ઘેર પાછા આવી ગયેલા લોકો – વીનેશ અંતાણી

[ ‘ડૂબકી’ શ્રેણીના ચોથા પુસ્તક ‘સુગંધ અને સ્મૃતિ’માંથી બે લેખો અહીં સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]હું[/dc] એક વાર એક હાઈરાઈઝ બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓની પાસે ઊભો હતો. સાંજના પોણા આઠ-આઠનો સમય હતો. બિલ્ડિંગની અંદર આવેલા કાર-પાર્કમાં સમાવી ન શકાતી કેટલીય કાર બહાર ઊભી હતી. નમી ચૂકેલી સાંજે એ બધી કાર અત્યંત શાંત દેખાતી હતી. એમાંથી આખો દિવસ ઘરની બહાર કામ કરીને સાંજે ઘેર પાછા ફરેલા લોકોનો થાક પણ પ્રગટ થતો હતો. અન્ય લોકો પણ પોતાનાં વાહનોમાં અને પગે ઘેર પાછા ફરી રહેલા દેખાયા હતા.

આખો દિવસ કામકાજ કરીને રાત પડતાં જ ઘેર પાછા ફરવું બહુ મોટી વાત છે. સવારે લોકો આવનારા દિવસને ભેદવાની તૈયારી સાથે ઘરની બહાર નીકળે છે. સાંજે પાછા ફરે છે ત્યારે એક આખો દિવસ ખતમ થઈ ચૂક્યો હોય છે. ઘેર પાછા આવે ત્યારે ઘરમાંથી સાંજની રસોઈની સુગંધ ઊઠતી હોય છે. ઘરના બધા લોકો ઘેર પાછા આવી જાય ત્યારે ઘર ફરીથી ભરાઈ જાય છે અને એક પ્રકારની સલામતીનો ભાવ જાગે છે. ઘરનો મિજાજ બદલી જાય છે. થાક ઊતરવા લાગે છે અને આવનારી રાતની નિરાંતની અનુભૂતિથી મન ભરાઈ જાય છે. લાગે છે, જાણે દિવસ દરમિયાન છૂટુંછવાયું થઈ ગયેલું ઘર ફરીથી જોડાઈને એક થઈ ગયું છે.

તેમ છતાં એ સુખ બધા લોકોને મળતું નથી. પાછા ફરવા માટે એક ઘરની જરૂર રહે છે. એવું ઘર, જેમાં કુટુંબીજનો વસતાં હોય. આખા દિવસના બધાના અનુભવો રાત પડતાં જ ઘરની એક છત નીચે સમેટાઈ આવે છે અને એ છત નીચે હૂંફ સિવાય બીજું કશું જ હોતું નથી. કામધંધા-નોકરી નિમિત્તે પોતાના સ્થાન-ઘરમાંથી ઉસેટાઈને બહાર ફેંકાઈ ગયેલા લોકોને ઘેર પાછા ફરવાની અનુભૂતિ થતી નથી. હું નોકરી નિમિત્તે લગભગ એક દાયકો, જેમાં મારું કુટુંબ રહેતું હતું તે ઘર-શહેરથી દૂર, મુંબઈ-ચંદીગઢ જેવાં શહેરોમાં રહ્યો હતો. એ સમય દરમિયાન કોઈ પણ સાંજે, દસદસ વરસો સુધી, ઘેર પાછા ફરવાની લાગણી મને જન્મી નહોતી. જે શહેરોમાં નોકરી કરવા માટે હું રહેતો હતો ત્યાં મેં મારી અસ્થાયી ગૃહસ્થી ઊભી કરી હતી, છતાં ત્યાં મારું ઘર નહોતું. એ શહેરોમાં હું ચોવીસે કલાક મારા ‘પોતાના ઘર’ની બહાર હોઉં તેવો જ ભાવ મારા મનમાં રહેતો હતો. તે સમયગાળા દરમિયાન હું રજા લઈને મારા શહેરમાં આવતો ત્યારે પણ ‘ઘેર પાછો ફર્યો છું’ તેવી લાગણી થતી નહીં – કારણ કે મારે થોડા દિવસો પછી તો ફરી મારા અસ્થાયી જીવનમાં પાછા ફરવાનું છે તે વિશેની સભાનતા મારા મનમાં સતત છવાયેલી રહેતી.

ચંદીગઢમાં આકાશવાણી પર એક કાશ્મીરી પંડિત યુવતી મારી સાથે કામ કરતી હતી. એ આક્રમક અને પોતાની માગણીઓ વિશે ખૂબ જ હઠીલો સ્વભાવ ધરાવતી હતી. એનામાં પારાવાર કડવાશ ભરેલી હતી. એણે એક વાર મને કહ્યું હતું, ‘સરજી, હું અગાઉ આવી ન હતી. હું અત્યંત નમ્ર, વિવેકી, સાલસ અને સહકારની ભાવના ધરાવતી છોકરી હતી. મને ખબર છે કે હું સાવ બદલાઈ ગઈ છું, પણ એનું કારણ છે. કાશ્મીરના આતંકવાદના લીધે મારે મારા કુટુંબને અને અમારા જેવા હજારો કાશ્મીરી પંડિતોને પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે. અમને ખબર નથી કે અમે અમારાં ‘મૂળ ઘરમાં’ ક્યારેય પાછાં ફરી શકીશું કે કેમ. અમારા અસ્તિત્વનો અર્થ જ સમૂળગો બદલાઈ ચૂક્યો છે. જો તમે સાંજે તમારા ઘરમાં પાછાં ફરી ન શકો તો બધું જ અર્થહીન બની જાય છે.’ નિર્વાસિતોની વેદના સમજવા જેવી હોય છે. એમનું મૂળ ઘર, એમની પરંપરાનાં મૂળિયાં જે જગ્યામાં પડેલાં હોય છે તે બધું જ ઉચ્છેદાઈ ગયું હોય છે. ઘર આપણી પરંપરા છે અને તે જ્યારે છીનવાઈ જાય ત્યારે હૂંફ અને નિરાંતનો ભાવ પણ આપણા મનમાંથી ઊખડી ચૂકે છે, દરરોજ સાંજે ઘેર પાછાં વળતાં જ અનુભવવા મળતો ‘હાશકારો’ જિંદગીમાંથી લુપ્ત થઈ જાય છે.

વરસો પહેલા હું નોકરી નિમિત્તે વડોદરા રહ્યા પછી મારા વતન કચ્છ ભુજમાં પાછો ફરી રહ્યો હતો. ટ્રેન કુકમા નામના નાનકડા સ્ટેશન પર ઊભી હતી. મારી સાથે કામ કરતો એક ચોથા વર્ગનો કર્મચારી રોજ કુકમા સ્ટેશન પરથી ભુજ આવવા માટે ટ્રેન પકડતો. એણે મને જોયો અને કચ્છી ભાષાના માત્ર બે જ શબ્દોથી મારા ઘેર પાછા ફરવાના ભાવને પૂરેપૂરો પ્રગટ કરી આપ્યો. એણે મને પૂછ્યું : ‘કો પુગા ?’ (કાં, પહોંચી આવ્યા ?) બહુ મોટી વાત હોય છે ઘેર પાછા પહોંચી આવવું. ઘરના લોકોને ઘરમાંથી એટલા માટે જ બહાર જવા દેવામાં આવે છે. જેથી તેઓ ઘેર પાછાં ફરી શકે.

[ કુલ પાન : 143. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ઘેર પાછા આવી ગયેલા લોકો – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.