- ReadGujarati.com - http://www.readgujarati.com -

બોલ, ઓગણીસ પંચા કેટલા થાય ? – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિક સપ્ટેમ્બર-2012માંથી સાભાર.]

[dc]હ[/dc]વે તો ફટાકડાની પેઠે પરીક્ષાનાં પેપરો પણ ફૂટવા માંડ્યાં છે. જોકે આ પેપરોના ફૂટવાનો અવાજ લોકોના કાન સુધી પહોંચતો ન્તહી. હા, ન્યૂઝપેપરો થકી તે લોકોની આંખ સુધી પહોંચે છે ખરો. તા. 4 એપ્રિલ, 07ના ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર હતા કે એક કોલેજની પ્રીલિમ પરીક્ષામાં જે પ્રશ્નો, જે ક્રમમાં પૂછવામાં આવ્યા હતા એ જ પ્રશ્નો એ જ ક્રમમાં ટી.વાય.બી.કોમની યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછવામાં આવ્યા. આને શુદ્ધ ગુજરાતીમાં બેઠું પેપર કાઢ્યું એમ કહેવાય કે આવું જૂનું કોઈ એક કોલેજનું પેપર તે આખેઆખું કંઈ પૂછાતું હશે ? એમ માની જે પરીક્ષાર્થીઓએ આ પેપર ઓપ્શનમાં કાઢી નાખેલું એ લોકોને સૂઈ જવા જેવી લાગણી થઈ હશે અને આ પેપર કાઢનારને છાપે ચડી જવાથી પોતાની ખુરસી, જે ખુરસીમાં બેસી આ પેપર સેટ કર્યું હશે એ ખુરસી અપસેટ થઈ ગયાની દહેશત ઊભી થઈ હશે.

આ તો થઈ કોલેજની વાત. પણ એમ તો એસ.એસ.સી. બોર્ડમાં એક આખેઆખું પેપર કોઈ એક પ્રકાશકના અપેક્ષિતમાંથી પૂછ્યું એ કારણે શિક્ષણજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. શિક્ષકો શાળામાં બાળકોને માઈકલ જેકસન નામનો એક વિજ્ઞાની થઈ ગયો કે કોલમ્બસ એક નહિ, બબ્બે થઈ ગયા અથવા તો તાજમહેલ મધ્યપ્રદેશમાં આવેલો છે જેવી મૌલિક માહિતી આપીને વિદ્યાર્થીઓને જ્ઞાનસમૃદ્ધ કરતા હોય છે એ જાણવા છતાં શિક્ષણશાસ્ત્રીઓના પેટનું પાણી પણ હાલતું નથી ને એકાદ પેપર ફૂટી જાય એમાં આ શિક્ષણજગત બેબાકળું થઈ જાય છે ! – મારા ગીધુકાકાને આ ચિંતા છે.

જોકે મારી ચિંતા ગીધુકાકાથી જરા અલગ છે. અમે ભણતા ત્યારે આવા પરગજુ પેપરસેટર્સ નહોતા કે નહોતાં નીકળતાં અપેક્ષિત. પ્રશ્નપત્રો અમારી શાળા ધ ન્યુ હાઈસ્કૂલના પ્રેસમાં જ છપાતાં જેની ખબર પણ અમને તો ગ્રેજ્યુએટ થઈ ગયા પછી જ પડેલી. એ દિવસોમાં એક કલાકમાં અંગ્રેજી, દોઢ કલાકમાં ફિઝિક્સ, બે કલાકમાં ગણિત અને સ્યોર સજેશન્સ પણ શોધ્યાં નહોતાં જડતાં કે નહોતાં હાથમાં આવતાં. આવા અપેક્ષિતો….અરેરે ! આ બધાં ક્યાં છુપાઈ ગયેલાં અમારા વિદ્યાર્થીકાળમાં ! એમ કહેવાતું કે એવી કોઈ વાત નથી જે મહાભારતમાં ન હોય એટલે પછી આ અપેક્ષિતોનો તેમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ-બુલ્લેખ છે ? એ તપાસવા અમે વ્યાસજીનું જ નહિ, રાજાજીનું આખું મહાભારત સહેજ પણ ગુપચાવ્યા વગર ઝીણવટથી ઊથલાવી ગયા. એમાંથી એટલી જાણકારી મળી કે પરીક્ષાઓ તો એ વખતે લેવાતી હતી, પણ અપેક્ષિતોનો રિવાજ તો એ દિવસોમાં પણ નહોતો.

આ લખનારને વહેમ છે કે આજના મુકાબલે તે સમયના વાલીઓ છોકરાના અભ્યાસ બાબતે ખાસ્સા ઉદાસીન કે પછી ઢીલાઢફ હશે. તમે જુઓ, આટલું બધું નબળું- એક ટકાથી પણ ઓછું (એકસો ને પાંચમાંથી સોગંદ ખાવા પૂરતો એક જ પાસ !) પરિણામ આપવા છતાં ધૃતરાષ્ટ્ર કે કુંતી દ્રોણાચાર્યને ધમકાવવા નહોતાં ગયાં કે માસ્તર (અથવા તો મહેતાજી), અમારાં ટાબરિયાંઓને આટલા સહેલા સવાલનો જવાબ પણ ન આવડ્યો તો બાર બાર મહિના સુધી તમે એમને ભણાવ્યું શું ? બસ, મફતનો જ પગાર ખાધો ? ભલો તમારો જીવ ચાલ્યો, હરામનો પગાર ખાવાનો ! અથવા તો તમે જે ભણાવ્યું નથી એવા સવાલો પૂછીને અમારાં સંતાનોના મોરલ, જુસ્સો આ રીતે તોડી નાખવાનાં ? બીજી સ્કૂલોમાં તો છોકરાને ચાલીસથી પચાસ માર્કસ ગ્રેસના આપી પાસ કરવામાં આવે છે. અમારા લાડકાને તમારે ત્યાં અમે નાપાસ થવા મૂકેલો ! આ તો શું કે સમાજમાં તમારી છાપ એક પ્રામાણિક માસ્તરની છે, ડોનેશનની લાલચમાં તમે પડ્યા નહિ તે એકલવ્યને શાળામાં દાખલ ના કર્યો એને લીધે તમારી આબરૂનો આંક શેરબજારના ઈન્ડેક્સની જેમ ઊંચો આવેલો, પણ આવું સાવ નાખી દેવા જેવું પરિણામ આપીને તમે શું મેળવ્યું ?…… ના ચાલે, દ્રોણાચાર્ય નામનો માથાભારે માસ્તર ગમે એટલો કાબેલ હોય, ને નોન-કરપ્ટ હોય તોપણ આજના શિક્ષણમાં તો ન જ ચાલે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું ટ્રસ્ટીમંડળ આવા આચાર્યનો તો પડછાયો પણ ન લે- ઉઠમણું થઈ જાય. રાતોરાત ધંધા વગરના થઈ જવાય.

આજે તો સૌરાષ્ટ્રની જે ભૂમિમાં ભગવાનને ભૂલા પડવાનું કાયમી નોતરું- સ્ટેન્ડિંગ ઈન્વિટેશન અપાયું છે ત્યાંના પેલા શહેરના વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ પરિણામ અપાવનાર શાળા-આચાર્ય જેવા ગુરુઓ જ ખપે, પછી શિક્ષણનું ભલે જે થવાનું કે ન થવાનું હોય ઈ થાય. પણ…. પણ બાપા, ગાંધીનગરવાળા ઈર્ષાળુ બહુ. એ વખતેય એવું થયું પણ હતું. એ શહેરના જે દીકરાના ગણિત જેવા અડિયલ વિષયમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ આવેલા તેને જોવા, મળવા ખાસ આમંત્રણ આપીને ગાંધીનગર બોલાવવામાં આવ્યો. આમ તો મહત્વના કામ કે મૂંઝવણ વગર ખાસ કોઈ ગાંધીનગર જતું નથી, એવું કોઈ આકર્ષણ પણ નથી એ નગરમાં. કિન્તુ આ વિદ્યાર્થીને તો મૂંઝવવાના હેતુથી જ ત્યાં બોલાવાયેલો. પછી જુદી જુદી પંદર ઉત્તરવહીઓની ભેળસેળ કરી તેને એમાંથી પોતાની લખેલી ઉત્તરવહી શોધી કાઢવાનું જેમ્સ બોન્ડી કાર્ય સોંપવામાં આવ્યું, જે તે કરી શક્યો નહિ. તેની આ મૂંઝવણ પારખી, તેને વધારે મૂંઝવવા માટે પૂછવામાં આવ્યું કે બોલ, ઓગણીસ પંચા કેટલા થાય ? આવો વિચિત્ર સવાલ વિદ્યાર્થીને ના સમજાયો. જોકે આમ પણ ગાંધીનગરનું પોતાનું આગવું ગણિત હોય છે. આ છોકરાએ બારમા ધોરણના ગણિતના પેપરમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવવાનો એક જ ગુનો કર્યો હતો. આ ગુનાને અને ઓગણીસ પંચા કેટલા થાય, એને શો સંબંધ ? છોકરાને ચહેરા પર પરસેવો અને ગળામાં પાણીનો શોષ પડવા માંડ્યો. તેણે પીવાનું પાણી અને કેલ્ક્યુલેટરની માગણી કરી. તેને પાણી આપતાં કહેવાયું કે કેલ્ક્યુલેટર તો આખેઆખું ગણિત ગળી ગયું છે અને પરીક્ષા તેણે નહિ, તેં આપી છે. જો તને એમ મોઢે તાત્કાલિક જવાબ દેવામાં અકળામણ થતી હોય તો કાગળ પર ગણીને પાંચ મિનિટમાં જવાબ આપ. બારમા ધોરણના ગણિતમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવવા એ એક વાત છે ને આવા અઘરા સવાલના જવાબ ફટાફટ આપવા એ બીજી વાત થઈ પાછી.

અને આ જ તેજસ્વી છાત્રના અંગ્રેજીના પેપરમાં સોમાંથી પંચ્યાસી માર્ક્સ આવેલા. તેને પોતાનું નામ અંગ્રેજીમાં, ચારમાંથી ગમે તે એબીસીડીમાં લખવાનું કહ્યું. એ નિર્દોષ છોકરાએ નિખાલસતાથી જણાવી દીધું કે એબીસીડીમાં ડી પછી ઈ આવે એથી આગળ તેને જાણ નથી. જોકે પછી પ્રશ્નોત્તરીમાંથી છૂટવા તેણે કબૂલ કરેલું કે હિન્દી ફિલ્મોમાં હીરો વતી ડુપ્લિકેટ આગમાં કૂદી પડવા જેવા જીવસટોસટના ખેલ કરે છે એ રીતે બીજા એક છોકરાએ તેનાં પેપર થોડું મહેનતાણું લઈને લખી આપ્યાં હતાં. અને પરીક્ષામાં ચોરી કરતા 543 વિદ્યાર્થીઓ ઝડપાયા એવું અખબારમાં વાંચું છું ત્યારે એ ઝડપનાર પર મને બહુ ખીજ ચડે છે. ચોરી એટલે શું ? અહીં પરીક્ષામાં વળી ચોરી ક્યાં આવી ? શું કોઈ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીનું ખિસ્સું કાપીને તેના માર્ક્સ તફડાવી લીધા છે ? અહીં જેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવે છે એ છોકરો માર્ક્સથી વધારે કોઈ મુદ્દામાલ બીજા પાસેથી મેળવતો નથી કે ચોરી કરાવનાર પોતાનો એક પણ માર્ક ગુમાવતો નથી. એટલે અત્રે ચોરી જેવા ગંભીર અને ક્રિમિનલ શબ્દ સામે જ મારો સૈદ્ધાંતિક વિરોધ છે, વાંધો છે. અને આમ જોઈએ તો ચોરી કરવી, સફળતાપૂર્વક ચોરી કરવી એ તો ચોસઠ કળાઓ પૈકીની એક કળા ગણવામાં આવે છે. રાજા-મહારાજાઓના સમયમાં રાજકુમારોને પણ આ તસ્કરકળાનું શિક્ષણ નાનપણમાં આપવામાં આવતું એવા ઉલ્લેખો પુરાણા ગ્રંથોમાં પડેલા છે. એટલે આ કળા પણ બુદ્ધિ માગી લે એવી છે. ડોબરમેન જેવા સુપરવાઈઝરની નજરે ના ચડાય એ રીતે બાજુમાં બેઠેલ વિદ્યાર્થીના પેપરમાં જોઈને લખવું કે ઘેરથી લાવેલ કાપલીઓમાંથી છાનુંછપનું જોઈ લખી નાખવું એ કંઈ ઓછા કૌશલ્યની વાત છે ?

એક શાળાના સંચાલક મિત્ર મને માહિતી આપતા હતા કે ગયે વર્ષે એક વિદ્યાર્થી જુદા જુદા રંગની તેર બોલપેનો લઈને પરીક્ષા આપવા આવેલો, જેમાંની બે જ પેનો ચાલે. બાકીની અગિયાર પેનોમાં તે કાપલીઓ સંતાડીને લાવ્યો હતો. અમારા સુપરવાઈઝરે તેને પકડી પાડ્યો. મેં એ સંચાલક મિત્રને આશ્ચર્યથી પૂછ્યું, ‘પણ સુપરવાઈઝર એ વિદ્યાર્થીને કેવી રીતે પકડી શક્યો ?’ એ સંચાલકે હસીને ઘટસ્ફોટ કર્યો : ‘એ સુપરવાઈઝર પણ એક દિવસ તો વિદ્યાર્થી હતો ને !’ કાપલીઓમાં જોઈને નકલ કરનાર પરીક્ષા આપનારાઓ પ્રત્યે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે. પરીક્ષાખંડમાં પાઠ્યપુસ્તકો લઈ જવા સામે મનાઈ ફરમાવવામાં આવે ત્યારે જ બાપડાં બાલુડાંને આમ કરવું પડે છે ને ! ગમતાં ને વધારે તો નહિ ગમતાં કિલોબંધ પુસ્તકો ને ગાઈડો છોકરાં બારે માસ મજૂરની માફક ખભે નાખીને શાળાએ જાય, સતત આવો શ્રમ કરવાથી ખભા વળી ગયા હોય, ગરદનના મણકા દબાવા માંડ્યા હોય એ જ પુસ્તકો ખરે ટાણે ખપમાં તો નહિ જ આવવાનાંને ! પરીક્ષા ટાણે પરીક્ષાખંડની બહાર પડેલાં પુસ્તકો સામે બાળકે લાચાર આંખે, ઓશિયાળા ચહેરે બસ જોયા જ કરવાનું ! મજૂરી જેટલું વળતર પણ એમાંથી નહિ પામવાનું ! ધિકતામ !

થોડાંક વર્ષો પહેલાં છાપામાં સમાચાર હતા કે પાઠ્યપુસ્તકોમાંથી નકલ કરતા બે વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી મૂકવા સામે આ બંને છોકરાઓએ હાઈકોર્ટમાં જઈ સ્ટે માગ્યો જે તેમને મળી પણ ગયો હતો. આવતીકાલનાં પાઠ્યપુસ્તકોમાંના પહેલા પાને છપાતા પ્રતિજ્ઞાપત્રમાં કદાચ એક લીટી એવી પણ ઉમેરવામાં આવશે કે ‘વાર્ષિક પરીક્ષામાં નકલ કરવી એ અમારો-વિદ્યાર્થીઓનો જન્મસિદ્ધ હક્ક છે…..’