નવજીવનની વાટે – આશા વીરેન્દ્ર

[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ નંબર પર +91 9428541137 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]જે રવિવાર હતો. આખું અઠવાડિયું ઊંધું ઘાલીને કામ કર્યા પછી મળતો આરામનો એક દિવસ. રોહિણી રોજ કરતાં જરા મોડી ઊઠી. ઊઠતાંની સાથે સામેના ગુલમહોર પર ચહેકી રહેલાં પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને એ બાલ્કનીમાં જવા જતી હતી ત્યાં જ માનો ભાભી સાથેનો સંવાદ કાને પડ્યો :
‘એક દિવસ રોહિણી વહેલી ઊઠે તો શું વાંધો આવે ? એને જરાય વિચાર આવે છે કે, ચાલો, રસોડામાં જઈને મદદ કરીએ !’
‘સાચી વાત છે મા. આ અમારે લઈ જવા માટે કપડાં, નાસ્તા, પાણીનો જગ – કેટલીય વસ્તુઓ તૈયાર કરવાની હોય ! વળી છોકરાંઓને તૈયાર કરવાનાં, નાહી-ધોઈને તૈયાર થવાનું, ચા-નાસ્તો કરવાનો – હજાર કામ છે પણ દીદી તો હજી સુધી ડોકાયાં પણ નહીં.’ શુભાએ ટાપસી પૂરી.

ભાભી બોલી એ તો રોહિણીએ મનમાં ન લીધું. પણ મા ? મારી સગી જનેતા દીકરા-વહુને વ્હાલી થવા માટે આટલી હદે સ્વાર્થી થઈ શકે ? રોહિણીને જાણે ઊબકો આવ્યો. એને ગઈકાલે સાંજે મા સાથે થયેલી વાત યાદ આવી. બેંકમાંથી આવીને હાથ-મોં ધોઈને હજી એ બેઠક રૂમમાં આવી ત્યાં માએ સમાચાર આપ્યા :
‘શુભા કહેતી હતી કે, કાલે લોનાવાલા જવું છે. વરસાદ ચાલુ થયો છે ને, તે મજા પડશે.’
‘એમ ? સરસ. કેટલા વાગે નીકળવાનું છે ? રોહિણીએ હરખાઈને પૂછ્યું.
‘એ લોકો બે ને બંને છોકરાંઓ એમ એ ચારે જણ જશે. આપણે સાથે નથી જવું. મેં જ કહ્યું કે, અમારા પગ ચાલે નહીં ને રખડીને થાકી જઈએ એના કરતાં તમે જાવ. હું ને રોહિણી ઘરે રહેશું.’

રોહિણી ડઘાઈ ગઈ. મા ઘરડી થઈ એટલે શું મને પણ પોતાની જેવી ગણવાની ? એક વાર મને પૂછવાની પણ કોઈને જરૂર ન જણાઈ કે, રોહિણી તારે ફરવા જવું છે કે નહીં ? શુભા, શિરીષ અને બંને બાળકોના અવાજો શમી ગયા પછી રોહિણી રસોડામાં ગઈ. આખા પ્લેટફોર્મ પર પથારા હતા. ક્યાંક દૂધ ઢોળાયેલું, બાજુમાં ચાના કૂચાવાળી ગરણી એમ ને એમ પડેલી. નાસ્તાના ડબા ખુલ્લા. રોહિણીએ ગેસ પર એની અને માની ચા મૂકી અને બીજી બાજુ ફટાફટ પ્લેટફોર્મ સાફ કરવા લાગી. ચા ગાળીને એણે માનો કપ પ્લેટફોર્મ પર જ રાખી મૂક્યો. આજે એને મા સાથે બેસીને ચા પીવાની જરાય ઈચ્છા ન થઈ. પોતાનો કપ લઈ એ દિવાનખંડમાં આવી. સોફા પર બેસીને છાપું જોતાં જોતાં એ ચા પીવા લાગી.

જાણે આ બધી પળોજણમાંથી એને ઉગારી લેવી હોય એમ સ્નેહાનો ફોન આવ્યો.
‘રોહિણી, આતી ક્યા ખંડાલા ?’
‘સ્નેહા, હું મજાકના મુડમાં નથી.’
‘મજાક નથી કરતી. આજે ગાડી, ડ્રાઈવર મારા હાથમાં છે. તું કંપની આપતી હોય તો ખંડાલા ફરી આવીએ. ખાએંગે, પીએંગે, મોજ કરેંગે, ઔર ક્યા ?’ ક્ષણભર વિચાર કરીને રોહિણીએ કહ્યું, ‘અડધા કલાકમાં તૈયાર થઈ જાઉં.’ ખંડાલાના ઘાટના રળિયામણા રસ્તાની મજા માણતાં રોહિણીના મનનો ઉદ્વેગ કંઈક ઓછો થયો. વર્ષો જૂની સહેલી સ્નેહા એના ઘરની પરિસ્થિતિથી પૂરી વાકેફ હતી. એને ખબર હતી કે, રોહિણી પર ઓળઘોળ થનારાં દાદીમાના અવસાનથી નાનકડી રોહિણીને ખૂબ આઘાત લાગેલો. હજી તો એમના મૃત્યુનો આઘાત પચાવે ન પચાવે ત્યાં પિતાજીએ પણ વિદાય લીધી. સૌથી મોટી દીકરી તરીકે રોહિણી ઉપર મા અને નાનાં ભાઈ-બહેનની જવાબદારી આવી પડી. એ એમ.કોમ થઈને બેંકની નોકરીએ લાગી પછી સામેવાળાં રંજનમાસીએ માને કહેલું :
‘મીનાબહેન, તમારી ઈચ્છા હોય તો મારે રોહિણીને મારી વહુ બનાવીને મારે ઘરે લઈ જવી છે.’ મા બરાબર જાણતી હતી કે, રોહિણી અને પ્રદીપ એકબીજાને નાનપણથી ચાહે છે તે છતાં એણે કહી દીધું,
‘ના, ના, હમણાં રોહિણીના લગ્નની કોઈ વાત નહીં. એ પરણીને જતી રહેશે તો મારા શિરીષ અને ચંદાને કોણ જોશે ?’ શિરીષ, ચંદા સૌ પરણીને ઠરીઠામ થઈ ગયાં પણ માએ ત્યાર પછી કદી પ્રદીપના નામનો ઉચ્ચાર સુદ્ધાં ન કર્યો.

‘જો રોહિણી, તું જેટલી ભાઈ-ભાભીના સંસારમાં ઓતપ્રોત રહે છે એટલી તો હું મારા દીકરા-વહુના સંસારમાં પણ નહીં રહું. સૌ પોતપોતાના મતલબનું વિચારે છે, તું પણ તારા ભવિષ્યનો વિચાર કર. આમ ને આમ ક્યાં સુધી…..’ સ્નેહાએ કહ્યું, ‘તારી બધી વાત સાચી સ્નેહા, પણ હવે આ ઉંમરે હું……’
‘37 વર્ષ એ તે કંઈ ઉંમર કહેવાય ? લોકો 55-60 વર્ષે પણ નવેસરથી જીવન શરૂ કરે છે. રોહિણી, મારી વાત કદાચ તને કડવી જરૂર લાગશે પણ એટલું સમજી લે કે, જ્યારે તને જરૂર હશે ત્યારે આ લોકો તારી સામે પણ નથી જોવાનાં.’ રોહિણીને પંદરેક દિવસ પહેલાંની વાત યાદ આવી ગઈ. રાત્રે જમવાના ટેબલ પર શુભા કહી રહી હતી :
‘મા, આ ઘર હવે નાનું પડે છે. છોકરાંઓ મોટાં થતાં જાય છે, એમને પોતાનો અલગ રૂમ તો જોઈએ ને ?’
માએ તરત કહ્યું : ‘હાસ્તો, પણ તું ચિંતા ન કર. રોહિણી બધી સગવડ કરશે. એનો પગાર પણ બહુ સારો છે ને એને બેંકમાંથી લોન પણ મળશે. આમ પણ આટલા બધા પૈસાનું એ એકલી શું કરવાની છે ?’

એકાદ મહિના પછીના એક રવિવારે જ્યારે ઘરમાં બધાં હજી નીંદર માણી રહ્યાં હતાં ત્યારે રોહિણીએ બે બેગમાં પોતાનો સામાન ભર્યો. જરૂરી કાગળિયા લીધા. નાહીને તૈયાર થઈને એ ઘરમાંથી નીકળતાં પહેલાં એક ચિઠ્ઠી લખી :
‘મા, શુભા અને શિરીષ,
તે દિવસે શુભા કહેતી હતી કે, આ ઘર નાનું પડે છે. એ વાત મને પણ બરાબર લાગી. એટલે મેં વિચાર્યું કે, મારો રુમ બંને બાળકોને આપી દઉં. મારાં વ્હાલાં ભત્રીજા-ભત્રીજીને ફોઈ તરફથી પ્યારભરી ભેટ. બેંકમાંથી લોન લઈને મેં વન બેડરૂમ, હૉલ, કીચનનો એક ફલેટ લીધો છે. નવા ઘરમાં ગોઠવાઈ જઈશ પછી તમને બધાને જમવા બોલાવીશ…. લિ. રોહિણી.’

નીચે ઊતરી એણે રીક્ષા પકડી. રીક્ષાવાળાને કહ્યું ‘આદર્શ સોસાયટી’. રીક્ષા ચાલવા લાગી ત્યારે રોહિણીને થયું, એ આદર્શ સોસાયટી તરફ નહીં પણ નવજીવનની વાટે જઈ રહી છે.

(સુમતિ ભીડેની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “નવજીવનની વાટે – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.