અવતરણ – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

[ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય જેમની કૂળપરંપરામાં ઉતર્યું છે તેવા કવિ-ગઝલકાર શ્રી ગોવિંદભાઈ ગઢવીના (જૂનાગઢ) તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘અવતરણ’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 285 2673156 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલના અંતે આપવામાં આવી છે.]

[1] વાત કર !

તું સતત કાં છળ વિશેની વાત કર ?
કો’ક દિ’ ઝાકળ વિશેની વાત કર !

કાચના ઘરમાં રહેવું આપણે,
જોઈ સમજી બળ વિશેની વાત કર !

વિસ્તર્યો ધિક્કાર આજે ચો-તરફ,
સ્નેહભીનાં જળ વિશેની વાત કર !

એ સહનશીલતા હતી કે મજબૂરી ?
ભીષ્મની એ પળ વિશેની વાત કર !

આ કસોટી પાર ઊતારી શકે,
રણ મહીં કૂંપળ વિશેની વાત કર !

લેખ લખવાની પ્રથા છોડી દઈ,
તું પછી અંજળ વિશેની વાત કર !

આજ સુધી માત્ર ટહૂકા સાંભળ્યા,
કંઈ હવે આગળ વિશેની વાત કર !

હું અનુભૂતિની નગરીમાં વસું,
કાં મને અટકળ વિશેની વાત કર !
.

[2] ક્યાં ધાર્યું’ તું !

એક વસમી પળે વિચાર્યું’તું,
બાણ મેં કોઈને ક્યાં માર્યું’તું !

ભેજ લાગ્યો ફરીથી આ ભવનો,
વસ્ત્ર તો ગતભવે નીતાર્યું’તું.

વ્હાણ વિશ્વાસમાં જ ડૂબ્યું’તું !
એક તરણે જીવન ઉગાર્યું’તું !

ચોપડે ક્યાં હતું જમા કંઈ પણ,
મારે નામે બધું ઉધાર્યું’તું.

એક ઝાંખી અલપ-ઝલપ થૈ ગઈ,
સ્વપ્ન આવું ફળે, ક્યાં ધાર્યું’તું !
.

[3] ચારે બાજુ !

કેમ રહે મન સાજું તાજું ?
ભ્રમણાઓ છે ચારે બાજુ.

પોતાની ચર્ચા નીકળે તો,
જુદાં તોલાં, જુદાં તરાજુ !

જેણે નેવે મૂકી દીધી,
એને શું લાજું કે ગાજું.

આવ્યું એવું લખતો રહું છું,
સમજી લો થોડામાં ઝાઝું.

પાણી સૌએ ડહોળી નાખ્યું,
ક્યાંથી એમાં વાસણ માંજું.

સંબંધો વણસે એ પહેલાં,
નમતું મેલો થોડું ઝાઝું.

અસ્ત-ઉદય સાથે રહેવાના,
એ સિક્કાની છે બે બાજુ.

[કુલ પાન : 96. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ‘મિલન’ સાહિત્ય સંસ્થા. 101, અમૃત એપાર્ટમેન્ટ, આગાખાન હોસ્ટેલ પાસે, કોલેજ રોડ, જૂનાગઢ.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અવતરણ – ગોવિંદ ગઢવી ‘સ્મિત’”

Copy Protected by Chetan's WP-Copyprotect.