દ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક – સવજી છાયા

[ ચિત્રકલા ક્ષેત્રે અદ્વિતિય કહી શકાય એવું નામ દ્વારકાના શ્રી સવજીભાઈનું છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં આવતા નરસિંહ-મીરા-નર્મદ વગેરેના તમામ ચિત્રો શ્રી સવજીભાઈનાં છે. એ રીતે આપણે સૌ તેમના નામથી પરિચિત છીએ. વાન ગોગની ઉપમા આપીને આપણા ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ એમને ‘સવ ગોગ’ કહે છે. માત્ર બ્લેક પેનથી કરેલાં તેમના અદ્દભુત સ્કેચ કોઈને પણ મંત્રમુગ્ધ કરે તેવા હોય છે. તાજેતરમાં તેમની જન્મભૂમિની રજેરજની વિગત આપતું તેમનું સચિત્ર પુસ્તક ‘દ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક’ પ્રકાશિત થયું છે. દ્વારકા અને તેની આસપાસના પ્રદેશો, શિલ્પ, સ્થાપત્ય, મહાનુભાવોના જીવન અને અન્ય અનેક નાનીમોટી વિગતોને આવરી લેતાં આ પુસ્તકોનું વિશિષ્ટ પાસું તેનું ચિત્રાંકન છે. મળવા જેવા માણસ શ્રી સવજીભાઈનું કામ ખરેખર માણવાલાયક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી સવજીભાઈનો (દ્વારકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879932103 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.-તંત્રી.]

[1] જગતમંદિર : સ્થાપત્ય અને શિલ્પ

દ્વારકામાં હાલ હયાત દ્વારકાધીશનું જગત મંદિર સોળમી સદીનું સર્જન છે. ખોદકામ કરતા પટ્ટાંગણમાં નીકળેલ મંદિરો તેરમી અને આઠમી સદી સુધી જાય છે. આ બધા મંદિરોની શિલ્પકલા અંગેના સમગ્ર અભ્યાસો હજુ બાકી છે. 1560માં મંદિરનું અને 1572માં જે શિખરનું કામ પૂર્ણ થયું છે, સોળમી સદીનાં અંતભાગનું આ શિખર શિલ્પકલાની નવી જૂની અનેક પરંપરાઓના મિશ્રણ સમુ છે. માત્ર શિખર જ એક સો ફૂટ ઊંચું હોય તેવો આ એક માત્ર નમૂનો છે ! આ મંદિરના દિકપાલાદિ મૂર્તિશિલ્પો અને સુશોભનો શિલ્પો કલા શૈલીની દષ્ટિએ અભ્યાસીને સભ્રમમાં મુકી દે એવા છે. ઘણા લાંબા સમય સુધી કામ ચાલ્યું છે. એટલે એકસાથે અનેક સૂર વાગતા અહીં સંભળાય છે. સ્તંભવિધાન સર્વોત્તમ છે. મૂર્તિ વિધાન પ્રમાણમાં મધ્યમ અને પહોળાઈના પ્રમાણમાં ઊંચાઈ વધુ એટલે એક અલગ કલાકૃતિ સમું આખું મંદિર છે. (નરોત્તમ પલાણ, ધૂમલી સંદર્ભ)

જગતમંદિરના નિજ પ્રદક્ષિણાપથના શિલ્પોમાં દક્ષિણ ગવાક્ષે લક્ષ્મીનારાયણ, પૂર્વે વિષ્ણુ, ઉત્તર દિશાએ વિષ્ણુ-લક્ષ્મીજીની પ્રતિમાઓ છે. પશ્ચિમના બન્ને ઓટલાના ગવાક્ષોમાં ગરૂડજી તથા ગણેશના શિલ્પો છે. આ તમામની શિલ્પ શૈલી જોતા માપ-તાલ સહજ નથી. શિલ્પોનો શારીરિક બાંધો માનનીય શ્રી નરોત્તમ પલાણના વિધાન પ્રમાણે પહોળાઈના પ્રમાણમાં ઊંચાઈ વધુ ધરાવે છે. અહીં આપેલ નિજ પરિક્રમાના શિલ્પનું રેખાંકન તેની સાક્ષી પૂરે છે. આ શિલ્પ સ્થાપત્ય જોતાં સમગ્ર મંદિરના નિર્માણ કાળ માટે હજુ વધુ સંશોધનને અહીં અવકાશ છે.

[2] દ્વારકા અને આદ્ય શંકરાચાર્ય

શંકર દિગ્વિજયના પાંચમાં સર્ગની પરંપરામાં દર્શાવ્યા પ્રમાણે શ્રી આદ્યશંકરાચાર્ય ગોવિંદપાદજીના શિષ્ય હતા. આદ્યશંકરાચાર્યે શૃંગેરી મઠની સ્થાપના વખતે ત્યાં જે શ્રીચક્ર સ્થાપિત કર્યું હતું તે આજે પણ પૂજાય છે. તેમણે રચેલા ‘સૌંદર્યલહરી’ એમની ત્રિપુરાસુંદરીની ઉપાસનાને સ્પષ્ટ કરે છે. આદ્યશંકરાચાર્યના સમયમાં હિંદુ પ્રજા અનેક ક્રિયા-કર્મો, પરંપરા, સંપ્રદાયો તથા અર્થ સિધ્ધિના પ્રલોભને કામણ ટૂમણ, મંત્રતંત્રનાં પ્રભાવમાં અટવાયેલી હતી. ત્યારે સનાતન ધર્મની સ્થાપના તથા હિંદુ ધર્મના ઉદ્ધાર માટે આદ્યશંકરાચાર્યે ‘પંચાયતન’ દેવોની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ જ્યારે દ્વારકામાં પશ્ચિમ દિશાની શારદાપીઠની સ્થાપના કરવા આવ્યા ત્યારે અહીં પણ શિવ-વિષ્ણુનાં સંપ્રદાયો પરસ્પર લડતા હતા. આ કલેશને તેમણે શાંત કરી શિવ-વિષ્ણુ સાથેની પાંચ દેવોની ઉપાસનાને પ્રાધાન્ય અપાવ્યું હતું. આ રીતે દ્વારકા તેમજ ઓખામંડળમાં હિંદુ સમાજને એકત્રિત કરવા માટે શ્રી આદ્યશંકરાચાર્યનો મોટો ફાળો રહ્યો હતો.

દુર્લભંત્રયમેવૈતદ દેવાનુગ્રહેતુકમ | મનુષ્યત્વ મુમુક્ષુત્વંમહાપુરુષસંશ્રયઃ || અર્થાત… આ ત્રણ બાબત જ પરમ દુર્લભ છે કદાચ દેવાધિદેવ (પરબ્રહ્મ)ના અનુગ્રહ (કૃપા)થી પ્રાપ્ત થઈ જાય. આ ત્રણ છે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષોનું શરણ.

[3] પિંડતારક

પિંડારા વિષે કેપ્ટન મેકમર્ડોની પ્રવાસ ડાયરીની વિગત મળે છે. તે પ્રમાણે આ અંગ્રેજ ઓફિસરે પિંડારામાં તા. 30-9-1809ના રોજ સરકારી કેમ્પ યોજ્યો હતો. ત્યારે આ વિસ્તાર જંગલી અને બિહામણો હતો. તેમના કહેવા પ્રમાણે પિંડતારક નાનું ગામ હતું, આ પ્રદેશ સમુદ્રની સપાટીથી ખૂબ નીચો હતો. ગામ પાસે એક ગુલાબી રંગનો ઝરો વહેતો હતો. આ સ્થળ હિન્દુઓનું જાણીતું તીર્થ હતું. ગામમાં બ્રાહ્મણોની થોડી વસ્તી હતી. તેઓ યાત્રાળુ પર નભતા’તા. અહીં કેટલાક સુંદર તળાવો પણ હતા.

કેપ્ટન મેકમર્ડો પ્રથમ અંગ્રેજ પોલિટિકલ રેસિડેન્ટ હતા. તેઓ કચ્છમાં ભૂરિયાબાવા તરીકે ઓળખાતા. તેનું કારણ તેઓ જાતમાહિતી માટે બાવાનો વેશ ધારણ કરી અંજારની બજારમાં વર્ષો સુધી રખડ્યા હતા. આજે અંજારમાં તેનું નિવાસ સ્થાન ભિંત-ચિત્રો માટે પ્રખ્યાત છે. વેદમતી નદીને કાંઠે આવેલ દાત્રાણા, રાણ, ગુરગઢ તથા પિંડારાનો પ્રદેશ તેમજ ઓખામંડળના ઉત્તર કિનારાનો પ્રદેશ યાદવોના સાંસ્કૃતિક યુગની ભૂમિકા હતી.

[4] જામપરાની હવેલી

જામપરાની હવેલી જામનગરના શ્રી રણમલજી જામસાહેબે વિ. સંવત 1903માં બંધાવ્યાનો શિલાલેખ મળે છે, જે ગર્ભગૃહે પ્રવેશતાં બહારની બાજુએ આવેલ છે. જેમાં ક્રમિક વીસ પંક્તિઓ કોતરવામાં આવેલ છે. તેની વિગત પ્રમાણે પ્રદ્યુમ્નરાયજીના આ મંદિરની રચના નવાનગરના મહારાજા જામસાહેબ દ્વારા વિ. સં 1903માં કરવામાં આવેલ હતી, પરંતુ કોઈ કારણસર ત્યાં પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ન શકી અને જામસાહેબ અવસાન પામ્યા બાદ તેમના ઉત્તરાધિકારી પુત્ર મહારાજા જામ-વિભાજીએ વિ.સંવત 1946માં આ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પ્રદ્યુમ્નરાયજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાવી, પાસે રતિની ધાતુપ્રતિમાને સ્થાન આપ્યું. મંદિરને સંલગ્ન ધર્મશાળા ગોમતી કિનારે બાંધવામાં આવેલ તથા મંદિરના નિભાવ-ખર્ચનો પ્રબંધ કરવામાં આવ્યાના ઉલ્લેખો શિલાલેખમાં મળે છે. મંદિરનો દરવાજો વિશાળ છે. તેની પર કાષ્ઠકલાથી શોભતા ઝરૂખાઓ છે. અહીં કોતરણીવાળું શિખર તથા હવેલીઓમાં હોય છે તેવી અગાસીવાળી મેડીનું બાંધકામ છે. ગર્ભગૃહે પ્રદ્યુમ્નરાયની શંખ, ચક્ર, ગદા તથા પદ્મનાં આયુધોવાળી પૂરા કદની પ્રતિમા છે, જે પારેવા રંગનું મનમોહક લાવણ્ય ધરાવે છે. ગર્ભગૃહ 10 ફૂટ ઊંચું હોવાથી પગથિયાં ચડી ત્યાં જવાય છે. મંદિરના પ્રવેશદ્વારે બંને બાજુ મહાવત સાથેના વિશાળ હાથીઓનાં શિલ્પો છે. મંદિરના બાંધકામ માટે સલાટો છેક જામનગરથી આવ્યાની નોંધ મળે છે. એટલે આ હવેલીનું બાંધકામ દ્વારકાના અન્ય મંદિરોથી અલગ પડે છે.

પહેલાંના સમયમાં આ હવેલીની જાહોજલાલી હતી. તે અનેક ધાર્મિક ઉત્સવોથી ધમધમતી હતી. અહીં વિશાળ પ્રવેશદ્વારો પર રોશની કરવામાં આવતી. દીવાલો ઝરૂખાઓ નાના-નાના દીવડાઓથી ઝગારા મારતા હતા. શ્રીજીની પછવાડે નજાકત ભરેલ પિછવાઈઓથી ગર્ભગૃહ મનમોહક લાગતું હતું. આજે તે ભૂતકાળની ઘટના બની ગયું છે. આસપાસ અનેક રહેણાંક મકાનો બની ગયાં છે જેને કારણે મંદિરની પ્રાકૃતિક નજાક્તતા ઝાંખી પડી ગઈ છે. સંવત 1916માં વાઘેર સરદારોએ જ્યારે દ્વારકા પર ઘેરો ઘાલ્યો હતો ત્યારે દ્વારકાના ગાયકવાડી વહેવટીદાર શ્રી નારાયણરાવ ગોખલેએ છૂપી રીતે આ જામપરાની હવેલીમાં સંરક્ષણ મેળવ્યું હતું. ત્યાંથી તેઓ પોરબંદર નાસી ગયાના ઉલ્લેખો હવેલીના ચોપડે બોલે છે.

[5] વૈષ્ણવી દ્વારકા અને તુલસી ક્યારો

દ્વારકાના ઈશાન ખૂણે આવેલા કૃકલાસકુંડ તથા સૂર્ય-રન્નાદેના મંદિર સંકુલમાં એક સુંદર તુલસી ક્યારાનું આગવું સ્થાપત્ય છે. તે અઢી ફૂટ ઊંચા ઓટલા પર બાંધવામાં આવેલ છે. સમગ્ર સ્થાપત્ય રેતાળ પથ્થરમાં તક્ષણ પામ્યું છે. સ્થાપત્યની બરોબર મધ્યમાં દીવો મૂકવાનો ગવાક્ષ છે. તેની ઉપર સળંગ ચારે તરફ સકરપારાની રચના છે. તુલસી ક્યારાની ઊંચાઈ તેને પ્રાચીન કાળમાં લઈ જાય છે. એટલે અનુમાન થઈ શકે કે તુલસી ક્યારો અગાઉના ભગ્ન મંદિરનો એક હયાત ભાગ છે. હાલનાં સૂર્ય-રન્નાદે, સત્યનારાયણ મંદિરનાં બાંધકામ સાથે આ સ્થાપત્યનો મેળ નથી ખાતો. વિધર્મી દ્વારા અહીં પણ મંદિરો તોડી પાડવાની પ્રવૃત્તિ થઈ હશે ? જૂના મંદિરના અવશેષો કૃકલાસકુંડની દીવાલોમાં ચારે તરફ પૂનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. સંકુલમાં હાથમાં ડાંડલીવાળા કમળ સાથેની એક સૂર્ય પ્રતિમા પુનઃસ્થાપિત કરાયેલ છે. તે તુલસી ક્યારાનાં સમકાલીન સ્થાપત્યનો અવશેષ છે. તુલસી વધારે માત્રામાં પ્રાણવાયુ આપે છે. તે વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. એટલે વૈષ્ણવ સંપ્રદાયે તેને ધર્મમાં અનેરું સ્થાન આપ્યું હશે. તુલસીથી મેલેરીયાનાં જંતુ દૂર રહે છે. તેનો રસ સમુદ્ર કિનારાની ભેજવાળી આબોહવામાં કફ આદી ઉપાધીથી બચાવે છે એટલે આ પંથકમાં તુલસીનું વિશિષ્ટ મહત્વ છે. દ્વારકાધીશનાં મંદિરે પણ તુલસીનું અદકેરું મહાત્મય છે. શ્રીજીનાં દિવસભરનાં તમામ ભોગોમાં તુલસીપાન હોય જ. તેના વગર ભોગ અધૂરો ગણાય. રાજભોગ, છપ્પનભોગ કે ઉત્સવોમાં તુલસીપાનનું મહત્વ છે. દ્વારકાક્ષેત્રે તુલસીના છોડનું લાલન-પાલન જૂના સમયથી અબોટી બ્રાહ્મણો કરતા આવ્યા છે.

દ્વારકાની વૈષ્ણવ ગૃહિણીઓમાં આજે પણ સ્નાન બાદ તુલસી ક્યારે દીવો તથા કુમકુમનો ચાંદલો કરી તેને પાણી પાવાની પ્રથા જળવાઈ રહી છે. ચતુર્માસ દરમ્યાન શ્રીજીને તુલસીની માળા પહેરાવવાની પ્રથા પણ અહીં થી શરૂ થઈ છે. 105 તુલસીપાનની જયમાળા દ્વારકાધીશને પ્રિય હોવાથી તેનો પણ મહિમા દ્વારકાધીશનાં મંદિરે છે. લોકોક્તિ પ્રમાણે નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા ચોમાસા દરમ્યાન માંગરોળથી પગપાળા દ્વારકા આવતા સાથે તુલસીનો છોડ લાવી શ્રીજીને અર્પણ કરતા હતા. તુલસીનું સ્થળાંતર દ્વારકા મધ્યે શ્રી કૃષ્ણનાં મથુરાગમને આવ્યું જણાય છે. વૃંદાવનમાં પહેલાં તુલસીનું વન હતું. તે દ્વારકા મધ્યે વૈષ્ણવો દ્વારા ફેલાતું રહ્યું છે.

[ કુલ પાન : 288. કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : સવજી છાયા (ચિત્રકાર), જગત મંદિર સામે, ધનેશ્વરી શેરી, દ્વારકા-361335. મોબાઈલ : +91 9879932103.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “દ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક – સવજી છાયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.