- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઓહ માય ગોડ ! (OMG) એટલે ખરેખર Act of God ! – મૃગેશ શાહ

[dc]‘આ[/dc]સ્તિક’ અને ‘નાસ્તિક’ એમ બે કિનારા વચ્ચે વહેતી નદીનું નામ છે ‘ઈશ્વર’. આ એક શબ્દ બોલતાંની સાથે આસપાસ એક અનોખું વિશ્વ ઊભું થઈ જાય છે. આ વિશ્વમાં છે કેવળ મંદિર, મસ્જિદ, ચર્ચ તથા મહંત, મૌલવી અને પાદરીઓની અપરંપાર પરંપરાઓ. યુગયુગાંતરોથી ચાલી આવતી કંઈ કેટલીયે શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા એમાંથી જન્મતી રહે છે. કેટલીક બાબતો દિવા જેવી સાફ હોવા છતાં એને ક્રિયાકાંડના નામે જટિલ બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આજનો બુદ્ધિજીવી વર્ગ પણ એમાંથી બાકાત નથી. જેઓ સમજદાર છે અને જાગૃત છે તેઓ વારંવાર ગળું ફાડીને સમાજને કહે છે કે આમાંથી બહાર નીકળો અને સહજ રીતે વર્તતા શીખો. પરંતુ એમની વાત લોકો સુધી પહોંચે કેવી રીતે ? વેલ, એ પહોંચાડવાનું કામ તાજેતરમાં કર્યું છે ‘OMG’ એટલે કે ‘Oh My God !’ ફિલ્મે.

‘કાનજી v/s કાનજી’ નામના ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મનો સાર એ છે કે તમે ઈશ્વરમાં જરૂર માનો પરંતુ એ તમારું માનવું ફક્ત મંદિર, મસ્જિદ કે ચર્ચના નિયમિત પગથિયાં ચઢવા સુધી કે અન્ય ક્રિયાકાંડો સુધી સીમિત ન રહેવું જોઈએ. તમે તમારી આસપાસ રહેલું જે જાગૃત ચૈતન્ય છે એને ઓળખતાં શીખો. માણસમાં ઈશ્વરને જોતાં શીખો. જ્યારે સામેના માણસ સાથે વાત કરો છો ત્યારે એ ઈશ્વર પ્રગટ થયેલો જ છે એમ અનુભવતાં શીખો. એ અણુ એ અણુમાં છે એટલે મંદિરોમાં પણ છે અને મંદિરની બહાર પણ છે. એને માત્ર મંદિર પૂરતો સીમિત શા માટે કરવો ? આજે ધર્મસ્થાનો પણ ધંધા અને વેપારના સ્થાન બનતાં જાય છે ત્યારે માનવમાં રહેલા ઈશ્વરને જાગૃત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ફિલ્મમાં માનવ મન પર બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. લોકો એમ માની લે છે કે ઈશ્વર એટલે કેવળ ધોતી અને ખેસ નાંખીને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને જ આવે ! એ રથ હાંકી શકે તો બાઈક પણ ચલાવી શકે છે. એ પોતાના મુખમાં ત્રિભુવનના દર્શન કરાવતો હોય તો આજના સમયમાં લેપટોપ પણ વાપરી શકે છે. એ પરંપરાવાદી નથી. એને ક્રિયાકાંડોમાં રુચિ નથી. એ ઝંખે છે માનવીનો શુદ્ધ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા. એ શ્રદ્ધા કોઈ નાસ્તિક માણસની હોય તો પણ એને મંજૂર છે. એક્સ્ચેન્જ ઑફરો લઈને આવતા ભક્તોની એને જરૂર નથી. એના કરતાં ‘ઈશ્વર નથી’ એમ પૂરી મહેનતથી સાબિત કરીને તેને વળગી રહેનારો ઈશ્વરને અપાર પ્રિય છે. ‘ઓહ માય ગોડ’માં ગોડની ભૂમિકા ભજવતાં અક્ષયકુમાર કહે છે કે ‘મને કોઈ ઓળખી શક્યું નથી. ઈશ્વરને કોમન સેન્સ હોય છે એમ લોકો સમજતાં નથી. મને મંદિરના નાળિયેળ, પીરોની ચાદર કે અન્ય કશામાં રસ નથી. મને જોઈએ છે એમની કેવળ શુદ્ધ શ્રદ્ધા.’

મુખ્ય ભૂમિકા ભજવનાર પરેશ રાવલ ‘કાનજી’ની ભૂમિકામાં છે. ઈશ્વરમાં ન માનનારો આ માણસ અંતે ઈશ્વરને તો માને છે પરંતુ એક સાવ અલગ અંદાજથી અને દુનિયાને પણ એ અલગ અંદાજ શીખવે છે. ધરતીકંપમાં દુકાન પડી જતાં વીમા કંપની ‘Act of God’ કહીને જ્યારે હાથ ઊંચા કરી દે છે ત્યારે ઈશ્વરને ન માનનારો કાનજી વળતર મેળવવા માટે એ જ ઈશ્વરને કોર્ટમાં ખેંચી જાય છે ! પરંતુ ઈશ્વર છે ક્યાં ? કાનજી કહે છે કે બધા મંદિરોના પૂજારી-મહંતો એના સેલ્સમેનો છે ! એની સાથે એનું રોજેરોજનું ડાયરેક્ટ ડાયલિંગ છે. એના નામે ટેક્સ ભર્યા વગરનો કરોડોનો વેપાર ચાલે છે. ધર્મગુરુઓના કંકુવર્ણ પગલાંને પ્રાઈઝ ટેગ લગાવવામાં આવે છે. મટકી ફોડવામાં પણ ઈનામી યોજાનાઓ જાહેર થાય છે. રોજનું હજારો લિટર દૂધ એ ઈશ્વરને ચડાવવામાં વેડફાય છે અને મંદિરની બહાર ઊભેલા બે દિવસના ભૂખ્યા ભિખારીઓ એને તરસી નજરે જોયા કરે છે. પ્રસાદના લાડુ માટે પણ પૈસા લેવામાં આવે છે. યજ્ઞ-યાગાદિ હવનોમાં અગડં-બગડં મંત્રો બોલવામાં આવે છે જેની કોઈને કશી ખબર નથી પડતી. કહેવાતા શિક્ષિત અને બુદ્ધિજીવી લોકો પણ શનિવારે હનુમાનજીની મંદિરમાં લાઈનોમાં તેલ ચઢાવવા ઊભા રહે છે. જબરજસ્તીથી પરચુરણના સિક્કા મૂર્તિ પર ચોંટાડતા લોકોને તો શું કહેવું ? બાળક શ્વાસ લેવાનું શરૂ કરે ત્યાં તો એની કુંડળીમાં કાલસર્પયોગ છે કે નહિ એ જોવામાં આવે છે. ચમત્કારોમાં રાચતા આ સમાજ માટે તો એટલું જ કહી શકાય કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે. કેવળ ભય અને પ્રલોભનોને આધારે આ ધંધો ચાલ્યા કરે છે.

અહીં અગત્યની વાત એ છે કે શું આ બધુ બંધ કરી દેવું એટલે સાવ નાસ્તિક થઈ જવું ? ના… વાત એમ નથી. હકીકતે આ બધું કરીને તમે આસ્તિક છો એમ પણ કહી શકાય નહિ. સવાલ છે ધર્મને જીવન સાથે જોડવાનો. સવાલ છે ધર્મને જીવવાનો. આ બધાનો વિરોધ કરીને જો કદાચ તમે એમ માનો કે દુનિયાને આપણે સીધા રસ્તે લાવી દઈએ તો દુનિયા તમને ભગવાન બનાવી દેશે ! જેમ બુદ્ધે મૂર્તિપૂજાનો સ્વીકાર નથી કર્યો પરંતુ આજે ઠેર-ઠેર બુદ્ધની મૂર્તિઓ જોવા મળે છે. સમાજ પરંપરામાંથી બહાર નીકળવા જ નથી માગતો ! એને બસ કોઈક ચમત્કાર કરીને પોતાનો ઉદ્ધાર કરી નાંખે એવું જોઈએ છે. માનવીય મનના આ બધા નબળા પાસાઓને ફિલ્મ બરાબર ન્યાય આપે છે. ધંધામાં અનેક જાતના ગોટાળા કરીને તમે શનિવારે હનુમાનજીને તેલ ચઢાવો એનો શો અર્થ છે ? જે સાવ સાદગીપૂર્વક જીવ્યા એ સાંઈબાબા શું તમારા સોનાના સિંહાસનના ભૂખ્યા છે ? પરેશ રાવલ ઉર્ફે કાનજી કોર્ટમાં આચાર્ય-મહંતો સામે બરાબર દલીલ કરે છે કે ઈશ્વર જો ભક્તો પર દયા રાખતો હોય તો શા માટે યાત્રા કરનારની બસ-કારનો એક્સિડન્ટ થાય છે ?

સવાલ એ છે કે ઈશ્વર ધર્મના નામે ચાલતાં બધા ધતિંગ જાણે છે તો એને રોકતો કેમ નથી ? આના જવાબમાં ટી-શર્ટ જીન્સ પહેરીને હાથમાં કી-ચેઈન ઘુમાવતાં આધુનિક કૃષ્ણ વાસુદેવ યાદવ કહે છે કે ‘મારું કામ ફક્ત પ્રેરિત કરવાનું છે. રોકવાનું જ હોત તો મહાભારતનું યુદ્ધ એક ક્ષણમાં રોકી દીધું હોત. વ્યક્તિના નિજી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનું મને ગમતું નથી. હું ફક્ત દિશા ચીંધું છું.’ વાત પણ સાચી છે. ઉપનિષદનો મંત્ર છે કે ‘द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । એટલે કે જીવ અને શિવ બંને એક વૃક્ષ પર બેઠેલા પંખીઓ છે. એક કર્મોના ફળ ખાય છે. બીજો નથી ખાતો. બીજો કેવળ દ્રષ્ટા છે. ફિલ્મમાં આ રીતે જાણે વેદાંત ઉતરે છે. અક્ષયકુમાર ઈશ્વર તરીકે ફક્ત સાક્ષીભાવે અદાલતમાં ઊભો રહે છે. આખી ફિલ્મમાં ક્યાંય એનો હસ્તક્ષેપ નથી. ફિલ્મના સર્જકનું આ ઊંડું દર્શન છે. વળી, વચ્ચે વચ્ચે અનેક સંવાદોમાં ભગવદગીતાના શ્લોકોનો ઉપયોગ થતો આ ચલચિત્રમાં જોવા મળે છે. જેમ કે આ સૃષ્ટિના ધરતીકંપસહિત અનેક પ્રકારના વિનાશ માટે ઈશ્વરે પોતે પહેલેથી જ જવાબદારી લીધેલી છે :

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ (અધ્યાય 9, શ્લોક 18)

સૌનું ભરણ-પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ-અશુભને જોનાર, સૌનું રહેઠાણ, સૌની ઉત્પત્તિ અને વિનાશનો હેતુ, સ્થિતિનો આધાર તેમજ અવિનાશી કારણ પણ હું જ છું.

અન્ય એક દ્રશ્યમાં કાનજી મહંતની કસોટી કરે છે. તેને ઉત્તેજીત કરે છે. છેક ત્યાં સુધી કે તે કાનજીને મારવા પર ધસી આવે છે. ત્યારે સાધુપુરુષનું શું લક્ષણ હોય છે ? એ વાત કાનજી ગીતાના સાંખ્યયોગનો શ્લોક ટાંકીને કહે છે :

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ (અધ્યાય 2, શ્લોક 56)

દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિઃસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.

अभयं सत्व संशुद्धि: ज्ञान योग व्यवस्थिति: ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ (અધ્યાય 16,1)

ફિલ્મના અંત ભાગમાં દર્શાવાયેલો ઉપરોક્ત શ્લોક અભય પર ભાર મૂકે છે. ઈશ્વરને ભય પામીને ભજવાના નથી પરંતુ એને પ્રેમથી પામવાના છે. છેલ્લા દશ્યમાં ગૉડ કાનજીને પેલું કી-ચેઈન પણ પોતાની પાસે ન રાખવાનો આદેશ આપે છે અને તેની પાસેથી તે ફેંકાવી દે છે – આ દ્રશ્ય ચરમસીમા છે. કારણ કે જો એમ ન કર્યું હોત તો એમાંથી વળી પાછો એક નવો સંપ્રદાય બની જાત ! અહીં નવા પંથો ફૂટતા વાર નથી લાગતી ! ધર્મના નામે ધંધો કરનારાઓ પર આ ફિલ્મે જબરજસ્ત લપડાક મારી છે. માત્ર જોવા જેવું નહિ પરંતુ જોઈને સમજવા જેવું અને સમજીને જીવનમાં અમલ કરવા જેવું આ મૂવી છે. સૌએ સપરિવાર જોવું જ રહ્યું. માનવતા તરફનો દિશા નિર્દેશ કરતી આ ફિલ્મ ખરેખર Act of God હોય એવી બની છે !