ભિન્ન સમાનતા – ઝલક પાઠક

[ રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા બદલ યુવાસર્જક ઝલક પાઠક (સુરત)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે znp26@yahoo.in સંપર્ક કરી શકો છો.]

[dc]ન[/dc]વી આવેલી મિસ શોનાલી રોયને જોતાં રોજ અપર્ણાને થતું કે કંઇક તો છે જે એ બન્નેમાં સમાન છે, પણ તે છે શું ? – આ પ્રશ્ન હવે અપર્ણાને વધુ ને વધુ મુંઝવતો હતો. શોનાલી એટલે ઓફિસનાં દરેક વ્યક્તીનો છેલ્લા એક મહિનાથી મોસ્ટ હોટ ફેવરીટ ટોપિક ! બધાને એની પર્સનલ માહિતી જાણવામાં સખ્ખત રુચી હતી પરંતુ એ કામ વગરની એક પણ વાત કરતી નહીં. બધા સાથે ખપ પૂરતી વાત. કોઇ સામેથી વાત કરવા જાય તો પણ તે કામનું બહાનું કાઢી વાત ટાળી દેતી. એટલે જ ઑફિસના બધા તેને ઘમંડી અને રુક્ષ સમજવા માંડ્યા હતાં. બસ, ફક્ત અપર્ણાને એવું લાગતુ કે તે એવી તો નથી જ.

એક દિવસ લંચના સમયે અપર્ણા એની ડેસ્ક પાસે પહોંચી ગઈ. આમેય શોનાલી લંચ વખતે કોઈ સહકર્મચારી જોડે ક્યાંય ન જતી. કોમ્પ્યુટર સામે બેસીને એનું કામ કર્યા કરતી. અપર્ણા આવી ત્યારે તે એક્સેલમાં કેમિકલ્સનાં સ્ટોકની ગણતરી કરી રહી હતી.
‘હાય…. અપર્ણા હિયર… સિનિયર કેમિસ્ટ છું. કદાચ તમને નામ યાદ હોય તો પહેલા દિવસે મિ. ભટ્ટે મારો પરિચય આપ્યો હતો.’ અપર્ણાએ પોતાની ઓળખ આપી.
‘બરાબર… બોલો હું તમારી શું મદદ કરી શકું ?’ ભાવવિહીન નજરે શોનાલી બોલી. અર્પણા એની આંખોમાં તાકી રહી અને મનોમન વિચારી રહી કે આ છોકરીને એવું તે શું મોટું દુઃખ પડ્યું હશે કે તે આટલી હદે સંવેદનાહીન બની ગઈ છે ?
‘મે આઈ હેલ્પ યુ ફોર સમથિંગ ?’ શોનાલીએ ફરી પોતાની વાત દોહરાવી.
‘મદદની મારે નહીં, તમને જરૂર છે….’ અપર્ણા શોનાલીના ખભે હાથ મૂકીને વિનમ્રતાથી બોલી, ‘ખબર નહીં કેમ પણ તમે આ ઉંમરે આટલા બધા નિરસ કેમ બની ગયા છો ? તમારી આ વર્તણૂંકને કારણે ઑફિસમાં બધા તમને ઘમંડી અને અભિમાની સમજી રહ્યાં છે. પરંતુ અંદરથી મને એમ લાગે છે કે તમે એવા નથી. તમને ક્યારેક પણ એમ લાગે કે તમને તમારી મનોવ્યથા દૂર કરવા માટે કોઈ મિત્રની જરૂર છે તો મને ચોક્કસ યાદ કરજો.’ શોનાલી વિસ્ફારિત નજરે અપર્ણાને તાકી રહી. અપર્ણા ગઈ ત્યાં સુધી તે એક પણ શબ્દ બોલી ન શકી.

બીજે દિવસે ઑફિસ આવીને જેવો અપર્ણાએ પોતાનો લેબકોટ ઉપાડ્યો તો અંદરથી એક પત્ર સરકી પડ્યો. પત્રમાં સુંદર અક્ષરોથી લખાયેલું હતું : ‘આજે સાંજે કાફે-કોફી-ડેમાં સાત વાગ્યે મળશો તો આનંદ થશે પરંતુ આ બાબતે કોઈને કંઈ કહેતા નહીં… પ્લીઝ. – શોનાલી.’ અપર્ણાએ કંઈક અંશે હાશ અનુભવીને સ્વગત બોલી કે ચાલો હવે સમાનતાની આ ગૂંચ કોઈક રીતે ઉકેલાશે ખરી.

અપર્ણા જ્યારે કોફી-શૉપ પહોંચી ત્યારે કાંડે ચમકતી ટાઇટન ઘડિયાળ 7:15નો સમય બતાવી રહી હતી. એણે મનમાં વિચાર્યું કે સીધી ઓફિસથી જ આવી હોત તો સારું થાત. ઘરે જઈને આવવાના ચક્કરમાં એ મારી રાહ જોઈને જતી તો નહીં રહી હોય ને ? કોફી-શૉપમાં પ્રવેશતાં જ એની નજર શોનાલીને શોધવા લાગી. કોર્નરનાં ટેબલ પાસેથી એક હાથ ઊંચો થયેલો જોઈને તે સસ્મિત શોનાલી પાસે પહોંચી અને સામેની ખુરશીમાં ગોઠવાઈ.
‘શું લેશો તમે ? મને કાપેચીનો વિથ આઈસ્ક્રીમ ફાવશે… આપને ?’ શોનાલીએ સામેથી પૂછ્યું.
‘મને પણ એ ફાવશે.’ અર્પણાએ સંમતી આપી.
‘જસ્ટ અ મિનિટ. હું લઈને આવું….’ શોનાલી ઝડપથી કાઉન્ટર પાસે પહોંચી. અપર્ણાની નજર ચોતરફ ફરી વળી. કોફી-શૉપ યૌવનથી છલકાઈ રહી હતી. એક કોર્નરમાં છોકરા-છોકરીનું ગ્રુપ હતું. બધા મજાકમસ્તી કરી રહ્યાં હતાં. અપર્ણાને એના કોલેજના દિવસો યાદ આવ્યા. બીજી તરફ બે ખુરશી પાસે ગોઠવાયેલા નાના ટેબલ પર કેટલાંક કપલ પોતાનામાં મસ્ત હતાં. અર્પણાને આ દ્રશ્ય કેટલીક દુઃખ સ્મૃતિઓની યાદ અપાવે એવું હતું. તેની નજર હજુ કોઈ બીજી દિશા તરફ વળે એ પહેલાં તો શોનાલી ટ્રેમાં બે મોટા મગ સાથે હાજર થઈ ગઈ.

‘મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે તમારો પત્ર મળ્યો.’ કૉફીનો એક ઘૂંટ લેતાં અર્પણાએ વાત ચાલુ કરી.
‘રાઈટ. એ તો સ્વાભાવિક છે. પરંતુ આપણે સરખી જ ઉંમરના છીએ એટલે આપણે એકબીજાને ‘તમે’ નહીં કહીએ તો ચાલશે. મિત્રતામાં તો સહજતા હોય, ખરું ને ?’
‘વાત તો સાચી….’ અપર્ણાને લાગ્યું કે શોનાલી આજે ખૂલી રહી છે. તેથી તેણે વાતનો દોર આગળ વધારતાં કહ્યું : ‘પરંતુ મને એક વાત ન સમજાઈ કે તેં કોઈને કંઈ પણ જણાવવાની ના કેમ કહી ?’ અપર્ણાએ ધ્યાનપૂર્વક જોયું કે શોનાલીના ચહેરા પરથી પ્રસન્નતાએ વિદાય લીધી છે અને ફરી એ જ ગ્લાનિ છવાઈ રહી છે.
‘એચ્યુઅલી, પાછલા કેટલાક અનુભવોથી હું એ શીખી છું કે ઑફિસમાં કોઈની સાથે બહુ માથાકૂટમાં ન પડવું. કારણ કે મોટેભાગે બધા આપણી પીઠ પાછળ આપણી બુરાઈ જ કરતા હોય છે. આ તો તેં મારી સાથે ગઈકાલે જે ભાવથી વાત કરી એ જોઈને મને લાગ્યું કે તું મને સમજી શકીશ અને હું તારા પર ભરોસો રાખી શકીશ.’
‘ઈટ્સ માય પ્લેઝર કે તેં મને એ લાયક સમજી. પરંતુ મને લાગે છે કે દુનિયામાં બધા એક સરખા નથી હોતાં. હા, કેટલાક લોકો એવા હોય છે પણ એવું બધું તો દુનિયામાં ચાલ્યા જ કરે છે. અમુક અનુભવોથી તું એમ માનવા લાગીશ તો તો ઑફિસમાં સૌ તારી ઉપેક્ષા કરશે. તારે તારા ભૂતકાળને ભૂલી જવો જોઈએ.’
‘એ જ તો હું નથી ભૂલી શકતી, અપર્ણા… કેમ કરીને ભૂલું ? જીવનમાં મેં એવી કેટલીક ભૂલો કરી છે કે જેથી હું મારી જાત સાથે પણ આંખ મિલાવી નથી શકતી.’ શોનાલીની આંખો ભરાઈ આવી.
‘અરે શોનાલી… એમાં કંઈ નાનમ અનુભવવાની જરૂર નથી. ભૂલો કોણ નથી કરતું ? દરેક વ્યક્તિ એના જીવનમાં કોઈક તો ભૂલ કરે છે… ’
‘પણ મારા જેવી તો કોઈએ નહીં કરી હોય…. હું તને મારો ભૂતકાળ કહીશ તો તને ખ્યાલ આવશે…’
‘જરૂર શોનાલી, એક મિત્ર તરીકે તું મારી સાથે તારી વાત જરૂર શૅર કરી શકે છે…’

શોનાલીની આંખ સામે ભૂતકાળ તરવર્યો.
‘મારો જન્મ ગુજરાતી માતા અને બંગાળી પિતાના ઘરે થયો. મોમ-ડેડનાં ઇન્ટરકાસ્ટ મેરેજનો ડેડનાં ઘરવાળાઓએ સ્વીકાર ન કરતાં ડેડ ગુજરાતમાં જ સ્થાયી થયાં. મારા નાનાની ફેક્ટરીમાં તેઓ કામ કરતાં અને નાનાજીના અવસાન બાદ એ ચેરમેન બન્યાં. માતા-પિતાએ મારો ઉછેર કરવામાં કોઈ કસર છોડી નહોતી પરંતુ કહેવાય છે ને કે સારા દિવસો હંમેશા નથી રહેતાં. બારમા ધોરણમાં ટકા ઓછા આવતાં મારે અનિચ્છાએ બી.એસ.સી. કરવું પડયું. કૉલેજના ગ્રુપથી મારું જીવન બદલાઈ ગયું. અમીર માતા-પિતાના વંઠેલા સંતાનો મળ્યાં કે જેમને હું સાચા મિત્રો માની બેઠી. એવામાં તેજસ મળ્યો. હું તો જાણે હવામાં ઉડવા લાગી ! તેજસ મારો ક્લાસ-મેટ અને કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો. પહેલા જ વર્ષમાં કૉલેજ શરૂ થયાનાં થોડા દિવસોમાં તેણે મને પ્રપોઝ કર્યુ ને મેં ‘હા’ ભણી. એ પછી તો હું જાણે ‘હું’ રહી જ નહોતી. આખો દિવસ મુવી, શોપીંગ, રેસ્ટોરન્ટ્સ, ટ્યુશનના નામે ફરવું, ઘરે જૂઠ્ઠું બોલીને રખડ્યાં કરવું અને ડિસ્કોથેક્સમાં પડી રહેવું….. એ બધું જ કર્યું જેનાથી આગળ જતાં મને કોઈ ફાયદો થવાનો નહોતો. મને લાગતું’તું કે જાણે હું કોઈ નવી જિંદગી જીવી રહી છું. મમ્મી ઘણીવાર કહેતી કે આ તારા ફ્રેન્ડસ સારા નથી પણ એ વખતે હું મમ્મીની સુફિયાણી સલાહ સાંભળું એમ ક્યાં હતી ?

જોતજોતામાં ત્રણ વર્ષ પુરા થયાં અને એક દિવસ તેજસે મારા હાથમાં કંકોત્રી મૂકી. તેજસ કોઈક સપના નામની છોકરી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યો હતો. પહેલાં તો મને લાગ્યું કે આ મજાક હશે પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. એ સમયે મને સમજાયું કે એણે ક્યારેય મને સાચો પ્રેમ કર્યો જ નહોતો. હું તો એના માટે સમય પસાર કરવાનું એક સાધન હતી. સાતમા આસમાનેથી કોઈએ ધક્કો માર્યો હોય એવી મારી હાલત થઈ ગઈ. મમ્મીને મારી આંખોના ભીના ખૂણાની પીડા સમજાઈ ગઈ અને મને સાંત્વન આપવાના બધા પ્રયત્નો એણે કર્યા. ડેડીને જ્યારે ખબર પડી ત્યારે તેમની આંખો લાલ થઈ. એમણે મને મુંબઈ એમ.એસ.સી કરવા મોકલવાનું નક્કી કર્યું. એ પછી હું મુંબઈ મારી ફોઈના ઘરે આવી. લાઈફમાં ફરી એકવાર ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બધું ફરીથી બદલાઈ ગયું પરંતુ હવે મને ‘ફ્રેન્ડ’ શબ્દ પર વિશ્વાસ નહોતો રહ્યો એટલે હું કોઈની પણ સાથે બોલવાનું ટાળતી. જેમ તેમ બે વર્ષ પૂરાં કર્યા. મમ્મી-પપ્પાને એમ કે હું પાછલો ભૂતકાળ ભૂલીને સ્વસ્થ થઈ જઈશ પરંતુ હું તો અંદર-અંદર ઘૂંટાઈ રહી હતી. જીવનમાં બનેલી ઘટનાઓ પીછો છોડતી નહોતી. મને સતત એમ થતું હતું કે જો મેં મોમ-ડેડની વાત પહેલેથી સાંભળી હોત તો જીવનમાં આટલી વિડંબણામાંથી કદી પસાર થવાનું ન બન્યું હોત. પોતાનું પ્રાયશ્ચિત કરવા મમ્મી-પપ્પાને મેં મુંબઈ મારા કોન્વોકેશનમાં આવવાનું નિમંત્રણ પાઠવ્યું અને કાળની કરડી નજર ફરીથી મારી પર ફરી વળી. મમ્મી-પપ્પાનો કાર એક્સિડન્ટ થયો અને હું ક્યારેય એમને કહી જ ન શકી કે મને મારી ભૂલોનો કેટલો બધો અફસોસ છે. એમને આ અપાર દુઃખ આપવા બદલ હું જ જવાબદાર છું ને અર્પણા….’ શોનાલી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.

અપર્ણા એને સાંત્વન આપી રહી હતી.
‘જો શોનાલી, જે થઈ ગયું તે ઈશ્વરની મરજી સમજીને બધું ભૂલી જા. આ દુનિયામાં આવી ભૂલ કરી હોય એવી તું એકલી નથી. હું પણ આ બધામાંથી જ પસાર થઈ છું.’ અપર્ણા શોનાલી સામે આંખ મેળવીને બોલી. શોનાલી એની સામે આશ્ચર્યથી જોઈ રહી.
‘હા, ખરેખર કહું છું…. મેં પણ આવી જ ભૂલ કરી હતી. પરંતુ એ ખરે સમયે મને એક સારી મિત્ર મળી કે જેણે મને સંભાળી લીધી. હું પણ તારી જેમ જીવવા ખાતર જીવી રહી હતી. હોસ્ટેલમાં રહીને એકલતા અનુભવતી હતી. એક સમયે તો ડ્રગ્સ સુધી પહોંચી ગઈ હતી. હું શું કરી રહી છું એ મને જ ખબર નહોતી. મને ઠપકો આપનાર તો માતાપિતા પણ નહોતા કારણકે એમને તો હું નાનપણથી જ ગુમાવી ચૂકી હતી.’ અપર્ણાની વાતો સાંભળીને શોનાલીની આંખો વિસ્મયથી પહોળી થઈ રહી હતી. અપર્ણા એની જીવનકથા ખોલીને પોતાનું હૈયું ઠાલવી રહી હતી…
‘એટલે જ તો કહું છું કે તને તારી ભૂલનો પસ્તાવો છે એ જ બહુ મોટી વાત છે. મારી સલાહ માન અને જે ભૂતકાળ બની ગયો છે એને ભૂલી જા. બધું છોડીને આગળ વધ. સૌ સાથે મૈત્રી કેળવ. એકાંતના કોચલામાંથી બહાર આવ અને જીવનને આનંદને ભરી દે. બધા જ એવા નથી હોતાં. ભૂતકાળને પકડી રાખીને તારો વર્તમાન તું ન બગાડીશ. મને જો… હું તને દુઃખી દેખાઉં છું ? એમ તો જીવી જ ન શકાય. તું પણ મારી જેમ એક નવું જીવન જીવવાની કોશિશ કર….’ અપર્ણાની ભાવપૂર્ણ વાતો શોનાલી પર અસર કરી રહી હતી.
‘હા અપર્ણા, આઈ થિંક…. તારી વાત સાચી છે. તારા અનુભવોએ મને નવી દિશા આપી છે. હું નવું જીવન જીવવા ચોક્કસ કોશિશ કરીશ…’

આજે ઑફિસમાં અર્પણાનો છેલ્લો દિવસ હતો. એ અમેરિકા જઈ રહી હતી. બંને એકબીજાને ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહેવાનું વચન આપીને સજળ નેત્રે છૂટાં પડ્યાં. શોનાલી પણ હવે હળવાશ મહેસૂસ કરી રહી હતી. અપર્ણાને કંઈક સારું કર્યાનો સંતોષ હતો. ઑફિસથી છૂટીને અપર્ણા ઘરે પહોંચવામાં જ હતી ત્યાં રસ્તામાં તેના મોબાઈલની રિંગ વાગી.
‘હા મમ્મા, બસ હવે પહોંચવાની તૈયારીમાં જ છું… બધાને મળી લીધું… શોનાલી હવે ખુશ છે… ખરેખર બહુ ભોળી છોકરી છે… મેં એને બરાબર સમજવી છે… લાગે છે કે કદાચ હવે એ જલ્દીથી નોર્મલ થઈ જશે. એની આંખોમાં નવી ચમક ઉમેરીને આવું છું…. પણ હા… એને સમજાવવા થોડું જૂઠ્ઠું બોલવું પડ્યું, પરંતુ પેલું કહેવાય છે ને કે ‘જૂઠ સે અગર કિસીકા ભલા હોતા હૈ તો વો જૂઠ અચ્છા હૈ….’ બસ, એવું જ કંઈક કર્યું છે. એની વે, ફોન મૂકું છું. આમેય હવે ત્રણ દિવસ પછી તો મળું જ છું ને…? ત્યારે માંડીને બધી તને વાત કરીશ. બાય મોમ….’
ફોન મૂકીને અપર્ણા મનોમન વિચારી રહી કે વિધિની વિચિત્રતા કેવી ગજબ છે ! બધી જ સમાનતા, બધી જ ભૂલો એક સરખી પરંતુ એના મા-બાપ હયાત નથી, મારા છે. કળણમાંથી ઉગારવા માટે મારા માતાપિતા મારી સાથે હતા. એના નસીબમાં કદાચ એટલું નહોતું. ખરે, જે થયું એ થયું… પરંતુ હે ઈશ્વર, આવું ફરી કોઈની સાથે ન થજો…’ એમ પ્રાર્થના કરતી અપર્ણા ઘરે પહોંચી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ભિન્ન સમાનતા – ઝલક પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.