ગીતત્રયી – વિમલ અગ્રાવત

[ રીડગુજરાતીને આ ગીતો મોકલવા બદલ શ્રી વિમલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vimal_agravat@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[1] કદી જોયો ?

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું !
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું !
કદી નજરુંથી દરિયો વલોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો ?

મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો !
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો,’દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો ?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
.

[2] સાજણ રહે છે સાવ કોરા !

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા.

ચૈતર વૈશાખ તો સમજ્યા પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર;
વરસાદી વાયરાઓ ચાખી ચાખી ને હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરા.
.
[3] હુંય લખું બસ જરી?

તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હુંય લખું બસ જરી?

લખવાવાળા લખે, શબદની કંઇક કરામત લાવે;
હરિ મને તો વઘી વઘી ને કક્કો લખવો ફાવે;
જરુંર પડે ત્યાં કાનોમાતર તમેજ લેજો કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !

શબદ સરકણાં ફોગટ સઘળાં, કાગળ મારો સાચો;
અક્ષરમાં અંધારું કેવળ, અંતર મારું વાંચો;
પરબિડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
તમને તો કંઇ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ગીતત્રયી – વિમલ અગ્રાવત”

Copy Protected by Chetan's WP-Copyprotect.