અસ્તાચળ – ઉમાકાન્ત વિ. મહેતા

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક શ્રી ઉમાકાન્તભાઈ ન્યુજર્સી, અમેરિકાના રહેવાસી છે. લેખનક્ષેત્રે આ તેમનો પ્રથમ પ્રયાસ છે. તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ સરનામે mehtaumakant@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘એ[/dc]ક રજકણ સૂરજ થવાને શમણે
ઊગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે આથમણે.’ – કવિ શ્રી હરિન્દ્ર દવે

ગુજરાતનું એક નાનકડું ગામ સુંદરપુર. ગામને પાદરેથી હાઈ-વે પસાર થાય. નાના ગામને તો બસ સ્ટોપ શાનું હોય ? વડલાના છાયામાં નાની રેંકડી હોય, પાસે પાણીનું માટલું લઈ જતા આવતાં વટેમાર્ગુ અને મુસાફરોને ઠંડું પાણી પાનાર કોઈ ડોશીમાં હોય. ગામના નવરા લોકો ગામ ગપાટા મારતાં હોય. શહેરમાં જતા આવતાં મુસાફરો પાસેથી સમાચારો દ્વારા દુનિયાની ખબર રાખે. સવારના છ વાગ્યાથી બસની આવન જાવન શરૂ થઈ જાય. આ ગામનું બસ સ્ટેન્ડ કહેવાય. ચ્હાની રેંકડીવાળો મગન મારવાડી વ્યવહાર કુશળ. બસના ડ્રાઈવર, કંડક્ટરને મફતમાં ચ્હા પાણી આપે, કાંદા અને બટાકાના ગરમા ગરમ ભજીયાંનો નાસ્તો કરાવે. આમ ડ્રાઈવર અને કંડક્ટરની દોસ્તીથી ડ્રાઈવર પણ વગર સ્ટોપેજે બસ ઉભી રાખે, ચ્હા નાસ્તો કરે પછી જ બસને ઉપાડે. ડ્રાઇવર, કંડક્ટર સાથે મુસાફરો પણ પગ છૂટો કરવા ઉતરે અને સાથે સાથે રેંકડી ઉપરથી ચ્હા નાસ્તો કરે. મગન મારવાડીને આથી કમાણી થાય .

ગામ લોકોને પણ બસના આવવાનો અને ઉપડવાનો સમય, બસ મોડી વહેલી હોય તો તેની માહિતી મગન મારવાડી પાસેથી મળે. મગન મારવાડી બસનું જીવતું જાગતું ટાઈમટેબલ જ સમજી લો. ગામના શેઠને શહેરમાં જવાનું હોય તો મગનને સંદેશો આપી રાખે કે જેથી શેઠને આવતાં મોડું થાય તો બસને રોકી રાખે. બહાર ગામના કોઈને સંદેશો કે વસ્તુ મોકલવી હોય કે મંગાવવી હોય તો મગન મારવાડી દ્વારા કંડક્ટરને આપવાથી સમયસર અને શરતચૂક વગર પહોંચતી થઈ જાય. આમ મગન મારવાડી વગર પૈસાની આંગડીયા સેવા આપે. ચ્હાની રેંકડી પાસે જ દેવીપુત્ર છગન બાવળનાં લીલાંછમ દાતણ લઈ બેસે. સવારની બસમાં જતાં આવતાં મુસાફરો છગન પાસેથી દાતણ ખરીદી દંતકર્મ પતાવી ગરમ ચ્હા નાસ્તો કરી પછી જ આગળ જાય. આમ અમેરિકન ‘Bed, Bath and Beyond.’ જેવી આછી પાતળી વ્યવસ્થા. દેવીપુત્ર છગન અને મગન મારવાડીને સારૂં બને. બંન્નેને એક્બીજાનો સહારો. છગન રેંકડીના પ્યાલા રકાબી ધુએ, ગ્રાહકોને ચ્હા નાસ્તાની ડીશો આપે અને ધોઈને સાફ કરે. રેંકડીની આજુબાજુની જગ્યા વાળી-ઝુડી સાફ રાખે, આના બદલામાં છગનને ચ્હા નાસ્તો મફત મળે. શિવશંકર માસ્તર જાતે બ્રાહ્મણ. ગામમાં રહે. પ્રાથમિક શાળામાં બાળકોને અક્ષરજ્ઞાન આપે અને સંસ્કારોનું સિંચન કરે. ગ્રામજનોના સારા માઠા સાંસારિક પ્રસંગોએ ક્રિયાકાંડ તથા વાર તહેવારે કથા-વાર્તા કરે. ગામને પાદર વડલાની બાજુમાં પુરાણું શિવમંદિર. શિવશંકર માસ્તર રોજ સવારે નાહી ધોઈ એક હાથમાં પાણીનો તાંબાનો લોટો તથા બીજા હાથમાં પૂજાની થાળી સાથે નાની લોટીમાં રૂદ્રાભિષેક માટે દુધ લઈ મંદિરે જાય. શિવલિંગની પુજા કરે, રૂદ્રાભિષેક કરે અને પાછા વળતાં મગન મારવાડીની ચ્હા પીતા જાય. શહેરની નવાજુની હોય તો સાંભળે. છગન પણ તેમની સેવા ચાકરી કરે. ફુલ-બિલિપત્ર લાવી આપે. દેવ સેવાના વાસણો માંજી આપે. આમ અપરોક્ષ રૂપે પ્રભુ સેવા કરી પુણ્યનું ભાથું બાંધે.

અષાઢ માસ પુરો થવા આવ્યો. દેવશયની એકાદશી ગઈ. થોડા દિવસોમાં મહાદેવજીનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો. શિવશંકર માસ્તરે દેવીપુત્ર છગનને ઈશારો કર્યો કે આ શ્રાવણ માસ હવે આવે છે. દાતણની સાથે બિલિપત્ર પણ વેચવાનું રાખ, પુણ્ય મળશે. છગનની ટ્યુબ લાઈટ સળગી. દાતણની સાથોસાથ બિલિપત્ર પણ વેચવાનું શરૂ કર્યું. લોકોની ધાર્મિક ભાવનાથી લોકો બિલિપત્ર લઈ ગામને પાદર આવેલા શિવ મંદિરે ચઢાવતા જાય અને ભગવાન શંકરની કૃપા- આશિર્વાદ લેતાં જાય. ગામ લોકોની સાથે ભોળા શિવજી પણ છગન અને મગન મારવાડી ઉપર પ્રસન્ન થયા. દિવસે દિવસે બંન્નેનો ધંધો જામતો ગયો. બંન્ને જણામાં તેમના ધંધાની ચીવટ અને ફાવટ આવી ગઈ. બે પાંચ વર્ષમાં બંન્ને જણા ધંધામાં સારા જામી ગયા. મગન મારવાડી વતનમાંથી ફક્ત એકલો જ આવ્યો હતો. બે પૈસા ભેગા થતાં તેનું વતન તેને સાંભર્યું. વતનમાં જઈ પોતાની સમૃધ્ધિનું પ્રદર્શન કરવાની અને લગ્ન કરી સંસાર માંડવાની સહજ વૃત્તિ થઈ આવી. આ બાજુ રેંકડીમાંથી નાની સરસ હૉટલ બનાવી હતી, અને તે ધમધોકાર ચાલતી હતી. આ હૉટલનું શું કરવું ? કોને ભરોસે સોંપી જવી ? આમ તે મુંઝાતો હતો. બાજુમાં છગને પણ દુકાન બનાવી ફુલછોડ સાથે નાની નર્સરી બનાવી હતી. ગામનો પણ વિકાસ થયો હતો. આમ બંન્નેના ધંધા-રોજગાર સારી રીતે ચાલતાં હતાં. મગન મારવાડીએ પોતાના મનની ઈચ્છા છગનને જણાવી :
‘હવે વતનમાં જઈ લગન કરવા છે; પણ આ હૉટલનું શું કરવું ? કોને સોંપી જાઉં ? કોણ સંભાળે ? તેની ચિંતા થાય છે. હું પંદર દિવસમાં વતન જઈ આવું ત્યાં સુધી તમે આ હૉટલ સંભાળશો ?’
છગને કહ્યું : ‘ના ભાઈ ના. મારા ધંધા સાથે તારો ધંધો ના સચવાય. ઉલટું આપણા બંન્નેના ધંધામાં ખોટ આવે. તારી હૉટલનો ધંધો મોટો, મને ના ફાવે.’
‘અરે છગન ! ફ્ક્ત પંદર દિવસનો સવાલ છે. તારી દુકાને તારા છોકરાને બેસાડજે અને તું આ હૉટલ ઉપર બેસજે. હૉટલના કામકાજથી તો તું પરિચિત છે જ, વળી તારી દુકાન બાજુમાં જ હોવાથી તેનું પણ ધ્યાન રહેશે; વળી આ તારો છોકરો એ બહાને તારો વેપાર પણ શીખશે.’ આમ ‘હા, ના, હા, ના,’ કરતાં છગનને હૉટલનો કારભાર સોંપી મગન મારવાડી તેના વતનમાં ઉપડી ગયો. મગનના મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા. દુરના એક કાકા હતા. તેમણે મગનને ઉછેરી મોટો કર્યો હતો. કાકીના ત્રાસથી તે કંટાળી ગયો હતો. કિશોરાવસ્થાના દિવાસ્વપ્નોમાં રાચતો સ્વતંત્ર થવાની ધગશ સાથે કાકાને જાણ કર્યા વગર ગૃહત્યાગ કર્યો. સુંદરપુરને તેણે તેની કર્મ ભૂમિ બનાવી. અનેક સંઘર્ષો વેઠી તે બે પૈસા કમાયો અને સ્થિર થયો. આ બાજુ તેના કાકાએ તેની ઘણી શોધ કરી પણ તે હાથ લાગ્યો નહિ. તપાસ વ્યર્થ ગઈ. કાકાએ હાથ ધોઈ નાંખ્યા; અને સમયાંતરે કાકા પણ સ્વર્ગે સિધાવી ગયા. આમ તેના ગામમાં તેનું સ્વજન જેવું કોઈ નહોતું. ગામલોક પણ તેને ભૂલી ગયું હતું, ત્યાં તેને પોતાની દીકરી કોણ આપે ?

દિવસો પસાર થતા ગયા. આજુબાજુના ગામમાં પણ કન્યા માટે તે તપાસ કરતો રહ્યો. છગનને પણ પત્ર લખી તેને વિગત જણાવી કે કન્યાની તપાસ ચાલુ છે, થોડા દિવસમાં હું ત્યાં આવી જઈશ. ત્યાં સુધી હૉટલ સાચવી લે જે. કન્યાની શોધમાં તડપતો રાજસ્થાનની સખત ગરમીમાં આખરે તે મૃત્યુ પામ્યો. તેનું સગુંવહાલું તો કોઈ હતું જ નહિ, વળી છગનના તેની સાથેના સંબંધની કે તેના નામ સરનામાની પણ કોઈને જાણ ન હતી તેથી છગનને માહિતી પણ કોણ આપે ? વળી આ બાજુ છગન પણ મગનના નામ સિવાય તેના વિષે કાંઈ જ જાણતો નહોતો તેથી તે ક્યાં અને કેવી રીતે તપાસ કરે ? તેણે શિવશંકર માસ્તરની સલાહ લીધી અને તે મુજબ મગન પાછો આવે ત્યાં સુધી તેની અમાનત તરીકે હૉટલ સાચવવાનો નિર્ણય કર્યો. ગામની એક માત્ર આદરણિય વ્યક્તિ જેવા પૂજ્ય શિવશંકર માસ્તરને પણ પ્રભુનું તેડું આવ્યું તેથી પ્રભુના આદેશનો સ્વીકાર કર્યા વિના કંઈ ચાલે ? તેઓ પણ પ્રભુના ધામમાં વિદાય થયા. આમ વૃક્ષ વાવે કોઈ અને તેના ફળ ભોગવે કોઈ ! મગન મારવાડીએ વાવેલા આંબાનાં મધુર અને મીઠાં ફળ, કેરી મગન ના પામ્યો પરંતુ તેની મધુર કેરીઓનો આસ્વાદ છગનના નસીબમાં લખાયો હશે તેથી તેને મળ્યો. છગનના નસીબ આડેથીપાંદડું ખસી ગયું. નસીબની બલિહારી !

વિધાન સભાની ચૂંટણી જાહેર થઈ. નેતાઓની અવર જવર વધવા લાગી. સુંદરપુર તાલુકાનું ગામ હતું, છતાં તેનો જોઈએ તેવો વિકાસ થયો નહોતો. ચૂંટણી વાચ્છું ઉમેદવારો છગનની હૉટલે ભેગા થાય. ચર્ચાઓ થાય. ગામના વિકાસ આડે પોતાના સ્વવિકાસનાં સ્વપ્નામાં રાચતા ઉમેદવારોની ટાંટિયાખેંચ ચાલુ થઈ. પક્ષના મુખ્ય કાર્યકર ગામમાં પધાર્યા. જંગી સભા થઈ. સુંદરપુરની બેઠક પરથી કોને ઉભા રાખવા તેની ચર્ચા વિચારણા થઈ. એકમતી ના સધાઈ. સુંદરપુરની બેઠક પછાત વિસ્તારમાં આવતી હોવાથી ઉજળીયાત વર્ગના ઉમેદવારોના પત્તાં કપાઈ ગયાં. પછાત વર્ગના ઉમેદવારોની શોધખોળ શરૂ થઈ. કોઈ જાણીતી વ્યક્તી નજરે ના ચઢી. પોતાની આગતા સ્વાગતા કરતાં કરતાં છગન ઉપર નેતાજીની નજર પડી. તેમણે પાસે બોલાવી પૂછપરછ કરતાં છગન દેવીપુત્ર હોવાની જાણ થઈ. નેતાજીએ તેને ચૂંટણીમાં ઉભા રહેવા જણાવ્યું.
છગને નેતાજીના પગે પડી જણાવ્યું : ‘સાયેબ, આમાં મને કૈં હમજ ના પડે. આમાં મારું કામ નહિ. હું તો તમારી સેવા ચાકરી કરી જાણું.’ નેતાજીએ તેને આશ્વાસન અને હિંમત આપતાં કહ્યું : ‘જુઓ છગનભાઈ, તમારે કશું જ કરવાનું નથી. હું બેઠો છું ને ! હું કહું તેમ તમારે કરવાનું. તમારા હાથ નીચે ભણેલા ગણેલા ઓફિસરો હશે. તેઓ વહિવટ કરશે. બાકીનું હું સંભાળી લઈશ !’ નેતાજીએ આમ આપણા ભારતીય રાજકારણની આંટી ઘૂંટી સમજાવી દીધી. છગનના નામની જાહેરાત થઈ. છગન વિધાન સભામાં ચૂંટાઇ ગયો અને પ્રધાન પણ બની ગયો. છગન દેવીપુત્ર માંથી સી.ડી. (છગન= સી, દેવિપુત્ર =ડી.) સાહેબ બની ગયો. મેરા ભારત મહાન !
‘અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દુર માંગે તો;
ન માંગે દોડતું આવે,ન વિશ્વાસે કદી રહેજે.’
પૂર્વજન્મના કોઈ પુણ્ય કર્મે છગન પાસે પ્રારબ્ધ દોડતું આવ્યું. હૉટલની માલિકી અને પ્રધાન પદ અનાસાયે ફ્ક્ત પ્રારબ્ધનાં જોરે મળી ગયાં. આઝાદીનાં મીઠાં ફળ લોકો સુધી પહોંચ્યાં. સુંદરપુર ગામ પણ વિકાસ પામી શહેર બન્યું. છગનની હૉટલે પણ નવા સાજ શણગાર સજવા માંડ્યાં. શહેરની એક અગ્રગણ્ય હૉટલમાં તેની ગણના થવા માંડી. પક્ષના નેતાઓની અવર જવર વધી. નેતાઓની પધરામણી સાથે પોલીસ અને કમાન્ડો પણ હૉટલે આવતા થયા. છગનનો વટ પડતો થયો. સી.ડી. સાહેબના દોરદમામ ખીલી ઉઠ્યાં. સમૃધ્ધિ અને લક્ષ્મીની સાથે તેનાં દુષણો શરાબ, સુંદરી અને જુગાર પણ શરૂ થયાં. પોલીસોના હપ્તા શરૂ થયાં. છગનભાઇ તો પ્રધાન ! તેમનું કે તેમની હૉટલનું નામ લેવાની કોઈનામાં હિંમત નહિ.

હૉટલમાં રેડીયો, ટી .વી. આવી ગયાં. ક્રિકેટની રમત શરૂ થઈ. ક્રિકેટ મેચોની કોમેન્ટ્રી સાંભળવા અને તેનું ટેલીકાસ્ટ થતા લોકો તે જોવા અને સાંભળવા હૉટલ ઉપર ઉભરાવા લાગ્યાં. બુકીઓને એક સરસ મઝાનું સ્થળ મળીગયું. પ્રધાન સાહેબની હૉટલ એટલે કોઈની મજાલ છે કે કોઈ આંગળી ચીધે ? નીચે હૉટલ અને ઉપર આલીશાન અતિ આધુનિક વિજાણું યંત્રોથી સુસજ્જ એરકંડીશન હૉલ…. ક્રિકેટનો સટ્ટો શરૂ થયો. છગન પણ બે નંબરી કમાણી મેળવવા બુકી બન્યો. લાખ્ખો રૂપિયાની લેવડ દેવડમાં આળોટવા લાગ્યો. ગેંડીદડાની આપણી પરંપરાગત રમતનું આધુનિક રૂપ તે ક્રિકેટ. તેના જનક બ્રિટીશરો. તેઓના શાસન કાળ દરમ્યાન તેમના મનોરંજન માટે તેઓ આ રમત ભારતમાં લાવ્યા. ઈંગ્લેન્ડમાં ફક્ત ઉનાળા દરમ્યાન જ ત્યાં આવી પંદર-વીસ કાઉન્ટી મેચો રમાતી અને તે સમય ‘ક્રિકેટ સિઝન’ તરીકે ઓળખાતો. ભારતનો ઉનાળો આકરો, સખત ગરમીના દિવસો, તેથી ફક્ત શિયાળા દરમ્યાન આવી રમતો રમાતી અને તે ‘ક્રિકેટ સિઝન’ કહેવાતી.

શરૂઆતમાં તે ચતુરંગી મેચો કહેવાતી, તેમાં હિન્દુ જીમખાના, મોમેડન જીમખાના, પારસી જીમખાના અને રેસ્ટ- બાકીના બધા. ત્યાર પછી પચરંગી, પેન્ટાગોન, ભારતની ચાર દિશાઓ, ઉત્તર , દક્ષિણ, પુર્વ અને પશ્ચિમ અને રેસ્ટ એમ પંચરંગી શરૂ થઈ. ભારત સ્વતંત્ર થયું અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડની, (IPL) ઈંન્ડિયન પ્રીમીયમ લીગ રચના થઈ અને તે દ્વારા મેચો રમાવા લાગી. આવી મેચો મોટા ઉદ્યોગગૃહો તરફથી સ્પોન્સર થવા લાગી. મેન ઓફ ધી મેચ, સીરીઝ ઓફ ધી મેચ વગેરે જેવાં મોટાં માતબર રકમના ઈનામોની જાહેરાતો થવા લાગી. ખેલાડીઓને મોંઘી મોંઘી મોટરકારો ઈનામમાં મળવા લાગી. ઉદ્યોગગૃહો આ ખેલાડીઓને તેમના ઉત્પાદનના વિજ્ઞાપનો દ્વારા ઉપયોગ કરવા લાગ્યા. ખેલાડીઓને પણ હવે રમત કરતાં વિજ્ઞાપનોમાં અઢળક કમાણી દેખાવા માંડી. તેઓએ રમતમાં ઓછું અને વિજ્ઞાપનોમાં વિશેષ ધ્યાન આપવા માંડ્યું. આથી પાંચ પાંચ દિવસની ટેસ્ટ મેચો નીરસ થવા લાગી. 5૦ -5૦ ઑવરની વન ડૅ મેચ, દિવસ રાત્રીની, ડૅ નાઈટ મેચ અને હવે છેલ્લે છેલ્લે ત્રણ સાડા ત્રણ કલાકના સિનેમા શૉ જેવી ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચો શરૂ થઈ. અધુરામાં પુરૂં મેચ સાથે ચીયર ગર્લ્સ દ્વારા મનોરંજન પણ ઉમેરાવા લાગ્યું. આમ એક ‘જેન્ટલમેન ગેઈમ’ નો કરૂણ રકાસ થયો. રમત….રમત મટી સટ્ટો બની ગઈ. સારું ન રમવા તથા વિકેટ જલદીથી ફેંકી દેવા ખેલાડીઓને ફોડવામાં આવ્યાં. મેચ રમતાં પહેલાં જ તેની હારજીત ઉપર સટ્ટૉ રમાવા લાગ્યો. ખેલાડી રમતવીર ને બદલે સટ્ટાબાજ બન્યો.

રમતમાં હાર જીત તો હોય જ. કોઈ હારે, કોઈ જીતે. હારેલો ભૂલ ના સ્વીકારે અને જીતનાર જીતના નશામાં તેનો હુરિઓ બોલાવી તેની હાંસી કરે. તેમાંથી એક બીજા વચ્ચે ચકમક ઝરે, બોલાચાલી થાય ગાળાગાળી થાય અને અંતે મારામારી સુધી વાત પહોંચે. આવા જ એક પ્રસંગે હારેલી પાર્ટીએ સટ્ટાની ગુપ્ત બાતમી ગૃહમંત્રીશ્રીને પહોંચાડી. છગન દેવીપુત્ર…સી.ડી. સાહેબની હૉટલ ઉપર દરોડો પડાવ્યો. જુગારનાં સાધનો સટ્ટાની સ્લીપો, શરાબની બોટલો વગેરે સાથે સી.ડી. સાહેબ રંગે હાથ ઝડપાયા. સુખના સૌ સાથી વિખરાઈ ગયાં. દુઃખમાં તેમનો હાથ ઝાલનાર કોઈ મળ્યુ નહીં. સૌએ મોઢું ફેરવી લીધું. દુઃખી છગન પ્રારબ્ધને દોષ દેવા લાગ્યો. કાયદાએ તેનુ કામ કર્યું. દંડ અને જેલયાત્રા થઈ. સજા ક્યારે પુરી થઈ અને છગન ક્યાં ગયો તેની કોઈને ખબર પણ ના પડી.
દુઃખી થયેલો માનવી પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દે છે; પરંતુ પોતાના કરેલાં કુકર્મોના દોષને યાદ કરતો નથી. આ કેવી વિડંબના !!! તેથી જ કવિ કહે છે ને કે :
‘મને એજ સમજાતું નથી, આવું શાને થાય છે.
ફુલડાં ડુબી જાય છે ને પથ્થરો તરી જાય છે.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.
ઓ બાપુ ! તમારા નામે ગઠીયાઓ તર્યા.
અને ફુલડાં ડુબી ગયાં.’

ઉદય, મધ્યાન્હ અને અસ્ત – એ નિયતિનો ક્રમ છે. સુરજ પણ સવારે ઉદય પામી મધ્યાન્હે તપી અને સાંજે અસ્તાચળે જાય છે. છગન પણ સામાન્ય માનવી તરીકે ઉદય પામી અસ્તાચળે વિરામ પામ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “અસ્તાચળ – ઉમાકાન્ત વિ. મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.