સર્જનશીલતા – જે. કૃષ્ણમૂર્તિ

[ અંગ્રેજીમાં ‘Questions and Answers’ શીર્ષક હેઠળ લખાયેલા આ પુસ્તકનો અનુવાદ શ્રી હીરાલાલ બક્ષીએ કર્યો છે. આ પુસ્તકમાં મુખ્યત્વે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોમાંથી પસંદ કરેલા પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]સ[/dc]ર્જનશીલતાના અને કસબનો મેળ ખાય નહિ. તમે પિયાનો વગાડવામાં નિપુણ હો છતાં સર્જનશીલ ન પણ હો; તમે અતિ સુંદર રીતે પિયાનો વગાડી શકો છતાં તમે સંગીતકાર ન પણ હો. રંગોની મેળવણી કરવામાં તમે પ્રતિભાવાન હો, તમે ચપળતાથી ચિત્ર ચીતરી શકો છતાં તમે સર્જનશીલ ચિત્રકાર ન પણ હો. કસબની આવડતને કારણે પથ્થરમાંથી તમે મુખાકૃતિ, કોઈ પ્રતિમા બનાવી શકો છતાં તમે પૂર્ણ કલાકાર ન પણ હો. કસબનું સ્થાન પ્રથમ નથી. પ્રથમ સર્જનશીલતા છે. કસબના જ કારણે આપણે આખી જિંદગી દુઃખમાં વિતાવીએ છીએ. ઘર કેમ બાંધવું, પુલ કેમ બાંધવો, મોટર કેમ ગોઠવવી, કઈ પદ્ધતિ પ્રમાણે બાળકોને કેળવવાં વગેરે પ્રકારના કસબ આપણને આવડે છે.

આ બધા કસબ આપણે શીખ્યા છીએ અને કસબી છીએ. પરંતુ આપણાં મનહૃદય ખાલી છે. આપણે પ્રથમ પંક્તિનાં યંત્રો જેવા છીએ. પદ્ધતિ પ્રમાણે કાર્ય કરવું એ આપણને આવડે છે, પણ કોઈ જીવંત વસ્તુને આપણે ચાહતા નથી. તમે સારા ઈજનેર હો, તમે પિયાનો વગાડનાર હો, તમે અંગ્રેજીમાં કે મરાઠીમાં કે તમારી ભાષામાં સારું લેખનકાર્ય કરી શકતા હો છતાં એ કસબથી સર્જનશીલતા આવતી નથી. જો તમારી ઈચ્છા પ્રમાણે કાંઈ કહેવાનું હશે તો તમારી લેખનશૈલી તમે જ ઉત્પન્ન કરી લો છો, પણ જ્યારે તમારી પાસે તમારી સ્વયંની સમજ મુજબનું કહેવાનું કશું જ હોતું નથી – પછી તમારી શૈલી ભલે ને સુંદર હોય – ત્યારે તમે જે લખતા હો એ માત્ર પ્રથા પ્રમાણેની ઘરડ જ હોય છે, જૂની બાબતનું નવા શબ્દોમાં પુનરાવર્તન જ હોય છે. માટે જો તમે ગહનતાથી તમારું નિરીક્ષણ કરો તો તમને જણાશે કે ફક્ત કસબથી સર્જનશીલતા આવતી નથી. પણ જો તમારામાં સર્જકશક્તિ હોય તો એક અઠવાડિયામાં તમે કસબ પ્રાપ્ત કરી શકો. કાંઈક પણ પ્રકટ કરવા માટે તમારા સ્વયંનું કાંઈક હોવું જોઈએ, ગાવા માટે હૃદયમાં ગીત હોવું જોઈએ. પ્રકટ કરવા માટે સંવેદના હોવી જોઈએ. કેવળ સ્વની પ્રતિભા બનાવવાની ઝાઝી મહત્તા નથી. જ્યારે કોઈ બાબત કોઈને કહેવી હોય ત્યારે જ ભાવ સર્જન મહત્વનું હોય છે પણ તમે તમારા આનંદને ખાતર પ્રતિષ્ઠા ખાતર લખતા હો તો એવા સર્જનની કિંમત બહુ જ થોડી છે.

આ રીતે, આપણા હૃદયમાં ગીત નથી. માટે આપણે પાછળ જઈએ છીએ. ગીતનો કસબ શીખીએ છીએ. હું કહું છું કે ગીત મહત્વનું છે, ગાવાનો આનંદ મહત્વનો છે. જો એ આનંદ હશે તો કસબ આવી જશે. તમે તમારો પોતાનો કસબ શોધી કાઢશો, તમારે વક્તૃત્વકળા કે લેખનકળા શીખવાં પડે નહિ. જ્યારે તમારામાં (સર્જનશીલતા) હોય છે ત્યારે તમે (સૌંદર્ય) જુઓ છો અને સૌંદર્યને જોવું એ જ કળા છે. જ્યારે તમારી અંદર સૌંદર્ય હોય છે ત્યારે એની અભિવ્યક્તિ સુંદર હોય છે, તે કસબની દષ્ટિએ સંપૂર્ણ હોય છે. જોકે કસબ જરૂરી છે છતાં કસબ મહત્વનો નથી. પણ તમારા હૃદયમાં ગીત હોય એ મહત્વનું છે. સર્જનશીલતા એ મહત્વની છે. એટલે એ એક અગત્યનો પ્રશ્ન છે. તમે અનેક બાળકો ઉત્પન્ન કરો પણ એ સર્જન નથી, એ એક ઘટના છે. કોઈ વિચારકો વિશે કે તેના વિચારો વિશે તમે લખી શકો પણ એથી તમે સર્જનશીલ છો એમ કહેવાય નહિ. તમે કોઈ રમત જુઓ, તમે પ્રેક્ષક હો પણ તમે ખેલાડી નથી. કેવળ કસબ શીખવાને તમે વધારે ને વધારે મહત્વ આપો છો એટલે સર્જક થવાનો તમારો શો હેતુ છે એ તમારે શોધી કાઢવું પડશે.

માણસ સર્જક કેવી રીતે થઈ શકે ? સર્જનશક્તિ એટલું અનુકરણ નહિ. કેવળ ઉપલક ભૂમિકાએ નહિ પણ અંદરથી અને ચિત્તની ભૂમિકાએ પણ આપણે અનુકરણ જ કરીએ છીએ. આપણું આખું જીવન જ અનુકરણ, એકરૂપતા અને આક્રમકતાથી ભરેલું છે. પણ જ્યારે તમે કોઈ નમૂના કે કસબ પ્રમાણે વિચાર કરતા હો ત્યારે સર્જનશક્તિ સંભવિત છે ? જ્યારે અનુકરણથી મુક્ત થવાય, શિસ્તથી મુક્ત થવાય, બાહ્ય પ્રમાણથી જ નહિ પણ જે અનુભવ સ્મૃતિરૂપ બન્યો છે તે અનુભવના આંતર પ્રમાણથી પણ મુક્ત થવાય ત્યારે જ સર્જનશક્તિનો આવિર્ભાવ થાય છે. વળી જો ભય હોય તોપણ સર્જનશક્તિ સંભવિત નથી, કારણ કે ભયમાંથી અનુકરણ કરવાની, નકલ કરવાની વૃત્તિ, સલામત અને નિશ્ચિત થવાની વૃત્તિ અને પરિણામે પ્રમાણ, ઉદ્દભવ થાય છે. મન જ્યાં સુધી જ્ઞાતમાંથી જ્ઞાત તરફ વળે છે ત્યાં સુધી સર્જનશક્તિ આવી શકે નહિ. મન જ્યાં સુધી કસબમાં સપડાયેલું છે, જ્યાં સુધી એ જ્ઞાનના ઘેરાવામાં રોકાયેલું છે, ત્યાં સુધી સર્જનશક્તિની કોઈ આશા નથી. જ્ઞાન ભૂતકાળનું છે, અનુભવનું છે, જ્યાં સુધી મન અતીતના જ્ઞાતમાંથી જ્ઞાત તરફ વળે છે ત્યાં સુધી સર્જન અસંભવિત છે. જ્યાં સુધી મન ફેરફારો કરવામાં રોકાયેલું છે ત્યાં સુધી સર્જન અશક્ય છે, કારણ કે ફેરફાર જૂનાનું એ ફક્ત જ રૂપાંતર છે. ભૂતકાળ ચાલુ રહે ત્યારે નહિ પણ ભૂતકાળનો અંત આવે તો સર્જનશક્તિ શક્ય છે. આપણે ભૂતકાળનો અંત લાવવા માગતા નથી, આપણે ભૂતકાળને ચાલુ રાખવા માગીએ છીએ અને એ સાતત્ય સ્મૃતિનું જ સાતત્ય છે. સ્મૃતિ ગહન ભૂમિકાની હોય કે ઉપરછલ્લી ભૂમિકાની હોય છતાં એ સ્મૃતિ જ છે. આવી બાબતો છે ત્યાં સુધી સર્જનશીલતા શક્ય નથી. આવી બાબતોથી મુક્ત થવું મુશ્કેલ નથી પણ એમાં સજાગતા, અવલોકન અને સમજવાની ઉત્કટતા હોય તો હું ખાતરીપૂર્વક કહું છું કે સર્જનશીલતાનો આવિર્ભાવ થાય છે.

જ્યારે કાંઈ પણ સર્જન કરવાની ઈચ્છા થાય ત્યારે પોતે શું સર્જન કરવા માગે છે એ માણસે પોતાની જાતને પૂછવું જોઈએ. પોતે મોટરો, લડાઈના યંત્રો કે અન્ય યંત્રો બનાવવા માગે છે ? કેવળ વસ્તુઓ પાછળ જવાથી મન ચલિત થાય છે અને હૃદયની વિશાળતામાં તેમજ સૌંદર્યની સહજ સંવેદનામાં વિક્ષેપ પડે છે. પણ મનથી આપણે આ જ કરી રહ્યા છીએ. જ્યાં સુધી મન પ્રવૃત્ત છે, રચનાઓ કરે છે, ટીકા કરે છે ત્યાં સુધી સર્જનશક્તિ શક્ય નથી. પણ એ સર્જનશક્તિ પ્રકટ થાય એટલા માટે મન ખાલી થવું જોઈએ, એનું સત્ય તમારે સમજી લેવું જોઈએ. જ્યારે એનું સત્ય તમને સમજાય છે ત્યારે સર્જનશીલતા ક્ષણવારમાં આવે છે. તમારે ચિત્ર ચીતરવાની, વ્યાસપીઠ પર બેસવાની, ગણિતના નવા કૂટ પ્રશ્નો અસ્તિત્વમાં લાવવાની જરૂર રહેતી નથી, કારણ કે સર્જનશીલતાને અભિવ્યક્તિની જરૂર નથી. એનું પ્રાકટ્ય જ એનો અંત લાવે છે. એનો અર્થ એવો નથી કે તમારે એને અભિવ્યક્ત કરવું નહિ, પણ સર્જનશીલતા કરતાં સ્વની અભિવ્યક્તિ વધારે મહત્વની બને ત્યારે સર્જનશીલતાનો અંત આવે છે. તમને સ્વની અભિવ્યક્તિ અતિ મહત્વની જણાય છે – ચિત્ર ચીતરવું, નીચે તમારું નામ લખવું એ તમારે મન મહત્વની બાબત છે. પછી કોણ એની ટીકા કરે છે, કોણ એને ખરીદે છે, કેટલા ટીકાકારોએ એના વિષે પોતાના અભિપ્રાય આપ્યા છે અને એ અભિપ્રાય કેવા છે એ તમે જાણવા માગો છો. છેવટે જ્યારે તમને ખિતાબ મળે ત્યારે તમે કાંઈક પ્રાપ્ત કર્યું છે એમ તમે માનો છો. આનું નામ સર્જનશીલતા ન કહેવાય, એ વિનાશ છે, એ વિચ્છિન્નતા છે. મનનો વેગ અને મનની મલિનતા જ્યારે ન રહે ત્યારે સર્જનશીલતા આવે. મનનો અંત આવે એ અશક્ય કાર્ય નથી. વળી એ અંતિમ કાર્ય પણ નથી. બલ્કે એ તાત્કાલિક કાર્ય છે. અત્યારે આપણાં જીવન દુઃખથી, ગૂંચવાડાથી, અસાધારણ પ્રમાણમાં વધે જતા ઘર્ષણથી ભરેલાં છે, માટે મનનો એટલે કે વિચારનો અંત આવવો જોઈએ. એમ થાય તો સર્જનશીલતા પ્રકટે. મન પોતાની અપૂર્ણતા, પોતાનું દારિદ્રય, પોતાની એકલતા સમજે અને મનનો અંત આવે ત્યારે જ સર્જનશીલતા શક્ય બને. મનને પોતાની સીમાની જાણ થવાથી એનો અંત આવે છે. પછી જ જે સર્જક છે, જે અપરિમિત છે તે સૂક્ષ્મ રીતે અને એકાએક પ્રક્ટ થાય છે. વિચારની ક્રિયાનો અંત લાવવા માટે કાંઈ પણ મંથન કર્યા વિના માણસને પોતાની અપૂર્ણતાની જાણ થવી જોઈએ. પછી જ જે મનનું પરિણામ નથી તેનો આવિર્ભાવ થાય છે; અને જે મનનું પરિણામ નથી તે સર્જનશીલતા છે.

[કુલ પાન : 138. કિંમત રૂ. 115. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અવતરણ – ગોવિંદ ગઢવી ‘સ્મિત’
રાજનાં વેર – હાર્દિક યાજ્ઞિક Next »   

3 પ્રતિભાવો : સર્જનશીલતા – જે. કૃષ્ણમૂર્તિ

 1. SAMIR VORA says:

  બહુજ સુન્દર લેખ્.

 2. Dipti Vyas says:

  Extra ordinary

 3. Arvind Patel says:

  Creativity means to find newer dimensions in any thing. To think out of Box is called Creativity.
  Normal tendency of people always is to just follow the mass trend. Which is not necessary all time. Own thinking. Follow your own ins-tings. This is the way to creativity. Way of thinking.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.