેં જોયા છે. ચોમાસામાં બિમારીમાં સપડાયેલા માણસ જેવો દેખાતો ખીજડો ઉનાળો બેસતાં જ ખીલી ઉઠતો. વૈશાખ મહીનામાં એના પર આવતી ફળીઓ જોઈ ચોળાની શીંગો યાદ આવી જતી. ખીજડાની ફળીઓ લીલામાંથી પીળી થાય અને ધીમેધીમે આછો લાલ રંગ પકડવા લાગે. સુકાઈ ગયેલી શીંગોના મીઠા ગર્ભનો સ્વાદ માણવાનો આનંદ અભાવ હતો કે બીજું કંઈક, એ નથી સમજાતું. મારા કાકાઈ ભાઈના ઘેર હંમેશા ત્રણ ચાર બકરીઓ રહેતી. સાંજ પડે ભાઈ ખીજડાની પાંદડાવાળી ડાળખીઓ કાપી લાવતા. અમે કચ્છીભાષામાં એને ’ટારી’ કહેતા. એ ટારીમાંથી બકરીઓની સાથેસાથે મેંય ઝીંણાં પાંદડા તોડીને ખાધાં છે, એ પાંદડાનો તુરો સ્વાદ મારી જીભને હજુ યાદ છે.

હવે મારું ભોજાય ગામ ગાંડા બાવળથી ઘેરાતું જાય છે. દેશીબાવળ અને ખીજડાથી ભરી ભરી લાગતી સીમનું સ્વરૂપ બદલાતું જાય છે. દેશીબાવળ તો ગણ્યાં ગાંઠ્યા રહ્યાં છે. પણ ખીજડાએ હજુ હટીને મારગ દીધો નથી. ખેતરોને શેઢે, તળાવળીઓને કાંઠે, સડકની ધારે અને ગૌચરોમાં હજુ ખીજડા દેખાય છે. એકલા અટુલા બેઠેલા કોઈ જોગી જેવા કેટલાક ખીજડા ચાલી ગયેલી પેઢીઓના વારસોને જોઈ હરખાય છે, નિસાસાય નાખતા હશે કદીક ‍!

જ્યારે ગામડે જાઉં છું ત્યારે ખીજડાને જોઈ રહું છું. તક મળે એકાદને અડીને ‘તને ભૂલ્યો નથી હોં ભાઈ’ કહીને સંતોષ માણી લઉં છું. ક્યારેક કામનો બોજ અસહ્ય થઈ પડે ત્યારે મને મારા ખેતરને શેઢે ઉભેલા ખીજડાની છાંય યાદ આવે. એમ થાય આ બધું આમને આમ છોડીને ચાલ્યો જાઉં. મારા આપ્તજન એવાં કોઈ ખીજડા હેઠે ઝાકળભીની રેતમાં લંબાવી દઉં. પણ હું એમ કરી શકું તેમ નથી. એવું કશું કરી શકવાનું સામર્થ્ય જ કદાચ ગુમાવી બેઠો છું. સમયનો રથ ધમધમાટ દોડે છે. એ રથની પાછળ ઉડતી ધૂળમાં ઝાંખાં ઝાંખાં દશ્યો દેખાય છે. એ દશ્યોમાં છે મારી સીમ, મારું ગામ, મારા ભેરુબંધોની ટોળી, બાપુજી, ખીજડા બકરી અને એક છોકરો……….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ખીજડો, મારો ભેરુ ! – માવજી મહેશ્વરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.