[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક શ્રી હાર્દિકભાઈ નડિયાદના રહેવાસી છે. લેખનક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા આપણે માણીએ. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.]
[dc]પા[/dc]ટણની પ્રજા અત્યારે મીઠી નિંદરડીને વ્હાલી કરી ઊંઘી રહી છે. ત્યાં પાટણના દરવાજાથી થોડે દૂર ચાચરના ઓવારે, જેની કસોકસ બંધાયેલ ચોરણીમાં ફાટું ફાટું કરતી છાતી હિલોળા લે છે તેવા વીરભદ્ર જેવા એક માણસની લાલઘુમ આંખો એકીટશે પાટણના ક્કુધ્વજને જોઈ રહી છે. લાગે છે કે હમણાં પાટણની સત્તા એક પળમાં વિખેરી નાખશે. પાછળ ઊભેલા ઘરડા પણ જમાનાને ઘોળીને પી ગયા હોય તેવા ચાકરે ધીમા અવાજે કહ્યું :
‘રા’ ! ખમૈયા મારા બાપ !! દરવાજે રોન વધુ હશે. થોડો આરામ કરી લ્યો ને બાપુ….’
હજી પણ ચાતક નજરે પાટણ તરફ જોતાં એ યોદ્ધાએ જવાબ આપ્યો, ‘હવે તો આ રા’ નવઘણ માટે પાટણના જયસિંહને હરાવે નહીં ત્યાં સુધી આરામ કરવો એ તણખલું મ્હોં માં દાબવા બરોબર છે.’ ત્યાં દૂર કોઈનાં ધીમા પગલાંનો અવાજ સંભળાતા જ રા’ સાબદો થાય છે. પોતાની રાણી કરતાં પણ વધુ વ્હાલી તલવારની મૂઠ પર તેનો હાથ જાય છે. ત્યાં જ તેને અવાજ સંભળાય છે…..
‘સૂરજ, જરા ગાડીનું એ.સી. ચાલુ કરી દે, સાહેબ પાંચ મિનિટમાં આવી રહ્યાં છે.’ રા’નવઘણ હવે શું કરશેની ચિંતામાંથી સુરજ સીધ્ધો જ રાજેન્દ્રભાઈ પટેલ ગાડી ઠંડી નહીં હોય તો શું કહેશેની ચિંતામાં આવી ગયો. જલદી જલદી પોતાની મનગમતી નોવેલને ડેશબોર્ડ પર મૂકી દીધી. સૂરજ આમ તો રાજેન્દ્રભાઈના ડ્રાઈવરનો દીકરો. બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હમણાં પપ્પાની તબિયત નરમગરમ હોવાથી કુટુંબને મદદ કરવા સારું એ પપ્પાની જગ્યાએ નોકરી ઉપર છે. નોકરી કરવાની ઈચ્છા થવાનું કારણ એક તો નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ચલાવવા મળે અને રાજેન્દ્રભાઈ એકવાર ઑફિસ આવે તે છેક સાંજે જ બહાર આવે એટલે આખો દિવસ પાર્કિંગમાં બેસીને પોતાને મનાગમતા ક.મા. મુનશી અને ધુમકેતુની સુંદર રચનાઓને વાંચવાની મઝાની મઝા ને પગારનો પગાર !
રાજેન્દ્રભાઈને લઈને જ્યાં તેમની ગાડી જી.આઈ.ડી.સી.ના પોતાના સૌથી મોટા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આગળ વધી ત્યાં જ પાછળથી તેમના જેવા જ કલરની અને ઈ-કલાસ બેન્ઝનો સતત હોર્ન સંભળાયો. રસ્તો નાનો હોવા છતાંય પાછળની ગાડીને ઓવરટેઈક જોઈતો હતો. રાજેન્દ્રભાઈએ સૂરજને ગાડી બાજુમાં દબાવીને ઊભી રાખવા કહ્યું. પાછળ જતી ગાડીમાં હતાં તેમના કમ્પાઉન્ડની પાછળ આવેલી તેમના જેવી જ પણ પ્રમાણમાં નાની પ્લાસ્ટિક કંપનીના માલિક જયંતભાઈ. રાજેન્દ્રભાઈએ જયંતભાઈને જોઈને એક સ્મિત આપ્યું પણ જયંતભાઈ તેમની સામે મોં ચઢાવીને કરેલ ઓવરટેકને જીતેલો જંગ માનીને આગળ વધી ગયા.
સુરજને આ ન ગમ્યું. તેણે પૂછ્યું, ‘મોટાભાઈ….. (નાનપણથી તે રાજેન્દ્રભાઈને આ નામે જ સંબોધતો…) આ જયંતભાઈ તમને દુશ્મન માને છે અને તમે હંમેશાં એમને કેમ માનથી બોલાવો છો ? એમને જોઈને શું કામ સ્મિત આપો છો ?’
રાજેન્દ્રભાઈએ હસીને વળતો જવાબ આપ્યો, ‘હશે ! એમને તો ટેવ પડી…’ ગાડી ચલાવતાં સુરજને મોં ચઢાવેલો જયંતભાઈનો ચહેરો યાદ આવ્યો. તેમની આંખોમાં તેણે જે કડકાઈને દુશ્મનાવટ જોયા તે તેણે પહેલાં પણ ક્યાંક અનુભવ્યા હતાં. અને તે વિચારતાં જ તરત એની નજર ડેશબોર્ડ પર પડેલ નોવેલ તરફ ગઈ.
વાત જાણે એમ હતી કે જયંતભાઈએ સૌપ્રથમ પ્લાસ્ટિકની ઈન્ડસ્ટ્રી આ જી.આઈ.ડી.સી.માં નાંખી હતી અને રાજેન્દ્રભાઈના પપ્પા તેમના ભાગીદાર હતા. વખત જતાં જયંતભાઈને દેવું વધ્યું. સમય પારખીને રાજેન્દ્રભાઈના પપ્પા છૂટા પડ્યા. એકાઉન્ટ સેટલમેન્ટના પરિણામે આખીય જી.આઈ.ડી.સી.નો સૌથી મોટો બ્લોગ બે ભાગમાં વહેંચાયો અને લેણાદેણીને અંતે જયંતભાઈના ભાગે પાછળનો નાનો ભાગ જ બચ્યો. પિતાના મૃત્યુ બાદ રાજેન્દ્રભાઈ ધંધામાં જોડાયા અને તેમની અભ્યુદય પ્લાસ્ટિક પ્રા.લી. કંપની ગુજરાતની ગણનાપાત્ર પ્લાસ્ટિક કંપનીઓમાંની એક બની ગઈ. ખબર નહીં કેમ પણ જયંતભાઈ હંમેશા રાજેન્દ્રને પોતાનો દુશ્મન જ ગણતા આવ્યા. ધંધામાં તેમની લીટી કેમ કરી લાંબી કરવી તે વિચારવાને બદલે અભ્યુદય પ્લાસ્ટિક પ્રા.લિ. કંપનીની લીટી કેમ કરીને નાની કરું તેની વેતરણમાં તે રહેતા. અને રાજેન્દ્રભાઈ તેમના ભૂતકાળના જીતુકાકાની આ હરકતોને હંમેશા હસતાં હસતાં સ્વીકારતા રહ્યાં.
****
આજે સૂરજ ગાડી લૂછીને મોટાભાઈની રાહ જોતો વિશાળ બંગલાના પાર્કિંગમાં બેઠો હતો. ત્યાં જ રતને આવીને સમાચાર આપ્યાં કે સાહેબને આજે મોડું થશે કારણ કે તેઓ કંઈક ચિંતામાં મોટીબા સાથે વાત કરી રહ્યા છે. સૂરજ જાણી ગયો કે વળી પાછું મોટીબાએ ભાઈના લગ્નની વાત કાઢી હશે. બન્ને મા-દીકરો થોડી વાર ઝઘડશે એટલે આજે તો કલાક પાક્કો.
એથી જ એણે નોવેલ કાઢી…
મહાઅમાત્ય મુંજાલ આંખો વડે મીનળદેવીને સમજાવી રહ્યા હતા કે ટાઢે પાણીએ ખસ ગઈ છે. હવે જયસિંહને સમજાવો કે પાછળ જાય નહીં. મીનળદેવી સમજતી હતી કે જયસિંહ આમ સીધો છે પણ તેને છંછેડવામાં આવ્યો છે. તે સોરઠની ભૂમિ પર તેના પાટણનું બધું જ બળ લગાડી દેશે. પણ દીકરાને સમજાવવો કેમ ? સિધ્ધરાજ માટે આ ઘા પોતાની કીર્તિ પરનો હોય તેમ લાગ્યો હતો. પોતે જેને પરણીને પાટણના મહારાણીપદે સ્થાપવાનું સ્વપ્ન જોતો તે દેવડી આજે નવઘણના દીકરા ખેંગાર સાથે ભાગી ગઈ હતી. દેવપ્રસાદને પોતાની શોર્યબુદ્ધિથી જ વિચારવાની ટેવ હતી અને તેને થતું કે હવે જયસિંહ શેની રાહ જુએ છે ? હવે તો જૂનાગઢના દરવાજા એ તોડે નહીં તો ફટ છે એને….
‘સુરજભાઈ, બધ્ધું જાણીને આવ્યો છું. ખરું થયું સાહેબ જોડે….’ રતને પાછા આવીને જાણે કાનમાં કહેતો હોય એમ ધીમેથી કહ્યું. સૂરજે માથું ઊંચક્યું. એના ચહેરા પર પ્રશ્ન હતો, જે સમજીને રતને આગળ ચલાવ્યું કે, ‘રાજેન્દ્રભાઈના લગ્નની વાત છાનેછપને છેલ્લા છ મહિનાથી તારકેશ અમીનની દીકરી સાથે ચાલતી હતી. લગભગ બધું પાકે પાયે હતું. રાજેન્દ્રભાઈની પણ લગભગ ‘ના’ માંથી ‘હા’ થઈ ગઈ હતી અને આ હમણાં જ સમાચાર આવ્યા કે જયંતભાઈનો દીકરો આજે સવારે જ તારકેશ અમીનની દીકરીને લઈ ભાગી ગયો. બાનું માનવું છે કે જયંતભાઈનો આમાં હાથ હશે કારણ કે સુધાભાભી (જયંતભાઈના પત્ની)ને આપણે માગું નાખ્યું છે તેની જાણ હતી. સૂરજને થયું કે જયંતભાઈને ત્યાં જઈ તેમને મારી મારીને અધમુઆ કરી નાખું. ત્યાં તો કશું જ ન બન્યું હોય એમ રાજેન્દ્રભાઈ ગાડીમાં આવીને ગોઠવાયા. એ જ સ્મિત આપીને કહ્યું :
‘ચાલ ભાઈ સૂરજ, આજે તો ખરેખર મોડું થઈ ગયું. રઘુકાકાના (સૂરજના પપ્પા) કાલે ટેસ્ટ કરાવેલા તે બધા બરોબર જ આવ્યા છે ને ? કંઈ ચિંતા જેવું નથીને ?’ સૂરજે ડોકું હલાવી, નોવેલ બંધ કરી તેને ડેશબોર્ડ પર મૂકતાં મનમાં મમળાવ્યું કે મોટાભાઈ કેમ સમજતા નથી કે આ જે થાય છે તે ચિંતા જેવું જ છે.
****
આ વાતને લગભગ છ મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન જયંતભાઈના નાના મોટા ઉત્પાતો ચાલુ જ છે. રાજેન્દ્રભાઈએ પોતાની ઉંમર કરતાં પણ વધુ ઠાવકાઈથી જયંતભાઈના સાથેના તેમના સંબંધો જાળવી રાખ્યા છે. સૂરજ દિન-પ્રતિદિન જયંતભાઈ અને એમની ફેકટરીના બધા માણસોને દુશ્મન માની રહ્યો છે. થોડા અંશે તો તેને મોટાભાઈ પર પણ ચીડ હતી. તેને લાગતું કે જયંતભાઈના એ દીકરાના રિસેપ્શનમાં ભાઈને જવાની શી જરૂર હતી ? અને તે મન પાછું નોવેલમાં પરોવવા પ્રયત્ન કરે છે….
લગભગ છેલ્લા દોઢ કલાકથી દોડતા ઘોડાના ફૂલેલા શ્વાસનો અવાજ જયસિંહને સંભળાઈ રહ્યો છે પણ આજે તેના મગજમાં કોઈ પણ સંજોગોમાં રા’ નવઘણને પકડવાની રત લાગી છે. તે જાણે છે કે એક તો આ થોડાક જ ખેતરો બાકી છે ને પછી શિવજીની ફેલાયેલ જટા જેવું વિશાળ રણ આગળ પોકાર કરે છે. દૂર ભાગતો રા’ પોતાની માનીતી સાંઢણી પર છે. તેની નાગજણ સાંઢણીની અનેક વાતો અનેક લોકો દ્વારા જયસિંહે નાનપણથી સાંભળી છે. એવું કહેવાય છે કે રા’ દુનિયામાં સૌથી વધુ આ નાગજણને જ પ્રેમ કરે છે અને જ્યાં સુધી રા’ નાગજણ પર સવાર હોય ત્યાં સુધી દુનિયામાં કોઈ જ અસવાર એવો નથી કે જે તેમને પકડી શકે. નાગજણ માટે પણ આ ઉક્તિ સાચી કરવાનો આ પ્રસંગ હતો. સાંઢણી પોતાના માલિકની પાછળ પડેલા એ કાળમુઆ દુશ્મનથી બચાવવા આજે થાકને પોતાના અંગને અડવા નથી દેતી…. ‘બેટા, બસ હવે બે ગાઉનું છેટું છે મા… જાળવી જાજે. એક વાર રણે વર્તીશું પછી તો જયસિંહ શું એનો બાબરો ભૂતેય આપણને નહીં પકડી શકે. આખી જિંદગી હારે હાલ્યા છે બા, મરશું તોય સાથે અને જીતશું તોય સાથે… હાલ મા, હાલ….’ નવઘણના શબ્દો નાગજણ માટે જાણે અમરતનું કામ કરે છે. હાંફતી સાંઢણી બમણા જોરથી દોડે છે. રસ્તામાં એક નાનકડું તળાવ આવે છે ને એ નાનકડા પાણીની પેલે પારથી શરૂ થાય છે અમાપ રણ. જો ધારે ધારે જાય તો પકડાઈ જવાય તેની જાણ રા’ને છે. એક ક્ષણ માટે નાગજણની આંખ સામે જુએ છે અને જાણે સઘળું સમજી ગઈ હોય તેમ એ ડાહી સાંઢણી પોતાની જાતને સ્વામીને તકલીફ ન પડે તેમ સાચવીને પાણીમાં નાંખે છે. દૂરથી માર માર કરતાં આવતો સિદ્ધરાજ આ દશ્ય જુએ છે. દુશ્મન અને એની સાંઢણીની બહાદુરી અને જોમ જોઈ તેના મોંમાં પણ શબ્દો સરી પડે છે કે, ‘ધન્ય રા’ ધન્ય તારી નાગજણ. રાજાને દુશ્મન મળે તો આવો મળે…..’
સાંઢણી સ્વામીને સાચવતી તરતી બહાર નીકળવા જાય છે. સો ગાઉનું છેટું એકીશ્વાસે દોડી માથાબૂડ પાણીમાં તરવાનું કૌવત નાગજણ સિવાય કોઈ કરી શકે તેવું તો કોઈ આ ધરા પર હતું નહીં. પણ બહાર નીકળતા ચીકણી માટી પર તેનો પગ લપસે છે. એક મોટા ધમાકા સાથે સાંઢણી નીચે પડે છે. અનુભવી સવાર રા’ સમજી જાય છે કે હવે નાગજણ નહીં ઊભી થઈ શકે. પોતાની જન્મોજન્મની સાથીને પડેલી, હાંફતી જોઈ કદાચ નવઘણની કરડી આંખોના ખૂણા પહેલીવાર ભીના થાય છે. દુનિયાનો એ પ્રસિદ્ધ યૌદ્ધો પોતાના ગળામાં ડૂમો જીવનમાં પહેલીવાર જ અનુભવે છે. હથિયાર બાજુમાં મૂકીને હાંફળો ફાંફળો થઈ જાય છે. મરતી નાગજણને ન જોઈ શકતો હોવાથી તે પોતે તેનાથી વહેલો મરવા તૈયાર થાય છે. ત્યાં જ જયસિંહ અને તેમના યોદ્ધા આવી જાય છે. પરિસ્થિતિનો તાગ ક્ષણમાં મેળવી સિદ્ધરાજ પોતાની ફોજમાં રહેલા બન્ને વૈદોને બોલાવી નાગજણની તાત્કાલિક સારવાર માટે આદેશ આપે છે. સિદ્ધરાજનું આ વર્તન જોઈ રા’ નવઘણ ડઘાઈ જાય છે. તેના મત મુજબ જયસિંહ તેને અને તેની સાંઢણીને પલમાં ખતમ કરત પણ…..
‘આગ….આગ….’ની બુમો ચારે તરફથી સંભળાય છે. સૂરજ નોવેલમાંથી મોં બહાર કાઢી જુએ છે તો આજુબાજુની ફેક્ટરીઓના કામદારો જયંતભાઈની ફેક્ટરી બાજુ દોડતા દેખાય છે. ખબર પડે છે કે તેમની ફેક્ટરીમાં આગ લાગી છે અને અંદર 5 થી 7 કામદારો ફસાયા છે. મોટા મોટા લાહ્યબંબા અને ફાયરબ્રિગેડની ગાડીઓ બહાર સુધી આવી ગઈ છે. જયંતભાઈની ફેકટરી પાછળના ભાગમાં હોવાથી ત્યાં સુધી પાણીના બંબાઓ જઈ શકે તેમ નથી. રસ્તો ઘણો જ સાંકડો છે. સૂરજ પોતાની જગ્યાએથી સહેજ પણ ખસતો નથી ઉલ્ટું મનોમન ખુશ થાય છે. એને થાય છે ચાલો સારું થયું. ભગવાન આવા લોકોને બદલો આવો જ આપે છે. પણ ત્યાં જ તે રાજેન્દ્રભાઈને જુએ છે. ગાડીઓ ઝડપથી જયંતભાઈની ફેક્ટરી સુધી પહોંચી શકે તે માટે તે પોતાની ફેક્ટરીની આગળની અને પાછળની બન્ને દિવાલ પોતાના જ કામદારો જોડે તોડાવતા હતા. સૂરજે જોયું કે રાજેન્દ્રભાઈની અનુમતિ અને પ્રયાસોથી દિવાલો તૂટી અને પોતાની કંપનીના આગળના સરસ મઝાના બગીચાને અસ્તવ્યસ્ત કરી ફાયબ્રિગેડની ગાડીઓ દોડી રહી છે. અને લગભગ આગ બુઝાઈ જવા આવી છે અને કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. એક ખૂણામાં શૂન્યમનસ્ક ઊભેલા જયંતભાઈની પાસે રાજેન્દ્રભાઈ પહોંચી ખભે હાથ મૂકે છે.
સૂરજના હાથમાં રહેલ નોવેલનું પાનું હવાથી બદલાય છે. અને સિદ્ધરાજ જયસિંહ રા’નવઘણને ઊભા કરતાં બોલે છે :
‘રા ’ વેર રાજનાં હોય એમાં પ્રજાને પશુનો ભોગ ના હોય…..’
26 thoughts on “રાજનાં વેર – હાર્દિક યાજ્ઞિક”
Supertb Excellent Story….I love the way Hardik bhai illustrate the whole story. Beautiful writting ..Best of luck Hardik bhai…
Rarely Possible in today’s life. Nice Story.
Nice Story. But Rarely possible in today’s life.
Hardikbhai, Nice story……
બહુ જ સરસ ખુબ જ સુન્દર રિતે વર્ણવવામા આવેલ છે.
Hardikbhai.. tame.. Ashwin Sanghi ni yad apavi didhi.. Eni badhi novel ama History and Morden time sathe sathej hoy chhe..
Tame pan try karo.. koi novel lakhvano avi history par thi..
હ્રદયસ્પર્શિ રજૂઆત. મુન્શિની શૈલી સાથે અતિ સરસ રીતે વાત વણી લીધી. આંખના ખુણા ભીના થઇ ગયા.Keep it up.
Really nice story..
હાર્દિક્ભાઈ,
આપની સુંદર રચના અને પ્રસ્તુતિ બદલ આપને હાર્દિક અભિનંદન.
માનવતા પિરસતા રહો અને પ્રગતિ કરતા રહો.
હાર્દિક,હાર્દિક શુભેચ્છાઓ.
very good story and I like the style of story telling..
વાહ…..હાર્દિકભાઇ મઝા આવી ગઇ…..
Very nice story.Best of luck for the future writings.
Hardikbhai,
Stupendously blended the history with the modern times. We look forward to have another feather in your cap soon. Best wishes ahead !
બહુ જ સરસ વાર્તા – મઝા પડી ગઇ. આ વરસની વાર્તા સ્પર્ધામા નિ મારિ મનગમતિ ક્રુતિ
Hats off to you Hardikbhai!!! Nice way to describe.
Excellent story.Congrats….
સરસ ક્રુતિ .ઇતિહાસ ના પ્રસન્ગો સાન્કળી લઇ ને વાર્તા નિ ગુથણી કરિ છે તે અભિનન્દન ને પાત્ર છે.મને તો ઇનામ ને પાત્ર લાગિ.લેખક ને તથા રિડૂગુજરાતિ ને અભિનન્દન્
Nice one keep it up……Maja Padi gayi in short for your short story.Excellent way to represent.
Hardikbhai,
Very good story and very good connection with the history.
આપ સૌને મારી વાર્તા ગમી તે બદલ સૌનો ર્હદયસ્થ આભાર્……હાર્દિક
હાર્દિકભાઈ, સમાંતર ચાલતી કૃતિ. સુંદર પ્રયોગ સાથે ચોટદાર વાર્તા. તમારી પ્રયોગશીલતાને અભિનંદન .મને પણ આવું કરવું ગમે છે.બીબાઢાળપણાથી અલગ રચવાનું મન થાય એ મોટી વાત છે. સુંદર વાર્તા. અભિનંદન અભિવાદન.સર્જનનું નવલું નર્તન.વાહ.
હાર્દિકભાઈ, ઇતિહાસ અને વર્તમાનને સાથે રાખીને કથાનકની તમે જે ગુઁથણી કરી તે પ્રશ્ઁસનીય લાગી.આવી નવી રીતથી ગૂજરાતી વાર્તાઓ ભાગ્યે જ લખાઈ હશે.અભિનઁદન!
Really heart touching story….
I liked the different style of story telling. Enjoyed it.
સરસ
આને કહેવાય વાર્તા…………
અદ્દભૂત……….ઇતિહાસ સાથે વાર્તાનું અદ્દભૂત સાયુજ્ય રચ્યું……….
હાર્દિકભાઈ આવું જ લખતા રહેજો……………….