કારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક અસ્મિતાબેન ઢોળકીયા અમદાવાદના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9879067982 અથવા આ સરનામે dholakiaasmita@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]સ્ને[/dc]હા લગ્ન પછી પ્રથમ વાર જ્યારે પિયર આવી ત્યારે દરેકને મમ્મી-પપ્પા…. બેઉ નાની બહેનો… દરેકને કંઈક નવી લાગણી થઈ હતી. મંજુલાબહેન અને રાધા-રશ્મી એટલે કે સ્નેહાની બહેનો પણ મોટી બહેનની આજુબાજુ ફરતી હતી. સાસરીયામાં તેને ગમે છે કે નહીં, ત્યાંના લોકો કેવા છે, સાસુ-સસરા-નણંદ, પતિ તેનું કેટલું માન રાખે છે… વગેરે પ્રશ્નોના મારા કરી તેને અકળાવતી પણ હતી. સ્નેહા પણ ખુશમિજાજમાં હતી. પંદર દિવસ રહી ને તે પાછી ગઈ ત્યારે ઘર સૂનું લાગવાં માંડ્યું હતુ. સ્નેહા ગઈ એ કઈં મંજુબહેનની મુંઝવણનું કારણ ન હતું.

થોડો સમય આમ જ હસતા રમતા પસાર થયો. સ્નેહાના ઘરે થી સારા સમાચાર આવ્યા. મજુંબહેન નાની બની ગયા હતા. સ્નેહાના ઘરે બેબીએ જનમ લીધો હતો. ફઈએ નામ પાડ્યું – ‘સ્નિગ્ધા’. એ સ્નિગ્ધાને લઈ ને સ્નેહા પાછી પિયર આવી હતી. થોડો સમય આરામથી રહી. એટલે આમ તો…. મંજુબહેને જ બોલાવી હતી. એ થોડા દિવસ પિયરમાં આરામ કરે એવું વિચારી ને. મંજુબહેન ની મુંઝવણ નું કારણ હવે આવતું હતું. સ્નેહા હવે પાછા જવાની ના કહેતી હતી.
‘મમ્મી….. જો તને છેલ્લીવાર કહી દઉં છું, મારે પરાગ સાથે નથી રહેવું. પપ્પા ને સમજાવ. મારે ત્યાં નથી જ જવું.’
‘તો ?’
‘તો શું ? છુટ્ટાછેડા…ડીવોર્સ !!’
‘અરે!..પણ..’
‘પણ-બણ કશું નહીં.’
‘કારણ તો કહે…’
‘બસ, આમ જ.’
‘હેં…. આમ જ !’ અને મંજુબહેન મનોમન સ્નેહાની આ જીદને લીધે મુંઝાઇ ગયાં અને જીદનું કારણ શોધવા પ્રયત્ન કરવા લાગ્યાં.

એ જ્યારે આવી ત્યારે તેનાં વર્તનમાં કશું વાંધાજનક નહોતું લાગ્યું. પરાગ તેને મુકવા પણ આવ્યા હતા. એમને જોઈને પણ કશુંક નવતર બન્યું હોય તેવું એમને નહોતું લાગ્યું. ને આ સ્નેહા આમ અચાનક આવી વાત કરે. જ્યાં સુધી વાતનો તાળો ન મળે ત્યાં સુધી સ્નેહાના પપ્પા ને પણ કંઈ કહેવાય એવું નહોતું. એ તો સીધા તડ ને ફડ કરી નાખે. દીકરી કહે તે સત્ય… ને તો સ્નેહા પોતાનું ધાર્યુ કરાવીને જ રહે. બાપ-દીકરી ભેળાં થાય તો નાનકડી સ્નિગ્ધા વિશે પણ વિચારવા બેસે તેવા ન હોતાં. એ જાણતાં મંજુબહેન આધાત અને અવઢવમાં ફસાઈ ગયાં. જો પોતે થોડા દિવસ આગળ વાત ધકેલવાનું વિચારે તો ય મરો તો થવાનો જ, સ્નેહા સીધી જ પિતા પાસે દોડી જશે. આ તો કદાચ સારું થવાનું હશે તે પહેલાં મા ને વાત કરી. આવા વિચારવમળમાંથી અચાનક એમને કશુંક સુઝી આવ્યું કે ચાલને પરાગ સાથે જ સીધી વાત કરું. કદાચ કંઈક ખટરાગ થયો હોય તો ખબર પડે. પણ સ્નેહા ત્યારે ઘરમાં ન હોવી જોઇએ. તો જ આરામ થી વાત થઇ શકે… વળી, એવો લાગ એમને મળી પણ ગયો. પરાગ સાથે ફોન પર વાત કરી. પણ કંઈ સીધું તો પુછાય નહીં ! તોય આડી અવળી વાતોમાંથી એમણે જે જાણવું હતું તે જાણી લીધું. પરંતુ…… પછી તો તે વધારે અપસેટ થઈ ગયાં. જમાઈના મનમાં તો કંઈ ખોટ ન લાગી. કાન્તાબહેન એટલે કે સ્નેહાના સાસુ સાથેની વાતમાંથી પણ કશી ખામી ન પકડાઈ. એક વાતની ખાત્રી થઇ ગઈ કે જે કંઈ છે તે સ્નેહાના મનમાં જ છે હવે…?

સ્નેહાના પપ્પાને પણ તે ઉતાવળમાં કશું કહેવા માંગતા ન હતા. એ તો ‘સ્નેહા એટલે સત્ય, લાડકી જેમ કહે… જે કહે તે ખરું’ માં જ જાણે માનતા. આ કંઈ આજ નું છે ? નાનપણ થી જ મંજુબહેન આ જોતા આવ્યાં છે. એમાં જ તો પહેલી વાર કાચું કપાઈ ગયું હતું ને ! હવે ફરી પાછી સ્નેહા એ જ રમત શરૂ કરે તો પાછળની બે નાની બહેનો રાધા – રશ્મિનું શું ??
દીકરી એ જીદ કરી : ‘ના, મારે ભાસ્કર સાથે નથી રહેવું….. આખો દિવસ કામ, કામ અને કામ. આમ કેમ જીવાય ?’ ને એ સંબંધનો અંત સ્નેહાના પપ્પાએ જ તડફડ કરતો લાવી દીધો. ભાસ્કર અને તેનું કુંટુંબ અને સાથે મંજુબહેન પણ અવાચક જ થઈ ગયા હતા ને….!

હા, સ્નેહાના એક વાર લગ્ન થઈ ચુક્યા હતાં. ભાસ્કર દેખાવડો યુવાન હતો. ભણ્યો પણ સારું હતો પરંતુ નોકરી કાચી અને કુટુંબ મોટું. મોટું….. એટલે બે બહેનો અને માતા-પિતા—એ પોતે અને સ્નેહા. જો કે લગ્ન વખતે પણ એમણે તો બહુ ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી પરંતુ માતાની વાત સ્નેહાની ગળે ન ઉતરી. એને તો ભાસ્કર ગમી ગયો હતો… ના…ના… કરતાં પણ મંજુબહેનને ‘હા’ કહેવી પડી અને સ્નેહા સાસરે જતી રહી. શરૂઆતમાં તો બધુ બહું સારૂ ચાલ્યું. શરૂઆત એટલે શરૂનો મહિનો કે બે મહિના. ત્યાર પછી શરૂઆત થઈ સ્નેહાના રોદણાની. લગભગ રોજ ફોન કરીને સ્નેહા સંસારના રોદણા રડે :
‘ભાસ્કરનો પગાર ઓછો છે, મારે આખો દિવસ કામ કરવું પડે છે. આવી ને મને લઇ જાવ, મને અહીં ગમતું નથી.’ પપ્પા આ બધું સાંભળીને દીકરીને તેડવા ઉપડી પણ જાય પાછા. મંજુબહેન સમજાવે :
‘બેટા, આખરે એ જ ઘર તારું છે. બીજા બધા પણ રહે જ છે ને.’
‘હા, રહે છે ને મોજ પણ કરે છે.’ સ્નેહા નાક ચઢાવીને જવાબ દે.
‘મા, તમે કશું સમજતાં કેમ નથી ? ભાસ્કર પગાર પણ પોતાની મા ને જ આપી દે છે…. મારે તો પાઈ પઈસો પણ માગવો પડે છે…,’ સ્નેહાની આવી શિકાયત સાંભળીને પપ્પા એ તોડ કાઢ્યો, ‘તો તારે મારી પાસેથી પૈસા લઈ જવા ને !’ પતિની વાત મંજુબહેન કાપી તો ન શક્યા પણ એમાં સહમત પણ ન થઇ શક્યા… બાપ-દીકરી કશું સમજતા નથી…. છોકરીને બહુ ચઢાવો મા. આડું તમને જ આવશે…

…..ને એ આડું આવ્યું પણ…. જેમ તેમ કરીને છ-એક મહિના ગાડું રગડાવ્યું… પાછી એ જ રામાયણ. ભાસ્કરને પણ મળી જોયું. એ બિચારો શું બોલે ? આમ ને આમ એની પણ વાત તો ખરી જ હતી. કુટુંબ ને ક્યાં નાંખે ?
‘પપ્પા… મમ્મી ! સ્નેહા એ તો મને સાથ આપવો જોઈએ. મારાથી થાય તેટલું કરૂ છું. બાકી સ્નેહાના કહ્યા મુજબ ઘર પરીવારથી અલગ તો નહીં જ થાઉં….. આગળ જેવી સ્નેહાની મરજી.’ અને સ્નેહાની મરજી… લાગણી…. માગણી સામે કોઈનું ન ચાલ્યું ને પિતાએ હંમેશા માટે તેને પાછી બોલાવી લીધી. મંજુબહેનના લાખ પ્રયત્નો પછી પણ પિતા પુત્રીએ પોતાનું ધાર્યું કર્યું. સ્નેહા ભાસ્કરથી અલગ થઈ ને પિયર આવી ગઈ. પિતાના ઘરે પાછી આવેલી સ્નેહા ફરી પાછી હસતી રમતી થઈ ગઈ. ‘ચાલો, આમ તો આમ.’ મંજુબહેને પોતાના મનને સમજાવી લીધું. ફરી પાછું ઘર સ્નેહા, રાધા, રશ્મિનાં હાસ્યથી ગુંજ્વા લાગ્યું.
‘દીકરી હસતી રહે તોય ઘણું.’ આમ મંજુબહેને મનને મનાવી લીધું. થોડા સમય પછી સ્નેહાએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો. કોલેજ જવા લાગી. એકાદ વરસ આનંદથી રાજી ખુશીથી પસાર થઈ ગયું. ઘરમાં મંજુબહેન સહિત તમામ લગભગ ભૂલી ગયાં કે સ્નેહા એકવાર પરણી ચુકી છે. આમે ક્યાં તે છ-એક મહિનાથી વધારે સાસરે રહી હતી ?

સ્નેહા ભણવાનું પુરું કરે, પગભર થાય, ત્યાર પછી જ લગ્ન માટે સમજાવવું…. એવું વિચારતાં મંજુબહેન પાસે સ્નેહા પરાગને લઈ આવી. આમ તો પરાગનું કુંટુંબ એમના માટે અજાણ્યું ન હતું. પરાગ સ્નેહાથી એકાદ વર્ષ આગળ હતો. એની જ કોલેજ માં ભણતો હતો. દુરના સંબંધી તરીકે પરાગની માતા સાથે પણ ઓળખાણ હતી. તેના પિતા નિવૃત સરકારી અમલદાર હતા. બહુ પૈસાદાર કુંટુંબ તો નહોતું. તેમ છતાં સ્થિતિ બહુ ખરાબ પણ નહોતી. દીકરીની વાત રાખવા માટે મંજુબહેને હા પાડી. સાથે કહી દીધું કે જો પરાગને કે તેના કુટુંબને સ્નેહાનો ભૂતકાળ સ્વીકાર્ય હોય તો જ વાત આગળ વધારવી. તેઓ પરાગને સ્વીકારી લેશે. બેઉ પક્ષોની વાતચીત બાદ તેમના સંબંધને મંજુરી આપવામાં આવી અને નક્કી કર્યું કે ભણવાનું પૂરું થયે બન્નેને નોકરી મળે પછી જ લગ્ન લેવાય. પાછળથી કોઈ આર્થિક તકલીફ ઊભી ન થાય તેથી આવું વિચારવામાં આવ્યું. ડિગ્રી મેળવીને પહેલાં પરાગ અને પછી સ્નેહા પણ નોકરી કરવા લાગી. થોડા સમય પછી વાજતે-ગાજતે લગ્ન લેવાયાં. મંજુબહેને હાશકારો અનુભવ્યો…. ‘ચાલો, આખરે છોકરી ઠેકાણે પડી.’ થોડા સમય પછી નવા અતિથિના આવવાની ખબર પડી. નાની સ્નિગ્ધાના જન્મ પછી તો જાણે બેઉ કુટુંબોમાં રાજીખુશીનું વાતાવરણ છવાઈ ગયું. મંજુબહેને સ્નેહાને થોડા દિવસ આરામ કરવા બોલાવી. આમ તો ગામમાં પિયર અને ગામમાં જ સાસરું એટલે આંટાફેરા ચાલ્યા કરે પણ મા નો જીવ. એમને થયું થોડા દિવસો ભલે દિકરી અહીં રહે. પણ…. ત્યાં આ શું ? – અતિતમાંથી વર્તમાનમાં આવી જવાયું ને ‘આ…..શું ?’નો પ્રશ્ન સામે આવીને ઊભો રહી ગયો.

સ્નેહા રોજ પૂછતી : ‘મા…, પપ્પાને વાત કરી.’
‘બસ, એ જરા નવરા પડે એટલે કહું….’ના બહાનાં પોતે ક્યાં સુધી કરી શકશે તે જ તેમને નહોતું સમજાતું. અને વળી હવે તો નાની સ્નિગ્ધાનો પણ સવાલ હતો. તેના ભવિષ્યને થોડું રઝળાવી દેવાય. સ્નેહા નાની નથી. બધું સમજી શકે તેમ છે….. પણ તો આ કયું ચક્કર ચાલ્યું છે, તે ગતાગમ મંજુબહેનને નહોતી પડતી. કોઈ મનોચિકિત્સક પાસે એને લઈ જવાનો વિચાર પણ મનમાં ફરકી જતો. કારણ પૂછો તો ચૂપ અને બસ છુટા પડવાની વાત પકડી રાખતી સ્નેહા એમને સમજાતી નહોતી. પરાગ સાથે છુટાછેડા માંગવા જેવું કંઈ કારણ પણ નહોતું મળતું. પૈસા, ઘર, કુટુંબ બધું બરાબર. સ્નેહાને જોઇતું હતું તેવું જ. તો પછી ગાડી ખડી ક્યાં ? વગર વિચારે દીકરીનો પક્ષ ન લેવાનું વચન લઈને આખરે મંજુબહેને પતિને વાત કરી. કર્યા વગર છુટકો પણ નહતો ! મનમાં ડર તે છતાં પણ હતો જ. પુત્રી ઘેલા પપ્પા જમાઈ પાસે ફારગતિ લખાવવા દોડી જશે તો ? તેમ છતાંય વાત તો કરી જ. સ્નેહાના પપ્પાએ વાત સાંભળી પણ લીધી. ‘ચાલો, જોઈએ શું થાય છે…’ કહીને તેઓ પણ વિચારમાં પડી ગયા.

બે-એક દિવસ પછી તેમણે જોયું તો બાપ-દીકરી હિંચકે બેસીને વાતો કરતાં હતાં. નાનકડી સ્નિગ્ધાને નાના ઝુલાવતાં હતાં. અને સ્નેહા પોતાની વાત તેમણે સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. પોતાની રીતે સાચી હોવાનાં કારણો આપતી હોય તેવું મંજુબહેન અનુમાન કરવા લાગ્યાં… જોઉં તો ખરી, બાપ ને કઈ પટ્ટી પઢાવે છે ! તેઓ એ લોકોની પાછળ ત્યાં પહોંચી ગયાં અને તેમના કાને સ્નેહાના શબ્દો સંભળાઇ ગયા.
‘પપ્પા તમને ખબર નથી શું ? પરાગ લંગડો છે…. ના- ના… એટલે કે ખોડંગાય છે… મને એની સાથે ચાલતા શરમ આવે છે.’
‘એ…ય છો….કરી !’ મંજુ બહેનથી લગભગ બૂમ જ પડાઈ ગઈ, ‘શી વાત કરે છે ! તને શું ખબર નહોતી ? આપણે તેની ખોટ પહેલેથી જ જાણીએ છીએ ને તારામાંય ક્યાં ખોટ નથી….?’ અચાનક વચ્ચે ટપકી પડેલી મમ્મીને જોઈને સ્નેહા બઘવાઈ ગઈ.
‘મમ્મી મને ખબર તો હતી પણ…”
‘પણ શું ?’ હજુ પણ મંજુબહેન ગુસ્સામાં જ હતાં.
‘આ બધા મને પૂછ્યાં કરે છે.’ સ્નેહા બોલતી ગઈ. તમે આટલાં સરસ અને પરાગ જેવા ખોડવાળાને કેમ પસંદ કર્યો ? બોલ… મમ્મી હું શું કરું ? સ્નેહા રડતી રડતી અંદર ચાલી ગઈ. માતા–પિતા હેબતાઈ ગયાં. તો…. આ કારણ છે. એમણે તો સ્વપ્નામાંયે નહોતું વિચાર્યું કે આવું કંઈક કારણ હશે. હવે ? આ બાબતનો તો કંઈ વિકલ્પ જ નહોતો. વળી પરાગને પણ કહેવાય નહી. એનેય ખોટું લાગી જાય તો વાત વધુ બગડી પડે.
‘તું શાંતી રાખજે…’ મંજુબહેનને પતિના શબ્દો પર શ્રધ્ધા રાખવી પડી, ‘હું હવે મારી રીતે…. ના, ના તું વિચારે છે તેમ નહીં, છતાં કંઈક તો કરીશ.’ પરાગ અને કાંતાબહેનની રજા લઈને સ્નેહાને થોડા વધુ દિવસ રહી જવા સમજાવી. પતિના કહ્યા અનુસાર જ….!!

ને સમય સરખો રહ્યો. સ્નેહાના પ્રશ્ને જાણે મૌન ધારણ કરી લીધું. પરાગ વારે- તહેવારે મળવા આવે જાય. કદીક સ્નેહાને-સ્નિગ્ધાને ફરવા લઈ જવાની વાત કરે ને મંજુબહેન મુંઝાવા લાગે…. આ સ્નેહાડી હંમણા કંઈક બોલી જશે તો પાછી ઉપાધી… સ્નેહાના પપ્પા પણ જાણે કઈ દોડધામમાં પડી ગયા. કશી જ ખબર નહોતી પડતી. બે એક મહીના પસાર થઈ ગયા ને પરાગ ખુશખબર લઈ ને આવી પહોંચ્યો. એને પ્રમોશન સાથે બીજા શહેરમાં ટ્રાન્સફર મળી ગઈ. પગાર પણ વધ્યો અને કંપનીનું ઘર પણ મળશે.
‘ચાલો તો એક વધુ ખુશી મારા….ના…..અમારા તરફથી…. સ્કુટર’ પ્રમોશનની ખુશીમાં સ્નેહાના પપ્પાએ તેને નવું સ્કુટર લઈ આપ્યું. નવું શહેર…. નવા લોકો…. નવું જીવન…. છુટાછેડાની વાત ભુલીને સ્નેહા પણ રાજી ખુશીથી પરાગ સાથે જવા તૈયાર થઈ ગઈ. મંજુબહેન ફરી એકવાર આશ્ચર્ય અને આઘાતમાં પછડાઈ ગયાં. અલબત્ત ! આ વખતે ‘સુખદ’ શબ્દ સાથે હતો. સુખદ આશ્ચર્યમાં સરી ગયાં. સ્નેહાના ગયા પછી તેમણે પતિને પૂછી લીધું ‘આ સ્નેહા કેમ માની ગઈ….?’ ને પતિ એ જે સમજાવ્યું તે સાંભળીને મંજુબહેન ‘હાશ’…. કરતાં ઓટલે બેસી ગયાં.
‘તે આ કામ તમારૂં જ. લાડકી પણ તમારી જ છે ને ?’ મનોમન મંજુબહેન પતિને શાબાશી દેવા લાગ્યાં.

છેલ્લા બે મહિનાની દોડધામનો સાર કંઈક આમ નીકળ્યો.
‘પરાગને ખોટું ન લાગે એમ ધીમે ધીમે બધું સમજાવ્યું…. લાગવગ લગાડી, થોડા પૈસા પણ વેર્યાં અને તેને બહુ પગે ન ચાલવું પડે તે માટે સ્કુટર પણ લઈ આપ્યું. પરાગે પણ સમજ્દારી બતાવીને એમની વાત માની ગયો. ઘર ભંગાય એના કરતાં નવાં શહેરમાં સ્થાઈ થવું તેણે વધુ યોગ્ય માન્યું. હવે સ્નેહાને નવાં શહેરમાં કોઈ જાત-જાતના સવાલો નહીં પૂછે…. પરાગને પણ પગે બહુ નહીં ચાલવું પડે….ને સ્કુટરને કારણે ખોડ દેખાવાનો સવાલ પણ તો ઊભો નહીં થાય….. પુત્રીએ ઉપજાવેલા કારણનું જ નિવારણ પપ્પાએ કરી નાખ્યું, પછી શું ? વારે ઘડીએ દીકરી બતાવે એ જ રસ્તાને સાચો માનું એવો બાપ થોડો છું ?!’ કહેતાં અંદર જતા પતિને જોઈ રહેલાં મંજુબહેન પણ જાણે ‘કારણ-નિવારણ’નો અર્થ સમજી ગયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “કારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.