આધુનિક સંસ્કૃત કવિ ડૉ. હર્ષદેવ માધવ – એક પરિચય

[dc]આ[/dc]પણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્રોથી લઈને બોધકથાઓ સુધી ઘણું સુંદર કાર્ય થયું છે. સંસ્કૃતના વિદ્વાનો અને પંડિતો એ ઉત્તમ રચનાઓ આપી છે. પરંતુ સામાન્ય માણસને માટે તો સંસ્કૃત એટલે ‘બડી દૂર નગરી’ જેવું છે. આજના સમયમાં સંસ્કૃત વિશે વાત કરવી એ તો જાણે કોઈ પુરાતનયુગની કે વૈદિક કાળની વાત કરવા જેવું લાગે ! આ માન્યતાને દૂર કરતું કામ અમદાવાદના ડૉ. હર્ષદેવ માધવે કર્યું છે. એમણે સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્રો, શતકો અને ગીતો તો રચ્યાં જ છે પરંતુ આજના સમયને અનુરૂપ એમણે એકદમ સરળ સંસ્કૃતમાં આધુનિક ગીતો પણ લખ્યાં છે. અરે, સંસ્કૃતમાં એમણે ક્રિકેટની કોમેન્ટ્રી અને ફિલ્મોના રિવ્યુ પણ આપ્યાં છે. એમના સંસ્કૃત લેખનમાં બિપાશા, મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓની વાત પણ આવે ! સંસ્કૃત સાહિત્યમાં હાઈકુથી લઈને નાટક સુધી એમણે પુષ્કળ કામ કર્યું છે.

હર્ષદેવભાઈ સંસ્કૃતમાં આપણી સામે કાવ્ય બોલે ત્યારે આપણે કોઈ પણ પ્રકારના અનુવાદ વગર પણ સમજી શકીએ એટલા સરળ સંસ્કૃતમાં તેમણે આ રચનાઓ કરી છે. એમણે ટેકનોલોજીના ઉપકરણો અંગે સંસ્કૃત સાહિત્યમાં નવા શબ્દો આપ્યા છે. માત્ર એટલું જ નહિ, મોબાઈલ થી લઈને લેપટોપ સુધીની વાતોનો સમાવેશ કરતી સંસ્કૃત કવિતાઓ રચી છે. કટાક્ષ, રમૂજ અને હાસ્યથી ભરપૂર તેમનાં કાવ્યો માનવીય સ્વભાવના દરેક પાસાને આવરી લે છે. ચમત્કૃતિ ધરાવતા એમના કેટલાક હાઈકુ તો ભાવકને સ્તબ્ધ કરી દે છે ! એમને સાંભળીએ ત્યારે સંસ્કૃત ભાષા એટલી સરળ લાગે કે જાણે કોઈ પણ માણસ જલ્દીથી સંસ્કૃત કવિ બની શકે છે. તેમને આ ભાષાને સરળ બનાવી છે. તેઓ કહે છે કે સંસ્કૃત જેવી બીજી સહેલી ભાષા બીજી કોઈ નથી.

આ તો થયું એમના જીવનકાર્યનું ફ્કત એક જ પાસું. બીજા પાસાની વાત કરીએ તો એમની સંસ્કૃત ભાષામાં જેટલી ગતિ છે એટલી જ ગતિ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં પણ છે. એટલે કે તેમણે એટલું જ સાહિત્ય આ ભાષાઓમાં પણ રચ્યું છે. સાથે સાથે તેઓ ચિત્રકાર પણ છે ! ચારેય ભાષામાં સચિત્ર કવિતાસંગ્રહ ‘क़ालोडस्मि’ આપીને તેમણે એક અદ્વિતિય કાર્ય કર્યું છે. સાથે સાથે આજની યુવાપેઢીને ગમે તેવા વિષયો જેવા કે ટીવી સિરિયલ, મોબાઈલ, ક્રિકેટ, એ.ટી.એમ જેવી બાબતોનો સમાવેશ કરતા હાસ્યવ્યંગ કાવ્યોનો સંગ્રહ ‘મોબાઈલનું ભૂત’ તેમણે આપ્યો છે. આ બંને પુસ્તકોમાંથી થોડીક રચનાઓનો અહીં સમાવેશ કર્યો છે. હર્ષદેવભાઈએ એમ.એ. (ફસ્ટ કલાસ ફસ્ટ), બી.એડ. (ફસ્ટ કલાસ ફસ્ટ) કરીને પી.એચ.ડી કર્યું છે. આજે તો એમના સર્જન પર એમના કેટલાય વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે. એક નાનકડી પુસ્તિકા થાય એટલો એમનો બાયોડેટા છે ! અનેક શોધ લેખો, આંતરરાષ્ટ્રીય પરિષદો, સંસ્કૃત સાહિત્યથી લઈને સંસ્કૃત ગ્રામરના અનેક પુસ્તકો, હિન્દી-અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખાયેલા અસંખ્ય લેખો-પુસ્તકો સહિત મબલખ સાહિત્ય એમણે આપણને આપ્યું છે. એમણે સંસ્કૃતમાં નવલકથા પણ લખી છે. તેમના આ વિરાટ કાર્ય બદલ એમને કાલિદાસ એવોર્ડથી લઈને સાહિત્ય અકાદમી સુધીના પુષ્કળ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તેમની અન્ય સંસ્કૃત રચનાઓ પણ આપણે ક્યારેક માણીશું પરંતુ આજે તેમના ઉપરોક્ત બંને પુસ્તકોમાંથી કેટલીક રચનાઓ માણીએ. ડો. હર્ષદેવ માધવના સંપર્કની વિગતો આ કાવ્યોને અંતે આપવામાં આવી છે.

પુસ્તક : क़ालोडस्मि

[1]

Shapeless time
Shapeless life
Shapless death
With total darkness

कालस्य
विविधाकारेषु
विभक्तं जीवनं
वियुज्यते
सर्वसौन्दर्यात
आकृतिरहितः समयः
करोति
जीवनं सौष्ठवरहितम ।
मृत्योः प्रतिच्छाया:
शनै: शनै:
प्रमृजन्ति
सर्वाकृतीः ॥

કોઈ પણ ચહેરો સમયને ક્યાં મળ્યો ?
મોતનો છાંયો ય ચપટી ક્યાં જડ્યો ?
જિંદગીનાં દર્પણો ફૂટી જતાં
ક્યાં પરિચય પણ કશોયે સાંપડ્યો ?

इस समय को रूप क्या आकार क्या ?
काल का साया कहां ? आधार क्या ?
मौन छिन ले रोशनी हर मोड पर
नाव को इस पार क्या, उस पार क्या ?

समयकरुपाकारेषु
मार्गणीयमस्ति
निराकारस्य मोहकरुपम ॥

[2]

Currentless time
is moving
and
makes everyone move
without any switch;
The roof of sky
is eager
to fall over it.

विधुतप्रवाहं विना
समयव्यजनं
परिभ्रमति:
नास्ति
पिजिका
नियमनं कर्तुं तस्य:
आकाशपटलं
पतनोत्सुकं लम्बते ।।

કાળનો પંખો સતત ઘૂમ્યા કરે
‘On’ અથવા ‘Off’ ની ઝંઝટ નહી
છાપરું આકાશનું પડવા કરે
કેમ રે કહેવાય કે – સંકટ નહીં ?!

समय के पंखे की
है आवाज जरा जरा सी;
अन्यथा
निष्कम्प है जीवन-कक्ष ।
.

પુસ્તક : મોબાઈલનું ભૂત (ગુજરાતી)

[1] ટી.વી સિરિયલની જેવી ચાહતનું ગીત

તારું ટી.વી. સિરિયલની જેમ ચાહવું !
દર હપ્તે બદલાતી સ્ટોરીમાં કઈ રીતે
……….. સપનાનાં શહેરને વસાવવું ?

‘મેક અપ’ની માફક તું લૂછે ને દૂર કરે
……….. ચહેરાના બનાવટી ભાવ,
ડાયલોગ બને એવી લાગણીઓ લાગે છે
……….. જાણે કે તારો સ્વભાવ !
કેમેરા જેમ બધું ફોક્સમાં કેદ
……….. અરે ! આંસુને પાંપણમાં રાખવું.

ભેળવે તું બોલવામાં ‘સ્યૂગર’ થોડીક
……….. અને હસવામાં ભેળવે તું ઝેર,
સ્ટ્યૂડિયોનું ધોધમાર ચોમાસું સાચુકલા
……….. વાદળ સાથે ય કરે વેર…..
મોર બની જ્યારે અષાઢને હું બોલાવું,
……….. એસ.એમ.એસ. જેમ તારું આવવું !

આ કેવો દેશ-જેમાં પારકો છે વેશ અને
……….. એકલતા મોરપિચ્છ-સ્ક્રીન
ખાલીપો લઈને સૌ મેળામાં મહાલે છે
……….. ઝાંઝવાંય કેવાં રંગીન !

એવો એકાઉન્ટ જેમાં ઝિઅરો બેલેન્સ હોય
……….. એમાંથી બોલ શું ઉપાડવું ?

[2] સળગતી કળીઓનું ગીત

કેરોસિન છાંટીને સળગી ગઈ કોઈ કળી,
………………… વેલી ગઈ પંખે ટીંગાઈ,
મેના પીંખાઈ ગઈ પિંજરે ને કોયલનું
………………… ગીત ગયું કંઠે રૂંધાઈ

ભમરાએ ‘રેપ’ કર્યો ત્યારથી જ ચમેલી
………………… બેઠી છે હોઠ એના સીવી,
ફોસલાવી કોઈ ફૂલ-લૂંટવી સુગંધ
……….. હોય વાયરાને વાત એ નજીવી;
સોનોગ્રાફીથી કોઈ ચાંદનીને રહેંસીને
………………… પૂછો કાં રાત આ વિલાઈ ?

પેટાવે ગેસ ત્યાં તો ભોળી પારેવડીને
………………… લાગે છે અગ્નિની ઝાળ,
આપી દહેજરૂપે આખી વસંત-તોય
………………… વેડાતી ફૂલ-લચી ડાળ
ગોકુળથી કાર લઈ આવ્યા’તા તેડવા-એ
………………… લાડકડી ગાયના કસાઈ !

બચ્ચાં ઉછેરવાનાં, નોકરીયે કરવાની
………………… રાખવાનો રૂપાળો માળો
કાબરની ટકટક છે હોલાની બકબક ને
………………… કાગડા ને કાગડીની ગાળો
રેતીમાં શોષાતી, તડકામાં શેકાતી
………………… વાદળીઓ રણમાં વિખરાઈ.

[ ડો. હર્ષદેવ માધવ. 8, રાજતિલક બંગલો. સિદ્ધાર્થ-2 તથા ઈન્ડિયન ઑઈલ પેટ્રોલપંપ સામે. બોપલ. અમદાવાદ-58. ફોન નં : +91 2717 230072. મોબાઈલ : +91 9427624516. ઈ-મેઈલ : madhavharshdev@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “આધુનિક સંસ્કૃત કવિ ડૉ. હર્ષદેવ માધવ – એક પરિચય”

Copy Protected by Chetan's WP-Copyprotect.